વીર વત્સલા - 7 Raeesh Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીર વત્સલા - 7

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 7

સરદારસિંહે હુકમસિંહ સાથે આવીને માણેકબાપુની મઢૂલી પર ઉધમ મચાવ્યો હતો.

આટલા ઉત્પાત પછી વત્સલા બહાર ન આવી એટલે માણેકબાપુને થયું કે મઢૂલીમાં કોઈ નથી.

માણેકબાપુએ તોય મઢૂલીને બહારથી આગળો માર્યો, જેથી બહાર કરી એવી તોડફોડ, સરદારસિંહ અંદર ન કરે! જે ખોરડાંને સજાવતાં પંદર દિવસ થયા એને વિખેરવા દોઢ મિનિટ બહુ હતી. દિલીપસિંહ અને તેજલબાની શોધમાં નીકળેલો સરદારસિંહ હવે રઘવાયો થયો હતો. કેમ કે સફળતા હાથવગી હોય અને હાથતાળી આપી જાય, એ એને મંજૂર નહોતું.

“સાચું બોલ! કોઈ આવ્યું છે? નહિતર તારી આખી ઝૂંપડી ખેદાનમેદાન કરી નાખીશ!

આંગણાની તોડફોડનો આઘાત પચાવીને ઊભેલા માણેકબાપુને કહેવાનું મન થયું, “ગરીબના ઘરમાં તૂટી શકે એવી ચીજવસ્તુઓ કેટલી હોય? અને એના કરતાં એમની ફરીથી ઘર વસાવવાની તાકાત અનેકગણી હોય છે!” પણ કંઈ બોલવાને બદલે માણેકબાપુ મનમાં ક્ષણોના મણકા ફેરવતા રહ્યા અને વિચારતા રહ્યા કે આ આફત પસાર થઈ જાય પછી આ બધી તોડફોડ તો બહુ જલદી સમી કરી દઈશું.

અંદર વત્સલાને ખ્યાલ આવી ગયો કે આફત આમ પસાર થવાની નથી. નહીં નહીં તોય, પાંચમાંથી ત્રણ જીવને તો જોખમ હતું જ.

ખૂબ ધીમેથી એણે અજાણ્યા પુરુષને કહ્યું, “કંઈ ચોરી કે લૂંટફાટ કરી હોય તો શરણે થઈ જાઓ. બહુ બહુ તો જેલ થશે, બીજું શું?

પુરુષે નનૈયો ભણીને હાથથી પોતાના ગળે છરી ફેરવતો હોય એવો ઈશારો કરી વત્સલાને સમજાવ્યું કે આ લોકો એને જીવતો નહીં છોડે. એ સમયે સ્ત્રીના હાવભાવ જોઈને વત્સલાને ખરેખર ખાતરી થઈ કે આ લોકોની હકીકત જે હોય તે, પણ આ બન્ને જીવલેણ ક્ષણોનો સામનો કરી રહ્યા હતા એ નક્કી.

મઢૂલીને એક જ દરવાજો હતો જે રસ્તાની દિશામાં ખૂલતો. નદી તરફ તો માત્ર એક હવાબારી હતી, એ ખૂબ ઊંચે હતી અને નાની હતી. વત્સલાએ બહુ ઝડપથી વિચારીને ખાટલી ઊભી કરીને સ્ત્રીને ઈશારાથી સૂચવ્યું કે આના પર ચડી બહારની તરફ ઉતરી જાઓ. પણ ઊભી કરેલી ખાટલી પર ચડવા માટે બન્ને હાથે ટેકો લેવો પડે પણ સ્ત્રી બાળકને ઘડીભર પણ છોડવા તૈયાર નહોતી.

બહાર હુકુમસિંહ સરદારસિંહને સમજાવી રહ્યો હતો, “માલિક! એ લોકો ક્યાંય આગળ નીકળી ગયા હશે, આપણે બેકાર વખત ખોટી કરીએ છીએ.”

સ્ત્રીને આશા બંધાઈ કે સિપાહીઓ નીકળી જશે. એણે બાળકના કપાળે ચૂમી ભરી.

સરદારસિંહના કાન હુકુમસિંહની વાત સાંભળી રહ્યા હતા પણ એની નજર ભાગેડુના સગડ શોધી રહી હતી. એણે જોયું કે આંગણાનાં લીંપણ પર લાલ ચણોઠીનાં દાણાં જેવી હારમાળા હતી જે પાણીના માટલાથી ઝૂંપડીના દરવાજા સુધી જતી હતી.

લોહી ટપકતું શરીર ઝૂંપડીમાં ગયાનો પુરાવો જોઈ સરદારસિંહે આંખના પલકારામાં તરાપ મારી, ઘડીના છઠ્ઠા ભાગમાં માણેકબાપુને હડસેલીને સરદારસિંહે દરવાજો હચમચાવ્યો.

દરવાજો અંદરથી બંધ હતો. પણ એક નાજુક યુવતી અને એક વૃદ્ધે બનાવેલો વાંસનો કાચો દરવાજો લોખંડી સરદારની ઝીંક કેટલીવાર ઝીલી શકે?

બહારની ધબધબાટી સાંભળીને વત્સલાએ પુરુષને ઊભી કરેલી ખાટલી ઉપર ચડવા કહ્યું. હવાબારીમાંથી એ માંડ બહાર નીકળ્યો અને પછી તરત બાળકને લઈને વત્સલા પોતે ચપળતાપૂર્વક હવાબારીમાંથી બહાર નીકળી, બારીના ચોકઠા પર એક પગ બહાર અને એક પગ અંદર રાખી ઊભી રહીને હાથથી ટેકો દઈ સ્ત્રીને ઉપર ખેંચી. પોતે બાળકને સાચવીને બહારની દીવાલનો ટેકો લીધો. સ્ત્રી હવાબારીની વચોવચ હતી ત્યારે વત્સલાએ બહાર જમીન પર પગ મૂક્યો. અને વત્સલાએ સ્ત્રીને કહ્યું, “કૂદી જાવ!” એ જ પળે દરવાજો કડડડ કરી તૂટ્યો. બહારની તરફ ઉતરવા મથતી સ્ત્રીને વત્સલાએ બહાર ખેંચી તો લીધી પણ એ જ પળે ગોળીનો એક ભડાકો પણ થયો.

પુરુષ તો પંદરેક ડગલા દૂર જઈ એક ઝાડની ઓથે લપાયો હતો. અને ત્યાંથી એ સ્ત્રી અને બાળક સલામતીથી ઉતરે એની રાહ જોવા લાગ્યો. બાળક વત્સલાના એક હાથમાં સલામત હતું અને બીજા હાથે એ સ્ત્રીને ટેકો આપી સાચવીને નીચે ઉતારે એ પહેલા તૂટતી ભેખડની જેમ એ સ્ત્રી હવાબારીએથી બહારની તરફ નીચે પડી. એની પીઠ પર ગોળી લાગીને આરપાર નીકળી ગઈ હતી.

સ્ત્રીએ વત્સલાના હાથમાં હાથ મૂકી કહ્યું, “દીકરી, ભાગી જા જલદી! આ મારા બાળકને બચાવી લે! દીકરા, મને વચન આપ! બચાવશે ને એને?

સરદારસિંહ બહાર નીકળીને ફરીને ઝૂંપડીની પાછળના ભાગે આવે એ પહેલા વખત વરતીને, વત્સલા ત્યાંથી ભાગી ગઈ. એક અજાણી દુખિયારી સ્ત્રીની મરતી આંખોએ માંગેલું વચન કઈ રીતે નિભાવવું એની ગડમથલમાં ઝાડીમાં અલોપ થઈ ગઈ. સરદારસિંહ અને હુકુમસિંહ આવ્યા ત્યાં સુધીમાં તો અજાણી સ્ત્રીએ પ્રાણ છોડી દીધા હતા. છતાં સરદારસિંહે આવીને એની છાતીમાં તલવાર ઘૂસાડી દીધી. જે છાતીમાં બાળક માટે દૂધ નહોતું, એમાંથી લોહીની ધારા વહી નીકળી. આ દૃશ્યથી વિહ્વળ બનેલો ઝાડની પાછળ છુપાયેલો પુરુષ પોતાની સલામતી છોડી, અચાનક હાથમાં ખુલ્લી કટાર લઈ દોડી આવ્યો, વીજળીવેગે સરદારસિંહની છાતીમાં એણે એ કટાર ઘૂસાડી દીધી. પણ આ શું? કટાર વાંકી વળી ગઈ. લોઢું લોઢા સાથે ટકરાયું, સરદારસિંહે બખ્તર પહેર્યું હતું. ઘા નિષ્ફળ જતાં હતપ્રભ થયેલ પુરુષ સંતુલન ચૂક્યો. અને એના માથે હુકુમસિંહની બંદૂકનો કુંદો વાગતાં જ એ પુરુષ ઢળીને સ્ત્રીની બાજુમાં જ પડ્યો. એ ઊભો થઈ શકે એ પહેલા એની પીઠ પર સરદારસિંહે બે ગોળી ધરબી દીધી અને પુરુષ અને સ્ત્રીના લોહીના રેલા એકમેકમાં મળી ગયા.

માણેકબાપુ ફાટી આંખે આ દૃશ્ય નિહાળી રહ્યા હતા. મઢૂલીની આસપાસની જમીન આમ કોઈ અજાણ્યાનું લોહી સિંચાઈને ફળદ્રુપ બનશે એવી એમને કલ્પના નહોતી. કોણ હતા આ લોકો? વત્સલા એ એમને ઘરમાં આવવા દીધા હશે? વત્સલા ક્યાં હતી? એમને વત્સલાની ચિંતા થવા લાગી. પણ વત્સલા કમ સે કમ અત્યારે તો સલામત હતી. એ તો પચાસ હાથ દૂરથી આ અણધારી ઘટના પર નજર રાખી રહી હતી.

સરદારસિંહે હુકુમસિંહને પૂછ્યું, “આ જ છે ને દિલીપસિંહ? કે પછી કોઈ નવાણિયો કુટાઈ ગ્યો?”

હુકુમસિંહે જવાબ આપવાનો હતો. એણે દરબારમાં દિલીપસિંહ બાપુને ઘણીવાર કુર્નિશ બજાવી હતી. પણ વેશપલટો કરેલ આ પુરુષ ઝટ ઓળખાય એવો નહોતો. હુકમસિંહે એના બાવડા પાસેનું વસ્ત્ર કટારથી ફાડ્યું અને ત્યાં સૂર્યવંશનું છૂંદણું દેખાયું. પુરુષના મૃતદેહનો જમણો હાથ હજુ કટારને સજ્જડ રીતે પકડી રહ્યો હતો. એ હાથને છ આંગળી હતી. સૂરજગઢની સૂર્યવંશી ગાદીના મોટા કુંવર દિલીપસિંહને ઓળખવા માટે આ બે નિશાની પૂરતી હતી. અવાજમાં ખુશીની ધ્રુજારી સાથે હુકુમસિંહ બોલ્યો, “મોટાકુંવર અને તેજલબા જ છે!”

બે મૃતદેહોનું લોહી ઠરી રહ્યું હતું અને અહીં હુકમસિંહના લોહીમાં જોશનો થનગનાટ હતો. કેમ કે સરદારસિંહે એને વચન આપ્યું હતું કે સો વીઘામાંથી દસ વીઘા એને મળશે.

હુકુમસિંહ! ગામથી ચાર મહેતરને બોલાવી આ બન્ને શબ સૂરજગઢ મોકલવાની વ્યવસ્થા કરો. હું કુંવર દુર્જેયસિંહને જઈને ખબર આપું છું કે રાજના દુશ્મનને મેં પતાવી દીધા છે. એમને કહીશ કે તમારી ગાદી આડેની આડખીલી આ સરદારસિંહે કાયમ માટે દૂર કરી નાખી છે!”

માણેકબાપુને હવે ખ્યાલ આવી ગયો કે અજાણ્યા માણસોના વેશમાં દિલીપસિંહ અને તેજલબા એમની મઢૂલીમાં છુપાયા હશે. માલવપુરની હાટમાં લોકો વાત કરી રહ્યા હતા કે દિલિપસિંહ ભાગીને કાંક છુપાણાં છે, એ વાત સાથે આ હકીકતની ગડ એમના મનમાં બેઠી.

ગામલોક કહેતા હતા કે દિલીપસિંહના વફાદાર સેવક વશરામ કોળીએ ભોંયરાને મારગે એમને નદીકિનારે કાઢ્યા. માણેકબાપુને ખ્યાલ આવી ગયો કે દિલીપસિંહ ત્યાં કોળીઓની વસાહતમાં ગામડિયાના વેશમાં રહ્યા હશે. સગડ સૂંઘતા સિપાહીઓએ સામે કાંઠે કોળીની વસાહતમાં આવીને આતંક મચાવી દીધો ત્યારે જીવ બચાવવા માટે મગરનો ડર વિસરીને મોટા કુંવર અને તેજલબા નદીમાં કૂદી પડ્યા હશે.

દિલીપસિંહ અને તેજલબા ભૂખ્યાતરસ્યા આ નિર્જનકાંઠે ભટકતાં અહીં આવી પહોંચ્યા હશે. ઝૂંપડીમાં આશ્રય લીધો અને આ કાળનો કોળિયો બની ગયા. હવે આ બધામાં વત્સલા ક્યાં હશે, એની ચિંતા એમને સતાવી રહી હતી.

સરદારસિંહે બે ઘડી માણેકબાપુ પર એક શંકાભરી નજર નાખી. બેનાળી હાથમાં લીધી. હુકુમસિંહ જરા તંગ થયો, “માણેકબાપુ જલદી બોલી દે! તને ખબર હતી ને કે આ લોકો તારી ઝૂંપડીમાં છુપાણાં છે!”

સરદારસિંહે બેનાળી માણેકબાપુના કપાળે ટેકવી.

માણેકબાપુએ કહ્યું, “મારી વત્સલાના સમ! માલિક હું તો પરોઢિયે માલવપુર હાટ ગયો હતો, અટાણે તમારી ભેળો જ અહીં આવ્યો.”

સરદારસિંહની બેનાળી ખસાડવાની મગદૂર તો હુકુમસિંહમાં નહોતી, પણ માણેકબાપુને ટેકો દઈ એ બીજી તરફ લઈ ગયો. રસ્તે આવતાંજતાં એમની વાડની બહુ કાકડીઓ ખાધી હતી. એની દીકરીના હાથનું પાણી પણ પીધું હતું. એણે સરદારસિંહને કહ્યું, “માલિક, આ ગરીબ ભગવાનનો માણસ છે, એ જૂઠું ન બોલે! મેં આપણા સિપાહીઓએ સાથે માલવપુર હાટ ધમરોળ્યું ત્યારે એ ત્યાં હાટમાં જ હતો!”

સરદારસિંહે ગડ બેસાડી, “હં, તો દિલીપસિંહ ઝૂંપડી ખાલી જોઈને અંદર ઘૂસી ગયો હશે.”

સરદારસિંહની બેનાળી બે ઈંચ નમી. એ જોઈને હુકમસિંહ બોલ્યો, “માલિક, ખરેખર એવું હોય તો આ ગરીબની ઝૂંપડી આપણા માટે શુકનવંતી નીવડી કહેવાય!”

***