વીર વત્સલા - 14 Raeesh Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીર વત્સલા - 14

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 14

સરદારસિંહની હવેલીમાંથી વીરસિંહ વહેલી સવારે ઘોડો પલાણી નીકળ્યો. એને સમાચાર મળ્યા હતા કે રાતે જ સૈનિકોની બીજી ખેપમાં ચંદનસિંહ પણ આવી ગયો છે. વત્સલાને મળવાય જવું હતું. પણ પહેલા ઘરે જઈ ફોઈફૂઆને મળી, એમને થોડી સોનામહોરો ધરી, પછી આ બન્ને કામ કરવા હતાં.

નીકળતાં પહેલા એ સરદારસિંહને રામ રામ કરવા ગયો. સરદારસિંહ એના ખંડમાં નહોતો. એણે આમતેમ નજર દોડાવી ત્યાં સરદારસિંહ હુકુમસિંહ સાથે આવી રહેલો દેખાયો! વીરસિંહને હુકુમસિંહની નામથી, ઉપરછલ્લી ઓળખાણ હતી. આજે એય ખબર પડી હતી કે અત્યારે હુકુમસિંહ સરદારસિંહનો મુખ્ય વિશ્વાસુ સાથીદાર છે.

ગઈકાલનો થાક હોવા છતાં સરદારસિંહ વહેલી સવારે હુકુમસિંહ સાથે શિકારે ગયો હતો? પણ બન્ને કશી ગંભીર ચર્ચામાં હતા. બન્ને ખંડમાં આવ્યા ત્યારે હુકુમસિંહે વીરસિંહને જોયો. હુકુમસિંહનેય વીરસિંહનો અછડતો પરિચય વત્સલાના પ્રેમી તરીકે હતો. અત્યારે એને સરદારસિંહ સાથે જોઈ હુકુમસિંહને નવાઈ લાગી. હુકુમસિંહે વાત અટકાવી દીધી. સરદારસિંહે કહ્યું, “હુકુમસિંહ! આની જ સારવાર કરાવવા હું વઢવાણ રોકાયો હતો. હવે વીરસિંહ આપણો માણસ છે! એનાથી કંઈ છૂપું નથી રાખવાનું!”

હુકુમસિંહને આ સમાચાર ખાસ ગમ્યા ન હોય એમ એ કંઈ બોલ્યો નહીં, એ સરદારસિંહે નોંધ્યુ. પણ એણે તો આ બન્ને ઉપયોગી સૈનિકો પાસે કામ લેવાનું હતું એટલે વાતનો દોર આગળ ચલાવ્યો, “વીરસિંહ! આ હુકુમસિંહ કાલે મોડી રાત સુધી દુર્જેયસિંહના દરબારમાં હતો. ટીડા જોશીએ જોશ જોઈને કહ્યું છે કે દુર્જેયસિંહ બાપુ સો વરહના થાય, પણ બાપુના માથે એક ઘાત છે! એ ઘાત દિલિપસિંહના વારસના હાથે છે!”

વીરસિંહ હસ્યો, “આ ટીડો જોશીય વેવલીના પેટનો છે. બાપુને રવાડે ચઢાવે છે!”

સરદારસિંહે કહ્યું, “એની જ ભવિસવાણી હતી કે દુર્જેયસિંહ ગાદીના વારસ બનવાના. એના બોલ પર વસ્વાસ કરીને તો દુર્જેયસિંહે બળવો કીધો!”

“ટીડો જોશી કિયે, ઈ બાપુને મન વેદવચન!” હુકુમસિંહે સૂર પુરાવ્યો.

“હુકુમસિંહ, ગઈ રાતની આખી કથા કર એને!”

હુકુમસિંહે ગઈ રાતની વાત કરી.

રાતે કહુંબાપાણી ટાણે અમે બધાએ દુર્જેયસિંહને બહુ સમજાવ્યા કે દિલિપસિંહનું બાળક બચ્યું હોય એવી કોઈ શક્યતા જ નથી.

ઉધમસિંહે કહ્યું, “સૂરજગઢ પંથકમાં કોઈની તાકાત નથી કે રાજના દુશ્મનના બાળકને જાણીકરીને ઉછેરે!”

જુગલસિંહે કહ્યું, “બાપુ! વશરામ કોળીએ તેજલબાના મરેલા બાળકને દાટ્યું હતું. સગી આંખે જોનારાએ મહાકાળીના સોગંદ ખાઈને મને કહ્યું છે.”

વીરસિંહને સમજાય એ માટે સરદારસિંહે હુકુમસિંહની વાતમાં ટાપસી પૂરી, “આ ઉધમસિંહ અને જુગલસિંહ એટલે આપણી હરીફ ટોળકીના સરદારો.”

હુકુમસિંહે વાત આગળ ચલાવી. તલવારની મૂઠને જોરથી કસીને દુર્જેયસિંહ બોલ્યા, “વશરામ કોળી! ઈ કંઈ પણ કરે! દિલિપસિંહનો કૂતરો હતો ઈ! માલિકને બચાવવામાં કૂતરાની મોતે મર્યો! પણ ધારો કે એણે બાળકને દાટવાનો દેખાવ કરીને દિલિપસિંહના ખરા વારસને માલવપુર મોકલી દીધો હોય તો?”

ઉધમસિંહ બોલ્યો, “હવે માલવપુરમાં તેજલબાનું કોઈ છે નહીં. આપના કહેવાથી તેજલબાના ભાઈ-ભાભીનું આ હાથે જ કાસળ કાઢ્યું!”

આટલી બધી સમજાવટ પછીય દુર્જેયસિંહ બોલ્યા, “ઈ જે હોય ઈ. ટીડા જોશીનું જોશ ખોટું ન પડે! ઈ કિયે છે ઘાત છે તો ઘાત દૂર કરવી પડે! દિલિપસિંહનો કોઈ વારસ હોય તો ઈને ગોતવો પડે. ઈને મોતને ઘાટ ઉતારવો પડે!”

હું બોલ્યો, “પણ વારસ હોય જ નહીં તો કોને મોતને ઘાટ ઉતારીએ?” બધા હસ્યા.

બાપુ આ સાંભળી ગુસ્સે ભરાણા. ચાંદીના પ્યાલાનો છૂટ્ટો ઘા કીધો! હું હટી ગયો. પ્યાલો ભીંતે ભટકાણો.

“એ ય સિપાઈડા! બહાર નીકળ! ને તારા સરદારસિંહને કહેજે, બાકીનાં પચાસ વીઘાં જોઈતા હોય તો મેનત કરે! માલવપુર, વિરાટપુર, ચંદ્રપુર, ગામેગામ ખૂંદી વળે. સિપાઈયું દોડાવે! એ દિલિપસિંહનું બચ્ચું જીવતું હોય તો ઈને મારીને લાવે. અને ઈ મરેલું હોય તો એનો પુરાવો આપે! આમ ખોટી દલીલું કરવાથી પચાસ વીઘાં નહીં મળે!”

હુકુમસિંહે વાત પૂરી કરી પરસેવો લૂછ્યો.

સરદારસિંહના કપાળે કરચલીઓ થઈ, “વીરસિંહ! મારા મનમાં હતું કે તને પહેલું કામ કોઈ બહાદુરીનું સોંપીશ! પણ કુદરતનું કરવું જુઓ કે તારા જેવા એક બહાદુર સિપાહીને મારે એમ કહેવું પડે છે કે જાઓ અને આખો પંથક ખૂંદીને દિલિપસિંહના બાળકને શોધી લાવો!

વીરસિંહ બોલ્યો, “માલિક! સૈનિક માટે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. આપની આજ્ઞા થઈ અને હું એ બાળકને શોધવા નીકળ્યો જ સમજો! બસ ગામમાં એક બે મુલાકાત પતાવી લઉં!”

વીરસિંહની પીઠ થપથપાવી સરદારસિંહ બોલ્યો, “શાબાશ! આ હુકુમસિંહ તારા હાથ નીચે કામ કરશે! અને સાવ બાળકને શોધવા જેવું સહેલું કામ નથી. માલવપુરમાં દિલિપસિંહના બચેલા સાથીદારોનો પણ આપણે જ સફાયો કરવાનો છે. બધાના માથાં વધેરી દઈશું. અને બીજા પચાસ નહીં, સો વીઘાં લઈશું.” પોતાનો નિર્ણય જાહેર કરી સરદારસિંહ અંદરના ખંડમાં ગયો.

હુકુમસિંહ આંખ ફાડી વીરસિંહને જોતો રહ્યો, એને થયું કે સરદારસિંહનો મુખ્ય માણસ હું છું અને આ આજકાલનો આવેલો, આજે સરદારે એને જવાબદારી સોંપી દીધી! અને મારે આના હાથ નીચે કામ કરવાનું?

વીરસિંહ એના ઘરે જવા નીકળ્યો. રસ્તો એક જ હતો એટલે હુકુમસિંહ ગામ સુધી એની સાથે ગયો! બન્નેએ એકબીજા સાથે કોઈ વાત ન કરી. હુકુમસિંહને થયું કે વત્સલાની વાત કરું કે યુદ્ધની બીજી કોઈ વાત પૂછું પણ બીજી પળે જ વિચાર આવ્યો કે સરદારના આ નવા સાથીનું પાણી માપ્યા વગર એની સાથે વધુ વાત કરવી નથી, એટલે હુકુમસિંહ ચૂપ જ રહ્યો. પોતે સરદારસિંહ સાથે જોડાયો એથી હુકુમસિંહને બહુ મજા આવી નથી, એ કળી ગયેલો વીરસિંહ પણ ખામોશ જ રહ્યો. રસ્તે વીરસિંહના ફળિયાનો ફાંટો આવ્યો ત્યાં બન્ને રામ રામ કરી છૂટા પડયા.

હુકુમસિંહ પાદર તરફ વળ્યો. ત્યાં થોડા નવરા જવાનિયા બેઠા હતા. મુખી દરબારમાં ગઈ રાતે થયેલી વાત જ જવાનિયાઓને કરી રહ્યા હતા. તે જ ઘડીએ ચંદનસિંહ ત્યાંથી નીકળ્યો. એ તો વીણાને મળવા જઈ રહ્યો હતો. પણ રસપ્રદ ચર્ચા ચાલી રહેલી જોઈ ચંદનસિંહ પણ ઘડીક થોભ્યો. વીરસિંહના સમાચાર પણ અહીંથી જ જાણવા મળે એમ હતું.

હુકુમસિંહને આવતો જોઈ મુખીએ કહ્યું, “કેમ લ્યા, હકમશી, ગેમલને શોધવાની ટોળકી બનતી હતી ત્યારે તો બિમારીનું બહાનું કાઢ્યું, હવે આ બાળકને શોધવાની ટોળકીના સેનાપતિ થઈ જા! વીરતા બતાવવાનો સારો મોકો છે. એ તારા જ બરનું છે!”

હુકુમસિંહ બોલ્યો, “છટ્‌! છોકરાં શોધવા એ કંઈ બહાદુરનાં કામ છે? મેં સરદારસિંહને સાફ ના પાડી દીધી! સરદારસિંહે એ કામ પછી ઓલા વીરસિંહને સોંપ્યું!” પોતાના મુખેથી અનાયાસે બોલાઈ ગયેલા અસત્યથી એણે અવર્ણનીય સંતોષ અનુભવ્યો.

ચંદનસિંહે પૂછ્યું, “વીરસિંહ? એ ક્યારે આવ્યો ચંદ્રપુર?”

“કાલે આવ્યો! ન્યાં સરદારસિંહની હવેલીમાં રાત રોકાણોતો, અટાણે મારી સાથે જ ગામ આવ્યો.”

બીજી થોડી વિગત ખબર પડી એટલે ચંદનસંહે પૂછ્યું, “વીરસિંહ કઇ તરફ ગયો?” વીણાને મળવા નીકળેલા ચંદનસિંહને એટલી જ ઉત્કંઠા વીરસિંહને મળવાની પણ હતી.

“એની ફોઈના ઘરે, બીજું એનું છે કોણ? એની દિલદારા તો કાળું કરીને બેઠી છે!” હુકુમસિંહે બાકી રહેલી ભડાશ પણ કાઢી નાખી.

ચંદનસિંહને જો કે કંઈ સમજાયું નહીં. ઘડીભર વિચાર કર્યો કે પહેલા વીરસિંહને મળું કે વીણાને? પછી વીણાને મળવાનું નક્કી કરી, શિવમંદિર તરફ ઘોડો દોડાવ્યો. રાતે જ વીણાના ઉલ્લેખથી ઘરમાં કંકાસ થયો હતો. પણ ચંદનસિંહે નક્કી કર્યું હતું, એ ડગવાનો નહોતો. વીણા સાથે સંસાર માંડવાનો એનો નિર્ણય અફર હતો. ભલે એને માટે ઘર છોડવું પડે.

ચંદનસિંહ શિવમંદિર નજીક પહોંચ્યો. ઊંચે ટીંબા પર ખીજડાનું ઝાડ એકલું ઊભું હતું. એની નજર વીણા અને વત્સલાને શોધવા ભમી રહી.

ચંદનસિંહ વિચારી રહ્યો હતો, હુકુમસિંહના કહ્યા પ્રમાણે વીરસિંહની દિલદારાએ કાળું કામ કર્યું હતું?(બાળ્ક છે ઇંસર્ટ કરો) એને હજીય ગડ બેસતી નહોતી.

પૂરી વાત જાણ્યા વગર મન બગાડવું નથી, એમ નક્કી કરી એ શિવમંદિરમાં ગયો. મહાદેવજીને હાથ જોડી ઘંટ વગાડ્યો. ત્રણ વરસ અગાઉ પણ એ આમ જ કરતો. આ ઘંટનો અવાજ શિવજી માટે પણ હતો અને વીણા માટે પણ હતો. ચોક્ક્સ અંતરાલથી એ સાત વાર ઘંટ વગાડતો એટલે પાછળ ખવાસિયાના વાસમાંથી વીણા દોડીને નદીના વહેળામાં આવતી.

આજે ઘંટારવ સાંભળી વીણા નહીં પણ વત્સલા દોડી આવી!

ચંદનસિંહને જોઈને એ ભેટી પડી.

“વીરસિંહ ક્યાં છે?” વત્સલાની આંખોમાં ન પૂછાયેલો સવાલ હતો.

“વીરસિંહ એની ફોઈના ઘરે છે, આવતો જ હશે અહીં!”

“ક્યે છે કે એ મહિના પહેલા જહાજમાં આવી ગયો હતો, તે અટાણ હુધી હતો ક્યાં? ને કરે છ શું?”

“ઈ પૂરેપૂરો તો મનેય ખ્યાલ નથી. હું ય એને હજુ મળ્યો નથી. પણ પાદરે બધા કહે છે કે ગામમાં એ કાલે જ આવ્યો. હુકુમસિંહ પાંહેથી એટલી ખબર પડી કે એક મહિનાથી ઘાયલ હતો અને એનો જીવ બચાવનાર સરદારસિંહની ટોળકીમાં એ જોડાયો છે અને સરદારસિંહે એને દિલિપસિંહના વારસને શોધીને એને મોતને ઘાટ ઉતારવાનું કામ સોપ્યું છે!”

ચંદનસિંહના મોઢેથી સહજતાથી નીકળી ગયેલી બાતમી વત્સલા માટે આંચકા સમાન હતી.

વત્સલાના પગ તળેથી ધરતી જાણે ખસી ગઈ.

હજુ આજે જ એણે નક્કી કર્યું હતું કે પહેલા વીરસિંહને બધી જ વાત પહેલાથી છેલ્લે સુધી કહી દઈશ. કયાં સંજોગોમાં દિલિપસિંહની અને તેજલબાની હત્યા થઈ, કઈ રીતે બાળક એના ખોળે આવ્યું. આખી વાત વીરસિંહના વાંકડિયા વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં કહીશ. કહીશ કે સિંહના બાળને બાકરબચ્ચાની જેમ ન ઉછેરાય. પછી એને લલકારીશ, “વીરસિંહ! સાચા વીર હોવ તો તમે અભયને અસ્ત્રશસ્ત્રવિદ્યા શીખવી એને એનો હક્ક અપાવશો!”

હવે અચાનક ખબર પડી કે એ જ બાળકને મોતને ઘાટ ઉતારવાનું કામ વીરસિંહને સોંપાયું હતું!

અત્યાર સુધી અભયને જોખમ તો હતું જ. ચિંતાજનક હદે જોખમ હતું. પણ આજ સુધી વાત જુદી હતી, હવે અભયને વીરસિંહથી જ જોખમ હતું. હવે જવું ક્યાં?

ચંદનસિંહ એને કશું પૂછી રહ્યો હતો, એ સાંભળવા સમજવા હોશહવાસ એને ક્યાં હતા?

જડવત્‌ થઈ ગયેલી વત્સલાએ જોયું કે ચંદનસિંહની પાછળથી અભયને રમાડવા લઈ ગયેલા માણેકબાપુ વગડા તરફથી આવી રહ્યા હતા.

અચાનક એણે બે ડગ આગળ વધી ચંદનસિંહને મંદિરના પછવાડે ધકેલતાં કહ્યું, “જાઓ, તમે ઝટ્ટ વીણાના ઘરે જાઓ, એ અને એનું કટમ્બ તમારી રાહ જુએ છે.”

બાળકના મોતના ફરમાનની વાત સાંભળ્યા પછી, વીરસિંહ તો શું, ચંદનસિંહ પણ અત્યારે અભયને ન જુએ, એમ એનું ધડકતું હૃદય ઈચ્છતું હતું. ચંદનસિંહ નદીના પથ્થરો પરથી કૂદતો વીણાના ઘર તરફ આજે હક્ક્થી ગયો.

ચંદનસિંહ મંદિરની પાછળ દેખાતો બંધ થયો એટલે વત્સલા ભાગી અને આવી રહેલા માણેકબાપુને રોક્યા. એમના હાથમાંથી અભયને લઈને એણે છાતીસરસો ચાંપ્યો. અને અત્યાર સુધી ટકાવી રાખેલી બહાદુરી એની આંખથી ધારા બની વહી નીકળી.

અભયને ઉછેરવાની જવાબદારી સજોડે નિભાવવાની કલ્પના એની તૂટી પડી હતી. જાણે આશાના મંદિરની દીવાલ તૂટીને વેગમતીમાં વહી ગઈ.

***