સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ – 7
'ઈંહા હી ઠહરિયો સા'...'
નીલગિરિના પાતળા-ઊંચા વૃક્ષોના ઝુંડમાં પ્રવેશતાં જ પૂજારીએ આંગળી ચિંધીને કહ્યું એ સાથે જીપ્સી એ દિશામાં વળી. પીળી માટીને પસવારતા નમતી બપોરના તડકામાં વહેલી સવારે પડેલા વરસાદની કુમાશ વર્તાતી હતી. સીમની લીલાશ ઓઢીને પાદરમાં પ્રવેશતી સાંજ લાકડાંના અધખુલ્લા ડેલામાંથી ઢાળ ઉતરી રહી હતી. ભીંજાયેલી માટીની સોડમ, સૂકાં ખડના રાડાં મઢેલી છાજલી, હારબંધ ઊભેલા મકાનોની કાચી દિવાલો અને ફળિયાના વેકરામાં ઉઘાડા પગે દોડી જતું શૈશવ...
પૂજારીએ ચિંધેલા મકાનના ડેલા પાસે ગાડી ઊભી રહી એ સાથે રાઘવ સપાટાભેર નીચે ઉતર્યો. સાથેના કોન્સ્ટેબલ્સને ય એસીપી સાહેબની આ ઉત્સુકતા અને ઉત્સાહ અજાણ્યા લાગતા હતા. જ્યારે રાઘવે શાસ્ત્રીજીને મળવાનું કહ્યું ત્યારે દેવીલાલ જરાક દૂર જઈને બીજા કોન્સ્ટેબલ્સ જોડે બબડયો ય હતો, 'નવા આવેલા બાવા ઝાઝી ભભૂત ચોળે એમાં મરો તો છેવટે આપણો જ થાય ને? એસપી સાહેબને રસ નથી પણ આ લાટસાહેબને બે બદામની મૂર્તિમાં ય ઈન્વેસ્ટિગેશન કરવાના ચાળા સૂઝે છે...'
ડિપાર્ટમેન્ટમાં ઊંચી પાયરી પર ડાયરેક્ટ રિક્રુટ થયેલા દરેક જવાન ઓફિસરે શરૃઆતમાં પીઠ પાછળ થતી મજાક અને અવગણનાનો સામનો કરવો જ પડે એવું રાઘવ બરાબર જાણતો હતો. રીઢા થઈ ગયેલા પાકટ વયના ઈન્સ્પેક્ટર્સ પોતાના સાહેબ તરીકે આવેલા જુવાનિયાને જલ્દી સ્વીકારી ન શકે અને ઈન્સ્પેક્ટરના સીધા ચાર્જમાં આવતા કોન્સ્ટેબલ્સ ડાયરેક્ટ રિક્રુટેડ એસીપીના નામે મજાકો ચડાવીને કહેતા ફરે.
રાઘવ એ વિશે પૂરતો સતર્ક રહેતો. ઈન્સ્પેક્ટરથી નીચેની પાયરીના કર્મચારીઓ સાથે અંતર રાખવામાં તેને ખાસ મુશ્કેલી નડતી નહિ પરંતુ સિનિયર ઓફિસર્સ પણ ખડ્ડુસ વર્તાવ કરે કે નવા વિચાર, નવી પદ્ધતિને હસી કાઢે ત્યારે તેને અકળામણ થઈ જતી.
અત્યારે એ વર્દીમાં ન હતો. રેડચીફ લેધર શૂઝ, બ્લેક કોડ્રોય અને કોપર બ્રાઉન સ્કિન ફિટ શર્ટમાં એ જસ્ટ પાસ્ડઆઉટ કોલેજિયન જેવો લાગતો હતો. બાંધો એકવડિયો, શરીર પથ્થરમાંથી તરાશ્યું હોય તેવું તદ્દન સપ્રમાણ પણ આકરી કસરતથી જમાવેલા સ્નાયુના ગઠ્ઠા કપડાં નીચે ઢંકાઈ જતાં અને બહાર દેખાતો તેનો ગોરો ચહેરો, ભાવવાહી આંખો, ટૂંકા વાળ તેને છોકરડો જ ગણાવી દેતા. મુછ વધારવી તેને જરાય ગમતી ન હતી. તેનો ફિટનેસ ટ્રેનર મન્સુર કાયમ કહેતો, 'મુછ તો હોની હી ચાહિયે. સ્ટ્રોંગ બોડી પર મુછ ઐસી લગતી હૈ જૈસે શાહ કે સર પે તાજ...'
- પણ રાઘવને એ તાજ પહેરવો કદી ગમ્યો ન હતો. પોલિસ ઓફિસર્સ મેસમાં પહેલે દિવસે તેને જોઈને સૌ આપસમાં હસી લેતા હતા. સિંઘલે તો અજાણપણાંનો ડોળ કરીને પૂછી ય લીધું હતું, 'કિસી કો ઢૂંઢને આયે હો બેટે? કિસ કા કામ હૈ?!!' એ જ સાંજે સ્ક્વોશ રૃમમાં એકધારા દોઢ કલાક સુધી એ રમ્યો અને એક પછી એક સૌને હરાવ્યા ત્યારે તને અહેસાસ થઈ ગયો હતો કે અહીં પાવર ગેઈમમાં હાવી થવા માટે સતત તેણે પોતાની ક્ષમતા સાબિત કરતા રહેવું પડશે.
આ કેસમાં પણ સુપ્રિન્ટેન્ડેન્ટ પડતું મૂકવાનો આગ્રહ રાખતા હતા ત્યારે રાઘવને તેમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની તક દેખાતી હતી.
તેણે આંખ ઉપરથી ગોગલ્સ ઉતાર્યા અને એક નજરમાં માહોલ માપી લીધો.
છાણ-માટીની ગાર લિંપેલા ઓટલાં પર ચોકઠું ચિતરીને નવ કૂકરી રમી રહેલાં ટાબરિયાંઓનો કલબલાટ પોલીસની ગાડીની હાજરીથી થડકાવા લાગ્યો હતો. હેન્ડપંપ ઘૂમાવવો અટકાવીને થીજી ગયેલી ઓરત, સાઈકલ લઈને બાજુની ગલીમાં વળવા જતાં કૂતુહલવશ ઊભો રહી ગયેલો એક આદમી, ભીંતને ટેકો દઈને અધૂકડા થઈ ગયેલા જૈફના મોંમાં ઠઠી રહેલી બીડીનો ગૂંગળાતો ધૂમાડો અને મકાનની પછીતે અધખૂલી બારીના સળિયા વચ્ચેથી તાકતી સ્તબ્ધ ઉત્સુકતા...
દોઢ હજારની વસ્તી ધરાવતા ગામડાંમાં પોલીસની ગાડી આવે એટલે સન્નાટો વ્યાપી જવો સ્વાભાવિક હતો. 'સબ કો બોલો કિ...' તેણે પૂજારીને કહ્યું, 'હમ યહાં શાસ્ત્રીજી સે મિલને આયે હૈ...'
લાકડાંના અધખુલ્લા ડેલાની અંદર મોટું ચોગાન, ડાબી તરફ ગાય-ભેંશ બાંધવાની ગમાણ, સામે લાંબી પરસાળમાં હારબંધ ત્રણ-ચાર ઓરડા, જમણી તરફ બીલીના ઝાડ પાસે નાનકડી દેરી અને દેરી પાસે થાંભલીના ટેકે ઊનની શાલ ઓઢીને માળા ફેરવતા એક બુઝુર્ગ.
ડગમગતા હાથનું નેજવું કરીને સફેદ નેણ તળે ઓલવાઈ રહેલી ઊંડી આંખો તેમણે આગંતુકો ભણી તાકી. રાઘવ ઘડીભર તેમને જોઈ રહ્યો. ગોરા ચહેરા પર ગરવાઈ પોંખતી કરચલીઓ, કૃશ હાથનું હળવું કંપન અને બોખા મોંમાં સતત જડાઈ રહેતું સ્મિત...
એ દુર્ગાશંકર શાસ્ત્રી હતા.
***
'મારે ફોટા જોવાની જરૃર નથી...' રાઘવે લંબાવેલા ફોટોગ્રાફની સામે નજર પણ માંડયા વિના શાસ્ત્રીજીએ કહ્યું હતું, 'સાત પેઢીથી અમે અહીંના પૂરોહિત છીએ. અહીંના એક-એક કાંકરાને ઓળખું છું...'
'શાસ્ત્રીજી, આમ તો મંદિરમાં ચોરવા જેવું કંઈ છે જ નહિ...' પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ કરવા રાઘવે પૂર્વભૂમિકા બાંધવા માંડી, '... અને મંદિરમાંથી બીજું કશું ચોરાયું પણ નથી. ચોરે ફક્ત આ એક જ મૂર્તિ કેમ ચોરી એ મને સમજાતું નથી.'
'...પણ મને સમજાય છે' ધુ્રજતા ચહેરાને સ્હેજ ઉપર ઊઠાવીને શાસ્ત્રીજીએ રાઘવની આંખોમાં તાકીને કહ્યું, 'મને સમજાય છે કે શા માટે એ મૂર્તિ જ ચોરાઈ, પણ મને એ સમજાતું નથી કે ચોરને કેવી રીતે ખબર પડી કે એ મૂર્તિ વિશિષ્ટ છે...'
રાઘવની આંખોમાં પ્રશ્નાર્થ વાંચીને શાસ્ત્રીજીએ પૂછ્યું, 'સમય પૂરતો હોય તો માંડીને વાત કરું'
રાઘવે હકારમાં ડોકું ધૂણાવ્યું એટલે શાસ્ત્રીજીએ પૂજારીની મદદથી થાંભલીને ટેકે ગાદી સરખી કરી અને વાત માંડી. ધુ્રજતા અવાજે શાસ્ત્રીજી કટકે કટકે બોલતા જતા હતા અને રાઘવના ચહેરા પર વિસ્મયનો સ્ફોટ થતો જતો હતો.
'શિવજીને માનનારા આપણે સૌ દક્ષિણપંથી છીએ. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણકારી એવો થાય છે પરંતુ શિવ એ સમગ્ર સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. સર્જક અને સંહારક. કલ્યાણકારી અને રૌદ્ર.'
રાઘવ એકીટશે તેમને તાકીને સાંભળી રહ્યો હતો પણ તેના મગજમાં ઘમસાણ ફૂંકાતું હતું. એક સાધારણ મૂર્તિની ચોરી થાય એમાં શિવજીના સ્વરૃપ સમજવા પડશે એવી તેને ધારણા ન હતી.
'મોટાભાગના સંસારીઓ શિવજીના કલ્યાણકારી સ્વરૃપને પૂજે છે પરંતુ બીજો એક પંથ છે જે શંકરના રૌદ્રને, સંહારક સ્વરૃપને પૂજે છે. એ વામપંથ છે.'
રાઘવ હજુ ય એકાગ્રતાપૂર્વક સમજવાનો પ્રયાસ કરતો હતો.
'હું બનારસમાં શાસ્ત્રો ભણ્યો છું...' શાસ્ત્રીજીએ ખભા પરના ગમછા વડે આંખોમાં ઉંમરસહજ આવી જતી ભીનાશ લૂછી, 'વામપંથીઓને મેં જોયા છે. તેમના વિધિ-વિધાન બહુ જ અલગ, ક્યારેક આપણી બુદ્ધિને પચે નહિ અને સામાજિક માનસિકતાને માફક ન આવે એવા હોય છે. એ એક એવું સત્ય છે જે બધા માટે નથી. એ પામવા માટે યોગ્યતા કેળવવી પડે, જે બધામાં નથી. એટલે જ વામપંથને આપણે કૌલદર્શન કે અઘોર વિદ્યા તરીકે ઓળખીએ છીએ અને તેનાંથી દૂર રહીએ છીએ'
'બટ...' હવે રાઘવને અકળામણ થતી હતી, 'તેને અને આ મૂર્તિની ચોરીને શું સંબંધ?'
'એટલે જ મેં પૂછ્યું હતું...' શાસ્ત્રીજીએ તેની આંખોમાં આરપાર તાકીને હળવું સ્મિત વેર્યું, 'કે પૂરતો સમય હોય તો જ વાત કરું...'
'ના.. ના.. એમ નહિ પણ...' રાઘવની થોથવાતી જીભ વાક્ય પૂરું કરે એ પહેલાં જ શાસ્ત્રીજીએ કહી દીધું, 'એ મૂર્તિ વામપંથી હતી...'
'એટલે...?'
'એટલે અઘોરવિદ્યાના ઉપાસકો જેની પૂજા કરે એવી...' રાઘવના ચહેરા પર સતત અંકાતી જતી મૂંઝવણો અને ગૂંચવણો જોઈને શાસ્ત્રીજીએ આર્જવપૂર્વક તેનો હાથ દાબ્યો, 'આ બધું માનવું, સમજવું અને પચાવવું અઘરું છે... બહુ જ અઘરું... એટલે તો આપણે સંસારીઓ માટે એ ત્યાજ્ય ગણાય છે...'
'બટ... તો પછી... બીજી બધી મૂર્તિઓ?'
'મેં પોતે તો જોયું નથી કદી, પણ મારા વડવાઓએ તેમના વડવાઓ પાસેથી સાંભળેલી વાત છે. કેટલું સાચું-કેટલું ખોટું એ હું નહિ કહી શકું પણ આ મૂર્તિઓ ડિંડોરીના એ દેવાલયમાં ૭૦૦ વર્ષથી હોવાનું કહેવાય છે. અમૂક સમય પહેલાં તો ચોક્કસ તિથિએ અહીં અઘોરીઓ સાધના કરવા આવતા અને ત્યારે ગામમાંથી કોઈ ઘરની બહાર પણ ન નીકળતું એવું ય મેં મારા વડીલો પાસેથી સાંભળ્યું છે... મારા વડવાઓ કહેતા કે આ મૂર્તિઓ અપૂજ રાખવાની છે પણ સાચવવાની ય છે કારણ કે એ લાખેણી છે...'
'મતલબ કે એ દરેક, પાંત્રીસેય મૂર્તિ વામપંથી હોય તો આ એક જ મૂર્તિ કેમ ચોરાઈ?'
'એવું મેં તો નથી કહ્યું...' શાસ્ત્રીજી બરાબર વાક્પટુ હતા. નેવુની અવસ્થા પાર કરી હતી પણ સ્મૃતિ સતેજ હતી અને મિજાજની ખુમારી અકબંધ, 'બધી મૂર્તિ વામપંથી હતી કે અમુક હતી કે કોઈ એક જ હતી એ મને ખબર નથી પણ હું એટલું કહી શકું કે, વામપંથી મૂર્તિઓ પારખવાનું એક ચોક્કસ શાસ્ત્ર છે'
'તમે એ વિદ્યા જાણો છો?'
શાસ્ત્રીજી બોખા મોંએ એવું ગમતીલું હસી પડયા કે રાઘવના તંગ ચહેરા પર પણ સ્મિત આવી ગયું, 'બેટા, આ બહુ અઘરો સવાલ છે. વામપંથ એ આપણો સંસારીનો વિષય નથી.' ધૂ્રજતા હાથે તેમણે ઘડીક બાજુના બિલીવૃક્ષના થડને પસવાર્યા કર્યું અને અચાનક જાણે નવો પ્રાણ સંચાર થયો હોય તેમ તેમનો કંઠ બદલાયો, 'નાહં મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ ચ... યો નસ્તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ ચ.. કેન-ઉપનિષદમાં બ્રહ્મને ઓળખવા વિશે આ શ્લોક કહેવાયો છે પણ એ સૃષ્ટિએ સર્જેલા આવા ભેદને ય એટલો જ લાગુ પડે છે. જો હું એમ કહું કે હું જાણું છું તો હું નથી જાણતો. કારણ કે, વામપંથની આરાધના અને તેમાં ડિંડોરી દેવાલયની એ મૂર્તિઓનું મહત્વ મને ખબર નથી. જો હું એમ કહું કે હું નથી જાણતો તોય હું ખોટો છું. કારણ કે, એ શાસ્ત્ર, એ વિદ્યા, એ પંથ, એ ઉપાસના છે એ મને ખબર છે..' એકધારું આટલું બોલીને શાસ્ત્રીજીને હાંફ ચડયો હતો છતાં હાંફતી છાતીએ તેમણે રાઘવની સામે આંગળી ચિંધીને કહી દીધું, '... અને મને એ ય ખબર છે કે એ તારા માટે નથી'
ક્ષમતાથી અનેકગણો શ્રમ લઈને હવે તેમના કૃશ ફેફસાં ફાટવા લાગ્યા હતા. બાજુમાં બેઠેલો ટાબરિયો ગમછાથી તેમને હવા નાંખતો હતો, પૂજારી પાણી લેવા દોડયો હતો...
- અને એસીપી રાઘવ માહિયાના ગળામાં વિમાસણની કાંચકી ભીંસ દેવા માંડી હતી!
(ક્રમશઃ)