ચિંતનની પળે - સીઝન - 3 - 7 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 7

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 7 - નિયત સફા તો હરતરફ નફા
  • દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઇશ રહે,

    જબ કભી હમ દોસ્ત હો જાયે તો શર્મિંદા ન રહે

    – બશીર બદ્ર

    બહારગામ જતાં હતા ત્યારે હાઇવે પર એક ટ્રકે અમારી કારથી ઓવરટેક લીધો. ટ્રકની પાછળ મોટા અક્ષરે લખ્યું હતું: ‘નિયત સફા તો હરતરફ નફા’. વિચાર આવી ગયો કે ટ્રકના ડ્રાયવરે આવું શા માટે લખ્યું હશે?

    યોગાનુયોગ, હાઈવેની એક હોટલ પર રોકાયા ત્યારે એ ટ્રક પણ ત્યાં જ હતો. આ ટ્રક પંજાબ પાસિંગનો હતો. ડ્રાયવર પાસે જઈને પૂછ્યું કે, તમે ટ્રક પાછળ આવું શા માટે લખ્યું છે? અને તેનો મતલબ શું છે? શીખ ડ્રાઈવરે પંજાબી મિશ્રણવાળા હિંદીમાં મતલબ સમજાવ્યો. તેની વાતનો અર્થ એવો હતો કે, માણસની નિયત એટલે કે દાનત સાફ હોય તો દરેક બાજુએથી ફાયદો જ થાય છે!

    તેણે સરસ વાત કરી, ‘આ વાક્ય મારા મોટાભાઈએ મને કહ્યું હતું. મારો મોટોભાઈ ચંદીગઢની એક કંપનીના ખાનગી બગીચામાં વોચમેન છે. રાતે બગીચો બંધ થઈ જાય પછી એ એકલો જ હોય છે. એક રાતે બે માણસો બગીચામાં આવ્યા. તેણે મારા ભાઈને કહ્યું કે, રાતે બગીચામાં કોઈ હોતું નથી. તું અમને રાતના સમયે બગીચામાં જુગાર રમવા દે તો અમે તને રોજના સો રૂપિયા આપશું. મારા ગરીબ ભાઈ માટે રોજના સો રૂપિયા એ નાની વાત નથી

    ભાઈએ પેલા બે માણસોને ચોખ્ખા શબ્દોમાં ના પાડીને કહ્યું કે, આ બગીચામાં તમારે કરવા છે એવા કોઈ ધંધા ન થાય એટલે જ મને અહીં રાખ્યો છે. હું માથે રહીને એવું કરવા દઉ તો વાહે ગુરુ મને કોઈ દિવસ માફ ન કરે.

    હું ટ્રકનો માલીક નથી. ડ્રાઈવર છું. ટ્રકના માલિકને પૂછ્યું કે હું આ વાક્ય ટ્રકની પાછળ લખાવું? માલિકે કહ્યું કે, ટ્રક મારો છે પણ ચલાવે તો તું જ છે, એ નાતે આ ટ્રક તારો છે. તારે લખાવવું હોય તો લખાવ, મને વાંધો નથી, પણ એક વાત યાદ રાખજે, નિયત સાફ હોય અને આખી જિંદગી નિયત સાફ રાખવાનો હોય તો જ લખાવજે!

    સાંજે જ ટ્રકમાં હું આ વાક્ય લખાવી આવ્યો. સાચું કહું, ટ્રકમાં માલની હેરફેર કરતી વખતે અનેક વખત માલમાં ગોલમાલ કરવાની, ખોટો અકસ્માત કરીને વળતર મેળવવાની અને બીજી ઘણી લાલચો મને અપાઈ છે પણ આ વાક્ય મને કંઈ ખરાબ કે ખોટું કરતાં રોકે છે. એમ સમજો કે આ વાક્ય મારા માટે મારી નોકરીની પોલીસી બની ગઈ છે!’

    નાના માણસોની ફિલોસોફી નાની હોતી નથી. ઘણીવખત મહાનતા અને માનવતાના સાચા દર્શન નાના લોકોના મોટા દિલમાં જ થાય છે. માણસની દાનત જ એ નક્કી કરે છે કે આપણી પ્રામાણિકતા, આપણી નિષ્ઠા, આપણું સત્ય, આપણી સંવેદના અને આપણી સમજદારીને આપણે કઈ દિશા તરફ વાળી છે.

    લાલચને જો પહેલી વખત જ રોકીએ નહીં તો એ ઘરમાં ઘૂસી આવે છે અને પછી ક્યારેય ઘરની બહાર નીકળતી નથી. લાલચને કાઢવી અઘરી છે એટલે જ એ વાતની તકેદારી રાખવી પડે કે લાલચને ઘૂસવા જ ન દેવી. કોઈપણ પાપ હોય એ પહેલી વખત કનડે છે, ત્યારે જો તેને રોકવામાં ન આવે તો એ આપણને ગમવા માંડે છે. એવા ઘણાં લોકો આપણી આજુબાજુમાં હોય છે જેને પાપ સાથે પાક્કી દોસ્તી હોય છે, આવા લોકો અંતે પોતાના જ દુશ્મન બની જતાં હોય છે!

    માણસ સારો કે ખરાબ હોતો નથી. માણસ માણસ જ હોય છે. માણસના વિચારો અને દાનત જ તેને સારો કે ખરાબ બનાવે છે. માણસની કોઈ છાપ એમને એમ ઊભી થતી નથી. માણસ પોતાની છાપ પોતે જ ઉભી કરતો હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં, ઓફિસમાં અને મિત્ર વર્તુળમાં તમારી છાપ કેવી છે? આમ તો દરેક માણસને પોતાની છાપ સારી જ લાગતી હોય છે.

    આપણે આપણી નિયત સાથે કેટલાં વફાદાર હોઈએ છીએ? માત્ર કામ કે ધંધામાં જ નહીં, શું સંબંધોમાં પણ આપણી નિયત સાફ હોય છે? આપણાં સંબંધો પ્રત્યે આપણી કેટલી વફાદારી છે? આપણાં લોકોને પણ ઘણી વખત આપણે પ્યાદાં તરીકે ઉપયોગ કરીને ચાલ રમતા હોઈએ છીએ.

    લોકો મારી જ વાત માને, લોકો મારી જ સલાહ લે, લોકો હું કહું એમ જ કરે, એવી દાનત પણ સત્તાની લાલસાનો જ એક ભાગ છે. કોઈને કંટ્રોલમાં રાખવાથી સંબંધો નભતા નથી. કદાચ કોઈ મજબૂરીના કારણે કેટલાંક લોકો આપણાં પાંજરામાં પુરાયેલા હોય છે પણ મજબૂરીના પાંજરાનું બારણું ખૂલે કે તરત જ એ પંખી આકાશમાં ઊડી જાય છે. પછી પોતે જ બનાવેલા પાંજરામાં માણસ પોતે જ ક્યારે પુરાઈ જાય છે એની સમજ ખુદ પોતાને જ પડતી નથી.

    દાનત એ એક અવો અરીસો છે જેને આપણે દરરોજ સાફ કરવો પડે છે. દાનત સાફ રાખવાથી કદાચ કોઈ નફો કે ફાયદો ન થાય એવું બને પણ ખોટ કે નુકસાન તો નહીં જ થાય! સંબંધો અને કર્તવ્યમાં નિયત સાફ રાખો.

    માણસે પોતાનું સારાપણું સાબિત કરવાની જરુર નથી, એ તો આપોઆપ જ થઈ જાય છે. અને તેનો બધો જ આધાર એક જ વાત પર છે કે, આપણી નિયત કેટલી ‘સફા’ એટલે કે સારી છે!

    છેલ્લો સીન:

    આપણી દાનત ચમત્કારિક રીતે આપણો સ્વભાવ બની જાય છે.

    – શેક્સપિયર

    ***