વીર વત્સલા
નવલકથા
રઈશ મનીઆર
પ્રકરણ - 6
આજે તો વગડામાં વત્સલા બાપુની રાહ જોઈ રહી હતી. દિવસ ઢળ્યે રાહ બાપુની જ જોઈ શકાય એમ હતું. સપનામાં જેની રાહ જોતી એ વીરસિંહ તો મહાસત્તાઓ વચ્ચેના યુદ્ધનું પ્યાદુ બની ગયો હતો. આવા વખતમાં એના બાપુ જીવન અને મરણ નામની બે મહાસત્તાઓમાંથી જીવનને પડખે રહ્યા એનો આનંદ હતો.
વગડામાં બાપુની રાહ જોતાં જોતાં વત્સલા વિચારતી, માવતરના પ્રેમથી ચડીને કોઈ પ્રેમ દુનિયામાં હોઈ શકે ખરો? વૃદ્ધ થઈ રહેલા બાપુની સેવામાં એણે જાત ઓળઘોળ કરી દીધી હતી, પણ સતત એક વરસ સુધી વીરસિંહની સાથે વહેળામાં માંડેલી ગોઠડીઓ ભૂલાય એમ હતી? એ સમય ચડિયાતો નહોતો? માવતરનો પ્રેમ ચડે કે વાલમનો? વત્સલા વિચારે ચડી. વત્સલાને યાદ આવ્યું કે ત્યાં ચંદ્રપુરમાં તો વીણાને તો એના જ માવતરે ઝેર ઘોળવા કહ્યું, વાલમનોય સથવારો ન રહ્યો, ત્યારે એ બાળકના સથવારે ટકી ગઈ!
વત્સલા મહિનાઓથી વીણાનેય મળી નહોતી. ક્યારેક ચંદ્રપુર જતી ત્યારે વીણા કહેતી કે બસ હવે આવશે જ એ લોકો. વીણા ગમે ત્યાંથી ચંદનસિંહ અને વીરસિંહના ખબર લઈ આવતી. યુદ્ધ પૂરું થવાનું નામ નહોતું લેતું. આ હોળીએ સિપાહીઓને વિદેશ ગયાને ત્રણ વરસ પૂરા થવાના હતા. વીરસિંહ ક્યારે આવશે અને ક્યારે આ વનવાસ પૂરો થશે, એ વત્સલાને ખબર નહોતી. એને ભરોસો હતો કે વખતનો આ ટુકડો વેગમતીના પ્રવાહમાં ઓગળી જશે અને કોઈ નવી મોસમનો વાયરો બનીને વીરસિંહ આવશે. એને વીરસિંહનો ઈંતેજાર તો હતો પણ એ ઈંતેજાર વખતની ગણતરીથી પર હતો.
અત્યારે તો વત્સલાને હાટ ગયેલા બાપુની પ્રતીક્ષા હતી, એ કારણથી સરવા થયેલા એના કાનને વગડામાં બે ઘોડાની ટાપ સંભળાઈ. સાંજ ટાણે કોઈ વટેમાર્ગુ પસાર ન થાય. એક તો જંગલી જાનવરોનું જોખમ, ઉપરથી ભૂતપિશાચની અફવાઓ. કોઈ મરદમૂછાળા પણ જ્યાંથી પસાર થવાની હિંમત ન કરે ત્યાં આ બાપદીકરી રહેતા હતા. વત્સલાને બે માણસ અને બે ઘોડાના પદચાપ સાંભળી નવાઈ લાગી, આ ટાણે કોણ હશે વળી?
આ મઢૂલી પર વટેમાર્ગુના પગરવ નજીક આવતા અને પછી દૂર થઈ જતા કેમ કે વત્સલાની મઢૂલી મુખ્ય રસ્તેથી સો હાથ દૂર હતી. પરંતુ આજે પગરવ દૂર જવાને બદલે નજીક આવ્યો. સો હાથ... એંસી હાથ… પચાસ હાથ… વત્સલાને થયું, રસ્તાથી મઢૂલી સુધી પગદંડી, જે પગદંડી બાપ દીકરીના ચાલવાથી પડી ગઈ છે, એ જ માર્ગે કોઈ આવી રહ્યું છે. મઢૂલી બન્યા પછી પહેલીવાર આવું બન્યું હતું. વત્સલા ઊભી થઈ અને થોડાં ડગલાં સામે ગઈ. બે ઘોડેસવાર બન્ને તરફની ઝાડીઓનાં ડાળખાં તલવારથી વધેરી વગડાની અંદર સુધી નજર નાખવાની કોશીશ કરતા હતા!
વત્સલાને જોતાની સાથે એમાંથી એક બોલ્યો, “એય છોકરી! શું કરે છે તું, અહીં કોઈ આવ્યું?”
વત્સલાએ કહ્યું, “એય સિપાહી! ડાળખાં રેઢાં મૂક, તારી તલવાર મ્યાન કર! પછી જવાબ આપીશ!”
બીજો સિપાહી જરા નાની કાઠીનો હતો, એનો ચહેરો જરા જાણીતો લાગ્યો. એ ચંદ્રપુરનો જ રહેવાસી હુકુમસિંહ હતો. એ બોલ્યો, “છોકરી! માલિક કોઈ મામૂલી સિપાહી નથી, સરદારસિંહ છે. વઢવાણથી આવેલા સેનાનાયક છે!”
“તે અહીં શું કરે છે વગડામાં?”
સરદારસિંહ કડપભર્યા અવાજે બોલ્યો, “એય છોડી, ઝાઝી લપ નહીં જોઈએ!”
માણસના ક્રૂર અવાજથી જંગલની શાંતિનો ભંગ થતાં પંખીઓ જાગી ઊઠ્યાં.
સરદારસિંહ વધુ ગુસ્સે થાય એ પહેલા સિપાહી હુકુમસિંહ બોલ્યો, “માલિક! આ તો અમારા ગામના પૂજારી માણેકબાપુની દીકરી છે. એમની જમીન ઓલો શાહુકાર ગળચી ગયો એટલે વખાનાં માર્યા અહીં રહે છે!”
“એ ય છોડી, સીધેસીધું બોલ કે તેં કોઈ માણસોને જોયા અહીં?” સરદારસિંહના અવાજમાં એની તલવાર જેવી ધારદાર કડકાઈ હતી.
નન્નો ભણીને પાછી વળી રહેલી વત્સલાએ આજુબાજુ બોલી રહેલાં પક્ષીઓના અવાજમાં રહેલી ચિંતા પારખીને વિચાર્યું, આ લોકો જલદી રવાના થાય તો સારું.
સરદારસિંહે ઘોડો પાછો વાળતાં કહ્યું, “હુકુમસિંહ! એને કહે કે આપણી શોધ પાર પડે તો આપણને જે સો વીઘા જમીન મળશે, એમાંથી એના બાપને અડધુ-એક વીઘું આપી દઈશું. કોઈ આવે જાય તો આપણને ખબર કરે!”
હુકુમસિંહ બોલ્યો, “સાંભળ્યું છોડી?”
વત્સલાએ પાછળ જોયા વગર ડોકું ધુણાવ્યું. બન્ને નીકળી ગયા. વત્સલા વિચારી રહી, આ લોકો વિનાકારણ ઝાડવા વાઢે છે, એમને કોઈ કારણથી સો વીઘા જમીન અમસ્તી જ મળવાની છે અને અમે જમીનની માવજત કરી જાણીએ છીએ, તોય વગડામાં પથરાળ જમીન સાથે માથાં પછાડીએ છીએ.
પાછી ફરતી વત્સલાને ઝૂંપડી તરફ પગરવ સંભળાયો, એને થયું કે બાપુ કોઈ બીજી પગદંડીથી આવી ગયા કે શું? ઘણીવાર ઓસડિયાંના છોડવાં શોધવા એ નવા નવા રસ્તા લેતા. પણ આ પગરવ સાંભળીને ભેંસ ભાંભરી હતી. અને એ ભાંભરવાના અવાજમાં આવકાર નહોતો.
‘બાપુ..!” એવી બૂમ પાડીને વત્સલા મઢૂલી તરફ દોડી, મઢૂલીએ આવીને જોયું તો એક અજાણ્યો માણસ માટલામાંથી કળશિયો ભરી રહ્યો હતો. “એ ય એ ય!” બોલતી વત્સલા વિચારી રહી, આ ગામડિયો કયા રસ્તે મઢૂલી પર આવ્યો અને કયા અધિકારથી એના ગંદા હાથ વડે માટલાને અડકી રહ્યો હતો!
એ માણસ વત્સલા તરફ એક દયામણી નજર નાખીને લોટો લઈ મઢૂલીની અંદર ચાલી ગયો. વત્સલા બડબડી, “લો કરો વાત, આ તો પૂછ્યાગાછ્યા વગર ઝૂંપડીને અંદર પહોંચી ગયો!”
એ દોડી, અંદર જોયું તો એક સ્ત્રી સૂતી હતી. થાકેલી હતી, ઝડપથી શ્વાસ લઈ રહી હતી.
વસ્ત્રો પરથી બન્ને સામે કાંઠેના કોળી હોય એવું લાગ્યું. સામે પાર સૂરજપૂરથી છ ગાઉ દૂર માછીમાર કોળીઓનું ગામ હતું. પણ નદીનો પટ પથરાળ હતો એટલે હોડીઓ તો આ પાર આવી નહોતી શકતી. અને તરીને નદી પાર કરી આ તરફ આવવાનું જોખમ આ કોળીઓ શું કામ ખેડે? એમને તો ખબર જ હોય કે વેગમતીના આ વળાંક પર નદીમાં જેટલી લહેર ઊઠે છે, એટલા જ મગર નદીમાં જડબાં ફાડીને ટાંપીને તૈયાર હોય છે.
વત્સલાએ નદીકાંઠાના કોળીઓની ભાષામાં પૂછ્યું, “કોણ છો તમે? કોને પૂછીને ઘરમાં ઘૂસ્યા?”
બન્ને સાવ ચૂપ થઈ ગયા!
વત્સલા જોઈ રહી, આ માછીમાર કોળી છે કે પછી આ ઘરફોડુ ચુંવાળિયા છે? કે પછી સાપ પકડવા આવેલા મદારી છે?
પેલી સ્ત્રી પુરુષ સામે જોઈએ બોલી, “સાચું કહી દો!”
પુરુષ કંઈ બોલ્યો નહીં.
બે ક્ષણ મૌનમાં વીતી.
ત્યાં જ બાળકના રડવાનો અવાજ આવ્યો. સ્ત્રીએ છાતી સાથે ફાળિયું બાંધેલું હતું જેમાં નાનકડું બાળક હતું. અવાજ સાંભળીને વત્સલા સમજી ગઈ બાળક માંડ અઠવાડિયાનુંય નહીં હોય! એને લઈને આ લોકો ક્યાં રખડવા નીકળ્યાં!
ધ્યાનથી જોયું તો પુરુષના ચહેરે, અને કોણી પર ઈજાનાં, ઘસરકાનાં નિશાન હતાં. એનું પહેરણ પણ લોહીવાળું હતું.
“જલ્દી બોલો, કોણ છો તમે?”
ત્યાં જ ફરી એ જ ઘોડાઓની ટાપ સંભળાઈ!
આ વખતે ઘોડા ઝડપથી આવી રહ્યા હતા. ઘોડેસવારોની ગતિમાં ડાળખાં વધેરી જંગલ ફંસોફવાની અનિશ્ચિતતા નહોતી, કશુંક હાથવેંતમાં હોવાની ખાતરી સાથે એ મઢૂલી તરફ ધસી રહ્યા હતા!
“આ ઘોડેસવારો શું શોધી રહ્યા છે?”
અજાણી સ્ત્રીએ ફાળિયું છોડી બાળકને છાતીસરસું વળગાડ્યું. જેથી એ રડે નહીં.
બહારથી બાપુનો અવાજ સંભળાયો!
“વત્સલા! વત્સલા!” એમનો કાયમનો ક્રમ હતો, એવી જ વહાલભરેલી બૂમ હતી.
પણ વત્સલા વખત પારખીને જવાબ વાળ્યા વગર અંદર જ રહી.
એક તરફથી બાપુ નાની કેડી લઈ મઢૂલી પહોંચ્યા અને એ જ સમયે પેલા બન્ને ધસમસતાં ઘોડેસવાર પણ પગદંડીથી આવી પહોંચ્યા!
ઘોડાની ગતિને મહામહેનતે કાબૂમાં લેતાં હુકુમસિંહે કહ્યું, “રામ રામ! માણેકબાપુ!”
સરદારસિંહ બોલ્યો, “એય બૂઢા! કોઈ આવ્યું અહીં?”
માણેકબાપુ બોલ્યા, “અહીં હું ને મારી દીકરી બે જ રહીએ છીએ. અને આ ભેંસું છે વધારામાં.”
સરદારસિંહ, “જોઈ તારી દીકરીને તો! પણ રાજના દુશ્મન આ તરફ જ આવ્યા છે, આટલાકમાં જ ક્યાંક સંતાણા છે બન્ને!”
સરદારસિંહ ઘોડેથી નીચે ઉતરી પાણીના માટલા તરફ ગયો.
માણેકબાપુ બોલ્યા, “અહીં કોણ આવે? અહીં કોઈ ન આવે!”
હુકમસિંહ બોલ્યો, “અહીં અમે નદી તરફ ઘોડાને પાણી પાવા ગયા ત્યારે આ તરફ જ હલચલ સાંભળી! બે જણા આવ્યા આ તરફ!”
અંદરથી વત્સલાએ આ વાત સાંભળી અને એ આ બન્નેની સામે જોઈ રહી. એને થયું કે આ ચુંવાળિયા રાજના દુશ્મન કેવી રીતે હોઈ શકે? કે પછી દિલીપસિંહ અને તેજલબાના કોઈ સેવક કે સાથી હશે? સ્ત્રીની હાંફનો અવાજ બહાર ન જાય એ માટે પુરુષે હળવેથી એના મોં પર હાથ મૂક્યો. અશક્ત સ્ત્રીને ધાવણ નહીં આવતું હોય એટલે બેબાકળું થયેલું બાળક આમતેમ ફાંફા મારવા લાગ્યું.
એ રડે એ પહેલા વત્સલાએ મધની શીશી કાઢીને મધ આંગળી પર ઢોળ્યું. અને મધમાં બોળેલી આંગળી બાળકના મોંમાં નાખી.
બહાર સરદારસિંહ ફરી બરાડ્યો, “કોણ આવ્યું અહીં? બોલ...”
માણેકબાપુ બોલ્યા, “બીજું કોણ આવે આ તરફ, કાં હરણા હશે કાં જંગલી સુવ્વર!”
સરદારસિંહ બરાડ્યો, “અહીં જ છે સુવ્વરનો બચ્ચો! અને આ ડોસલાને ખબર છે કે એ કઈ તરફ સંતાણો છે!” એણે માણેકબાપુની ગરદન પકડી!
હુકુમસિંહ બોલ્યો, “માલિક, આ ગરીબ પૂજારી છે. એને..” પછી માણેકબાપુ તરફ જોઈ બોલ્યો, “માણેકબાપુ, તારી છોડીને બોલાવ!”
માણેકબાપુએ બૂમ પાડી, “વત્સલા! વત્સલા!”
કોઈ માણેકબાપુની ગરદન પકડે અને વત્સલા અંદર હોય ને એ બહાર ધસી ન આવે એવું ન બને.
એટલે માણેકબાપુ ખાતરીપૂર્વક બોલ્યા, “નહીં હોય અંદર! લાગે છે વત્સલા નદી કાંઠે ગઈ હશે!”
અંદર વત્સલાનું લોહી ઉકળતું હતું તોય પેલા અજાણ્યાની કરગરતી આંખ જોઈને વત્સલાએ બહાર ન આવવાનું જ યોગ્ય માન્યું. શું થઈ રહ્યું છે, એ કશું એને સમજાયું નહોતું પણ ‘આવનાર શરણાગત ગણાય? એનાં રખોપાંની આપણી જવાબદારી કેટલી?’ એ વિચારતાં વત્સલાએ ધીમે રહી અંદરથી આગળો વાસ્યો.
સરદારસિંહ એની બંદૂકના કુંદા વડે આંગણામાં જે કંઈ હતું એ ફંફોસી રહ્યો હતો. ઘાસની ગંજીઓ, છાણાંનો ઢગલો, સૂકાં ડાળખાંનો ખડકલો, ક્યાંય કોઈ છુપાયેલું ન મળ્યું એટલે એણે ગુસ્સામાં આવી કુંદો ફટકારી માટલું ફોડી નાખ્યું. માટલું ફૂટવાના અવાજથી ઝૂંપડીમાંના તમામ જીવ ધ્રુજી ઊઠ્યા. સરદારસિંહ હવે બહુ જલદી ઝૂંપડીમાં આવવાનો હતો.
***