ચિંતનની પળે
કૃષ્ણકાંત ઉનડકટ
17 - તમે કેટલાં લકી છો?
મૈં આજ સિર્ફ મુહબ્બત કે ગમ કરુંગા યાદ,
યહ ઔર બાત હૈ તેરી યાદ ભી આ જાયે.
-ફિરાક ગોરખપુરી
સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!
હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.
મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!
બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.
બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.
પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.
કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.
મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.
તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!
છેલ્લો સીન:
Everyone knows how to count but very few know ‘what to count?’
***