Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ)

રાઉન્ડ ધ મૂન – ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ)

રાઉન્ડ ધ મૂન – પ્રાથમિક પ્રકરણ

(પ્રથમ ભાગની ઓળખ અને આ ભાગની પ્રસ્તાવના)

૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા સશસ્ત્ર સૈનિકોના એક મિત્રવર્તુળ એટલેકે ગન ક્લબના સભ્યોએ ચન્દ્ર સાથે પોતાનો સંપર્ક સ્થાપવાનું નક્કી કર્યું! જી હા ચન્દ્ર સાથે જેના માટે તેમણે એક ગોળો ત્યાં મોકલવાનો નિર્ણય લીધો. તેમના પ્રમુખ, બાર્બીકેન, આ સાહસના પ્રોત્સાહકે, કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના અવકાશશાસ્ત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ, આ અભૂતપૂર્વ સાહસની સફળતા માટે બનતા પગલા લીધા હતા જેને મોટાભાગના નિષ્ણાતોએ શક્ય હોવાનું જાહેર કર્યું હતું. જાહેર ભંડોળ જાહેર કરવામાં આવ્યા બાદ તેણે લગભગ ૧.૨૦૦,૦૦૦ ડોલર્સ ભેગા કર્યા હતા અને ત્યારબાદ આ વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

ઓબ્ઝરવેટરીના સભ્યો દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર જે તોપ અવકાશમાં ગોળો છોડવાની હતી તેને ૦ થી ૨૮ અક્ષાંશ પર રાખવામાં આવી હતી જ્યાંથી ચન્દ્ર પૃથ્વીની સહુથી નજીક હોય છે, અને તેની પ્રારંભિક ગતિ બાર હજાર પ્રતિ સેકન્ડ નક્કી કરવામાં આવી હતી. પહેલી ડિસેમ્બર રાત્રે દસ વાગીને છેતાલીસ મિનીટ અને ચાળીસ સેકન્ડે છોડવામાં આવેલો ગોળો તેના ચાર દિવસ બાદ મધ્યરાત્રીએ નિશ્ચિતપણે, જ્યારે તેની ધરી પૃથ્વીની સહુથી નજીક હોય, એટલેકે ફ્રેન્ચ ગણતરી મુજબ ૮૬,૪૧૦ લિગ્સ અને અંગ્રેજી ગણતરી મુજબ ૨૩૮,૮૩૩ માઈલ દૂર હોય ત્યારે ચન્દ્ર પર પહોંચવાનો હતો.

ગન ક્લબના મુખ્ય સભ્યો, પ્રમુખ બાર્બીકેન, મેજર એલ્ફીસ્ટન અને સેક્રેટરી જોસેફ ટી મેટ્સન અને અન્ય જ્ઞાની વ્યક્તિઓએ અસંખ્ય બેઠકો કરી જેમાં ગોળાનું સ્વરૂપ અને તેના તત્વો અંગે ચર્ચા થઇ, તે ઉપરાંત તોપનું સ્વરૂપ અને તેને ક્યાં ગોઠવવી અને પાઉડરની ગુણવત્તા અને જથ્થાને પણ ચર્ચવામાં આવ્યા હતા. પહેલા, ગોળો એલ્યુમિનિયમનો બનાવવો એમ નક્કી કરવામાં આવ્યું જેનો ડાયામીટર ૧૦૮ ઈંચનો અને તેની દિવાલોની જાડાઈ બાર ઈંચની અને તેનું વજન ૧૯,૨૫૦ પાઉન્ડનું રાખવાનું નિશ્ચિત કરાયું. બીજું, તોપ કોલમ્બિયાડની હોવી જોઈએ જે લોખંડના કાસ્ટિંગ સાથેની, ૯૦૦ ફૂટ લાંબી અને તેને પૃથ્વીના કાટખૂણે ગોઠવવાનું નક્કી કરાયું. ત્રીજું ગોળો છોડવા માટે ૪૦૦,૦૦૦ પાઉન્ડનું ગન કોટન, જે તોપની પાછળથી છ બિલીયન લીટર ગેસ છોડશે અને જેનાથી ગોળો રાત્રીના સમયે ચન્દ્ર પર આસાનીથી પહોંચી જશે તેમ માની લેવામાં આવ્યું.

એક સવાલ કે ફ્લોરીડામાં આ સાહસને પાર પાડવા માટે કયું સ્થળ નક્કી કરવું તેનો નિર્ણય પ્રમુખ બાર્બીકેને લીધો જેમને એક એન્જીનીયર મર્ચીસને મદદ કરી અને તે ૨૭.૭ ઉત્તર અક્ષાંસ અને ૭૭.૩ પશ્ચિમ (ગ્રિનવીચ) રેખાંશ પર પસંદ કરવામાં આવ્યું. આ જ સ્થળ પર ઉત્કૃષ્ટ મહેનત બાદ સંપૂર્ણ સફળતાથી કોલમ્બિયાડ કાસ્ટ કરવામાં આવી. આ રીતે જ્યારે બધું ચાલી રહ્યું હતું ત્યારે એક એવી ઘટના બની જેણે આ સમગ્ર સાહસનું મહત્ત્વ અનેકગણું વધારી દીધું.

એક ફ્રેન્ચમેને, પેરિસનો ઉત્સાહી નાગરિક, રમુજી અને હોંશિયાર, પોતાની જાતને ગોળામાં બંધ કરવાનું કહ્યું જેથી તે ચન્દ્ર પર કદાચ પહોંચી શકે અને આ પવિત્ર ઉપગ્રહનું નિરીક્ષણ કરી શકે. આ નીડર સાહસિકનું નામ હતું માઈકલ આરડન. આ માણસ અમેરિકા આવ્યો, જેનું અત્યંત ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું, તેણે અસંખ્ય બેઠકો કરી, તેના મંતવ્યો ધ્યાનમાં લેવામાં આવ્યા, તેણે પ્રમુખ બાર્બીકેનના જન્મોજન્મના દુશ્મન કેપ્ટન નિકોલ સાથે દોસ્તી કરાવી અને આ દોસ્તીના ભાગરૂપે તે બંનેને પોતાની સાથે ગોળામાં સફરે ઉપડવા માટે તૈયાર કર્યા. તેની દરખાસ્ત સ્વિકારવામાં આવી, ગોળાના આકારમાં સહેજ ફેરફાર કરવામાં આવ્યો. તેને સીલીન્ડ્રો-કોનીક્લમાંથી બનાવવામાં આવ્યો. આ અવકાશી વાહનના ભાગોને મજબૂત સ્પ્રિંગો સાથે છૂટવા સમયના ધક્કાને સહન કરી શકે એ રીતે મજબૂત બનાવવામાં આવ્યા. તેમાં એક વર્ષ ચાલે તેટલો ખોરાક, અમુક મહિના ચાલે તેટલું પાણી અને અમુક દિવસો ચાલે તેટલો ગેસ મુકવામાં આવ્યો. જાતે ચાલે તેવા ઉપકરણો પણ મુકવામાં આવ્યા જેથી આ પ્રવાસીઓ શ્વાસ લઇ શકે. આ જ સમયે ગન ક્લબે રોકી માઉન્ટેન્સ ખાતે એક રાક્ષસી ટેલિસ્કોપ ઉભું કર્યું, જેથી તેઓ અવકાશમાં જતા ગોળાનું સતત નિરીક્ષણ કરી શકે. આ બધુંજ એક સમયે તૈયાર થઇ ગયું હતું.

ત્રીસમી નવેમ્બરે નક્કી કરવામાં આવેલા સમયે અદભુત અને વિશાળ ટોળાની વચ્ચેથી મુસાફરી શરુ થઇ અને પ્રથમ વખત ત્રણ મનુષ્યોએ આ પવિત્ર ગોળાને પાછળ છોડીને એક ઉપગ્રહ પર પહોંચવાની નિશ્ચિતતા સાથે પોતાની સફર શરુ કરી. આ શૂરવીર પ્રવાસીઓ, માઈકલ આરડન, પ્રમુખ બાર્બીકેન અને કેપ્ટન નિકોલ, સત્તાણું કલાક, તેર મિનીટ અને વીસ સેકન્ડ્સ ની સફર ખેડવાના હતા. પરિણામે તેમનું ચન્દ્ર પરનું અવતરણ પાંચમી ડિસેમ્બરની મધ્યરાત્રી પહેલા થવાનું ન હતું જ્યારે ચન્દ્ર સોળેકળાએ ખીલવાનો હતો, નહીં કે ચોથીએ જે કેટલાક અજ્ઞાની પત્રકારોએ જાહેર કર્યું હતું.

પરંતુ ત્યારબાદ એક અણધારી ઘટના બની, જેમાં કોલમ્બિયાડ દ્વારા જે ધડાકો કરવામાં આવ્યો હતો તેણે પૃથ્વીના વાતાવરણમાં તરતજ અસર ઉભી કરી અને અતિશય મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કર્યો, આ એક એવી ઘટના હતી જેણે વૈશ્વિક આક્રોશ ઉભો કર્યો કારણકે તેના લીધે ઘણી બધી રાત્રીઓ સુધી ચન્દ્ર લોકોની આંખોથી દૂર રહ્યો હતો.

શ્રીમાન જોસેફ ટી મેટ્સન, ત્રણેય મુસાફરોના પાક્કા મિત્ર રોકી માઉન્ટન્સ તરફ રવાના થયા જેમની સાથે કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના ડિરેક્ટર શ્રીમાન જે બેલફાસ્ટ પણ હતા અને તેઓ લોંગ’ઝ પીક પર પહોંચ્યા જ્યાં ટેલિસ્કોપ ઉભું કરવામાં આવ્યું હતું જેનાથી ચન્દ્રને નજીકથી નીહાળી શકાતો હતો. ગન ક્લબના માનનીય સેક્રેટરીની ઈચ્છા તેમના વીર મિત્રોના વાહનને નીરખવાની હતી.

વાદળાઓના ઘેરાવાને લીધે તમામ પ્રકારના નિરીક્ષણો પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી અને દસમી ડિસેમ્બરે અશક્ય બન્યા. આથી એમ વિચારવામાં આવ્યું કે હવેનું નિરીક્ષણ આગલે વર્ષે ત્રીજી જાન્યુઆરીએ જ શક્ય બનશે જ્યારે ચન્દ્ર તેની છેલ્લી કળામાં અગિયારમીએ આવશે અને ત્યારે જ તે પોતાની ધરીનો ઘટી રહેલો ભાગ દેખાડશે જે ગોળાની સફરને જોવા માટે જોકે પુરતું નહીં હોય.

બધાને સામાન્યતઃ સંતોષ થાય એ રીતે અગિયારમી અને બારમી ડિસેમ્બરની રાત્રીએ ભારે વરસાદે વાતાવરણને ચોખ્ખું બનાવી દીધું અને ચન્દ્ર જે અત્યારે અડધોજ પ્રકાશિત હતો તે કાળા આકાશમાં ચમકી રહ્યો હતો.

એજ રાત્રે લોંગ’ઝ પીક પરથી જોસેફ ટી મેટ્સન અને બેલફાસ્ટ દ્વારા કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના સજ્જનોને એક ટેલિગ્રામ મોકલવામાં આવ્યો જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે અગિયારમી ડિસેમ્બરે સાંજે આઠ વાગીને સુડતાલીસ મિનિટે સ્ટોન્સ હિલથી છોડવામાં આવેલા ગોળાને શ્રીમાન બેલફાસ્ટ અને મેટ્સને જોયો છે અને તે કોઈ અજાણ્યા રસ્તે ભટકી ગયો છે પરંતુ તે ચન્દ્રના વાતાવરણમાં જરૂર પ્રવેશ્યો છે અને તેની ગતિ ગોળાકાર થઇ ગઈ છે અને તે એક અંડાકાર ભ્રમણકક્ષામાં ચન્દ્રની આસપાસ ફરી રહ્યો છે અને હવે તે એક ઉપગ્રહ બની ગયો છે. ટેલિગ્રામમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ નવા સિતારાના તત્વો હજી સુધી ગણવામાં આવી શક્યા નથી અને જુદીજુદી જગ્યાએથી કરવામાં આવેલા ત્રણ નિરીક્ષણો આ તત્વોને નક્કી કરવા માટે અત્યંત જરૂરી બની ગયા હતા. ત્યારબાદ તેણે આ ગોળા અને ચન્દ્રની સપાટી વચ્ચેનું અંતર ‘લગભગ’ ૨,૮૩૩ માઈલ્સ જેટલું દર્શાવ્યું હતું.

આ ટેલિગ્રામ બે પૂર્વધારણાઓ સાથે સમાપ્ત થયો હતો કે ચન્દ્રનું આકર્ષણ ગોળાને ખેંચી લેશે જેથી મુસાફરો તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જશે અથવાતો તે એક નિર્વિકાર ભ્રમણકક્ષામાં ફસાઈ ગયો છે જેથી તે અનંતકાળ સુધી ચન્દ્રની આસપાસ ફરતો રહેશે.

આ પ્રકારના વિકલ્પો હોય તો મુસાફરોનું ભવિષ્ય શું? અલબત્ત તેમની પાસે થોડા સમય પુરતું ભોજન હતું, પરંતુ જો તેઓ પોતાના આ ઉતાવળિયા સાહસમાં સફળ થાય તો તેઓ પરત કેવી રીતે આવશે? શું તેઓ ક્યારેય પરત આવી શકશે ખરા? શું તેમને ક્યારેય સાંભળી શકાશે ખરા? આ પ્રશ્નો એ સમયના તમામ વિદ્વાનોએ ઉભા કર્યા હતા જેને લોકોનું મજબૂત ધ્યાન પ્રાપ્ત થયું હતું.

અહીં એ સલાહભર્યું હતું કે કોઈ એવી વાત કરવામાં આવે જે એ ઉતાવળિયા નિરીક્ષકો ધ્યાનમાં લે. જ્યારે માત્ર કાલ્પનિક શોધ લોકો સમક્ષ જાહેર કરવામાં આવે ત્યારે તેમાં ડહાપણ હોતું નથી. કોઇપણ વ્યક્તિ એક ગ્રહ, ધૂમકેતુ, ઉપગ્રહ શોધવા માટે બાધ્ય નથી પરંતુ જ્યારે એ સંજોગોમાં તે કોઈ ભૂલ કરી બેસે છે ત્યારે તે લોકોની મજાકનું સાધન જરૂર બની જાય છે. બહેતર એ રહે છે કે રાહ જોવામાં આવે અને આ જ બાબત પર ઉતાવળિયા જોસેફ ટી મેટ્સને દુનિયાને ટેલિગ્રામ મોકલતા અગાઉ અમલમાં મુકવા જેવી હતી, જે ન થવાથી તેણે સમગ્ર સાહસનું પરિણામ જાહેર કરી દીધું હતું. આ ટેલિગ્રામમાં બે ભૂલો હતી જે બાદમાં સાબિત થઇ હતી. પહેલી ભૂલ નિરીક્ષણમાં ભૂલો, જે ચન્દ્રની સપાટીથી ગોળાના અંતરને લગતી હતી, જે નક્કી કરવું અગિયારમી ડિસેમ્બરે અશક્ય હતું, અને જોસેફ ટી મેટ્સને જે જોયું, અથવાતો એણે વિચાર્યું કે એણે જે જોયું છે એ કદાચ કોલમ્બિયાડમાંથી છોડવામાં આવેલો ગોળો ન પણ હોઈ શકે. બીજી ગોળાના ભવિષ્ય અંગેનો સિદ્ધાંત, તેને ચન્દ્રનો ઉપગ્રહ બનાવ્યો પરંતુ તે તમામ પ્રકારના તકનીકી નિયમોની વિરુદ્ધ હતો.

લોંગ’ઝ પીકના નિરીક્ષકોની એક પણ પૂર્વધારણા સાચી પડે જેણે મુસાફરો અંગેની બાબતને અગાઉથી જોઈ લીધી હતી (જો તેઓ હજી પણ જીવતા હોય તો) તો તેઓ અત્યારે ચન્દ્રની સપાટી પર પહોંચવા માટે ચન્દ્રના વાતાવરણમાં જોડાઈ જવાના પ્રયાસો કરી રહ્યા હશે.

હવે આ પુરુષો, જેટલા હિંમતવાન હતા એટલાજ બુદ્ધિશાળી પણ હતા તેમણે વિદાય સમયના ખતરનાક ધક્કાને સહન કર્યો હશે અને તેમની ગોળારૂપી વાહનની સફર જેને અહીં અત્યંત નાટકીય અને વિગતવાર જણાવવામાં આવી છે. આ પઠન ઘણી બધી માન્યતાઓ અને અનુમાનોને તોડી નાખશે; પરંતુ તે એક સાહસમાં ક્યા પ્રકારના બદલાવ આવી શકે છે તેનો ખરો વિચાર આપશે; અને તે બાર્બીકેનની વૈજ્ઞાનિક બુદ્ધિ, નિકોલના ઉદ્યમી સ્ત્રોતો અને માઈકલ આરડનની નીડર રમુજને બહાર લાવશે. આ ઉપરાંત તે સાબિત કરશે કે તેમના માનવંતા મિત્ર જોસેફ ટી મેટ્સન તેમનો સમય તારાઓથી ભરપૂર આકાશમાં રાક્ષસી ટેલિસ્કોપ પર ઝૂકીને ચન્દ્રનો રસ્તો જોવામાં પોતાનો સમય બગાડી રહ્યા હતા.

***