નદી ફેરવે વહેણ્ - 3 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નદી ફેરવે વહેણ્ - 3

નદી ફેરવે વહેણ્

વિજય શાહ

પ્રકરણ - ૩

હનીમૂન નો મૂન અમાસનો

લગ્ન પહેલાની વાત આમ તો સાવ સાદી અને સરળ હતી..એક્દમ જીઆ જીઆ કરતા સંભવ અને સંભવનાં ઘરવાળા પાછળ જ પડી ગયા હતા.અને એમ ડી નું લેબલ કંઈ નાનુ તો ના કહેવાય..રીટાએ સંભવ અને શીલાને બે વખત પુછ્યુ પણ ખરુ.. તમારા કુટૂંબમાં બધા જ ડોક્ટર અને જીઆ તો ડોક્ટર નહીં તો તે તમને કેમ પસંદ પડી?

સંભવ કહે મારી મમ્મી ડોક્ટર નથી.. અને મને પણ ઘરમાં બંને ડોક્ટર જોઇતા નથી.

શીલા કહે..જીઆ તો સંભવની પસંદગી છે. અમને તો આનંદ છે કે જીઆ અમારા ઘરમાં આવે છે.

રીટાએ કહ્યુ “ મારી જીઆ તો બહુ લાડકોડમાં ઉછરી છે તેણે કદી રસોડુ કે ઘર કામ નથી કર્યુ.. હા તે ધારશે તો બહુ જલ્દીથી શીખી જશે.

શીલા અને સુર પટ્ટણીએ પણ સંભવનાં ડ્રામામાં પુરો સહકાર આપ્યો અને જીઆને કેટલોય વિશ્વાસ આપી દીધો કે તેને લગ્ન પછી કામ નથી કરવાનુ..મહેલ જેવા ઘરમાં રાણી બની ને રહેવાનુ છે..

અને તે દિવસે ૭૦૦૦ ડોલરની હીરાની વીંટી પહેરાવીને વીલ યુ મેરી મી કહીને સંભવ ઉભો રહ્યો ત્યારે જીઆને વહાલ અને સુખનો જબરો ઉમળકો આવ્યો..તેની આંખમાં સંભવ..તેના લખાણો માં સંભવ..તેના વર્તનમાં સંભવ હીલોળા લેવા માંડ્યો હતો..

સંવાદ અને રીટા તેમની દીકરીનું આટલુ બધુ ઉજળુ ભાવી છે ત જોઇને ક્યારેક રાજી થતા તો ક્યારેક ભણતર અને પૈસાની મોટી ખાઇ જોઇ ને વિચારમાં પણ પડી જતા. જ્યારે ડો. પટ્ટણી તેમનો દાવ સીધો પડી ગયોછે તેમ જણાતા હીરાનો હાર, મોંઘી સાડી આપી શીકાગોની મોટી મોટી હોટેલો જોવા માંડ્યા. અને રોજ રાત્રે ફોન ઉપર હવે લગ્ન ક્યારે લો છો વાળી વાતો આવવા માંડી..

કહે છે ને બહુ સુખ ક્યારેક આંસુઓનો સમુદ્ર લઇને આવે છે.

જેને તે સંભવનો પ્રેમ માની બેઠી હતી તે તો ધોખો જ હતો.લગ્ન ના પહેલા દિવસ પછી સંભવ બોલવા લાગ્યો.. ભલે લગ્ન કર્યા પણ આપણે તો ભાઇ બહેન ની જેમ જ રહેવાનું છે. જીઆ કહે “કેમ?”

સંભવ કહે હું હમણા વેકેશનમાં છુ.. મને ભણતરનો બહુજ થાક લાગ્યો છે.

આખુ જીવન પડ્યુ છે તેમ માની ને જીઆ સહેમી ગઇ..હનીમૂન નો મૂન અમાસનો હતો.. અને ચંચળ ઉછળતી કુદતી જીઆએ પહેલી વખત ડાયરીમાં લખ્યુ..

કેવો પ્રભુ તારો ન્યાય?

મનગમતો સાથી મળ્યો પણ તે રહે છે ઉદાસ.

હું ગમે તેટલી મથુ, તેનું મૌન મને ના સમજાય.

એણે ચાહીને મને માંગી પણ કેમ હવે તે ઉદાસ?

સંભવ સાથે સમય જતા તેને સમજાઇ રહ્યુ હતુ કે તેણે લગ્ન શીલાનાં કહેવાથી કર્યા હતા. નાની મોટી દરેક વાતો તે શીલાને પુછીને કરતો. જીઆને તો બહુ જ નવાઇ લાગતી કે નાનામાં નાની ઘરની વાત શીલાને ખબર અને શીલા જ ફીનીક્ષથી જીઆ ને સમજાવે કે પતિને રાજી રાખવો હોય તો તે રસ્તો રસોડામાં બનેલા ભોજન થી શરુ થાય.

એક દિવસતો ખીજવાઇને સંભવને કહી બેઠી આ શું બધુ મમ્મી ની પુછીને કરો છો. તમારે કંઇક ખાવુ હોય તો મને સીધુ કહોને મમ્મી પાસે શું કામ બોલાવો છો? ક્યારેક મમ્મી તો ક્યારેક પપ્પા અને ક્યારેક મોટી બેન..મને તો પહેલા અને છેલ્લા તમે જ જોઇએ છે..આપણો આ સોનેરી સમય છે. મને કોઇ ડાળા પાંદડા આપણાં લગ્ન જીવનમાં જોઇતા નથી. સમજ્યા?

કોઇ પણ જવાબ આપ્યા વિના તે બીજા રુમમાં જતો રહ્યો…અને પંદરેક મીનીટમાં ફીનીક્ષ થી ફોન રણક્યો.

“ કેમ અલી તું તો બહુ ભારે..હજી પરણી ને આવ્યે બે મહીના થયા છે અને સંભવને અમારા થી દુર કરી દેવો છે? થરથરતી જાંઘે મેં જનમ આપ્યો છે સમજી? તે તારો તો કદી નહીં થાય..”

“ મમ્મી વાતનું વતેસર ના કરો..તમારો તો તે અત્યાર સુધી હતો જને? હવે લગન કર્યા એટલે થોડોક તો મને મારો ભાગ મળવો જોઇએને?”

“ અમને એવા અમારા ભાગ મળતા વરસો થયા’તા.”

“ એટલે?”

“ એટલે નવી નવી નવ દિવસ હવે વાસ્તવિક દુનિયામાં આવ.”

“વાસ્તવિક દુનિયાની જ વાત કરું છું ને. ધણી મારો ને મારી સાથે વાત કરવા મારે તમારા દ્વારા જવાનું ?”

ફોન ઉપર તું તું મેં મેં ચાલ્યુ અને અડધા કલાકે જીઆ સમજી કે આ ધણી કાં તો બાયલો છે કાંતો માવડીયો છે. આ સંસાર કેમ ચાલશે? તેની આંખો ભરાઇ આવી..તે વધુ છલકાય તે પહેલા તેને ઉબકો આવ્યો. ઉલટી થઇ..અને દિયાનું મન દિવાનગી તરફ વળી ગયુ. સંભવ ઉપર તેણે કરેલી દાદાગીરી રંગ લાવી રહી હતી..નાનો જીવ ઉદરે આવી રહ્યો હતો..બીજી બાજુ તેનુ મન કહેતુ હતુ જીવન ચક્ર ચાલતુ જ રહેવાનું.. ક્યારેક તો તેને મારા ઉપર પ્રેમ જાગશેને?

સુર પાપા કાયમ જ એમ ઈચ્છતા કે જીઆએ જોબ કરવી જોઇએ..અને જીઆનું ભુસ્તરીય એન્જીનીયરીંગ (જીઓલોજી)માં સારુ નામ તેથી તેને ક્યારેય નોકરીની તકલીફ પડતી નહીં. સેંટ લુઇમાં તેણે કામ શરુ કરી દીધુ..સંભવ દિવસ દરમ્યાન ક્યારેક સ્કોટ ટ્રેડમાં તો ક્યારેક ફીડાલીટીમાં લે વેચ કરતો અને બાકીનો સમય ટીવી ઉપર બજાર જોતો કે ઇ બે ઉપર ડીલ શોધી સસ્તા ભાવે ખરીદેલી વસ્તુઓ ઉંચા ભાવે વેચતો. એમ ડી ડોક્ટરની આવકો જેટલી આવકો તો થતી નહોંતી પણ તેને મનમાં એક શાંતિ થઇ ગઇ કે જીઆને નોકરી મળી ગઇ એટલે હવે સવારના ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી શાંતિ..

રીટાએ જાણ્યુ કે જીઆ બે જીવાતી છે ત્યારે તેનો જીવ બહુ જ બળતો હતો..પણ સંવાદ તેને સમજાવતો.. દીકરી પરણી અને તેનો ઘરસંસાર સંભાળે તેના જેવું સુખ માબાપ માટે કોઇ જ નહીં.

સુર પટ્ટણીને બીજી હાશ થઇ..તે શીલાને કહેતા કે હવે તેમને થોડોક સમય તેમની જિંદગી જીવવા દે. રોજે રોજ ફોન કરી સંભવને શું ખાધુ અને શું કર્યુ જેવા ક્ષુલ્લ્ક પ્રશ્નો પુછીને હલકી ના થઇશ. જીઆને ના ગમતુ કરી કરી તું શું કામ માન ગુમાવે છે? સંભવ તો તારો દીકરો છે. હવે તેને જીઆનો વર બનવા દે.

ચાર છ મહિના છમકલા વિના નીકળી ગયા અને તેનુ કારણ જીઆ એ તેનું મન તેના સંતાન તરફ વાળી લીધેલુ. નોકરી પરથી છુટીને ગમતુ ખાવાનું લૈ ને તે ઘરે જતી. સંભવને ગમે તેવી ગોઠવણ કરતી..વળી શેરબજાર પણ સારુ ચાલતુ હતુ તેથી જે દિવસે પૈસા બન્યા હોય ત્યારે સંભવ થોડી વાતો કરતો..પગાર બધો સંભવ અને જીઆના ભેગા ખાતામાં જમા થતો અને અન્ય સૌ બીલો ભરવાની જવાબદારી સંભવે પોતાના હસ્તે રાખી હતી.ડાયરીનાં પાના ભરાતા હતા. અને જીઆ ને ખબર હતી કે ડાયરી સંભવ વાંચે છે તેથી તેનો પ્રેમ તેમા છલોછલ છલકાવતી હતી. આજે તેણે તેને ગમેલુ કેયુર પાઠક્નું કાવ્ય લખ્યુ.

યાદોનું એક રણ, આપી શકે તો આપ.

ભીની-ભીની ક્ષણ, આપી શકે તો આપ.

મેં કદી ક્યાં ચાહ્યું, નખશીખ પામવું?

દૂરનું ય સગપણ, આપી શકે તો આપ.

-કેયુર પાઠક ‘ચિરાગ’

***