કર્ણલોક - 15 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

કર્ણલોક - 15

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 15 ||

પીળા મકાનની દીવાલે રહેવા માંડ્યો હતો ત્યારથી તે વખતના ચોમાસા જેવું ભારે ચોમાસું જોયાનું યાદ નથી. પહેલા જ વરસાદી તોફાને મારી દુકાનનાં પતરાં ઉડાડીને ખેતરોમાં ફેંકી દીધાં હતાં. દુકાનનો સામાન પણ રોળાઈ ગયેલો. બધું શમતાં પતરાં ગોતવા નીકળ્યો ત્યારે અડધાં મળ્યાં. અડધાં વહોળું તાણી ગયું કે પછી કોઈ લઈ ગયું. વચ્ચે શ્રાવણમાં પણ વહોળું બે વખત છલકાઈને દુકાન સુધી આવી ગયેલું. વરસાદી રાત હોય તો મારે મોટેભાગે નંદુને ઘરે રહેવાનું બનતું. કોઈ વખત સમરુને ત્યાં ચાલ્યો જતો.

ઑક્ટોબરની શરૂઆતમાં પૂર્વનો છેલ્લો વરસાદ સાંજે સાંજે કડાકા-ભડાકા કરીને ઝાપટાં નાખી જાય. સૂરજ પશ્ચિમમાં ઢળે કે સામે પૂર્વમાં કાળાં વાદળ થાય. વીજળીઓ ચમકે અને દૂર ખુલ્લાં ખેતરો પરના આકાશમાં મેઘધનુષ અંકાય તે અમે બધાં અગાસી પર ચડીને જોઈએ. કાળાં વાદળો માથે આવીને વરસી પડે ત્યાં સુધીમાં અંધારું થઈ જતું.

વરસાદ જવામાં હતો અને હું દુકાન ફરી ઊભી કરવાની તૈયારી કરવામાં જેની પાસેથી સાઇકલો લાવીએ છીએ તે તૈયબઅલી પાસે મારી પાસે થોડી બચત જમા હતી; પરંતુ સમરુ નવું કંઈ રોકી શકે તેમ નહોતો. મોહનકાકા તો દુકાન ફરી ચાલુ ન કરવાનું જ કહ્યા કરતા. એમણે તો સમરુને કહ્યું પણ ખરું, ‘છે એટલું વેચી-સાટીને માંડી વાળો. કાં છૂટા થઈ જાવ. આ પોતીકી જમીન ઉપર કામ કરો તોય સારું. ખેતીમાં કંઈકેય પામશો. ખેડૂનો છાકરો ધંધો કરી રયો.’

સમરુને છૂટા થવું હોય તો તેને નુકસાન જાય તેવું મારે થવા દેવું નહોતું. તૈયબઅલીવાળી બચત સમરુને આપીને તેને છૂટો કરી શકાશે. અલીની પેઢી પરથી સ્પેર-પાર્ટ તો ઘણી વાર ઉધાર મળ્યા છે. હવે સાઇકલો માગીશ તોપણ ના તો નહીં પાડે. આ વિચારે શહેર જઈને તૈયબઅલીને વાત કરી તો કહે, ‘આખ્ખા દુકાન તુમારા જ સમજીયો. જો ચાહે લે જાવ. પર અબ વાં પર ધંધા કરનેકા મજા નહીં રહા. તુમ ઈધર શહરમેં આ જાવ.’

મેં કહ્યું, ‘દેખેંગે, અભી તો વહીં પર હું.’ કહેતાં જ મનમાં ઊંડે ઊંડે થોડી ગર્વની લાગણી થઈ આવી. નામ-ઠામ વગર રહીને પણ મેં મારી શાખ ઊભી કરી હતી. આખરે હું કોનો વંશજ!

‘ઠીક હૈ, બાદમે બતાના. માલ ચાહિયે જીતના લે જાના.’

રાતે ઊંઘતાં પણ તૈયબનું સૂચન મને ઝંપવા દેતું નહોતું. નવું સાહસ કરવાનું મન થઈ આવતું. શહેરમાં રહું તો વધુ કમાણી થઈ શકે. એ સામે તાત્કાલિક ઘર અને નવી દુકાન રાખવામાં મારે વધુ રોકાણ કરવું પડે. બહુ બહુ તો માલ-સામાન ઉધાર મળે. બાકીના પૈસા તો મારે જ ઊભા કરવા પડે. આ બધી સગવડ મારી પાસે નહોતી. જો એ સગવડ કરી શકું તો અહીં આવ્યો ત્યારથી મનમાં લઈને ફરું છું તે, આ વંશાવળી વગરના પીળા મકાનના જગતથી દૂર ભાગી જવાની ઇચ્છા પૂરી થાય.

મેં નંદુને પણ શું કરવું જોઈએ તેમ પૂછી જોયું. જોકે આર્થિક મુશ્કેલીની વાત મેં તેને કરી નહોતી. કરું તો તે કદાચ ગજા ઉપરવટ જઈને કંઈક ગોઠવણ કરી નાખે તે મને મંજૂર નહોતું. દયા અને માયા બેઉથી હું દૂર જવા માગતો હતો.

નંદુ રાજી થયો તોપણ તેણે કહ્યું, ‘મેં પહેલે દિવસે જ તને કહેલું કે તું અહીં નથી રહેવાનો. તું અહીં રહેવા માટે બન્યો જ નથી. જા. હું તને નહીં રોકું. કોઈ નહીં રોકે. જ્યાં રોકાવાનું કહી શકાય એવી આ જગ્યા નથી.’

નંદુ થોડી પળો મારી સામે જોઈ રહ્યો પછી ઉમેર્યું, ‘શક્ય હોત તો મારી માને પણ ક્યાંક મોકલી આપત. એ અહીં માટે બની નથી. આવી ત્યારે બે જ દિવસની હતી. કોઈ તેને લઈ જાય એ માટે હું ખૂબ દોડેલો. નેહાબહેને અને નિમ્બહેને ઘણા પ્રયત્નો કર્યા; પણ કોઈ લઈ ન ગયું. એ અહીં જ રહી’

નંદુ એ આવી સરખામણી કરી તે મને ન ગમ્યું. તેણે કહ્યું તે કેવા અર્થમાં લેવું તે મને સમજાયું નહીં. મેં કંઈ જવાબ ન આપ્યો.

નંદુ જાણે દૃશ્ય જોતો હોય તેમ છતમાં જોઈ રહ્યો અને બોલતો ગયો, ‘પરમમોહિની બાળરૂપે હતી ત્યારે તેને લેવાવાળું કોઈ આવેલું નહીં. એકાદવાર કોઈ આવ્યું હશે તો લક્ષ્મી કે કોઈ બીજાએ આવનારને કહ્યું, ‘એ છોકરી છે તો મજાની. પણ કચરાપેટીમાંથી કૂતરાં તાણી જતાં’તાં એમ મળી છે. શરીરમાં કેવા કેવા છૂપા રોગ હશે તે કોને ખબર! વળી, દેખાય છે તેવી નથી. જીદે ભરાય તો બાપ રે! જાણે કાલી પ્રગટ થયાં. ક્યારે પ્રલય આદરી બેસે કંઈ નક્કી નહીં... આવું બધું.’

નંદુ બોલતો અટકત નહીં; પરંતુ માધો આવ્યો એટલે તે ધ્યાનભંગ થયો હોય તેમ સ્વસ્થ થયો. માધોએ મને કહ્યું, ‘કંઈ ગયો’તો લ્યા સવારનો?’

‘શહેરમાં. કામે.’ મેં જવાબ આપ્યો, ‘કેમ શું થયું?’

‘મને કહીને ગ્યો હોત તો બીજો ધક્કો ના થાત. તારા શેઠનું તેડું છે. લે નેહાબેનની ચિઠ્ઠી વાંચ.’

‘મારો શેઠ વળી કોણ?’ કહેતાં મેં ચિઠ્ઠી હાથમાં લીધી. લખ્યું હતું, ‘નંદુકાકા, પેલા છોકરાને મોકલશો. મહેશભાઈને કામ છે. બને તે ઉતાવળે મળી લે.’

ચિઠ્ઠી નંદુને બદલે માધો પાસે ન પહોંચી હોત તો આજે જ મહેશભાઈને મળી લેવાત તેમ વિચારતાં મેં નંદુને ચિઠ્ઠી વંચાવી અને સાવ અકારણ માધોને કહ્યું, ‘મહેશભાઈ મારા શેઠ નથી.’

માધો હસ્યો અને ચાલતો થયો. નંદુ પણ રસોડે જવા નીકળ્યો. જતાં જતાં મને કહે, ‘જરા જઈ આવજે. કંઈ હોય તો કહેજે.’

મને લાગ્યું કે નંદુ ઉદાસ છે. મને એમ પણ લાગ્યું કે હું ચાલ્યો જવાનો છું એવું લાગે તે રીતે વાત કરીને મેં ઉતાવળ કરી નાખી છે. શહેરમાં દુકાન કરવાનું હજી નક્કી નથી, નક્કી કરું તો હજી મારી એ ગુંજાઈશ પણ નથી અને મેં નંદુને અમસ્તો દુ:ખી કર્યો.

બીજે દિવસે સવારે દુકાન ફરી શરૂ કરવા માટે જોઈતી ચીજ-વસ્તુની યાદી બનાવીને હું શહેર જવા નીકળ્યો. તૈયબને ત્યાં જતાં પહેલાં મહેશભાઈને મળવા ગયો. થોડી વાર રાહ જોઈ ત્યાં મહેશભાઈએ મને એમની ઑફિસમાં બોલાવરાવ્યો. હું અંદર ગયો અને ઊભો રહ્યો.

‘બેસ.’ મહેશભાઈએ કહ્યું, ‘હમણાં તું શું કરે છે?’

‘ચોમાસામાં ઘણું નુકસાન થયેલું. ધંધો લગભગ બંધ હતો. હવે સરખું ગોઠવાઈ જવામાં છે.’ મેં જવાબ આપ્યો.

મહેશભાઈએ થોડું વિચાર્યું અને પૂછ્યું, ‘તને મોટરસાઇકલનું કામ મળે તો રસ પડે? નેહાબેનને તેં કહેલું કે તને મશીનનું કામ ગમે છે.’

તે દિવસે નેહાબહેન ઝીણવટથી મારી દુકાન જોઈ ગયાં હતાં અને મને પૂછપરછ કરી ગયાં હતાં તેની સાથે આ વાતનો સંબંધ હશે તે સમજતાં મને વાર ન લાગી. મેં ઉત્સાહથી છલકાતાં કહ્યું, ‘હા. હા ગમે. શરૂ શરૂમાં શીખવું પડે; પણ વાંધો ન આવે. મનથી નક્કી કરું તો શીખી જ જઉં.’

મહેશભાઈ ટેબલ પર કોણી ટેકવીને આગળ નમતાં બોલ્યા, ‘તો મનથી નક્કી કરીને પછી જ કહેજે. કારણ કે તારે શીખવું તો પડશે જ. મારી પાસે કામ છે. તને પસંદ કરું તો એક વરસ સુધી જુદા જુદા કામે ટીચાવું પડશે. તને નાણી જોઉં. પછી મારે તને જ્યાં મૂકવો છે તેને લાયક થઈશ ત્યારે આગળ વાત કરીશું.’

‘અહીં કામ કરું તો તો ત્યાંની દુકાન..’

‘એ જોઈશું.’ મહેશભાઈએ વચ્ચે જ કહ્યું, ‘પહેલાં તો તું નક્કી કર ત્યાં સુધી તું એ દુકાન ચાલુ રાખ. કંઈક ગોઠવાય એટલે તને બોલાવીશ. તને નક્કી જવાબ આપતાં કેટલો સમય લાગે?’

‘બે-એક દિવસ.’

‘અઠવાડિયું લેજે. હવે જા.’ મહેશભાઈએ કહ્યું. હું ઊભો થયો અને જવા વળ્યો ત્યાં મહેશભાઈએ ફરી કહ્યું, ‘બાય ધ વે તું ભણ્યો કેટલું?’

‘આઠમા સુધી જ. એનું પણ પ્રમાણપત્ર નથી.’ મેં સ્પષ્ટ કહી દીધું.

‘સારું જા.’

મેં દુકાન ગોઠવવા માંડી. પહેલાં કરતાં વધુ સારી રીતે અને શણગારીને મેં દુકાન ઊભી કરી. જેમ જેમ કામ કરતો ગયો તેમ તેમ અહીંથી ચાલ્યા જવાની વાતનો વિચાર ઓછો થતો ગયો.

મહેશભાઈને ત્યાં જવું કે ન જવું તે વિચાર કરતાં મને એક વાત મૂંઝવતી હતી કે મહેશભાઈએ નેહાબહેનને મારા વિશે પૂછ્યું હશે માટે નેહાબહેન મારી દુકાન પર આવેલાં કે નેહાબહેને મહેશભાઈને કહ્યું હશે માટે મહેશભાઈએ મને બોલાવેલો! બન્ને પરિસ્થિતિમાં મારો પ્રતિભાવ એક- સરખો નહોતો રહેવાનો.

મેં નેહાબહેનને મળવાનું નક્કી કર્યું અને શહેર ગયો ત્યારે તેમને ઘરે ગયો. મહેશભાઈ સાથે થયેલી વાત કરીને મેં મારી મૂંઝવણ રજૂ કરી.

નેહાબહેને હસીને કહ્યું, ‘તેં મને એમ કરવાનું કહ્યું ન હોય પછી હું તારી ભલામણ શા માટે કરું? મહેશભાઈ તને ઓળખે તો છે જ. તેં તેમનું કરજ પણ સમયસર ઉતારી નાખ્યું. એમની જમીનનું ભાડું નિયમિત ભરે છે. મહેનતુ અને વિશ્વાસુ માણસની જરૂર હોય તો તને બોલાવી પણ શકે.’

‘તમે જે પૂછેલું એવું જ મહેશભાઈએ પણ પૂછ્યું એટલે મને લાગ્યું કે કદાચ તમે મારી ભલામણ કરી હોય.’

‘કરી હોય તોપણ ખોટું તો નથી કર્યું; પણ નથી કરી. મહેશભાઈએ મને તારા વિશે, તને કેવું કામ ગમે, તારી આગળ વધવાની ઇચ્છા કેવી એવું પૂછેલું. મને ખબર હતી એટલું મેં કહ્યું. નહોતી જાણતી તે તને પૂછ્યું. બસ આટલું જ. હવે ખોટા વિચારો કરીને માથું ખરાબ ન કરતો.’ નેહાબહેને મારા વાળ મુઠ્ઠીમાં લેતાં કહ્યું, ‘તમે હજી એટલા મહાન નથી થઈ ગયા કે મનમાં આવા વળ લઈને ફરો.’

મેં કંઈ જવાબ ન આપ્યો એટલે નેહાબહેને વાત આગળ ચલાવી ‘તારે મહેશભાઈ સાથે કામ કરવાનું થશે તો પહેલું તો અંગ્રેજી શીખવું પડશે.’

‘વાંધો નહીં. શીખીશ.’ મેં કહ્યું અને મારે મહેશભાઈ સાથે કામ કરવું જ છે તે નક્કી કરી નાખ્યું.

ત્રણેક દિવસે મહેશભાઈનો સંદેશો મળ્યો. ‘સાંજે રૂબરૂ મળી જા.’

મળ્યો ત્યારે મહેશભાઈએ મને શરૂઆતના બે મહિના તેમની વર્કશૉપમાં હેલ્પર તરીકે રહેવાનું કહ્યું. ‘આમ તો સવારથી આવવાનું હોય છે. પણ તારે બપોર પછી આવવાનું. સવારે અંગ્રેજી ભણવાનું છે. રહેવાનું હજી ત્યાં જ રાખવું પડશે કારણ કે તારા શિક્ષક પણ એ બાજુ રહે છે. ત્યાંની શાળામાં છે. ત્રિવેદી. કદાચ તું ઓળખતો હોઈશ. તું મારું નામ દઈને કાલ તેમને મળી લેજે.’

‘દુકાન?’ મેં પૂછ્યું.

‘કાઢી નાખવાની નથી. ત્યાં બીજા કોઈને ગોઠવીશું.’

માર માર સાઇકલે પીળા મકાને પહોંચતાંવેંત મેં નદુને વાત કરી તો તે રાજી થઈ ગયો. ‘રાજા માણસના હાથે ચડ્યો છે. બરાબર હીર બતાવીશ તો ક્યાંનો ક્યાં પહોંચીશ.’

દુર્ગાને પણ બધી વાત કરી અને કહ્યું, ‘કાલ તારી નિશાળે આવવાનો છું. ત્રિવેદીસાહેબને મળવા.’

દુર્ગાએ મોં મચકોડ્યું અને દૂરથી પસાર થતી રેખાને કહ્યું, ‘કાલે આપણી નિશાળમાં ખાસ મહેમાન આવવાના છે.’

‘કોણ?’ રેખાએ અમારી તરફ આવતાં પૂછ્યું.

‘આ બેઠા તે મહાશય.’ મારા તરફ ઇશારો કરીને દુર્ગાએ જવાબ આપ્યો.

રેખાએ રાજી થતી હોય તેમ કહ્યું, ‘અરે વાહ. તું આવવાનો છે? કેમ?’

મારી વતી જવાબ આપતી હોય તેમ દુર્ગા બોલી, ‘ત્રિવેદીસાહેબ પાસે અંગ્રજી શીખવા.’

દુર્ગા આ રીતે મારી મજાક કરે તે મને પસંદ ન પડ્યું. હું ઊભો થવા જતો હતો ત્યાં રેખા એકદમ હસી પડીને બોલી, ‘કાલે જ આવજે, કાલ સારો દિવસ છે.’

રેખા આ રીતે બોલી એટલે કાલ કદાચ રજા તો નહીં હોય! મેં વિચાર્યું. પછી લાગ્યું કે આટલાં છોકરાં ભણવા જાય છે ત્યાં રજા હશે તો રજા કંઈ છાની રહેવાની નથી. બાળકો નિશાળે જવા નીકળશે તો જઈશ.

સવારે જોયું તો બાળકો હોંશે હોંશે નિશાળે જતાં હતાં. હું પણ તૈયાર જ હતો. બધાં હજી પહોંચ્યાં હશે અને હું પાછળ ચાલતો થયો.

નિશાળે પહોંચ્યો તો આખી નિશાળનાં બાળકો ચોગાનમાં પાથરેલી રેતી પર બેઠાં છે. સામે ચણેલા મંચ ઉપર જોયું તો ત્યાં પણ બાળકો જ બેઠાં હતાં. શિક્ષકો ક્યાંય દેખાતા નહોતા. હું અચકાયો છતાં આગળ ગયો એટલામાં રેખા મંચ પરથી નીચે ઊભી રહીને બોલવા માંડી, ‘આજે આપણી શાળા ખરેખરો સ્વયં-શિક્ષણદિન ઊજવે છે. ખરેખરો એટલા માટે કે આ વખતે આપણે રમતરમતના શિક્ષકો બનવાને બદલે સાચેસાચ આપણી શાળાનું સંચાલન કરવાનું છે. એટલે સુધી કે આજે આપણાં શિક્ષકો આવશે નહીં મોટાભાઈ, આચાર્યશ્રી સિવાય કોઈ નિશાળે આવવાનું નથી.’

કંઈક નવું બનતું જોઈને હું બાળકોની પાછળ જઈને બેસી ગયો. ‘હવે પ્રાર્થના થશે. મયંકભાઈ. ધોરણ નવ-અ’ એવી જાહેરાત કરીને રેખા મંચ પર જઈને બેસી ગઈ. એક છોકરો ઊભો થઈને મંચ ઉપર આવ્યો. બીજો એક જણ તબલાં મૂકી ગયો. પ્રાર્થના શરૂ થાય તે પહેલાં એક જીપ આવીને ઊભી રહી. આગળ લખ્યું હતું, ‘જિલ્લા શિક્ષણ અધિકારી’.

રેખાએ છોકરીઓ બેઠી હતી તે તરફ જોયું. પહેલી લાઈનમાંથી દુર્ગા ઊભી થઈ. તેણે છોકરાઓની લાઈનમાં કોઈને તરફ જોઈ ઊભા થવા ઇશારો કર્યો. ત્યાંથી એક છોકરો ઊભો થયો અને દુર્ગા સાથે જીપ તરફ ચાલ્યો. મેં તેને અકારણ ધ્યાનથી જોયા કર્યો. દુર્ગા રેખાને કહેતી ગઈ, ‘ચાલુ રાખો.’

મેં માનેલું કે હવે મયંક પ્રાર્થના ગવરાવશે; પરંતુ મયંકે તો તબલાં પર કોઈ તાલ વગાડવા માંડ્યો. બધાં શાંતિથી સાંભળતાં રહ્યાં. જીપમાંથી ઊતરેલા અધિકારીઓ પણ આ નવી જાતની પ્રાર્થના જોવા થોડું રોકાઈને દુર્ગા સાથે આચાર્યની ઑફિસમાં ગયા.

પ્રાર્થના પાંચેક મિનિટ ચાલી. મયંક પોતે તબલાં મૂકી આવ્યો. તે પછી બે બાળકોએ વાર્તા કહી. પાંચેક જણાએ નાનું નાટક કર્યું અને બધાં પોતપોતાના વર્ગો તરફ ચાલ્યાં. હું થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. પછી આજે મારું કામ નહીં થઈ શકે એમ લાગતાં દરવાજા તરફ વળ્યો.

નિશાળમાં આવું રોજ થતું હશે કે આજે છોકરાંઓએ જ ગોઠવ્યું છે તે વિચારતો હું હજી દરવાજે પહોંચું તે પહેલાં પાછળથી આવીને એક છોકરાએ મને કહ્યું, ‘ભાઈ, આચાર્યાબેને તમને રોકાવાનું કહ્યું છે.’

‘કોણે?’ મેં પૂછ્યું. ઘડી પહેલાંના આચાર્યશ્રી હવે આચાર્યા કેવી રીતે થઈ ગયાં તે મને ન સમજાયું.

‘રેખાબેને.’ પેલાએ જવાબ આપ્યો. ‘ત્યાં ઑફિસમાં છે. ચાલો.’ હું તેની પાછળ ઑફિસમાં ગયો. રેખા અને પેલો દુર્ગા સાથે ગયેલો તે છોકરો ઊભાં હતાં. દુર્ગા ન દેખાઈ. મેં આસપાસ જોયું. ક્લાર્કની જગ્યા પર પણ બાળકો જ કામ કરતાં હતાં. એક કમરાના બારણા પર ચિત્રવાળો પડદો લટકતો હતો. બારશાખને માથે મેં નામ લખેલી પટ્ટી જોઈ, ‘ઈ. કા. ત્રિવેદી.’ રેખાએ મને કહ્યું. ‘ત્રિવેદીસાહેબ છે. મળ્યા વગર ન જઈશ. અંદર બોલાવે ત્યારે અમારી સાથે આવજે.’

થોડી વારે એક છોકરો ચા-નાસ્તો લઈને અંદર ગયો. પેલો છોકરો અને રેખા છાને અવાજે કંઈક વાત કરતાં હતાં. થોડી વારમાં જ અંદરથી કહેણ આવ્યું એટલે અમે અંદર ગયાં.

ત્રિવેદીસાહેબ મોટાભાઈ, જેને મારે મળવાનું હતું. તે પોતાની ખુરસીમાં બેઠા હતા. તેમણે બહારથી આવેલા મહેમાનોને આજના બાળ-આચાર્યની ઓળખાણ કરાવી. ‘આ રેખા અમારી આજની આચાર્યા.’ પછી રેખાને કહ્યું, ‘મહેતાસાહેબ છે. આપણા શિક્ષણ અધિકારી અને આ નાયકસાહેબ. એ પીપરિયા શાળામાં આચાર્ય છે.’

રેખાએ હાથ જોડીને નમસ્તે કર્યા એટલે નાયકસાહેબે હસીને પૂછ્યું, ‘પેલી કરુણાની કરનારી?’

‘ના. એ તો વર્ગમાં હશે.’ ત્રિવેદીસાહેબે હસતાં હસતાં કહ્યું, ‘તો આપના સુધી અમારી વાત પહોંચી ખરી.’

‘હું તો તે વખતે સામે બેઠેલો. ગનુમાસ્તરે મને ખાસ આમંત્રણથી બોલાવેલો.’ નાયકસાહેબે હસતાં હસતાં કહ્યું, ‘મહેતાસાહેબ છોકરાં ક્યારેક માસ્તરોનો ખેલ પાડી દે એ જોયું છે, પણ આવું સાહસ જોયું નથી.’

મહેતાસાહેબને આ વાત શું હતી તે સમજાયું નહોતું. તેમણે નાયકસાહેબ સામે જોયું. નાયકસાહેબે વાત માંડી, ‘આપને યાદ હોય તો ગનુમાસ્તર. બહુ કડક ગણાતા તે.’

‘હા. હા. ગનુભાઈ પોલીસ કહેવાતા તે.’ મહેતાસાહેબે યાદ કર્યું.

‘એ ગનુમાસ્તર અહીં બે વરસ રહ્યા. તે વખતે આપની જગ્યાએ ગણાત્રાસાહેબ હતા.’ નાયકની વાત ચાલી એટલે રેખા અને પેલો છાકરો વર્ગમાં ગયાં. મને વાતમાં રસ પડ્યો એટલે હું બેસી રહ્યો.

નાયકની વાત કરવાની ઢબ સરસ હતી. તેણે કહ્યું, ‘એ દહાડે ગણાત્રા અહીં ઇન્સ્પેક્શનમાં આવેલા. ગનુ સાહેબે પેલી છોકરી.., ત્રિવેદીસાહેબ શું નામ એનું?’

‘દુર્ગા’

‘હા તે દુર્ગાને પ્રાર્થના ગાવાનું કહ્યું. એ છોડી અનાથ આશ્રમની.’

‘હં’ મહેતાસાહેબ રસપૂર્વક સાંભળતા હતા.

નાયકે આગળ કહ્યું, ‘છોડી કહે કે ઇન્સ્પેક્શન હોય કે ગમે તે. બુધવારની પ્રાર્થના હું નહીં ગાઉં. કો’ તો બીજું ગીત ગાઈશ કે એવું કંઈક.’ નાયકની વાતમાં ત્રિવેદીએ પણ માથું હલાવીને હોંકારો ભણ્યો. ‘તો પણ ગનુભાઈએ પ્રાર્થનાની આઈટેમમાં એનું નામ લખી નાખ્યું. પછી જો થઈ છે...’

‘કેમ?’ મહેતાસાહેબે પૂછ્યું.

‘ગનુમાસ્તરનું કામ બધું રેગ્યુલર. કયા વારે કઈ પ્રાર્થના ગવાશે અને એ કોણ ગાશે એ પણ નક્કી. તે વખતે બુધવાર અને ‘ઓ કરુણાના કરનારા...’ વાળી પ્રાર્થનાનો વારો.’ બોલતાં બોલતાં જાણે દૃશ્ય નજર સામે ફરી જોતાં હોય તેમ નાયક હસી પડ્યાં અને કહ્યું, ‘દુર્ગાનું નામ બોલાણું એટલે એ આગળ તો આવી; પણ મૂંગી ઊભી રહી. ઘડીભર બધાં એક-બીજા સામે તાકી રહ્યાં, પણ છોકરાં મારા બેટાં ચાલાક તે જાતે જ ગાવાનું શરૂ કરી દીધું. દુર્ગા મૂંગી મૂંગી જ ઊભી રહી.’

‘ખરી છોકરી. મળવું પડશે.’ મહેતાસાહેબે કહ્યું, ‘માથાભારે છે?’ ‘ના. એવું કંઈ નથી. પણ મનમાં આવે તે કરે ખરી. આપ આજે આ પ્રયોગ જોવા ખાસ પધાર્યા છો, તે પ્રયોગ માટે એનું સજેશન પણ ખરું.’ ત્રિવેદીસાહેબે કહ્યું. ‘પેલાં, નિમુબેન અને જી’ભઈની શિષ્યા ગણોને!’

નાયકે વાતનો દોર ફરી પકડતાં કહ્યું, ‘છોકરાંએ ગાઈને પૂરું કર્યું અને દુર્ગા ત્યાં ઊભી ઊભી જ બોલવા માંડી, ‘લાવો, તમે લોકોએ ‘મેં પાપ કર્યાં છે એવાં..’ એ બધું ગાયું ને! તો લાવો, કેટલાં પાપ કર્યાં છે એની યાદી બનાવી આપો. જઈને મહીસાગરમાં પધરાવી આવું એટલે બધાં છૂટીએ. પછી આવી ખોટી પ્રાર્થના ગાવાનું બંધ તો થાય. એક હારે બસ્સો છોકરાં, દયામણાં અવાજે ‘મેં પાપ કર્યાં છે...’ કહીને ગાતાં હોય તે મારાથી તો જોવાતું નથી.’

કમરાનું વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું, મહેતાસાહેબ કંઈક સમજવા પ્રયત્ન કરતા હોય, થોડી પળો મૌન રહીને બોલ્યા, ‘સાચી. નિમ્બેનની શિષ્યા સાચી.’

નાયકે પોતાની વાત આગળ ચલાવી, ‘ગનુભાઈએ મને આમંત્રણ મોકલેલું એટલે હું તે વેળાએ હાજર. ગનુભાઈ કહે કે છોકરીને તો રસ્ટીકેટ કરું પણ આશ્રમનાં બધાં છોકરાંનેય અહીં આવતાં પાછાં બંધ કરી દઉં.’.

‘ગણાત્રો એવું થવા ન દે.’ મહેતાસાહેબે કહ્યું, ‘આ છોકરાંવનાં એડમિશન એણે જ શરૂ કરાવેલાં. એને કેટલે વીસે સો થયેલી તે મને પૂછો. વાલીઓ એમને દાખલ કરવા સામે વાંધો લે, નિશાળવાળા ભણાવવા તૈયાર નહીં. આશ્રમવાળા મોકલવાની ના પાડે. એ ગાણાત્રા બીચારો જાતે જઈને વાલીઓને અને આશ્રમવાળાને મળતો.’

‘ગનુમાસ્તરને ગણાત્રા સાથે પણ ઠેરી ગઈ. બધું લાંબું ચાલેલું. પછી ગનુભાઈ રિટાયર થયા. પછી ત્રિવેદીસાહેબ આચાર્ય થયા.’

વાતો પૂરી થઈ એટલે અધિકારીઓ વર્ગો જોવા નીકળ્યા. ત્રિવેદીએ મને કહ્યું, ‘તને મહેશભાઈએ મોકલ્યો છે ને?’

‘હા,’ મેં કહ્યું, ‘કાલે ફરી આવીશ.’

‘ના. ના, કાલ પર કશું છોડવું જ નહીં. આજે જ વાત કરી લઈએ એટલે કાલથી કામ શરૂ. ચાલ, અમારી સાથે ચાલ.’

પહેલા ધોરણ પાસેથી અમે પસાર થયા ત્યારે ત્યાં હાજરી પુરાતી હતી. જે છોકરાનું કે છોકરીનું નામ બોલાય તે ‘હાજર’ બોલવાને બદલે ‘વાઘ, શિયાળ, હાથી’ એમ વન્યપ્રાણીનાનાં નામ બોલતાં હતાં.

મહેતાએ બારણામાંથી ડોકાઈને અંદર જોયું. મયંક વર્ગ લેતો હતો. એક ચક્કર મારીને અમે પાછા ઑફિસે જઈને બેઠા. રિસેસ પડી એટલે રેખા આવી. ત્રિવેદીસાહેબે દુર્ગાને બોલાવી લાવવા કહ્યું. થોડી વારે રેખા દુર્ગાને અંદર લઈ આવી. બેઉ જણાં સાહેબોને નમસ્તે કહીને બેઠાં.

મહેતાસાહેબે બન્નેને પૂછ્યું, ‘હાજરી પુરાવવા પ્રાણીઓનાં નામ બોલાવરાવો છો કે બીજું કંઈ પણ બોલાય?’

‘પહેલા-બીજામાં વિદ્યાર્થીને જે આવડે તે બોલે એમ રાખ્યું છે. ત્રીજા-ચોથામાં રોજ વિષય બદલાય. વિદ્યાર્થીઓ પોતે જ આજે શાનાં નામ બોલવાં તે નક્કી કરે. જોકે એમણે શાકભાજી કે એવાં સહેલાં નામો નક્કી ન કરાય. જિલ્લાનાં, તાલુકાના મથકના, ઓજારોના કે પંચાયતના કામોના એવા અઘરા વિષય નક્કી કરવા પડે. ચોથાથી ઉપરના ધોરણોમાં આ રીતે હાજરી નથી પુરાતી.’ રેખાએ જવાબ આપ્યો.

‘રોજ? આ પદ્ધતિ આજ પૂરતી નહોતી?’ મહેતાસાહેબે પૂછ્યું.

‘ના. મેં હમણાં પ્રયોગરૂપે ચાલુ કરાવી છે. નિમ્બેનને ત્યાંના કોઈ શિક્ષિકાબહેન આવું કરે છે. દુર્ગાએ વાત કરી એટલે થયું, અજમાવી જોઈએ’ રેખાને બદલે ત્રિવેદીસાહેબે જવાબ આપતાં કહ્યું, ‘આનાથી બાળકોને મજા તો પડે જ છે; શબ્દભંડોળ વધે, હાજરીમાં ધ્યાન રહે, પોતાનો વારો આવે ત્યારે શું બોલવું તે વિચારે. હાજરીમાં જ થોડું ભણાઈ જાય.’

‘નીમ્બેનને ત્યાંનું કોણ? નીમ્બેન ક્યાં નિશાળ ચલાવે છે?’

‘નિશાળ નથી ચલાવતાં.’ દુર્ગાએ વચ્ચે કહ્યું, ‘પણ એ સિવાય બીજું ઘણું કરે છે. તેમને ત્યાં એક ગોમતીબેન છે. એ નવું નવું કરે છે.’

મહેતાસાહબે ત્રિવેદીને અને છોકરીઓને અભિનંદન આપતાં કહ્યું, ‘સારું છે. કરો. સરકારનો કોઈ નિયમ તૂટે નહીં એટલે બસ.’

જવાબમાં ત્રિવેદી માત્ર હસ્યા. મહેતા અને નાયક બન્ને જવા માટે ઊભા થયા. અમે બધાં તેમને મૂકવા જીપ સુધી ગયાં. જીપ ઊપડી એટલે ત્રિવેદીએ મને કહ્યું, ‘તારે અંગ્રજી શીખવાનું છે; મારે શીખવવાનું નથી. એટલે હું તને ભણાવવાનો નથી. તારે જાતે ભણવું પડશે. આજથી શરૂ કર.’ કહીને ઘણાબધા અંગ્રેજી શબ્દો લખેલો કાગળ મારા હાથમાં આપતાં આગળ કહ્યું, ‘બપોરે કામે જતાં રસ્તામાં આ બધા શબ્દો ક્યાંક ને ક્યાંક લખેલાં જોવા મળશે. સરખાવતો જજે. પછી કાલે વાત કરીશું.’

મહેશભાઈને ત્યાં કામ પર જતાં રસ્તામાં જાહેરાતનાં બોર્ડ ઉપર, દુકાનોનાં કે ઑફિસોનાં પાટિયાં પર મને અપાયેલા કાગળમાંના ઘણાં શબ્દો મેં સરખાવ્યા. બોર્ડ ઉપરના ચિત્રથી કે દુકાન અને ઑફિસ જોઈને તે શબ્દોના અર્થ સમજવામાં પણ મેં ઓછી ભૂલો કરેલી તે મને બીજે દિવસે કહેવાયું. આમ, સાવ જુદી રીતે મારું ભણવાનું શરૂ થયું. બધાં વિદ્યાર્થીઓ ત્રિવેદીસાહેબને મોટાભાઈ કહેતાં હતાં. મેં પણ કહેવા માંડ્યું.

એક સાંજે છૂટીને આવ્યો તો નંદુ દુકાને રાહ જોતો હતો. હું તેના પાસે પહોંચ્યો તો નંદુએ કહ્યું, ‘તારી દુકાને બીજો છોકરો બેસશે. રોઝમ્મા કોઈને મોકલવાની છે.’

‘ભલે.’ મેં કહ્યું; ‘પણ મારે હમણાં રહેવું તો દુકાનમાં જ પડશે. રોજ ભણવા જવાનું હોય એટલે શહેર તો દૂર પડે. અહીંથી જવું ફાવે.’

‘માધોવાળી ઓરડી ખાલી જ રહે છે. ત્યાં રહેવાનું નલિનીબેને તને કહેવરાવ્યું છે.’ નંદુએ કહ્યું, ‘મેં બેનને કહ્યું કે તું અંદર નહીં રહે. તો નિમુબેને કહ્યું કે ‘રહેશે. એને તો થોડો સમય જ રહેવું છે અને આપણે સગવડ આપીએ તો શા માટે ન રહે?’

‘નિમ્બેન?’ મેં ઉતાવળે પૂછ્યું.

‘હા. બપોરે એ અને જી’ભાઈ આવેલાં બધાંને કપડાં આપી ગયાં. મને આપ્યાં. લક્ષ્મી, માધોને દીધાં અને લક્ષ્મીના ભત્રીજા માટે પણ આપ્યાં.’

લક્ષ્મીના ભત્રીજાની વાતથી ચમકીને મેં પૂછ્યું, ‘કેમ?’

‘તેં પૂછ્યું એ જ નલિનીબેને પણ નિમ્બેનને પૂછ્યું હતું, ‘કંઈ છે કે પછી અમસ્તાં જ આ કપડાં...?’

‘તો? નિમ્બેને કારણ કહ્યું?’

‘હા. કહ્યું.’ નંદુ બોલ્યો. ‘નિમ્બેન કહે જ. જરાય અચકાયા વગર એમણે કહ્યું કે, ‘કારણમાં તો એ કે આપણી છોકરીને રડવું પડ્યું. કદાચ હજી મનમાં પીડાતી હશે કે છોકરાં અકારણ કપડાં વગરનાં રહ્યાં. એની મૂંઝવણ પણ સુધારવી તો પડે ને?’

હું સ્તબ્ધ થઈ ગયો. અહીં જે કંઈ બનેલું તે નિમુબહેન જાણતાં હોય તે ખાસ નવું નહોતું. મને જે વાત વધુ સ્પર્શી ગઈ તે એ હતી કે તેમણે દુર્ગાની ચિંતા કરી. બાળકોને જે ન મળી શક્યું તે આપવાની ચિંતા કરી હતી. મેં મનોમન ગાંઠ મારી કે હવે દુર્ગાએ પેલા વિદેશી કપડાંનું શું કર્યું તે વાત હું કોઈ પણ રીતે જાણીશ કે પછી સીધું દુર્ગાને જ પૂછીશ.

નંદુ ઊભો થયો અને અમે તેની ઓરડી તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં જ મેં પૂછ્યું, ‘નિમ્બેન રોકાયાં નહીં?’

‘ના. છોકરાંઓ તો બહાર જવાનાં હતાં. પછી ખાલી ખાલી રોકાઈને શું કરે?’ નંદુએ જવાબ આપ્યો.

‘છોકરાં ક્યાં ગયાં?’ કલબલાટ નથી તે મને હવે છેક યાદ આવ્યું.

લાયનવાળા બધાને આજે શહેરમાં નવરાત્રી જોવા લઈ ગયા છે. સાંજે બાગમાં લઈ જવાના હતા. જમાડીને રાતે ગરબામાં ફેરવશે. સવારે પાછાં મૂકી જશે. બસ લઈને આવ્યા હતા. માધો સાથે ગયો છે.’

ઓરડી પર પહોંચીને નંદુએ બે જોડી નવાં કપડાં મને આપતાં કહ્યું, ‘આ તારા માટે.’

‘હું ક્યાં એ લોકોમાંનો છું?’ મારાથી પુછાઈ ગયું.

નંદુનું મોં કાળુંધબ થઈ ગયું. ઘડીભર તે કંઈ બોલી ન શક્યો. પછી ધીમે ધીમે કહ્યું, ‘ભૂલી જવાયું ભાઈ, ઘરડો થયો છું. હવે યાદ નથી રહેતું.’

નંદુએ કપડાં મને આપવાને બદલે ખાટલા પર મૂકી દીધાં. તેનું મન કેટલું વ્યથિત હતું તે તેના મોં પર દેખાયું. મેં ધીરેથી કહ્યું, ‘નંદુકાકા, મારું કહેવાનું એમ છે કે, ‘હું તો કમાઉં છું, જાતે ખરીદી શકું તેમ છું.’

નંદુ હસ્યો અને કહ્યું, ‘એમ જ હશે ભાઈ. તું કહે છે એમ જ.’

મેં સંતોષ લીધો કે નંદુએ મારી દલીલ માની લીધી; પણ ઊંડે ઊંડે મને સમજ પડી કે મારું કહેલું નંદુએ તો ઠીક મેં પણ પૂર્ણપણે માન્યું નથી.

મેં કપડાં લીધા અને કહ્યું, ‘કાકા, હું જઉં અને માધોવાળી ઓરડી સાફ કરી નાખું. રાતે ત્યાં જ સૂઈ રહીશ. કાલે સામાન લાવી દઈશ.’

‘સફાઈ તો કરી નાખી છે. તું આજની રાત મારી સાથે રહે. કાલે સવારથી રહેવા જજે.’ નંદુએ કહ્યું.

***