ટહુકો - 12 Gunvant Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટહુકો - 12

ટહુકો

ઘડપણ સડવા માટે નથી

(August 14th, 2012)

માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરૂ થઈ જાય છે : બ્લડ-સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજમુદ્દલ સાથે પાછું મળે છે.

જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બુકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલાં ખોળિયાં જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થતું. માણસે ઘરડા નથી થવાનું. પણ વૃદ્ધ થવાનું છે. જે વૃદ્ધિ પામ્યો તે વૃદ્ધ ! પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો ક્યા ? ગમે તે ભોગે યુવાનીમાં બેઠાડું બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.

ચલના જીવન કા નામ,

ચલતે રહો સુબહ શામ.

પરસેવાના બે પ્રકાર છે. એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો. મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય. શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય. એ પરસેવો રોગમુક્તિ (healing)નો ખરો ઉપાય છે. કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.

પાછલી ઉંમરે દુઃખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખુરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલતુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વેમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે. પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંદ વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનાર દાદા ખાસા રળિયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરનાં સંતાનો એમનાથી કંટાળતાં નથી. પુત્રવધૂને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય.

જે વૃદ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃદ્ધ છેક છેવટ સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફેવિકોલ લગાડીને ચોંટી રહેતો નથી. સંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે મંદિરમાં જનારા લોકો લાંબુ જીવે છે. ભગવાન નામનું ટ્રાન્કિવલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું. જે બાલદી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. આ સ્પર્શ જીવનદાયી છે. લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerontology કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃદ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ અને વિવેકની સમૃદ્ધિ !

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. અમેરિકાના ફાઈનાન્સિયર બર્નાડ બારુચ કહે છે :

ઘરડા થવાની ઉંમર

હું આજે છું એનાં

પંદર વર્ષ પછીની જ હોય છે.

***