પ્રથમ સહેલી Priti Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રથમ સહેલી

બાળપણની ઘણી બધી વાતો એવી રીતેયાદ રહી જતી હોય છે કે, જરા જેટલું ‘હ્રદય’ને ઝંઝોળવામાં આવેને તો તે આપણા ‘નેત્રપટલ’ પર એક ફિલ્મની પટ્ટીની માફક ફરી જતી હોય છે…

બાળપણની ઘટનાઓને આપણે કયારેય વિસારી શકતાં નથી. એ યાદો દીલમાં એવી રીતે કોતરાઈ જાય છે કે ઉંમર વધતાં વધારે ને વધારે ગાઢી બનતી જાય છે…

આજે મને પણ મારી બાળપણની સૌથી પહેલી સખી-સહેલી ભારતી યાદ છે. હું એમ કહી શકું કે કદાચ મારી યાદોમાં તરોતાજા ફૂલની જેમ મહેંકે છે. અથવા તો એમ કહી શકાય કે હું એને ભૂલી જ નથી.

હું અને ભારતી પાંચમાં ધોરણ સુધી સાથે ભણ્યા. મારામાં ને ભારતીમાં ખૂબ જ વિરોધાભાસ. કોઈકને થાય કેવિરોધાભાસ હોય એવી બે વ્યકિતને દોસ્તી હોય ખરી ? હા, અમારા બંન્નેમાંવિરોધાભાસ હતો. તે પણ કેવો ? એ જાડી અને હું પાતળી. ઊંમરના પ્રમાણમાં હું ખૂબ પાતળી અનેઊંમરના પ્રમાણમાં એ ખૂબ જાડી.એક વાત એવી બની કે અમને બન્નેને ખૂબ બને. કેમ? તે ખબર છે? કેમ કેઅમને બન્નેને બધાં કલાસમાં ચિડવે. ભારતીને જાડી-જાડી કહે અને મને પાતળી પરમાર. એટલે જ તો અમે બન્ને ખાસ બહેનપણી બની ગઈ…

હું અને ભારતી પાંચમાં ધોરણ સુધી સાથે ભણ્યા. અમે બન્ને એકબીજાના ઘરે જતાં, સાથે રમતાં, સાથે ગૃહકાયૅ કરતાં.બન્નેને એકબીજા સાથે ખૂબ ફાવે. છત્તાંયે કયારેક અબોલાંયે થઈ જતાં હોં !...ત્યારે અમારી મમ્મીઓ અમને કહેતી કે કેમ આજે તારી બહેનપણી દેખાતી નથી?... લાગે છે તમારાં બન્ને વચ્ચે ઝઘડો થયો છે ?...

આમ, તો અમે બન્ને કયારેય લડતાં નહિ. કયારેય એકબીજાને કાંઈ કહેતાં પણ નહિ.પરંતુ એકબીજાની વાત ન ગમે કે કોઈ વાતે માઠું લાગી જાય તો બોલવાનું જ બંધ. મને આજેય સારી રીતે યાદ છે… અમારી વચ્ચે એક દિવસથી વધારે અબોલા રહેતાં નહિ…

બસ, આમને આમ અમે પાંચમું ધોરણ પાસ કર્યુ. છઠ્ઠામાં પ્રવેશ લેવાનો જ હતો... ને મારે કોઈક સંજોગોવશાત્ ગામ છોડીને જવાનું થયું. તે વખતે અમે બન્ને બહેનપણી ખૂબ રડી... ભારતી મને કહે કે તારાં મામા-કાકાતો આજ ગામમાં રહે છે ને !... તું અહીંયા જ રહીને ભણને... પણ મમ્મી-પપ્પાને આ વાત કોણ સમજાવે ?

ગામ છોડીને ગયા પછી અમારી વચ્ચે પત્ર-વ્યવહાર ચાલુ થયો. અમે બન્ને એકબીજાને પોસ્ટકાડૅ લખતાં. કયારેક હું ગામમાં જઉંતો ભારતીને અચૂક મળતી.

અમે ધીમે-ધીમે મોટાં થતાં ગયા. મારું સરનામું બદલાઈ ગયું. કયાંક એને ટપાલ નહિ મળી હોય, કે કદાચ એ ભણવા બહાર ગઈ હશે... ખબર નહિ, પણ અમારો સંપકૅ-સેતુ તૂટી ગયો.

આજે એ વાતને ત્રણ સાડા ત્રણ દશકા જેટલો સમય વીતી ગયો છે.હમણાં થોડાં વખતપહેલાં જ મને માહિતી મળી કે ભારતી ગોવામાં રહે છે. જાણીને ખૂબ ખુશી થઈ. સાથે એમ પણ થાય છે કે શું મને ભારતીને મળવાની જેટલી આતુરતા છે?... એટલી જ ઉત્કંઠા ભારતીને પણ, મને મળવાની હશે ?... શું તે પણ મને યાદ કરતી હશે કે ભૂલી ગઈ હશે ?... શું અમે બન્ને એકબીજાને મળીએ ત્યારે નાનપણમાં જે મિત્રતા હતી તેવી મૈત્રી આટલાં વરસો પછી અનુભવી શકીશું ખરાં ?... કદાચ આટલાં વરસો વીતી ગયા પછી મળીએ તો સૌથી પહેલાં તો અમે બન્ને એકબીજાને ઓળખી શકીશું ખરાં?...અમારા બન્નેનો એકબીજા પ્રત્યેનો કેવો અભિગમ હશે ?... શું વાતચીત કરવી ?... શું કહેવું ?... શું ન કહેવું ?... મનમાં ઘણાં બધાં સવાલ ઊઠે છે.આમ, તો મનમાં એવું થાય છે કે ઘણી બધી વાતો કરવી છે. ઘણું બધું કહેવું છે. પણ, વાતની શરૂઆત જ કેવી રીતે કરવી?... કાંઈ જ સમજાતું નથી.. મનમાં ઘણાં બધાં સવાલ ઊઠે છે… એટલા માટે જ હું આજે નેટ પર સચૅ કરીને મારી જિંદગીની ‘પ્રથમ સહેલી’ ભારતીને શોધવાનો પ્રયત્ન કરું છું. કે કદાચ થોડીક વાતો ઓનલાઈન થઈ જાય.તો જયારે પણ મળવાનું થાય ત્યારે ખૂબ સારી રીતે એકબીજા સાથે વાત થઈ શકે. એકદમ અજાણ્યા જેવું ન લાગે…