વીર વત્સલા
નવલકથા
રઈશ મનીઆર
પ્રકરણ - 13
વઢવાણ હોસ્પીટલમાં અઠવાડિયા સુધી વીરસિંહ અર્ધબેહોશ રહ્યો. સરદારસિંહના સાથીઓ કહી રહ્યા હતા કે આ અધમૂઆની પાછળ શું દહાડા ખરાબ કરવા? આને નસીબ પર છોડી ચંદ્રપુર જઈએ. કેટલું કામ પડ્યું છે, જમીનદારીનું. પણ સરદારસિંહે હુકુમસિંહને સંદેશો મોકલ્યો કે એક યારની સેવામાં છું. હું અહીં વઢવાણ છું, એટલો સમય ચંદ્રપુરની જમીનદારી સંભાળી લેજે. વઢવાણમાં તો સરદારસિંહનુ પોતાનું જ ઘર હતું. ન જાણે, કયા સંબંધના આધારે સરદારસિંહે વીરસિંહની સેવા કરવા માંડી.
યુદ્ધભૂમિ પર કામ કરીને આવેલા મિલિટરી સર્જન અહીં વઢવાણમાં સિવિલ સર્જન તરીકે આવ્યા હતા. શરૂઆતમાં તો એમને પણ આશા નહોતી. ધૂળભર્યા ઘાવ, દેશી બેનાળીના છરા આ બધું સાફ કર્યા પછી મહિના સુધી ડ્રેસિંગ કરવા પડ્યાં.
છેલ્લુ ડ્રેસિંગ કાઢતાં સર્જ્યન સરદારસિંહ સામે જોઈને બોલ્યા, “આ તમારો સિપાહી છે?”
સરદારસિંહ કંઈ જવાબ આપે એ પહેલા સર્જ્યને આગળ કહ્યું, “તમે તકલીફ લઈ આને બચાવ્યો તો ખરો પણ આના ચાળણી થઈ ગયેલા શરીરમાં હવે પહેલા જેવી તાકાત નહીં આવે.”
ઊભો થઈને પહેરણ પહેરતાં વીરસિંહ બોલ્યો, “ઘા ખમવા એ તો શૂરવીરનો ધરમ છે. ઘાવનું તો એવું છે ને, ડાગટરસાહેબ! કે જે ઘાવ કારી નથી હોતો, એ ઘાવ વીરને વધુ મજબૂત બનાવે છે!”
વીરસિંહની આ વાત સાંભળી એ જ ક્ષણે સરદારસિંહ બોલ્યો, “ડાગટરસાહેબ, તમે પૂછ્યું કે શું આ તમારો સિપાહી છે, ત્યારે તો મનેય જવાબ ખબર નહોતી, પણ અટાણે કહું છું, કે એ આ જીવશે કે હું જીવીશ, ત્યાં લગણ આ મારો સિપાહી રહેશે.”
વીરસિંહ એ પળથી જ પોતાના જીવનદાતા સરદારસિંહ સાથે ઋણાનુબંધથી બંધાઈ ગયો. બરાબર એક મહિનાની સારવાર પછી બન્નેએ સંગાથે ચંદ્રપુરની દિશા પકડી. સરદારસિંહ અને વીરસિંહ ચંદ્રપુર પાછા વળ્યા ત્યારે સેનાપતિ સિપાહીની જોડીની જેમ નહીં, પણ પાકા દોસ્ત હોય એમ પાછા વળ્યા.
આખા રસ્તે સરદારસિંહે પોતાની જમીનદારી વિસ્તારવાના સ્વપ્નની વાતો કરી. નવા રજપૂત જમીનદારો માટે આ સ્વપ્ન પૂરું કરવાનો એક જ રસ્તો હતો; સિપાહીઓની ટોળી બનાવવી, એ ટોળકીને કોઈ રાજની સેવામાં લગાડવી અને બદલામાં વધુ ને વધુ જમીન સરપાવરૂપે મેળવવી. સરદારસિંહે વાત પૂરી કરતાં કહ્યું, “વીરસિંહ! એમાં તું મારો મુખ્ય સાથી હશે. મહેનતાણું શું લેશે?”
વીરસિંહ બોલ્યો, “સરદારસિંહ, તમે તો મારા જીવનદાતા છો. મારી ચામડીનાં જૂતાં બનાવી તમને પહેરાવુંતો ય એ ઋણ ન ફીટે!”
સરદારસિંહ હસીને બોલ્યો, “દોસ્તી એની જગ્યાએ, પણ મેં મેળવેલી જમીનનો દસ ટકા હિસ્સો તારો રહેશે. અને તું જેના પર સવારી કરી રહ્યો છે એ મારો માનીતો ઘોડો પણ આજથી તારો છે!” વીરસિંહના આનંદનો પાર નહોતો. આ પાણીદાર ઘોડો દોડી શકે એના કરતાં વધુ વેગથી દોડીને એનું મન વત્સલાને આ વાત કરવા ઝંખતું હતું. વીરસિંહને થયું કે એક મહિના પહેલા, આ જ રસ્તે, જીવતો બચીશ કે કેમ એ પ્રશ્ન હતો, આજે અહીં જ ભવિષ્યની ચિંતા ટળી ગઈ.
સરદારસિંહની સાથે ચંદ્રપુરના ગામની સીમમાં પ્રવેશી રહેલા વીરસિંહના મનમાં વત્સલા રમતી હતી. એણે વઢવાણથી કોઈ સંદેશો ફોઈફૂઆને મોકલ્યો નહોતો. કોઈ ખબર વત્સલાનેય કરી નહોતી. એક તો એનું ઠેકાણુંય ખબર નહોતી અને બીજું, એ પોતાને ઘાયલ હાલતમાં જુએ, વઢવાણ દોડે, એના કરતાં સ્વસ્થ થઈને હું જ એને મળીશ, એમ વીરસિંહે નક્કી કર્યું હતું. મળવાનો એ દિવસ આવી પહોંચ્યો હતો.
આટલા દિવસમાં વીરસિંહે નોંધ્યું હતું કે સ્ત્રીઓની બાબતમાં સરદારસિંહનું ચરિત્ર સારું હતું એટલે એને પોતાની પ્રેમિકા વિશેની વાત કરવામાં વીરસિંહને વાંધો નહોતો, પણ હજુ સરદારસિંહને વત્સલા વિશે કશું કહેવાનો મોકો આવ્યો નહોતો. આજે અત્યારે એ વાત કહેવા માટે સરસ સમય હતો. જેને અનુભવ હોય એ જ જાણે કે નદી કિનારે રેવાલ ગતિએ ચાલતા ઘોડાઓ પર બેસીને પોતાની પ્રેમકથા યારને કહેવાની મજા કંઈ ઓર જ હોય છે!
વીરસિંહે વાત શરૂ કરી, “ચંદ્રપુર જઈને સૌથી પહેલા..”
ત્યાં ચંદ્રપુરની સીમમાં પ્રવેશતાં જ સરદારસિંહની નજર નદીતટ પર રાજ તરફથી એને મળેલી ખુલ્લી જમીનો પર પડી. એણે ઉત્સાહમાં આવી વીરસિંહની વાત અટકાવીને કહ્યું, “આ જમીન પહેલા રાજની જમીન હતી. હવે મારી છે. દુર્જેયસિંહે આ રાજની જમીન મને સરપાવમાં આપી છે. રાજના દુશ્મન દિલિપસિંહના પરિવારનો સફાયો કર્યો એટલે!” વીરસિંહને થયું, યુવાની પછી જીવનમાં એક પડાવ એવો આવે છે જ્યારે મહત્વાકાંક્ષી પુરુષો જમીન જોઈને જોરુને વિસરી જાય છે.
દિલિપસિંહ ગુજરી ગયા અને દુર્જેયના હાથમાં સત્તા આવી, એ તો વીરસિંહને સમાચાર મળ્યા હતા. એટલે એના માટે નવા સમાચાર ફક્ત એ હતા કે આ કામ સરદારસિંહને હાથે થયું હતું. એ કામ ક્યાં અને કેવી રીતે થયું એ વિશે અત્યારે આટલા પરિચયમાં જિજ્ઞાસા રખાય નહીં.
બન્ને સિપાહીઓ એક વાતે સરખા મતના હતા. જેનું લૂણ ખાવું, એના પ્રત્યે વફાદારી રાખવી. એટલે દિલિપસિંહના મરણને કાળની ગતિ ગણવાનું બન્ને માટે અનુકૂળ હતું. વિશાળ હરિયાળી જમીન પર નજર નાખતાં વીરસિંહ જરા નવાઈની લાગણી સાથે બોલ્યો, “બહુ જલદી જમીન તમને આપી દીધી! દુર્જેયસિંહે વચન પાળ્યું, સારું કહેવાય.”
સરદારસિંહે કહ્યું, “શું ખાક વચન પાળ્યું? 100 વીઘાનું વચન આપ્યું હતું. પચાસ જ વીઘા આપ્યા!”
વીરસિંહે કહ્યું, “ઓહ!”
“એણે કહ્યું, રાજના દુશ્મનને જીવતો કે મૂએલો હાજર કરો. મેં કર્યો! દુશ્મનની અને એની ઘરવાળીની લાશ એની સામે મૂકી દીધી. એ જ ઘડીએ ખુશ થઈ જમીન આપી, પણ અડધી જ આપી!”
“અડધી આપી એય ઘણું લાગે છે!” દુર્જેયસિંહના સ્વભાવ વિશે આછીપાતળી માહિતી હોવાથી વીરસિંહ ધીમેથી બોલ્યો.
“આ પચાસ વીઘાં કરતાં, નદીની નજીકના પેલાં પચાસ વીઘાં વધુ કસદાર છે! મારે એ જોઈએ છે!” સરદારસિંહ પોતાના મનની વાત કરતો રહ્યો.
વીરસિંહ ઘડીભર પોતાની કલ્પનામાં સરી ગયો. પોતાને પણ કંપની સરકાર 4 વીઘા આપશે. એમાં એ અને વત્સલા ઘર માંડીને રહેશે. પોતે ઘોડો પલાણી આવશે ત્યારે વત્સલા ખેતીનું કંઈ કામ કરતી હશે, દીકરી સીમમાં રમતી હશે અને..
સરદારસિંહે વીરસિંહને ખોવાયેલો જોઈ પૂછ્યું, “ધ્યાન ક્યાં છે જુવાન તારું?”
સરદારસિંહના સવાલથી વીરસિંહની કલ્પનાસૃષ્ટિ તૂટી. તરત વાસ્તવિક જગતમાં ફરી આવીને વીરસિંહે પૂછ્યું, “હવે બાકીનાં પચાસ વીઘાં વિશે શું કહે છે?”
“બાકીનાં પચાસ વીઘાં માટે દુર્જેયસિંહ હવે નવી શરત મૂકે છે!”
“હવે વળી શું શરત? બોલીને ફરી જાય એ કેવો રજપૂત?”
“આ ત્રણ વરસમાં ગામમાં શું થયું એને તને પૂરો ખ્યાલ નહીં હોય, પણ અમુક નવરા લોકોએ એવી અફવા ફેલાવી છે કે સત્તાપલટાની અફરાતફરી વચ્ચે વશરામ કોળીએ રાજના દુશ્મનના દિલિપસિંહના વારસને માલવપુર સંતાડી રાખ્યો છે?”
“પણ દિલિપસિંહને તો કોઈ વારસ જ ક્યાં હતો?”
“લગનના વીસ વરસ પછી તેજલબા ભારેપગે હતા. કોઈ કહે છે કે તેજલબાને મરેલું બાળક અવતર્યું, કોઈ કહે છે કે જન્મ્યા પછી મરી ગયું. કોઈ કહે છે મરતાં પહેલા વશરામ કોળીએ એ બાળક માલવપુરમાં તેજલબાના મોસાળમાં મોકલાવી દીધું.”
“ઓહ!”
“એ બાળક દુનિયામાં નથી એની ખાતરી થાય પછી જ બાકીની 50 વીઘાં મને મળશે, એમ દુર્જેયસિંહ કહે છે!”
“એક અનાથ બાળક સૂરજગઢના રાજને શું કરી લેવાનું હતું?”
“મેં પણ એમ જ કહ્યું! તો દુર્જેયસિંહ ગુસ્સે ભરાઈને કહેવા લાગ્યા, મારે દિલિપસિંહનો વંશવેલો નેસ્તનાબૂદ થયેલો જોઈએ, બીજી વાત નહીં!”
વાતોમાં ને વાતોમાં ચંદ્રપુર આવી ગયું અને વત્સલા વિશે વાત કરવાની રહી ગઈ તે રહી જ ગઈ. સાંજ ઢળી ગઈ હતી. તોય વત્સલાની ખબર કાઢવા વીરસિંહને ટીલે આંટો મારી આવવાનું મન હતું. વીણાને પૂછવાથી એની માહિતી મળી જાય કદાચ. પણ સરદારસિંહ સોગંદ આપી વીરસિંહને પોતે નવી ખરીદેલી હવેલીમાં પરોણાગતિ માટે લઈ ગયો. વીરસિંહને થયું, વત્સલાની તપાસ તો આમ પણ સવારે જ શક્ય બનશે, તેથી એણે નમતું જોખ્યું અને અહીં જ થાક ઉતારવાનું નક્કી કર્યું. ફોઈફૂઆને મળવાનું પણ સવાર સુધી મુલતવી રાખ્યું.
રાતભર ટેકરી પર આવેલી સરદારસિંહની હવેલીમાંથી ગામના દીવા જોઈ રહ્યો. કોણ જાણે કેમ હવેલીની ઊંચાઈ પરથી પોતાનું ગામ પણ સાવ નજીક હોવા છતાં જરા દૂર ભાસતું હતું.
***