પ્રેમ અગન 21 છેલ્લો ભાગ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અગન 21 છેલ્લો ભાગ

પ્રેમ-અગન:-21 છેલ્લો ભાગ

સમય ક્યારેક એવાં સંજોગો ની શૈયા તૈયાર કરે છે જે ભીષ્મ ની જેમ ઈચ્છા મૃત્યુ નું વરદાન ધરાવતાં હોય તો પણ તમારી માટે બાણશૈયા બની જતી હોય છે..તમે કોઈ ઘટાટોપ વૃક્ષ ભલેને હોય અમુક વાર સમયનું ચક્રવાત તમને જડમૂડથી ઉખેડી નાંખતું હોય છે..કુદરત પણ ઘણીવાર કાતીલ બને છે અને તમારાં સપનાંઓની હત્યા કરી નાંખે છે.

શિવ પોતાની શ્રી ને પામી તો ચુક્યો હતો પણ હજુ શ્રી ને એનો ભૂતકાળ યાદ નહોતો એ વાતનો શિવને ખેદ જરૂર હતો..પોતાની સહાનુભૂતિ અને લાગણીનાં લીધે શ્રી એની તરફ આકર્ષાય અને એનાં પ્રેમમાં પડી..શ્રી ની સહમતીથી બંનેનાં લગ્ન પણ થઈ ગયાં..સુહાગરાત ની લિજ્જત માણ્યાં બાદ શ્રી ની જ્યારે આંખ ખુલી ત્યારે એને અચાનક બધું યાદ આવી ચૂક્યું હતું..આ વાતની જાણકારી જેવી હમીરે શિવને આપી એ સાથે જ શિવ પોતાની શ્રી ને મળવા ઓફિસેથી નીકળ્યો.

શ્રી શિવનાં આવવાની રાહ જોઈને બેઠી હતી ત્યાં એને સમાચાર મળ્યાં કે શિવ નો ગંભીર અકસ્માત થયો છે અને એને ક્રિટિકલ અવસ્થામાં સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો..એક તરફ હમીર શ્રી ને લઈને હોસ્પિટલ જવાં નીકળે છે તો બીજી તરફ શ્રીનાં પરિવારનાં સભ્યો પણ શિવનાં અકસ્માતનાં સમાચાર જાણી અમદાવાદ આવવાં નીકળી પડ્યાં હતાં.

શ્રી જેવી હોસ્પિટલમાં પહોંચી એ સાથે જ બાવરી બની પોતાનાં શિવને જોવાં માટે દોડી પડી.. હમીર પણ શ્રી ની પાછળ પાછળ ત્યાં જઈ પહોંચ્યો જ્યાં શિવ ની ઉપર ટ્રીટમેન્ટ ચાલી રહી હતી.શ્રી અને હમીર ને જોતાં જ ઓપરેશન થિયેટર ની બહાર બેન્ચ પર બેસેલો જય ઉભો થઈ એમની જોડે આવીને ઉભો રહ્યો અને ગંભીર ચહેરે શ્રીની તરફ જોઈને બોલ્યો.

"ભાભી,હોસ્પિટલનાં સૌથી સારામાં સારા ડોકટર હાલ શિવની ટ્રિટમેન્ટ કરી રહ્યાં છે..શિવનું લોહી ઘણું વહી ગયું છે અને માથામાં ગંભીર ઈજા પહોંચી છે.."

જય ની વાત સાંભળી શ્રી ધીરેથી શિવ..શિવ..બોલતી બોલતી જય જ્યાં બેઠો હતો એ બેન્ચ ઉપર બેસી ગઈ..શ્રી ની આંખોમાંથી બેસતાં ની સાથે જ અશ્રુધારા વહેવા લાગી.શ્રી ને હિંમત આપવાની હમીર અને જયે ઘણી કોશિશ કરી જેનાં ફળસ્વરૂપ શ્રી થોડી શાંત જરૂર થઈ હતી..છતાં એનાં હીબકાં અને ડૂસકાં નો અવાજ રહીરહીને આવી રહ્યો હતો.

હમીર તો હોસ્પિટલમાં આવ્યો ત્યારથી જ મનોમન ભગવાનને શિવની જીંદગીની દુવા માંગી રહ્યો હતો..એનાં માટે તો શિવ જ એનો પરિવાર હતો..જે પરિવારમાં શ્રીનાં આગમન પછી તો હમીર ખુબ જ ખુશ હતો..જય માટે પણ શિવ એનો દોસ્ત,બિઝનેસ પાર્ટનર,એનો યાર,એનો ભાઈ હતો..જય માટે પણ શિવને આ હાલતમાં જોવો ખૂબ મુશ્કેલ હતું.

હમીર,શ્રી અને જય ત્રણેય ઓપરેશન થિયેટરની બહાર બેઠાં-બેઠાં ડોકટર અને હોસ્પિટલ સ્ટાફની દોડાદોડ જોઈ રહ્યાં હતાં.ડોકટર નો ગંભીર ચહેરો જોઈ એ સમજી શકતાં હતાં કે શિવની જીંદગી પર સાચેમાં મોટું જોખમ હતું..એનો આ અકસ્માત કેટલો ગંભીર હતો એનો ખ્યાલ એ વાત પરથી લગાવી શકાય એમ હતો કે આઠ જેટલી લોહીની બોટલો ઉપરાઉપરી શિવને ચડાવવામાં આવી હતી.

આખરે ચાર કલાક જેટલાં મોટાં ઓપરેશન પછી મુખ્ય ડોકટર અશોક ભટ્ટ બહાર આવ્યાં ત્યારે એમનાં ચહેરા પર ચમક હતી..એમને બહાર આવતાં જોઈ જય ઉભો થઈને એમની જોડે આવીને ઉભો રહ્યો.. જય ની જોડે શ્રી અને હમીર પણ ડોકટર જોડે આવીને ઉભાં રહી ગયાં.

"સાહેબ શિવ ને કેવું છે..?"જયે બધાં વતી ડોકટર અશોક ભટ્ટ ને સવાલ કર્યો.

ડોકટર અશોક શું કહેશે એની ઉપર એ બધાં ની સઘળી આશાઓનો મદાર હતો..અને એમાં પણ શ્રી માટે તો ખાસ..કેમકે એનાં માટે તો શિવ એની દુનિયા હતો..શિવને કંઈપણ થઈ જાય તો શ્રી ની તો પુરી દુનિયા ઉજળી જવાનો પુરેપુરો ભય હતો..હજુ તો માંડ એ બિચારીને ખુશીઓ નાં દિવસો જોવાનો અવસર સાંપડ્યો હતો અને આજે શિવનાં આ અકસ્માતે તો શ્રી ને માનસિક અને શારીરિક એમ બંને રીતે ભાંગી મૂકી હતી.

"શિવની ઉપર સર્જરી તો પુરી થઈ ગઈ છે..અને હવે એની હાર્ટબીટ પણ રેગ્યુલર બની ચાલી રહી છે..એ મોત નાં મુખમાંથી બચી ગયો એનું કારણ કોઈ દૈવી શક્તિ જ લાગે છે..બાકી માથાં ઉપર આટલી સિરિયસ ઈંજરી પછી કોઈનું જીવિત બચવું લગભગ અશક્ય છે.."

આજે ડોકટર અશોક ભટ્ટ એ ડોકટર નહીં પણ ભગવાન સમાન લાગી રહ્યાં હતાં..એમનાં આમ બોલતાં જ શ્રી,હમીર અને જય ત્રણેયની આંખોમાંથી ખુશીનાં આંસુ છલકાઈ ગયાં..શ્રી ને તો શિવની જીંદગી રૂપે પોતાની જીંદગી મળી ગઈ હોવાંનું એનાં ચહેરાનાં ભાવ પરથી સમજવું સરળ હતું.

"તો સાહેબ,શિવને અમે ક્યારે મળી શકીશું..?"જયે ડોકટર ને ઉદ્દેશીને પૂછ્યું.

"તમને એ જણાવી દઉં કે શિવ ભલે ક્રિટિકલ કન્ડિશનમાંથી બહાર આવી ગયો હોય..પણ માથાં પર થયેલી ઈજાનાં લીધે એ કોમામાં છે..પણ એકાદ-બે દિવસમાં એ ભાનમાં આવી જશે એવી શક્યતા છે.."ડૉકટરે જય નાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

"Ok ડોકટર સાહેબ..thanks.."ડોક્ટર સાથે હાથ મિલાવી જય બોલ્યો.

"ભાભી આ તમારો પ્રેમ અને તમારી જ પ્રેમની શક્તિ હતી જે મારાં દોસ્ત ને મોતનાં મુખમાંથી પાછી લાવવામાં સફળ થઈ.."ડોકટર નાં જતાં જ જયે શ્રી ની તરફ જોઈને કહ્યું.

"મારી એકલી ની નહીં.. પણ તમારી અને હમીર ભાઈ ની પણ દુવા ની અસર છે..મને ખબર છે કે તમે બંને પણ શિવને કેટલો પ્રેમ કરો છો.."લાગણી મિશ્રિત અવાજમાં શ્રી બોલી.

"ભાભી,હું થોડો નાસ્તો અને જ્યુસ લેતો આવું..તમે થોડો નાસ્તો કરી લો..અને હવે ચિંતા ના કરશો..હવે ભાઈને સારું થઈ જશે.."હમીરે શ્રી ની તરફ જોઈને કહ્યું.

શ્રી એ પહેલાં તો કંઈપણ લેવાની આનાકાની કરી પણ આખરે એ જય ની સમજાવટથી નાસ્તો કરવાં માની ગઈ..નાસ્તો કરી લીધાં બાદ એ ત્રણેય એમજ ઓપરેશન થિયેટર ની બહાર સાંજનાં છ વાગ્યાં સુધી બેસી રહ્યાં.આખરે ઓપરેશન થિયેટરમાંથી શિવને સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવ્યો ત્યારે શ્રી,હમીર કે જય ત્રણમાંથી કોઈ બે વ્યક્તિ શિવની જોડે રોકાઈ શકે છે એવી અનુમતિ ડોકટર દ્વારા આપવામાં આવી.

જેવાં શ્રી,હમીર અને જય શિવ ને રાખવામાં આવ્યો હતો એ સ્પેશિયલ રૂમમાં આવ્યાં એ સાથે જ શિવને જોતાં જ એમનું હૃદય ઉભરાઈ ગયું..શિવ નાં શરીર પર અન્ય જગ્યાએ તો ઈજા સામાન્ય જ હતી પણ એનાં માથાં પર મોટાં પાટા બાંધવામાં આવ્યાં હતાં..અલગ-અલગ દવાઓની બોટલ પણ નળીઓ દ્વારા શિવનાં હાથની નસ જોડે જોડાયેલી હતી.

ઘણી માથાકૂટ બાદ એ નક્કી થયું કે જય આજની રાત ઘરે જશે અને શ્રી ની સાથે હમીર રાતે હોસ્પિટલમાં જ રોકાઈ જશે..સવારે જય હોસ્પિટલ આવી જશે એટલે એ બંને ફ્રેશ થવાં ઘરે જઈ શકશે એવી વાત એમની વચ્ચે થઈ એટલે જય ઘરે જવાં નીકળ્યો.

હજુ તો જય માંડ પાર્કિંગમાં પહોંચ્યો હતો ત્યાં શ્રી નો પરિવાર ત્યાં હોસ્પિટલમાં આવી પહોંચ્યો..પૂછપરછ કરતાં કરતાં એ બધાં શિવને જ્યાં રખાયો હતો એ રૂમમાં જઈ પહોંચ્યા.પોતાની ઓળખ આપવાં છતાં એમને અંદર જવાની નર્સ દ્વારા મનાઈ કરવામાં આવી..કેમકે રુલ્સ બધાં માટે સરખો હોય એવું સાલ હોસ્પિટલનાં સ્ટાફનું માનવું હતું.

નર્સ દ્વારા શ્રી નાં પરિવારને તો અંદર જવાં દેવામાં ના આવ્યો પણ શ્રી ને એનાં પરિવારનાં સભ્યો મળવાં આવ્યાં છે એની જાણ કરી દેવામાં આવી..પોતાનો આખો પરિવાર પોતાને મળવાં આવ્યો એ જાણી શ્રી ને એ વાતનું આશ્ચર્ય થયું કે એ લોકો અહીં સુધી કઈ રીતે પહોંચ્યા.?

શ્રી મનમાં થતાં સવાલોનાં જવાબ મેળવવા હમીર ને થોડો સમય શિવનું ધ્યાન રાખવાનું કહી એ બહાર આવી..પોતાનાં પરિવાર ની નબળી માનસિકતા નાં લીધે જ પોતાને બધું ભોગવવું પડ્યું હતું એટલે શ્રી એમને ઘણી નફરત કરતી હતી..પણ બધાં ને જોતાં જ એની નફરત મીણ ની માફક ઓગળી ગઈ અને એ પોતાનાં મમ્મી ને ભેટીને રડવા લાગી..સહદેવ અને ગજેન્દ્રસિંહ પણ જૂનું બધું ભૂલી પોતાની લાડલી શ્રી ને જોઈ હેતથી એનાં માથે હાથ ફેરવવા લાગ્યાં.હોસ્પિટલ હોવાથી શ્રી પોતાની લાગણી ને રોકવાની કોશિશ જરુર કરી રહી હતી પણ એમાં સફળતા એને નહોતી મળી રહી.

"બેટા, કેમ છે શિવને..?"શ્રી નાં માથે હાથ મૂકી ગજેન્દ્રસિંહ બોલ્યાં.

પહેલાં તો શ્રી ને પોતાનાં પિતાજી જે રીતે નરમાશથી અને પ્રેમથી શિવનું નામ બોલ્યાં એ સાંભળી આશ્ચર્ય જરૂર થયું..છતાં શ્રી શાંતિથી બોલી.

"સારું છે શિવને..હવે ખતરાથી બહાર છે..પણ હજુ એ કોમામાં છે..બે દિવસ માં એ ભાનમાં આવી જશે એવું ડોકટર નું કહેવું છે.."

"માં માતાજી કરે શિવને જલ્દી સારું થઈ જાય.."શિવની મમ્મી એ એનાં માથે હાથ ફેરવી કહ્યું.

"પણ તમે અહીં કઈ રીતે..?"શ્રી એ એનાં પિતાજી તરફ જોઈને સવાલ કર્યો.

જવાબમાં ગજેન્દ્રસિંહ એ શ્રી ને પોતે અહીં કઈ રીતે પહોંચ્યા એની માહિતી આપી દીધી..શ્રી એ પણ પોતે મુંબઈ થી શિમલા કઈ રીતે પહોંચી અને કેવાં સંજોગોમાં શિવ ને એ મળી એની માહિતી આપી..શિવ દ્વારા જે રીતે પોતાની સંભાળ રાખવામાં આવી એનાં લીધે જ એ માનસિક બીમારીમાંથી બહાર આવી એવું શ્રી એ જણાવ્યું..પોતાની મરજીથી જ શિવે એની સાથે લગ્ન કર્યાં એની વાત પણ શ્રી એ પોતાનાં પરિવારને કરી.

શ્રી ની વાત સાંભળી ગજેન્દ્રસિંહ અને સહદેવ નાં ચહેરા પર પસ્તાવો સાફ-સાફ ઝળકી ઉઠ્યો..પોતે જ પોતાની દીકરીની જીંદગી બરબાદ કરવાનું દુઃખ એમનો ચહેરો જોઈ સમજી શકાતું હતું..એમને હાથ જોડી એમનાં દ્વારા શિવ જેવાં સંસ્કારી છોકરાં જોડે પોતે કરેલાં વ્યવહાર ની માફી માંગી.

શ્રી એ પણ બધું જૂનું ભુલાવી એમને દિલથી માફ કરી દીધાં.. હવે પોતાનો પરિવાર પણ પોતાની પડખે હોવાથી શ્રી ને ઘણી શાંતિ અને રાહત પ્રાપ્ત થઈ રહી હતી.શ્રી એ હમીર ને પોતાનાં પિતાજી અને સહદેવ ને લઈને ફ્લેટ ઉપર જવાનું કહ્યું અને પોતાની મમ્મી સાથે એ હોસ્પિટલમાં રોકાઈ ગઈ.

બે દિવસ સુધી ડોક્ટરો ની મહેનત,બધાં ની પ્રાર્થના અને શ્રી નો પ્રેમ રંગ લાવ્યો અને શિવને ભાન આવી ગયું..શિવને ભાન આવતાં જ ડોકટર અશોકભાઈ એનાં ચેકઅપ માટે ગયાં.. અડધો કલાક નાં ચેકઅપ બાદ ડોકટર જ્યારે બહાર નીકળ્યાં ત્યારે જય,હમીર,શ્રી અને શ્રી નો આખો પરિવાર ત્યાં જ મોજુદ હતો.જોડે જોડે હસમુખભાઈ અને કુસુમબેન પણ પોતાનાં દીકરાનાં અકસ્માતની ખબર મળતાં ત્યાં આવી પહોંચ્યા હતાં.. એમાં કુસુમબેન તો લો બ્લડ પ્રેસર નાં લીધે બેહોશ થઈ ગયાં એટલે એમને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી.

"ડોકટર,અમે શિવને ક્યારે મળી શકીએ..?"ડોકટર નાં બહાર નીકળતાં જ શ્રી એ ઉત્સાહમાં આવી સવાલ કર્યો.

"તમે ઈચ્છો તો હમણાં જ શિવને જઈ ને મળી શકો છો..પણ."આટલું કહી અશોકભાઈ અટકી ગયાં.

"શું પણ..?"શ્રી એ ચમકીને સવાલ કર્યો.

"શિવ ભાનમાં તો આવી ગયો છે પણ એનાં માથામાં થયેલી ભારે ઈજાનાં લીધે એનાં મગજનાં નાજુક ભાગ પર અસર થઈ છે..જેનાં કારણે શિવ પોતાની યાદશક્તિ ખોઈ બેઠો છે..અને નાના બાળકની જેમ વર્તન કરવાં લાગ્યો છે..sorry પણ આ જ સત્ય છે.."આટલું બોલી ડોકટર અશોક ચહેરો નીચો કરી પોતાની કેબીન તરફ ચાલી નીકળ્યાં.

ડોકટર ની આ વાત તો વીજળી ની માફક ત્યાં હાજર દરેક ઉપર તૂટી પડી..શ્રી તો રડતાં રડતાં પોતાનાં પિતાને ભેટી પડી..હમીર પણ રડતો રડતો જય ને વળગી પડ્યો..જય ની હાલત પણ એવી જ હતી પણ એ મનને મક્કમ કરી પોતાની લાગણીઓને કન્ટ્રોલ કરી રહ્યો હતો.સારું થયું કે હસમુખભાઈ એ સમયે કુસુમબેન ની જોડે જનરલ રૂમમાં હતાં.

પોતાની દીકરીની ભગવાન કેટલી બધી પરીક્ષા લઈ રહ્યો હતો એ જોઈ ગજેન્દ્રસિંહ જેવો કડક સ્વભાવનો માણસ રડમસ થઈ ગયો.શ્રી ને સાંત્વનાં આપતાં એ બોલ્યાં.

"બેટા.. તું હિંમત ના હાર..ભગવાન બધું સારું કરી દેશે.."

"પણ પિતાજી,મારી જોડે જ આ બધું કેમ..?"રડતાં રડતાં શ્રી એ ગજેન્દ્રસિંહ ને સવાલ કર્યો.

"બેટા, ભગવાન એને જ દુઃખ આપે જેને એને સહન કરવાની હિંમત આપી હોય.."ગજેન્દ્રસિંહ શ્રી ને ધરપત આપતાં બોલ્યાં.

જય ડોકટર અશોક ભટ્ટ ને મળીને શિવ ની આ હાલત ક્યારે ઠીક થશે એ જાણી લાવ્યો..જય ને જાણવાં મળ્યું કે શિવ ની આ હાલત આખી જીંદગી રહી શકે છે..સિવાય કે કોઈ ચમત્કાર ના થાય..જયે જ્યારે આ વિશે શ્રી અને એનાં પરિવારને જણાવ્યું તો શ્રી નાં મમ્મી એ શ્રી ને ઉદ્દેશીને કહ્યું.

"બેટા, માન્યું કે તે શિવની જોડે ઘર સંસાર માંડી દીધો હતો..પણ ડોકટર નાં કહ્યાં મુજબ જો શિવની માનસિક હાલત આવી જ રહેશે તો તું શું કરીશ..એનાં કરતાં તું શિવને કોઈ મેન્ટલ હોસ્પિટલમાં મૂકી અમારી સાથે જૂનાગઢ આવી જા.."

પોતાની મમ્મી ની વાત સાંભળી શ્રી ગુસ્સામાં બોલી.

"શું કહ્યું મમ્મી,હું શિવને મૂકીને જૂનાગઢ આવી જાઉં..અરે તું એવું કઈ રીતે વિચારી પણ શકે કે હવે હું શિવને મૂકીને ક્યાંય જઈશ..અત્યારે શિવને મારી સૌથી વધુ જરૂર છે...શિવે મને ત્યારે ગળે લગાવી હતી જ્યારે મારી જોડે કોઈ નહોતું..હું અત્યારે તમારી સામે આમ સહી-સલામત ઉભી છું એનું કારણ શિવ છે.."

"હવે હું શિવનો હાથ અને એનો સાથ ક્યારેય નહીં મુકું..ભલે ને શિવ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી હું એની દરેક નાની મોટી જરૂરિયાત નું ધ્યાન રાખીશ.. એને કોઈ વાતનું ઓછું નહીં આવવાં દઉં..ભલે ને મારે એ માટે મારી જીંદગીનાં અંતિમ શ્વાસ સુધી રાહ જોવી પડે..હું પણ એક ક્ષત્રિયાણી છું..કરેલાં ઉપકાર માટે માથું પણ કપાવવું પડે તો પાછી ના હટુ"

"હા દીકરા,તું સત્ય કહી રહી છે..તને ગમે એ કર..અમારાં આશીર્વાદ તારી સાથે છે.."શ્રીનાં મક્કમ ઈરાદા સામે ઝૂકી જતાં ગજેન્દ્રસિંહ બોલ્યાં.

આ દરમિયાન હસમુખભાઈ અને કુસુમબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતાં.. શ્રી નો નિર્ણય સાંભળી એમની આંખોમાં સુખ અને દુઃખ બંને નાં મિશ્રિત આંસુ સરી પડ્યાં.. શ્રી ને આશિર્વાદ આપી એનો સમસ્ત પરિવાર આ સાથે જ જૂનાગઢ જવા રવાના થઈ ગયો..એમનાં જતાં જ શ્રી શિવને રખાયો હતો એ રૂમમાં આવી.

શ્રી એ જોયું તો શિવ પલંગમાં ટૂંટિયું વાળી ને બેઠો હતો..શ્રી નાં અંદર પ્રવેશવાની આહટ સાંભળી શિવે નજર ઊંચી કરી શ્રી ની તરફ ડરતાં ડરતાં જોયું..

"શિવ, તને કેમ છે હવે..?"શિવની જોડે આવી શ્રી બોલી.

"કોણ શિવ..મારુ નામ તો પેશન્ટ છે.."પાગલ ની જેમ વર્તન કરતાં શિવ બોલ્યો.ડોકટર નાં મોંઢે એને પેશન્ટ કહેવાયો હોવાની વાત એને પકડી રાખી હતી.

શિવ ને આવી હાલતમાં જોઈ શ્રીની લાગણીઓ અશ્રુ બની આંખોનાં કિનારે આવીને બેસી ગઈ..પણ એ બધી ભાવનાઓ પર કાબુ મેળવીને બોલી.

"સારું બસ તું પેશન્ટ છે અને હું ડોકટર.."

"તો તું મને ઈન્જેકશન આપીશ..?એવું ના કરતી..મને દુઃખે છે.."મોઢુ ચડાવી શિવ બોલ્યો.

"નહીં આપું ઈન્જેકશન.. બસ ખુશ હવે...?"ચહેરા પર મહાપરાણે સ્મિત લાવી શ્રી બોલી.

"બહુ ખુશ..બહુ ખુશ.."તાળીઓ પાડતાં શિવ બોલ્યો.

"ચાલ મારી સાથે..આપણાં ઘરે.."શિવનો હાથ પકડી શ્રી બોલી.

"આપણું ઘર..પણ હું ત્યાં આવીને શું કરીશ..તું મને રમકડાં અને ચોકલેટ આપીશ..?"શિવે પૂછ્યું.

"હા બહુ બધાં રમકડાં..અને બહુ બધી ચોકલેટ.."ચહેરો બીજી તરફ ફેરવી એક ડૂસકું લેતાં શ્રી બોલી.

"તું તો બહુ સારી છે...ચાલ હું આવું તારી સાથે.."પલંગમાંથી હેઠાં ઉતરતાં શિવ બોલ્યો.

"ચાલ.."શિવની તરફ હાથ લંબાવીને શ્રી બોલી.

શિવે શ્રી નો હાથ પકડી લીધો અને એની સાથે ચાલવા લાગ્યો..થોડાં આગળ વધ્યા ત્યાં કંઈક યાદ આવતાં શિવ બોલ્યો.

"હું તને શું કહું..ડોકટર...કે પછી દોસ્ત..?"

શિવનાં આ માસુમ સવાલ પર શ્રી એ અત્યાર સુધી રોકેલો લાગણીનો બાંધ તૂટી ગયો અને એ શિવને વળગીને રોતાં-રોતાં બોલી.

"દોસ્ત..."

આજે શ્રી એ સાબિત કરી દીધું હતું કે પ્રેમ-અગન એક એવી આગ છે જે સળગાવતી નથી પણ ભસ્મીભૂત કરી મૂકે છે..પણ એની રાખ પણ પવિત્ર હોય છે..જેમ પોતાનો શિવે સ્વીકાર કર્યો હતો એવીજ પરિસ્થિતિમાં પોતે પણ શિવને અપનાવી શ્રી એ નિઃસ્વાર્થ પ્રેમનું ઉદાહરણ સમાજની સામે રાખી દીધું..પ્રેમ-અગન ની આગ માં ધૂપસળી ની માફક સળગી દુનિયા મહેકાવવાનું કામ શ્રી કરી ગઈ..પ્રેમ કરનારાં માટે પ્રેમ જ ભગવાન છે એ આજે સત્ય સાબિત થઈ ગયું હતું..!!!

**********

THIS IS NOT THE END..BUT IT IS BEGINNING OF SPREAD THE LOVE..

તો આ સાથે હું આ નોવેલને અહીં પૂર્ણ જાહેર કરું છું..આપ સૌ નો જે પ્રેમ આ નોવેલને મળ્યો એ બદલ સૌ નો આભાર.. હું જે કંઈપણ લખી રહ્યો છું એ આપ સર્વે વાંચકોનાં પ્રેમનું પરિણામ છે..હજુ પણ હું સતત વધુ ને વધુ સારું લખતો રહીશ એનું વચન આપું છું.

આ નવલકથા નો સુખદ અંત હું લખી શકું એમ હતો પણ પ્રેમ શબ્દ નો અર્થ સમજાવવા મને આ અંત યોગ્ય લાગ્યો...જો તમને સુખદ અંત ગમતો હોય તો તમે એ રીતનો અંત કલ્પી શકો કે શિવને ભાન આવ્યું અને એ સંપૂર્ણ સ્વસ્થ હતો..બાકી તમે સર્વ વાંચકો મારાં માટે ભગવાન છો જેમનાં ચરણે હું આ લખાણ દ્વારા ભેટ અર્પણ કરું છું..બદલામાં તમારાં પ્રેમ અને પ્રતિસાદ નો પ્રસાદ મળે એવી આશા.

તમે તમારાં મંતવ્યો 8733097096 પર આપી શકો છો..આવતાં અઠવાડિયે થી માયથોલોજીક ફિક્શન થ્રિલર રુદ્ર ની પ્રેમકહાની શરૂ થશે..આભાર..!

આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)