કર્ણલોક - 18 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કર્ણલોક - 18

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 18 ||

બપોર પછી અમે પુટુને લઈને જવાની તૈયારી કરતાં ત્યાં રોઝમ્મા કામ પર આવી. સફેદ યુનિફોર્મમાં સજ્જ. હસતી અને વાતો કરતી. જે જાણતું ન હોય તે કોઈ રીતે કહી ન શકે કે હજી થોડા કલાકો પહેલાં જ આ સ્ત્રી પોતાની જિંદગીનાં બાવીસ મહામૂલાં વર્ષ પોતાના લગ્નની તસવીર સહિત કબરમાં દફનાવીને આવી છે.

અમને જવા તૈયાર થયેલાં જોઈને રોઝમ્મા અમારી પાસે આવી. પુટુને જોયો, મને આવજો કહ્યું. મને મુન્નો યાદ આવ્યો. મેં પૂછ્યું, ‘વો લડકા ઠીક હો ગયા?’

‘હાં. હાં, ચલો મીલતે હૈ.’ કહેતાં રોઝમ્માએ મને ચામડીના રોગોના કમરા તરફ દોરી જતાં કહ્યું, ‘કુછ સિરિયસ નહીં થા. સ્કેબીસ થા. જ્યાદા ફૈલ ગયા થા.’

અંદર જઈને તે મને મુન્નાના ખાટલા પાસે દોરી ગઈ. મુન્નો ઘણો સ્વસ્થ હતો. તે દિવસે બેભાન જેવો પડી રહેલો છોકરો આજે બાજુના ખાટલાવાળા સાથે વાતો કરતો હતો. અમે પાસે પહોંચ્યાં એટલે રોઝમ્માએ કહ્યું, ‘કૈસા હો મુન્ના?’

‘અચ્છા હો ગયા. આપને બચા લીયા. વરના મર જ ગયા થા.’

‘નહીં, નહીં, ઐસા થોડી કોઈ મરતા હૈ?’ રોઝમ્મા બોલી, ‘ઈનસે મીલો. યે લડકા ઓર ઉનકા ચાચા તુમકો ઈધર લાયા થા.’

મુન્નાએ મારા સામે જોયું અને હસ્યો. મેં પૂછ્યું, ‘કેમ છે?’

‘મટી ગયું. કાલ-પરમ તો છોડી મૂકશે.’

રોઝમ્મા બોલી, ‘મટી ગયું તો અબ સાફ સફાઈ સે રહેનેકા. ક્યા સમજા? થોડા દિન તક દવાઈ લગાકે નહાને કા. ફીર કુછ નહીં હોગા.’

મુન્નો કંઈ બોલ્યો નહીં. તેના મુખભાવો જોઈને મને લાગ્યું કે આ ઝાકમઝોળ શહેરમાં તેને રહેવા માટે કદાચ કોઈ જગ્યા નથી. રસ્તા પર કે દુકાનોને ઓટલે સૂઈને રાતો વિતાવવી પડતી હોય તે સાફ-સફાઈથી રહેશે કેવી રીતે!

રોઝમ્મા પણ આ વાત નહોતી જાણતી તેમ નહોતું. તેણે કહ્યું, ‘ઘબરાને કા નહીં. તુમારા રહેને કા ઇન્તજામ હો ગયા હૈ. આશ્રમ કે પાસમેં મહેશભાઈ કરકે એક પહેચાનવાલે કા જગા હૈ. વહાં પર રહેને કા, થોડા સાઇકલ રિપરિંગ કા કામ કરને કા. અબ ભીખ માંગને કા જ નહીં.’

મુન્ના પાસેથી નીકળીને હું દુર્ગા પાસે ગયો. અમે બેઉ પીળા મકાન તરફ જવા નીકળ્યાં. દુર્ગા પુટુને લઈને મારી સાઇકલના કેરિયર ઉપર બેઠી હતી. મેં તેને કહ્યું, ‘હવેથી મારી દુકાને પેલો મુન્નો બેસશે.’

દુર્ગાએ કંઈ જવાબ ન આપ્યો. મેં ફરી કહ્યું, ‘સાંભળ્યું મેં કહ્યું તે?’

‘હા. સાંભળ્યું. મહેશભાઈએ જગ્યા મુન્નાને આપી છે.’ દુર્ગાએ જવાબ આપ્યો.

દુર્ગાને ઉતારીને હું બહાર દુકાન પર ગયો. નંદુ કંઈક શોધતો હતો. હું તેની પાસે ગયો અને પૂછ્યું, ‘કંઈ જોઈએ છીએ?’

નંદુએ મારી સામે જોયું અને કહ્યું, ‘સાઇકલ પંચર છે. મારે નિમ્બેનને ત્યાં જવું છે. એટલે સાધન શોધું છું.’

‘લાવો હું કરી આપું.’ કહીને મેં નંદુને બેસવા માટે એક ડબો આપ્યો અને પંક્ચર સમું કરવાનું ચાલુ કરતાં પૂછ્યું, ‘કેમ અચાનક વાડીએ?’

‘ગોમતીના વરને તું ઓળખે? હવે તે નથી. એને અકસ્માત થયો.’

હું ઊભો જ રહી ગયો, ‘શું, કેમ કરતાં?’

નંદુએ કહ્યું, ‘કાલ બપોરે કૂવામાંથી મોટર બહાર કાઢવા ઊતરેલા ત્યારે કાં તો પડી ગયા કે માથામાં કંઈક વાગ્યું.’

‘તમને કોણે કહ્યું?’ મારાથી બિનજરૂરી પ્રશ્ન થઈ ગયો.

નંદુએ મારા પ્રશ્નનો જવાબ આપવો જરૂરી ન સમજ્યો. તેણે પોતાની વાત આગળ ચલાવી, ‘હું હમણાં વાડીએ જવા નીકળી જઉં છું. ગોમતી નિમ્બેન પાસે છે એટલે બધાં ત્યાં જ જશે.’

મેં કહ્યું, ‘મારે પણ આવવું છે.’

અમે વાત કરતા હતા અને દુર્ગા આવી. એને અંદર લક્ષ્મીએ ખબર આપ્યા હતા. તેણે કહ્યું, ‘નંદુકાકા, જરા રોકાજો. હું પણ સાથે આવું છું.’

‘અત્યારે તો મા સાંજ થવા આવી. હવે શહેર ક્યારે પહોંચાય અને બસ ક્યારે મળે. તું સવારે આવજે.’ નંદુએ કહ્યું.

‘સાઇકલ પર ન જવાય? હું ડબલ સવારી ખેંચી લઈશ. જતાં રહેવાશે. થોડું ચાલીશું. થોડી સાઇકલ ચલાવીશું.’ મેં કહ્યું.

મેં દુકાન ઉતાવળે બંધ કરી. નલિનીબહેનને અમે સાઇકલ લઈને જઈએ છીએ તે ખબર આપ્યા. બહેને મારા અને દુર્ગાના સાઇકલ પર જવા વિશે થોડો કચવાટ કર્યો પણ અંતે પહોંચીને સવારની બસમાં ખબર કરવાની સૂચના સાથે રજા આપી. દુર્ગા તેની થેલી લઈને આવી. નંદુ અને અમે બેઉ સાઇકલ પર નીકળ્યાં. લક્ષ્મી સામે જ મળી. એક સાઇકલ પર મને અને દુર્ગાને જતાં જોઈને તેણે આંખો વિસ્તારી.

રાત જામતાં પહેલાં અમે નિમુબહેનની વાડીએ પહોંચી ગયાં. મને હતું કે ત્યાં રડારોળ ચાલતી હશે; પરંતુ એવું કંઈ દેખાયું નહીં. બે-ત્રણ મોટા વડીલ જેવાં લાગતા પુરુષો નિમુબહેન અને જી’ભાઈ સાથે કંઈક રકઝક કરતાં હતાં. ગોમતી પ્રમાણમાં સ્વસ્થ હતી. તે ઓટલા પર વડને અઢેલીને બેઠી હતી. દુર્ગા આવી એટલે તેને ભેટીને તે રડી પડી. પછી તે બેઉ ઊઠીને અંદરના કમરામાં ગયાં. હું નંદુ સાથે બહાર પરસાળમાં જ બેઠો.

નિમુબહેન વડીલો સાથે કંઈક વાતો કરતાં હતાં તેમાંના એક કંઈક આવું બોલ્યા, ‘નિમુ તમને અને જી’ભાઈને આજ સુધી જે ગમે તે કરવા દીધું છે. ઘરની કોઈ વહુવારુ આમ મોટેરાં સામે જીભાજોડી કરતી કોઈ દિ’ ભાળી છે? અમે તમારાં મોટેરાં તોયે તમને કોઈ વાતે રોક્યાં નથી; પણ આમાં હવે હદ થાય છે.’

બીજા એક વડીલ બોલ્યા, ‘કોઈ કાળે અમારા ઘરમાં વર્ણસંકર ના જોઈએ. આ તમને કહી મેલ્યું.’

નિમુબહેને ધીમા પણ સ્વસ્થ અવાજે કહ્યું, ‘મોટાઈ, અત્યારે આ વાતનો સમો નથી. પણ તમે કહો છો તો વાત કરું કે અમને ગમ્યું તે તમે કરવા દીધું તે વાત સાચી. સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે ન કરવા જેવું અમે બેમાંથી કોઈએ આજ સુધી કર્યું નથી. અત્યારે ગોમતીની સ્થિતિ જોઈને પણ આપણે આવી વાત કાઢવી જ ન જોઈએ તે છતાં તમે આવતાં વેંત તે જ વાત કાઢી?’

‘તે એવાં એ બેઉ એવું જ કરીને બેઠાં છે. મુંબઈ જઈ જઈને શું કરતાં તે અમારાથી છૂપું નથી. હવે તમ તમારે ગોમતીને ઘરે મોકલોને એટલે અમે ફોડી લઈશું.’ પેલા વડીલ જરા ઊંચા અવાજે બોલ્યો.

‘ગોમતીને આવવું હોય તો અમે ના નથી પાડતાં. એને મોકલી આપનારાં અમે કોણ?’ જી’ભાઈએ જવાબ આપ્યો.

‘તમે કોણ એ તો બધાં જાણે છે.’ તે લાગતો પુરુષ બોલ્યો, ‘પિતરાઈનાં તળિયાં ને નળિયાં પિતરાઈ ન જાણે તો બીજું કોણ જાણે? ગોમતીને અમારી વાત માનવાની ન હોય તો એના નામનું અમે નાહી નાખ્યું.’

એ વડીલની વાત પરથી હું સમજી શક્યો કે તે જી’ભાઈના પિતરાઈ અને ગોમતીના સાસરાના કોઈ વડીલ હોઈ શકે. તેમનો ક્રોધ સહુથી વધારે હતો અને તેઓ વણ અટક્યે બોલતા રહ્યા, ‘અમારા છોકરાને ભરખી ગઈ, ઉપરથી પારકાનું છોકરું પેટમાં લાવી બેઠી છે. એક વાર બારી કાઢો પછી જોઉં.’

‘હાં. હાં વજુભૈ. આવું ના બોલીયે.’ મોટાઈ કહેવાતા પુરુષે પેલા વડીલને આકરું બોલતાં રોક્યા.

વજુભાઈ બહુ જ ક્રોધમાં છે એ સ્પષ્ટ દેખાતું હતું. દાઢમાં બોલતા હોય તેવા સ્વરે તે આગળ બોલ્યા, ‘આ તો તમારે પોતાનું પેટ નહીં એટલે પારકાનાં પેટ બગાડવા બેઠાં છો. જી’ભૈ, આજે તમારા છોકરાની વહુએ આવું કર્યું હોત તો ખબર પડત કે કેટલે વીસે સો થાય છે.’

હું ઘા ખાઈ ગયો. વાત ભલે જી’ભાઈને નામે કહેવાઈ પણ વેણ તો નિમુબહેન માથે મોકલાયાં હતાં. એક સ્ત્રીને આટલા બધાની હાજરીમાં કોઈ આવાં વચન કહી શકે તે હું માની ન શક્યો. અને તે પણ એ માણસ કે જે પોતાની જાતને એ જ સ્ત્રીનો વડીલ માનતો હોય!

નિમુબહેને વજુભાઈની વાતનો જવાબ મોટાઈને આપતાં કહ્યું, ‘મોટાઈ, એવા એ સાચું જ કહે છે. મારે પેટ નથી એટલે તો હું ગોમતીને પડખે રહી. જીવનભર મેં જે ભોગવ્યું છે તે ગોમતીને ન ભોગવવું પડે એ ખાતર. આ રીતે પણ, એ છોકરાની મા બનીને જે વેઠશે એનાથી હજાર ગણું આ લોક તે મા ન બની હોત તો વિતાડત.’

નિમુબહેને જેમને મોટાઈ કહેલા તે વડીલને લાગ્યું કે વજુભાઈ જરા વધારે ઉગ્ર થઈને બોલી ગયા. આમ છતાં તે પણ નિમુબહેનનો પક્ષ લઈ શકે તેમ નહોતું. તેમણે જરા નરમાશથી, સમજાવતા હોય તેમ કહ્યું, ‘નિમુ બેટા, અને જી’ભૈ, તમારું સારુંનરસું તમારે જોવાનું છે. બીજું તો ઠીક પણ ગામમાં આપણા ઘરની અને અહીં પણ તમારી આબરૂ, તમારું માન ઘણું છે. તમે આવા કામમાં પડો તો...’

હવે નિમુબહેનની આંખો ચમકી. તેમણે જી’ભાઈ સામે જોયું અને પછી કોઈ ફકીર કપડું ઉતારીને દાતાના હાથમાં પાછું આપી દેતો હોય તેવી તીવ્રતાથી કહ્યું, ‘મોટાઈ, આબરૂ ને માન-પાન એ કંઈ અમારાં નથી. લોકોએ અમને આપ્યાં છે. એમને ગમે ત્યારે પાછાં લઈ લે.’

સન્નાટો ફેલાઈ ગયો. સહુ મૂંગા થઈ ગયા. હું સમજી નહોતો શક્યો કે આટલી મોટી વાત આવા સરળ શબ્દોમાં અને સરળ સચ્ચાઈથી કોઈ કેવી રીતે કહી શકે!

નિમુબહેન ટટ્ટાર થયાં. અવાજમાં રહેલી સરળતા સહેજ પણ બદલ્યા વગર તેમણે કહ્યું, ‘ગોમતીની સુવાવડ થશે જ. તમારા કહેવાથી મારે છોકરીને મહીસાગરમાં પડવા દેવી એ નહીં બને.’

ગોમતીનાં સાસરિયાઓ ગોમતીના પિતાને પણ સાથે લઈ આવેલા. શાંત બેસી રહીને તે વાતો સાંભળતા હતા. સાસરી પક્ષવાળાએ તેમને ભીંસમાં લેતાં કહ્યું, ‘તે વેવઈ, તમે કેમ મુઢામાં મગ ભરીને બેઠા છો? કંઈક બોલો તો ખરા.’

પિતા કચવાતા મને, પોતે જે કહેવા આવ્યા છે તે ભૂલી ગયા હોય તેમ બોલ્યા, ‘નિમ્બેન, તો પછી ગોમ્તીને અમારે ઘેર મોકલી આલો. અમે ફેરથી પૈણાઈ દઈએ એટલે પતે. એ વિના, ભલે એનો બાપ, તોય હું કે એની મા, એનું મુઢું જોવાય આવ્વાનાં નહીં.’ તૂટક તૂટક વાક્યો બોલીને ગોમતીના પિતા શાંત થઈ ગયા. પોતાના બાપની અસહાયતા જાણીને ગોમતી પર શું વિત્યું હશે તે નથી જાણતો.

‘પરણાવો, પરણાવો કર્યા કરો છો તો મને સમજાવોને કે તમારે લગ્નનું સર્ટિફિકેટ જોઈએ છે શું કામ? કારણ ન આપો તો અમને ને ગોમતીને સુખે રહેવા દો. હવે આમાં મારે કંઈ સાંભળવું નથી.’ ત્યાં હતા તે દરેકને સમજાયું કે નિમુબહેને ગોમતીના માથા પર હાથ મૂકી દીધો છે.

બધાને ત્યાં જ બેસવા દઈને નિમુબહેન અંદરના કમરા તરફ જવા ઊભાં થયાં. જતાં પહેલાં ત્યાં જ ઊભાં રહીને પહેલા જેવા જ સરળ ભાવે કહ્યું, ‘મોટાઈ, આંબે મોર આવે ત્યારે હરખાઈએ છીએ, વસંત પંચમીએ લીમડાનો મોર લેવા દોડીએ છીએ અને એક સ્ત્રીને મા બનવાનું આવે ત્યારે આવા જુલમ કરવાના?’ બોલતાં બોલતાં નિમુબહેનના અવાજમાં દર્દ ઉમેરાયું ‘દહાડા રહે ત્યારે તો ખોળો ભરાવાય. ઘરે બીજી બધીઓને તો બ્રામણ બોલાવીને કંઈનું કંઈ કરાવરાવો છો, પેડા વહેંચો છો અને અત્યારે આ, આ એકની પાછળ શા માટે પડ્યા છો?’

સાંભળનારા મુંઝાઈ જાય કે પછી નિમબહેનને ગાંડી ગણે તેમાં કંઈ નવું નહોતું. રિવાજ બહારના આવા સીધા સવાલના જવાબ સમાજ પાસે ક્યારેય ક્યાં હોય છે?

નિમુબહેન અંદર ગયાં પછી બહાર બેઠેલાનો અવાજ જરા વધ્યો. અંતે બે જણાએ જી’ભાઈને સમજાવવા કોશિશ કરી. ‘જી’ભૈ, તમે બે તો જુદાં કામ કરવાની વાતે અહીં બેઠાં છો. તમે તો અટકચાળાં કરવાના જ. પણ અમારે સમાજમાં જવાબ આપવાનો હોયને! તમે છોકરીને નામ પૂછી લો. અમે પાતાળમાંથી લાવીને છોકરું થતાં પહેલાં લગન કરાવી દેશું.’ વડીલ જેવા માણસે કહ્યું.

‘ભાઈ, સમજતા કેમ નથી? આ પદ્ધતિમાં પિતા કોણ છે તે કોઈને ખબર ન હોય. ખબર પડતી હોત તોપણ હું, નિમુ કે ગોમતી નામ તો શું, કોઈને કંઈ પણ પૂછવાના નથી.’ જી’ભાઈએ પણ પૂરી સ્વસ્થતાથી જવાબ આપેલો.

‘જો જી’ભૈ, આ વજાની વહુ, ગોમતીની સાસુએ તો મને ચોખ્ખું કહેવરાવ્યું છે કે ગોમતીના પેટનો ઉપાય ન કરીને હું સમાજમાં એ લોકનું નીચું દેખાડવા મથું છું તે સારું નથી. હવે તુંય સાંભળી લે, વાત વટે ચડશે તો આપણો ભાઈઓનો સંબંધ પણ નહીં રહે. પછી કોઈ આ વાડીએ આવશે નહીં.’ મોટાઈએ કહ્યું.

આ વાત સાંભળીને જી’ભાઈ શાંત રહી શક્યા નહીં. તેમણે કહ્યું, ‘ન આવ્યે જ સારું થશે. અમે શાંતિથી રહેશું તો ખરાં. નિમુ ક્યારની એક સીધી સાદી વાત કહ્યા કરે છે એને વટની વાત ગણો છો? જાવ, જેને જે કરવું હોય તે કરજો. ગોમતી વાડીએ જ રહેશે અને તેનું બાળક અહીં જ જનમશે. દવાખાને કે અહીં. વાડીવાળા ઘરે. મારા ઘરમાં. હું એને રાખીશ. એ મારો પોતરો થશે.’

નિમુબહેન જેમને મોટાઈ કહેતાં હતાં તે વડીલ સિવાયના બધા જવા માટે ઊભા થયા. ગોમતીના પિતાએ જતાં જતાં ગોમતીને તાક્યા કરી. જરા મોં ઊંચું કરે તો જોઈ લેવા મળે! સહુથી કફોડી દશા ગોમતીની અને તેના પિતાની હતી.

જતાં જતાં ગોમતીના પિતાએ ફરી કહ્યું, ‘છોડીની માએ પણ કહેવરાવ્યું છે એને ફેર પૈણાવી દઉં એટલે કોનું છાકરું ને કોનું નહીંની વાત પતે. કાં તો ગોમતીને કશેક મોકલી આલો એટલે આપણે છૂટાં.’

નિમુબહેને સામે આવીને તેમને હાથ જોડ્યા અને કહ્યું, ‘ગોમતીની મા કે બીજું જે કોઈ ‘ગોમતી ફરી પરણે તો જ બાળક’ એવી વાત કહેતું હોય તેને મારા વતી એટલું કહેજો કે નિમુબહેન પુછાવે છે કે તમારી પેઢીનાં સહુથી પહેલાં મા-બાપને કોણે પરણાવેલાં? જે જણ આનો જવાબ આપશે તે જણ કહેશે, તો હું અહીંથી છોકરીને લઈને તે કહેશે ત્યાં ચાલી જઈશ.’

એ લોકો ચાલ્યા ગયા ત્યાં સુધી નિમુબહેન પરસાળમાં મૂંગાં બેસી રહ્યાં. પછી ગોમતી પાસે જઈને બેઠાં. ગોમતીને ઊંઘ આવે ત્યાં સુધી રામાયણ સંભળાવ્યું. હું અને નંદુ બહાર પરસાળમાં બેઠા બેઠા તે બધાં ઊંઘે ત્યાં સુધી જાગતા રહ્યા.

મોટાઈ સવારે ગયા. જતાં જતાં કહ્યું, ‘વજાની વહુને શું કહું?’

‘જે વાત થઈ તે જ કહેજો. ગોમતી જો વજાભાઈની પુત્રવધૂ છે તો આપણી પણ છે. મારે કોઈનું નીચું દેખાડવું નથી. એને અને તેના પેટને જિવાડવા સિવાય અને ગોમતીના મનને રાજીપો રહે તેમ કરવા સિવાય મારા મનમાં કોઈ વાત નથી.

બીજે દિવસે બપોરે હું અને નંદુ પાછા ફર્યા. દુર્ગાએ કહ્યું, ‘હું પછી આવીશ.’

નંદુ કાંઈ જ બોલતો નહોતો. મને પણ ઉદાસી ઘેરી વળી હતી અને કંઈ બોલવાનું મન નહોતું થતું. આ સ્થિતિમાંથી બહાર આવવા મેં નંદુ સાથે વાતો કરવા ખાતર પૂછ્યું, ‘કેમ નંદુકાકા, ઢીલા કેમ દેખાવ છો?’

નંદુના જીવને જંપ નહોતો. તેણે જવાબ આપવાને બદલે બબડાટ કર્યો, ‘બીજાને પીડવામાં માણસોને મજા શા માટે આવતી હશે તે જ સમજાતું નથી.’

‘એ લોકોએ આજે તો આવું નહોતું જ કરવું જોઈતું.’ મેં કહ્યું.

‘આજે? અરે ક્યારેય ન કરાય. કોઈને આવાં વેણ કહેવાય ખરાં? બોલતાં પહેલાં કોઈને વિચાર કેમ ન આવે કે સામા માણસ પર શું વીતે છે!’ કહીને નંદુ અટક્યો.

મેં કંઈ જવાબ ન આપ્યો એટલે નંદુ બોલતો ગયો, ‘ફક્ત અહીં નહીં. બધેય આવું છે. જોને, કાલે નીકળતી વખતે નલિનીબેને મારી માને કેવું કહ્યું. સારું તો નથી જ કહ્યું. હજી તો બે મહિના બાકી છે.’

નંદુ તેની વાત સમજવાનું અઘરું પડે તેવું જ બોલતો. નંદુની હાજરીમાં બહેને દુર્ગાને કંઈક કડવું વેણ કહ્યું હશે તે મને સમજાયું; પણ વાત શું હશે તે ન સમજાયું. મેં પૂછ્યું, ‘શાને બે મહિનાની વાર છે?’

નંદુએ મારા સામે જોયું અને કહ્યું, ‘દુર્ગાઈએ નિમ્બેનને ત્યાં જવાની રજા માગી તો બહેન કહે, ‘ફરો. અહીં છો ત્યાં સુધી ફરાય એટલું ફરી લો. એટલું યાદ રાખજો મહારાણી કે હવે અહીંના દિવસો પૂરા થઈ ગયા છે.’

‘એટલે?’ મેં પૂછ્યું.

સાઇકલ ચલાવ્યે રાખીને નંદુ બોલ્યો, ‘એટલે મા હવે પાલિતાણા જવાની.’ નંદુ ચિડાઈને બોલતો હતો, ‘કઠોર વાત સાંભળીનેય છોકરીએ બેનને સામે મોયે કંઈ કહ્યું નહીં. હસી. આંખોમાં રાખેલાં રત્નોનો અદ્ભુત ખજાનો જગતથી છુપાયેલો રહે તે માટે મારી મા કેટકેટલું સહે છે!’

હું મૂઢ થઈ ગયો. દુર્ગાને પાલિતાણા મોકલવી એવું તો હું આવ્યો તે વખતે નક્કી થયેલું. એ વાતને તો કેટલોયે સમય થઈ ગયો છે. વાત વીસરાઈ પણ ગઈ હતી. અચાનક આજે પાછું એ ભૂત જાગશે તે કલ્પના મને નહોતી.

દુર્ગા ક્યારેક ‘હું નહીં હોઉ ત્યારે’ કે ‘હું ક્યાં કાયમ રહેવાની છું?’ જેવા ઉલ્લેખો કરતી; પણ એનો આ સંદર્ભ હોઈ શકે તેવું હું નથી માનતો. આજે આમ અચાનક તેના જવાની વાત જાણીને મને થોડો આઘાત લાગ્યો.

મનમાં અચાનક એક ઊંડી ચીસ અનુભવાઈ. કેટકેટલી વાર મનને દૃઢ કરેલું કે પીળા મકાન સાથે કે તેના કોઈ નિવાસી સાથે કોઈ રીતે જોડાવું નથી. કેટલી તકેદારી રાખી હતી! બધું ફોક.

હું એકદમ સચેત થઈ ગયો. મારા જ મનને છેતરવાનું મને પાલવે નહીં. દુર્ગા જાય કે રહે, મને કશો ફરક પડવો જોઈતો નહોતો. આટલાં વરસો પીળા મકાનની બહાર દીવાલે રહેવાની કોશિશમાં ખરેખર તો હું અંદરનો બનતો ગયો હોઉં તો એ મારી નબળાઈ છે.

એ લોક સાથે વિતાવેલા સમયને, તેમના આનંદ અને વ્યથાને માત્ર સાક્ષી ભાવે જોતા રહેવાના મારા બુદ્ધિપૂર્વકના દૃઢ નિશ્ચય છતાં હું તેમ કરી શક્યો નથી તે વાત હું સ્વીકારી ન શક્યો.

મનને કઠણ કરતાં મેં ફરી નિર્ણય કર્યો કે કોઈ અણજાણ માર્ગે આ લોકની વાતો, તેમનાં સુખ, તેમની પીડા, તેમની રાહત, તેમના આનંદ અને ઉદાસી તેમનું બધું જ કોઈ મારામાં પ્રવેશીને મારા અંત:સ્તલને સ્પર્શવું ન જ જોઈએ. બુદ્ધિની જાણ બહાર કશું થવું ન જોઈએ.

રાતે જઈને સૂતો ત્યાં સુધી મન ઉપર ઉદાસી છવાયેલી રહી. અંગ્રેજી વાંચવાનું યાદ આવતાં ચોપડી લઈને બેઠો ત્યારે થોડી રાહત લાગી.

બીજે દિવસે નિશાળેથી ઓરડીએ આવ્યા વગર સીધો જ કામ પર ગયો. સાંજે જતાં પહેલાં ઓફિસમાં આવી જવાનો મહેશભાઈનો આદેશ મળ્યો એટલે તેમને મળવા ગયો. અંદર સંદેશો મોકલ્યો પછી થોડી વારે મહેશભાઈએ મને તેમની ઑફિસમાં બોલાવ્યો. ‘બેસ. કહે કેવું ચાલે છે?’

‘ફાવે છે.’ મેં કહ્યું, ‘મારા કામ વિશે તમે જાણતા જ હો.’

‘ઠીક છે.’ મહેશભાઈ બોલ્યા, ‘તેં રિપેરિંગ ઉપરાંત નવી સાઇકલો એસેમ્બલ કરીને વેચવાનું પણ ચાલુ કરેલું ખરું?’

‘હા.’ મેં કહ્યું. મહેશભાઈએ પંક્ચર અને ચા-પાણીના ધંધામાં નવું ઉમેરવાનું, સાઇકલ વેચવાનું મને કેવી રીતે સૂઝ્યું અને તે માટે પૈસાની ગોઠવણ કેવી રીતે કરી એવા પ્રશ્નો પૂછ્યા.

‘બસ, એમ જ મને લાગ્યું કે સાઇકલ રિપેર થાય તેમ વેચી પણ શકાય. પૈસાની તો તાણ પડી જ નહીં. શરૂઆતમાં તો ઘરાક પાસેથી થોડા એડવાન્સ મળે તે આપીને ડીલર પાસે સાઇકલ તૈયાર કરાવી રાખતો. બાકીના પૈસા મળે એટલે લઈને ઘરાકને આપી દેતો. બે ત્રણ સાઇકલ પછી તો ડીલરે ઉધાર આપવા માંડ્યું. છેલ્લે છેલ્લે તો એજન્સીમાંથી સીધી ખરીદવાનું વિચારેલું. ત્યાં વાવાઝોડામાં ઝૂંપડી ઊડી ગઈ.’ મેં ટૂંકાણમાં વિગતો આપી.

મહેશભાઈ મને જોઈ રહ્યા પછી કહ્યું, ‘વૅલ, હવે એ કહે કે તને બીજા ખાતામાં ફેરવીએ તો કેવું. તને કેવા કામમાં રસ પડે?’

‘એક ધારું કામ હોય તો કદાચ ન ગમે. જેમાં આપણે બુદ્ધિ કસવાની હોય, બધું જ ધ્યાન લગાડી દેવાનું હોય એ વધુ ગમે’ મેં કહ્યું.

‘હેલ્પરમાંથી સીધા મોટર-સાઇકલો વેચવા મૂકું તો ફાવે?’

‘ફાવે.’ મેં કહ્યું અને ઉમેર્યું, ‘હવે અંગ્રેજી પણ આવડવા માંડ્યું છે.’

મહેશભાઈ હસ્યા અને કહ્યું, ‘હમણાં અંગ્રેજીની જરૂર નથી. હમણાં તો વેપાર કઈ રીતે થાય છે તે જો. બે-ત્રણ મહિના માર્કેટિંગમાં રહે. દક્ષિણ ભારતમાં એક એજન્સી મળે તેમ છે. કદાચ તને મોકલવો પડે. અંગ્રેજીની જરૂર તને ત્યાં પડશે. વર્કશૉપ અને શૉ-રૂમ ચલાવવાં પડે. તું કરી શકે?’

હું વિચારમાં પડી ગયો. પછી કહ્યું, ‘મારી ઉમ્મર જોતાં..’

‘એ મારા પર છોડ. ત્યાં તારે કોઈને કહેવાનું નથી કે તું કોણ છે. શેઠના સગાને ઉમ્મર નથી નડતી.’ મહેશભાઈએ કહ્યું.

‘જી!’ મારા ગળામાંથી ઉદ્ગાર નીકળી ગયો.

મહેશભાઈએ કહ્યું, ‘મારે ભાણા, ભત્રીજા નથી એમ ન માનતો. તને પસંદ કરીશ તો એ કારણે કે મારે મારો પોતાનો અંગત વિશ્વાસુ માણસ ત્યાં જોઈએ છીએ. આટલું યાદ રાખજે.’ કહીને મારા મનોભાવ વાંચવાનો પ્રયત્ન કરતા હોય તેમ મહેશભાઈ મને જોઈ રહ્યા અને પછી બોલ્યા, ‘શરૂઆતમાં હું તારી મદદે આવ્યા કરીશ. પછી તારે સંભાળવું પડે.’

‘આટલી નાની વયે કદાચ કારીગરો અને સ્ટાફ પાસેથી કામ લેવું અઘરું પડે તે સિવાય કંઈ વાંધો ન આવે.’ મેં કહ્યું.

મહેશભાઈ જોરથી હસીને ટેબલ પર હાથ પછાડતાં બોલ્યા, ‘અલ્યા, પૈણવા જેવડો થયો. હવે નાનો નથી. તારી ઉમ્મરે મારાં તો લગન થઈ ગયેલાં.’

મેં ક્યારેય લગ્ન કે જીવનની બીજી બાબત માટે ગંભીરતાથી વિચાર્યું નહોતું. મેં ફરી એ જ જવાબ દીધો, ‘મારાથી મોટી ઉમ્મરના માણસોને સ્ટાફમાં લેવા પડે. એમને હુકમો કરવા પડે.’

‘યસ, ઇટ ઇઝ બાઉન્ડ ટૂ હેપન.’ મહેશભાઈએ કહ્યું, ‘હજી ક્યાં તને મોકલી દીધો છે. જા. હજી તો અહીં કામ કર. પછી મારે જોવાનું છે. એક વાત શીખી જા. શેઠ એટલે શેઠ. શેઠની કોઈ ઉમ્મર હોતી નથી. પછી જેવી તારી આવડત.’

‘ભલે મને વાંધો નથી.’ મેં કહ્યું, ‘પણ ફાઈનલ જવાબ હું હમણાં નથી આપતો.’

‘ભલે. પણ અઠવાડિયામાં જણાવજે. મારે તને તાલીમ આપીને ખોટું રોકાણ નથી કરવું. સમજ્યો?’

‘હા.’ મેં જવાબ આપ્યો. હું કશો જવાબ આપ્યા વગર ચાલતો થયો. મહેશભાઈને એક તરફ મારામાં પોતાનો માણસ જોવો છે. બીજી તરફ જો ફાયદાકારક કંઈ હોય તો જ મારામાં રોકાણ કરવું છે. બે પરસ્પર વિરોધી લાગતી વાતને એ ક્યાં ભેગી કરે છે અને ક્યાંથી અલગ જુએ છે તે સમજવાની કોશિશમાં મેં રાત વિતાવી. ધંધો શીખવાની શરૂઆત કદાચ તે રાતે જ થઈ ગઈ હતી.

પીળા મકાને પહોંચીને સહુથી પહેલાં મેં નંદુને બધું જ કહ્યું. બે મહિનામાં કદાચ દક્ષિણમાં જવાનું છે તે જાણીને નંદુએ કહ્યું, ‘તને લઈ આવ્યો ત્યારથી આરાસુરવાળીને પ્રાર્થના કરતો રહ્યો છું કે તને તારો રસ્તો ચીંધાડી દે. જા; પણ ભૂલતો નહીં કે આ દીવાલને ટેકે તું પગલાં માંડતાં શીખ્યો છે. આવતોજાતો રહેજે.’

નંદુની વાત સાંભળીને મારાથી ઢીલા થઈ જવાશે તેવું લાગતાં હું ત્યાંથી ઊઠીને બહાર નીકળી ગયો. નંદુએ પાછળથી બૂમ પાડીને કહ્યું, ‘રાતે અહીં આવજે. લોટ અને ઘી-ગોળ પડ્યાં છે શીરો શેકી નાખીશું.’

હજી બહાર નીકળ્યો જ હતો કે દુર્ગા ચોપડીઓ હાથમાં લઈને આવતી મળી. તેણે તરત જ પૂછ્યું, ‘તેં હા પાડી? હજી ન પાડી હોય તો પાડી દેજે. મને આવી તક મળે તો હું જતી ન કરું.’

હું આશ્ચર્ય પામીને દુર્ગાને જોઈ રહ્યો. હું ક્યાં ગયો હતો, શા કાજે ગયો હતો અને મારે શો નિર્ણય લેવાનો છે તે બધી જ વાત તે કેવી રીતે જાણી ગઈ તે હું સમજી ન શક્યો. ‘તને ખબર હતી?’ મેં પૂછ્યું.

‘તે હોય જ ને! મહેશભાઈએ તને પરદેશ મોકલવાનું નક્કી કર્યું છે તે નેહાબેને જ મને કહેલું.’ દુર્ગાએ કહ્યું.

‘પરદેશ નહીં. અહીં જ, આ દેશમાં. દક્ષિણ ભારતમાં. ગામ મને ખબર નથી.’ મેં જવાબ આપ્યો તે જ ઘડીએ મને વિચાર આવ્યો કે નેહાબહેને અને દુર્ગા વચ્ચે મારા વિશે બીજી વાતો થતી હશે. દુર્ગાને પૂછવાનું મન તો થયું; પણ તે મજાક ઉડાવશે તે વિચારે મેં પૂછવાનું માંડી વાળ્યું.

‘નેહાબેન પરદેશ સમજ્યાં હશે.’ દુર્ગાએ કહ્યું, ‘ક્યારે જવાનો?’

હું દરવાજા બહાર આંટો મારવા જવાનો હોઉં એટલી ઉપરછલ્લી રીતે દુર્ગાએ પૂછ્યું તે મને ન ગમ્યું. મારાથી બોલાઈ ગયું, ‘તારા કરતાં પહેલાં. સ્ટેશને મૂકવા તો આવીશ ને?’

બોલતાંમાં તો મારું હૃદય જાણે ચિરાઈ ગયું. દુર્ગાને પણ હવે અહીંથી જવાનું છે તે ઉલ્લેખ કરવા જેટલો નિષ્ઠુર હું કેમ થઈ શક્યો તે મને જ સમજાયું નહીં. ઘડીભર અસમંજસમાં સપડાઈને હું નીચું જોઈ ગયો.

‘તું હોડ બકે છે?’ દુર્ગાએ કંઈક જુદા જ સ્વરે કહ્યું. મને લાગ્યું કે હું રડી પડીશ. કંઈ બોલ્યા વગર હું ત્યાંથી મારી ઓરડીએ જઈને બેસી રહ્યો.

બીજે દિવસે મેં મહેશભાઈને દક્ષિણ જવાની મારી તૈયારી છે તેમ કહી દીધું. જુદા જુદા પ્રશ્નો ઉકેલવાનું મને સોંપાવા માંડ્યું. ત્રણ મહિના ગયા તોયે દક્ષિણની વાત કોઈએ કાઢી નહોતી.

એક સાંજે મહેશભાઈએ મને બોલાવ્યો અને કહ્યું, ‘આ હોળી પછી નવું કામ શરૂ કરીએ છીએ. તું ત્યાં પહોંચીને તૈયારીઓ શરૂ કરી દેજે. બધું થઈ રહે પછી ઉદ્ઘાટનની તારીખ નક્કી કરજે. હમણાં તો શ્રીનિવાસન કરીને એક સજ્જન છે. આપણું કામ એ જોવાના છે. હું ઉદ્ઘાટનને આગલે દિવસે પહોંચી જઈશ.’

મેં હા પાડી. નવા જ સાહસમાં જોડાવાની કલ્પનાનો રોમાંચ, અજાણ્યા સ્થળે ગોઠવાઈને સફળ થવાનું સ્વપ્ર. મને મામા-મામી અને નિમુબહેન, નંદુથી માંડીને કરમી સુધી બધાંને આ વાત કરવાનું મન થઈ ગયેલું. રાતે ઓરડીએ પહોંચીને નંદુને કહ્યું, ‘જવાનું નક્કી થઈ ગયું.’

‘ખરું?’ નંદુએ પૂછ્યું, ‘તારી અને દુર્ગાઈની બેઉની વિદાય થવાની?’ બોલીને નંદુ ગંભીર થઈ ગયો. પછી કહે, ‘તે દહાડે તને કહેલું કે અહીં આવતો જતો રહેજે. આજે લાગે છે કે અહીંથી ગયું તેને આ દિશામાં શા કાજે બોલાવું છું? રે! આ નથી તમારી જનમભોમકા કે નથી વતન. પીડા ભરેલું; પણ આ સાચ છે ભાઈ! પૃથ્વી પર કદાચ આ એક જ જગા એવી છે જેને છોડી દીધા પછી યાદ કરવાની નથી. જ્યાં બાળપણ વીત્યું, ઊછર્યાં, જ્યાં રહીને ભણ્યાંગણ્યાં તે જ સ્થળને ભૂલવાની મથામણ કરવાની.’

નંદુ બોલ્યા કરત પણ દુર્ગા આવી અને તે બોલતો બંધ થઈ ગયો. મેં દક્ષિણ જવાના કાર્યક્રમની બધી વાત તેને કરીને કહ્યું, ‘વીસમી માર્ચે રાતની ગાડીમાં જઈશ.’

દુર્ગાએ નિરાંતે બધું જ સાંભળ્યું. પછી બોલી, ‘તો તો હવે સ્ટેશને મૂકવાનું આવવાનું તારા ભાગે આવશે. તું હોડ હારી ગયો. મારી ટ્રેન વહેલી ઊપડે છે.’

***

રેટ કરો અને રિવ્યુ આપો

nihi honey

nihi honey 11 માસ પહેલા

Janak  Patel

Janak Patel 1 વર્ષ પહેલા

Ami Desai

Ami Desai 2 વર્ષ પહેલા

Biren Kiri

Biren Kiri 2 વર્ષ પહેલા

Jainish Dudhat JD

Jainish Dudhat JD માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા