નદી ફેરવે વહેણ્ - 1 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નદી ફેરવે વહેણ્ - 1

નદી ફેરવે વહેણ્

વિજય શાહ

પ્રકરણ ૧

પરોપજીવી

શીકાગો સેન્ટ્રલ કોર્ટમાં જજનાં આવવાની રાહ જોવાઇ રહી હતી. પુરા દોઢ વર્ષ અને ત્રણ વાર સમન્સ મોકલ્યા પછી સંભવ કોર્ટમાં વકીલને લીધા વિના હાજર થયો હતો. વકીલ જુડી પેટ સાથે જીઆ પણ હાજર થયેલી હતી. મધ્યસ્થીએ બે વાર પ્રયત્નો કર્યા પણ સંભવ તો લઢી લેવાનાં મૂડ સાથે આવ્યો હતો તેથી જજનાં આદેશ થી હીયરીંગ શરુ થયુ.

સામાન્ય સૌ કાર્યવાહી પત્યા પછી જુડીએ જીઆ પાસે કેસનાં મુદ્દાઓ રજુ કરતા પ્રશ્નો પુછ્યા..જેમાં જીઆ બે વાત સ્પષ્ટ બોલી લગ્ન જીવનમાં બંને સરખા ભાગીદાર છે..માન સાચવવા માટે અને માન આપવા માટે.. કમાવા માટે અને ઘર ચલાવવા માટે..સંભવ એને પગની જુતીજ ગણતો હતો. અને બધુ હાથમાં આપવાનું અને ક્યારેક આગળ પાછળ થાય તો થાળી છુટ્ટી મારવા સુધીની હિંસાથી ઉબાઇ જઇને તેણે છુટા છેડા માંગ્યા છે. આ દરેક ઝઘડાઓની ટેપ તેણે જજ અને જ્યુરીને સંભળાવવાની અનુમતિ પણ માંગી. કોર્ટે તેની જરુર નથી કહી સંભવને તેના પોતાના વકીલ તરીકે ઉલટ તપાસ લેવાની પરવાનગી આપી.

સંભવ જીઆની ઉલટ તપાસમાં આક્ષેપોનું લાંબુ લીસ્ટ લાવ્યો હતો. લગ્ન પહેલા જીઆનાં ઘણા બોય ફ્રેંડ હતા

જુડીએ ઓબ્જેક્શન લઇને કહ્યુ.. લગ્ન પહેલાની વાતો આજની કાનૂની કાર્યવાહી માટે લાવવી યોગ્ય નથી. લગ્ન પછી કોઇ જ અનુચિત વ્યવહાર હોય તેની સાબિતિઓ આપો.. જબાની વાતો થકી થુંક ના ઉડાડશો કારણ કે દરેક છૂટાછેડામાં કોઇક ત્રીજી વ્યક્તિ હોય તે કાલ્પનીક વાતોનો આધાર લઇ કોર્ટ કાર્યવાહી કરતી નથી.

સંભવ પોતાની દલીલને આગળ વધારતા બોલ્યો “જીઆ તો સ્લર્ટ છે..તેના તો રોજના નવા મુરતીયા હોય છે”.

જુડી એ ફરી વાંધો લીધો અને પુછ્યુ “ તો આ લગ્ન જીવન આટલા વર્ષો કેમ ચાલ્યુ? છુટા થવાની અરજી તમારે મુકવી જોઇતી હતીને? જીઆએ કેમ મુકી?”

સંભવ જુડીને સાંભળ્યા વિના આગળ રજુઆત કરવા જતો હતો ત્યારે જજે તેને રોકીને કહ્યુ..”સંભવ તમને તમારો કેસ રજુ કરવા નો સમય અપાશે. હાલ તો તમે તમારા વકીલ તરીકે ઉલટ તપાસ લઇને તમારો કેસ રજુ કરો. તમે જે આરોપ લગાવો છો તેને સમર્થીત કરતા પુરાવાઓ આપો..જેમકે તે રોજ બહાર જતી હતી તો જુદા જુદા માણસો સાથે કઢંગી દશામાં ફોટા છે? કોર્ટને વાતો નહીં, પુરાવા જોઇએ છે..

જજની વાત સાંભળ્યા પછી પણ તે પોતાની રીતે જ જીઆને બદનામ કરતી વાતો કર્યા કરતો હતો તેથી જજે કંટાળીને “કંટેમ્પ્ટ ઓફ કોર્ટ્નો” વટ હુકમ છોડ્યો ત્યારે તે શાંત થયો.

જૂડીનો હવે વારો હતો તેણે સંભવને પહેલો જ પ્રશ્ન પુછ્યો “તમારા છેલ્લા પાંચ વર્ષના આવક્વેરાના રીટર્ન બતાવે છે કે તમે આવકો ન હોવાને કારણે ટેક્ષ ભરતા નથી તો શું આપ કામ કરતા નથી?”

સંભવ કહે “હું તો શેર બજારમાં લે વેચ કરુ છુ અને મારા બધા રોકાણો ક્વોલીફાઈડ એકાઉંટમાં હોવાને કારણે મારી આવકો દેખાતી નથી.”

જુડી કહે જીઆનાં એકાઉંટમાં નોકરીની આવકો છે તેથી તેના પૈસે ઘર ચાલે છે ને?

“ ના એવું તો નથી પણ હું મારી જવાબદારી જેટલા પૈસા હું શેરબજારમાં થી કમાઇને આપુ છુ.”

“તમે શું ભણ્યા છો?”

“હું તો એમ ડી છું.”

“ તો શેર બજાર કેમ ફુલટાઇમ કરો છો?”

“ મારા સસ્પેન્શન ને લીધે મને નોકરી નથી મળતી”

જુડી જોરથી બોલી “ શું કહ્યું? સસ્પેન્શન? તો તો તમને નોકરી ક્યારેય નહીં મળે ખરુંને?

“નારે ના મને કન્સલ્ટન્સીનાં જોબ મળે છે અને તે હું કરી લઉ છું”

“તમારા આવક્વેરાના રીટર્નમાં તો તમે તે બતાવ્યુ નથી”

“ હાલ તો હું વેકેશન ઉપર છું”

“છેલ્લા કેટલા વર્ષોથી વેકેશન ચાલે છે?”

“ લગ્ન થયા ત્યારથી..”

“એટલે કેટલા સમયથી?”

“ છ વર્ષથી” જજે જવાબ સાંભળીને ડોકુ ધુણાવ્યુ..આ વેકેશન નથી..કામ ન કરવાનું બહાનુ છે.

જુડી એ વાતને આગળ વધારતા પુછ્યુ “સોનીનાં જન્મ સમયે પણ તમને લાગ્યું નહીંકે તમારે કામ કરવુ જોઇએ?”

“મારે કામ ન કરવાનું એક બીજુ કારણ છે અને તે મારુ ઇનહેરીટન્સ..મને જરુર પડે તેટલા પૈસા મને મારા મા બાપ મોકલી આપે છે. મને ક્યારેય નાણાકીય તકલીફ પડી નથી..અને પડશે પણ નહીં.”

જૂડીએ મકાનની લોન વિશે પુછ્યુ તો તે મકાન ના હપ્તા જીઆનાં પગારમાં થી ભરાતા હતા

જુડીએ છેલ્લો પ્રશ્ન સંભવને પુછ્યો “સોની તમને શા માટે જોઇએ છે?તે એક જવાબદારી છે તે તમે સમજો છો ને?

” સોની તો મારી દિકરી છે અને તે મારી પાસે હોય તો જીઆ પણ તેની સાથે આવેને?”

“ એટલે?”જુડીએ મોટા અવાજે પુછ્યુ

“ સીધો હિસાબ છે સોની મને મળે તો જીઆ મારી પાસે બાય વન એન્ડ ગેટ વન ફ્રી ની જેમ આવે ને?”

“ તમે સોની નાં બાપ તરીકે તેના ભવિષ્યનાં ભણ્તર માટે શું કર્યુ?”

“ મારે કશુ કરવાનું જ નથી મારા વારસાને ઘટાડીને મારા પિતાજીએ તેને માટે કોલેજ ફંડ ખોલ્યુ છે.”

“ઇનહેરીટન્સ તો ઘરડા માબાપ નહીં હોય ત્યારે મળશેને?” જુડી એ કડકાઇ થી પુછ્યુ.

“ હવે કેટલા વર્ષ? તેઓ ૭૨ના તો થયા છે..”

જીઆથી અરેરાટી નીકળી ગઇ.

પણ જુડી તેનો મુદ્દો સાબિત કરી ગઇ. સંભવ પરોપજીવી છે.

વકીલનાં પૈસા બચાવવા જતા સંભવ જાતેજ પગ ઉપર કુહાડો મારી ચુક્યો હતો.

ચુકાદો ૪૫ મીનીટમાં આવી ગયો.

બેદરકાર અને નકામા ધણી સાથે ઉંમર વિતાવવી બીન જરુરી છે. મકાન સંભવે ૩ મહીનામાં વેચી દેવાનુ અથવા જીઆ પાસેથી ખરીદી લેવાનુ અને તેમા થતા નુકસાનમાં જીઆએ કશું આપવાનું નહીં. સોની જીઆ સાથે શીકાગોમાં રહેશે અને તે ૧૮ વર્ષની થાય ત્યાં સુધી દર મહીને ભરણ પોષણ આપવાનુ…ઇન્હેરીટન્સ જ્યારે પણ સંભવને મળે ત્યારે સોની અને જીઆને પણ સરખે ભાગે મળે તેવી જોગવાઇ કરી જજે જીઆને નિર્દોષ જાહેર કરી. અને સંભવને આગલી કોર્ટમાં જવાની છૂટ નથી કહીને ચુકાદો સંપન્ન કર્યો.

સંભવ ની પીન હજી “મારી છોકરી લઇને તુ ભાગી રહી છું જીઆ.” ઉપર અટકેલી હતી.

જુડી અને જજ આ પરોપજીવી એમ. ડી. ને જોઇ રહ્યા

***