બુધવારની બપોરે - 9 Ashok Dave Author દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

બુધવારની બપોરે - 9

બુધવારની બપોરે

(9)

સૅલ્ફી મૂકીને શીખો

સાયકલ સજનવા....

દુનિયાભરની વાઇફોને સાયકલ રોડ ઉપર ચલાવવા માટે શીખવી હોય છે, મારી વાઈફને ઘરમાં ઍક્સરસાઇઝ માટે લાવેલી સાયકલ ચલાવતા શીખવી હતી. પડી જવાની બીક અને ઘરના ય બધા સહમત કે કોઇને અથડાવી મારે એના કરતા શીખવાડી દેવી સારી! શીખવવાનું નૅચરલી, મારા ભાગે આવ્યું, પણ એ પહેલા મારે ય શીખવી પડે એમ હતી. રસ્તે ચલાવવાની સાયકલ ઉપર આપણી માસ્ટરી. સ્પીડ પણ પકડું અને ગમે તેવી પતલી ગલીમાંથી કાઢી લઉં, એમાં તો ૩-૪ વાર રસ્તે ચાલતા નિદરેષ વટેમાર્ગુઓના પગ વચ્ચે ભરાઈ ગયેલી...મારી આવડત કે ઈરાદા વગર! પણ ઍક્સરસાઇઝ-બાઇક નહિ શીખવાનું એક માત્ર કારણ સીધેસીધું સામે જોઇને, માણસ ગાંડો થઇ ગયો હોય એમ મંઝીલ વગર બેવકૂફીપૂર્વક ચલાવે જવાનું. બુધ્ધિનો કોઇ ઉપયોગ નહિ. રસ્તે જતા આપણે કંઇ જોવું હોય એ ય જોવાય નહિ. ટુંકમાં સફરની કોઇ મંઝિલ નહિ ને સુહાના દ્રષ્યો નહિ. લેવાદેવા વગરના પૅડલો મારે જવાના અને ભીંત પર લટકતો ક્રોધિત સ્વ.દાદાજીનો ફોટો જોયે રાખવાનો...! આવી કસરતી-સાયકલમાં શું લાટા લેવાના? આ તો એક વાત થાય છે.

પણ રોડ પર ચલાવવાની સાયકલમાં પ્રોબ્લેમ શું હોય છે કે, આપણે ચલાવતા હોઇએ ને પાછળથી સાયકલને પકડી રાખનારૂં કોઇ હોતું નથી. ‘હોવું પણ ન જોઇએ’, એ નિશ્ચય મેં વાઇફને સાયકલ શીખવવાના સંદર્ભમાં લીધો હતો. આપણું કામ, એ સીટ પર બેસી જાય ને રગડતી થાય, ત્યારે બે-ત્રણ ડગલાં સાયકલ સાથે દોડવા પૂરતું હોય.....સાયકલની પાછળ પાછળ કાગળીયું ઘસડાતું જાય, એ સારૂં લાગે, એનો ગોરધન ઘસડાય એ નહિ! ઘેર બેઠા કસરત માટેની બાઇકનો ફાયદો એટલો કે, એ એકલી બેઠી બેઠી પૅડલો મારે રાખે ને આપણે છાપું વાંચતા રહીએ. એ વાત જુદી છે કે, રસ્તાના ટ્રાઇકને જોતી હોય, એનાથી ઈન્સ્પાયર થઇને ઍક્સરસાઇઝ-બાઇક પર બેઠી બેઠી ય હાથ બતાવીને સાઇડ આપે!

રૂ.૨૫-હજારની બાઇક પાછળ એને માટેના ખાસ સ્પૉટ્‌ર્સ-શૂઝ, ટ્રૅક-પૅન્ટ, રિસ્ટ-બૅન્ડ, કૅલરી માપવાની વૉચ (ઘડીયાળ) અને એનાથી ય આજકાલ મોંઘા પડતા લિંબુના જ્યુસના ખર્ચા....! ખાસ તો, એ સાયકલ ચલાવતી હોય ત્યારે કેવી લાગે છે, એ જોવા માટે ફૂલ-સાઇઝનો અરીસો નંખાવવામાં આવ્યો. એ ઘરમાં સાયકલ ચલાવતી હોય ત્યારે ઘણીવાર નીચેના ફ્લૅટવાળા બૂમો પાડતા આવે કે, ‘તમારા ઘરમાં કોઇ મોટું કબાટ-બબાટ હેઠું પડ્યું લાગે છે...નીચે મોટા ધમાકા સંભળાય છે!’

...ને તો ય, મોટું મન રાખીને આ બધું અમે સહુએ ચલાવી લીધું, પણ વાઇફ કોકવાર તાનમાં આવી જાય તો સ્પીડ વધી જાય અને બૅલેન્સ રહે નહિ, એમાં ભમ્મ...થઇ જાય....

કોઇકે સૂચન કર્યું, ‘ભાભીને બૅલેન્સનો પ્રોબ્લેમ રહેતો હોય તો સાયકલને બદલે પગરીક્ષા શીખવો....એમાં પડી નહિ જવાય!....થોડાઘણા પૈસા ય કમાવાશે...સાઇડમાં થોડી ઈન્કમ થશે.

છેવટે, લાખ દુઃખોં કી એક દવા....એને રસ્તે ચલાવવાની સાયકલ જ શીખવવાનું અમે નક્કી કર્યું. ઘરમાંથી કોઇકે સૂચન કર્યું કે, ‘ભાભીને સાયકલ શીખવી હોય તો આપણે નારણપુરા છોડીને કોઇ નજીકના વસ્તી વિનાના ગામે રહેવા જતા રહીએ. કોઇ મરે તો નહિ. આપણા ઍરીયામાં રોજેરોજની મારામારીઓ ના પોસાય!

એક નવી સાયકલ ખરીદવામાં આવી. ખરીદી હશે એને ખબર હશે કે, જે કિંમત ઉપર પહેલા ગાડી (કાર) મળતી હતી, એટલા ભાવે આજે સાયકલ મળે છે. મારી ઉંમરના તો દરેક યુવાનોએ આપણા જમાનામાં ભરપુર સાયકલ ચલાવી છે. ગાડી તો દૂરની વાત છે, સ્કૂટરો બહુ ઓછા પાસે હતા. સાયકલ ઉપર ડબલ-સવારીની મઝા, ટ્યુબમાં હવા ભરાવવાની યાદો, બહુ ઘંટડી વગાડવાની આવે તો જમણા હાથનો અંગૂઠો દુઃખી જાય, પાછળ કૅરિયર ઉપર સામાનને બદલે યારદોસ્તોને બેસાડવાની થ્રિલ....પણ બહુ ઓછાને યાદ રહ્યું હશે કે, સાયકલના ગવર્નરની આગળ ઘાસલેટનો રીતસર દીવો સળગાવવો પડતો. પાવર-સૅલ (બૅટરી) કે ડાયનૅમો તો બહુ પછી આવ્યા, પણ પોલીસની

(૨)

ભાષામાં એ ‘લાઇટ’ વગરની સાયકલ ચલાવવી ગૂન્હો ગણાતો. આગળના ડાંડા ઉપર કોઇ ગર્લ-ફ્રૅન્ડને બેસાડવી તો બહુ દૂરની વાત હતી, દોસ્તને બેસાડ્યો હોય એ ય પોલીસથી ન ખમાય ને ચાર-પાંચ રૂપીયાનો આકરો દંડ થતો. એ જમાનાની અનેક ફિલ્મોમાં હીરો-હીરોઇન પોતપોતાની સાયકલો જાહેર રસ્તા ઉપર અથડાવે પછી પ્રેમ થતો. કોઇ અમદાવાદીએ પોતાની સાયકલને સાયકલ કીધી નથી, ‘ગાડી’ કહે. ‘...ગાડી પાર્ક કરીને આવું છું...!’ મજાની વાત એ હતી કે, પુરૂષોને સાયકલ પર બેસવા માટે આખો જમણો પગ ફંગોળી, પાછળ લઇ જઇને બીજી બાજુના પૅડલ પર સૅટ કરવો પડતો. સ્ત્રીઓ મોટા ભાગે સાડીઓ પહેરતી એટલે એમને આવી છલાંગ મારીને બેસવું ફાવે નહિ. આગળ તો સીટથી ગવર્નર સુધીનો ડાંડો હોય! કેવી રીતે બેસે? માટે એ જમાનામાં સ્ત્રીઓ માટે ખાસ ‘લૅડીઝ સાયકલો’ બનતી, જેમાં આગળ ડાંડો ન હોય અને પૅડલ પર એક પગ મૂકીને બીજો સીધો બીજા પૅડલ પર લઇ જઇ શકાતો.

આને-અમારાવાળીને આવા સ્વાવલંબી રાજ્યાભિષેકની તો ચિંતા નહોતી. એ બધું મારે કરાવી આપવાનું હતું. ગોર મહારાજ મૅક્સિમમ પરણાવી આપે....! ફ્લૅટની બહાર સાયકલ પકડીને એક બાજુ હું ઊભો રહ્યો. એ ફૂલ યુનિફૉર્મમાં આવી. સફેદ ટી-શર્ટ, ટાઇટ પૅન્ટ, સફેદ સ્પૉટ્‌ર્સ-શૂઝ, અને હાથમાં સૅલફોન. સાયકલ શીખતા પહેલાનો સૅલ્ફી લેવો અગત્યનો હતો, કારણ કે ફૅસબૂક પર મૂકવો પડે. એનો સૅલ્ફી લેવાનું મને ન કીધું, એટલો એનો આભાર, પણ બીજા ૨૮-સૅલ્ફી સાયકલ પર બેઠા પછીના લેવાયા, જેમાં હું ન દેખાઉં, એનું ધ્યાન રાખવાનું હતું, નહિ તો ‘ઍફબી’માં બધાને ખબર પડી જાય કે, કોકે આને સાયકલ શીખવી છે. મારો ફોટો ન આવે, એનું ધ્યાન મેં વધારે રાખ્યું હતું...કાલ ઉઠીને પ્રજા તો વાતો કરવાની જ છે કે, ક્યા ડોબાએ આને આવી સાયકલ શીખવાડી હતી!

‘‘નાથ....સવથી પેલ્લા સુઉં કરવાનું હોય છે?’’ (આમ કોક સાંભળતું હોય તો એ મને ‘નાથ’ કે ‘સ્વામીનાથ’’ કહીને બોલાવે છે....બાકી ‘નાથુ’!)

‘‘પહેલા તો---’’

‘‘હું એમ કે’તી’તી કે.....આંઇ બા’ર શાયકલ શીખતા થાકોડા લાગે તો કૉમ્પ્યૂટર ઉપર શાયકલું હલાવતા નો શીખાય? ઇ મને વધારે શેલું પડે...કમ્પ્યૂટર પર શાયકલું હલાવવાની ઓલી વિડીયો ગૅઇમું નથ્થી હોતી...?’’

એના સાયકલ પર આરૂઢ થતા પહેલા મેં લગભગ બૉંતેર સવાલોના જવાબો આપ્યા હશે....!

(વધુ આવતા અંકે)

સિક્સર

- આ અહીં ભાડુતી ઘોડાઓ કેમ પાર્ક કર્યા છે?

- ચાલનારાઓ માટે ઘોડાઓ અમદાવાદનો સી.જી. રોડ પાર્ક કરી આપે છે

-------