ચિંતનની પળે - સીઝન - 3 - 22 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 22

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 22 - એક, બે, ત્રણ… જિંદગીની પ્રાયોરિટીઝ
  • શામ હોતે હી જલને લગે, મેરી પલકોં પે કિતને દિયે,

    મૈં ભુલાને કી કોશિશ મેં થા ઔર તુમ યાદ આને લગે.

    -મંજર ભોપાલી

    માણસ માટે જિંદગીમાં સૌથી મહત્ત્વનું શું હોય છે? તમને તમારી જિંદગીની પ્રાયોરિટીઝના નંબર આપવાનું કહે તો તમે સૌથી પહેલો ક્રમ કોને આપો? દરેક વ્યક્તિ માટે તેના સંબંધો, દોસ્તી, પ્રેમ, પરિવાર અને કરિયર મહત્ત્વનાં હોય છે, આમ છતાં દરેક વ્યક્તિ માટે આ બધાંનું મહત્ત્વ થોડુંઘણું જુદુંજુદું હોય છે. ઘણી વખત એવી સ્થિતિ હોય છે કે આપણી એક તરફ કારકિર્દી હોય છે અને એક તરફ પરિવાર. બંને વચ્ચે એકસરખું અને બરાબરનું બેલેન્સ જાળવવું પડતું હોય છે. આપણે કોઈ એક તરફ સોએ સો ટકા વળી શકતા નથી. સંબંધોનું આ બેલેન્સ જો ડગમગે તો માણસની હાલત ડામાડોળ થઈ જાય છે. સમયાંતરે માણસે એ વિચારતા રહેવું જોઈએ કે મારી જિંદગીનાં બંને ત્રાજવાં બરાબર તો છે ને?

    હમણાં એક ઓટોરિક્ષા પાછળ સરસ વાક્ય વાંચવા મળ્યું. એક જ વાક્યમાં જીવનની પ્રાયોરિટીઝ અને ફિલોસોફી વ્યક્ત થતી હતી. રિક્ષા પાછળ લખ્યું હતું કે ફર્સ્ટ ગોડ, સેકન્ડ યુ એન્ડ થર્ડ મી. મતલબ કે પહેલો ભગવાન, બીજા તમે અને અને ત્રીજો હું. સૌથી પહેલા ઈશ્વરને મૂકીએ એ તો જાણે બરાબર છે પણ બીજા અને ત્રીજા ક્રમમાં માણસ ઘણી વખત થાપ ખાય જાય છે. સૌથી મોટો સવાલ એ થાય કે તમે અથવા તો તું એટલે કોણ?

    તમે એટલે આપણા સંબંધો. સંબંધો એક નથી હોતા. સંબંધો અનેક હોય છે. આપણા વર્તુળની અંદર બીજાં અનેક નાનાંમોટાં વર્તુળો હોય છે. સંવેદના અને અનુભવો પછી આ વર્તુળો સંકોચાતાં અથવા તો વિસ્તરતાં જતાં હોય છે. તમારી સૌથી નજીક કોણ છે? એવી કઈ વ્યક્તિ છે જેને તમારી અંગત વાત કરવાનું સૌથી પહેલું મન થાય છે? કોઈ સારા કે ખરાબ સમાચાર હોય તો તમે કોને પહેલી જાણ કરો છો? જે વ્યક્તિ સૌથી નજીક હોય તેને કાયમ દિલથી જકડી રાખવી. એ જો દૂર થઈ જાય તો દિલના એક ભાગમાં દુકાળ પડી જાય છે. દિલમાં પડેલા ચાસને જીરવવા બહુ આકરા હોય છે. ગમે તે પરિસ્થિતિમાં આપણા સંબંધો અકબંધ રહેવા જોઈએ.

    સંવેદનાના તમામ તાર ઝણઝણાવી દે તેવી એક વાત સાંભળવી ગમે તેવી છે. એક પતિ-પત્ની હતાં. પચીસ વર્ષનું લગ્નજીવન. મોટી ઉંમરે પત્ની અલ્ઝાઇમરની બીમારીનો ભોગ બની. જિંદગીની તમામ જૂની પળો અને સ્મરણો મગજની પાટીમાંથી ભૂંસાઈ ગયાં. કંઈ જ યાદ ન રહ્યું. પત્નીની હાલત એટલી બગડી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

    પતિ દરરોજ સાંજે હોસ્પિટલમાં જાય અને પત્નીને પ્રેમથી જમાડે. પત્નીનું વર્તન સાવ અજાણી વ્યક્તિ જેવું જ રહે. હોસ્પિટલની એક નર્સ દરરોજ આ દ્રશ્ય જુએ. એક દિવસ નર્સથી ન રહેવાયું. પેલા વૃદ્ધ પાસે જઈને નર્સે કહ્યું કે, તમે અહીં ખોટા ધક્કા ખાવ છો. તમારી પત્નીને કંઈ જ યાદ નથી. એ તો હવે તમને ઓળખતી પણ નથી.

    નર્સની આ વાત સાંભળીને વૃદ્ધે તેની સામે જોયું. વૃદ્ધ એટલું જ બોલ્યા કે એ મને નથી ઓળખતી, પણ હું તો તેને ઓળખું છું ને! આવી વ્યક્તિઓની વાત સાંભળીએ ત્યારે એવું થાય કે આવા લોકો પોતે પોતાને સારી રીતે ઓળખતા હોય છે. આપણા માટે સવાલ એ જ હોય છે કે આપણે આપણને પૂરેપૂરા ઓળખીએ છીએ ખરાં? આ પ્રશ્નનો જવાબ મળી જાય તો પછી આપણા તમામ સંબંધો કોઈ પણ સંજોગોમાં ઓગળતા નથી.

    ઘણી વખત સંબંધો આપણી સામે સવાલ અને સમસ્યા બનીને ઊભા રહે છે. ભગવદ્ ગીતાને યાદ કરો. ધર્મયુદ્ધ વખતે સામા પક્ષે પોતાના જ સ્વજનોને જોઈ અર્જુન હતાશ થઈ ગયા હતા. આ વખતે ભગવાન શ્રીકૃષ્ણે કહેલી વાત યાદ રાખવા જેવી છે. ગીતાનો મર્મ એ જ છે કે જ્યારે સત્ય આપણા પક્ષે હોય ત્યારે લડી લેવામાં પણ કંઈ જ ખોટું કે અયોગ્ય નથી. આવી પરિસ્થિતિ આવે ત્યારે સૌથી પહેલાં એ જ વિચારવાનું હોય છે કે સંબંધોનું સત્ય તો આપણા પક્ષે છે ને?

    સંબંધોને માણવા જેટલા સહેલા છે એટલા જ અઘરા સંબંધોને જીરવવા છે. સંબંધોને તોડવા તો અત્યંત સહેલા છે. સંબંધોમાં જો સત્વ હોય તો પછી સહેલા કે અઘરાનો સવાલ જ ઊભો નથી થતો, બધું જ એકદમ સરળ લાગે છે. છતાં જે સરળ હોય છે એને જ સમજવું સૌથી અઘરું પડતું હોય છે!

    છેલ્લો સીન :

    તમારા સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી. બનાવ સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે.

    -હક્સલે

    ***