સ્નેહા, સ્નેહા, ઊભી રહે સ્નેહા, સાંભળ સ્નેહા, બસમાંથી ઉતરીને બૂમો પાડતી બીના સ્નેહાની પાછળ રીતસરની દોડતી હતી. પણ સ્નેહા સાંભળે તે બીજી. સ્નેહાનો ગુસ્સો તો આસમાને પહોંચ્યો હતો. તે બીનાની કોઇપણ વાત સાંભળવા તૈયાર નહોતી. તેને તો બસ, બીનાથી ભાગવું હતું. અને અચાનક બીના સ્નેહાની સામે જઇને ઊભી રહી ગઈ. સ્નેહા એક ડગલું પાછળ ખસી ગઈ.
સ્નેહા, મારી વાત તો સાંભળ, બીનાએ અધીરાઇથી કહયું. મારે તારી કોઈ વાત સાંભળવી નથી. સ્નેહા એ વળતો પ્રત્યુત્તર આપ્યો.
બીના અને સ્નેહા બાળપણની સહેલી હતી. બારમું પાસ કરીને બન્નેએ એક જ કોલેજમાં એડમિશન લીધું હતું. ત્રણ દિવસથી બીના કોલેજમાં નહોતી આવી. ન કોઇ ફોન, ન કોઇ મેસેજ. સ્નેહાએ બીનાનો કોન્ટેકટ્ કરવાનો બહુ પ્રયત્ન કયૉ. પણ બીના ન કોઇ મેસેજનો જવાબ આપતી કે ન ફોન રીસીવ કરતી. આખરે કંટાળીને સ્નેહા બીનાનાં ઘરે ગઇ, તો બીનાનાં ઘરે તાળું લટકતું હતું. બાજુવાળા ચંપામાસીને પૂછતાં, સ્નેહાને ખબર પડી કે બીના અને તેની મમ્મી ઓચિંતા અમદાવાદ ગયા છે. શા માટે ? તે નહોતી ખબર, તેથી જ આજે બીના ને જોતાં જ સ્નેહાનો ગુસ્સો ફાટી નિકળ્યો હતો. કેમ કે આ પહેલાં કયારેય એવું નહોતું બન્યું કે બીના કે સ્નેહાની કોઇપણ વાત એકબીજાથી છૂપી હોય. બેમાંથી કોઇપણ બહારગામ જાય કે કોઇ કામ અંગે સ્કુલ-કોલેજ ન આવવાની હોય તો તે વાત બન્નેને ખબર જ હોય. અને એટલે જ સ્નેહા બીનાથી નારાજ હતી.....
બીના એ સ્નેહાને સમજાવતા કહયું, સ્નેહા વાત જ કંઈક એવી હતી કે હું તને કહી ન શકી. બીના ઝડપભેર બોલી ગઈ.
અરે, પણ મારો ફોન તો ઊઠાવવો હતો. કે પછી મેસેજ કરવો હતો. સ્નેહા એ ઉભરો ઠાલવતા કહયું.
સ્નેહા, હું તારો ગુસ્સો સમજી શકું છું. મને ખબર છે, મારે તને કહેવું જોઈતુ હતું. પણ સંજોગો જ કંઈક એવા હતા કે હું તને એ બધું ફોન પર સમજાવી ન શકતી. તું મારી પૂરી વાત સાંભળ અને પછી તું નકકી કરે તે સજા ભોગવવા તૈયાર છું. બોલ, તને એ મંજૂર છે. બીના લગભગ એકીશ્વાસે બોલી ગઇ. સ્નેહાનો ગુસ્સો થોડો ઠંડો થતાં તેને મૂકસંમતી આપી. બીના એ કહયું, ઓ.કે. બે લેકચર પછીના બે ફ્રી લેકચરમાં આપણે કેન્ટીનમાં મળીએ. એવું નકકી કરીને બંન્ને કલાસમાં ગયા.
લેકચર પતાવીને બંન્ને કેન્ટીનમાં આવ્યા. કોફી-સમોસા લઈને બન્ને ખૂણાના ટેબલ-ખુરશી પર બેઠા. બીનાએ વાત શરુ કરતાં કહયું; સોરી સ્નેહા, સૌ પ્રથમ તો હું તારી માફી માંગુ છું. મને ખબર છે કે આ ત્રણ દિવસમાં તું કેટલી હેરાન-પરેશાન થઈ ગઇ હોઇશ. પણ સ્નેહા, વાત જ કંઇક એવી છે. જો હું તને માંડીને બધી વાત કરું છું. બીનાએ કોફીની ચૂસ્કી લેતાં કહયું.
સ્નેહા હજુ પણ ગુસ્સામાં તો હતી જ. તેથી જ તેને કંઈ જવાબ ન આપ્યો. ફકત બીના સામે અનિમેષ નજરે તાકી રહી.
બીનાએ વાતની શરુઆત કરતાં કહયું; જો તે દિવસે આપણે કોલેજથી છૂટીને ઘરે ગયા, ત્યારે ઘરે જતાં જ મેં જોયું કે મારી મમ્મી ખૂબ જ ચિંતામાં હતી. તેની આંખો પરથી લાગતું હતું કે તે ખૂબ જ રડી હશે. ઘણું પૂછવા છતાં મમ્મીએ મને કંઈ ન કહયું. અને કયાંક જવાની ઉતાવળમાં હોય એમ સામાન પૅક કરવા લાગી. અને મને કહયું, ચાલ, આપણે અમદાવાદ જવાનું છે. કારણ પૂછતાં મમ્મીએ કહયું, મને કોઈ સવાલ ના કરીશ. બસ, તું ચાલ મારી સાથે.. મને ખબર છે ત્યાં સુધી અમદાવાદમાં તો અમારાં કોઈ સગાં-વ્હાલાં રહેતાં નથી. તો પછી અમદાવાદ શા માટે ? આવાં તો અનેક પ્રશ્ર્ન મારા મનમાં ચાલતાં હતાં..
ચાલ, હવે તને બે પાકી સહેલીની વાત કરું. જે આપણી જેમ જ બેસ્ટ ફ્રેન્ડ હતા. પણ, સ્નેહાએ બીનાને અધવચ્ચે જ અટકાવી અને કહયું, તું તારી વાત કરને, પછી કોઈ સ્ટોરી સંભળાવજે.
હા સ્નેહા, શાંતિ રાખ, તારા મનનું સમાધાન પણ થશે જ. તું પહેલાં સ્ટોરી સાંભળ. બીનાએ શાંતિથી જવાબ આપ્યો. અને વાતની શરુઆત કરતાં કહયું, બે બેસ્ટ ફ્રેન્ડ. શીલા અને મનોરમા. બંન્ને સુંદર, દેખાવડી પણ શીલા કરતાં મનોરમા વધારે સુંદર હતી. મનોરમાનાં લગ્ન એક ઉદ્યોગપતિ સાથે થયાં. અને શીલાનાં લગ્ન એક સંસ્કારી, ખાનદાની શિક્ષક સાથે થયાં. બંને ખૂબ ખુશ હતાં. પણ મનોરમાના પતિ નિશાંતને પૈસાનું ખૂબ અભિમાન હતું. તેથી નિશાંતને મનોરમાનો શીલા સાથેનો વધારે પડતો ઘરોબો કેળવવો પસંદ ન હતો. તેથી જ નિશાંત મનોરમાને શીલા સાથે ગાઢ દોસ્તી ન રાખવા સમજાવતો. તેનાથી ઊલ્ટું, શીલાનો પતિ સ્વભાવે ખૂબ જ માયાળુ હતો.
સમય વીતતાં શીલા અને મનોરમાને સારા દિવસો રહયા. મનોરમાના પતિએ કહયું, જો મનોરમા, મને તો દિકરો જ જોઇએ. જો દિકરી જણી છે ને તો તું તારા પિયરમાં જ રહેજે. એમ કહીને નિશાંત તો જતો રહયો. મનોરમા તો અવાચક્ જ બની ગઇ. શું કરવું તેની તેણે કાંઇ જ ખબર ન પડી. ખૂબ મનોમંથનના અંતે તેણે શીલાને ફોન કરી બધી વાત જણાવી. શીલાએ આશ્વાસન આપતાં કહયું, મનોરમા તું ચિંતા ન કર. બધું ભગવાન પર છોડી દે. તું બસ, ખુશ રહે.
શીલાએ આ વાત તેના પતિને કહી. શીલાના પતિએ કહયું, દિકરો હોય કે દિકરી શું ફરક પડે છે? દિકરી તો વળી, નસીબદારને મળે. પણ નિશાંતને આ વાત કોણ સમજાવે?
પૂરા દિવસે મનોરમાને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી. બરાબર તે જ સમયે શીલાને પણ વેણ ઉપડયું. અને તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી. મનોરમાની કૂખે દિકરી અવતરી. તેની જાણ શીલાને કરવામાં આવી. આ બાજુ શીલાએ એક સરસ મજાનાં પુત્રને જન્મ આપ્યો. એક તરફ શીલા ખૂબ જ ખુશ હતી. અને બીજી તરફ મનોરમા પર તો જાણે આભ જ તૂટી પડયું હતું. તે નિશાંતને કેવી રીતે સમજાવશે ? શું નિશાંત તેની પુત્રીને સ્વીકારશે ખરો ? કે પછી તેની અને તેની પુત્રીની જિંદગી બરબાદ થઇ જશે ? અનેક વિચારોનાં વમળમાં ઘૂમરાતી મનોરમા પોતાના નસીબને દોષ દેવા લાગી.
આ બાજુ શીલા અને સંજય વિચારે છે કે ભગવાને આપણને પુત્રી આપી હોત તો ? અને મનોરમાને પુત્ર. પણ....આ જ તો બધાં નસીબનાં ખેલ છે ને ? જેણે જે જોઇએ છે તે મળતું નથી. અને જેણે જે મળે છે તેમાં સંતોષ નથી. બસ........આ વિચાર આવતા જ સંજયને એક એવો વિચાર ઝબકયો કે તેની ખુશીનો પાર ન રહયો..શીલા એ પૂછયું, શું થયું સંજય ? કેમ, આમ, મનમાં ને મનમાં હરખાય છે ? ત્યાર પછી સંજયે જે વાત કરી તે સાંભળીને શીલા ખુશ તો થઇ પણ સાથે તેને તેના પતિ પર ગવૅ પણ થયો..
બસ, પછી તો સંજય પોતાના નવજાત બાળકને લઇને મનોરમા પાસે પહોંચી ગયો. સંજયે મનોરમાને શીલા-સંજય વચ્ચેનો વાતૉલાપ કહી સંભળાવ્યો..
જો શીલા, મને તો દિકરી ખૂબ ગમે. તને વાંધો ન હોય તો આપણે એવું કરીએ કે આપણો પુત્ર મનોરમાને આપીને તેની પુત્રીને આપણે રાખી લઈએ તો ? અને આમ પણ, નિશાંતને તો આ વાતની ખબર જ નથી ને. શીલા, તું શું કહે છે ?
શીલાએ કહયું, સંજય, તે મારા મનની વાત છીનવી લીધી. હું પણ એ જ વિચારતી હતી. પણ તને કહેતાં સંકોચ થતો હતો. મનોરમા આપણા ઘરથી કયાં બહુ દૂર રહે છે ? આપણો પુત્ર મનોરમા ઉછેરે કે આપણે ઉછેરીએ શું ફરક પડે છે ? હા, શીલા તારી વાત સાચી છે. જો આપણા એક એવા ફેંસલાથી કોઇના સંબંધો તૂટતા અટકી જતાં હોય તો આ તો બહુ પુણ્યનું કામ કહેવાય. સંજયે તેના એક શિક્ષકના અંદાજમાં કહયું.
અરે! સંજય, તને ખબર છે ? એ સાથે આપણને બીજું પણ એક પુણ્યનું કામ કરવાનો મોકો મળશે. શીલાએ ઉત્સાહમાં આવીને કહયું…
એટલા જ ઉત્સાહ-ઉમંગથી સંજયે પૂછયું, કયું પુણ્ય શીલા ? જલ્દી બોલ.
શીલાએ કહયું, દિકરીનું કન્યાદાનનું પુણ્ય.
બસ, આ વાત સાંભળીને મનોરમાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.. તેને થયું એક મારો પતિ છે જે પોતાના જ સંતાનને અપનાવવા તૈયાર નથી. અને બીજો શીલાનો પતિ, જે બીજાની દિકરીને અપનાવવા જઇ રહયો છે. આખરે બંન્ને પુરુષ છે. છતાં બંન્નેના વિચારમાં જમીન- આસમાનનો તફાવત છે..
શું વિચારે છે ? મનોરમા, સંજયે કહયું, મનોરમા ચમકી ગઇ, અને રીતસરની રડવા માંડી. અને કહેવા લાગી, સંજય હું તમારા બંન્નેનું આ ઋણ કઇ રીતે ચૂકવીશ. આટલું બોલીને અટકી ગઇ. તેના ગળે ડૂમો બાઝી ગયો. આગળ કંઇ પણ બોલવાની અવસ્થામાં નહતી. અરે! એમ જ કહી શકાય કે તેની પાસે શબ્દ જ ખૂટી પડયા... આગળ કાંઈપણ કહયા વગર દીકરીને ઊપાડીને છાતીએ વળગાડીને ખૂબ રડી. તેનો જીવ નહોતો ચાલતો પોતાની દિકરીને સોંપવાનો. પણ... નિશાંતના શબ્દો યાદ આવતાં જ તેને પોતાની દિકરી સંજયના હાથમાં સોંપી દીધી. સંજય બાળકીને લઈને જતો હતો. ત્યારે મનોરમા આંસુભરી આંખે તેને જોઇ રહી.
આમ, સંજય મનોરમાની બાળકીને લઈને શીલા પાસે પહોંચ્યો. શીલાને બાળકી સોંપીને ડૉકટરે લખેલી દવા લેવા માટે હોસ્પિટલની સામે આવેલા મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયો. દવા લઇને રોડ ક્રોસ કરતી વખતે સંજય ઉપર ટ્રકનું પૈંડુ ફરી વળતાં શીલાની જિંદગીનું પૈંડુ તો જાણે ત્યાં જ થંભી ગયું. શીલાના માથે તો જાણે જ આભ તૂટી પડયું..
આ તરફ મનોરમાના પતિ નિશાંતની ખુશીનો કોઇ પાર નહતો. તેને એક ભવ્ય સમારંભનું આયોજન કયુઁ. ખૂબ ધૂમધામથી મનોરમા અને તેના બાળકને ઘરે લાવ્યો. પરંતુ મનોરમાનાં ચહેરા પર ખુશી બિલકુલ દેખાતી નહોતી. પણ નિશાંતને તો એનાથી કોઇ ફરક જ પડતો નહતો.
આમ ને આમ બે વરસ વીતી ગયા. બે વરસ પછી મનોરમાને ખબર પડી કે તેનો પુત્ર જનમથી જ સાંભળી શકતો નથી. હાય! રે! કિસ્મત, મનોરમાએ તો રીતસરનું માથું કૂટયું. પણ હવે શું થાય ? જે પરિસ્થિતિ છે તેને તો સ્વીકાયૅ જ છૂટકો. શીલાને આ વાતની ખબર પડી. બંન્ને બહેનપણી ખૂબ રડી. પણ હવે આ બધાંનો કોઇ મતલબ નહતો. કુદરત સામે માનવી લાચાર છે. નિશાંતે ઘણા મોટા-મોટા ડૉકટરોનો સંપકૅ કયૉ. પણ બધાં જ ઉપાય નકામા નીવડયા. કેમકે ડૉકટરનું કહેવું હતું કે મશીન મૂકવાથી કે ઓપરેશનથી પણ કંઇ ફરક પડવાનો નથી. આ એક એવો કેસ છે જેની અમેરીકાના ડૉકટરોએ પણ લાચારી દશૉવી.
બંન્ને બહેનપણોઓએ નકકી કયુઁ કે હવે આપણા બંન્નેના રસ્તા જુદા. આપણે બંન્ને એકબીજાને કયારેય નહી મળીએ. કેમ કે નિશાંતને થોડો પણ શક પડી જાય તો ત્રણેય જણે જે ભોગ આપ્યો છે તે વ્યથૅ જાય. એક જ ગામમાં રહીને આ શકય નહોતું. તેથી શીલા અમદાવાદ છોડીને ગાંધીનગર રહેવા જતી રહી. શીલાએ એક શાળામાં શિક્ષિકાની નોકરી સ્વીકારી લીધી. એને પોતાની બાળકીનાં ઉછેર પ્રત્યે ધ્યાન આપવા માંડયું. મનોરમાએ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો. આમ ને આમ સોળ-સત્તર વરસ વીતી ગયા.
એકવાર શીલાને સમાચાર મળ્યાં કે મનોરમાનાં પુત્રને એકસીડન્ટ થયેલ છે. અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહયો છે. ત્યારે શીલા પોતાની સુધબુધ ખોઇ બેઠી. મનોરમાએ ભલે એને ઉછેરીને મોટો કયૉ હોય પણ શીલા એની જન્મદાત્રી ‘મા’ છે. તેને ખૂબ દુ:ખ થયું. ડૉકટરોના અથાગ પ્રયત્ન પછી પણ મનોરમાના પુત્રને બચાવી ન શકયાં. આ બધી વાત શીલાની પુત્રીને પણ ખબર પડી ગઇ. જે અત્યાર સુધી છૂપાવીને રાખી હતી. સ્નેહા ! બોલ, હવે મને કહે કે સૌથી વધારે દુ:ખ કોને થયું હશે ?
બીના, મારા ખ્યાલથી તો બંન્નેને સરખું જ દુ:ખ થયુ હશે. કેમ કે એક જન્મદાત્રી ‘મા’ છે તો બીજી પાલક માતા છે. તેથી દુ:ખ તો બંન્નેને થાય જ ને ? સ્નેહાએ તેના વિચારો વણૅવ્યા.
વાહ, સ્નેહા વાહ, તને બંને માતાનું દુ;ખ દેખાયું પણ એ પુત્રીનું શું ? આ બધી વાતમાં એ પુત્રીનો શું વાંક ? મને એ જણાવ કે કોના કારણે એ પુત્રીની આવી દશા થઇ ? એમાં એના નસીબનો વાંક ગણવો ? કે પછી એના નિદૅયી-જિદ્દી પિતાનો ? કે પછી એક પ્રેમાળ પિતાનો ? કે પછી એક એવી માતા જે પોતાની બાળકીને બીજાને સોંપી દેતા પણ ન અચકાઇ ? જે માતા પોતાની બાળકી માટે પોતાના પતિને સમજાવી ન શકી ? કે પછી પોતાની બાળકી માટે પોતાના પતિ વિરુધ્ધ બળવો ન કરી શકી ? કે પછી પોતાના પતિની જિદ્દ સામે ઝૂકી ગઇ ? કોનો વાંક ? સ્નેહા કોનો વાંક ? સમજાવ મને, સ્નેહા, મને કાંઇ જ સમજાતું નથી. થોડીક વારની નિરવ શાંતિ પછી બીના એ કહયું, શું આ દુનિયામાં દિકરી તરીકે અવતરવું તે ગુનો છે ? શું આ દુનિયામાં દિકરી જન્મે તે પહેલાં જ ગુનો કહેવાય ? એકીશ્વાસે બોલતાં-બોલતાં બીના પરસેવે રેબઝેબ થઇ ગઇ. અને પાણીનો ગ્લાસ ગટગટાવી ગઇ.
સ્નેહાએ ઊઠીને બીનાના ખભે હાથ મૂકીને કહયું, શાંત થા. બીના, એમાં તું શું કામ આટલી બધી ઉશ્કેરાય છે. હજુ સ્નેહા એનું વાકય પૂરું કરે એ પહેલાં જ બીના ઊભી થઇ ગઇ. અને કહેવા લાગી, સ્નેહા, એ કમનસીબ છોકરી બીજી કોઈ નહિ, પણ હું જ છું. કહેતાં-કહેતાં બીના રડી પડી. તેના ગળે ડૂમો બાઝી ગયો. સ્નેહા તો અવાક્ જ થઈ ગઈ. શું કરવું ? શું કહેવું ? શું બોલવું ? તેને કાંઈ જ સમજાયું નહિ. આજે તો જાણે શબ્દો જ ખૂટી પડયાં. શું કરું ? બીનાને કેવી રીતે સમજાવું ? વિચારતાં-વિચારતાં સ્નેહા બીનાનાં ખભે હાથ મૂકીને મૂતૅવંત બનીને ઊભી રહી ગઈ.
થોડીકવાર પછી સ્વસ્થ થતાં બીના બોલી સ્નેહા, છત્તાં બાપે હું બાપ વગરની કહેવાઉં. તને ખબર છે ને ? સ્નેહા, મેં અને મારી મમ્મીએ કેટલી ગરીબીમાં દિવસો કાઢયા છે. હકીકતમાં મેં એક તવંગરના ઘરે જન્મ લીધો હતો. છત્તાં મારું બાળપણ ગરીબીમાં વીત્યું. જે મારા હકનું હતું. તેમાનું મને કશું જ ન મળ્યું. કોનો વાંક ? સ્નેહા, કોનો વાંક ? મને એ જ સમજાતું નથી કે મારે શું કરવું ? જયાં સુધી મને આ વાતની ખબર ન હતી. ત્યાં સુધી તો ઠીક હતું. પણ હવે, હવે હું શું કરું ?
સ્નેહા, મને સમજાવ કે આવી વાત હું તને ફોન પર કે મેસેજ દ્ધારા શી રીતે સમજાવું બોલતાં-બોલતાં બીના ધ્રૂસકે-ઘ્રૂસકે રડી પડી.
સ્નેહા શું બોલે, તે બીનાને ઠાલું આશ્વાસન આપવા નહોતી માંગતી. તે આમાં કાંઇ કરી શકે તેમ પણ નહતી. તે કાંઈ પણ બોલ્યા વગર બીનાને ભેટી પડી.
સ્નેહા, મનોમન વિચારવા લાગી, બીનાના નસીબમાં પિતાનું સુખ જ નહિ હોય. અને મનોરમાનાં નસીબમાં પુત્રનું.
પ્રીતિ શાહ ("અમી-પ્રીત")