બુધવારની બપોરે - 23 Ashok Dave Author દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બુધવારની બપોરે - 23

બુધવારની બપોરે

(23)

મળી ગયો છે...નસકોરાંનાશક ઉપાય!

રોજ ખૂન કરવું હોય અને થાય નહિ, એવી દયાજનક પરિસ્થિતિ એટલે બાજુમાં સુતેલા વરજીના આખી રાત ચાલતા તોતિંગ નસકોરાં. પથારીમાં અડધા ઊભા થઇ જઇને ઘસઘસાટ ઊંઘતા ગોરધન સામે જોઇને ખૂન્નસ તો આવે અને કાયદો છુટ આપતો હોય તો ‘એક ખૂન માફ’ના ધોરણે એનું ગળું દબાવી દેવાના ઝનૂનો ઉપડે......

...પણ એ થઇ શકતું નથી. ટૅકનિકલી તો ગળું નહિ, ગોરધનનું નાક દબાવી દેવું જોઇએ, પણ મગજની નસ તો સવારે ફાટી જાય જ્યારે સાલો કબુલ ન કરે કે, આખી રાત એનાં નસકોરાં બોલે છે ને તમારી ઊંઘની તો....હમણાં કહું એ....પયણઇ જાય છે!

પોતાના નસકોરાં બોલે છે, એ વાત કબુલ કોઇ કરતું નથી કારણ કે, આપણા ય બોલતાં હોય એ આપણે ય ક્યાં સ્વીકારીએ છીએ? આપણને લહેર એ વાતે પડી જાય છે કે, આપણાં નસકોરાં લાઇફ-ટાઈમમાં આપણે સાંભળ્યા હોતા નથી. કહેવાય છે કે, પ્રત્યેક નસકોરાંનો ધ્વનિ ભિન્ન ભિન્ન હોય છે. પ્રસ્તુતિ અલગ અલગ હોય છે. એકની સાથે બીજાનું કદી મળતું ન આવે. એમાં ય, આ છેલ્લી સદીમાં તો ભારતમાં એવા ય કલાકારો થઇ ગયા છે કે, દરેક નસકોરે ધ્વનિ જુદો જુદો કાઢી શકે. લંબાઇ જુદી હોય, પ્રબળતા નાનીમોટી હોય કે વચમાં પડતા ઈન્ટરવલો નોખા હોય. એનું ય પાછું કાંઇ નક્કી નહિ. એક ‘લાંઆઆઆઆ.....બુ’ નસકોરૂં આવ્યું, તો જરૂરી નથી કે એના પછી આવનારૂં બીજું એ જ સાઇઝ અને માપનું હોય. એકાદું તો નાનકડું ઠમકું મૂકીને પતી જાય. આપણે રાહો જોતા હોઇએ કે, બીજું, ત્રીજું, અગીયારમું કે વહેલી પરોઢ સુધીનું એકસરખું લાંબુ કે ટુંકુ હશે....પણ નસકોરાનો સંગીતકાર પતિ ‘તાલ સે તાલ મિલા’ના ધોરણે વગાડે જાય છે. લાચારીથી તમે સાંભળી લો છો બહેનો, પણ તમે કરી કાંઇ શકતા નથી. સૉરી લૅડીઝ....નસકોરા કોઇના બાપના કે માપના થયા નથી. એના તાલ ઉપર તમારી ઊંઘ બગડે છે, એ જાણીને લયમાં સાથે મૅન્ડોલિન કે સિતાર વગાડી શકાતી નથી.

કહે છે કે, પશ્ચિમના દેશોમાં તો નસકોરાંને ઠોકી નાંખવા માટેની રીવૉલ્વરો ય શોધાઇ છે. સીધી ગોરધનના મોંઢા ઉપર જ ઠોકવાની. એનાથી માણસ ન મરે, પણ ધ્યાન રાખીને ન ફોડો તો નાક ઊડી જાય, પણ પછી લાઇફ-ટાઇમની શાંતિ ને? આમાં એકથી વધારેને તો ઊડાડવાના હોય નહિ, એટલે આવી રીવોલ્વરોમાં એક જ ગોળી આવે. ઘણી ગુજરાતણો દેસી ઉપચાર તરીકે નસકોરા બોલાવતા પોતાના ગોરધનો માટે રૂ ના તેલવાળા પૂમડાં સ્ટૉકમાં રાખે છે, જેથી પહેલી ઘંટી બજી કે, તરત જ એક ફોયણામાં પૂમડૂં ખોસી નાંખવાનું. આ તો એક ફૅમિલીને ત્યાં અમે ડિનર પર ગયા હતા, ત્યાં પાલક-પનિરના શાકમાંથી આવું પૂમડું નીકળ્યું, ત્યારે ખબર પડી કે, તેલમાં ઝબોળેલા પૂમડાં તો કોઇના નાકમાં ભરાવવાના કામમાં ય આવે છે. કેટલીક જૂનવાણી વિચારસરણી ધરાવતી મહિલાઓ રાત્રે સુતી વખતે ઓશિકા નીચે નાનકડી સાણસી જેવું હથિયાર છુપાવી રાખે છે ને જેવા પેલાના નસકોરાં શરૂ થાય ને ગોરધનના નાક ઉપર સાણસી ભરાવી દેવાય. પરંતુ ઉત્તરસંડા, ફ્રાન્સ, કુકરવાડા કે સાઉથ કોરિયાની મહિલાઓ આવા ફાલતુ કામ માટે સાણસીનો ઉપયોગ યોગ્ય માનતી નથી. એ લોકો સાણસીથી ગોરધનોના નાકો દબાવવાને બદલે નાક ઉપર સાણસી ઠોકવાની વિચારધારા ધરાવે છે. એમાં ગોરધન મરવાનો નથી, પણ બાકીની જીંદગીમાં દિવસે જાગતા ય નાનકડું નસકોરૂં બોલાવવાની હિમ્મત કરતો નથી.

મારા જામનગરમાં નસકોરાંનો નાશ કરવા બજરનો ઉપયોગ અસરકારક મનાયો છે. બજર એટલે છીંકણી. ચપટી ભરીને અમારી જામનગરણો ગોરધનની મૂછો ઉપર ભભરાવી દે છે. અલબત્ત, આમાં પૂરતા પ્રમાણમાં કળા અને કૌશલ્યની આવશ્યકતા રહે છે. જરાક અમથી બજર નાકને બદલે ખુલ્લા મોંઢામાં ગઇ તો પેલાને ભાવવા માંડે છે અને બીજી માંગે છે. ન છુટકે, સદીઓથી જામનગરમાં બધા માટે કૉમન વપરાતી ગાળ ‘રાંઈન્ડનો હુવા ય દેતો નથ્થી...!’ બોલાઇ જાય છે. (અનુવાદ : ’રાઇન્ડ’ એટલે લગ્ન પછી વિધવા થયેલી સ્ત્રી. અમારી બાજુ, લગ્ન પહેલા વિધવા થવાની જરૂરત પડતી નથી. કહેવાય છે કે, વિધવા થવાનું મૂળ કારણ ‘લગ્ન’ હોય છે.)

તો કેટલીક ઉચ્ચ શિક્ષિત વાઇફો....આમે ય, ઘોંટાઇ ગયા પછીનો ગોરધન કોઇ કામનો રહેતો ન હોવાથી બીજા બૅડરૂમમાં સુવા જતી રહે છે. અલબત્ત, સદરહૂ ઉપચારનો આધાર ગોરધનના નસકોરાંની તીવ્રતા અને બુલંદી ઉપર રહેલો છે. ઘોંટાઈ ગયા પછી ય પ્રચંડ અવાજો કાઢી શકતા ગોરધનોથી ત્રાસેલી મહિલાઓને બીજા રૂમમાં ગયા પછી ય નિરાંતની નીંદર મળતી નથી. પલાંઠી વાળીને અડધી રાત્રે લમણે હાથ મૂકીને બેસી રહેવું એ કાચીપોચી વાઇફોનું કામ નથી. ગોરધનો માટે આને આદર્શ સ્થિતિ ચોક્કસ કહેવાય, પણ વાઇફોને રોજ એકલા સુવાની (કે જાગવાની) ટેવ પડી જાય, એ આપણા માટે સારૂં નથી.એ લોકો બહુ લાંબા સમય સુધી એકલી સુવાનું સહન કરી શકતી નથી....સોચ લો, ઠાકૂર...!

નસકોરાં વ્યક્તિગત જ નહિ, જથ્થામાં ય ઉપલબ્ધ છે. ખાસ કરીને ઘણા બધા સાથે પ્રવાસમાં ગયા હોઇએ ત્યારે. અમારા વખતમાં લગ્નપ્રસંગે જાનમાં જવાનું થતું અને જાનૈયાઓનો ઉતારો એક મોટા ઓરડામાં થતો, જેમાં રાત્રે એકસામટી ૩૦-૪૦ પથારીઓમાં ભેગા મળીને બધાને સુવાનું હોય. લગ્નપ્રસંગના મૂડમાં મોડી રાત સુધી હલ્લાગુલ્લા કર્યા પછી એક મોટા રૂમમાં બધા સાથે સુતા હોય. આખા દિવસની હાહાહિહિહૂહૂ પછી ભારેમાઇલો થાક લાગ્યો હોય એટલે ઊંઘો તરત આવી જાય. લાઈટો બંધ થાય અને મસ્તમજાની ઠંડકમાં તો કેવું મોઢું મલકાઇને ઊંઘ આવવા માંડે!

બસ. એ જ ઘડીએ, ફિલ્મ ‘શોલે’માં પહાડ ઉપર ઘોડે બેઠેલો ગબ્બરસિંઘ હાથમાં રાયફલ સાથે પૂરી ઠંડકથી ભડાકો કરે છે, એમ રૂમની નીરવ શાંતિ અને ઠંડકમાં આસ્તે રહીને કોકનું પહેલું નસકોરૂં આળસ મરડીને ઊભું થાય. મધ્યરાત્રિએ કૂતરાંના રડવાનો અવાજ હજી સારો, પણ અહીં તો એકે શરૂ કર્યું, ત્યાં પશ્ચિમ બાજુથી કોક બીજા વીરલાનું શરૂ થાય. ત્રીજો કે ચોથો હજી તો શરૂ જ થયો ન હોય, પણ પહેલા વાળો એવો ઉપડ્યો હોય કે, બીજાઓના સારા માઇલાં નસકોરા દબાવી દઇ કાળરાત્રિમાં સન્નાટો બોલાવી દે. ક્યા મોરલાએ કળા કરી છે, એ અંધારામાં તો આપણને કાંઇ દેખાય નહિ, પણ ધ્વનિની દિશામાં અડધા ઊભા થઇને જોઇએ, ત્યાં આવા ૪-૫ કવ્વાલો સામસામી પોતાની રચનાઓ પ્રસ્તુત કરતા હોય. એકનો જવાબ બીજો આપે....‘સાંભળનારા દાઝે જોને!’

સવારે ઉઠીને આ કવ્વાલો પાછા માને નહિ કે, એ રચનાઓની પ્રસ્તુતિ એમની હતી. આ પણ નમ્રતાનો ભાવ કહેવાય કે, પોતાના સજર્નનું કોઇ ગૂમાન નહિ!

મારે તો ખરીદવાની જરૂરત પડી નથી, પણ સાંભળ્યું છે કે, દોઢસો-બસો રૂપીયામાં હવે માર્કેટમાં નસકોરાંનાશક સાધનો ઉપલબ્ધ છે. નાકના બન્ને ફોયણાંમાં રાત્રે ભરાવી દેવાના. જો કે, ન્યાય એ મુદ્દે થવો જોઇએ કે આવું સાધન નસકોરાંવાળો નાકમાં નંખાવે, એને બદલે સાંભળનારી પોતાના કાનમાં શું કામ ન નંખાવે?

તમે લખ્યું છે, નસકોરાંનાશક ઉપાય મળી ગયો છે.....‘ક્યાં છે?’

નથી મળ્યો....હવે તો પેટમાંથી ય ‘પેટકોરાં’ બોલે છે!

સિક્સર

મારી ઇન્ટરનૅટ સર્વિસ એટલી ધીમી છે કે, આ ‘સિક્સર’ લખવાની શરૂઆત મેં છ વર્ષ પહેલા કરી હતી...!

---------