64 સમરહિલ - 23

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 23

સદીઓથી બંજર રહેલી ખુબરાની જમીનના ચીલા પર ત્વરિતની વિલિઝ જીપ મંદિર ભણી આગળ વધી રહી હતી. દૂરથી જીપ આવતી જોઈને મંદિરના પગથિયા પાસે ઊભડક બેસીને બીડી ફૂંકી રહેલો એક દેહાતી આદમી ઊભો થયો હતો. માથા પર બાંધેલો ચાંદલિયો ફેંટો તેણે કસ્યો, છેલ્લો ઊંડો કસ લઈને ચાંચવાળા જોડા નીચે તેણે બીડીનો અંગારો ઘસી નાંખ્યો અને મંદિરથી લગભગ દોઢસો મીટર દૂરની છત્રી તરફ ચાલવા માંડયું.

એ છપ્પનસિંઘ હતો.

બીએસએફની લાલગઢ ઓફિસથી ઊંટિયાલી જવા માટેનો પરવાનો મેળવવામાં તેને કોઈ તકલીફ પડી ન હતી. તેણે ધરેલા ઓળખના પૂરાવા જોવાની કે ઊંટના વેપાર અંગેના બે-ચાર સવાલ કરવાની ય કોઈએ દરકાર કરી નહિ એથી ખંધો છપ્પન થોડોક વહેમાયો તો હતો પણ પરવાનો આપનાર જવાને અઢી હજાર રૃપિયા માંગ્યા એટલે એ અહીંનો રિવાજ સમજી ગયો. ઊંટિયાલી જવાનો પરવાનો મળી ગયો એટલે હવે પ્લાન એ બદલીને તેણે પ્લાન બી અમલમાં મૂકવાનો હતો.

પરવાનો મેળવ્યા પછી તેણે બે કામ કર્યા. બિકાનેરના જૂનાગઢ ફોર્ટ તરીકે ઓળખાતા વિસ્તારમાં નવા ખૂલેલા એક શોપિંગ મોલમાં જઈને મરિયમનો હુલિયો બદલાવ્યો. ટ્રાયલ રૃમમાંથી એ બહાર નીકળી ત્યારે હવે એ રામગઢના કોઈ નવાબી ઘરાણાની ઠસ્સાદાર મરિયમબાનો હતી.

મરિયમને હવે તેણે બિકાનેરની જ હોટેલમાં રોકવાની હતી. મૂર્તિ ઊઠાવીને પાછા ફરતી વખતે છપ્પન પણ અહીં ધનિક મુસ્લિમના વેશમાં મરિયમના પતિ તરીકે તેની સાથે બે-ત્રણ દિવસ રોકાવાનો હતો.

ત્વરિત-ફાતિમાનો કાફલો મૂર્તિ ઓળખીને તરત બિકાનેરથી અલવર જવાનો હતો. ચોરેલી વિલિઝ અલવરમાં ક્યાંક તેણે છોડી દેવાની હતી. અહીંથી ફાતિમા-ચંદા રાયપુર તરફ ઉપડે અને ત્વરિત દિલ્હી જતો રહે. ચોરીની તપાસ ધારો કે થઈ રહી હોય તો પણ બે-ત્રણ દિવસ પછી નવાબી ઘરાણાના સ્વાંગમાં છપ્પન-મરિયમ બિકાનેરથી આરામથી નીકળે એટલે પોલિસનો ય ભય ન રહે. જયપુરથી મરિયમને રવાના કરીને છપ્પન પણ દિલ્હી પહોંચીને ત્વરિતને મળે.

છપ્પનને આ પ્લાન જડબેસલાક લાગ્યો હતો. આ રીતે તે પોલિસને તો હંમેશની માફક ચકમો આપી જ શકવાનો હતો પણ દુબળીને ય તે ગૂંચવી દેવા માંગતો હતો. તે અને ત્વરિત અલગ પડી જાય પછી મૂર્તિ કોની પાસે હોય એ વિશે દુબળી અવઢવમાં રહેવો જોઈએ એવી છપ્પનની ગણતરી હતી.
- પણ ખાંખતિયા દિમાગના છપ્પનને જરાકે ય અણસાર ન આવે એ રીતે નિયતિ સંજોગોનું ચક્ર બડી શાતિરતાથી ઘૂમાવી રહી હતી.

મરિયમને હોટેલ પર છોડીને તેણે ઓટો રિક્ષા પકડી. રસ્તામાંથી માતાજીની ચૂંદડી, અગરબત્તી વગેરે પૂજાપો ખરીદ્યો. ત્યાંથી કરણી સર્કલ પહોંચીને તેણે રિક્ષા છોડી દીધી. પોતે ક્યાં જઈ રહ્યો છે તેની રિક્ષાવાળાને ય ખબર ન પડવી જોઈએ એવી તકેદારી છપ્પનની ખાસિયત હતી.

અહીંથી હવે તેણે દોઢ કિલોમીટરના અંતરે જેસલમેર રોડ પર પહોંચવાનું હતું. ત્યાંથી ચેકપોસ્ટ જવા માટે ખાનગી જીપ ઉપડતી. એવી એક જીપમાં તે ગોઠવાયો. ઠાંસોઠાંસ ભરાયેલા મુસાફરો પૈકી કેટલાંક કેશાવલી માતાનાં મંદિરે જતાં યાત્રાળુઓ હતાં તો કેટલાંક ઊંટિયાલી જઈ રહેલા વેપારી હતા.

દેશનોક ગામ વટયા પછી રેગિસ્તાનનો આરંભ થતો હતો. ચેકપોસ્ટ પર તેમના પરવાના  ચેક થયા. મંદિરે જઈ રહેલા મુસાફરોને નવા પરવાના અપાયા. એ બધી વિધિમાં અડધી કલાક થઈ.

ત્વરિત સમયસર નીકળી ગયો હોય તો સારું... છપ્પનને મનોમન ઉચાટ થતો હતો. જિંદગીમાં ક્યારેય તેણે કોઈને સાથે રાખીને ચોરી કરી ન હતી. આજે ય એ ચોરી તો એકલપંડે જ કરવાનો હતો પણ મૂર્તિ ઓળખવા પૂરતો ય તેણે ત્વરિતનો આધાર રાખવો પડે તેમ હતો એ તેને કઠતું હતું.

મંદિરે પહોંચીને તેણે ભાવુક શ્રદ્ધાળુની માફક દર્શન કર્યા, સાત પેઢીથી અઠંગ ભક્ત હોય એવા ભાવ સાથે માતાજીને ચૂંદડી ચડાવી અને મોટે મોટેથી સ્તુતિ ગાઈ રહેલા યાત્રિકોની જોડે અમથા હોઠ ફફડાવતો ઊભો રહી ગયો.

મંદિરનો જીર્ણોદ્ધાર થયે ખાસ વખત થયો નથી. તેણે ચબરાક નજરે અવલોકન કરવા માંડયું. ગર્ભગૃહમાં ત્રિશુળધારી મૂર્તિ તો ચકાચક આરસની હતી. એ મૂર્તિ તો કોઈ હિસાબે ન જ હોઈ શકે.

તેણે આસપાસ નજર દોડાવી. અર્ધગોળાકાર ઘુમ્મટ અને સપાટ દિવાલને જોડતી પેનલ પર હારબંધ નાની-નાની મૂર્તિઓ કોરાયેલી હતી. પાર્વતીના વિવિધ સ્વરૃપો દર્શાવતી એ મૂર્તિઓ પૈકી કોઈ એક ઊઠાવવાની હશે તો...

સ્તુતિના તાલે બે હાથ જોડીને તાળીઓ પાડી રહેલા છપ્પનને પરસેવો વળી ગયો. દુબળી સાલો ક્યાં-ક્યાંથી મૂર્તિઓ શોધી લાવે છે!

દુબળીના વિચારમાત્રથી તેને કંપારી છૂટી ગઈ. એ અહીં જ ક્યાંક હોવો જોઈએ... બ્હાવરી આંખે તેનાંથી આસપાસના ચહેરાઓ તરફ જોવાઈ ગયું અને પછી તરત તેણે ભારપૂર્વક આંખો મીંચી દીધી.

સ્તુતિ પછી હવે યાત્રાળુઓ જયજયકાર કરી રહ્યા હતા અને તે પાછા પગલે બહાર નીકળ્યો. મંદિરનો અંદરનો માહોલ અને બહારની કેડી તરફ નજર રહે એ રીતે જગ્યા પસંદ કરીને તે એક ઊંચા પગથિયા પર બેઠો. દુબળીએ ત્રણ મૂર્તિ પૈકી ડાબી તરફની પહેલી મૂર્તિ કહી હતી પણ અહીં અંદર ગર્ભગૃહમાં એક જ મૂર્તિ હતી અને એ ય ખાસ્સી નવી હતી. પેનલમાં જડેલી નાની-નાની મૂર્તિ કદાચ જૂની હોય પણ એ તો ડઝનબંધ હતી.

ચહેરા પરના હાવભાવ સમતોલ રાખીને તે મનોમન ગૂંચવાતો જતો હતો. સાંજ સુધીમાં મૂર્તિ શોધવાનું જો ત્વરિતને પણ અઘરું પડે તો કાલે બીજો ધક્કો ખાવો પડે, અને આવી જગાએ સળંગ બીજા દિવસે આવવું...

પરાણે સ્વસ્થ રહેવા મથતા છપ્પને મુંઝારો છૂપાવવા બીડી પેટાવી નાંખી. માથા પર આવેલો સુરજ ધખતો જતો હતો. ઢુવા પરથી ઢાળ ઉતરતી ઉજ્જડ કેડી પર ફૂંકાતો ગરમ પવન ખુબરાની ઊંડાઈમાં પ્રવેશીને બિહામણા સિસકારા નાંખતો હતો. મંદિરમાંથી નીકળેલા ત્રણ-ચાર યાત્રાળુઓ છપ્પનની સામે પગથિયે બેઠા. બીજા બે-ત્રણ યાત્રાળુ પગથિયા ઉતરીને આગળ ચાલતાં થયા એટલે છપ્પને સહજ રીતે જ એ દિશામાં જોયું અને તે ચોંક્યો.

મંદિરથી દોઢસો-બસો મીટર દૂર રેતીના ઢૂવાની દિશામાં બેઠા ઘાટના ઓટલા જેવું કશુંક તેણે જોયું હતું પણ હવે કેટલાંક લોકો એ ઓટલાની નીચે પગથિયા ઉતરી રહ્યા હતા.

'ઈ કા હૈ?' તેણે ચહેરા પર ભોળપણ ઓઢીને બાજુમાં બેઠેલા એક જણને પૂછી લીધું.

'પઈલી બાર આયે હો કા?' પેલા આદમીના અવાજમાં આશ્ચર્ય પણ હતું અને આઘાત પણ..

'ચરવાહા નંઈ હો કા?'

છપ્પને મનોમન પોતાની જાતને ગાળ દઈ દીધી. તેણે કાચું કાપી નાંખ્યું હતું. આવી વેરાન જગ્યાએ ચરવાહા રાજપૂત સિવાય કોઈ શા માટે આવે અને જો પોતે ચરવાહા રાજપૂત જ હતો તો તેને આ મંદિરની ભૂગોળ વિશે ખબર ન હોય એ કોઈપણના મગજમાં શંકા ઊભી કરી શકે.

'અરે ઈત્તા છોટા થા તબ આયા થા...' તેણે વાત વાળવાની કોશિષ કરી, 'ઉ કા હૈ ઓ તો માલુમ હૈ પર કુછ નયા લગતા હૈ...'

'હા...' છપ્પને ધરેલી બીડી પેટાવતા એ દેહાતીએ હકારમાં ડોકું ધૂણાવ્યું, 'કુછ પાંચ-સાત સાલ પઈલે હી દેવીમા કા ઈ છતર નયા બના...' પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવાની તક મળી એથી એ આદમી ગેલમાં આવી ગયો હતો, 'રણના તોફાનોને લીધે ભોંયરામાં પૂરાના મંદિરની હાલત બગડતી જતી હતી એટલે ઉપર ચણેલી પાકી છત્રીનો એક માળ વધાર્યો છે...'

માય ગોડ... છપ્પનની આંખો ચમકી ઊઠી. અસલ મંદિર તો એ હતું... છત્રીની નીચે ભોંયરામાં.

મતલબ કે દુબળીએ ચિંધેલી મૂર્તિ ય ત્યાં જ હોવી જોઈએ. આવા નિર્જન સ્થળે ભોંયરામાં મૂર્તિ હોય તો તો... તેના હૈયામાં હાશકારાની ઝાલર વાગવા લાગી હતી. હવે બસ, ત્વરિત આવે અને મૂર્તિ ઓળખે એટલે...

એ જ ઘડીએ ખુબરામાં પ્રવેશતી કેડી પર રેતીની ડમરી પાછળ એક વાહન આવતું દેખાયું. વાહન સાવ નજીક આવ્યું એટલે છપ્પનના ચહેરા પર ઓજસ રેલાયું... એ વિલિઝ હતી.

બેધ્યાનપણાંનો ડોળ કરતો એ ઊભો થયો. માથા પર બાંધેલો ચાંદલિયો ફેંટો કસ્યો અને છત્રી તરફ ચાલવા માંડયું.

***

એ વખતે છપ્પનને ખ્યાલ ન હતો, પણ મંદિરના પગથિયે તેનાંથી તદ્દન વિરુદ્ધ દિશાએ જમણી તરફના ખૂણે બેઠેલો એક આદમી પણ વાહન જોઈને ઊભો થયો હતો અને મંદિરની પછીત તરફ લપક્યો હતો.

એ બીએસએફનો આદમી હતો.

મંદિરની પાછળના ઢુવાઓમાં લપાઈને રણની પેલે પારની હિલચાલ તરફ નજર રાખી રહેલા પરિહારે એક આદમીને અહીં બેસાડયો હતો.

ત્વરિતનો પીછો કરી રહેલા બાઈકસવાર અને અહીં બેઠેલો જવાન એ બંને સાથે તેમનું કમ્યુનિકેશન જારી હતું. વિલિઝ જીપ આવી રહી છે એવો મેસેજ મળ્યો એટલે તરત એ આદમી મંદિરના જમણાં ખૂણે બેસીને સતર્ક ગઈ ગયો હતો અને જીપ જેવી દેખાઈ કે તરત પરિહારને ખબર આપવા મંદિરની પછીતે સરક્યો હતો.

પરિહારને પણ ઢુવાઓ પાછળ કશીક મૂવમેન્ટ વર્તાતી હતી અને તેમાં આ જીપે બે વખત રસ્તો ચાતર્યો એટલે તેમની શંકા દૃઢ બની હતી. ચેકપોસ્ટથી ઊંટિયાલી અને છેક રેગિસ્તાનમાં રમતાં મૂકેલા આદમીઓના સઘળા કાફલાને તેમણે હાઈએલર્ટ પર મૂકી દીધો હતો. તેમની અંતઃસ્ફૂરણા કહેતી હતી... કંઈક થવાનું છે... અને મંદિર આસપાસ જ કંઈક થવાનું છે.

છપ્પન ઊભો થયો, તેને જોઈને બીએસએફનો આદમી ઊભો થયો.

એ જ ઘડીએ મંદિર અને છત્રી વચ્ચેના ઊંચા ટીંબા પર બેઠેલો ત્રીજો ય એક આદમી ચૌકન્નો બનીને ઊભો થઈ ગયો હતો.

એ કોણ હતો?

(ક્રમશઃ)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sanjay Patel 2 અઠવાડિયા પહેલા

Verified icon

Milan Joshi 2 અઠવાડિયા પહેલા

Verified icon

Harsh Pandya 3 અઠવાડિયા પહેલા

Verified icon

Sheetal J Pathak 4 અઠવાડિયા પહેલા

Verified icon

aarohi patel 1 માસ પહેલા