સફળતા કે નિષ્ફળતા Priti Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફળતા કે નિષ્ફળતા

નંદીશ નાનપણથી જ ભણવામાં ખૂબ હોંશિયાર હતો... અભ્યાસ સિવાય તેને બીજા કશામાં રસ-રુચી નહોતાં... ભણવું એ તેનાં જીવનની પ્રાથમિકતા હતી... તેનું ચિત્ત આખો દિવસ ભણવામાં જ ચોંટેલું રહેતું... સ્કુલમાં તેનાં ભાઈબંધો રીસેસની રાહ જોતાં ને રીસેસ પડતાં જ તોફાન-મસ્તી ચાલુ કરી દેતાં... ક્યારેક તો અમુક શિક્ષકના પિરીયડમાં પણ મજાક-મસ્તી ચાલુ જ રહેતાં... પરંતુ નંદીશ આ બધામાં ક્યારેય જોડાતો નહિ... એટલું જ નહિ, રમતગમતનાં પિરીયડમાં પણ નંદીશ ભણવાનું જ કામ કરતો... શાંત અને હોંશિયાર હોવાને કારણે શિક્ષકોનો ખૂબ માનીતો હતો...તેથી શિક્ષક પણ તેને કાંઈ કે’તાં નહિ…


નંદીશ ફક્ત સ્કૂલમાં જ શાંત રહેતો એવું નહોતું... ઘરે પણ તેનું એવું જ વર્તન ચાલુ રહેતું....


તેની નાની બહેન નંદીની તોફાન કરે તો તે ચોપડોઓ લઈને બીજા રૂમમાં ચાલ્યો જતો... તેની બહેન એકલી પડી જતી... તેની સાથે રમવાવાળું કોઈ નહોતું... તેથી નિરાશ થઈ જતી... એટલે જ નંદીશનાં મમ્મી-પપ્પા ક્યારેક નંદીશને ટોકતાં પણ ખરાં... બેટા,“આખો દિવસ ભણવાનું ન હોય... આખા દિવસમાં થોડોક સમય તો રમવું જ જોઈએ... શારિરીક કસરત પણ થઈ જાય અને ફ્રેશ પણ થઈ જવાય...” પણ માતા-પિતાના આ શબ્દોની નંદીશ પર કોઈ અસર થતી નહી...પરિવારમાં કોઈ સામાજિક પ્રસંગ હોય કે કોઈ વાર-તહેવાર... નંદીશ ક્યારેય તેમાં જોડાતો નહિ... નંદીશનો ભણવા પ્રત્યેનો લગાવ જોઈને તેનાં મમ્મી-પપ્પાને ખુશી તો થતી, પણ સાથે-સાથે ચિંતા પણ થતી... નંદીશનાં મમ્મી-પપ્પા સ્પષ્ટપણે માનતાં હતાં કે જીવનમાં ફક્ત ભણવાનું જ જરૂરી નથી... ભણવા સાથે ગણવું પણ એટલું જ જરૂરી છે... ભણતરની સાથે સામાજિક અને વ્યવહારિક જ્ઞાન હોવું પણ એટલું જ જરૂરી છે... નંદીશને તો જાણે ભણવાનું ‘ભૂત’ વળગ્યું હતું... ભણવા સિવાય એની જિંદગીમાં કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્થાન નહતું...


ખૂબ જ નાની ઊંમરમાં નંદીશે એક સફળ વૈજ્ઞાનિકનું બિરૂદ મેળવ્યું હતું... આમ તો, નંદીશનો પરિવાર મધ્યમવર્ગીય હતો... તેથી નંદીશના સામાન્ય ભણતરનો ખર્ચો તેનાં પપ્પાને પોસાય તેમ હતો... પરંતુ નંદીશે સ્કોલરશીપ મેળવીને ઊચ્ચ ભણતર પ્રાપ્ત કર્યું હતું...


આજે નંદીશની 30મી વર્ષગાંઠ હતી... ઓફીસના સ્ટાફને ખબર હતી કે નંદીશને પાર્ટી કે ગીફટમાં રસ નથી... તેથી બધાંએ ફૂલોનો બુકે આપીને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી હતી...


બધાંની શુભેચ્છાઓ લઈને નંદીશ પોતાની ચેમ્બરમાં પ્રવેશ્યો... તેને મોબાઈલમાં જોયું તો ઘણાં બધાં કોલ મિસથઈ ગયા હતાં... દરવખતની જેમ આ વખતે પણ તેને તેનાં મમ્મી-પપ્પા અને નંદીનીના કોલ મિસ કર્યા હતાં... દરવખતની જેમ આ વખતે પણ મમ્મી-પપ્પા અને તેની બહેન નંદીનીએ મેસેજ કરીને જ સંતોષ માણ્યો હશે...? એવો પ્રશ્ર્ન પહેલી જ વાર નંદીશના મનમાં ઉઠ્યો...વિચારતાં-વિચારતાં નંદીશ ભૂતકાળની યાદોમાં સરી પડ્યો...

તેની મમ્મી તેનાં દરેક જન્મદિવસ પર જાત-જાતની મિઠાઈ બનાવતી... તેનાં પપ્પા પણ ઓફીસમાંથી રજા લઈને આખો દિવસ ઘર સજાવવામાં કાઢતાં... તેની મમ્મી અને નાની બહેન પણ ફુગ્ગા ફૂલાવતાં ને રંગબેરંગી રીબીનથી ઘર સજાવવામાં પપ્પાને મદદ કરતાં... આખું ઘર શણગાર્યા પછી નંદીની દોડતી-દોડતી આજુબાજુમાં રહેતાં નાનાં-નાનાં ભૂલકાંઓ અને તેની બહેનપણીઓને તથા નંદીશનાં ભાઈબંધોને પણ બોલાવી લાવતી...બધાં કેટલાં ખુશ-ખુશાલ હોય. એમાંયે સૌથી વધારે ખુશી નંદીનીનાં ચહેરા પર છલકાતી હોય...બર્થ-ડે પાર્ટી પૂરી થયા પછી કંઈ કેટલાયે ગીફટ બોક્સ હોય... તેમાં શું છે ? તે જાણવા માટે નંદીની સૌથી વધુ આતુર હોય… પણ નંદીશ તે બોક્સને અડતો પણ નહિ… તેનાં મમ્મી-પપ્પા જાતે જ ગીફટ બોક્સ ખોલીને નંદીશને ગીફટ બતાવતાં… તેનાં પપ્પા તેનાં માટે જાત-જાતનાં રમકડાં,કપડાં અને ઘડિયાળ જેવી ગીફ્ટ લાવતાં…નંદીશનાં ચહેરા પર ખુશી જોવા માટે દરવખતે કંઈક નવું લાવતાં… પણ, નંદીશ તો એ બધું જોયું ના જોયું કરીને તેના ભણવાનો કેટલો સમય બગડ્યો ? તેની મનમાં જ ગણતરી કરતો ને તેનાં રૂમમાં જતો રહેતો…નંદીશનાં માતા-પિતા નંદીશનો આવો વ્યવહાર જોઈને દુ:ખી થઈ જતાં… તેમને ખબર જ નહોતી પડતી કે નંદીશને શું ગમે છે ?


ત્યારપછીની બર્થ-ડે પર નંદીશના માતા-પિતાએ ચોપડીઓ ગીફટ કરી. ચોપડી પણ ફક્ત ભણવામાં ખપ આવે એવી જ.કોઈ વાર્તા કે કવિતાની નહિ. નંદીશ ખુશ થઈ ગયો. બસ, ત્યારથી બધી જ બર્થ-ડે પર નંદીશના માતા-પિતા તેનાં માટે ચોપડી સિવાય કોઈ ગીફટ ન આપતાં કે ન તો બર્થ-ડે પાર્ટી પ્લાન કરતાં. તેનાથી નંદીશને કોઈજ ફર્ક નહોતો પડતો… પરંતુ આજે અચાનક નંદીશને એ છેલ્લી બર્થ-ડે પાર્ટી યાદ આવી ગઈ… આખું ઘર રંગબેરંગી રીબીન અને ફુગ્ગાઓથી સજાવેલું હતું…તેનાં બધાં મિત્રો સજીધજીને, રંગીન પેકેટમાં જાતજાતની ગીફ્ટો લઈને આવ્યાં હતાં… એ દિવસે એણે કેટલી મોટી કેક કાપી હતી… તે કેક તેની આંખો સામે તરવરી રહી… કેક ખાઈને બધાં જમતાં હતાં… ત્યાંતો નંદીશ જમ્યો ન જમ્યો ને પોતાનાં રૂમમાં જતો રહયો…


ઊંડા વિચારોમાં ગરકાવ થયેલાં નંદીશને ખબર પણ ન પડી કે પટાવાળો કયારે કોફીનો મગ મૂકીને ચાલ્યો ગયો…કોફીનો મગ હાથમાં લઈને મોઢે માંડતા જ સમજાયું કે કોફી તો સાવ ઠંડી થઈ ગઈ છે… તેને અંદાજ આવી ગયો કે કેટલા સમયથી તે ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો છે… પટાવાળાને બોલાવીને બીજી કોફી લઈ આવવા કહ્યું…


નંદીશને સમજમાં નહોતું આવતું કે આજે પહેલી વખત તેનું મગજ કંઈક અલગ જ વિચારોના ચગડોળે કેમ ચઢ્યું છે ? આ પહેલાં તો એને ક્યારેય આવું કંઈ વિચાર્યું જ નથી ?


નંદીશને કોલેજનાં એ દિવસો પણ યાદ આવી ગયાં. જ્યારે એની બર્થ-ડે પર નૈનાએ ખૂબ જ ઉત્સાહથી બર્થ-ડે વિશ કરી હતી.. અને તેની પાસેથી પાર્ટી માંગી હતી… પરંતુનંદીશે ફક્ત ‘થેન્કયુ’ કહીને ચાલતી પકડી’તી… નૈના ક્યાંય સુધી તેનો પીછો કરતી રહી ને કાંઈક બોલતી રહી… પરંતુ નૈનાનો એક પણ‘શબ્દ’ નંદીશનાં કાન સુધી પહોંચ્યો જ નહિ…આવી રીતે કંઈ કેટલીયે વાર તેણે નૈનાને ‘હડધૂત’ કરી હશે… તેની નંદીશને પોતાનેય ખબર નથી…


નંદીશને બરાબર યાદ છે… નંદીશ જ્યારે કંઈક અગત્યનું ‘રીસર્ચ’ કરી રહ્યો હતો… ત્યારે નૈનાનો ફોન આવ્યો હતો… હેલ્લો, નંદીશ “હું નૈના બોલું છું…મારા ઘરમાં મારા લગ્નની વાતો ચાલી રહી છે… હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું… તું શું કહે છે ? નંદીશે કંઈ પણ જવાબ આપ્યા વગર ફોન કટ કરી નાંખ્યો હતો.. થોડીવારમાં નૈનાનો પાછો ફોન આવ્યો હતો…“જો નંદીશ અત્યારે તું બીઝી હોય તો કંઈ વાંધો નહિ… હું તને બે દિવસનો સમય આપું છું… બે દિવસમાં તું મને તારો જવાબ જણાવજે… નહિ તો હું લગ્ન કરી લઈશ…”વાત પૂરી કરીને આ વખતે નૈનાએ જ ફોન કટ કરી નાંખ્યો… નંદીશ તેનાં ‘રીસર્ચ’માં મગ્ન રહ્યો… થોડાક દિવસો પછી નૈનાનાં લગ્નની ‘કંકોત્રી’ નંદીશ પાસે પહોંચી… પણ એનાથી નંદીશને કોઈ ફર્ક ન પડ્યો… તે તો બસ, તેનાં કામમાં મગ્ન રહયો...


નંદીશ આજે પાછું વળીને જુએ છે, તો તેની પાસે નથી જાતજાતનની મિઠાઈ લઈને ઊભેલી તેની મમ્મી.કે નથી રંગબેરંગી ફુગ્ગા લઈને, હસત-નાચતી, કુદતી તેની નાની બહેન. કે નથી ગીફટનાં બોક્સ લઈને ઊભેલાં તેનાં પપ્પા. કે પછી નથી તોફાન-મસ્તી કરતાં તેનાં મિત્રો.. અરે ! આજે તો પાર્ટી માંગતી પેલી નૈના પણ નથી…


આજે પહેલીવાર તેને અનુભવ્યું કે તેની સફળતા પાછળ કેટ-કેટલી વ્યક્તિઓએ ત્યાગ કર્યો હશે…આજે તેની પાસે પદ, પ્રતિષ્ઠા ને પૈસા સિવાય કશું જ નથી…..


પ્રીતિ શાહ ("અમી-પ્રીત")