64 સમરહિલ - 12 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 12

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 12

છપ્પન ભાગવાનું ટાળે એ માટે ચોરેલી મૂર્તિ ઈકોસ્પોર્ટની પાછળી સીટના મોડિફાઈ કરેલા ખાનામાં રાખીને તે અહીં આવ્યો હતો એ નિર્ભિકતા હવે તેને પોતાની સરાસર બેવકૂફી લાગતી હતી.

'પ્લાન બદલવો પડશે..' ખિસ્સામાંથી રૃમાલ કાઢીને ચહેરા પરનો પસીનો લૂછતા તે મનોમન બબડયો. પોલીસ તેની ધારણાથી અનેકગણી વધારે ચબરાકીથી અને પોલીસને કદી સુસંગત ન લાગે એટલી ઝડપથી તપાસમાં જોતરાઈ ગઈ હતી.

***

છપ્પને કામ બરાબર પાર પાડયું હતું.

ત્વરિત નીકળ્યો કે તરત તેણે પોતાની કરામત આદરી હતી અને હુલિયો સદંતર બદલી નાંખ્યો હતો. જપાકુસુમ તેલની બોટલ તેણે ખોલી અને માથા પર ટાપલી મારો તો ય છાંટા ઊડે એટલું તેલ નાંખીને વાળને ચિપકાવી દીધા. જાડી ફ્રેમના નંબરવાળા ચશ્મા પહેર્યા. ગળા ફરતો સિલેટિયા રંગનો મેલો ગમછો વીંટયો અને ખદડ સફેદ કાપડમાંથી બનેલા પહોળી મોરીના પાયજામા પર વાદળી રંગનું ઈસ્ત્રી વગર ચિમળાયેલું ખમીસ ચડાવ્યું. હવે એ અદ્દલ દેહાતી ખેડૂત લાગતો હતો.

કતની-શાહદોલ હાઈ-વે ક્રોસ કરતાં સુધી તેનો જીવ ફફડતો હતો. જો પોલીસ તપાસ વેગમાં ચાલતી હોય તો આ ગાડી પણ તેમની તપાસમાં સામેલ હશે જ. હાઈ-વે પર પહોંચતા પહેલાં કાચી સડક પાસે ગાડી થોભાવીને તેણે નકામા સામાનનો નાશ કરી નાંખ્યો. ડિંડોરીના ચાર દિવસના રોકાણ દરમિયાન પહેરેલા કપડાં, જૂતાંનું પોટલું વાળીને તેણે ડિઝલ છાંટી કાંડી મૂકી દીધી. ચોરેલી મૂર્તિ ત્વરિતે તેની ગાડીમાં રાખી હતી. હવે બસ, બોલેરોથી છૂટકારો થાય એટલે હાશ..

હાઈ-વે પર ખાસ પેટ્રોલિંગ જણાતું ન હતું. કતની તરફ જતા ટ્રક અને લોડિંગ વ્હિકલ સિવાય ખાસ ટ્રાફિક ન હતો. થડકતા હૈયે હાઈ-વે ક્રોસ કરીને તેણે સોહાગપુર તરફ જતી સડકની દિશાએ ગાડી વાળી. ચોમાસાની નમતી બપોરના ભીના વીંઝણા હેઠળ લીલોછમ સન્નાટો ઓઢીને વગડો ઝોંકે ચઢ્યો હતો. વીસેક મિનિટ પછી તેણે એક રેઢા ખેતરની ઉબડખાબડ જમીન પર ગાડી વાળી. થોડેક આગળ લઈ જઈને ત્યાં જ તેણે બોલેરો છોડી દીધી અને સુટકેસ ઊંચકીને હાઈ-વે તરફ પાછો ફર્યો.

આંખ આડે હાથનું નેજવું કરીને તે કતની તરફથી આવતા વાહનની રાહમાં હતો. પંદરેક મિનિટ પછી દૂરથી એક ટ્રક આવતો દેખાયો. તેણે હાથ ઊંચો કરીને ટ્રક રોક્યો.

'બૈકુંઠપુરા ઉતાર દો ભૈયા.. અપણી ફેમ્લી મેં ડેથ હો ગવઈ હૈ... સમસાન પહુંચના હૈ વક્ત પર...' ખભા પરથી ગમછો ઝાટકીને ચહેરો લૂછતા તેણે કહ્યું.

બૈકુંઠપુરા ચૌરાહા પાસે ત્વરિત તેને મળવાનો હતો અને એ ન આવે ત્યાં સુધી એક ધાબામાં બેસીને તેણે ત્વરિતની રાહ જોવાની હતી.

***

'સ્કોચ તો અહીં નહિ મળે... રોયલ સ્ટેગ ફાવશે?'

છપ્પને ફરીથી જરા મોટા અવાજે પૂછ્યું ત્યારે સોફા પર લાંબા થઈને હવામાં તાકી રહેલા ત્વરિતની તંદ્રા તૂટી.

ડિંડોરીથી એ નીકળ્યો ત્યારથી તેના મગજમાંથી રાઘવ માહિયા નીકળતો ન હતો. મંદિરના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળીને તરત તેણે છપ્પનને ફોન કરવાનો વિચાર કર્યો હતો પરંતુ તેને સવાલ થયો કે અહીં આસપાસમાં ક્યાંક ઈન્ટરસેપ્ટર વાન હશે તો? છપ્પન ધારો કે ભૂલથી તેને ફોન કરે તો પણ ઈન્ટરસેપ્ટરમાં એ ઝલાઈ જાય. છપ્પનનો નંબર હથેળીમાં લખીને તેણે અગમચેતી વાપરીને પોલીસને આપેલા નંબરવાળો ફોન સ્વિચ્ડ ઓફ કરી દીધો અને ગાડીના ડ્રોઅરમાંથી બીજું સીમકાર્ડ કાઢ્યું હતું.

રાઘવ માહિયાએ જે રીતે ઘાતકી ઠંડકથી તેની ઉલટતપાસ લીધી એ પછી હવે તે કોઈ જ રિસ્ક લેવા તૈયાર ન હતો. બૈકુંઠપુરા ડિંડોરીથી માંડ ચાલીસેક કિલોમીટર હતું પણ હવે આટલા નજીક મળવાનું તેને જોખમી લાગતું હતું. રાઘવ માહિયા વિશે સાંભળીને છપ્પનને ય ઘડીક પેટમાં શેરડો પડી ગયો. છેવટે તેણે ત્વરિતને મધ્યપ્રદેશની બોર્ડર વટાવીને ૧૭૦ કિલોમીટર દૂર છત્તીસગઢના ગઢબિદરા ગામે પહોંચવા જણાવ્યું. ત્યાં છપ્પનના જૂના વિશ્વાસુ દોસ્તે ઢાબુ માંડયું હતું. જગ્યા તદ્દન સલામત હતી અને બોર્ડર ક્રોસ કરી ગયા પછી પોલીસનો ભય પણ ખાસ્સો ઘટી જતો હતો એટલે ત્વરિત પણ સંમત થયો.

મોડી સાંજે તે ગઢબિદરાના પાટિયા પાસે પહોંચ્યો ત્યારે છપ્પન તેની રાહ જોઈને રોડ પર જ ઊભો હતો.

દિવસભરની દડમજલ અને થકવી દેતા તણાવ પછી આજે બંનેએ ગળા સુધી શરાબ ઢીંચીને ઘોરી જવાનું નક્કી કર્યું હતું... પણ ત્વરિતના મગજમાં હજુ ય વિચારો અટકતા ન હતા.

'શું વિચારે ચડયો છે યાર?' છપ્પને ટેબલ પર મૂકેલા ગ્લાસમાં પેગ બનાવતા કહ્યું, 'પહેલી બાર પોલીસ સે મિલા તો હો ગઈ ડેઢ ફૂટ કી?'

'શટ અપ...' ત્વરિતે સોફો સ્હેજ નજીક ખસેડીને ગ્લાસ ઊઠાવ્યો અને હવામાં ચિઅર્સ કરતાં કહ્યું, 'તને અત્યારે જશ્ન સુઝે છે બટ યેટ વી હેવ ટૂ થિન્ક સો મેની થિંગ્ઝ...'

'તો તારી એ સો મેની થિંગ્ઝ થિન્કવા માટે આપણે સતત હવામાં તાકવું જરૃરી છે?' શરાબની ગંધથી જ છપ્પનનો મિજાજ રંગતે ચડવા લાગ્યો હતો.

'આઈસ મિલેગા?' ત્વરિતે એક મોટો ઘૂંટ ગળા હેઠળ ઉતારતા પૂછ્યું.

'ઉમ્મિદ તો નહિ હૈ... ફિર ભી પૂછ લેતે હૈં...' છપ્પનને ઓરડાના પગથિયા પાસે જઈને હાક મારી, 'અબે કેકવા, એક પિલાટ બર્ફ બગૈરા ભીજવા ના...'

'નામ તો ઉસ સસુરવા કા કિસનકાંત હૈ..' છપ્પને બે ઘૂંટડામાં અડધો ગ્લાસ ગળા નીચે ઉતારી દીધો એ જોઈને ત્વરિત મનોમન મલકી ઊઠયો. સાલો દારૃની બોટલ ખૂલી કે તરત અસલ ભૈયો બની ગયો હતો, 'હમ ઉસ કો કિસનવા બોલતે તો ઉસ સસુરે કો મિર્ચી લગ જાતી થી. તો કિસનવા સે બચને કે લિયે વો કિસનકાંત મેં સે હો ગવયા કેકે... તો ક્યા ફરક પડા? અબ હમ સસુરેકો કેકવા કહેકે બુલાત હૈ...' પછી પોતાની મજાક પર પોતે જ ભદ્દા અવાજે ખિખિયાટા નાંખવા લાગ્યો.

ચાર ઘૂંટડામાં ગ્લાસ ખાલી કરીને છપ્પને બીજો પેગ ભર્યો અને ત્વરિતની સામે જોયું. ત્વરિતનો ગ્લાસ હજુ અડધો ભરેલો હતો, 'અરે ઊઠા ના.. આઈસ તો આયેગા..'

ત્વરિત જવાબ વાળે એ પહેલાં લાકડાના દાદરા પર ધબ-ધબ કરતું કોઈ ચડી રહ્યું હતું, 'લો તેરા આઈસ ભી આ ગયા...' ગ્લાસમાં સોડા રેડી રહેલા છપ્પને આઈસ ક્યુબ લઈને આવેલા છોકરાને બાઉલ ટેબલ પર મૂકવા ઈશારો કર્યો. છોકરાએ બાઉલ મૂક્યું અને બીજા હાથમાં રહેલું એક પેેકેટ છપ્પન ભણી લંબાવ્યું.

'ઈ કા હૈ?' કાળા રંગની કોથળીમાં કશુંક જોઈને છપ્પનને અચરજ થતી હતી, 'કેકવાને ભેજા?'

'મેર કો કા માલમ? સેઠને બોલા કિ ઉપર સા'બ કો દેદે'

'અરે પર હૈ કા?' ત્વરિત ગ્લાસમાં આઈસના ત્રણ ક્યૂબ્ઝ નાંખીને વ્હિસ્કી હલાવતો રહ્યો અને છપ્પને વિસ્ફારિત આંખે પેકેટ ફરતું વિંટાળેલું રબ્બર બેન્ડ ખોલ્યું. અંદરથી છાપાના કાગળ ફરતું બીજું રબ્બર તોડયું અને ગભરાટમાં ધૂ્રજતા હાથે કાગળ ફાડયો એ સાથે તેની આંખોમાં ખૌફના મોજાં ઉછળવા લાગ્યા.

અંદર પાંચસોની નોટોના ત્રણ બંડલ હતા અને ઉપર ચાર વડી ગડી વાળેલો એક સાદા કાગળ ખોસેલો હતો.

નોટોના બંડલ જોઈને થંભી ગયેલો ત્વરિત પણ હવે પ્રશ્નસૂચક નજરે છપ્પનને જોઈ રહ્યો હતો. ચીઠ્ઠી વાંચી રહેલા છપ્પનની આંખોમાં કોઈ અગોચરને ભાળી ગયો હોય તેવો ખાલીપો પછડાતો તેને અનુભવાયો.

'શું છે? આ બંડલ કોણે...' વાક્ય પૂરું કરતાં પહેલાં જ ત્વરિતને અણસાર આવ્યો. તેણે ઝાટકાભેર છપ્પનના હાથમાંથી ચીઠ્ઠી ખેંચી.

પહેલું જ વાક્ય લખ્યું હતું, 'શાબ્બાશ છપ્પન બાદશાહ...'

ચીઠ્ઠી છપ્પન ભણી ફગાવીને તરત તેણે નીચે ઉતરતા દાદર ભણી દોટ મૂકી અને રમણિયાના કઠેડા પર ઝળુંબીને હાક મારી, 'અબે કેકવા, યે કિસને ભેજા?'

'પતા નહિ સા'...' ભોંયતળિયેથી ગરદન ઊંચી કરીને કેકવાએ જવાબ વાળ્યો, 'હમ નહિ જાનિયો, ઉસને તો સિર્ફ ઈત્તા હી કહા કિ છપ્પન ભાઈજાન કો દેના હૈ...'

'અરે, પર વો થા કૌન?' એક સાથે ચચ્ચાર પગથિયા કૂદતો ત્વરિત નીચે ધસી આવ્યો હતો.

'થા નહિ, થી સરકાર... કોઈ લૌંડિયા થી...'

***

આજે કોઈ કેકવાને જુએ તો ધારી ન શકે કે એક જમાનામાં છત્તીસગઢથી છેક રાજસ્થાન સુધી આ માણસે કેવો કહેર મચાવ્યો હશે. ટ્રકના ક્લિનર તરીકે નાની ઉંમરે જ ધંધે વળગી ગયેલો કેકવો હાઈ-વે પર રખડી-રવડીને જ મોટો થયો હતો. ચાવી વગર ટ્રકના દરવાજા ખોલી નાંખવા, લોક કરેલી ડિઝલટેન્કમાંથી ડિઝલ કાઢી લેવું, ઇગ્નિશન હોલમાં ત્રાંબાનો વાયર કાળજીપૂર્વક પરોવીને વગર ચાવીએ ટ્રકનું એન્જિન ચાલુ કરી દેવું વગેરે કરામતો નાની ઉંમરે શીખી ગયા પછી ભરતપુરના કુખ્યાત બનવારી સાથે તેનો ભેટો થયો.

બસ, એ પછી કેકવાની કરામતને જાણે ઢાળ મળ્યો હતો. બનવારીની સોબતમાં જ્વેલર્સની દુકાનો તોડવાનું શરૃ કર્યા પછી એક-બે વાર એ ઝડપાયો ય ખરો પણ ફાયદો એ થયો કે પોલિસનો ઢોરમાર ખાઈને એવો રીઢો થઈ ગયો કે પછી પોલીસનો કે પકડાવાનો ડર જ નીકળી ગયો. પછી તો તેણે પોતાની ય ગેંગ બનાવી અને મોટાભાગે ગામડાંના સોનીઓને જ નિશાન બનાવવાની મોડસ ઓપરેન્ડી રાખી. દસેક વર્ષ પહેલાં ચોરીનો માલ સગેવગે કરવામાં તેને છપ્પન સાથે ઓળખાણ થઈ હતી.

છપ્પનનું 'કાર્યક્ષેત્ર' કેકવાથી ખાસ્સું અલગ હતું. કહો કે, કેકવો આજે જે ચોરીઓ કરતો હતો એ બધું તો છપ્પનસિંઘ કોલેજમાં હતો ત્યારે કરી ચૂક્યો હતો. કેકવાને છપ્પનની બિન્ધાસ્તી, પ્લાનિંગની ચોક્સાઈ અને ચોરી માટેના ઓજારો બનાવવાની કાબેલિયતે ખૂબ પ્રભાવિત કર્યો અને એમ બેય વચ્ચે ભાઈબંધી જામી. જોકે બાપના આદેશનું અક્ષરશઃ પાલન કરતો છપ્પન કદી ટોળી બનાવતો નહિ એટલે કેકવાની કાકલૂદી છતાં છપ્પને કદી જોઈન્ટ વેન્ચર ન બનાવ્યું. પણ કોઈ મોટો હાથ માર્યા પછી પોલિસની નજરથી બચવા અંડરગ્રાઉન્ડ થઈ જવું પડે ત્યારે બંને એકમેકની મહેમાનગતિ માણતા રહે એવી ભાઈબંધી તેમની વચ્ચે મજબૂત હતી.

હવે તો જોકે કેકવો બધી લીલા સંકેલી લઈને તમામ અર્થમાં સફેદપોશ થઈ ચૂક્યો હતો. તે આમ તો હતો માંડ પચાસનો થવા આવેલો એક જમાનાનો રીઢો ચોર પણ શોખસાહ્યબી એકદમ રજવાડી રાખી જાણતો. ચોરીની કમાણી તેણે ચોખ્ખા ધંધામાં આબાદ રોકીને વખત પહેલાં જ નિવૃત્તિ લઈ લીધી હતી. આઠ-દસ ટ્રક ખરીદીને તેણે રાયપુર-દિલ્હી અને રાયપુર-અમદાવાદ લાઈન પર ભાડે ફેરવવા માંડયા હતા અને હાઈ-વે ઉપર આ ધાબુ શરૃ કરીને તે આરામની જિંદગી જીવતો હતો.

આવક સધ્ધર હતી, ધંધો ચોખ્ખો હતો પણ જીવ તો હરામખોરીનો જ રહ્યો એટલે તેનું ધાબુ ય આડકતરા ગોરખધંધાને છત્ર પૂરું પાડતું. પોતે ચોરીના ધંધામાંથી હાથ ખેંચી લીધો પણ જૂના દોસ્તો માટે આશરો પૂરો પાડવામાં તેને હજુ ય લિજ્જત આવતી. પોતે ક્યાંય ફસાય નહિ તેની કાળજી રાખીને તે દોસ્તોને આશરો ય આપતો અને તેમનો માલ પણ સાચવતો.

બપોર થાય ત્યારે તેની સવાર પડતી. ઈમ્પોર્ટેડ લક્સ સાબુથી ન્હાઈ, કાનમાં મોગરાના અત્તરનું પૂમડું ઘાલીને કડક આર કરેલા સફેદ પેન્ટ-શર્ટમાં બનીઠનીને નીકળે એટલે જાણે આખો બગીચો નીકળ્યો હોય તેમ એ મઘમઘતો. ટ્રાન્સપોર્ટના ભાડાની લેતી-દેતી પતાવી સાંજ ઢળ્યે એ ધાબે પહોંચે એ સાથે અહીં મહેફિલ મંડાતી. નિવૃત્તિ પછી તેણે હવે ત્રણ જ શોખ રાખ્યા હતા. પહેલી ધારનો તેજ દેશી મહુડો, હળવે હળવે જવાન થતી ભરપૂર બદનની ખૂબસુરત છોકરી અને યેશુદાસના ગીતો.

યેશુદાસનો એ ગાંડોતૂર આશિક. ધાબા પર તેનો આવવાનો ટાઈમ થાય એટલે તેનો નોકર અચૂક તેની ફેવરિટ સીડી ચડાવી રાખે. તેના ટ્રકના ડ્રાઈવરો ય કેકવાની આ અજીબ આશિકીની રોકડી કરવામાં માહેર થઈ ગયેલા. હિસાબ કરવાનો હોય ત્યારે ખાસ કેકવો સાંભળે એમ ટ્રકમાં યેશુદાસના ગીતો વગાડતા આવે અને કેકવો મુહમ્મદશાહ રંગીલાની અદાથી બંધ આંખે બેય હાથ હવામાં પસારી 'ક્યા બ્બાત.. ક્યા બ્બાત' કરતો ૫૦૦-૭૦૦ રૃપિયા ટીપમાં ધરી દે.

***

'કોઈ લૌંડિયા થી...' એવું કેકવાએ કહ્યું અને ત્વરિતના મોંમાંથી મોટા અવાજે રાડ ફાટી ગઈ એ સાથે ધાબાની તમામ રંગત ઓઝપાઈ ગઈ.

કાઉન્ટર પર અધૂકડા થઈ ગયેલા કેકવાના હાથમાં ચૂંગી ઠઠી રહી અને કશમાં લીધેલો ધૂમાડો ફેફસાંમાં ગોટવાવા લાગ્યો. રસોયો ય સાણસીથી ઊંચકેલું તપેલું એમ જ પકડેલું રાખીને બહાર આવી ગયો.

ઉભડક બેસીને પ્લેટ વીછળી રહેલો છોકરો, દૂર ખૂણામાં પાથરેલા કાથીના ખાટલા પર જમવા વેરવિખેર ગોઠવાયેલા પાંચ-સાત આદમી, લાકડાના પાટિયા પર થાળી-વાટકા ગોઠવી રહેલા નોકર, ધાબાથી સ્હેજ દૂર કુંડાળુ વળીને વાહનની રાહમાં બેઠેલાં દેહાતીઓનું ટોળું અને કાઉન્ટરના છાપરે ગોઠવેલા સ્પિકરમાંથી મોટા અવાજે વાગતું ગીત, 'સૂરમઈ અખિયોં મેં નન્હા-મુન્ના એક સપના દેજા રે... નિંદિયા સે ઊડતે પાખી રે, સપનો મેં આજા સા...'

કેકવાએ તરત રિમોટથી સીડી પ્લેયર પોઝ કર્યું. તેણે ચોરીનું કામ બંધ છોડી દીધું હતું, પણ બદમાશીનું દિમાગ તો હજુ ય સાબૂત જ હતું. પેકેટ આપી ગયેલી છોકરીમાં કશુંક લફડું છે એ પામીને તે સફાળો ઊભો થયો અને ત્વરિતને કશો જવાબ વાળવાને બદલે સીધો સડક ભણી દોડયો. ઘેરાતી રાતના કાળાડિબાંગ અંધારામાં દૂર એક પેટ્રોલપંપની લાઈટના આછેરા ઉજાસ સિવાય સર્વત્ર સન્નાટો હતો. બુલેટ મોટરસાઈકલની હળવી ઘરઘરાટી ધીમે ધીમે દૂર સરકી રહી હતી. તેણે કાન સરવા કરીને દિશા તાગવાનો નિષ્ફળ પ્રયાસ કરી જોયો.

અહીંથી પાંચસો મીટર છેટે ત્રણ રસ્તા ફંટાતા હતા. એક રસ્તો રાજનંદગાંવથી રાયપુર તરફ જતો હતો. બીજો રસ્તો મધ્યપ્રદેશના બાલાઘાટ તરફ અને ધાબુ જ્યાં હતું એ રસ્તો ગઢબિદરાથી મહારાષ્ટ્રના કોહમારા થઈને નાગપુર તરફ ફંટાતો હતો. કેકવાએ ગણતરીની સેકન્ડમાં ત્રણેય રૃટ પર મન દોડાવીને માથું ધૂણાવી નાંખ્યું. બુલેટના એક્ઝોસ્ટનો એ ટિપિકલ 'ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્' અવાજ હવે ચોમાસાની મેઘલી રાતે હવામાં ઘૂમરાતા તમરાંના ત્રમકારા કરતાં ય સાવ મંદ પડી રહ્યો હતો.

ત્વરિત કેકવાની મૂવમેન્ટને આશાભરી આંખે જોઈ રહ્યો હતો. કેકવો પેલા દેહાતીઓનું ટોળું બેઠું હતું એ તરફ વળ્યો એ સાથે ત્વરિતને કશુંક સૂઝ્યું હોય તેમ એ લાંબી ડાંફ ભરતો ધાબાની પાછળ પાર્ક કરેલી ફોર્ડ ઈકોસ્પોર્ટ તરફ દોડયો. ધાબાની સામે જ ગાડી પાર્ક થયેલી હોય તો હાઈ-વે પર પેટ્રોલિંગ માટે નીકળતી પોલીસ જમ્મુ-કાશ્મીરનું પાસિંગ જોઈને વહેમાય તેમ ધારીને છપ્પને જ તેને ધાબાની સાવ પાછળ ખેતરમાં ગાડી પાર્ક કરવા સૂચવ્યું હતું.

ખેતરની ઉબડખાબડ ભોંય પર સંતુલન જાળવવાની મુશ્કેલી છતાં રઘવાયા ત્વરિતે ગાડી નજીક પહોંચીને મોબાઈલની ટોર્ચ ઓન કરી એ સાથે તેનું હૈયું ઉછળીને પાંસળી સાથે અથડાવા લાગ્યું અને પેટમાં કોઈએ હાથ નાંખીને બળપૂર્વક આંતરડાનો વળ ચડાવ્યો હોય તેવી આંકણી ઉપડી આવી. બેકસીટના બેય દરવાજા ખૂલ્લા હતા અને મોડીફાઈ કરેલી ફર્શનું કુશન ફાડીને ખુલ્લા ફટ્ટાક પડેલા ઢાંકણામાં ત્વરિતને પોતાના હૈયાનો ધ્રાસ્કો સંભળાતો હતો.

એ ભેદી છોકરી સાલી ગાડીમાંથી મૂર્તિ ય ઊઠાવી ગઈ હતી.

આવ્યો હતો એથી ય વધુ ઝડપથી માટીના ઢેફાં ખૂંદતો તે ધાબા તરફ પાછો વળ્યો અને દૂરથી જ તેનાંથી બૂમ પડાઈ ગઈ, 'કેકવાઆઆઆઆ...'

(ક્રમશઃ)