Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 21

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ

(સિક્વલ)

પ્રકરણ ૨૧

જે ટી મેટ્સનને પરત બોલાવાયા

“એટલેકે તેઓ આવી પહોંચ્યા છે!” યુવાન ખલાસીએ ફરીથી કહ્યું, અને તમામ લોકો તે સમજી ગયા. કોઈને પણ શંકા ન હતી કે પેલી ઉલ્કા એ ગન ક્લબનો ગોળો જ હતો. પરંતુ અંદર રહેલા મુસાફરો વિષે મતમતાંતર જરૂર હતા.

“તેઓ મૃત્યુ પામ્યા છે!” એક વ્યક્તિએ કહ્યું.

“તેઓ જીવતા છે!” બીજાએ કહ્યું, “ખાડો ખુબ ઊંડો છે અને તેનો ધક્કો જબરદસ્ત હતો.”

“પરંતુ તેમને હવા તો જોઈએને?” ત્રીજાએ ચાલુ રાખ્યું; “તેઓ ગૂંગળાઈને જરૂર મૃત્યુ પામ્યા પશે.”

“સળગી ગયા હશે!” ચોથાએ જવાબ આપ્યો, “ગોળો જ્યારે વાતાવરણમાં પ્રવેશ્યો ત્યારથી અત્યારસુધી સળગતો હતો.”

“શું એનો કોઈ અત્યારે મતલબ છે ખરો?” બધા એક સાથે બોલ્યા, “જીવતા હોય કે મૃત્યુ પામેલા આપણે એમને બહાર કાઢવા જોઈએ!”

પરંતુ કેપ્ટન બ્લોમ્સબેરીએ તેમના અધિકારીઓને ભેગા કરી દીધા હતા, તેમની મંજૂરી બાદ જ અને તેઓ એક બેઠક આયોજીત કરી રહ્યા હતા. તેમણે તુરંત જ કોઈ નિર્ણય લેવાનો હતો. સહુથી વધુ ઉતાવળ ગોળાને બહાર કાઢવાની હતી. આ એક મુશ્કેલ ઓપરેશન હતું પરંતુ અશક્ય ન હતું. પરંતુ આ જહાજ પાસે યોગ્ય મશીનરી ન હતી જે ગોળાની સાથે જોડાઈ પણ શકે અને તેને બહાર કાઢવા જેટલી શક્તિશાળી પણ હોય, આથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે તેમણે નજીકના પોર્ટ પર માહિતી આપવી કે ગન ક્લબનો ગોળો દરિયામાં ખાબક્યો છે.

નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો પરંતુ પોર્ટની પસંદગી પર વિચાર કરવાનો હતો. સત્યાવીસ અક્ષાંસ પરનું પોર્ટ સહુથી નજીક હતું પરંતુ તેમાં એન્કરેજ ન હતું. મોન્ટેરરીના દ્વિપકલ્પ જે થોડો દૂર હતો તે તેના પોર્ટનું નામ એ જ શહેર સાથે જોડાયેલું હતું પરંતુ તે રણના કિનારે હતું અને તે ટેલીગ્રાફીક વાયરો અને વીજળીથી જોડાયેલું ન હોવાથી સંદેશો ઝડપથી પહોંચાડવા માટે અસમર્થ હતું.

તેની આગળ સાન ફ્રાન્સિસ્કોની ખાડી હતી. આ સોનાના સમગ્ર શહેરમાં સંપર્કની એવી વ્યવસ્થા હતી જેનાથી દેશની રાજધાની સાથે આસાનીથી સંપર્ક સાધી શકાય. જો સુસક્વેહાના દ્વારા પૂરતું દબાણ કરવામાં આવે તો બે દિવસમાં તેઓ અહીં પહોંચી શકે છે પરંતુ તેમણે તેમની સફર તુરંત જ શરુ કરવી પડે એમ હતી.

અગ્નિ પેટાવી દેવામાં આવ્યો, તેઓ ગમે ત્યારે કામ શરુ કરી શકતા હતા. તેમના કાર્યમાં બે હજાર ફેધમ્સ હજી પણ બાકી હતા અને કેપ્ટન બ્લોમ્સબેરી ખેંચવાના કાર્યમાં કિંમતી સમય બગાડવા માંગતા ન હતા.

“આપણે એ બૂચના અંતભાગને બાંધી દઈશું,” તેમણે કહ્યું, “અને એ બૂચ આપણને ગોળો જ્યાં પડ્યો હશે તેનું ચોક્કસ સ્થાન બતાવશે.”

“આ ઉપરાંત,” લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડે કહ્યું, “આપણે અત્યારે સત્યાવીસ પૂર્ણાંક સાત અક્ષાંસ અને એકતાળીસ પૂર્ણાંક સાડત્રીસ રેખાંશ પર ઉભા છીએ.”

“તો શ્રીમાન બ્રોન્સફિલ્ડ,” કેપ્ટને જવાબ આપ્યો, “તમારી મંજૂરી હોય તો આપણે લાઈન કટ કરીએ.”

એક મજબૂત બૂચને બે લાકડીઓ સાથે જોડીને સમુદ્રમાં ફેંકવામાં આવ્યો. દોરડાનો છેડો તેની સાથે વ્યવસ્થિતપણે જોડવામાં આવ્યો હતો; અને તેને એ રીતે છોડી મુકવામાં આવો જેથી દરિયાના મોજાઓ સાથે આસાનીથી ઉપર નીચે જઈ શકે અને બૂચ એ જગ્યાએથી બિલકુલ હલે નહીં.

આ સમયે એન્જીનીયરોએ કેપ્ટનને જણાવ્યું કે ભરતી ચાલુ થઇ ગઈ છે અને તેઓ પોતાની સફર શરુ કરી શકે છે જેની સાથે કેપ્ટન સહમત થયા અને તેમનો આભાર માન્યો. ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની સફર શરુ થઇ અને જહાજને પૂર્ણ ભરતી સાથે સાન ફ્રાન્સિસ્કોની દિશા તરફ આગળ વધારવામાં આવ્યું. આ સમયે સવારના ત્રણ વાગ્યા હતા.

ચારસોને પચાસ માઈલ જે સુસક્વેહાના જેવા જહાજ માટે નગણ્ય હતા. માત્ર છત્રીસ કલાકમાં તેણે એ અંતર કાપી લીધું અને ચૌદમી ડિસેમ્બરે રાત્રે એક વાગીને સત્યાવીસ મિનિટે તે સાન ફ્રાન્સિસ્કોની ખાડીમાં પ્રવેશ કરી ચૂક્યું હતું.

રાષ્ટ્રીય નેવીના જહાજને તિવ્ર ગતિથી આવતા જોઈ અને તેનો આગળનો દંડ તૂટેલો જોતા લોકોમાં કુતુહલ ચરમસીમાએ પહોંચ્યું. પોર્ટના ધક્કા પર ભીડ જમા થઇ ગઈ જે જહાજ પરના લોકોના નીચે ઉતરવાની રાહ જોઈ રહી હતી.

જહાજના લાંગર્યા બાદ કેપ્ટન બ્લોમ્સબેરી અને લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડ એક નાનકડી હોડીમાં બેઠા જેણે તેમને બહુ જલ્દીથી કિનારે પહોંચાડ્યા.

તેઓ ધક્કા પર કૂદી પડ્યા.

“ટેલીગ્રાફ?” તેમને પુછાઇ રહેલા અસંખ્ય સવાલોને અવગણીને તેમણે પૂછ્યું.

પોર્ટનો ઓફિસર તેમને ભીડમાંથી દોરીને ટેલીગ્રાફ ઓફિસમાં લઇ ગયો અને ભીડના લોકો એકબીજા સાથે ઓફીસના દરવાજે ટકરાવા લાગ્યા.

થોડા સમય બાદ ચાર જગ્યાએ ટેલીગ્રામ મોકલવામાં આવ્યા, પહેલો વોશિંગ્ટનના નેવલ સેક્રેટરીને, બીજો બાલ્ટીમોરની ગન ક્લબના ઉપપ્રમુખને અને ત્રીજો લોંગ પીક, રોકી માઉન્ટેન્સ ખાતે માનનીય જે ટી મેટ્સનને અને ચોથો કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરી, મેસેચ્યુસેટ્સના સબ ડિરેક્ટરને.

તેમાં લખ્યું હતું:

બારમી ડિસેમ્બરે, સવારે એક વાગીને સાત મિનિટે વીસ પૂર્ણાંક સત્યાવીસ ઉત્તર અક્ષાંસ અને એકતાલીસ પૂર્ણાંક સાડત્રીસ પશ્ચિમ રેખાંશ પર કોલમ્બિયાડનો ગોળો પેસિફિકમાં ખાબક્યો છે. - દ્વારા બ્લોમ્સબેરી, કમાન્ડર સુસક્વેહાના.

પાંચ મિનીટ બાદ સમગ્ર સાન ફ્રાન્સિસ્કો શહેરને આ સમાચારની ખબર પડી ગઈ. સાંજે છ પહેલા દેશના તમામ રાજ્યોએ આ મહાન દુર્ઘટના વિષે સાંભળી લીધું, અને મધ્યરાત્રી બાદ કેબલ દ્વારા સમગ્ર યુરોપને મહાન અમેરિકન પ્રયોગ વિષે જાણવા મળ્યું. સમગ્ર વિશ્વમાં આ અનિચ્છનીય ઘટનાની અસર કેવી થઇ તેનું ચિત્ર વર્ણન કરી શકાય એવું ન હતું.

ટેલિગ્રામ મળતા જ નેવલ સેક્રેટરીએ સુસક્વેહાનાને સાન ફ્રાન્સિસ્કોની ખાડીમાં તેની અગ્નિ ઠાર્યા વગર રાહ જોવાનું કહ્યું. દિવસ અને રાત્રે કોઇપણ સમયે તે સફર ખેડવા માટે તૈયાર હોવું જોઈએ.

કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીએ ખાસ બેઠક બોલાવી જેમાં નિષ્ણાતો અને પંડિતોએ પૂરતી ગંભીરતા સાથે આ પ્રશ્નના વૈજ્ઞાનિક ઉકેલો વિષે શાંતિથી ચર્ચા કરી. ગન ક્લબ ખાતે ધડાકો થયો. તમામ બંદુકબાજો ભેગા થયા. માનનીય ઉપપ્રમુખ વિલકમ એક કાયમી સંદેશ વાંચી રહ્યા હતા જેમાં જે ટી મેટ્સન અને બેલફાસ્ટે જાહેર કર્યું હતું કે લોન્ગ્સ પીક ખાતેના વિશાળ ટેલીસ્કોપમાં ગોળો જોવામાં આવ્યો છે અને તે ચન્દ્રના આકર્ષણમાં આવી ગયો છે અને તે ચન્દ્રના ઉપગ્રહ તરીકે કાર્ય કરી રહ્યો છે.

આપણને બધાને એ મુદ્દાની સત્યતા વિષે ખબર જ છે.

પરંતુ બ્લોમ્સબેરીના સંદેશ આવતાની સાથે જે પૂર્ણ રીતે જે ટી મેટ્સનના ટેલીગ્રામના સંદેશની વિરુદ્ધ હતું બે પક્ષો ગન ક્લબના ભોયરામાં એકઠા થયા. એક પક્ષ ગોળાના દરિયામાં પડવા અંગે નિશ્ચિત હતા અને મુસાફરો પરત આવ્યા છે એમ કહી રહ્યા હતા, તો બીજા પક્ષે જે લોકો લોન્ગ્સ પીકની વાત માની રહ્યા હતા તેઓએ કહી દીધું હતું કે સુસક્વેહાનાના કમાન્ડરે ભૂલ કરી છે. જે પત્ર ગોળાને લઈને મોકલવામાં આવ્યો છે તે કોઈ ઉલ્કાથી વિશેષ કશું જ નથી અને તે સળગતી સળગતી જહાજની સામે આવીને ખાબકી હશે. આ દલીલનો જવાબ આપવો મુશ્કેલ હતું, જે ગતિએ તે નીચે પડ્યો હતો તેના વિષે કશું પણ કહી શકાય એમ ન હતું. સુસક્વેહાનાના કમાન્ડરે કોઇપણ પ્રકારના બદઈરાદા વગર જ ભૂલ કરી છે; એક દલીલ એવી પણ હતી કે જો ગોળો પૃથ્વી પર પડ્યો છે તો તેનું પડવાનું સ્થળ સત્યાવીસ અક્ષાંસ ઉત્તર હોવું જોઈએ અને (તેની નીચે પડવાની ગતિ અને પૃથ્વીની સૂર્યની આસપાસ ફરવાની ગતિને ધ્યાનમાં લઈને) એકતાળીસ અથવાતો બેતાલીસ રેખાંશ પશ્ચિમ હોવું જોઈએ. હકીકત કોઇપણ હોય ગન ક્લબમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે બ્લોમ્સબેરી ભાઈઓ, બીલ્સબે અને મેજર એલ્ફિસ્ટન તરતજ સાન ફ્રાન્સિસ્કો જાય અને દરિયામાં જો ગોળો ખરેખર ખાબક્યો હોય તો તેનો મતલબ શું થાય તે જાણવાનો પ્રયાસ કરે.

આ આજ્ઞાંકિત પુરુષો તરતજ ઉપડ્યા અને જે રેલમાર્ગ થોડા જ સમયમાં સમગ્ર અમેરિકામાં ફેલાઈ જવાનો હતો તેણે તેમને સેન્ટ લુઇસ પહોંચાડ્યા જ્યાં બે ઝડપી મેઈલ કોચ તેમની રાહ જોઈ રહ્યા હતા. આ જ સમયે સેક્રેટરી ઓફ મરીન, ગન ક્લબના ઉપપ્રમુખ અને ઓબ્ઝરવેટરીના સબ ડિરેક્ટરને સાન ફ્રાન્સિસ્કોથી સંદેશ મળ્યો કે માનનીય જે ટી મેટ્સન હાલમાં અતિશય ઉત્સાહની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે, આ એક એવો ઉત્સાહ હતો જેમાં તેમણે તેમની બંદૂકમાંથી ગોળીઓ છોડી અને તેમાં પણ એકથી વધુ વખત તેમના જીવ પર પણ તકલીફ ઉભી થઇ હતી, પરંતુ તેઓને કશું થયું નથી.

આપણને એ યાદ જ છે કે ગન ક્લબના સેક્રેટરી ગોળાના છૂટવાના તુરંત બાદ રોકી માઉન્ટનના લોન્ગ્સ પીક પર આવેલા સ્ટેશન માટે રવાના થયા હતા, જે બેલફાસ્ટ કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના ડિરેક્ટર તેમની સાથે હતા. અહીં આવ્યા બાદ આ બંને મિત્રોએ છેક સુધી તેમના વિશાળ ટેલિસ્કોપ સામેથી પોતાનું સ્થાન છોડ્યું ન હતું. આપણને ખબર છે કે આ વિશાળ સાધનને એક વ્યવસ્થા અનુસાર ગોઠવવામાં આવ્યું હતું. જે વ્યવસ્થા અનુસાર અવકાશના પદાર્થનું પ્રવર્તન થતા તેને સતત રીતે સ્પષ્ટપણે જોઈ શકાતો હતો અને આથી તેને એકદમ ટોચ પર મુકવામાં આવ્યું હતું અને તેના સુધી પહોંચવા માટે જે ટી મેટ્સન અને બેલફાસ્ટ ગોળાકાર સીડી દ્વારા જતા હતા.

ટેલિસ્કોપ ઉપર એક સાંકડું પ્લેટફોર્મ ગોઠવવામાં આવ્યું હતું જેથી આ બંને પંડિતો પોતાનો દિવસ શાંતિથી પસાર કરી શકે અને રાત્રે તેમની આંખોથી વાદળોમાંથી પસાર થતા ચન્દ્રને પણ નિહારી શકે.

તેમને ત્યારે ખુશીનો અનુભવ થયો જ્યારે પાંચમી ડિસેમ્બરની રાત્રીએ તેમણે એ વાહનને જોયું જે તેમના મિત્રોને ચન્દ્ર પર લઇ ગયું હતું! આ ખુશી ત્યારે એક મોટી ગેરસમજણમાં ફેરવાઈ ગઈ જ્યારે તેમણે પોતાના આ ઉતાવળા અવલોકન પર ભરોસો કરીને વિશ્વને તેમનો પ્રથમ ટેલીગ્રામ કરી દીધો અને ખોટી રીતે સાબિત કરી દીધું કે ગોળો હવે ચન્દ્રનો ઉપગ્રહ બની ગયો છે અને તેની આસપાસ સદા માટે ફરતો રહેશે.

ત્યારબાદ ગોળો તેમને ક્યારેય દેખાયો ન હતો, એમ કહોને કે તેમની આંખોથી અદ્રશ્ય જ થઇ ગયો હતો કારણકે તે ચન્દ્રની સપાટીની બીજી તરફ જતો રહ્યો હતો; પરંતુ જ્યારે તે ફરી એકવાર દેખાતો થયો ત્યારે કોઇપણ વ્યક્તિ એ કલ્પના કરી શકે છે કે ગુસ્સાથી ભરપૂર એવા જે ટી મેટ્સન અને તેમના ઉતાવળિયા સાથીની ઉતાવળ કેવી હશે. એ રાત્રીની દરેક મીનીટે તેમને લાગ્યું કે તેમણે ગોળો જોયો છે...અને નથી પણ જોયો. અને આથી તે બંને વચ્ચે ચર્ચા અને આકરા મતભેદો બહાર આવ્યા જેમાં બેલફાસ્ટ કહી રહ્યા હતા કે ગોળો દેખાયો નથી, જ્યારે જે ટી મેટ્સન તેને પોતાની આંખે જોયો હોવાનો દાવો કરી રહ્યા હતા.

“એ ગોળો છે!” જે ટી મેટ્સને જવાબ આપતા કહ્યું.

“ના,” બેલફાસ્ટે જવાબ આપ્યો, “તે ચન્દ્રના પહાડ પરથી છૂટો પડેલો બરફનો ગોળો છે.”

“આપણે આવતીકાલે એ જોઈશું.”

“ના, હવે આપણે તેને ક્યારેય જોઈ નહીં શકીએ. તે હવે અવકાશમાં ખોવાઈ ગયો છે.”

“હા!”

“ના!”

અને આ ક્ષણોએ જ્યારે મતભેદો અત્યંત તીવ્ર બન્યા, ગન ક્લબના સેક્રેટરીના પ્રખ્યાત ગુસ્સાએ માનનીય બેલફાસ્ટ માટે મોટા પ્રમાણમાં જોખમ ઉભું કર્યું. હવે આ બંને એકસાથે રહી શકે તે અશક્ય બન્યું હતું, પરંતુ એક અણધારી ઘટનાએ તેમની આ અનંત ચર્ચા રોકી દીધી.

ચૌદ અને પંદર ડિસેમ્બરની રાત્રીએ જ્યારે આ બંને જક્કી મિત્રો ચન્દ્રનું નિરીક્ષણ કરી રહ્યા હતા, જે ટી મેટ્સન પંડિત બેલફાસ્ટને કાયમની જેમ ગુસ્સામાં કશુંક કહી રહ્યા હતા, જે તેમની બાજુમાં જ બેઠા હતા; ગન ક્લબના સેક્રેટરીએ એક હજારમી વખત કહ્યું કે તેમણે હમણાં જ ગોળો જોયો અને ઉમેર્યું કે તેમણે બારીમાંથી બહાર જોતા માઈકલ આરડનનો ચહેરો પણ જોયો છે, એ જ સમયે તેમણે અનેક પ્રકારના ઈશારાઓ કરીને એ પણ દર્શાવ્યું કે તેઓ પોતાના સાથીદારથી કેટલા બધા ગુસ્સામાં છે.

આ સમયે બેલફાસ્ટનો નોકર પ્લેટફોર્મ પર ઉપસ્થિત થયો (ત્યારે રાત્રીના દસ વાગ્યા હતા) તેણે એક સંદેશ આપ્યો જે સુસ્ક્વેહાનાના કમાન્ડરનો ટેલીગ્રામ હતો.

બેલફાસ્ટે કવર તોડ્યું વાંચ્યું અને બૂમ પાડી.

“શું!” જે ટી મેટ્સને પૂછ્યું.

“ગોળો!”

“તો!”

“જમીન પર પડ્યો છે!”

એક બીજી બૂમ આ વખતે કરુણ હતી તેણે તેમને જવાબ આપ્યો. તેઓ જે ટી મેટ્સન તરફ વળ્યા. એ બદનસીબ માનવી જે ધાતુના ટેલિસ્કોપ પર નમીને ઉભો હતો તે એમાં જ ખોવાઈ ગયો હતો. બસોને એંશી ફૂટ નીચે પડ્યો હતો! બેલફાસ્ટ ચિંતામાં આવી જઈને રીફલેકટરની ઓફીસ તરફ દોડ્યા.

તેમણે શાંતિનો શ્વાસ લીધો. કારણકે જે ટી મેટ્સન ધાતુના એક હુકમાં ભરાઈ ગયા હતા અને તેઓ ટેલિસ્કોપને બાંધી રાખતી રીંગમાંથી એકને પકડીને લટકી રહ્યા હતા અને ડરામણા અવાજો કરી રહ્યા હતા.

બેલફાસ્ટે મદદ માંગી. મદદ આવી પણ ખરી. ટેલિસ્કોપને નીચો કરવામાં આવ્યો અને પછી થોડી તકલીફો બાદ ગન ક્લબના અવિવેકી સેક્રેટરીને કોઇપણ પ્રકારની ઈજા વગર બહાર કાઢવામાં આવ્યા.

“આહ!” તેમણે કહ્યું, “જો કાચ તૂટી ગયો હોત તો?”

“તો તમારે તેની કિંમત ચૂકવવી પડી હોત.” બેલફાસ્ટ કડક શબ્દોમાં બોલ્યા.

“શું પેલો બદનસીબ ગોળો નીચે પડ્યો છે? જે ટી મેટ્સને પૂછ્યું.

“પેસિફિકમાં!”

“તો ચલો જઈએ!”

પંદર મિનિટમાં આ બંને વિદ્વાનો રોકી માઉન્ટનથી નીચે આવ્યા અને બે દિવસ બાદ તેઓ ગન ક્લબના તેમના સાથીઓની જેમ જ રસ્તામાં પાંચ ઘોડાઓને મારીને સાન ફ્રાન્સિસ્કો આવી પહોંચ્યા.

એલ્ફિસ્ટન, બ્લૂમ્સબેરી ભાઈઓ અને બિલ્સ્બી તેમના આગમન સમયે ત્યાં ધસી ગયા.

“હવે આપણે શું કરવું જોઈએ?” તેમણે પૂછ્યું.

“ગોળાને બહાર કાઢવો જોઈએ,” જે ટી મેટ્સને કહ્યું, “અને બને તેટલો જલ્દી.”

***