ચિંતનની પળે - સીઝન - 3 - 14 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 14

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 14 - મજા અને મજાકની મર્યાદા
  • વીજળીની સાથે સાથે જરૂરી છે મેઘ પણ,

    હસવામાં કંઇ મજા નહીં આવે રૂદન વિના.

    -આદિલ મન્સુરી.

    હસમુખા અને વેખલામાં જમીન-આસમાન જેટલો ફર્ક છે. આપણી મજાક કોઇની મજા વધારતી હોવી જોઇએ અથવા તો કોઇનું દુ:ખ ઘટાડતી હોવી જોઇએ. મજાક પણ માર્મિક હોવી જોઇએ. સેન્સ ઓફ હ્યુમર માણસમાં હોવી જ જોઇએ. અલબત્ત, કોઇપણ સંજોગોમાં હ્યુમર ‘નોનસેન્સ’ ન થઇ જવી જોઇએ. નોનસેન્સ થાય તો હ્યુમર પણ ન્યુસન્સ બની જાય છે.

    આજકાલ એસએમએસથી આવતા જોકસને લોકો મનોરંજનનો મસાલો સમજે છે. મેળ ખાય ત્યારે લોકો આવા હલકા ટૂકડાં ફેંકતાં રહે છે. માત્ર કરવા ખાતર થતી મજાકમાં કત્રિમતા ચાડી ખાઇ જાય છે. આપણે કોઇ જોક કે કોઇ ગપ્પું હાંકીએ પછી જો કોઇ હસે નહીં તો હાલત હસવાને બદલે રડવા જેવી થાય છે.

    આપણી મજાક પણ આપણા વ્યકિતત્વને નિખારે તેવી હોવી જોઇએ. માર્ક ટ્વેઇનને એક વખત એક શહેરમાં પ્રવચન આપવા જવાનું હતું. તેઓ જે શહેરમાં પ્રવચન હતું ત્યાં વહેલા પહોંચી ગયા. તેને થયું કે, હજુ સમય છે તો હેર સલૂનમાં જઇને દાઢી કરાવી લઉ.

    હેર સલૂનના કારીગરે જોયું કે, આ કોઇ નવો માણસ છે. તેણે પૂછયું, તમે બહારના લાગો છો? માર્ક ટવેઇને કહ્યું કે, હા હું આ શહેરનો નથી. સલૂનના માલિકે વાત આગળ વધારી કે તમે બરોબર યોગ્ય દિવસે અમારા શહેરમાં આવ્યા છો. આજે આ શહેરમાં જ્ઞાની પુરુષ માર્ક ટ્વેઇનનું જાહેર પ્રવચન છે. તમે આ પ્રવચનમાં ચોક્કસ જજો. અને હા, વહેલાસર ટિકિટ લઇ લેજો, નહીંતર ઊભા રહેવું પડશે.

    માર્ક ટવેઇને હસીને કહ્યું કે, સાલ્લુ મારે તો એમના પ્રવચનમાં કાયમ ઊભું જ રહેવું પડે છે. સાંજે માર્ક ટ્વેઇનને ઊભા ઊભા પ્રવચન આપતાં જોઇ સલૂનનો માલિક ખડખડાટ હસી પડયો.

    હાસ્યનું આખું એક શાસ્ત્ર છે. કેટલી જાતની મજાક, કેવી મજાક, કયારે મજાક જેવી જાતજાતની વાતો આ શાસ્ત્રમાં અપાઇ છે. જો કે, આ બધામાં ન પડીએ તો યાદ રાખવા જેવું એટલું જ છે કે મજાક કરવા જતાં કયાંક ફજેતો ન થઇ જાય એનું ઘ્યાન રાખવું. હસવામાંથી હસવું જ થવું જોઇએ. ઘ્યાન ન રહે તો હસવામાંથી ખસવું જ નહીં પણ ભસવું અને લડવું પણ થઇ જાય છે. મજાકના કારણે મારામારી અને મનદુ:ખના કિસ્સા ઢગલાબંધ છે. પછી લોકો કહેતા ફરે છે કે, મારો કહેવાનો મતલબ આવો નહોતો, હું તો મજાક કરતો હતો. તમે તો સિરિયસલી લઇ લીધું.

    લાઇટર ટોનમાં કહેવાયેલી વાત કયારેક કેવી ગંભીર બની જાય છે તેનો એક કિસ્સો જાણવા જેવો છે. એક પતિ-પત્ની હતા. બંનેએ લવમેરેજ કર્યા હતા. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ. એક દિવસ સાવ સામાન્ય વાતમાં બંને વચ્ચે ઝઘડો થયો. પત્ની ડિસ્ટર્બ હતી. પતિ મજાકના મૂડમાં હતો. પત્નીએ એમ જ કહ્યું કે, હું મરી જઇશ. ઘરની બહાર જતાં જતાં પતિ રમૂજમાં જ એમ બોલ્યો કે, એમ કોઇ મરતું નથી, મરી જા જોઇએ!

    ત્રણ કલાક પછી પતિ પાછો ઘરે આવ્યો ત્યારે પત્ની ખરેખર મરેલી હાલતમાં પડી હતી. આ સત્ય ઘટનામાં પતિ આજે વર્ષોપછી એમ કહેતો ફરે છે કે, હું તો મજાક કરતો હતો. મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. મને અંદાજ જ ન હતો કે મારી વાતને એ આટલી બધી ગંભીરતાથી લઇ લેશે. એ તો ચાલી ગઇ પણ હું મારી મજાકની સજા આજે પણ ભોગવી રહ્યો છું. હું મારી જાતને માફ પણ કરી શકતો નથી.

    મજાક કરતાં પહેલાં માણસે થોડુંક વિચારવું જોઇએ કે આપણી મજાકની કોઇ પર કેવી અસર થશે. દરેક વ્યકિત મજાક સમજી શકે અને સહન કરી શકે એવી હોતી નથી. મજાક કરતાં ન આવડે તો મજાક જ દુશ્મનીનું કારણ બની જાય છે. છેલ્લે, ઉત્કષ્ટ મજાક દ્વારા સાચી વાત કરી દેવાની આવડતનો એક કિસ્સો મમળાવીએ. નેપોલિયન બોનાપાર્ટના પ્રધાન ગાયસપ્પે અત્યંત બુદ્ધિશાળી માણસ હતા. ગમે તેવી ગંભીર વાત પણ ખૂબ જ સરળતાથી વ્યંગરૂપે રજૂ કરવાની એની આવડત જગજાહેર હતી.

    એક વખત નેપોલિયનને એક ઓફિસરે કહેલી વાત પર ગુસ્સો આવ્યો. નેપોલિયને ગાયસપ્પેને કહ્યું, આ માણસનું શું કરવું? એ જે કંઇ બોલે છે તે તદ્દન જૂઠાણું છે! ગાયસપ્પે હસીને જવાબ આપ્યો, એને જનરલ બનાવી દો, એ પછી એ જે કંઇ કહેશે તે બધુ તદ્દન સાચું જ હશે! આપણી મજાકમાં પણ આપણી વિદ્ધતા પ્રગટ થવી જોઇએ. આપણી મજા અને મજાક કોઇને હર્ટ ન કરે તેનું ઘ્યાન રાખવું જોઇએ. કોઇને હર્ટ થશે તો એના હાર્ટમાંથી આપણી બાદબાકી થઇ જશે. મજાક આપણને કોઇની નજીક લઇ જવી જોઇએ, દૂર નહીં.‘

    છેલ્લો સીન :

    જો તમારે લોકોને રડાવવા હોય તો તમારે પણ રડવું જોઇએ. જો તમારે લોકોને હસાવવા હોય તો ચહેરો ગંભીર રાખવો જોઇએ. - કાસાનોવા

    ***