કર્ણલોક - 16 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કર્ણલોક - 16

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 16 ||

નંદુ સાથે વાતો કરવામાં અને રસોઈ કરીને જમવામાં રાત ક્યારે પડી ગઈ તે ખબર ન રહી. બહાર વીજળી ચમકી એટલે નંદુએ કહ્યું, ‘નોરતાંમાંય કદાચ વરસાદ પડશે તો છોકરાંઓની મજા બગાડશે.’

‘નહીં પડે. વીજળી તો રોજ થાય છે. પણ આઘે.’ મેં કહ્યું.

‘ન પડ્યે જ સારું છે. પહેલાં તો કમ્પાઉન્ડમાં પણ નીકળાતું નહીં એમને હવે આટલું જવા મળ્યું છે.’ નંદુએ કહ્યું.

જાળી પાછળથી નીકળીને બાગમાં આવવાથી શું થતું તે મેં નજરે જોયું છે. હજુ પણ મોટાં બાળકો જ બહાર નીકળી શકે છે. નાનાએ જાળી પાછળ ઊછરવું પડે છે. કમરામાંથી ચોકમાં, ચોકમાંથી કમરામાં. રાત્રે તો ચોકમાં પણ નહીં. કમરા બંધ રહે. બધાં કહે છે કે ‘જવાબદારી મોટી છે. ન કરે નારાયણ ને કોઈ અગાસીએથી ઊતરીને ભાગી જાય કે પછી કોઈ છોકરો છોકરીઓના ઓરડામાં ઘૂસી જાય!’

સંસ્થા ચલાવીએ ત્યારે ભાગ્યે જ ઘટી શકે તેવી ઘટના વિશે પણ સચેત રહેવું તો પડે જ ને! લક્ષ્મી અંદર, છોકરાં સાથે રહેવાનો પગાર લે છે. રહેતી નથી. ત્યાં એને ફાવતું નથી એટલે નલિનીબેનને ત્યાં એમની પરસાળમાં સૂવા જાય છે. મોડેથી જાય. છોકરા-છોકરીઓના ઓરડાને બહારથી આગળો મારીને ચાલી જાય. વહેલી સવારે જઈને ખોલી નાખે છે.

નંદુ અને હું વાતો કરતાં કરતાં જ સૂઈ ગયા. રાત કેટલી ગઈ હશે તે યાદ નથી. અચાનક વીજળીના કડાકા અને ધોધમાર વરસાદના અવાજે ઊંઘ ઉડાડી દીધી. જાગતાંવેંત નંદુએ કહ્યું, ‘લાલા, કોઈ બોલાવે છે?’

મેં કાન માંડ્યા. નાનાં છોકરાં બૂમો પાડતાં હોય તેવું આછું, પણ વારેવારે સંભળાતું હતું. નંદુની ધીરજ ખૂટી ગઈ. મારા જવાબની રાહ જોયા વગર, અવાજ સાંભળવા કે ઓળખવા રોકાયા વિના તે બારણું ખોલતો બહાર ભાગ્યો.

જતાં જતાં મને કહે, ‘ખૂણિયા ઉપર બેટરી પડી છે. લઈને બેનને ઘરે જા, લક્ષ્મીને જગાડીને ચાવી લેતો આવ. ઓસરીમાં જ સૂતી હશે.’ કહીને પોતે અંધારામાં પીળા મકાન તરફ દોડી ગયો. દૂર ઑફિસના કમરા પાસે લૉબીમાં ટ્યૂબલાઈટ બળતી હતી. તેના અજવાળામાં મેં નંદુને ત્યાં જાળી તરફ જતાં જોયો.

નલિનીબહેનનું ઘર બાગની પાછળ છેક ખૂણામાં છે. ત્યાં પહોંચીને મેં બૂમો પાડીને લક્ષ્મીને જગાડી અને છોકરાં રડે છે તે વાત કરી. તેણે ચાવી શોધીને મને આપતાં કહ્યું, ‘તું જા. હું છત્રી લઈને આવું છું.’

પાણીથી લથબથ બાગમાં થઈને હું જાળીએ પહોંચ્યો ત્યારે નંદુ ત્યાં દેખાયો નહીં. ચોકની અંદર જમણી બાજુના કમરામાંથી બે-એક બાળકો ‘નંદુદાદા, દુર્ગાઈ’ જેવી બૂમો પાડતાં હતાં અને રડતાં હતાં.

હું જાળીનું તાળું ખોલવા લાગ્યો ત્યારે મેં નંદુને અગાસી પરથી ચોકમાં ઊતરતો જોયો. તે ઉતાવળે ચોક વચ્ચે ગયો અને નીચે નમીને કોઈ બાળકને તેડીને કમરામાં દોડી ગયો તે મેં જોયું.

જાળી ખોલીને હું નંદુની પાછળ પેલા કમરામાં ગયો. કમરામાં હજી અંધારું જ હતું. બહારથી આવતા પ્રકાશમાં મેં નંદુના હાથમાં એકાદ વરસના બાળકને જોયું. નીતરતું, ધ્રૂજતું, ચીસો પાડીને રડતું.

શ્વાસ રોકી દેવાનું મન થાય એટલી દુર્ગંધ કમરામાં ફેલાઈ હતી. મેં ટોર્ચ સળગાવીને બારણા પાછળની ચાંપ દબાવી. બેએક ઝબકારા પછી કમરામાં રોશની ઝળહળી ઊઠી. તે ઝળહળાટમાં મેં જે જોયું તે મારે ફરી ક્યારેય જોવું નથી. કોઈને ક્યારેય જોવું પણ ન પડે. સફાઈ થયા વગર પડી રહેલા તે ઓરડામાં અસહ્ય ગંદકી વચ્ચે ચાર-પાંચ બાળકો ગાઢ નિદ્રામાં ડૂબેલાં હતાં. બેભાન તો નહીં થયાં હોય? તેવો વિચાર મને આવી ગયેલો. માણસનું જણ્યું આવી જગ્યાએ આ રીતે નિરાંતે ઊંઘી શકે તે માનવું કઠણ હતું. એકાદ-બે બાળકો તો પોતાની કરેલી ગંદકીમાં જ...

સ્વર્ગ અને નરક બન્ને આ પૃથ્વી પર જ વિદ્યમાન હોતાં હશે તો તે રાત્રે હું નરકમાં પ્રવેશી ચૂક્યો હતો. આથી વિશેષ એ સ્થળ-સ્થિતિનું વર્ણન કરવું મારા માટે શક્ય નથી. આ મારી નબળાઈ છે કે પછી નંદુએ એક દિવસ કહ્યું હતું તેવા કોઈ કારણે મારું મગજ અનિષ્ટનું વર્ણન કરવા જતાં અટકી પડે છે તે મને ખબર નથી. બસ, હું તે ઓરડામાં ગયો અને મેં નજરે જોયું. આથી વધુ લખવાનું મને સૂઝતું જ નથી.

પરિસ્થિતિ સમજતાં વાર લાગે તેમ નહોતું. સાંજે સૂવા જતાં પહેલાં લક્ષ્મીએ છોકરાઓનો કમરો બંધ તો કર્યો હશે; પણ આગળો વાસવાનું ભૂલી ગઈ હશે. મોટાં છોકરાં હાજર નથી પછી શું? તેવા વિચારે લક્ષ્મી બેદરકારી રાખી શકે તે વિશે શંકા નહોતી.

વરસાદ પહેલાં આવેલા પવનના ઝપાટાએ લક્ષ્મીએ અટકાવેલું બારણું ખોલી આપ્યું. બહાર તો મજા હતી. આકાશમાં વીજળી ચમકતી હતી, સુસવાટા મારતો પવન વાતો હતો. પ્રકૃતિ આવાં રહસ્યો ખોલતી હોય ત્યારે બાળક પણ પોતાનું ઐશ્વર્ય છાનું શા માટે રાખે. એ નાનકડું, હમણાં જ ગોઠણભેર ચાલતું થયેલું છોકરું ધૂ ધૂ કરતું ચોકમાં નીકળી આવે તેમાં શી નવાઈ!

હા, વરસાદ પડવા માંડે તો કમરામાં ભરાઈ જવું જોઈએ એટલું જ્ઞાન નાનકાને ન હોય. કુદરતે એને એટલી જ માહિતી આપીને મોકલ્યો હશે કે મુશ્કેલી છે તેવું કંઈ પણ લાગે તો મોટેથી ચીસો પાડીને રડવા માંડવાથી વિશેષ કંઈ કરવાનું હોતું નથી. રડીશું એટલે મા ગમે ત્યાંથી દોડતી આવશે. હેતાળ પાલવ ફેલાવીને બધું સંભાળી જ લેશે. આવડા અમથા બાળકે મા આટલામાં ક્યાંય છે કે નથી તેનો વિચાર કરવાની પણ જરૂર નથી. માએ બાળકની આસપાસ રહેવાનું હોય. આ જ તો હજારો વરસોથી ચાલ્યો આવેલો સિરસ્તો છે. પોતે વિવિધ અવાજ કરીને શું કહેવા માગે છે તે મા જાણી જ જવાની છે. કુદરતનું વચન છે.

બાળકોની નૈસર્ગિક પ્રેરણા તો તેને બસ, ચીસો પાડવાનું જ કહેતી હતી. તે તેણે કર્યું; પરંતુ માએ જે કરવું જોઈતું હતું તે મા ન કરી શકી. ક્યાં રહેતી હશે મા? ક્યાં વસતી હશે, કેટલે દૂર કે લાડલાની ચીસો તેને કાને પહોંચી ન શકી! કદાચ પહોંચી હોત તોપણ આ પીળી દીવાલો ભેદીને કે જાળીની આરપાર થઈને મા દોડતી આવી જ પહોંચી હોત એવું ખાતરીપૂર્વક કોણ કહી શકે?

બાળકની છાતી ધક, ધક ચાલતી જોઈ શકાય એટલી ધડકતી હતી. મારું હૃદય ફફડી ગયું. વીજળીના કડાકા અને વરસાદમાં આટલું અમથું બાળક કેટલું ડરી ગયું હશે, કેવું ગભરાયું હશે! રડી રડીને તેનું મોં કાન સુધી લાલ થઈ ગયું હતું.

રડવાનો અવાજ સાંભળીને બાજુના કમરામાં નાની છોકરીઓ પણ ડરી હશે. પોતાના બંધ ઓરડાની બારીમાંથી બહાર ચોકમાં જોઈને એ બધાંએ બૂમો પાડી હતી. હું ચોકમાં ગયો તો તો તે બધી શાંત થઈ ગઈ હતી. છતાં બારીમાંથી ડોકાયા કરતી હતી.

એક લગભગ કરમી જેવડી જ છોકરીએ મને જોતાંવેંત બારીમાંથી ગાભા જેવું કોરું કપડું લંબાવ્યું. આવડી નાની છોકરીની સમજણ પર હું વારી ગયેલો. તેણે આપેલો ગાભો લઈને હું પાછો છોકરાઓના કમરામાં ગયો અને છોકરાને કોરો કરવા માંડ્યો. ત્યાં સુધીમાં લક્ષ્મી આવી ગઈ હતી, તે કમરાની બહાર જ રહીને બોલી, ‘એને ઑફિસમાં લઈ લે. આ રહી ચાવી.’

‘ઑફિસમાં છે શું તે આને ઓઢાડું?’ નંદુના અવાજમાં ક્રોધ સંભળાઈ શકે તેટલો સ્પષ્ટ હતો. મારી તરફ જોઈને ‘ચાલ બાબા.’ કહેતાં નંદુ બાળકને હાથમાં રાખીને પોતાની ઓરડી તરફ દોડ્યો. ઓરડીએ પહોંચીને તરત તેણે બાળકને શાલમાં લપેટ્યું અને મને કહ્યું, ‘સગડી સળગાવ. આને શેકવો પડશે. ઠરી ગયો છે. મરવા તો નહીં દેવાય.’

આવી ગંભીર પરિસ્થિતિમાં હું કદીયે મુકાયો નહોતો. મેં તરત જ સગડી સળગાવવા માંડી. મારા હાથ રીતસરના ધ્રૂજતા હતા. લક્ષ્મી પાછળ આવીને ઊભી રહી. તેણે મને કહ્યું, ‘લાવ હું પેટાવી આપું.’

નંદુ કંઈ બોલ્યો નહીં. થોડી વારે સગડી સળગી રહી. તેના પર લોઢી મૂકીને તેમાં નંદુએ કપડું તપાવીને બાળકને શેક કરવા માંડ્યો.

લક્ષ્મીએ કહ્યું, ‘લાવો નંદુકાકા.’

હું સાક્ષી છું. નંદુ કોઈ પણ બાબત માટે, કોઈ વ્યક્તિને ક્યારેય દોષી ગણતો નહોતો. નથી તે કોઈ પર ક્રોધ કરતો. આજે પણ અત્યાર સુધીમાં તેણે લક્ષ્મીને એક પણ શબ્દ કહ્યો નહોતો.

હવે તે રહી ન શક્યો, લક્ષ્મી સામે જોઈને તેણે દૃઢ અવાજે કહ્યું, ‘તું તો આઘી જ રહેજે. અને સાંભળી લે, આ પુટુને કંઈ થયું છે તો લક્ષ્મી, તું તો મરી જ સમજજે. આ જનોઈ પકડીને હું સોગન ખાઉં છું, તમને કોઈનેય જવા દઈશ એમ ભૂલથી પણ ન માનશો. બહુ જોયું, બહુ સહ્યું, આ નંદુ વધુ સહેવાનો નથી.’

લક્ષ્મી ફાટી આંખે નંદુનું આ નવું સ્વરૂપ જોઈ રહી. તેના ચહેરા પર ભય છવાયો. થોડી વારે છત્રી લેવા પણ રોકાયા વિના તે વરસતા વરસાદમાં જ ચાલી ગઈ. નંદુએ રાતભર જાગીને છોકરાને કંઈક ઓસડિયાં ચોપડ્યાં, કંઈક ચટાડ્યા કર્યાં.

સવારે વરસાદ રહી ગયો હતો. બહાર ગયેલાં છોકરાં સવારના કુમળા તડકાને ઝીલતાં, કલબલાટ કરતાં પાછાં આવ્યાં. નંદુ તુલસી અને અરડૂસાનાં પાન ગોતવા મોહનકાકાના ખેતર ગયો હતો. હું પુટુનું ધ્યાન રાખતો બેઠો હતો.

અચાનક જ હાંફળી-ફાંફળી દુર્ગા આવી. ‘શું થયું પુટુને?’ તેણે આવતાંવેંત પૂછ્યું.

‘રાતે...’ હું બોલવા ગયો.

‘રાતની મને બધી ખબર છે. પણ અત્યારે શું થયું છે?’

‘કેમ છે?’ તેવું પૂછવાને બદલે દુર્ગા ‘શું થયું છે?’ એમ જ બોલ્યા કરી. તેને આવી અસ્વસ્થ મેં ક્યારે જોઈ નહોતી.

‘અત્યારે તો સારો છે. થોડો શરદીથી ભરાઈ ગયો છે. નંદુકાકા દવા કરે છે.’ મેં કહ્યું.

દુર્ગા કંઈ બોલી નહીં. તે ધીરેથી ખાટલા પાસે બેઠી. થોડી વાર તેણે મારા સામે જોઈને પછી પુટુને જોતી રહી. પછી મારા તરફ ફરીને કહ્યું, ‘જોઈ શું રહ્યો છે. પાછળ ચટાઈ પાથરીને સૂઈ જા. હું બેઠી છું. નંદુકાકાને પણ સૂવરાવી દેવાની છું. રસોઈ માધો અને લક્ષ્મી કરશે.’

દુર્ગા કંઈ પણ કરવાનું કહે તેનો અનાદર કોઈ કરી શકતું નહીં. મેં મારી અને નંદુની ચટાઈ પાથરી. નંદુ તુલસી લઈને આવ્યો ત્યાં સુધીમાં મને એક ઝોકું આવી ગયું. તંદ્રામાં મને નંદુ બોલતો હોય તેવું સંભળાયું, ‘મા, ભારે તાવ છે. તુલસીથી નહીં મટે.’

હું જાગ્યો ત્યારે અગિયાર વાગી ગયા હતા. મેં આસપાસ જોયું તો કોઈ હતું નહીં. બહાર નીકળીને જાળીવાળા ચોક તરફ જતાં નિશાળે જતી રેખા સામે મળી. મેં તેને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘પુટુને દવાખાને લઈ ગયાં છે. દુર્ગાઈ જોડે ગઈ છે. હવે પાછાં જ આવતાં હશે.’

બપોરે કામે જતાં પહેલાં અહીં આવીને પુટુની ખબર લઈ જઈશ એમ વિચારીને હું નિશાળે ગયો. બપોરે પણ એ લોકો પુટુને લઈને આવ્યાં નહોતાં. કામે જતાં પહેલાં હું સિવિલ હૉસ્પિટલ પહોંચ્યો. પુટુને બાળકોના વૉર્ડમાં દાખલ કરેલો. દુર્ગા નાના સ્ટૂલ ઉપર પાસે બેઠી હતી. ‘મને જગાડવો હતોને!’ મેં કહ્યું, ‘નંદુકાકા આખી રાત જાગ્યા છે.’

‘તું ઊંઘતો હતો એટલે જગાડવાનું મન ન થયું. પાછું રાતે અહીં રોકાવું પડે તો?’ દુર્ગાએ કહ્યું.

‘અત્યારે કેમ છે?’

‘તાવ ઓછો થઈ ગયો છે પણ હજી ઘરે લઈ જવાય તેમ નથી.’ ઘર. તે પીળા મકાનમાં રહીને સતત ઉપેક્ષિત, અપમાનિત થતી રહેતી, બીજાં બાળકોને ત્યાંથી બહાર મોકલી દેવા માટે વિચારો અને પ્રયત્નો કરતી રહેતી હોવાં છતાં, આ છોકરી તે મકાનને ઘર કહે છે!

મેં તો તે પીળા મકાનની દીવાલે ‘મારું ઘર’ કહી શકાય તેવી, મારા પોતાના કમાયેલા પૈસા ભરીને, મારી પોતાની ઝૂંપડી બનાવી છે; છતાં મેં તેને ક્યારેય ઘર કહ્યું નથી.

‘શું વિચારે છે?’ દુર્ગાએ સહેજ હસીને પૂછ્યું.

‘કંઈ નહીં. હું કામ પર જાઉં. સાંજે આવી જઈશ.’ મેં કહ્યું. બપોરે બેથી સાંજના છ સુધી સખત મહેનત અને નવું કામ આ બધા પાછળ હું પુટુને ભૂલી ગયો હતો. સાંજે સાઇકલ પર સવાર થતાં જ યાદ આવ્યું કે મારે દવાખાને જવાનું છે.

નંદુ દવાખાને જ હતો. દુર્ગા પણ હતી. મને જોઈને તેણે નંદુને કહ્યું, ‘નંદુકાકા તમે હવે જાવ. કાલ બપોરે આવજો.’

નંદુએ મને કહ્યું, ‘આમ તો દાક્તરે કહ્યું છે કે કાલ છૂટો કરશે. એક રાતની વાત છે. જરૂર પડે તો રોઝમ્મા ઉપર સ્ત્રીઓના વૉર્ડમાં જ હશે.’

મેં હા કહ્યું એટલે નંદુ જવા ઊઠ્યો. જતાં જતાં કહે, ‘દુર્ગાઈ રાતે અહીં ન રહેતી. નેહાબેનને ઘરે જતી રહેજે.’

પુટુને અમારે તો ખાસ કંઈ કરવાનું નહોતું. નર્સ તેને દવા અને ખોરાક પાઈ જતી. રોઝમ્મા પણ એકાદ વખત આવીને જોઈ ગઈ. દુર્ગા સાથે વાતો કરી. મને પણ ‘કૈસા હૈ?’ પૂછ્યું.

રાતે આઠેક વાગે મેં દુર્ગાને કહ્યું, ‘નેહાબેનને ત્યાં મૂકી જઉં?’

‘બેઠી છું. બેન હજી ઘરે નહીં આવ્યાં હોય. નવેક વાગે જઈશ.’ દુર્ગાએ કહ્યું, ‘સવારે મોડી આવીશ. મારે કપડાં ધોવાનાં છે. તારાં પણ આપી દે. ભેગાં ભેગાં ધોવાઈ જાય.’

‘મારાં કપડાં તો ઓરડીએ પડ્યાં છે.’ મેં કહ્યું.

દુર્ગાએ દવાખાનાના નાના ખાનામાંથી થેલી કાઢીને મને આપતાં કહ્યું, ‘કો’ક દહાડોય તું કહી જાય કે દુર્ગીએ મને આખો દહાડો એમને એમ ફેરવ્યો હતો એવું હું રાખું જ નહીં. તને હું અહીં રોકવાની હતી એટલે કપડાં પણ લાવી જ હોઉંને? સવારે અહીં જ નહાઈ લેજે.’

‘કોઈ દહાડો, કોઈ વખત, ભવિષ્યમાં!’ આ સાથ કેટલો રહેવાનો છે તે નથી હું જાણતો કે નથી દુર્ગા જાણતી. ભણવાનું પૂરું થાય એટલે હું મહેશભાઈના વર્કશોપ પાસે કે બીજે નજીક પડે એમ રહેવા જતો પણ રહું, એમ ન થાય તોપણ હું જીવનભર અહીં રહેવાનો નહોતો. સત્ય ઉચ્ચારવાનું ટાળીને હું માત્ર હસ્યો.

‘લે, થેલીમાં જોઈ લે. બરાબર લાવી તો છું ને?’ દુર્ગાએ કહ્યું.

અંદરથી નિમુબહેને આપેલાં કપડાં સાથે થોડાં મેલાં કપડાં પણ નીકળ્યાં. મેલાં કપડાં મારી પાસેથી આંચકી લેતાં દુર્ગાએ કહ્યું, ‘આ નથી પહેરવાં. લાવ ધોઈને લેતી આવીશ. કાલ નવાં પહેરજે. એ સરસ છે.’

કપડાંની વાત થઈ એટલે મને ગુમ થયેલાં કપડાંની વાત યાદ આવી. દુર્ગા ઊંધું સમજી ન બેસે એ રીતે પૂછવું પડશે. વાત ક્યાંથી શરૂ કરવા તેનો વિચાર કરતો હતો ત્યાં દુર્ગાએ કહ્યું, ‘તારી ઓરડી મેં કેવી રીતે ખોલી એવું વિચારે છે?’

હું હસી પડ્યો. ‘ના રે ના. ખબર નહીં તેં શું કર્યું હોય. તારું કંઈ નક્કી નહીં.’

દુર્ગા ખડખડાટ હસી. પછી કહે, ‘એવું જ છે. આપણું કંઈ નક્કી નહીં. મારાથી સંતાડે, ચોરી જવાના ઇરાદે સંતાડે એ કેમ ચાલે! નાની હતી ત્યારથી જોઉં છું. એ વખતે ડેનમાર્કનો દૂધનો પાઉડર કોથળા ભરીને આવતો. પોતે વાપરે પણ છોકરાંને આપે નહીં. કડવો થઈ જાય ત્યારે દૂધ બનાવીને પાવા બેસે. હું રોજ કોઠાર ખોલતી. પાઉડર ને બિસ્કિટ, દૂધ, ખાંડ બધું બહુ કાઢ્યું છે કોઠારમાંથી.’

‘એ લોકને ખબર ન પડે?’ મેં પૂછ્યું.

‘પડે. આ કપડાંની પડી તેવી. કોઈ ને કોઈ છોકરું ખાતું પકડાઈ જાય ત્યારે બહેન કે લક્ષ્મી કડકાઈ કરે એટલે કહી દે, ‘દુલગાઈએ આઈપ્યું.’ દુર્ગા નાના બાળક જેવો લહેકો કરીને બોલી એટલે હસવું આવ્યું; પણ દુર્ગાના મુખભાવો બદલાઈ જતાં જોઈને હું હસતાં અટકી ગયેલો. તેની આંખોમાં તણખો દેખાયો. અને તે આગળ બોલી, ‘નલિનીબેનને એમ કે ભૂખ્યાં રાખીશું એટલે કોઈનું કોઈ કપડાંની વાત કહી જશે. પણ કોઈને ખબર હોય તો બોલે ને! બેનને દર વખતે ટૅણિયાઓ જ મળે છે જુલમ કરવા. તે દહાડે કહે રાંધું નહીં. સવાસો છોકરાંને ભૂખે મારીને કપડાં શોધવા નીકળેલાં. લો, લઈ લો. આ વખતે તો મારા સિવાય કોઈને ખબર નહોતી. રેખાને પણ નહીં.’

હું બરાબર જાણતો હતો કે એ લોકોએ સંતાડેલું દુર્ગાઈ છાનીમાની ઉઠાવી લાવે તે નક્કી. ભલે તે પોતે તેમાંથી કશું લે કે ખાય નહીં; પરંતુ છોકરાં માટે આવેલું કંઈ પણ બીજે જતું રહે તે દુર્ગા સહન કરવાની નહીં. તે દિવસે દુર્ગા ગમે તેમ કરીને કપડાં લાવી હશે; છતાં છોકરાંઓને આપ્યાં કેમ નહીં તે મને સમજાયું નહોતું. કપડાંનું તેણે શું કરેલું તે કોઈ જાણતું નહોતું. આજે તેણે સામેથી જ વાત કાઢી એટલે મેં તેને પૂછ્યું, ‘હવે તો કહે કપડાં ક્યાં ગયાં?’

‘સીધો જવાબ સાંભળવો છે કે આખી વાત?’

‘પૂરી વાત.’ મેં કહ્યું.

‘તો વચમાં કંઈ બોલવાનું નહીં.’ દુર્ગાએ કહ્યું અને વાત માંડી, ‘સાંભળ, તે દિવસે નેહાબેન સાથે આવેલા મહેમાને કપડાંની વાત કરી તે વખતે હું ત્યાં બહાર પરસાળમાં બેઠી બેઠી થ્રી મસ્કેટીયર્સ વાંચતી હતી. તું પૅકેટ લઈને ઑફિસમાં ગયો તે વખતે ખોખાં જોઈને જ મને સમજમાં આવી ગયેલું કે આવી ઊંચી જાતનાં કપડાં એ લોક છોકરાં સુધી પહોંચવા નહીં દે. બાકી હતું તે લક્ષ્મીનો જીવ તેમાં ગયો. બેને ભાગ પાડવાની વાત કરી ત્યારે મારું મગજ ફરી ગયું.’ કહેતાં કહેતાં દુર્ગા ગંભીર બની ગઈ.

થોડી વાર કંઈક વિચારતી રહી પછી બોલી, ‘મેં તરત જ ચોપડી બાજુએ મૂકીને બારણાની આડેથી નેહાબેનને ઇશારો કરેલો કે તે જ ઘડીએ મહેમાન પાસે કપડાંનું વિતરણ કરાવી નાખો નહીંતર કપડાં છોકરાંઓ સુધી પહોંચશે નહીં.’

‘હં.’ મેં હોંકારો ભણ્યો. મહેમાનને હાથે જ કપડાં વિતરણ કરી દેવા નેહાબેને સૂચવેલું તે મને યાદ હતું.

દુર્ગાએ વાત આગળ ચલાવી. ‘મહેમાનને જવાની ઉતાવળ ન હોત તો આજે એ કપડાં પહેરાતાં હોત.’

દુર્ગાની આ વાતનો મેં કોઈ પ્રતિભાવ ન આપ્યો. તે પણ થોડી પળો મૌન રહી. પછી થોડી પળો પુટુ સામે જોઈ રહી. પછી મારી સામે નજર મેળવ્યા વગર જ બોલતી ગઈ, ‘અમારા ભાગે આવાં કપડાં કો’કવાર માંડ આવતાં હોય. આવાં નવા કપડાં એટલે શું તે તને કોઈ દિવસ નહીં સમજાય. એમાં પણ આ લોક નજર નાખે! મારાથી સહન ન થયું. કંઈનું કંઈ કરી નાખવાનું મન થઈ આવે. ખરાબ બની જવાનું મન થાય. એટલી ખરાબ કે કંઈ પણ કરતાં જીવ ચાલી શકે. આવે વખતે મને શું થાય છે તે મને સમજાતું નથી. બસ, કંઈક થાય છે એટલે થાય છે. કંઈક એવું કરી નાખવાનું મન કે...’

દુર્ગાનું ગળું ભરાઈ આવ્યું. થોડી પળો રહીને તે આગળ બોલી, ‘તે ઘડીએ જ મેં નક્કી કરી નાખ્યું. કપડાં અમારાં નહીં તો કોઈનાંયે નહીં. ખોખું કોઠારમાં રાખવાનાં હતાં. કોઠાર એટલે જાણે મોટા રાજાની તિજોરી! માધો પાછો ફાંકો મારે ‘કોઈની દેન નથી...’

હું દુર્ગાની સામે જોઈ રહ્યો. તે બારણા બહાર રસ્તા પરની હલચલ જોતી સહેજ અટકી અને આગળ કહેતી રહી, ‘કપડાં એક રાત રહેવાના હતાં. સવારે તો ભાગ પડી જવાના હતા તે મને ખાતરી હતી. જે કરવું પડે તે સવાર પહેલાં જ કરવું પડે.’

આ કામ કેટલું અઘરું હતું તે સમજી શકાય તેવું હતું. રાતે તો માધો કોઠારની બહાર જ ખાટલો પાથરીને સૂઈ રહે છે. મેં દુર્ગાની વાતમાં ખાલી હોંકારો ભણ્યો.

પોતાની સામે કેટલો મોટો પડકાર હતો તેનું વર્ણન કરતાં દુર્ગા ઉત્સાહમાં આવીને ગોઠણ પર હાથ ટેકવીને બોલતી ગઈ, ‘માધો કોઠારની ચાવી પોતાના ઓશીકાની નીચે રાખે છે એ અમને ખબર છે. ચાવી માધોના માથા હેઠળ હોય ત્યારે કોઠારમાંથી કપડાં કાઢી લાવવાનો વિચાર દુર્ગા સિવાય કોઈ કરે તો ફક્ત ખાપરા-કોડિયા. બીજા કોઈની તાકાત નહીં. ઘડીભર તો હુંયે હારી ગયેલી. થયું, દુર્ગી, આ વેળાએ કામ નહીં બને. એક તો શું રસ્તો કરું તે સમજાય નહીં અને બીજી બાજુ ગુસ્સો આવે. બે-ત્રણ વાર કોઠારની પાછળની બારી જોઈ આવી. બધુંય પૅક. પછી રડી પડી.’

‘તો દુર્ગા રડે પણ છે.’ મેં મજાક કરી.

‘દુર્ગા શું! દુર્ગાના પીર પણ રડે.’ દુર્ગાએ સામો જવાબ આપ્યો અને વાત આગળ ચલાવી, ‘તું જાદુમાં નહીં માને. હું પણ નથી માનતી; પણ જે થયું તે જાદુ જ કહેવાય. મારી આંખમાં પાણી જોયું એટલે કરમીને દયા આવી ગઈ. આવડી નાની છોકરી, કોને ખબર ક્યાંથી શીખી હશે; પણ જઈને મારા માટે પાણી લઈ આવી.’

કહીને દુર્ગા હસી પડી અને આગળ બોલી, ‘એ બિચારી માટલાને પહોંચી શકી ન હોય એટલે બહાર લક્ષ્મી છોકરાંને નવરાવે છે તે ટબમાંથી જ પાણી લઈ આવેલી એટલે પાણી ઊનું હતું.’

દુર્ગા માંડીને, યાદ કરી કરીને કહેતી ગઈ, ‘પાણીને અડતાં જ મારા મનમાં આમ ઝબકારો થયો.’ મનમાં કેવો ઝબકારો થયેલો તે તેણે આંખો વિસ્તારીને અને હથેળીનાં પાંચે આંગળાં એકસાથે ખોલીને બતાવતાં કહ્યું,

‘માધો વહેલી સવારે ચાર વાગે પાણી ગરમ કરવા ઊઠવાનો, કોઠાર ખોલશે. માચિસ અને ઘાસતેલનું ડબલું લેશે. પાછલા વાડામાં જઈને ભઠ્ઠો સળગાશે અને પાછો આવીને કલાકેક ફરી ઊંઘી લેશે.’

દુર્ગા એટલી ચોકસાઈથી વર્ણન કરતી હતી કે મને લાગ્યું કે બધું મારી નજર સામે બની રહ્યું છે.

દુર્ગાએ ઊંડો શ્વાસ લીધો અને આંખો વિસ્તારીને આગળ બોલી, ‘એટલા સમયમાં તો દુનિયા ઊંધી પાડી નાખું. બસ. હવે ખોખું કાઢવાની ચિંતા નહોતી. રાત રહે જ્યાહરે...’ કહેતી દુર્ગા ખડખડાટ હસી.

‘ઓ સાધુ પુરુષ,’ મેં કહ્યું, ‘લક્ષ્મી સૂવા જતાં પહેલાં તમારા કમરાને બહારથી તાળું વાસી દે છે એ ભાન નહોતું?’

‘તાળું?’ દુર્ગા હસી પડી. ‘તેં ઑફિસના ચોપડે તાળાનો ખરચ પાડેલો જોયો હોય તો ભલે; મેં ક્યારેય અમારે બારણે તાળું જોયું નથી. લક્ષ્મી બહારથી આમ આગળો વાસીને જતી રહે છે. જાળીએ તાળું હોય એ સાચું.’ કહીને દુર્ગાએ આગળો વાસવાનો અભિનય કર્યો.

આગળ વાત કરતાં પહેલાં દુર્ગા ફરી સ્વસ્થ થઈને બેઠી. એક નજર પુટુ પર નાખીને ફરી બોલવા માંડી, ‘આગળાનો ઉપાય તો અમે વરસો પહેલાંનો કરી નાખ્યો છે. ક્યારેક ચોકમાં આવે તો અમારા બારણાના અંદરના ભાગે જોજે એટલે સમજાશે. ચોસઠમી વિદ્યા સહેલી નથી સમજ્યો?’

‘એટલે?’ મેં પૂછ્યું.

‘એટલે એમ કે આગળા પાછળથી પાતળી પટ્ટી બહાર સરકાવી શકાય એવી તિરાડ અમે કેટલીય મહેનતથી કરી રાખી છે. પટ્ટી તો હાજર જ હોય. રેખાના ખાનામાં. મારું ખાનું તો બેન ક્યારેક તપાસેય ખરાં. રેખાનું નહીં. એ ડાહીમાં ડાહી ગણાય. એનો કશો ઉત્પાત નહીં. બસ. પટ્ટી લો, તિરાડમાં થોડી સરકાવો. જરા પણ તકલીફ વગર દરવાજો ખુલ્લો.’

દુર્ગાનું મોં જોઈને કોઈ કહે શકે નહીં કે આવી નરદમ રૂપાળી, શાંત અને સ્વસ્થ છોકરી તસ્કર વિદ્યાના ચપળ, કુશળ અને પારંગત કારીગર જેમ આટલું લાંબું વિચારીને આવી ઝીણવટથી કામ પાર પાડી શકે.

મેં દુર્ગાના મોં સામે જોયા કર્યું. તે વાત કરતી જતી હતી, ‘માધો તો સવારે ચાર વાગે જાગે તે વખતે મારી ઊંઘ ન ઊડે એટલે રેખા જાગતી રહેલી. માધો ક્યારે જાગે અને ક્યારે વાડામાં જાય તેની રાહ જોતી રહી.’

હું દંગ થઈ ગયો. એ રાતે બેઉ છોકરીઓએ કેટલી એકાગ્રતા દાખવી હશે! રેખા, ચૌદ-પંદરની અને દુર્ગા હવે સોળ-સત્તરની થશે. એક પરોઢિયું થતાં સુધી જાગતી રહી હશે. કામનો સમય થયે બીજીને જગાડીને પોતે સૂતી હશે. એમને આવું માત્ર તે રાતે જ નહીં, ઘણી રાતોએ કરવું પડ્યું હશે. એટલે જ એમને ખબર છે કે માધો કોઠારમાંથી ઘાસતેલ લઈને ફરી તાળું દીધા વગર જ ભઠ્ઠો સળગાવવા જાય છે. રેખા અને દુર્ગા બેઉ આ વાત જાણે છે.

હું પરીકથા સાંભળતો હોઉં તેમ સાંભળી રહ્યો, ‘એ આળસુના પીરની ટેવની અમને ત્રણ-ચાર છોકરીઓને ખબર છે. કોઠાર બંધ કરવા રોકાયા વગર સીધો ભઠ્ઠો સળગાવવા જાય. દસેક મિનિટે પાછો આવે. ઘાસતેલ કોઠારમાં મૂકીને છેલ્લે તાળું દે. પછી સવાર થતાં સુધી ફરી ઊંઘી જાય.’

દુર્ગાએ જરા હસી લઈને વાત ચાલુ રાખી, ‘માધો ઘાસતેલ લઈને વાડામાં જાય એની જ રાહ હતી. અડધી રાતે રેખાએ મને જગાડી અને અમે આગળો ખોલીને તૈયાર રાખ્યો. પછી રેખા ઊંઘી ગઈ. હું જોતી રહી. અંધારું હતુંને માધો ઊઠ્યો. કોઠારમાંથી ઘાસતેલ, માચીસ લઈને એ ભઠ્ઠા તરફ ગયો કે તરત હું કોઠારમાં. ખોખું ઉઠાવી લીધું. એક તરફ જરા તૂટેલું હતું કે માધોએ ખોલ્યું હશે. તેમાંથી બે-એક કોથળી સરી પડી તે લેવા પણ ન રોકાઈ. ખલાસ. મારો શ્વાસ ઊડી ગયો.’

‘કેમ?’

‘કેમ તે? ભાન નથી કે શું?’ દુર્ગા છેડાઈ ગઈ. ‘માધો ફરી સૂઈ જાય એટલે મારે રેખાને જગાડવાની હતી અને ખોખું સંતાડવાનું હતું. પણ કોથળી પડેલી જોઈને માધો સૂવે નહીં. ચોરી પકડાઈને રહે એવું થયું. મેં રેખાને જગાડી જ નહીં. હવે જે થાય તે મારા માથે એમ જ રાખ્યું.’

‘તે તું ખોખું ક્યાં મૂકી આવી?’ વચ્ચે જ મેં પૂછ્યું.

‘માધોના જ ખાટલા નીચે.’ દુર્ગા શાતિથી બોલી, ‘ખાટલે લટકતો ધાબળો જરા વધુ લટકાવીને હું આવી ગઈ પાછી અમારા ઓરડામાં. માણસ હજાર વાતેય પોતાની ચોરાયેલી ચીજ પોતાના જ ખાટલા તળે હોય તેવું વિચારે નહીં. ખોખાં મુકાઈ ગયાં, મારા કમરાનો આગળો વસાઈ ગયો અને પછી શું થાય છે તે મેં બારીની આડમાંથી જોયા કર્યું.’

‘પછી?’ મનમાં ઘણા પ્રશ્નો ઊઠતા હતા છતાં મેં આટલું જ પૂછ્યું.

‘પછી શું. માધો કેરોસીનનું ડબલું પાછું મૂકવા કોઠારમાં ગયો કે તરત બહાર આવ્યો. સીધો જ અમારા કમરા તરફ. આગળો તપાસીને થોડી વાર ઊભો રહ્યો, બારીમાંથી અંદર જોયું. અમે તો ભર ઊંઘમાં જ હોવાનાં!’ બોલતાં બોલતાં દુર્ગા હસી પડેલી.

‘પછી?’ મેં ફરી પૂછ્યું.

‘તું કહે પછી શું થયું હશે?’ દુર્ગાએ લુચ્ચાઈભર્યા સ્વરે પૂછેલું.

‘માધો નલિનીબેનને ત્યાં ગયો હશે.’

‘ક્યાં ગયો હતો તે ખબર નથી; પણ બેનને ત્યાં જ ગયો હશે. કારણ કે એ ગયો એટલે ખાટલા નીચેથી કપડાંનો નિકાલ કરીને હું પાછી આવી. હું તો મારી જગ્યાએ સૂઈ ગયેલી. કામ પતી ગયું પછી જાગવું શું?’

‘મને ખબર છે. માધો બેનને ત્યાં જ ગયેલો. લક્ષ્મીએ મને વાત કરેલી. તે અને નલિનીબેન તરત, માધોની સાથે જ તમારા કમરામાં, અંદર પણ ગયેલાં. બેનને તારા પર વહેમ હતો પણ તું તો સંમોહનાસ્ત્રની અસર તળે હોય તેમ ભર ઊંઘમાં સૂતેલી. છોકરીઓનાં કબાટ જોયાં, અગાસી પર જોયું, બાથરૂમો પણ જોઈ હતી.’ બાકીની માહિતી આપતાં મેં કહ્યું અને પૂછેલું, ‘હવે કહે, તેં કપડાં ક્યાં છુપાવેલાં?’

‘સહુથી મોટો પ્રશ્ન જ એ હતો. કપડાં બહાર તો લાવી દીધાં. માધો પાછો ઊંઘી ગયો હોત તો અમે ખોખાં પાછલા આંબા પર બાંધી આવ્યાં હોત. હાલ ને હાલ છોકરાંઓને વહેંચી દેવાની શરતે કપડાં આપી દેવાં એવું અમે નક્કી કરેલું; પણ કોથળી પડવા દીધી એ મારી ખામી. આ એક ભૂલને કારણે છોકરાં કપડાં વગર રહ્યાં.’

દુર્ગાને દુખી થતાં જોઈને મને પણ થયું કે કોથળી પડી ગઈ ન હોત તો સારું હતું. મેં તેને કહ્યું, ‘જે થયું તે. પણ તેં કર્યું શું?’

‘તું કહે છે ને કે બેન લોકોએ બધે તપાસ કરી હતી?’

‘હા. અગાસીમાં પણ જોઈ આવેલાં એવું લક્ષ્મી કહેતી હતી.’ મેં જરા અધિરાઈથી કહ્યું.

દુર્ગા બે પળ મારા સામે જોઈ રહી અને બોલી, ‘એ બધાં ભોટ છે. અગાસી પર ગયાં તો ત્યાંથી પાછળ બળતો ભઠ્ઠો ન જોયો! જોયો હોત તોય એટલો વિચાર આવત કે ભઠ્ઠામાં આગ આટલી મોટી શા કારણે થઈ ગઈ!’ દુર્ગા એ લોકોની દયા ખાતી હોય તેમ ઉદાસ હસી. પછી આગળ બોલી, ‘પેલી લક્ષ્મીને પણ એટલી સમજ કેમ નહીં આવી હોય કે તે દિવસે પાણી અચાનક ઊકળતું ગરમ કેમ કરીને થઈ ગયું હતું. જેનામાં સહેજ પણ બુદ્ધિ હોય તે જાણી ગયા વગર ન રહે એટલા પુરાવા તો હતા.’

હું ઘડીભર મૂઢ થઈ ગયેલો. દુર્ગાએ કપડાં બાળી મૂક્યાં તે વાત તેને જ મુખે સાંભળવા છતાં માનવાનું મન નહોતું થયું. પણ દુર્ગા! એ તો સ્વસ્થ હતી. મારાથી બોલાઈ ગયું, ‘અલી, આવું કરાય?’

જવાબમાં દુર્ગા નવાઈ પામીને મારા સામે જોઈ રહી. પછી હળવેથી પૂછ્યું, ‘તો બીજું શું કરાય? જરા કહે તો!’

કહેવા જેવું કશું મારી પાસે હતું નહીં. હું નીચું જોઈને બેસી રહ્યો. મને મૌન જોઈને દુર્ગા ઉગ્ર અવાજે બોલી, ‘મને હતું જ કે આ હકીકત સાંભળવાની કોઈની જિગર નથી. એટલે આજ સુધી મેં કોઈને કહી નથી. રેખાને તો નહીં, નંદુકાકાને પણ નહીં.’

હું હજી હતપ્રભ હતો. દુર્ગાએ મને ખભો પકડીને હચમચાવ્યો ન હોત તો વિચારમાં ડૂબેલો જ રહેત. દુર્ગા ક્રોધે ભરાઈને કહેતી હોય તેમ બોલી, ‘તું સાંભળી લે. જેને જે માનવું હોય તે માને. મેં કપડાં બાળી મૂક્યાં છે. હજી પણ એવું થાય તો બાળી જ મૂકું. એક વાર નહીં, હંમેશાં.’ કહીને તે થોડું અટકી પછી ઉમેર્યું, ‘તું અફસોસ કરીને મોટો પુન્યાત્મા હોય એવો દેખાવ કર મા. પાપ-પુન્યની વાતો તો આપણે શોધી કાઢી છે. ઈશ્વરે નહીં. માણસે ઘડેલા નિયમો ઈશ્વર શા કારણે પાળે તે મને કહીશ?’

તે પૂરી સભાનતાથી, એટલા સ્પષ્ટ નિર્ણયથી કહેતી હતી કે મેં તે જ પળે તેના ન્યાયાધીશ થવાની ચેષ્ટા છોડી દીધી. તેની સામે જોઈને હસ્યો અને તેના ખભે હાથ મૂક્યો. રાત પડી ગઈ હતી. મેં દુર્ગાને પૂછ્યું, ‘ચાલ, તને મૂકી જઉં.’

‘તું મને શું મૂકી જવાનો, હું જતી રહીશ.’ દુર્ગા હજી પણ ગુસ્સામાં હોય તેમ બોલી. પુટુને તપાસ્યો અને ચાલતી થઈ. મેં કંઈ બોલ્યા વગર તેની સાથે ચાલવા માંડ્યું.

નેહાબહેનને ત્યાં તેને મૂકીને હું પાછો ફરતો હતો ત્યારે દુર્ગા બારણા સુધી વળાવવા આવી. તેણે પોતાના બેઉ હાથે મારો હાથ પકડ્યો અને વિનંતી કરતી હોય તેમ બોલી, ‘મારા કારણે પીડાતો નહીં.’

તે જ પળે મેં મારા મનના તળિયોથી પણ તેના પગલાનો વિરોધ ભૂંસી નાખ્યો. આમ છતાં હું એટલું ન કહી શક્યો કે ‘તું પણ છૂટી જા. હું માનું છું કે તેં કર્યું તે જ થઈ શકે તેમ હતું.’

નંદુ આમ કહી શક્યો હોત. દુર્ગાએ મારા પ્રતિભાવની ફરિયાદ નંદુને કરી હોય તો નંદુ મને શું કહે તે પણ હું સમજી શકું છું. તે કહે, ‘દુર્ગાના કોઈ પગલાનો વિરોધ કોઈના મનમાં ટકી શકતો નથી. એ એટલી સાચી અને સરળ છે કે આપણી બુદ્ધિ એનો વિરોધ કરવા માંડે તે વખતે આપણું મન દુર્ગાને શું થતું હશે તે સમજવા માંડે છે. નંદુ જાણે છે ભાઈ, મારી મા કોઈ વૃત્તિ, વિચાર, કે પરિણામની આશાથી નહીં; પ્રેરણાથી દોરવાઈને વર્તે છે. આ કારણે જ તે જે કરવાની હોય તે નિર્ણયપૂર્વક સીધે સીધું આચરી શકે છે. આ રીતે થતાં આચરણને દુનિયાના કોઈ નિયમો ક્યારે ય નડતાં નથી. એટલું જ નહીં, કોઈ વાર તો આવાં આચરણો જ દુનિયાના નિયમો સુધારવાની કે બદલવાની દિશા સૂચવી જાય. આ મારા મનની પોકળ દલીલ નથી. લાલા, જગત દુર્ગાને માફ કરે કે નિર્દોષ ગણે તે માટે મારા મને રચેલી પેરવી કે બહાનાબાજી પણ નથી. આ મારી દુર્ગા વિશેની સીધીસાદી સમજ છે. મેં તેને આ રીતે જ જોઈ છે.’

***

રેટ કરો અને રિવ્યુ આપો

nihi honey

nihi honey 11 માસ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 1 વર્ષ પહેલા

Krunal Patel

Krunal Patel 2 વર્ષ પહેલા

Jainish Dudhat JD

Jainish Dudhat JD માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

Kp Barad

Kp Barad 3 વર્ષ પહેલા