ચિંતનની પળે - સીઝન - 3 - 24 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 24

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 24 - શું નથી કરવાનું એની તમને ખબર છે?
  • આવ શે દોડીને મળવા તને નદીઓ સામે,

    છે શરત એટલી, પહેલાં તું સમંદર થઈ જા.

    – નાઝ માંગરોલી

    માણસ મોટા ભાગે જે ન કરવાનું હોય એ કરતો રહે છે અને એટલે જ જે કરવાનું હોય છે એ નથી કરી શકતો. શું કરવાનું છે એ નક્કી કરવાની સાથે શું નથી કરવાનું તેની સમજ વધુ સ્પષ્ટ રીતે હોવી જોઈએ. તમારી જિંદગીમાં તમે કોઈ એક વાત નક્કી કરો ત્યારે સામા પક્ષે એક નોંધ એવી પણ કરવી જોઈએ કે હું આટલું તો નહીં જ કરું.

    તમારી જિંદગીનો ગોલ તમે સેટ કરો. સૌથી પહેલાં નક્કી કરો કે મારે આ મુકામ સુધી પહોંચવું છે. જો મંજિલ નક્કી નહીં હોય તો તમે ચોક્કસ માર્ગ જ નહીં પકડી શકો. કેરિયર, લાઇફ અને ગ્રોથની વાત નીકળે ત્યારે આપણે વારંવાર આવી વાતો સાંભળીએ છીએ. બહુ સાચી વાત છે. માણસને ખબર હોવી જોઈએ કે તેણે શું કરવાનું છે. મોટા ભાગે બધા લોકોને તેની ખબર પણ હોય છે. શું કરવું એ તો ખબર હોય છે પણ શું નથી કરવાનું, તેની ઘણીવખત માણસને ખબર નથી હોતી.

    દરેક માણસને સુખી થવું હોય છે, દરેક માણસને સંબંધ જાળવવા હોય છે, દરેક માણસને પ્રેમ કરવો હોય છે, દરેક માણસને પ્રેમ મેળવવો હોય છે, દરેક માણસને સફળ થવું હોય છે. શું કરીએ તો સફળ અને સુખી થવાય તેની પણ લોકોને ખબર હોય છે. થાપ ત્યાં જ ખાઈ જાય છે કે તેને એ ખબર નથી હોતી કે શું ન કરું તો હું જે કરવા ઇરછું છું તે સારી રીતે કરી શકીશ.

    દરેક માણસ રોજ સવારે નક્કી કરતો હોય છે કે આજે મારે આ કામ કરવું છે અને રાત પડયે એ કામ બાકી જ રહી જાય છે. એક વિધાર્થી હતો. તે દરરોજ સવારે એવું નક્કી કરતો કે આજથી મારે દરરોજ ચાર કલાક ઘ્યાનથી વાંચવાનું શરૂ કરવું છે. તેને ખબર હતી કે સારી રીતે પાસ થવા માટે વાંચવું અને મહેનત કરવી જોઈએ. દરરોજ વાંચવાનું શરૂ કરે એ પહેલાં જ કોઈ મિત્ર આવી ચડે. ચલ, ફિલ્મ જોવા આવવું છે? ક્રિકેટ રમવા આવવું છે? ફ્રેન્ડને ત્યાં પાર્ટીમાં નથી આવવું? એ વિધાર્થીએ એ નહોતું નક્કી કર્યું કે મારે અત્યારે આ બધું નથી કરવાનું. આવા વિધાર્થી માટે પછી કયારેય વાંચવાનું શરૂ કરવાનો દિવસ આવતો જ નથી.

    આપણે પણ દરરોજ કેટલું બધું સાવ નક્કામું કરતા રહીએ છીએ? સાધના વગર કોઈ સિદ્ધિ મળતી નથી. મહેનત વગર સફળ થવાતું નથી. સાધના કે મહેનત સહેલી વાત નથી. તેના માટે મનને મક્કમ કરવું પડે છે. કહીં પે નિગાહેં, કહીં પે નિશાના જેવી સ્થિતિ હોય તો નિશાન પણ પાર ન પડે અને નજર પણ ઠોકર ખાઈ જાય. નિશાન ઉપર નજર હોય તો જ તીર ટાર્ગેટ પર વાગે. સફળતા માટે કોઈ કારણો નથી હોતાં અને નિષ્ફળતા માટે હજાર કારણ મળી આવે છે. યાર, એવું થયું ને કે મારી હાલત જ ખરાબ થઈ ગઈ. સરકમસ્ટન્સીઝ જ એવા થયા ને કે મેં ધાર્યું હતું એ ન કરી શકયો. સફળ થનાર વ્યકિત પાસે તમે કયારેય એવું સાંભળ્યું છે કે યાર, સંજોગો જ એવા ઊભા થયા ને કે મારાથી મહેનત થઈ ગઈ! સફળ થવા માટે સંજોગોની નહીં પણ દાનતની જરૂર હોય છે. જેની દાનત નથી હોતી એ જ માણસ નિષ્ફળ જાય છે.

    નિષ્ફળતા માટે કોઈ કારણો, સંજોગો કે બહાનાં નહીં પણ માણસ પોતે જ જવાબદાર હોય છે. તમે જે કરવા ધાર્યું હોય એ ન થઈ શકે તો માનજો કે તમારા નિર્ણય અને પ્રયત્નમાં જ ખામી છે. એક યાદી બનાવી રાખો કે, આટલું તો મારે નથી જ કરવાનું. આ યાદી તૈયાર હશે તો પછી જે કરવાનું છે તેની દિશા વધુ સ્પષ્ટ, ચોખ્ખી અને ઊજળી થઈ જશે.

    એક સરસ મજાની વાર્તા માણવા જેવી છે. એક સફળ કંપનીના ચેરમેને બોર્ડ ઓફ ડિરેકટર્સની મિટિંગ બોલાવી. મિટિંગમાં દરેક ડિરેકટરે કહ્યું કે આપણી કંપની સતત વિકાસ કરી રહી છે. વધુ સફળ થવા માટે શું કરવું જોઈએ તેના આઇડિયાઝ પણ ડિરેકટર્સે આપ્યા. જોકે, મિટિંગના અંતે ચેરમેને જે વાત કરી તેનાથી દરેક ડિરેકટર્સ હબક ખાઈ ગયા. કોઈને સમજાયું નહીં કે, ચેરમેન અંતે શું કરવા ધારે છે.

    ચેરમેને બધા જ ડિરેકટર્સને કહ્યું કે ફ્રેન્ડ્સ, આપણે આપણી કંપનીનું દેવાળું કાઢવું છે. તમે બધા મને એ કહો કે, શું કરીએ તો આપણી કંપનીની પથારી ફરી જાય? આપણી કંપની ખોટના ખાડામાં કેવી રીતે ધકેલી શકાય? આપણે કોઈને મોઢું બતાવવા જેવા ન રહીએ એના માટે શું કરવું જોઈએ?

    બધા ડિરેકટર્સને થયું કે આપણા ચેરમેનનું દિમાગ ફટકી ગયું લાગે છે. આટલી સરસ કંપનીનું દેવાળું ફૂંકવા આ માણસ તૈયાર થયો છે. ચેરમેને કહ્યું એટલે કરવું તો પડે જ ને! બધા ડિરેકટર્સે શાંતિથી પોતપોતાની યાદી તૈયાર કરી. કંપની કેવી રીતે બંધ થઈ જાય? શું કરીએ તો કંપનીનું દેવાળું ફૂંકાઈ જાય, તેનાં કારણોની યાદી બધા જ ડિરેકટર્સ તૈયાર કરી ચેરમેનને સોંપી.

    ચેરમેને બધી જ યાદી શાંતિથી વાંચી. ડિરેકટર્સને કહ્યું કે, સરસ યાદી તમે તૈયાર કરી છે. કંપનીનું નામું નંખાઈ જાય તેનાં માટે આ બધાં કારણો પૂરતાં છે. હવે આપણે માત્ર એક જ કામ કરવાનું છે. આપણે એટલું જ ઘ્યાન રાખવાનું છે કે, તમે બધાએ કંપનીને પતાવી દેવાનાં કારણો બતાવ્યાં છે એટલું જ નથી કરવાનું. જો એ બધું કરીશું તો આપણે પતી જશું. શું ન કરવું જોઈએ એ ઘ્યાન રાખવા માટે જ ચેરમેને આખી કસરત કરાવી હતી. ચેરમેને કહ્યું કે, માય ડીયર ફ્રેન્ડસ, જે નથી કરવાનું તેની સમજ આપણને બધાને ખૂબ જ સારી રીતે હોય એ જરૂરી છે.

    આપણે હંમેશાં એક વાત સાંભળતા આવ્યા છીએ કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. મતલબ કે કંઈક ગુમાવ્યા વગર કંઈ મળતું નથી. જે ગુમાવવાનું છે તેની તમને ખબર છે? મહેનત માટે આરામ ગુમાવવો પડે છે. સફળતા ઘણી બધી મોજમજાની આહુતિ માંગે છે. સુગંધ મેળવવા માટે ધૂપને સળગાવવો પડે. ઘરેણાં બનાવવા માટે સોનું તપાવવું પડે. સફળ થવા માટે ઘ્યાન એટલું જ રાખવાનું હોય છે કે બેઘ્યાન ન થઈ જવાય. જે નથી કરવાનું તેના વિશે તમે સ્પષ્ટ હશો તો જ તમારે જે કરવું હશે તે સચોટ રીતે કરી શકશો. શું નથી કરવાનું તેની પરફેકટ યાદી તમારી પાસે છે ખરી?

    છેલ્લો સીન

    મહાપુરુષોમાં સંકલ્પ હોય છે, સાધારણ લોકોમાં ઇરછાઓ. – ચીની કહેવત

    ***