કર્ણલોક - 19 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્ણલોક - 19

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 19 ||

જવાની વાત થયા પછી નક્કી થતાં જ મને મામીને મળી આવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. નિમુબહેનને મળ્યે પણ પાંચ-છ મહિના થવા આવ્યા હતા. ત્યાં જઈ આવવાનું મન પણ હતું.

દક્ષિણમાં જવાને હજી વીસેક દિવસની વાર હતી; છતાં કામ જ એટલું રહેતું કે જવાનો સમય કાઢવો મુશ્કેલ થઈ પડે. આમ છતાં એક શનિ-રવિ નક્કી કરીને નીકળી ગયો.

મામાની બદલી કચ્છમાં થઈ ગઈ હતી. પડોશી પાસેથી તેમનું સરનામું લઈને ત્યાં જ લાંબો પત્ર લખી નાખ્યો. આજ સુધી હું ક્યાં રહ્યો હતો તે લખવાનું મેં ટાળ્યું. તે સિવાયની કેટલીયે વાતો લખી નાખી. કહ્યા વગર ઘરેથી નીકળી ગયો તે બદલ માફી માગી. દક્ષિણ પહોંચીને મારું નવું સરનામું મોકલીશ અને તે બધાંને દક્ષિણ ભારતની યાત્રાએ બોલાવીશ એમ પણ લખ્યું. વળતી ગાડીમાં પાછો નીકળી ગયો.

વચ્ચેના સ્ટેશને ઊતરીને ચાલતો નિમુબહેનને ત્યાં જવા નીકળ્યો. આખે રસ્તે મેં પીળા મકાનના વિચારો કર્યા કર્યા. દુર્ગાનાં તોફાનો, તેની લાગણીઓ, તેની દૃઢતા, તેની સરળતા અને મસ્તી. પીળા મકાનની મારી સહનિવાસિની સાથે વિતાવેલી પળે પળ સામે આવતી ગઈ. આ રવિવારે તે જતી રહેશે તે વિચારે મન ઉદાસ થઈ ગયું. મને પણ નંદુ જેવા વિચારો આવ્યા: પાલિતાણામાં કોણ જાણે કેવાયે માણસો વચ્ચે એને રહેવાનું થશે. અહીં તો પીપળે બેસીને રડતી અને નંદુ સમજાવતો. ત્યાં કોણ સમજાવશે! દુર્ગાનું મોં યાદ આવતાં ઘડીભર તો થયું, ચાલ જીવ, હમણાં જ પાછો વળી જઉં. પણ નિમુબહેનને મળી લેવાની ઇચ્છા છોડી ન શક્યો.

નદી પાર કરી, મઢીએ થઈને હું નિમુબહેનની વાડીએ પહોંચ્યો તો ત્યાં કેઈ દેખાયું નહીં. ફળીમાં ખુરશી પડી હતી. ઘર બંધ હતું. કૂવે અને આસપાસ બધે જોયું પરંતુ ગોમતી કે નિમુબહેન દેખાયાં નહીં.

મામીને ન મળી શકાયાનું દુ:ખ, કાયમ માટે દક્ષિણમાં રહેવા જવાનો ઉમંગભર્યો ભાર, આ સ્થળ ફરી ક્યારે જોઈશ? તે વ્યથા, નવી જવાબદારી લેતાં લાગતો અજાણ્યો ભય. ગમે તે કારણે નદીતટ ઉપરનું આ આખું ખેતર સૂમસામ લાગ્યું હતું. થોડી વાર બેસીને પાછા ફરી જવાનું વિચારતો જ હતો કે જી’ભાઈ ઢોળાવ ઊતરતા દેખાયા. મને જોતાં દૂરથી જ હાથ હલાવીને તેમણે મને આવકાર્યો.

હું ઊભો થઈને સામે ગયો. જી’ભાઈ ફળિયામાં આવ્યા કે તેમના હાથમાંથી થેલીઓ મેં લઈ લીધી. મારા ખભા પર મારો થેલો તો હજીયે લટકતો જ હતો તે જોઈને જી’ભાઈ હસી પડ્યા અને કહ્યું, ‘તારો થેલો તો હેઠો મૂક. હજી હમણાં જ આવ્યો કે શું?’

બોલતા બોલતા જી’ભાઈ ફળીમાં પડેલી ખુરશી ઊંચકીને પરસાળ ઉપર લઈ ગયા. ખુરશી બરાબર ગોઠવીને તે પર બેઠા. મને કહે, ‘થેલીઓ રસોડામાં મૂકી આવ અને પાણી-બાણી પી લે. મને પણ પા. પછી બેસ. તારી વાત કર. ત્યાં બધાં કેમ છે?’

મારો થેલો મેં પરસાળની થાંભલી પર ટાંગ્યો અને થેલીઓ રસોડામાં મૂકી આવ્યો. જી’ભાઈ માટે પણ પાણી લાવીને આપ્યું પછી કહ્યું, ‘અમારે ત્યાં બધા મજામાં. અહીંના બધા ક્યાં ગયાં છે?’

‘નિમ્બેન ગોમતીને લઈને ગયાં છે મુંબઈ. હું તો કાલનો રાહ જોઉં છું. અત્યાર સુધીમાં ગોમતીના સમાચાર આવી જવા જોઈતા હતા. હવે આજે કાં તો નિમુ આવે કાં કોઈ ખબર તો આવવા જ જોઈએ.’

છેલ્લે અહીં આવેલો ત્યારે ગોમતીના કાકા અને સાસરિયાંએ કરેલી વાતો મને યાદ આવી.

જી’ભાઈએ છાપું હાથમાં લીધું. ખોલીને થોડું વાંચીને બાજુ પર મૂકતાં કહ્યું, ‘ગોમતીને બધું જ અહીં કરવાનું નિમુએ માથે લીધું. વાડી છોડીને ભાગ્યે જ બહાર જાય તે હવે ગોમતીને લઈને મુંબઈ સુધી દોડા કરે છે. દાક્તર કહે છે કે નવી પદ્ધતિ હજી પ્રયોગના પગથિયે જ છે એટલે દર મહિને મુંબઈ જવું પડે. સુવાવડ દવાખાને દાક્તરની હાજરીમાં કરવાની.’

‘ગોમતી કંઈ વધુ બીમાર છે?’ મેં પૂછેલું.

જી’ભાઈના હંમેશાં શાંત અને રુક્ષ લાગતા ચહેરા પર ચિંતા સળવળી. થોડી વાર મૌન રહીને તેમણે દૂર ઝાંખી થતી જતી નદીને જોયા કરી. પછી કહ્યું, ‘ગોમતી એક અઠવાડિયાથી માંદી તો છે જ. એમાં આ પહેલી સુવાવડ અને હજી સંશોધનમાં હોય તેવી નવીન પદ્ધતિથી. એટલે સંભાળ તો લેવી પડે.’

ગોમતીની વાત હું અગાઉ અરધીપરધી સમજેલો. સાસરિયાંને તે મા બની તેની સામે જાણે કુંવારી મા થવાની હોય એટલો વિરોધ હતો. મને લાગતું હતું ગોમતી અને તેના વરે બીજા કોઈ પાસેથી બાળક મેળવવા કોઈ નવીન પદ્ધતિ અપનાવેલી જેમાં બાળકનો પિતા કોણ છે તે નક્કી થઈ શકે તેમ નહોતું. આથી વધુ સમજ મને નહોતી. વધુ વિગત જાણવાની મને ઇચ્છા પણ થયેલી; પરંતુ જી’ભાઈને પૂછવામાં મને સંકોચ લાગતો હતો.

મેં ઊભા થઈને ચૂલો સળગાવ્યો. ખીચડી ઓરી. જમવાની તૈયારી કરીએ ત્યાં સાડાઆઠ થયા. એમાં અચાનક ગોમતીનાં બા આવી ચડ્યાં. તેમણે દૂરથી જ જી’ભાઈને પૂછ્યું. ‘ભૈ, મુંબઈના કંઈ ખબર આવ્યા કે?’

‘આવો બબીબેન.’ જી’ભાઈએ કહ્યું. ‘દાકતરે બે દહાડા પહેલાંની તારીખ આપી હતી; પણ હજી ખબર નથી. છેલ્લી બસ નથી આવી. આવે તેમાં કોઈ કંઈ ખબર લાવે તો હુંયે રાહ જોઉં છું.’

‘ઘરે ખોટું બોલીને નીકળી છું. જી’ભૈ, માનો જીવ એટલે રહેવાયું નહીં. બહુ ચિંતા થઈ. નકર ન આવત.’ માજીએ કહ્યું.

‘ભલે આવ્યાં. તમારે તો મુંબઈ જવું જોઈએ.’ જી’ભાઈએ જવાબ આપ્યો, ‘બાકી ખોટી ચિંતા ન કરવી. બધું સરખું થઈ રહેશે.’

ખીચડી હતી તોયે માજીએ જી’ભાઈ માટે રોટલો ઘડ્યો. થોડું શાક પણ બનાવ્યું. હું મદદમાં રહ્યો તો માજી કહે, ‘બાઈ માણસ જેવું રાંધતાં ક્યાં શીખ્યો? ઘરે માને મદદ કરતો લાગ છ.’

‘હં.’ મેં અમસ્તી જ હા ભણી, ‘બધું શીખવું તો પડે ને?’

ગોમતીનાં મા ગોમતીની ચિંતામાં ન હોત તો તેમણે મને વધુ પ્રશ્નો કર્યા હોત તેવું મને લાગ્યું. તેમણે આગળ કંઈ ન પૂછ્યું તેની મને રાહત હતી. નવી રસોઈ થઈ રહી પછી અમે જમવાની તૈયારી કરી.

નિમુબહેનને નહીં મળી શકાય તે વિચારે મને દુ:ખ થયું. કદાચ કાલ પૂરતો, શનિવારે રોકાઈ જઉં તોપણ રવિવારે જવું જ પડે. એક તો રવિવારે દુર્ગા જવાની હતી. બીજું મારે સોમવારે પાછું કામ પર જવાનું હોય.

શું કરવું તે વિચારમાં જ મેં બેસવા માટે પાટલીઓ ગોઠવી. જમીને અમે ત્રણેય છેલ્લી બસમાં આવનારા કોઈની રાહ જોતાં પરસાળમાં બેઠાં હતાં. ગોમતીનાં મા થોડે દૂર બારણાની આડસે બેઠાં રડતાં હોય તેવું લાગ્યું. જી’ભાઈએ કહ્યું, ‘બબીબેન, રડશો નહીં. સારા પ્રસંગે ચિંતા થાય તોયે મનમાં તો હોંશ જ રાખવી.’

માજીએ સાડલાના છેડાથી આંખો લૂછતાં કહેલું, ‘શાના સારા પ્રસંગ? જી’ભૈ, આને તમે સારું કો’છો? આ જિંદગીમાં પહેલી વાર ઘેર ખોટું બોલીને પગ ઘરબારો મૂક્યો.’ માજીએ કહ્યું, ‘મૂળે તો આ ગોમતીએ રઢ લીધી અને નિમ્બેન એની પડખે ચડ્યાં એમાંથી ઊભું થયું છે. તમે બેય વચ્ચે પડ્યાં એ ગોમતીનાં સાસરિયાંને કે અમારા ઘરમાં કોઈનેય ગમ્યું નથી. ગોમતીના બાપાયે તો ગોમતીના નામનું નાહી નાખ્યું. ઘર આખાને તમારે ખેતરે પગ નહીં ધરવાના સોગંદ લેવરાવ્યા છે. પણ શું કરું માનો જીવ છું ને!’

‘બબીબેન, તમને એવું લાગે છે કે ગોમતીએ ખોટું કર્યું છે? તમે તો જાણો છો એનો વર જીવતો હતો ત્યારે જ એ બેય જણાએ મળીને નક્કી કરેલું. તમારા જમાઈની દવા થઈ શકે તેમ નહોતું એટલે ગોમતીને આ રીતે બાળક થવા દેવું એવું તો તમારા જમાઈએ પણ કહેલું.’ જી’ભાઈ માજીને સમજાવતાં હોય તેમ શાંત સ્વરે બોલ્યા. ‘સાચું કહો. તમને શું લાગે છે?’

‘મને શું લાગે તે કોઈ શું કામ પૂછે? મને તો આજની ઘડીયેય સાચું-ખોટું સમજાતું નથી. આ ગોમતી કે જમાઈ વચ્ચે વાત થઈ એય મને નિમ્બહેને કહ્યું ત્યારે ખબર પડી. એમણે જે નક્કી કર્યું તે ખાનગી રહ્યું હોત તો સારું હતું. અરે એ પોતે જીવતો હોત તોય બલા નહોતી. હવે તો એય ના રહ્યો!’

‘માડી ગોમતી તમારી દીકરી છે. દીકરીની ઇચ્છા હોય કે વર ન રહ્યે પણ બાળક થવા દેવું છે તો આપણે શું કામ ના પાડવી પડે? અમને કે દાક્તરને તો કોઈ વાંધો દેખાતો નથી. તમે બધાં ખોટાં દુ:ખી થાવ છો.’ જી’ભાઈએ કહ્યું.

હું પરસાળમાં પથારીઓ પાથરતાં તેમની વાતો સાંભળતો હતો. બબીબહેન બોલ્યાં, ‘તમે ભલે કો’, તમારે ધરમ રહ્યો નથી. અમારા ઘરનાં મોટેરાં તો બધાં શાસ્ત્રો ઉકેલે છે. એ કહે કે આ પાપ કહેવાય.’

કહીને બબીબહેને કહ્યું, ‘બામણની છોડી અને... પણ હવે એની માંડણી કર્યે શું વળવાનું છે? થવાકાળ હતું તે થઈ ગયું. ફિકર મારી છોકરીની છે. હવે મને સંતાપો મા.’ તે અડધી ઉમ્મર વિતાવી ચૂકેલી સ્ત્રી મોં સંતાડતી હોય તેમ છેડો ખેંચીને અને નીચું જોઈને બોલતી હતી.

હું વાત સાંભળતો હતો. ગોમતીનું બાળક તેના પતિનું નહોતું. તે છતાં જી’ભાઈ કે નિમુબહેનને તેમાં કોઈ અનૈતિકતા લાગતી નહોતી. હું મૂંઝવણમાં પડી ગયો. પતિ સિવાય બીજું કોઈ બાળકનો પિતા હોઈ શકે તે વાત પહેલાં પણ મને બહુ ગમી નહોતી. આ બધાને તે સ્વાભાવિક લાગતું હતું તેની પણ મને નવાઈ લાગેલી. મારે મન તે પાપ તો નહીં છતાં નીતિ વિરુદ્ધનું તો હતું જ. અને તે ઉપરાંત, જ્ઞાતિ, વંશ, કુળ, પેઢી, અને દાદા-પરદાદાના નામનું શું? તે પ્રશ્ન ઊકલતો નહોતો.

‘બેન મારાં, હું તમને સંતાપતો નથી. સમજવાની વાત કરું છું.’ જી’ભાઈએ હસીને કહ્યું અને ખુરશી થોડી આગળ ખેંચીને સરખા બેસીને બોલ્યા, ‘જે લોકો શાસ્ત્રો ઉકેલતા હોય તેમને તો આમાં વાંધો હોવો જ ન જોઈએ. એ તો જાણતાં જ હોય કે એ શાસ્ત્રો રચાયાં તે સમયમાં પણ સ્ત્રીને તેની ઇચ્છાથી અને ઇચ્છા પ્રમાણે માતા બનવાની છૂટ હતી.’

‘મેં કાંઈ વાંચ્યું નથી ભાઈ. હું તો કાંઈ જાણું નહીં. મેં બહુબહુ તો આ રામાયણ-મહાભારત જેટલી વાતો કથા-વારતામાં સાંભળેલી હોય. અમે બૈરાં બસ એટલું જ જાણીએ.’ ગોમતીનાં માએ જવાબ આપેલો.

‘એટલી જ વાત કરો તોપણ કુંતી અને માદ્રીનાં બાળકોની વાત તો તમે જાણો છો ને? એમાંનો એકેય છોકરો પાંડુનો પોતાનો નહોતો. છતાં સમાજે તેમને પાંડુપુત્રો કહીને સ્વીકાર્યા હતા ને? વળી, ત્યારે તો તમારા ખુદ ભગવાન પણ ત્યાં હાજર હતા. એમણે પણ પાંડવોને સ્વીકારેલા.’ જી’ભાઈએ કહ્યું.

‘પાંડવો તો દેવોના દીકરા હતા. પાંડુ મહારાજે પોતે કુંતામાને રજા આપીને, માગીને મેળવેલા. લ્યો બોલો, આ કરણનું શું થયેલું!’ તે આધેડ સ્ત્રી આટલું તો માંડ બોલી અને પુરુષ માણસ સાથે આવી ચર્ચાઓ કરવાની તેની તૈયારી નથી તેવું દર્શાવતી હોય તેમ ઊભી થઈને તે અંદરના ઓરડામાં સરકી ગઈ.

તે જતાં હતાં અને જી’ભાઈએ કહ્યું, ‘પાંડુની સંમતિ તો આમાં પણ છે જ ને! પણ એ વાત તમને નિમુબેન સુપેરે સમજાવશે. મૂળ વાત એ છે કે અત્યારે તમારે ગોમતીને પડખે રહેવું જોવે. તમે એની મા થઈને ખસી જશો તો તે એકલી કેવી રીતે લડશે?’ જી’ભાઈ પણ તે સ્ત્રીની મૂંઝવણ સમજતા હોય તેમ બોલ્યા અને છત તરફ જોઈને બેસી રહ્યા.

‘મા છું એટલે તો આટલી રાતે ઘરના લોકને ખોટું કહીને આવી છું. રહી વાત ટેકો કરવાની. દીકરીને માનો ટેકો તો મા મરી ગઈ હોય તોયે હોય. એમાં તમને, પુરુષ લોકને કાંઈ સમજાવાનું નથી ભાઈ.’ બોલીને ગોમતીનાં મા ઓરડામાં જઈને ખાટલા પર આડા પડ્યાં. ચિંતા અને પરિતાપનો ભાર તેનાથી સહેવાતો નહોતો તે હું ફાનસના અજવાળે પણ જોઈ શક્યો.

રાતે અગિયારની બસ ઉપર હું સામો ગયો. છેલ્લી બસમાં નિમુબહેન પોતે જ આવ્યાં. તેમના મોં પર થાક અને ચિંતા ચંદ્રના અજવાળે પણ જોઈ શકાય તેટલાં સ્પષ્ટ હતાં. મેં તેમનો સામાન ઊંચકી લીધો અને અમે ખેતર તરફ ચાલવા માંડ્યાં.

‘તું ક્યારે આવ્યો?’ નિમુબહેને પૂછ્યું, ‘એકલો છે કે નંદુ, દુર્ગા છે?’

‘એકલો જ છું. નંદુકાકાને મળાયું નથી. દુર્ગાને તો રવિવારે પાલિતાણા જવાનું છે.’ મેં જવાબ આપ્યો. અમે ગામમાંથી બહાર નીકળીને ખેતરો વચ્ચે પહોંચ્યાં.

‘દુર્ગી તો પાલિતાણાથી આવશે. તું તો દૂર જવાનો એટલે તારાથી બહુ નહીં અવાય; પણ આવતો રહેજે. ભૂલી ન જતો.’ થોરની વાડ વચ્ચે ચાલતાં નિમુબહેન બોલતાં જતાં હતાં. મેં ગોમતીના ખબર પૂછ્યા તો તેમણે કહ્યું, ‘એને મુંબઈ રોકાવું પડશે. મારાથી રોકાવાય તેમ નહોતું એટલે આવી ગઈ. હવે જોઉં કોને ગોમતી પાસે મોકલાવું તે.’

‘ગોમતીનાં મા વાડીએ આવ્યાં છે.’ મેં કહ્યું.

‘સારું થયું લે.’ નિમુબહેને કહ્યું. ‘અંતે પણ એ આવી ખરી.’

વાતો વાતોમાં અમે ખેતરે પહોંચી ગયાં. ગોમતીનાં મા કમરામાંથી બહાર આવ્યાં. જી’ભાઈ હજીયે આરામખુરશીમાં લંબાવીને બેઠાં હતાં. તેમણે કહ્યું, ‘આવો, બરાબર પહોંચી ગયાં?’

‘થાક લાગ્યો છે. બાકી કંઈ મુશ્કેલી નથી પડી. મુંબઈમાં રોજ બહુ આઘે જવાનું થતું. આજ સવારથી તો ગાડીમાં જ હતી.’ નિમુબહેને કહ્યું અને ગોમતીનાં મા તરફ ફરીને બોલ્યાં, ‘તારી છોકરી સારી છે. ચિંતા ન કરતી. દાક્તરના દવાખાનામાં જ છે. ત્યાં સગવડ બધી સરસ છે.’

‘તમારે કંઈ ખાવું છે?’ જી’ભાઈએ પૂછ્યું તે નિમુબહેને ના પાડીને ફક્ત દૂધ હોય તો આપો તેમ કહ્યું.

પછી ફરીથી ગોમતીની માને વિગતવાર ગોમતીની તબિયતની વાત કરી અને બાળકના જન્મ પછી દસેક દિવસ કોઈએ ત્યાં રહેવું પડશે કહી ઉમેર્યું, ‘તું ચિંતા ન કરતી. હવે સૂઈ જા. સવારે વાત કરીશું.’

ગોમતીની બધી જ વ્યવસ્થા કરીને નિમુબહેન પોતે પાછાં આવ્યાં હતાં. એકાદ-બે દિવસમાં બાળક જન્મે ત્યાં સુધી નિમુબહેનની કોઈ મિત્ર ગોમતી પાસે દવાખાનામાં રહેવાની હતી. તે પછી પણ ગોમતીએ થોડા દિવસો મુંબઈ રોકાવું પડશે એવું દાક્તરે કહેલું. ગોમતી મુંબઈ હોય ત્યાં સુધી તેની સાથે કોઈએ રહેવું પડે તેમ હતું. નિમુબહેને બબીબહેનને કહ્યું, ‘બબી, હું તો કહું છું તું જ જા. દીકરી પાસે રહી આવ.’

રાતે નિમુબહેને ભૂમિકા બાંધી જ હતી. સવારે ગોમતીની માએ ઘરે જવા રજા માગી એટલે નિમુબહેને કહ્યું, ‘હા. જા તું તારે; પણ કહેતી જા પાછી ક્યારે આવીશ? તું રહીશ ગોમતી પાસે. મુંબઈ?’

ઘરે જવા તૈયાર થયેલી સ્ત્રી પરસાળની ધારે બેસી પડી. ક્યાંય સુધી મૂંગી મૂંગી બેસી જ રહી. નિમુબહેને તેને ન ફરી બોલાવી, ન ફરી મુંબઈ જવાની વાત કાઢી. બસનો સમય થઈ ગયો તોપણ ગોમતીનાં મા ત્યાંથી ઊઠ્યાં નહીં. કેટલીયે વારે ધીમેથી ઊભી થઈને ઘર સામેનો ચોક વાળવા માંડ્યાં. નિમુબહેન બાજઠ પર બેસીને દાળ-ચોખા વીણતાં હતાં. હું સામે પાસે જ બેસીને શાક સમારતો હતો.

થોડી વારે નિમુબહેને બબીમાને પોતાની પાસે બોલાવીને સામે બેસવા કહ્યું. એ આવીને બેઠાં એટલે નિમુબહેને કહ્યું, ‘રાતે તું જી’ભાઈને પાંડુ મહારાજની મંજૂરીની વાત કરતી હતીને? તો સાંભળ, જી’ભાઈ પણ પૂરું કહેતા નથી. પાંડુના રાજીપાની કોઈ વાત જ નથી. કુંતીના રાજીપાની જ છે. તું વાંચ તો સમજ પડે. પાંડવો કુંતીની મરજીથી જન્મ્યા હતા અને કર્ણ કુંતીની મરજી વિરુદ્ધ. આટલું તો તું જાણે છે ને?’

વ્યાસમુનિ જેવા સમર્થ મુનિ. એક જ રીતે જન્મેલાં બાળકો વચ્ચે આવો ભેદ પાડે? એમણે કર્ણના જીવનને જુદું એટલા માટે ચીતર્યું કે વાંચનારાને સમજાય કે બાળક હોવું કે ન હોવું એ સ્ત્રીએ જ નક્કી કરવાનું હોય. પુરુષોએ નહીં. બાકીની વાતો તો વ્યાસજીએ તે સમયની સમાજ વ્યવસ્થા અને લોક-માનસ સમજાવવા માટે મૂકી હોય. તું જાણે છે ને કે પાંડવોના જન્મ માટે કુંતીની સંમતિ હતી અને કર્ણનો જન્મ કુંતીની સ્પષ્ટ ના છતાં થયો હતો.’

‘મને બધી ખબર નથી. શાસ્ત્રોની વાતમાં મને સમજ ન પડે.’ ગોમતીની માએ કહ્યું.

‘ખબર તો બધી છે.’ નિમુબહેને કહ્યું, ‘પણ તમને એવી ખબર છે એ વાત તમે કહી ન શકો એવાં દબાઈ ગયાં છો.’ નિમુબહેને ભાર દઈને કહ્યું.

પછી મને કહે, ‘જા. અંદરથી મહાભારત લઈ આવ. એટલે આને વંચાવું. એનાં ઘરનાં એને ખબર નહીં પડવા દે. કોણ દે, અને શા માટે દે?’

હું મહાભારત લાવી આવવા ઊઠ્યો એટલે બબીમા બોલ્યાં, ‘રહેવા દે ભૈ, મને બધી ખબર છે. સૂરજદેવને પાછા મોકલવા કુંતીએ કાંઈ કાંઈ વાના, વિનવણી કરેલાં; પણ એ મહારાજ તો મંત્રથી બંધાયેલા હતા એટલે શું કરે?’

નિમુબહેન હસી પડ્યાં અને કહ્યું, ‘હવે માને છે કે કુંતીની મનાઈ છતાં કર્ણનો જન્મ થયો?’

‘હોવે.’

‘તો જા. તારા ઘરે જઈને બધાંને કહે કે ‘તમે શાસ્ત્રોનાં પાનાં ફેરવી જાણો એટલું જ. બાકી સમજીને વાંચે એવું કોઈ છે?’

‘હું એવું ક્યાંથી કહેવાની? તમે કહી શકો. તમે શાસ્ત્રો વાંચ્યાં છે.’

નિમુબેને બબીબહેનને ખભે હાથ મૂકતાં કહ્યું, ‘જો બબી, કોઈ ચોપડીમાં લખેલું છે એને હું શાસ્ત્રની આજ્ઞાઓ ગણીને ચાલતી નથી. કશું પણ મેં શાસ્ત્ર સમજીને વાંચ્યું નથી. વેદને પણ નહીં. કારણ જાણે છે? એ પુસ્તકોમાં ઋષિઓએ પોતે જ લખ્યું છે કે ‘તમે વાંચો, તમે સાંભળો, તમે જુઓ, તમે સમજો.’ એટલે હું તો મારી રીતે સમજું અને એ રીતે તને કહું છું કે તું પણ જાતે વાંચી જો. જાતે સમજ.’

‘મને બાઈ માણસને ખેતી-ઢોરાંના કામમાંથી નવરાશ મળે તો વાંચું ને!’ ગોમતીનાં માએ કહ્યું. થોડા શબ્દો ન સંભળાય એટલા ધીરે બબડી અને પછી બાલ્યાં, ‘મારે કાંઈ વાંચવું સમજવું નથી; પણ આ તો મારી દીકરી, મારી ફૂલ જેવી ગોમતી બિચારી ...’ તે સ્ત્રી પોતે શું કરવું તે સમજી શકતી નહોતી.

‘એમ રડવા બેસમા.’ નિમુબહેને જરા કડક અવાજે કહ્યું, ‘તારી ફૂલ જેવી છોકરી કંઈ બિચારી નથી. એ કેટલી બહાદુર છે તે તને દેખાતું નથી? એનો વર માંદો હતો ત્યારે ય એ છોકરી એને લઈને ઠેઠ મુંબઈ જતી. વર ગુજરી ગયો તે દહાડે જ તમારા વેવાઈઓને અમારા પિતરાઈઓ તેના પર તૂટી પડ્યા હતા. તોયે અડગ રહી. એને તું બિચારી કહે તે હું તો નહીં સાંભળું.’

નિમુબહેન અટક્યાં અને સાફ થયેલા ચોખા બાજઠ પાસે મૂકેલા મોટા તપેલામાં નાખતાં ફરી આગળ બોલ્યાં, ‘તારો વર વજો, તારું નામ દઈને મને કહે, ‘બબી કહે છે કે કોનું છોકરું લાવી છે એ નામ દો એટલે પરણાવી દઈએ.’

ગોમતીનાં મા ઊઠીને બીજી થાળી લઈ આવ્યાં ને ઊંડો વિચાર કરતાં હોય તેમ મૂંગાં રહીને કામમાં જોડાઈ રહ્યાં. નિમુબહેન થોડી વાર તેને જોઈ રહ્યાં. પછી કહે, ‘મેં તો કહ્યું કે લગનની ને વંશની વાતો કરતા હોય એને મારી પાસે મોકલ. દુનિયા બની ત્યારે પહેલવેલી માનું લગન કરાવવા કયો બ્રાહ્મણ હાજર હતો તે મને સમજાવે!’ બોલતાં બોલતાં નિમુબહેનનો સ્વર સહેજ ઊંચો ગયો. ‘પાછા બધા મોટાં શાસ્ત્રોની વાતો માંડે છે. પૂછી જોજે એ બધાને. કોઈ દિવસ કોઈએ વાંચ્યું છે કાંઈ? વેદ-ગ્રંથોને રેશમી કપડાંમાં વીંટીને એની પૂજા કર્યા કરો છો તે એકેયવાર ખોલીને અંદરનું પાનુંયે જોયું છે?’

ગોમતીની મા હવે ધીમે રહીને ગણગણી, ‘પૈણાવ્વાનું મેં તો કાંઈ કીધું નથી. તમે મને વઢો તે શું કામનું? મારે શું કરવું તે મને કહો.’

નિમુબહેન એકદમ શાંત અને સ્થિર થઈ ગયાં. તેમનો અવાજ ધીમો અને માયાળુ થયો. તેમણે બાજઠ પરથી આગળ નમીને બબીમાનાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ‘તને વઢીને શું કરું બાઈ, હું તો, તું તારી જાતને ઓળખતી થા. જઈને તારી છોકરીની પડખે રહે એમ કહું. જે લોકો શાસ્ત્રો વાંચ્યા સમજ્યા વગર એની વાતો કરવા બેઠા છે એને જવાબ દેતાં શીખ. હું બોલી એટલા જ જોરથી બોલ. નહીંતર ગોમતીને અને તને, બેયને ખાઈ જાય એવા ભેગા થયા છે.’

નિમુબહેન બોલતાં બોલતાં સહેજ હાંફી ગયાં હોય તેવું લાગ્યું. તેમણે મારી પાસે પાણી મંગાવ્યું અને પીધું. પછી ગોમતીની માને કહેવા માંડ્યાં, ‘તું કર્ણની વાત કરે છે, એનો દાખલો આપે છે પણ સાંભળ, ગોમતીને છોકરો કે છોકરી, જે આવે તે કર્ણ નહીં હોય એટલું સમજી લે. ગોમતીના બાળકના નામ પાછળ ગોમતીના વરનું જ નામ લખાશે.’

ગોમતીની માને થોડો સધિયારો મળ્યો હોય તેમ તે મ્લાન, પણ હસી. ખાલી વાસણ પાણિયારે ગોઠવતાં તેણે કહ્યું, ‘મન તો કે’ ગોમતી જોડે રહું. ભલે બધાં મારા નામનુંય નાહી નાખે; પણ મારે એકલી ગોમતી નથી. પાછળ બીજી છોડી અને છોકરો પણ છે.’

નિમુબહેને કહ્યું, ‘તારા વરને તું જો એટલું સમજાવી શકે, કે મા-બાપ તરીકે તમારી ફરજ ગોમતી સાથે રહેવાની છે તો બધું થઈ પડશે. આપણે એક વાત સમજી લઈએ. બાપ ગમે તે હોય, આપણે નથી જાણતા; પણ ગોમતી તેના પોતાના છોકરાની મા થવાની છે. એના છોકરાને કોઈ કર્ણ નહીં કહે. એ પાંડવ ગણાશે, કારણ કે તે જન્મે તેવી ઇચ્છા ગોમતીની પોતાની છે; બીજા કોઈની નથી. જરા બરાબર સમજ, પાંડવોના જન્મ માટે કુંતીની સંમતિ હતી અને કર્ણનો જન્મ કુંતીની સ્પષ્ટ ના હોવા છતાં થયો હતો. માટે જ કર્ણને પાંડવો કરતાં જુદું જીવન જીવવું પડ્યું.’ નિમુબહેને એકની એક વાત ફરી રટી.

બપોરે લાઇબ્રેરી ગોઠવવા બેઠો ત્યારે પણ મેં નિમુબહેનની વાત સમજવાની કોશિશ કર્યા કરી. પુસ્તકો જોતો હતો ત્યાં મારો હાથ મહાભારતને સ્પર્શ્યો. અચાનક મને લાગ્યું કે કોઈ મારા કાન પાસે આવીને કહે છે, ‘હા, કર્ણ માત્ર સાહિત્યનું એક પાત્ર નથી. તે તો એક પ્રતીક છે. જીવનના સત્યનું પ્રતીક. એ પ્રતીક માનવજીવનના મહાપ્રશ્નનું. માતાની સંમતિ વગર, માતાની ઇચ્છા વગર તેના પર થોપી દેવાયેલા અસત્યનું. સર્જક પાસે ક-મને સરજાવાયેલી કૃતિનું. તેથી જ આ દુ:ખમય જગતમાં સર્વાધિક પીડા કર્ણને ભાગે આવી પડે છે. પોતાની નરી જાત સિવાય બીજી ઓળખ એને નથી હોતી. પોતાની ઓળખ તેણે રચવાની હોય છે. ભલે તે સ્વયં સૂર્યનું સંતાન કેમ ન હોય! આ નિષ્ઠુર જગતમાં તેણે એકલાં રહેવાનું છે, એકલાં જીતવાનું, એકલાં હારવાનું છે.

આવું કેમ છે? કયા રિવાજો અને કઈ નીતિએ માનવજન્મને અને જીવનને આટલાં સસ્તાં અને જીરવવાં દુશ્કર કરી નાખ્યાં! જે જગતમાં સ્ત્રી ઇચ્છિત રીતે ઇચ્છિત પિતા પાસેથી સંતાનો પામી શકતી છતાં પોતાની નિષ્ઠા અને ઉત્તરદાયિત્વ નિભાવીને સતી હોવાના સન્માનને પામતી તે જગતને એવું તે શું થયું કે સ્ત્રીની ઇચ્છાઓ બીજાની મુઠ્ઠીમાં આવી ગઈ!’

બપોર આખી મેં લાઇબ્રરી ગોઠવ્યા કરી. નિમુબહેને જમ્યા પછી ફરી ગોમતીની મા સાથે વાત કરવા માંડી. બહારથી નિમુબહેનના શબ્દો લાઇબ્રેરીમાં ગુંજતા હોય તેમ સંભળાતા રહ્યા, ‘બબી, માતાની સર્વોપરિતા આપણે ત્યાં સ્વીકારાઈ જ છે. એ કંઈ આજની વાત નથી. વ્યાસ મુનિના પુત્રો હોવા છતાં એ રાજાઓ સત્યવતીના પૌત્રો જ કહેવાયા હતા કે નહીં? સ્ત્રી તમારી થઈને રહે, તમારાં ઘર સાચવે, તમને જે જોઈએ તે આપી દે પછી મા જેનું બાળક ઇચ્છે તેનું મળે એટલી સગવડ તો હોવી જોઈએ કે નહીં? આપણે ત્યાં હતી. શરત માત્ર એ હતી કે જન્મે તેને પાળવા, પોષવા અને ઓળખ આપવા જ પિતાનું હોવું જરૂરી હતું. એ જ વાત જો સમજીને જાળવી હોત તો આજે આટલાં અનાથાલય ખોલવાનો વારો ન આવત. બધાં સરખું જ જીવતાં હોત.’

નિમુબહેનને આટલું લાંબું બોલતાં મેં પહેલી જ વાર સાંભળ્યાં હતાં. હું કામ થંભાવીને સાંભળી રહ્યો. ગોમતીનાં માનો સ્વર સંભળાતો નહોતો. તે કદાચ કંઈક સમજવા પ્રયત્ન કરતાં હશે કે શાંત રહીને સાંભળતાં હશે. નિમુબહેન વાત ચાલુ રાખતાં આગળ બોલ્યાં, ‘અનાથાલયની જરૂર આપણને સભ્ય ગણાતા માણસોને જ કેમ પડી? દેશના કેટલાયે વિસ્તારમાં, કેટલીયે જાતીમાં આવા પ્રશ્નો ક્યારેય થતા નથી. સ્ત્રીને ગમે તે પોતાના બાળકનો પિતા કરે તે સ્વીકાર્ય છે. ક્યારેક આવા નિયમોનો ઉપયોગ ખોટો ઠરે અને કોઈ પ્રશ્નો થાય તો એનો ઉકેલ બધાં સાથે બેસીને કરે છે. મરવા મારવા પર કે નાહી નાખવા પર નથી આવી જતાં.’

નિમુબહેન અટક્યાં અને પછી ધીરેથી કહ્યું, ‘એ બધી કર્ણની કે બીજી વાત બાજુએ મૂકીને તું મને ફક્ત એટલું સમજાવ કે માણસ જાતની પહેલ-વહેલી માને કોણે પરણાવેલી? એ તો કંઈ પરણેલી નહોતી.’

થોડી વાર કંઈ સંભળાયું નહીં. પછી ફરી નિમુબહેનનો અવાજ સંભળાયો, ‘આમ મારી સામે જો. હું આ બધું તને એટલે કહું છું કે હવે તારા ઘર અને તારા સમાજ સાથે કામ પાડવાનું તારે અને ગોમતીએ થશે. તે વખતે તું એ બધાને બરાબર જવાબ દઈ શકે એટલું જાણી રાખ. આ નિમુબેન કાયમ માટે બેસી રહેવાનાં નથી. એને સમે એય હાલતાં થશે. પછી તો તમારે જ કર્યે છૂટકો છે.’

અચાનક નિમુબહેન આવું બોલી જશે તેની કલ્પના મને નહોતી. હું ચમકીને બહાર આવી ગયો. ગોમતીની મા પણ સ્તબ્ધ થઈને બેઠી હતી. તેણે કહ્યું, ‘એવું શું જોઈને બોલતાં હશે.’

પછી કોઈ કંઈ બોલ્યું નહીં. હું નિમુબહેને પાસે પડેલાં છાપાં લઈને ઠેકાણે મૂકી આવ્યો. ગોમતીનાં મા પણ ઊભાં થયાં. નિમુબહેને ઊભાં થઈને કૂવે આંટો માર્યો.

હું પરસાળની ધારે બેઠો અને સાંજની બસમાં પાછા જવાનો વિચાર કરતો હતો. જી’ભાઈ પાછળના ખેતરમાં આંટો મારવા ગયેલા તે આવ્યા અને પરસાળના પગથિયે પગ ધોઈને ઉપર આવ્યા તો નિમુબહેને તેમને કહ્યું, ‘આ ઘરનું લખાણ અને પાછળની જમીનની જે વ્યવસ્થા કરવાની છે તે કરીને કાગળો ખાખી કવરમાં મૂક્યા છે.’ પછી મારા સામે આંગળી ચીંધતા કહે, ‘આ છોકરો આજ-કાલમાં જવાનો છે. કાગળો નેહાને મોકલી આપું?’

‘ભલે, પણ તમને કાંઈ ઉતાવળ છે?’ જી’ભાઈએ પૂછ્યું.

નિમુબહેને જવાબ આપ્યો, ‘ઉતાવળ તો કાંઈ નહીં; પણ પત્યું એટલું કામ. એ આજ-કાલમાં જશે તો લેતો જાય. યાદ રાખવું મટે.’

‘હું તો આજે સાંજે જ જઉં. કામ હોય તો રોકાઉં પણ કાલ સવારે તો નીકળવું જ પડે.’ મેં કહ્યું, ‘સોમવારે પરોઢિયે તો મારે ત્યાં કામ છે.’

‘જો કાલે જવાનો હોય તો તું અત્યારે જ જા. કાલની વાતે કદાચ તારે મોડું થશે. જા જલદી નીકળી જા.’ નિમુબહેને કહ્યું. હું આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યો. રોકાવાનો આગ્રહ કરવાને બદલે તેમણે આટલી સહજતાથી જવાનું કહી દીધું તે મને ગમ્યું નહીં. જાણે મને ધકેલતાં હોય તેવું મને લાગેલું. તૈયાર થઈને હું નિમુબહેનની અને જી’ભાઈની વિદાય લેવા ગયો અને પ્રણામ કરીને કહ્યું, ‘હું જઉં છું. હવે તો હું બહુ દૂર જવાનો. જલદી પાછું નહીં અવાય, તોયે અવાશે ત્યારે આવીશ.’

‘ખરેખર આવવાનો કે પછી ધંધામાં પડી જઈને અમને ભૂલી જવાનો?’ જી’ભાઈ હસીને બોલ્યા.

‘તમે બધાં જ્યાં હો ત્યાં આવવું તો પડે.’ મેં કહેલું.

જવાબમાં જી’ભાઈએ નિમુબહેન સામે જોયું. નિમુબહેન સહેજ હસ્યાં હતાં પછી વિદાય આપતાં કહેલું, ‘ફરી અહીં આવે ત્યાં સુધીમાં હોવું અને ન હોવું તે એક જ સિક્કાની બે બાજુ છે એટલું સમજાઈ ગયું હોય તો સારું.’

***