64 સમરહિલ - 6 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 6

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 6

ક્યાંય સુધી છપ્પન હતાશાથી ભાંગેલા મનથી ભોંય પર જ ઢળેલો રહ્યો હતો. છેવટે એ આદમીએ તેને ઊભો કર્યો હતો. છપ્પનને તીવ્ર તાજુબી થતી હતી અને એ સાલો હળવું સ્મિત વેરી રહ્યો હતો.

ખણણણણ... અવાજ સાથે તેણે લોખંડના કબાટનું સજ્જડ થઈ ગયેલું બારણું ખોલ્યું. છપ્પન ન જોવાનો ડોળ કરીને એક ચોરની નજરે બારીકાઈથી નીરખી રહ્યો હતો. અંદર એક મોટી બેગ હતી. કેટલાંક ચોપડાંના થોથાં, કેટલીક ફાઈલો, છાપાંની પસ્તી વગેરે સામાન છપ્પનને દેખાતો હતો. તેણે ઓલિવ ગ્રીન કલરનો એક થેલો ઊઠાવ્યો. અંદરથી રેક્ઝિનની એક કિટ કાઢી અને છપ્પન તરફ લંબાવી, 'આમાં રૃ, ડેટોલ છે... તારા લમણાં પર, જડબા પર લગાવી લે.. સૂજન વધતી જાય છે...' છપ્પનનું આશ્ચર્ય શમે એ પહેલાં તેણે એક સ્ટ્રિપ ફાડીને ટેબ્લેટ કાઢી, 'એનાલ્જેસિક છે.. લઈ લે.. રાહત લાગશે...'

'ન્હાયા વગર મને ઊંઘવું નથી ગમતું...' થેલામાંથી કાઢેલો ટુવાલ ખભા પર વિંટાળીને શૂઝ કાઢતાં તેણે કહ્યું. છપ્પન હજુ ય ફાટી આંખે આ વિચિત્ર આદમીને જોઈ રહ્યો હતો. છપ્પનના ચહેરા પર વિંઝાતી મૂંઝવણને પારખીને તે હસ્યો અને બાથરૃમ ભણી જતો અટકીને તેની નજીક આવ્યો, 'હવે તો તને ભરોસો હશે જ કે તારી કોઈ ચાલાકી કામ લાગવાની નથી. તારી ગન તારી પાસે છે અને કાર્ટ્રિજ, એઝ આઈ સેઈડ, તારા થેલામાં છે...'

આટલું કહીને એ અટક્યો અને ગર્ભિત સ્મિત સાથે છપ્પનની સામે તાકી રહ્યો, 'હજુ આપણે ઘણી વાતો કરવાની છે. તારી સાથે ન તો મને કોઈ વાંધો છે કે ન તો હું તને કોઈ નુકસાન પહોંચાડવાનો છું. વી વીલ મેઈક અ ડીલ... અને મને ખાતરી છે કે એ તારા લાભમાં રહેશે. એ માણસ તને એક મૂર્તિના એંસી હજાર આપતો હતો અને તું સાલા ખુશ થઈ જતો હતો.'

નજીક આવીને તેણે છપ્પનના જડબા પર તેનો મજબૂત હાથ ભીંસ્યો એ સાથે દર્દથી છપ્પનને ઉંહકારો નીકળી ગયો, 'ગધેડા, ઉંહકારા કરવાને બદલે જબાન ખોલ... ભરોસો કર... હું તને આવી દરેક મૂર્તિના બે લાખ અપાવીશ... પાંચ લાખ અપાવીશ... તને ***ને ભાન નથી તું શું ચોરી રહ્યો છે... બહેતર છે કે તું મારા પર વિશ્વાસ મૂકીને ચૂપચાપ બેઠો રહે. તને ઊઠાવ્યો ત્યારથી જ તારી સલામતિનો મેં પૂરતો ઈન્તઝામ કરી લીધો હતો...' આટલું કહીને તેણે બાથરૃમનો દરવાજો ખોલ્યો અને વાક્ય પૂરું કર્યું, '... અને મારી સલામતિનો પણ...'

બારણું ઠાલું વાસીને તેણે શાવર ચાલુ કર્યો એ વખતે છપ્પનસિંઘના મગજમાં ધોધમાર સવાલો વરસી રહ્યા હતા. બંને ગન બહાર રાખીને એ બેફિકરાઈથી ન્હાવા જતો રહ્યો એથી છપ્પન હેબતાઈ ગયો.

પોતે શું કરવું જોઈએ? નાસી છૂટવું જોઈએ? પણ પોતે ક્યાં હતો એ તેને ક્યાં ખાતરી હતી? શક્ય છે કે નીચેના મજલે એ આદમીએ કંઈક પહેરો મૂક્યો હોય કે બીજી કોઈ વ્યવસ્થા ગોઠવી હોય. તો શું એ બહાર આવે એટલે તેને ઝબ્બે કરવો જોઈએ? પણ એ કંઈ એવો બેવકૂફ નથી કે એ શક્યતાને તેણે નજરઅંદાજ કરી હોય.

અને તેણે એવું કેમ કહ્યું કે તું શું ચોરે છે તેનું તને ભાન નથી... તેણે એવું ય કહ્યું કે એક મૂર્તિના એ એંસી હજારને બદલે...

ઉશ્કેરાટ અને અકળામણથી છપ્પને પીડાની પરવા કર્યા વગર માથું ધૂણાવી નાંખ્યું. શું કરવું જોઈએ? દબાતા પગલે તે સપાટાભેર ઊભો થયો. કબાટની નજીક ગયો અને પાક્કા ચોરની કાબેલિયતથી જરાક પણ કિચૂડાટ ન થાય એ રીતે દરવાજો ખોલીને આડો પગ ધરી દીધો. સૌ પહેલાં તેણે થેલો ફંફોસ્યો. અંદર ત્રણ-ચાર જાડા ખદડ જીન્સ, લિનન-કોટનના શર્ટ્સ અને એવું બધું હતું. બાજુમાં હિન્દી-અંગ્રેજી અખબારોનો થોકડો પડયો હતો. કેટલાંક મેગેઝિન્સ હતા, જેના કવર કે નામ છપ્પને બાપ જન્મારે ય ન્હોતા જોયાં.

'આ તો કોઈક ભણેશરી લાગે છે...' પોલીસ કે બીજા કોઈ અઠંગ ખેપાનીને બદલે પોતે આવું બધું વાંચનારા કેવા આદમીના હાથે ઝડપાયો છે એવા સવાલ માત્રથી છપ્પનને એ ઘડીએ નીચાજોણું લાગતું હતું. આ ઓરડો અને આ બધી ચીજવસ્તુ બીજા કોઈકની હશે કદાચ... વધુ ખાતરી માટે તેણે નીચેના ખાનામાં પડેલા આઠ-દસ પુસ્તકો ઊઠાવ્યા અને તેની આંખ ચમકી. એ પુસ્તકના કવર પર કોઈ પૂરાતન મૂર્તિનો ફૂલ સાઈઝનો ફોટોગ્રાફ હતો... તેણે ઝડપભેર બીજું પુસ્તક જોયું. એમાં પણ કોઈ અત્યંત જર્જરિત દેવાલય જેવો ફોટો હતો અને બુકનું શીર્ષક હતું, 'સિગ્નિફિકન્સ ઓફ એન્શ્યન્ટ ઈન્ડિયન આર્કિયોલોજી એન્ડ...' છપ્પને તરત બુકનું બેક કવર જોયું અને પગથી માથા સુધી તેને કરંટ લાગ્યો હોય તેમ તે ધૂ્રજી ઊઠયો.

બેક કવર પર એ જ આદમીનો ફોટો હતો... ફોટામાં એ વધુ સોહામણો લાગતો હતો. અને નીચે લખ્યું હતું, 'લેખક ભારતીય પૂરાતત્વ વિદ્યાના નિષ્ણાત અને પ્રાચીન ભારતીય મૂર્તિકલાના અભ્યાસુ છે...'

છળી ઊઠેલા છપ્પને ફરીથી ફ્રન્ટ કવર જોયું. બુકના શીર્ષકની નીચે લખ્યું હતું,

લેખકઃ પ્રોફે. ડો. ત્વરિત કૌલ

****

સ્થળઃ જ્યાંથી છપ્પને મૂર્તિ ઊઠાવી હતી એ ડિંડોરીનું દેવાલય

સમયઃ સવારના અગિયાર વાગ્યે

'સાહેબ...'

કોન્સ્ટેબલ દેવીલાલના અવાજથી તેની તંદ્રા તૂટી. તેને ખ્યાલ આવ્યો કે મંદિરના ગર્ભગૃહમાં હવે તે એકલો જ હતો. તેણે પાછળ ફરીને જોયું તો કાફલાના બીજા ત્રણેય કોન્સ્ટેબલ વડના ઝાડ નીચે પરસાળના પગથિયે બેસીને સ્ટેટમેન્ટ લેવાનો બંદોબસ્ત કરતા હતા. હેડ કોન્સ્ટેબલ કરડા અવાજે પૂજારી, મહેતાજી અને અન્નક્ષેત્રના બીજા લોકોની પૂછપરછ કરી રહ્યો હતો. મંદિરના ચોગાન બહાર દરવાજા પાસે પોલીસની ગાડી જોઈને ફોકટની પંચાતના શોખીનોએ ભીડ જમાવવા માંડી હતી.

'સાહેબ...' દેવીલાલે માઉથપીસ દાબી રાખવાની કાળજી સાથે તેની સામે મોબાઈલ ધર્યો, 'હેડ ક્વાર્ટરથી એસપી સાહેબ...'

તેણે ત્વરાથી ફોન કાને માંડયો, 'યસ સર...'

'યુ સીમ વેરી બીઝી ધેર...' તેણે લાઈન પર આવવામાં વાર લગાડી એટલે એસપી સાહેબના અવાજમાં નારાજગી હતી કદાચ...

'નો સર...' દેવીલાલની હાજરથી સતર્ક થઈને તે મંદિરના પ્રદક્ષિણા માર્ગ પર થોડો દૂર ગયો, 'એક્ચ્યુઅલી આઈ ફિલ ઈટ વેરી સ્ટ્રેન્જ સર... અહીં જાતભાતની ત્રીશ-પાંત્રીશ મૂર્તિઓ છે પણ ચોરી ફક્ત એક જ મૂર્તિની થઈ છે...'

'તો બાકીની તારે ઊઠાવી જવી છે?' એસપીના અવાજમાં મશ્કરી હતી કે નારાજગી એ નક્કી ન્હોતું થઈ શકતું.

'આઈ મિન સર... મંદિરનું ગર્ભગૃહ સલામત છે. મૂર્તિ પર ચાંદીના થોડાં-ઘણાં આભુષણો છે પણ તેને ચોરે હાથ સુદ્ધાં નથી લગાવ્યો. ગર્ભગૃહથી આગળ લાંબી હારમાં બંને તરફ જૂનવાણી અને જર્જરિત મૂર્તિઓ જડેલી છે એમાંથી એક જ મૂર્તિ ચોરે ઊઠાવી છે. એ પણ એટલી સિફતથી કે ચોરાયેલી મૂર્તિ આખેઆખી કોરાઈ ગઈ છતાં આસપાસની બીજી એકે ય મૂર્તિની કાંકરી ય નથી ખરી... એન્ડ સર, થીવ્સ હેઝ યુઝ્ડ સમ સ્ટ્રેન્જ ટેકનિક... અહીં રાખ, લાપી અને ચૂનાના લોંદા પડયા છે. કાચ પાયેલા દોરાના ટૂકડા ય છે... હરિયાણાના એક કેસમાં આવી જ ટ્રિક વિશે મેં થોડાં સમય પહેલાં વાંચ્યું હતું' તે એક શ્વાસે બોલી ગયો.

'ઓહ કમ ઓન... ડોન્ટ પેનિક... તમારા જેવા ડાયરેક્ટ રિક્રુટની આ જ તકલીફ છે. એમ વાંચી વાંચીને ક્રાઈમ ડિટેક્ટ કરવા નીકળી પડો છો... કેટલો સમય થયો તારે ચાર્જ લીધાને?'

'યસ સર...' એસપીનો ટોન હવે તેને ખૂંચતો હતો તેમ છતાં ય તેણે ડિસિપ્લિન જાળવી રાખીને પોતાનો અવાજ બદલાવા ન દીધો, 'સમ સિક્સ એન્ડ હાફ મન્થ...'

'સી માય ડિઅર...' રિટાયરમેન્ટ પૂર્વેનું છેલ્લું પોસ્ટિંગ માણી રહેલા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટસાહેબ હવે વડીલનો પાઠ ભજવવાના મૂડમાં હોય તેમ શિખામણના ટોનમાં આવી ગયા, 'મિનિસ્ટર સાહેબના કુળદેવતાના મંદિરમાં ચોરી થાય એટલે મારે તને મોકલવો પડે. ઈટ ડઝન્ટ મીન ધેટ.. કે તું ત્યાં જઈને શેરલોક હોમ્સની માફક લાપી, સિમેન્ટ, ચૂનાના લોંદા જોખવા માંડે... '

'યસ સર...' હવે તેને ગુસ્સો આવતો હતો. તેના જડબા તંગ થઈ રહ્યા હતા છતાં તેણે અવાજ પર સંયમ રાખ્યો.

'મિનિસ્ટરનું માન રાખવા મેં તને મોકલ્યો જેથી એમને એવું લાગે કે આપણે કમ્પ્લેનને સિરિયસલી લીધી છે. અધરવાઈસ આઈ વૂડ હેવ સેન્ટ સમ લોકલ પીઆઈ, યુ નો... ક્યા કેસમાં કેટલાં એક્ટિવ થવું, ક્યા કેસને કેવી રીતે હેન્ડલ કરવો અને ક્યા કેસમાં દેખાડો કરવો, રાજકારણીઓ સાથે કેમ પનારો પાડવો એ જ તમારે શિખવાનું હોય. ડાયરેક્ટ રિક્રુટ થયા એટલે બધું આવડી ન જાય. મિનિસ્ટર સાહેબને ય ફક્ત પોતાના વતનના ગામમાં રોલો પાડવા પૂરતો જ તપાસનો આગ્રહ છે. આઠ-દસ સ્ટેટમેન્ટ લઈ લે. રેકોર્ડ પરથી બે-ચાર શકમંદને ઊઠાવીને અંદર કરી દે. થોડાં ધમારીને છોડી દે.. એન્ડ ફરગેટ ઈટ... જૂની-પૂરાણી મૂર્તિ તો ચોરાયા કરે... એમાં કંઈ આટલી જફા કરવા ન બેસાય... આવા ફિફાં ખાંડવા તું અફસર નથી બન્યો, અન્ડરસ્ટેન્ડ?'

'બટ સર...'

'મને સાંજ સુધીમાં રિપોર્ટ કર... આઈ વિલ હેવ ટૂ કોલ મિનિસ્ટર'

એસપીએ ફોન કટ કર્યો એ સાથે તેને મોબાઈલનો છુટ્ટો ઘા કરવાનું મન થઈ આવ્યું હતું.

'સાલો પૂરી વાત સાંભળવા ય તૈયાર નથી અને મને શિખામણ આપવા બેસે છે...' મનોમન બબડતો એ મંદિરના મંડપમાં આવ્યો ત્યારે દેવીલાલ ત્યાં જ ઊભો હતો.

પોતાના ચહેરા પરનો ક્ષોભ વંચાઈ ન જાય તેની તકેદારી રાખતાં તેણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો. દેવીલાલ એકીટશે તેને જોઈ રહ્યો હતો એટલે તેનાંથી કહેવાઈ ગયું, 'બહુ બફારો છે, નહિ?'

'યસ સર...' ખંધો દેવીલાલ સાડા ત્રણ દાયકાથી જાણતો હતો કે ઉપરી સાથે ફોન પર વાત કરતી વખતે દરેક મોસમમાં એકસરખો બફારો થાય છે!!

'પૂજારીને બોલાવ...' તેણે ફરીથી અફસર તરીકેની અકડાઈ અવાજમાં પહેરાવી દીધી. દેવીલાલે ઈશારો કર્યો એટલે પરસાળના પગથિયે બેઠેલા કોન્સ્ટેબલ્સ એટેન્શનમાં આવી ગયા અને હેડ કોન્સ્ટેબલે પૂજારીને આગળ કર્યો.

'કેટલાં વરસથી તમે આ મંદિરમાં પૂજા-આરતી કરો છો?'

'જી સા', હમીં તો પાંચ પીઢી સે ઈધર હૈ'

'તો આ બધી મૂર્તિઓ અને મંદિર વિશે ય જાણતા જ હશો ને?'

'હોવ્વે.. સબ કુછ જાનિયો ના..' મંદિરનો મહિમા ગાવાનો મોકો મળ્યો એટલે પૂજારી ય રંગતમાં આવી ગયો, 'માતા કુંતા ઔર પાંચ પાંડવ યાત્રા પર નીકલ પડે થે તબ ઈધર આવે.'

આંખેદેખ્યો અહેવાલ આપતો હોય તેમ પૂજારીએ ચાલુ કર્યું, 'કુંતા માતા તો બડે નિયમવાલે. સિવજી કે દરસન કિયે બિના મૂંહ મેં પાની તક નહિ ડાલતે થે. ઉ વક્ત ઈહાં તો બહોત ઘના જંગલ હુઆ કરતા થા. તો માલુમ હૈ, ભીમ ને ક્યા કિયા? લોટા ઉલટા કર દિયા ઔર ઉપર મિટ્ટી ઢાલ દી. અઈસન બના યે સિવલિંગ ઔર તબ સે યે કુંભનાથદાદા સાક્સાત હઈ ઈધર...'

'ઓહ શટઅપ પ્લિઝ...' મૂર્તિ વિશે કહેવાને બદલે પૂજારી પાંડવ સુધી પહોંચી ગયો એટલે તે કંટાળ્યો, 'ચોરાયેલી મૂર્તિ વિશે મને કંઈક કહેશો કે એ ય મારે ભીમને પૂછવા જવું પડશે?'

'ઉસમેં તો સા'...' તેના ચહેરા પર તરી આવેલી ઉગ્રતા જોઈને પૂજારીનો સ્વર હેબતાવા લાગ્યો, 'મંઈ તો બસ ઈત્તા હી જાનિયો... પર હમરે શાસ્ત્રીદાદા કહત હઈ કિ યે સબ બહોત પૂરાની મૂર્તિ હઈ ઔર...'

'એ કોણ?'

'હમરે દાદા લગત હઈ... અબ તો ઉનકી અવસ્થા હુઈ લેકિન ચલ સકત થે તબ તક રોજ સુબહ મંદિરમેં આતે થે... અબ તો...'

'દેવીલાલ...' તેણે અડધેથી જ પૂજારીની લાંબી કેફિયત કાપી નાંખી, 'ફોટા પાડીને પંચનામુ કરી લો. સરપંચને બોલાવીને મંદિરના મહેતાજી, રસોઈયા અને પૂજારી ઉપરાંત ગામના બીજા બે-ત્રણ આગેવાનોની ય સહી લઈ લો અને...' તેણે ફરીથી પૂજારી સામે નજર માંડી, 'શાસ્ત્રીજીનું સરનામું લખી રાખો, તેમને ય મળવું પડશે'

આટલું કહીને એ મંદિરના પગથિયા ઉતરીને પીપળાના ઝાડ નજીક પાર્ક કરેલી જીપ્સી તરફ આગળ વધ્યો.

'ઉ સા'બ...' કોન્સ્ટેબલે લંબાવેલા કાગળિયા ખચકાતા હાથે લેતા પૂજારીએ દબાયેલા સ્વરે પૂછ્યું, 'ઈધર નયે આયે હૈ ક્યા??'

'હા...' કોન્સ્ટેબલે મિતાક્ષરી જવાબ વાળ્યો પણ પોલીસ સાથે પનારો પડયાની હેબત હજુ ય પૂજારીના આંખોમાં વર્તાતી હતી.

'સા'બ કા નામ...' તેણે ડરતાં-ડરતાં પૂછ્યું.

'માહિયા સાહેબ... એસીપી રાઘવ માહિયા.'

(ક્રમશઃ)