munga sapna books and stories free download online pdf in Gujarati

મૂંગા સપના


        આખરનો સમય આવે એટલે દરિયો પણ દરવાજા બંધ કરી દે. કેદમાંથી છૂટેલા મોજાંને પછી આભને આંબવના કોડ જાગે. ચોમાસાના મંડાણ થતા પેલા ભયાનક ડુંગરા જેમ ગાજવીજ સાથે ડોલી ઊઠે એમ ખારા પાણીના પર્વતો મધદરિયે હોંકારે ચઢે. મહાકાય જહાજોને પણ ખુલ્લે ચોક પડકારે. કોઈથી પકડ્યા ન પકડાય એ મોજાં. એટલે પછી નછૂટકે ખારવાઓ ખમ્મા કરે. આઠ આઠ મહિના તોફાની દરિયાના સીના ઉપર ઝઝૂમ્યા પછી આ ટાણે વહાણો કિનારે લાંગરી જ દેવા પડે. આખું વરસ દરિયાના ખરાં પાણીમાં માછલાં પકડી પકડીને જીર્ણ થયેલી જાળને સાંધાવાનો પછી શિરસ્તો શરૂ થાય. બંદર આખામાં ઠેર ઠેર જાળના ઢગલા થાય. કોઈ વહાણમાં, કોઈ કાઠીમાં, તો કોઈ વળી વખારમાં જાળ પાથરે.  ખલાસી નાનું ચપ્પુ અને ટયરી (જાળ સીવવાનું સાધન) હાથમાં લઈ કામે વળગે.

   અમારેે પણ વહાણની જાળ સાંધવા માટે, દર વરસની જેમ એક જગ્યા નક્કી હતી. પેલો ઘટાદાર લીમડો આ બાબતમાં અમને દર વખતે સાથ આપતો. તેના શીતળ છાંયડામાં ખલાસીઓ દિવસભરનો થાક ભૂલી જતા. અમે એના છાંયડા નીચે જાળ સાંધતા અને તે શેષનાગની જેમાં માથે ઊભો રહી અમને ટાઢક આપતો. ન થાકે, ન બોલે, ન કંઈ માંગે. બસ ! નીચે જાળ સાંધતા ખલાસીને જોયા કરે. નિ:સ્વાર્થ ભાવે.
    કાલે અમે જાળ લઈને ત્યાં પહોંચ્યા ત્યારે મારી આંખો એકાએક દંગ રહી ગઈ. કેવું કારમું દૃશ્ય ? મારાથી એક ભારે શ્વાસ લેવાઈ ગયો. બીજી જ ક્ષણે હૈયામાંથી આર્તનાદ ઊઠ્યો: 'બીચારાં આ ઝાડવાંનો હાથ કોણે કાપી નાખ્યો હશે ? જરાક પન દયા નીં આવી હોય !!' ઊઠેલો નિસાસો છેક મારા કાળજે વાગ્યો.
  મેં આસપાસ વિહ્વળ નજર દોડાવી. કોઈ માણસ આંખ સામે ફરક્યું નહીં. સર્વત્ર નીરવ શાંતિ.  જાણે મારો ખુદનો એક હાથ કપાઈને સામે પડ્યો હોય એવી કારમી વેદના મને થઈ આવી. ફરતી વંડી વચ્ચે એકલો ઊભેલો લીમડો મને કંઈક કહેવા સહેજ ઝૂકતો ન હોય એમ મને લાગ્યું. છકડામાંથી ઠલવાતી જાળનો ઢગલો થઈ ગયો છતાં મારું કશું ધ્યાન ન રહ્યું. મને લીમડાની કપાયેલી કાયા વીંછણ જેમ ડંખતી રહી.

   એ લીમડા નીચે અમે દર વર્ષે જાળ સાંધાતા એટલે એક અતૂટ આત્મીયતા બંધાયેલી. હજી થોડા દિવસ પહેલાં જ લીમડો કોઈએ કાપ્યો હોય એવું મને લાગ્યું. એના એક છેડે પડેલા ઘા હજી એવાને એવા તાજા લાગ્યા. મેં દીવાલના ખૂણે પડેલા લીમડાના એ કપાયેલા હાથ પર નજર નાખી. જોવાયું ન જોવાયું ત્યાં નજર ખેંચી લીધી. કોણ જાણે કેમ પણ હૈયું જ ન માન્યું. ફરી કતરાતી નજર ચોતરફ ફેરવી જોઈ રખેને ક્યાંક પેલો નિર્મમ કઠિયારો દેખાઈ જાય ! ત્યાં પળભર હૃદયમાં લાગણીનો ઊભરો ચઢી આવ્યો. આંખના એકાદ ખૂણે કાંઈક ભીનું ભીનું સળવળ્યું પણ ખરું ! અને મારા હૈયામાં કાળઝાળ રોષ ઊભરાયો: 'જાણે એ કસાઈ  હાથમાં આવી જાય તો હમણાં.......!' ચોક્ક્સ મારું અંગ સહેજ ધ્રૂજી ગયું. ક્યાંય સુધી એ દૃશ્ય મારા મનમાંથી ખસ્યું જ નહીં. જાળનો ઢગલો કરી ખલાસીએ રજા માંગી છેક ત્યારે મારું ધ્યાન તૂટ્યું.

"સવારે વે'લા આવી જાજો...." ખલાસીને કહેતા હું ફરી વહાણ તરફ જતો રહ્યો. પેલો કપાયેલો લીમડો અને અને તેનો કપાયેલો હિસ્સો આખા રસ્તે મારી બેચેની વધારતા જ રહ્યા. 

   સવારે હું વહેલો આવી, એકલો જ જાળ સાંધવા બેસી ગયો. લીમડાના ઘટાટોપ પાંદડા ચીરીને આવતો સવારનો સોનેરી તડકો પણ મને આજ ફિક્કો લાગ્યો. એમ કહો એ ચળકાટ આજે મને વધારે ડંખ્યો. એ લીમડાને ફરી એકવાર મેં દયનીય દૃષ્ટિથી નીરખી લીધો. જાણે પોતાની બધી સંવેદનાઓ ભૂલી ગયો હોય એમ તે પણ મને મૂક તાકી રહ્યો હતો. તેની ઝાંખી પડેલી સૂરત સામે નજર મિલાવતાં મારુ મોં ઢીલું પડી જતું. મને તેની મૂંગી વ્યથાના વિચારમાત્રથી એટલું દર્દ થતું તો પછી એની વેદનાની તો વાત શી ? અને પાછી તેની મૂંગી વેદનાને વાચા પણ ક્યાં હતી ! મારા શરીરમાં તીક્ષ્ણ શૂળ ભોકાયા. આજે તો પવનના સામાન્ય ફૂંકારાથી પણ તેના કૂણાં કૂણાં પાંદડા મારા પર ખરી પડતા, જાણે અંતરમાં વલોવાતા ડૂમાને રોકી ન શકતો હોય એમ એ ઊના ઊના આંસુએ પાંદડાનું રૂપ લઈ લીધું ન હોય ! 

   "આ ઝાડ આખું હતું'તી આપણે હારું હતું કાં ? કાગળ બાધવું પડતું નીં" થોડો તડકો વધતા એક ખલાસી અકળાતો બોલ્યો.

   "હં.....! હું નડતું ઓયે ઈને ? મારા હાળાને જરાય દયા નીં આવી હોય ?" લાચારી સાથે મારા મોંમાંથી તીખા તીર જેવા શબ્દો સરી પડ્યાં. એટલામાં ગુસ્સાને ગાંડો ઉછાળો આવ્યો હોય એમ એક ભૂંડી ગાળ મારા હોઠ સુધી આવી ગઈ... પણ તરત મેં વાક્ય પલટાવી દીધું :"આઘરે આપણો કોઈ વે હાથ કાપી નાખ્યો હોય તો કીવું થાય ? ઝાડવામાં પન જીવ તો છે જ ને !"
 બધા મારી સામે બાધા જેમ તાકી રહ્યા. પ્રશ્નાર્થ દૃષ્ટિથી. પણ હું જ નજર નીચી નાખી ગયો.

    પહેલા અમારે માથે છાંયડો નાખવાની જરૂર ન રહેતી. આ લીમડો હતો જ ખૂબ ઘટાદાર. એના ફરતે બધા ખલાસી બેસી જાય તો પણ બાળકો છાંયે રમે એવી જગ્યા બચતી. પણ હવે તો એની આખી એકબાજુ અંગથી જુદી પડી હતી ! એની કાયાથી કાચી કપાયેલી.

  માથે છાંયડો બાંધવા માટે અમારા એક ખલાસીએ દોરડું પણ તે લીમડાનાં કપાયેલા ખભે જ બાંધ્યું. જોતાવેંત હું ફરી ગળગળો થઈ ગયો. આવેશમાં કહ્યું પણ ખરું :
  "ના, ઈના થડમાં બાંધ નીં."

 બસ, પછી દિવસભર દિમાગમાં એના જ વિચારો ઘૂમરાયા કર્યા. લીમડો પણ આખો શોકમાં ડૂબી ગયો હોય એમ એકલો એકલો ઝૂરતો રહેતો. વાચા તો કુદરતે આપી જ નહોતી જેથી ભીતરની વેદના બીજાને કહી શકે ! એકાદ વખત મેં તેના થડ પર પડેલા ઘા ઉપર હેતથી હાથ ફેરવી જોયો. મારો પથ્થર જેવો હાથ પણ સહેજ ધ્રૂજયો. કોઈ વૃદ્ધની કરચલીવાળી કાયા થર થર ધ્રૂજતી હોય એમ તેના ભીંગડામાં મને કંપન લાગ્યું. તે લીમડાની માફક હું પણ મારા ચહેરાના ભાવ છૂપાવા મથ્યો. આજ ધોળે દહાડે, આઠ ખલાસીની સામે ક્યાંક આંખો છલકી ન પડે ! એ વિચારે હું તરત ડોકી ઢાળી ગયો. ધ્રૂજતા આંગળીના ટેરવાં નાયલૉનની ફાટેલી જાળ પર ફરતાં રહ્યાં. જાળ તો સંધાતુ રહ્યું પણ કોચવાતું હૈયું તો ઉલટાનું વધારે ચિરાતું... ઘવાતું... તડપતું. પડખામાં ઊભેલો એ સૂનમૂન લીમડો એકલો રોતો રહ્યો અને ભીતરમાં અસહ્ય ખાલીપો મારું કાળજું ફોલીને ખાતો રહ્યો. 

  "પપ્પા, મોબાઈલ આપો નીં." હું એકદમ ઝબકયો. 
   
મારો નવેક વર્ષનો દીકરો સામે આવી ઊભો. હું હજી ક્યાંક બોલું તે પહેલાં તો તેણે મારા ખિસ્સામાંથી મોબાઇલ લઈ લીધો. થોડે દૂર મારા ભાઈનો છોકરો પણ મોબાઇલમાં મંડાયેલો. એટલે તે એની બાજુમાં દોડી ગયો. અમારા અન્ય ખલાસીઓના નાના નાના ભૂલકાંઓ પણ તેની આજુબાજુ મોબાઇલની ટચસ્ક્રીન પર આંગળા ફેરવી હરખાતા હતા. એ લીમડો અમને જોતો હતો કે એ બાળકોને ? મેં મારા હૈયાને ખંખેર્યું. ક્ષણભર લીમડો મગજમાંથી સહેજ ખસી ગયો. ભંડારી ચાની કીટલી ફેરવતો ફેરવતો મારી પાસે જ આવતો દેખાયો. વિચારનો પ્રવાહ જોતજોતામાં બીજી દિશામાં ફંટાયો. મૂંગા મૂંગા ટચસ્ક્રીન પર આંગળી ફેરવતા બાળકોનું દૃશ્ય મારા હૃદય સોંસરવું નીકળી ગયું: 'આવું બાળપણ ? આ આખી કુદરતી દુનિયા છોડી બાળકો મોબાઇલ, ટીવી અને કાર્ટૂનમાં જ કેદ થઈ જશે ?'
   હું આંખો મીંચી ગયો. એકાદ ક્ષણ તો દીકરા પાસથી મોબાઇલ ઝૂંટવી લેવાનું મન થઈ આવ્યું. મારી એ માનસિકતા લીમડાની વ્યથા બદલ હતી કે મોબાઇલમાં ખર્ચાતા બાળકોના અમૂલ્ય બાળપણ બદલ એ હું સ્પષ્ટ સમજી ન શક્યો. ભીતર ધરબી રાખેલા ભોળા બાળપણના સંભારણા મારી અંદર સળવળ્યાં. તે સાથે જ મારી નજર સમક્ષ બાળપણનાં અનેક ચિત્રો ઊપસી આવ્યાં. મોં પર ક્ષણિક હાસ્ય પણ સ્ફુર્યું.

 દરિયા કિનારાની ભીંની રેતીમાં અમે આંગળી ખોસીને જેવા તેવા ચિત્રો દોરતા, પછી આવતી લહેરે પાછા એના પર જ આળોટી પડતા. ક્યારેક માને કહ્યા વગર ખરા બપોરે દરિયામાં નાહવા નીકળી જતા, એક પછી એક વહાણો ઠેકીને ખાડીમાં છલંગો દઈ મઝધારનું પાણી માપતા. ધુબાકા ઉપર ધુબાકા મારતા અને પછી તરતાં પણ એ રીતે જ શીખેલા. સ્કૂલેથી છૂટતા ત્યારે મિત્રોની સાઇકલ પાછળ આંધળી દોટ દેતા, વરસાદમાં ઉઘાડા ડીલે ભીંજાતા, તો વળી કયારેક તાપણું કરી તેમાં સૂકા બૂમલા શેકીને ખાતા, અને દરિયાશી મોજ માણતાં. શું બેપરવા દિવસો હતા ! આવા તો એક પછી એક અનેક દૃશ્યો મારા સ્મરણપટ પર જીવતાં થયાં. ત્યાં તો એ સ્મરણપોથીમાંથી એક દૃશ્ય એવું ધસી આવ્યું જે ચહેરાને અત્યારે પણ હરખાવી ગયું. અને પછી એ જ ક્ષણે દાદીમાનાં ઘર આગળ રહેલું એક ઘટાદાર ઝાડવું માનસપટ પર સાક્ષાત્ સળવળીને સજીવ થયું. ઢળતી સાંજે અમારી ટોળકી એ ઝાડ પાસે અચૂક પહોંચી જતી. નટખટ વાંદરા જેમ ઉપર ચડતા, પડતા, છોલાતા અને રોતા પણ ખરા. દાદી ખિજાતાં તો પણ મજા આવતી. વળી પાછું ત્યાં મજબૂત ડાળ પર લટકતા રબરના ટાયર પર ટીંગતા ત્યારે મનમાં આનંદની લહેરખી ઊઠતી. જાણે જીવ મુઠ્ઠીમાં લઈને ચઢ્યા હોય એમ ડરના માર્યા હીંચકતા. હવામાં ઝૂલતા ત્યારે શ્વાસ બેધડી અધ્ધર થઈ જતો. પણ ગજબ હો ! આજના હીંડોળા તો તેની આગળ બિલકુલ ફિક્કા લાગે. 

   "પપ્પા, નવી ગેમ લઈ દેવની. આ તો જૂની થઈ ગઈશ !" 

   એકાએક મારી વિચારતંદ્રા તૂટી. બીજી જ ક્ષણે મારું બાળપણ સંકેલાઈને આ લીમડાના થડમાં ધરબાઈ ગયું. 
   
   "હવે મોબાઇલ મૂક ને આમ કાંક રમવા જાવ. હાવ ઘરકુકડા હું બની ગયાશ." મારા તંગ કપાળે એક નસ ઊપસી આવી. 

   મારો દીકરો, રિસાઈને ત્યાં જ બેસી ગયો. બીજા ભૂલકાંઓ હજી મોબાઇલમાં જ મંડાયા હતા.   આ બીજી અકથ્ય બેચેનીથી મારા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. ત્યાં એકદમ મનમાં ચમકારો થયો: 'પેલો લીમડો પણ આ જ સંતાપ સમાવીને બેઠો હતો કે શું ?' 
મેં માથું ઊંચું કરી તેના કપાયેલા હાથ પર જોયું. આસપાસ પડેલા તેનાં સૂકાં પાંદડાં ગમગીનતાથી મારા ચહેરા પર ડોકિયું કરતાં હતા કે શું ? મારા મોંમાંથી એક હળવો નિસાસો સરી પડ્યો. મનોમન મને ખાતરી થઈ ગઈ : 'નક્કી આ લીમડો તેના કપાયેલા હાથ કરતા વધારે દુઃખી એ માટે હશે કે હવે નાના નાના ભૂલકાં તેની પડખે ધીંગામસ્તી કરવા નથી આવતા ! કોઈ તોફાની બાળક તેની કૂણી ડાળ પર ટીંગાતું નથી !'
  
  મેં લીમડાને પૂરેપૂરો વાંચવા મથામણ કરી. જાણે એ મને કહેતો હતો: 'આ કપાયેલો હાથ તો ફરી ઊગી જશે પણ આ ચાલ્યું જતું બાળપણ, આ ભૂલકાંઓ હવે કદી મારી કાયા નહીં ખૂંદે !!!! મારા સપનાં કદી પૂરા નહીં થાય ? હા, બીજા ઝાડવાં જેમ મારા પર મીઠાં ફળ નથી આવતાં, તો શું બાળકો માટે હું નકામો છું ? આના કરતાં તો તડકામાં સૂકાઈ જવું સારું !' અને એક પવનના સૂસવાટા સાથે તેની મૂંગી ચીસના પડઘા ચોમેર ઊઠીને તે ફૂંકાર સાથે જ વિલાઈ ગયા. એની કૂણી ડાળખી પર બેઠેલું એક ભોળું કબૂતર એકાએક ઊડયુંઅને વેરાન વગડામાં જતું રહ્યું. પાછળ પાછળ બીજા બાકી રહેલા કબૂતર પણ વગડામાં ખોવાઈ ગયા.

    મને તેની મૂંગી વેદનાએ હલબલાવી મૂક્યો. ચહેરા પર બહાવરી ભીષણતા છવાઈ ગઈ. અંદરથી ઉમળકો ધસી આવ્યો: 'હમણાં એ લીમડાના રોતાં થડને બાથમાં ભરી લઉં.' શું એના મનમાં ઊઠતા એ ચિત્કારના પડઘા કદીય શમશે ખરા ? સવાલ કાળજે કોરાયો.
  ઢળતી સાંજનો આથમતો સૂર્ય પેલી દૂરની ટેકરીઓ પાછળ સરકી રહ્યો. ખલાસીઓ પણ જતા રહ્યા. જાળનો ઢગલો કરી દીધો, એ જ લીમડાની નીચે. સવારે ફરી ત્યાં જ ભેગા થવાનું હતું. હું પણ ભારે પગે ઘર તરફ રવાના થયો. પેલો લીમડો એકલો ઝૂરતો ઊભો રહ્યો. કદાચ કોઈ ટોળકીની પ્રતીક્ષામાં.
 
   "દોરને કાગળ ઢાંકયું કે નીં. ?"  પિતાજીના અવાજમાં ગુસ્સોનો રણકાર હતો.

   મને યાદ આવ્યું: 'અરે ! હાં. જાળના ઢગલાને તાડપત્રી ઢાંકવાની તો બાકી રહી ગઈ !'
 હું ફરી ત્યાં ઉતાવળો દોડ્યો. મારા  પગલે પગલે  ઊછળતા ધબકારા સાથે પેલો લીમડો ફરી મનમાં ધબકતો થયો. 'ધક્ ધક્ ધક્ ' 

   ....અને આ વખતે જે દૃશ્ય મારી આંખે ચઢ્યું તે જોઈ હું સ્તબ્ધ બની ગયો. મારી આંખો ચમકી ઊઠી, આકાશમાં પેલો શુક્રનો તારો ચમકી ઊઠે એમ. હું વંડી આગળ અટકી ગયો. પળભર મારા પગ ત્યાં જ જમીન સાથે ખોડાઈ ગયા. હજી બે ચાર કલાક પહેલાની મારી ધારણાથી બિલકુલ વિપરીત નજારો ઊડીને આંખે વળગ્યો. લીમડાને બાથમાં ભરી બાળકો ઉપર ચઢતા અને તેની મજબૂત ડાળ પરથી નીચે જાળના ઢગલા પર કૂદકો મારતા. ખરેખર લીમડો એટલો બધો ખુશ દેખાયો કે મને થયું મારે હસ્તક્ષેપ કરવા નજીક નથી જવું. અને તેની કલ્પનાતીત મસ્તીમાં વિક્ષેપ પાડવાની હું હિંમત સુધ્ધાં ન કરી શક્યો. લીમડાના થડ પર લટકતાં બાળકોના કપડાંએ મને ફરી બાળપણ યાદ અપાવી દીધું. ઘરે ખબર તો ન જ પડવી જોઈએ કે બહાર તોફાન, ધીંગામસ્તી કે મારામારી કરી પધાર્યા છે. કપડાં બગડે તો ખબર પડે ને ! મેં છૂપાઈને  ઘણીવાર સુધી ઉઘાડા, બેપરવા અને તોફાની બાળકોની બેધડક છલંગો જોયા કરી. ન અત્યારે એમને મોબાઇલ યાદ હતો, ન એમાં રહેલી ગેમ. ન છોલાવાની બીક હતી, ન હાથ-પગ તૂટવાની. ન ઘર યાદ હતું ન સમયનું કાંઈ ભાન. બસ ! એ તો અત્યારે લીન હતા નિજાનંદમાં. મેં એક ઊંડો શ્વાસ લીધો. એમાં રાહત હતી, આત્મસંતોષ હતો. લીમડાની આંખો ખુશીથી છલકી ઊઠી હતી. હું અનિમેષ નજરે આંખો ટાઢી કરતો રહ્યો. હૈયું ભરાઈ આવ્યું. આખરે મેં નિર્ણય કરી લીધી : 'ના, એને રમવા જ દે. જાળનો ઢગલો આજ રાત પૂરતો નહીં ઢંકાય તો કાંઈ વાંધો નહીં આવે. અને આમેય, આ લીમડો બેઠોશ જ છેને અમારા જાળની ધ્યાન રાખવા.'
   હું ત્યાંથી જ પાછો વળી ગયો. અંગ અંગમાં એક ટાઢક પ્રસરી રહી. ...અને પછી સવારે તે લીમડો મારી  રાહ જોઇને જ બેઠો હતો. કદાચ તેની ખુશી મારી સાથે વહેંચવા.
 ------- વિષ્ણુ ભાલિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED