ટહુકો
થોડાંક પ્રેમપત્રો
(November 30th, 2012)
[1] મહાત્મા ગાંધીનો પત્ર કસ્તૂરબાને (તા. 09-11-1908)
તારી તબિયત વિષે શ્રી વેહરે આજે તાર કર્યો છે. મારું મન ટુકડે ટુકડા થઈ રહ્યું છે, પણ તારી ચાકરી માટે પહોંચી શકું એ શક્ય નથી. સત્યાગ્રહની લડાઈમાં મેં બધું જ અર્પિત કરી દીધું છે. હું ત્યાં આવી જ નહિ શકું. દંડ ભરી દઉં તો જ આવી શકું, પણ દંડ તો કદી નહિ ભરી શકું ! તું હિંમત રાખજે. નિયમિત ખાઈશ તો સારી થઈ જઈશ. છતાંય મારા નસીબમાંથી જઈશ જ, એવું થશે તો હું તને એટલું જ લખું છું કે તું વિયોગમાં, મારા જીવતે જીવતા મરી જઈશ તો ખરાબ નહિ કહેવાય. મારો સ્નેહ તારા પર એટલો બધો છે કે મરવા છતાં તું મારા મનમાં જીવિત જ રહીશ. તું મરી જઈશ તો પાછળથી હું બીજી પત્ની કરવાનો નથી, એટલું નિશ્ચયપૂર્વક કહું છું. આવું મેં તને એક-બે વાર કહ્યું પણ છે. તું ઈશ્વર પર આસ્થા રાખીને પ્રાણ છોડજે…
તું મરી જઈશ, તો એ પણ સત્યાગ્રહને માટે અનુકૂળ થશે. મારું યુદ્ધ માત્ર રાજકીય નથી, એ ધર્મયુદ્ધ છે, અર્થાત અતિ સ્વચ્છ છે. એમાં મર્યા તો પણ શું અને જીવિત રહ્યા તો પણ શું ? તું પણ આવું જ સમજીને તારા મનમાં જરાય ખરાબ નહિ લગાડે એવી મને આશા છે. તારી પાસે આ મારી માગણી છે.
મો. ક. ગાંધી
(દક્ષિણ આફ્રિકા)
[2] નેપોલિયનનો પત્ર ઝિયરીનાને
પ્રિયા !
હું ખૂબ જ ઉદાસ થઈને એવિગ્નાન પહોંચ્યો છું. ખાસ્સા લાંબા સમય સુધી મારે તારાથી દૂર રહેવું પડ્યું તેથી આ સફર મને કઠિન અને કષ્ટદાયક લાગી. હું તને હંમેશાં પ્રેમ કરતો રહીશ. તારા વાયદાની આવી આશા જ બસ, મારું દુ:ખ ઓછું કરી દે છે અને હું બધું જ સહન કરું છું.
પેરિસ પહોંચતાં પહેલાં મને તારો એક પણ પત્ર નહિ મળે. હું શક્ય એટલો વહેલો ત્યાં પહોંચીને જોઈશ કે તારા કયા સમાચાર મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. એ ઊણપ મારો ઉત્સાહ વધારશે. કાલે સાંજે હું વિયંસ પહોંચી જઈશ. બસ ત્યારે, આવજે ! મને ન ભૂલીશ…. અને જે આજીવન તારો જ છે, એને પ્રેમ કરતી રહેજે…
લિ. નેપોલિયન બોનાપાર્ટ
[3] દોસ્તોવસ્કીનો પત્ર એનાને
પ્રિયા !
તું લખે છે – મને પ્રેમ કરો. પણ શું હું તને પ્રેમ નથી કરતો ? કહીને પ્રેમ કરવાનું મારી ટેવની વિરુદ્ધ છે, એ તેં પોતે પણ અનુભવ્યું હશે. પરંતુ અફસોસની વાત તો એ છે કે કોઈ વાત અનુભવી શકાય તો કેવી રીતે અનુભવવી તે તું નથી જાણતી. હું તારી સાથે સતત દામ્પત્યસુખ માણી રહ્યો છું. (સતત પર્યાપ્ત નથી, કારણ કે દર વર્ષે આ રસની મીઠાશ વધતી જ જાય છે. ) આ જ વાત પરથી તારે ઘણું બધું સમજી જવું જોઈએ. પણ કાં તો તું કશું સમજવા જ નથી માગતી અથવા અનુભવની ઓછપને કારણે સમજી નથી શકતી.
વારુ, તું મને કોઈ એવા દંપતીનું નામ-સરનામું આપ જેમની વચ્ચે આપણા આ બાર વર્ષના જૂના સંબંધ જેવો લગાવ કાયમ હોય. જ્યાં સુધી મારા આનંદ અને મારી પ્રશંસાનો પ્રશ્ન છે, એ બંને અગાધ છે. તું કહીશ કે એ માત્ર એકતરફી છે અને એ પણ સૌથી નિમ્ન. પણ ના, એ નિમ્ન નથી; કારણ કે જીવનનું બાકીનું બધું જ એના પર નિર્ભર રહે છે. તું બસ આ જ સત્યને પકડવા નથી ઈચ્છતી.
ખેર, આ લાંબા ભાષણને પૂર્ણ કરતાં પહેલાં એક વાર ફરીથી તને ખાતરી આપું છું કે, તારા નાના નાના પગની દરેક આંગળીને વારંવાર ચૂમવા તડપું છું…. અને હું એવું કરીને જ જંપીશ, એ તું જોઈશ. તું લખે છે… જો કોઈ આપણા પત્રો વાંચશે તો શું થશે ? સારું, પણ એમને વાંચવા દે… એમને બળતરાનો અનુભવ કરવા દે !
લિ. દોસ્તોવસ્કી
[4] મુનશી પ્રેમચંદજીનો પત્ર શિવરાનીને
પ્રિય રાની,
હું તને છોડીને કાશી આવ્યો, પણ અહીં તારા વિના સૂનું સૂનું લાગે છે. શું કરું ? તારી બહેનની વાત શી રીતે ન માનું ? ન માનત, તો તને પણ ખરાબ લાગત. એણે તને રોકી ત્યારે હું મનમાં દુ:ખી થયો. તું તો મારી બહેન સાથે ત્યાં ખુશ હોઈશ, પણ જે એક માળામાં બે પક્ષી રહેતાં હોય અને એમનામાંથી એક ન રહેતાં બીજું વ્યાકુળ થઈ જાય તેમ હું અહીં વ્યાકુળ છું. તારો આ જ ન્યાય છે કે તું ત્યાં મોજ કરે અને હું અહીં તારા નામની માળા ફેરવું ? તું મારી પાસે રહેત, તો હું ક્યાંય જવાનું નામ ન દેત. તું આવવાનું નામ નથી લેતી. મને પંદરમી તારીખે પ્રયાગ યુનિવર્સિટીમાં બોલાવવામાં આવ્યો છે. આ જ કારણે હું હજી સુધી નથી આવ્યો, નહિતર ક્યારનોય પહોંચી ગયો હોત. તેથી હું ધીરજ ધરીને બેઠો છું. હવે તું પંદરમી તારીખે આવવા માટે તૈયાર રહેજે. સાચું કહું છું…. ઘર મને ખાઈ રહ્યું છે. ક્યારેક વિચારું છું કે, શું બધા આ રીતે ચિંતિત થઈ જતાં હશે કે માત્ર હું જ ? તને રૂપિયા મળી ગયા હશે. તારી બહેનને મારાં પ્રણામ કહેજે. બાળકોને વહાલ, ક્યાંક એવું ન બને કે આ પત્રની સાથે જ હું પણ ત્યાં આવી પહોંચું ! જવાબ જલદી લખજે.
લિ. ધનપતરાય
(મુનશી પ્રેમચંદ)
[5] પંડિત નહેરુનો પત્ર પદ્મજા નાયડુને
[તા. 2-3-1938ને દિવસે પંડિત નહેરુએ પ્રિયતમા પદ્મજા નાયડુને લખેલા પ્રેમપત્રમાં કાશ્મીરી ગુલાબની ખુશબો છે. પંડિતજી મહાન પ્રેમી હતા. ગાંધીજીની નજીક હોવું અને વળી રોમેન્ટિક હોવું એ જેવી તેવી વાત નથી. પંડિતજીએ અનેક સ્ત્રીઓને પ્રેમ કરેલો, પરંતુ બે સ્ત્રીઓ એમની ખૂબ નજીક પહોંચેલી : પદ્મજા નાયડુ અને લેડી માઉન્ટબેટન. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે એમને ‘ઋતુરાજ’ કહેલા. યાદ રહે કે પદ્મજાને પ્રેમ કરવામાં પંડિત નહેરુ અને સુભાષ બોઝ વચ્ચે ખાનગી હરીફાઈ પણ હતી. તા. 29-11-1937ને દિવસે નહેરુએ પદ્મજાને પોતાના પત્રો પર ‘પર્સનલ’ એવી સૂચના લખવાની ટકોર કરેલી. જેથી પોતાનો મંત્રી એ પત્ર વાંચે નહીં. આપણા જેવા સામાન્ય માણસો રાખે તેવી જ કાળજી નહેરુએ પણ રાખેલી. – લેખક]
બેબી ડિયર,
તને મારે લખવું એવું વચન તેં મારી પાસેથી માગી લીધું. અરે મૂરખ ! શું વચન લેવું જરૂરી હતું ! અને વળી એવા વચનનો કોઈ અર્થ ખરો ? તને લખવાનો મને ઉમળકો ન હોય તો હું કેવળ વચન પાળવા માટે જ લખું એવું તું ઈચ્છે છે કે ? અને વળી તને લખવાનો ઉમળકો મને સ્પર્શી જાય પછી તું મને લખતો રોકે કે પછી, ન લખવાનો હુકમ કરે તોય ભૂતકાળમાં લખતો એમ હું તો તને લખતો જ રહીશ. હું આમે સ્વાર્થી અને સ્વકેન્દ્રી ખરો, તેથી મારી જાતને ખુશ કરવા માટે લખું છું; જો કે મારા મિથાભિમાનને કારણે માનું છું કે તને પણ એથી થોડો આનંદ મળતો જ રહેશે.
તું કહે છે કે, તું મને લખવાની નથી; રખે ને તારાથી કશુંક એવું કહેવાઈ જાય જે દુ:ખ પહોંચાડે. તારા શબ્દોમાં દુ:ખ પહોંચાડવાની શક્તિ છે, પરંતુ તું કશું જ ન લખે એની પીડા કેટલી પહોંચે એનો વિચાર કર્યો છે ખરો ? કોચલામાં પુરાઈને ચારે તરફથી ઘેરાઈ ગયેલી, કપાઈ ગયેલી અને એકલતાનો પર્યાય બની ગયેલી મારી જિંદગીનો તેં વિચાર કર્યો છે ખરો, જેને હું પ્રવૃત્તિમાં ખોવાઈ જઈને ભૂલવા મથું છું !
(નોંધ : પત્રને અંતે ‘માઈ લવ ટુ યુ’ ની નોંધ પછી લખાયેલા તાજા કલમમાં પંડિતજી આગળ લખે છે : )
‘પુષ્પો પ્રજ્વલિત થયાં છે
અને તને અભિનંદન પાઠવે છે. ’
(ફરીથી પચાસની નજીક પહોંચેલા નહેરુએ અલ્હાબાદથી તા. 18-11-1937ને દિવસે પદ્મજાને લખ્યું : )
અજંતા પ્રિન્સેસ (અજંતા શિલ્પના નમૂનાઓ) ઘરના ઓરડામાં ગોઠવાઈ ગયા પછી સતત તું ખતરનાક રીતે મારી સમીપ આવી ગઈ છે ! હું જ્યારે એ (નમૂના) જોઉં છું ત્યારે તારો જ વિચાર કેમ કરું છું. હવે તારી ઉંમર કેટલી થઈ ? વીસ ?* ઓ મારી પ્રિયા ! વર્ષો વીતી જાય અને આપણને હાથતાળી દઈ જાય, તોય આપણે કેટલાં નાદાન રહ્યાં છીએ ! તારો પ્રેમાળ ચહેરો જોવા હું ઝંખું છું.
(પદ્મજાના લાંબા અંગત તારના જવાબમાં પંડિતજી જણાવે છે : )
પ્રિયે ! તારો તાર મને મળ્યો છે. કેટલો મૂર્ખતાભર્યો, સ્ત્રીસહજ અને ખર્ચાળ ! કે પછી સુભાષને પ્રેમ કર્યા બદલ તેં કરેલું પ્રાયશ્ચિત હતું !
(તા. 15-11-40ને દિવસે નહેરુ પદ્મજાને તાર કરીને લખે છે : )
તને મળવાનું થયું તે સારું થયું. (દિવસે દિવસે) વધુ યુવાન થતી રહેજે અને જેઓ વૃદ્ધ થતા જાય એનું સાટું વાળતી રહેજે.
(*નોંધ : અહીં વીસ વર્ષની ઉંમરનો ઉલ્લેખ પ્રશંસા કરવા માટેની લાડકી મજાક હતી. વાસ્તવમાં એ સમયે પદ્મજાની ઉંમર 37 વર્ષની હતી. )
[6] એક સામાન્ય માણસનો પ્રેમપત્ર
(નોંધ : આ પત્ર શ્રી ગુણવંત શાહે તેમનાં પત્ની અવંતિકાબેનને ઈગતપુરીમાં વિપશ્યના શિબિરમાં રહેવાનું બન્યું ત્યારે વર્ષગાંઠને દિવસે લખેલો પત્ર છે. લેખક જણાવે છે કે આ પત્રની તારીખ 12મી માર્ચ છે પરંતુ વર્ષ યાદ નથી. – તંત્રી. )
પ્રિય અવંતી,
માતના ગર્ભાશયમાં હતો એટલો જ નિશ્ચિંત અને સ્વસ્થ મૃત્યુની ક્ષણે પણ હોઉં એવી ગાંડીઘેલી ઝંખના સાથે જીવી રહ્યો છું. આજે મારી વર્ષગાંઠ, પરંતુ અહીં (ઈગતપુરી ખાતે) વિપશ્યના શિબિરમાં તો એ વાત મને છેક રાત્રે જ યાદ આવી. આજે તારું ખૂબ સ્મરણ થતું રહ્યું. ધ્યાનમાં પણ વચ્ચે વચ્ચે તું ખૂબ યાદ આવી. પહેલાં તો તારા દુર્ગુણો યાદ આવ્યા – પછી સદગુણોનો વારો આવ્યો.
હું તને ચાહું છું એ તો તું જાણે છે, પરંતુ ચાહવું એટલે શું તેની ખબર તને ઓછી છે. મારી પ્રેમની વ્યાખ્યા જુદી છે. એ વ્યાખ્યા પ્રમાણે હું વરતું છું. મારી પ્રેમની વ્યાખ્યા એ કે જેને પ્રેમ કરતા હોઈએ એના માલિક ન બનવું. તું આ વાત સમજે તો હું ખૂબ હરખાઉં. વિચારજે. આજે જો તું સાથે હોત તો તને વહાલથી નવરાવી નાખત. હવે હું આવું ત્યારે વાત. મારી મહત્વાકાંક્ષા તો હું મરું ત્યારે તારા મિત્ર તરીકે મરવાની છે, તારા પતિ તરીકે નહીં. હું મારામાં રહેલા પતિને દફનાવી ચૂક્યો છું. મારી નિખાલસતાનું મને અભિમાન રહે છે. પ્લીઝ બિલીવ મી.
હું તો એક એવી અવંતીને જોવા ઝંખું છું જે મારા પ્રવાસોમાં, વિચારોમાં અને શ્વાસોમાં સતત સાથે હોય; સંગીતના મધુર સ્વરની માફક ! આ પત્રમાં એક પણ વાત બુદ્ધિપૂર્વક વિચારીને લખી હોય તો મને તારી ઉદારતાના સોગંદ ! બાકી હું તો ક્યારેક લાક્ષાગૃહના ગુપ્ત દ્વારની શોધમાં હોઉં છું. તું આ જાણે છે. બધી સંવેદનશીલતાને ઠાલવી દઈ એકબીજામાં ઓતપ્રોત થઈ જવાની ઉત્કટ, અપ્રદૂષિત અને સો ટચની અભીપ્સાને હું પ્રેમ કરું છું. આવી અભીપ્સા આપણી વચ્ચે પાંગરી છે. એ ઊંડા પરિતોષની વાત છે. જીવનમાં મેઘધનુષી રંગદર્શિતા હોય, વાદળી ભીનાશ હોય અને વળી શિયાળાની સવારના સૂરજની હૂંફ હોય પછી બીજું શું જોઈએ ? અપેક્ષાઓની આવ-જા વધી પડે તો પેલી અભીપ્સા પણ વાસી થઈ શકે. આપણી અભીપ્સા એટલી ઉત્કટ હો કે અપેક્ષાઓ માટે અવકાશ જ ન રહે. જીવનના અંત સુધી અભીપ્સાને વાસી બનતી અટકાવવાનું અઘરું છે, અશક્ય નથી.
સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ વિલીનીકરણ એટલે સંપૂર્ણ પ્રેમ ! આવો પ્રેમ આનંદનું ઉપસ્થાન બની શકે. જે વાસી થઈ શકે તે સુખ ગણાય, આનંદ નહિ. આનંદની પ્રાપ્તિ માટે જીવીએ. ઊંચા ધ્યેયને આંબવામાં મળેલી નિષ્ફળતાનું મૂલ્ય કોઈ છીછરી પ્રાપ્તિ કરતાં વધારે છે. આવી નિષ્ફળતાનીય આપણે પ્રતીક્ષા કરીશું. એનુંય સ્વાગત કરીશું, પણ કશુંય છીછરું તો નહિ જ સ્વીકારીએ. તું આવી કલ્યાણયાત્રામાં મારી સાથે છે, એનું મારે મન ઘણું મૂલ્ય છે. પગ છોલાઈ જાય, આંટણ પડે, થાકી જવાય, ઢળી પડાય તોય આ યાત્રા ચાલુ જ રાખીશું. જીવનના અંતે યાત્રાપથ પર પાછું વળીને જોઈએ ત્યારે લાગવું જોઈએ કે આપણે છેક નકામાં ન હતાં ! કબૂલ છે ? તડપન હોય ત્યારે જ વેદનાની વેલ પર ફૂલ બેસે છે. મને થાય છે કે :
ઠારે તે સ્વજન,
દઝાડે તે દુશ્મન,
પ્રજાળે તે પ્રિયજન,
પજવે તે દુરિજન.
ઘણા દિવસથી મળ્યાં નથી, ખરું ને ! સાચું કહું તો રોજરોજ આપણે મળતાં જ હતાં. પૂરી તીવ્રતાથી તારું સ્મરણ થતું રહ્યું. તારી સ્થિતિ મારાથી જુદી હોઈ જ ન શકે. મળવાની આ પણ એક અનેરી રીત છે. માઈલો ખરી પડે, સમય ખરી પડે અને રહી જાય તારું સ્મરણ – કેવળ તું જ ! અર્જુનને પક્ષીની ડાબી આંખ સિવાય બીજું કશું ન દેખાય તેવું જ કશુંક બની રહ્યું. દુનિયાના ક્ષુલ્લક સ્વાર્થોથી પર, લેવડદેવડની ગણતરી અને લાભાલાભનાં કાટલાંથી અસ્પૃશ્ય એવું કશુંક અત્યંત આનંદપ્રદ અને પ્રીતિપદ આપણી વચ્ચે ઊગી રહ્યું છે એ કંઈ જેવી તેવી વાત છે ! આ કશુંક આપણે જીવીએ ત્યાં સુધી ગંગાજળની માફક સાચવી રાખીશું ને ?
ખૂબ વાતો કરવી છે અને છતાંય કશું નથી કહેવું. જે કાંઈ કહેવાનું હોય તે બધું શબ્દો દ્વારા કહી શકાય એવો ભ્રમ જલદી છોડીએ. જે કાંઈ વણકહ્યું રહી જાય તે પણ એની રીતે સામેના માણસ સુધી પહોંચતું હોય છે. તારી સમક્ષ પૂર્ણપણે અનાવૃત થવાની ઉતાવળ મને રહી છે. કોઈકનો સમગ્ર સ્વીકાર એ જ છે : ‘પ્રેમ-અમીરસ’ અને એ જ તો છે જીવનજળ. સંભોગ માટે ગોવર્ધનરામે ‘હૃદયદાન’ શબ્દ પ્રયોજ્યો છે. પ્રેમ જો હૃદયદાનથી આગળ ન વધે ત્યારે શિખર પરથી ખીણમાં પડીને ભોંયભેગો થતો હોય છે.
તારી સાથેની મૈત્રીને હું જીવનની સૌથી મોટી અમીરાત માનું છું. તું મને ખૂબ ગમે છે એમાં મારો શો વાંક ? કશુંક ગમવા યોગ્ય જેની પાસે હોય એ જ ગુનેગાર ગણાય. હું ઈચ્છું છું કે તું જીવનભર આવો ગુનો જાળવી રાખે. આપણી મૈત્રી દિવસાનુદિવસ પરિશુદ્ધ બનતી રહે એ માટે બંને સાથે મથીશું. કશુંક ઊર્ધ્વગામી, કશુંક ઊંડું, કશુંક ઉત્કૃષ્ટ ન હોય તે માટે વળી મથવાનું કેવું ! તેં નદીકાંઠે કમરપૂર પાણીમાં રેતી કાઢનારા માણસો જોયા છે ? તેઓ ટોપલા ભરીભરીને રેતી ઠાલવતા રહે છે. આપણે રેતી નથી કાઢવી, આપણે તો મૂઠીભર મોતી પામવાં છે. મોતી કાઢવા માટે તો મહાસાગરને તળિયે ડૂબકી મારીને પહોંચવું પડે. આ માટે મરજીવા બનવું પડે અને પ્રેમપંથ પાવકની જ્વાળા સહન કરવી પડે. એક વાર ડૂબકી મારવાના આનંદની ભાળ મળી જાય પછી દેખનારા ભલે દાઝે !
આખી દુનિયા મારી સામે થઈ જાય, પણ તું જો મારી પડખે હોય તો, હું હસતો હસતો મરું. મારી તમામ આકાંક્ષાઓનો છેડો આ છે : કોઈ અત્યંત ઊંચા શિખર પર મજાનું ઘર હોય, ઘરનો ઓટલો હોય, ઓટલા પર હીંચકો હોય અને પૂર્વાકાશમાં સૂર્યોદય થઈ રહ્યો હોય ત્યારે બાજુએ તું બેઠી હોય. જીવતરનો થાક ઉતારવા માટે આપણે પ્રત્યેક ક્ષણને નિચોવીને આનંદયાત્રા માણી રહ્યાં હોઈએ. અપાર ઔદાર્યથી તેં મને હરાવી દીધો છે, પણ એમાં મને બધું જીતી ગયાનો હરખ સાંપડે છે. આંખો ભલે ને બે હોય, પણ બંને જે જુએ તે એક જ. કાન ભલે બે, પણ સાંભળે સરખું. ફેફસાં ભલે ને બે રહ્યાં, પણ એ બંને પામે તો પ્રાણવાયુ જ. આપણે આવી રીતે એકાકાર થઈ જઈએ – રાત અને દિવસ એકબીજાંને પામે એમ !
હવે વધારે થાકવાની, વધારે છેતરાવાની અને વધારે વ્યવહારુ બનવાની મારી તૈયારી નથી. તને મારે માટે આંધળો પક્ષપાત છે. આવા પક્ષપાતને આંધળો જ રાખજે. મારી ઘણીબધી ખામીઓને તું પ્રેમથી નભાવી લે છે. સાચું કહું ! હવે હું સુધરવાની તકલીફ લેવા તૈયાર નથી. ખાતરી આપું છું કે, હું તને છેતરીશ નહીં. કોઈને છેતરવા માટે ખૂબ જ તકલીફ લેવી પડતી હોય છે. સાચકલો પ્રેમ જ એ જુઠ્ઠી તકલીફથી આપણને ઉગારી શકે. મને જાળવી લેજે, નભાવી લેજે. થાકી જાઉં એટલો પ્રેમ કરજે, રડી પડું એટલું વહાલ કરજે. હવે અહીં અટકીશ. બાકીની વાત આપણું મૌન જ કહી દેશે.
***