ચિંતનની પળે - સીઝન - 3 - 29 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 29

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 29 - નવા વર્ષે સંકલ્પ કરો
  • મારી જિંદગી હું પૂરી ભવ્યતાથી જીવીશ

    રોજ સાંજે ને સવારે હોય શું? એક ઇચ્છાથી વધારે હોય શું?

    જો હૃદયમાં બેસી ગઈ હો પાનખર, તો બગીચે ને બહારે હોય શું?

    દિનેશ ડોંગરે ‘નાદાન’

    આજથી નવું વર્ષ શરૂ થયું. માણસને શું ફેર પડે છે? વર્ષ તો આવે અને જાય. આપણે ન હતા ત્યારે પણ વર્ષ બદલાતું હતું, આપણે નહીં હોઈએ ત્યારે પણ વર્ષ બદલાશે. રોજ જેવી જ સવાર છે અને દરરોજ જેવી જ રાત હશે. માત્ર કેલેન્ડર બદલાય છે, બીજું કશું જ નહીં. આવું વિચારવું હોય તો વિચારી શકાય.

    એ સિવાય થોડુંક જુદી રીતે પણ વિચારી શકાય. આજથી એક નવી શરૂઆત થાય છે. એક નવી કૂંપળ ફૂટે છે. આ કૂંપળમાંથી ધીમે ધીમે ફૂલ બનશે. સૂરજના પહેલા કિરણ જેવી નજાકત આ નવા વર્ષના પહેલા દિવસમાં છે. દરેક નવી શરૂઆત સાથે જિંદગીમાં પણ કંઈ નવીનતા ઉમેરાવી જોઈએ, કારણ કે જિંદગીથી ઉત્તમ અને જિંદગીથી સુંદર કંઈ જ નથી. અંગ્રેજીમાં એક વાક્ય છે, નથિંગ ઈઝ લાર્જર ધેન લાઈફ.

    ગયા વર્ષની કઈ એવી ઘટના છે જે તમને મમળાવવાનું મન થાય છે? ગયા ૩૬૫ દિવસમાં કયો દિવસ તમારા માટે ‘બેસ્ટ ડે ઓફ ધ યર’ હતો? કયું દૃશ્ય તમને યાદ આવે છે? તમારી સાથે શું સારું બન્યું હતું? યાદ કરવા માટે વિચાર કરવો પડે છે, કારણ કે આપણે સારું ઝડપથી ભૂલી જઈએ છે.આપણે ચુંબનને ભૂલી જઈએ છીએ ને થપ્પડને યાદ રાખીએ છીએ.

    જિંદગી કેવી છે? દોસ્તી યાદ રાખવી પડે છે અને નફરત ભુલાતી નથી. ફ્રેન્ડશિપ ‘ફ્રેશ’ નથી અને નફરતમાં ‘ગ્રેસ’ નથી. જિંદગી ‘ગ્રેસફુલ’ હોવી જોઈએ. ગમે તે થાય હું મારો ‘ગ્રેસ’ ગુમાવીશ નહીં. દરેક જિંદગીની એક ભવ્યતા છે. તમારી જિંદગી કેટલી જાજરમાન છે? તમને તમારું કેટલું ગૌરવ છે?

    આજે નવા વર્ષના દિવસે તમને એમ કહેવામાં આવે કે તમારે એક વ્યક્તિને માફ કરવાની છે. તો તમે કોને માફ કરો? એક ઘટના તમારે કાયમ માટે ભૂલી જવાની છે, તો તમે કઈ ઘટના ભૂલી જાવ? એક માણસ સંત પાસે ગયો. સંતને પૂછયું કે, માણસ દુઃખી શા માટે છે? સંતે કહ્યું કે, સાવ સરળ અને સીધું કારણ છે માણસ દુઃખી એટલા માટે થાય છે, કારણ કે જે ભૂલવાનું હોય એ ભૂલતો નથી અને જે યાદ રાખવાનું હોય એ ભૂલી જાય છે. આ ક્રમને ઉલટાવી નાખો તો સુખ જ સુખ છે.

    જિંદગીએ ત્રણ પાનાંનું પુસ્તક છે. બે પાનાં તો કુદરતે અગાઉથી જ લખી નાખ્યાં છે આ બે પાનાંમાં પહેલું પાનું છે, જન્મ. અને ત્રીજું પાનું છે મૃત્યુ. માત્ર વચ્ચેનું પાનું ભગવાને આપણા માટે છોડયું છે. આ પાનું એટલે જિંદગી. તમારે આ પાનામાં શું લખવું છે? આ પાનામાં તમારે કેવું ચિત્ર દોરવું છે, સોહામણું કે બિહામણું? કેટલું રડવું છે અને કેટલું હસવું છે? કેટલો પ્રેમ કરવો છે અને કેટલી નફરત? ચોઈસ ઈઝ યોર્સ. પસંદગી તમારે કરવાની છે.

    જિંદગી જીવો, કારણ કે જિંદગી બીજી વખત નથી મળવાની. આપણે ઘણા પ્રશ્નોમાં કારણ વગરના ઉલઝતા હોઈએ છીએ? ભગવાન રજનીશને એક વખત એક માણસે સવાલ કર્યો. તમારા આશ્રમમાં તો બધું જ ‘બેફામ’ છે. બધા લોકો બિન્ધાસ્ત વર્તે છે, કોઈ વાતનો છોછ નથી, ઘણું બધું એવું ચાલે છે જે યોગ્ય નથી. રજનીશે શાંતિથી ઉત્તર આપ્યો કે એમાં મારે શું? પેલા માણસે આશ્ચર્ય સાથે કહ્યું કે, તમે કેવી વાત કરો છો? આ આશ્રમ તો તમારો છે.

    રજનીશે હળવાશથી કહ્યું, આશ્રમ મારો છે તો પછી એમાં તારે શું? આપણે જિંદગીના કયા પ્રશ્નને આટલી હળવાશથી લઈએ છીએ?

    તમને ક્યારેય એવું લાગે છે કે આપણે જિંદગીને વધુ પડતી ગંભીરતાથી લઈએ છીએ? જિંદગી ગંભીર છે જ નહીં. જિંદગી તો સાવ હળવી છે. આપણે તેને ભારે અને ગંભીર બનાવી દઈએ છીએ. આપણે આપણો ‘ગ્રેસ’ અને ગૌરવ ગુમાવી દઈએ છીએ. ગમે તે થાય જિંદગીમાં ‘ગ્રેસ’ ન ગુમાવો. પ્રેમમાં પણ નહીં અને નફરતમાં પણ નહીં.

    એક માણસે તેના મિત્રને પૂછયું પ્રેમ કરવો અઘરો છે કે નફરત? મિત્રએ જવાબ આપ્યો કે નફરત કરવી વધુ અઘરી છે, કારણ કે નફરતમાં વધુ ‘ગ્રેસ’ની જરૂર પડે છે. દોસ્તી રાખવી સહેલી છે પણ દુશ્મની નિભાવવી અઘરી છે. ગમે એવી નફરત હોય તો પણ માણસે મક્કમ રહેવું જોઈએ કે ના હું આવું તો નહીં જ કરું, હું મારું ગૌરવ ગુમાવીશ નહીં. ઘણી વખત માણસનું સાચું માપ દોસ્તીમાં નહીં પણ નફરતમાંથી નીકળે છે.

    બે પ્રેમી હતાં. બંને વચ્ચે કોઈ બાબતે મનદુઃખ થયું. બંને જુદાં પડી ગયાં. એક વખત પ્રેમિકાને કોઈ કહ્યું કે, એ તો તારા વિશે એલફેલ બોલતો હતો. તું સારી નથી એવું કહેતો હતો. આ વાત સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે આ વાત ખોટી છે એ મારા વિશે આવું બોલે જ નહીં, કારણ કે હું એ માણસને ઓળખું છું. આજે ભલે અમે જુદાં છીએ પણ એક સમયે અમે ભરપૂર પ્રેમ કર્યો હતો. તે મારા વિશે કેવું વિચારી શકે એ હું વિચારી શકું છું. ભલે અમે જુદાં થઈ ગયાં પણ મને એ માણસનું ગૌરવ છે. પેલા માણસે કહ્યું કે હું તો માત્ર થોડુંક ખોટું બોલીને તને ચકાસતો હતો. તારા જૂના પ્રેમીએ તો એવું જ કહ્યું હતું કે, તું સારી છે. અમુક બાબતે અમારે ન બન્યું પણ તેનો મતલબ એ નથી કે તે ખરાબ થઈ ગઈ. આપણા કેટલા સંબંધ આ કક્ષાના હોય છે? આપણે જુદા પડીએ પછી કેમ એકબીજાને બદનામ જ કરીએ છીએ.

    બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. એકે કહ્યું કે આપણો સંબંધ આજથી પૂરો. બીજા મિત્રએ કહ્યું કે, હશે. આપણો એક સંબંધ પૂરો થયો અને કદાચ નવો, જુદો અને નફરતનો સંબંધ શરૂ થાય છે. આ પણ એક સંબંધ નથી? નફરતથી પણ આપણે એક-બીજાને યાદ તો કરવાના જ છીએ. ચાલ, છૂટા પડતી વખતે એક નિર્ણય કરીએ કે જ્યારે યાદ કરીશું ત્યારે આપણે આપણાં સારા દિવસો અને સાથે વિતાવેલો શ્રેષ્ઠ સમય યાદ કરીશું. દોસ્ત, પૂરું તો એક દિવસ બધું જ થવાનું છે. જિંદગી પણ. નફરત સાથે શા માટે કંઈ પૂરું કરવું? અને હવે સંબંધ પૂરો જ કરવાનો છે તો પછી પ્રેમથી પૂરો કરીએ.

    જિંદગીમાં કંઈ જ પરમેનન્ટ નથી. અરે, જિંદગી ખુદ ક્યાં પરમેનન્ટ છે? જે છે એ આજ છે, જે છે એ અત્યારે જ છે. અત્યારે જે છે એ જ જિંદગી છે. તમને જિંદગીથી પ્રેમ છે? તો આ ક્ષણ જીવી જાણો. નક્કી કરો કે હું મારી જિંદગી ભવ્યતાથી જીવીશ. કુદરતે આ જિંદગી દુઃખી થવા માટે નથી આપી, તેણે તો જીવવા માટે આપી છે. નવા વર્ષનો પ્રારંભ એવા સંકલ્પથી કરો કે જિંદગીની કોઈ ક્ષણ હું વેડફીશ નહીં, હું દરેક ક્ષણ જીવીશ, કારણ કે જિંદગી જીવવા માટે છે, કારણ કે જિંદગી ખૂબસૂરત છે. જિંદગી તમારી રાહ જુએ છે, તમે એને ગળે વળગાડી લો. જિંદગીને ખૂબ પ્રેમ કરો… માત્ર નવા વર્ષની જ નહીં, પૂરેપૂરી આખેઆખી, સંપૂર્ણ અને સુંદર જિંદગીની શુભકામના.

    છેલ્લો સીન

    Life is too short to waste time in hating anyone.

    ***