ચિંતનની પળે
કૃષ્ણકાંત ઉનડકટ
30 - દરેક માણસ કોઈ ને કોઈ અસલામતીમાં જીવે છે
હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું? કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું, અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી?
-બરકત વીરાણી ‘બેફામ’
જિંદગી અનિશ્ચિતતા અને અસલામતીથી છલોછલ છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાતે અસલામતીનો અહેસાસ થાય છે. દરેક વ્યક્તિ કોઈ અજાણ્યા ભયમાં જીવે છે. આમ થશે તો? તેમ થશે તો? આટલાં વર્ષો મેં જે મહેનત કરી છે તેના ઉપર પાણી ફરી જશે તો? મારી પાસે જે છે તે હું ગુમાવી દઈશ તો? જાત જાતના ડરને કારણે માણસ તેની ‘નેચરલ લાઇફ’ જીવી શકતો નથી. બધા જ જાણે છે કે દુનિયામાં કંઈ જ સલામત કે સિક્યોર્ડ નથી, જિંદગી જ ક્યાં સિક્યોર્ડ છે? હવે પછીની ક્ષણોમાં શું થવાનું છે એની તમને ખબર છે? ના, આપણને ખબર નથી, તો પછી સતત ડરવાનું શા માટે?
અસલામતી કે અનિશ્ચિતતા એ ડરવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે, કારણ કે એ તો હાજર જ છે. તમે તેનાથી ભાગીને ક્યાંય જઈ શકવાના જ નથી. તમે ભાગશો તો પણ એ તમને પકડી લેશે. અસલામતીથી જરા પણ ડરો કે ડગમગો નહીં, કારણ કે આપણે તેની સાથે જ તો જીવવાનું છે.
એક ફિલોસોફરે સરસ વાત કરી છે. માણસ એટલા માટે દુઃખી છે, કારણ કે તે સંપૂર્ણ અસલામત વિશ્વમાં સતત સલામતી શોધતો ફરે છે. એ સલામતી શોધી પણ લે છે અને પછી પાછો એ જ સલામતીની અસલામતી અનુભવે છે.
એક યુવાન હતો. તેને સતત એવું થતું કે મને એક એવી વ્યક્તિ મળે જે મને ખૂબ જ પ્રેમ કરે. તેને એક યુવતી સાથે પ્રેમ થયો. તેને થયું કે હું જે ઇચ્છતો હતો એ મને મળી ગયું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં. ધીમે ધીમે યુવાનને ડર લાગવા માંડયો કે મારો પ્રેમ મારાથી છીનવાઈ જશે તો? હું પાછો એકલો થઈ જઈશ તો? મારી પ્રેમિકા મને દગો દેશે તો? તેને થયું કે મારી આ મૂંઝવણ હું મારી પ્રેમિકાને જ કહું.
એક દિવસ તેણે આ વાત પ્રેમિકાને કરી. પ્રેમિકાને પૂછયું, કે તું મને આખી જિંદગી પ્રેમ કરીશને? પ્રેમિકા ખડખડાટ હસવા લાગી. પ્રેમિકાએ કહ્યું, મને ખબર નથી. આ પર્વતની ખીણમાં આપણે બેઠાં છીએ, ઉપરથી કોઈ મોટો પથ્થર હમણાં પડે અને હું મરી જાઉં તો? તને કાલની ખબર છે કે તું કાલે મારી સાથે હોઈશ? તો પછી આખી જિંદગીની ચિંતા શા માટે કરે છે? મને તો એટલી ખબર છે કે હું અત્યારે તારી સાથે છું અને તને પ્રેમ કરું છું. તું અત્યારે તારી સાથે નથી. તું આજમાં નથી. તું આવતી કાલમાં જીવે છે. આવતી કાલ જે તદ્દન અનિશ્ચિત છે, આવતી કાલ જે તદ્દન અસલામત છે. આજમાં જીવ. અત્યારે જીવ. ડર હટાવી દે. હવે પછીની ક્ષણની ખબર નથી અને તું આખી જિંદગીની ચિંતા કરે છે. આવું જ કરતો રહીશ તો તું ક્યારેય તારી સાચી જિંદગી જીવી નહીં શકે. કાલની મને ખબર નથી, કાલની મને ચિંતા પણ નથી. મને માત્ર એટલી ખબર છે કે અત્યારે હું છું, અત્યારે જેટલો પ્રેમ થાય એટલો પ્રેમ તને કરી લઉં.
કેવું છે? કાલની ખબર નથી અને આપણે ‘ગેરંટી’ અને ‘વોરંટી’ શોધતા ફરીએ છીએ. બીમારીની ખબર નથી અને મેડિકલ ઇન્સ્યુરન્સ લીધે રાખીએ છીએ. કાલની ખબર નથી અને જીવનનો વીમો ઉતારીએ છીએ. એનો મતલબ એવો નથી કે કોઈ પ્લાનિંગ જ ન કરવું. પ્લાનિંગ કરવું જ જોઈએ, સલામતી વિચારવી પણ જોઈએ, છતાં એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે અસલામતીથી ડરવાનો કોઈ જ મતલબ નથી. અને હા, ગમે તેવી અસલામતીમાં પણ જિંદગી ટકવાની જ છે. સવાલ માત્ર એટલો ચિંતનની પળે જ હોય છે કે આપણે જિંદગીને કેવી રીતે સમજીએ છીએ.
માણસને કઈ કઈ વાતનો ડર લાગે છે? ઘરનો, પ્રેમનો, સંબંધનો, જિંદગીનો અને નોકરી અથવા ધંધાનો. મજાની વાત એ છે કે આમાંથી કશું જ નિશ્ચિત નથી. આપણે એક વસ્તુ મેળવીએ છીએ અને પછી તેને પકડી રાખીએ છીએ. આપણે એટલા માટે જ પકડી રાખીએ છીએ, કારણ કે આપણને ડર છે કે એ આપણા હાથમાંથી છટકી જશે. એ છટકી જાય તો માણસ કંઈ જ કરી શકતો નથી, છતાં તેને જકડી રાખે છે.
માણસ સતત સલામતી માટે મથતો રહે છે. સલામતીની ચિંતામાં એ સરખું જીવતો પણ નથી. મને નોકરીમાંથી કાઢી મૂકશે તો? મારાં સંતાનોને કંઈ થઈ જશે તો?મારો દીકરો કે દીકરી પરીક્ષામાં ફેઇલ થશે તો?મારી દીકરીને સારું ઠેકાણું નહીં મળે તો?અરે, માણસ તો ત્યાં સુધી ડરતો રહે છે કે મારે કાલે વહેલી સવારે ટ્રેન કે ફ્લાઇટ પકડવાની છે એ હું મિસ કરી દઈશ તો?સવારે વહેલું ઉઠાશે નહીં તો? મોબાઇલમાં મૂકેલો એલાર્મ સવારે નહીં વાગે તો? મને કંઈક થઈ જશે તો? આ બધાંમાંથી કંઈ નિશ્ચિત નથી તો પણ આપણે ડરતાં રહીએ છીએ ને.
કાર્લ યુંગ નામના વિદ્વાને કહ્યું છે કે, માણસની વ્યાખ્યા દરેક માણસે સમજવી જોઈએ. માણસને તો ક્યારેય બદલવું હોતું જ નથી, પરંતુ માણસ એ માત્ર માણસ નથી. માણસ એટલે માણસ અને તેના સંજોગો. માણસ ભલે ન બદલે પણ સંજોગો તો બદલતા રહેવાના જ છે. સંજોગો બદલાય છે એટલે જ માણસ બદલાય છે. તમે તમારા સંજોગોને તમારાથી દૂર ન કરી શકો. સંજોગો એકસરખા રહેવાના જ નથી. આપણે સંજોગોની કલ્પના અને સંજોગોની શક્યતાઓ વિચારીને જિંદગીને જીવવાની મથામણ કરતાં રહીએ છીએ અને સંજોગો બદલીને સાવ જુદાં જ રૂપે સામે આવી જાય છે. એટલે જ કહેવું પડે કે જિંદગી જીવવી હોય અને જિંદગીને પ્રેમ કરવો હોય તો સંજોગોથી ડરો નહીં પણ સંજોગો સ્વીકારો. જિંદગી પ્રશ્ન આપે છે, એ પ્રશ્નનો જવાબ પૂરો કરીએ ત્યાં જિંદગી આખું ક્વેશ્વન પેપર જ બદલાવી નાખે છે.
માણસ આખી જિંદગી પ્લાનિંગમાં વિતાવે છે. માણસ પાસે કાલનું પ્લાનિંગ છે, માણસ પાસે આખી જિંદગીનું પ્લાનિંગ છે. માણસ પાસે માત્ર અત્યારનું પ્લાનિંગ નથી, અત્યારે કેમ જીવવું એ તેને ખબર નથી, કારણ કે એ કાલના પ્લાનિંગમાં જ અટવાયેલો છે, એવી કાલ જેની કંઈ જ ખબર નથી.
માણસ જ આખી જિંદગી અસલામતી અને અનિશ્ચિતાથી ડરતો અને ફફડતો રહે છે. કેટલાક લોકો તો જિંદગીથી એટલા બધા ડરી જાય છે કે એ આપઘાત કરવાનું વિચારવા લાગે છે કે આપઘાત કરી લે છે. તમને ખબર છે, માણસ સિવાય કોઈ જ જીવ ક્યારેય આપઘાત કરતો નથી. તમે કોઈ પક્ષીને ગળે ફાંસો ખાતા જોયું છે? કોઈ પશુએ ઝેર પીને જીવ દીધાનું તમે સાંભળ્યું છે? ઝરણાંનો રસ્તો બંધ કરી દો તો એ છલકીને બાજુમાં નવો રસ્તો કરી વહેવા લાગે છે. માત્ર માણસ જ અટકી જાય છે. એ એવું માનવા લાગે છે કે હવે કોઈ રસ્તો જ નથી. રસ્તો તો હોય જ છે, આપણે આપણી આંખો અને બુદ્ધિ બંધ કરી દઈએ છીએ એટલે આપણને રસ્તો દેખાતો કે સૂઝતો નથી.
અસલામતીથી બચવાનો માત્ર એક જ ઉપાય છે અને એ ઉપાય એવો છે કે અસલામતીથી ક્યારેય ડરવું નહીં. યાદ રાખો કંઈ જ સલામત નથી. આપણે જે સલામતી શોધી કે ગોઠવી છે એ સનાતન નથી. માત્ર અસલામતી જ સનાતન છે. માત્ર સલામતી પાછળ ન દોડો, અસલામતીને સ્વીકારો. કોઈ સંજોગથી થથરી ન જાવ, કોઈ વાતથી ડરી ન જાવ. તમે છો તો બધું છે. જે બદલાય છે એ માત્ર એક પરિસ્થિતિ હોય છે, જે ફરીથી બદલાવાની હોય છે.
દરેક માણસ જાણે છે કે આપણું ધાર્યું કંઈ થવાનું નથી, છતાં દરેક માણસ સતત એવું જ ઇચ્છતો અને કરતો રહે છે કે પોતાનું ધાર્યું થાય. કંઈ જ આપણા ‘કંટ્રોલ’માં નથી, છતાં આપણે બધું જ ‘કંટ્રોલ’ કરવું હોય છે અને આ ‘કંટ્રોલ’ની ઉપાધિમાં આપણે આપણા પરથી જ ‘કંટ્રોલ’ ગુમાવી દઈએ છીએ. સ્વીકારી લો કે કંઈ જ સલામત નથી, અસલામતીથી દુઃખી ન થાવ. આજમાં જીવો, અત્યારે જીવો, આ ક્ષણ તમારી છે અને તમે એ ક્ષણના છો? આપણે સમયથી ભાગી અને તેનાથી આગળ નીકળી જવાનો ખોટો પ્રયાસ કરતા રહીએ છીએ અને કાલની ચિંતામાં જીવીએ છીએ. મજા અત્યારે છે, આનંદ આ ક્ષણે છે, સુખ તમારી પડખે છે. જે અસલામતી લાગે છે એ અણસમજ છે. ડરતાં રહેશો તો ક્યારેય જિંદગી જીવી નહીં શકો. કોઈ વાતનો અફસોસ ન કરો, કોઈ વાતની ચિંતા ન કરો. જિંદગી જેવી છે એવી ખુલ્લા દિલે જીવો, તો જ જિંદગી જીવવાની મજા આવશે.
છેલ્લો સીન :
જીવન એટલે માણસનો એવી પરિસ્થિતિ સામેનો સંઘર્ષ જે તેને દબાવી દેવા માગે છે.
-સ્વામી વિવેકાનંદ
***