abhan khalasi books and stories free download online pdf in Gujarati

અભણ ખલાસી

                  
“કિસન… ઓ કિસન.. હાલ ભાઈ ઝટ, બે વાર ટંડેલના ફોન આવી ગીયા. બીજા બધી ખલાઈ પણ કવારના વા’ણે આવી ગયાશ.” ભગાએ કિસનના બારણે ઊભા રહી, અધીરાઈથી હાકલ કરી.
“આવું ભાઈ, જરીક થોભ તો ખરી.” કિસન તેના જૂના ખખડધજ કબાટમાં કંઇક ફંફોસતા, લાપરવાહીથી બોલ્યો.
“ભાભી, આ હું ગોતેશ ઈમાં ?” ભગાએ રમીલાભાભી તરફ જોતા જાણી જોઈને પૂછ્યું.
“બીજું હું હોય ? ઈના ફાટેલા ચોપડા. બીજું દેખાઈશ પન હું ઈને. તને તો ખબર છે કે વા’ણમાં પન છાપાને ચોપડા વગર નથ હાલતું ઈને ! કંઈ હમજાવ... હમજાવ... હવે. હું તો થાકી ગઇશ હમજાવી હમજાવીને.” રમીલાભાભીએ આજે પણ એ જ કાયમની દુઃખતી રગ પકડી. તે ગણગણાટ કરતી રસોડામાં જતી રહી. જઈને ઝટપટ ટીફીન તૈયાર કરી દીધું. કિસને જૂના છાપા અને એકાદ બે પુસ્તક થેલીમાં ભર્યા. પત્નીની વાતો જાણે કાયમ સાંભળીને થાકી ગયો હોય એમ તેને ગણકાર્યા વગર ટીફીન લઈ લીધું. પત્નીના મુખે હજી હળવો ગુસ્સો દેખાયો. તે મોં મચકોડતા આગળ વધી ગયો. પથારીમાં સુતેલા નાનકડા રવિ દીકરા પર એકાદ હેતભરી નજર નાખી લીધી. થેલી અને ટીફીન હાથમાં લેતા, તે ભગા તરફ આંખ નચાવતા બોલ્યો:“હાલની ભાઈ, તારી ભાભીને તો કાયમની ટેવ પડીશ, ખાખરાની ખિસકોલી હાકરનો સવાદ હું જાણે ?” 

 બંને મિત્રો હસતા હસતા પોતાના વહાણ તરફ તાકીદે રવાના થયા. રમીલાભાભીને  કિસનના પેલા વાક્યમાં થોડુંક સમજાયું ન સમજાયું એટલે તે ધીમું હસતી રહી. દૂર દેખાતી અંધારી ગલીમાં બંને ભાઈબંધ અદૃશ્ય થયા ત્યાં સુધી તેમને જોતી રહી. 
         રાત્રીનું શાંત આકાશ નિરાંતની ઊંઘ ખેંચી રહ્યું હતું. માની ગોદમાં લપાઈને દરેક તારલાઓ બેફીકર બની ગયેલા. સુરીલો પવન ખારવાઓના ઝુપડા પરથી ડોકિયા કરતો તોફાની દરિયા તરફ ચાલ્યો જતો. પૂનમનો પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર જાણે વહાણો પર ફરકતી વાવટીના ફડફડાટને ધ્યાનથી સાંભળતો રહ્યો. બંદરની જેટી રોશનીથી આખી ઝગમગી ઊઠેલી. લંગરના સહારે પડેલા કેટલાક વહાણોની ઝગારા મારતી લાઈટો, અહંકારભરી અદાથી ઝગમગતા ચંદ્રમાં સાથે આંખથી આંખ મિલાવી રહી હોય એમ લાગે. હજી હમણાં નવા લાંગરેલા કેટલાક વહાણોના ખલાસી માલ ખાલી કરવા માટે જેટીના કિનારે પહોંચવા મથામણ કરી રહેલાં. દૂર વસાહતમાં વિવિધ માછલીના છકડા ભરીને  લઈ જતાં માણસો ઉતાવળમાં હોય એમ પુરજોશમાં ભાગમભાગ કરતા દેખાતા.
            કેટલાંક વહાણના ખલાસીઓ બરફના ટુકડા કરી કોલ્ડરૂમમાં ભરવા ઉત્સાહથી ફેંકી રહ્યા.. તો કેટલાક ફિશિંગમાંથી આવેલા વહાણોના ખલાસીઓ માછલીની પૂંછડી પકડી છકડામાં ભરી રહેલા. કેટલાક વહાણો ફીશીંગમાં જવાની તૈયારી રૂપે ખલાસીની રાહમાં રોકાયેલા. તો વળી કેટલાક ટંડેલો ચિંતાતુર બની પોતાના વહાણના ખલાસીને ફોન કરી જલદી વા’ણે આવવા ચેતવી રહ્યાં હતાં. જેટી પરની આ રમઝટ અને ધમાચકડીમાં કિસન અને ભગો પણ સહસા ભળી ગયા. ખાડીમાં ભરતીનો પ્રવાહ વેગવંતો બની વધી રહ્યો હતો. તેની પ્રચંડ તાકાતથી વહાણોના દોરડા કડકડાટી બોલાવતા હોવાથી લાગે જાણે હમણાં ભયાનક ગર્જના સાથે તૂટી જશે ! ભગાએ જેટી પરથી જ પોતાના વહાણમાં છલાંગ લગાવી દીધી.

“કિસન, સેરો છોડતો આવજે.” બંનેની રાહ જોઈને બેઠેલા સુકાની બાબુએ કિસનને ચેતવ્યો. 

કિસને કિનારેથી વહાણનો છેડો છોડી નાખ્યો. વહાણનો મોરો બહાર પાડ્યો. ગીચોગીચ ખડકાયેલા વહાણના કાફલામાંથી પોતાનું વહાણ બહાર કાઢવા તે અન્ય ખલાસી સાથે ભળી ગયો. અથાગ મથામણ પછી માંડ માંડ વહાણ બહાર નીકળ્યું. ખલાસીએ રાહતનો શ્વાસનો લીધો. અને તે સાથે ખાડીના પ્રવાહમાં પડી રહેલા ચંદ્રના હાલકડોલક પ્રતિબિંબને ચીરતું વહાણ, તેની મસ્તી સાથે દરિયાની અંધારી ગલીઓમાં અદૃશ્ય થઈ ગયું.

              ખલાસીઓ પોતાની કાયમની જગ્યા પકડી, બિછાનું પાથરી લંબાવી ગયા. સામે અંધારપટ પર બીજું એક વહાણ જતું હોય તેવો આભાસ થયો. તેની ઝાંખી લાઈટને નીરખતા સુકાની બાબુ પોતાના વહાણને ગતિ આપતો રહ્યો. ભંડારમાં સુતેલા કિસને ઉપરના ખુલ્લા આકાશ તરફ દૃષ્ટિ કરી. જાણે એ અંધારિયા આકાશમાં પોતાનું લક્ષ્ય શોધતો ન હોય ! ટમટમતા તારલાઓ પણ તેની તરફ મીટ માંડી જોઈ રહ્યાં હોય એમ તેને લાગ્યું. હમેશની જેમ બાજુમાં સુતેલા ભગાને તેણે હળવેકથી ઈશારત કરી.
“ભગા ?”
“હમમમ” ભગાએ હળવો હુંકારો કર્યો.
“તને ખબર છે ? મારા રવિનો જનમદિવસ હમણાં આવશે. લગભગ આપણે અગિયારી પાળશું ત્યારે જ છે.” કિસનનો ધીમો ધીમો અવાજ ભગાને કાને પડઘાયો. ભગાને તેના સ્વરમાં ઉત્સાહ અને ઉમળકો સ્પષ્ટ વર્તાયો.
“ઈ બધું મને કંઈ ખબર ન પડે, તું બધું વાંચશ ને લખશ તી તને ઈમાં ખબર પડે.” એના ભરાવદાર ચહેરા પર ફિક્કું હાસ્ય પળભર ખીલી ઊઠ્યું. ઊંડો શ્વાસ ગળામાં ભરી લેતા તેણે ફરી કહ્યું, “તે દિ’ પન મારા દીકરાના જનમદિ’નું તે જ યાદ કર્યુ'તું ને !”
“હા, તી જનમદિ’ વરહમાં એક જ વાર આવે ! અટલે જ તો ભણેલા-ગણેલા ને પૈસાદાર મા'ણા ઉજવે છે. આપણે પન ઈના જેમ ઉજવીએ તો ખોટું હું છે ?" જરા ઊંચા અવાજે બોલી, કિસન આકાશમાં ચમકતા એકાદ તારાને ધ્યાનથી તાકી રહ્યો. ક્ષણાર્ધ પછી તેણે ઉમળકાભેર ઉમેર્યું: "હાચું કે’જે તારા દીકરાનો જનમદિ’ આપણે ઉજવ્યો, તો મજા આવી તી કે નીં ?” કિસનના શબ્દો જાણે મીઠો ઠપકો આપતાં હોય તેવી સખ્તાઈથી તાડુક્યા. ભગાએ સૂતા સૂતા પણ તેના તરફ જોવા લાગણીવશ પડખું ફેરવ્યું. કિસનની આંખો પણ ભગાના ઉત્તરની રાહમાં રોકાઈ હોય એમ તેની સામે જ મંડાયેલી.

      ભગાની અંતરદૃષ્ટિ સમક્ષ એ વીતી ગયેલાં હર્ષઘેલાં દૃશ્યો ફરી એકવાર તાજા થયાં. મનોમન તેને એ બધું ગમ્યું પણ ખરું. જોકે તેની આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક. ગરીબાઈ ઘરના ખૂણે ખૂણમાં આંટો લઈ ગયેલી. 
જેમતેમ તેણે કિસનના સવાલનો જવાબ વાળ્યો.
“હાં, તી મજા તો આવે જ ને ! છોકરાને તમી બધીએ કીવી મજાની મજાની વસ્તુઓ ખોળામાં આપી’તી !” લાગણીવશ તેનો અવાજ થોડો નરમ પડી ગયો. હૈયામાં આવેગ ધસી આવ્યો. ક્ષણભર અટકી તેણે પાછું મન ખોલ્યું.
 “પન કિસન ! આપણે તો દરિયાના મા’ણા ભાઈ. આ બધી શે'રના લોકોને ફાવે. આપણે તો બહુ ટૂંકા પડીએ હો ભાઈ.” 
ભીતર ચૂપકીદી છવાઈ હોય એમ તે આવતી પળે સાવ મૌન બની ગયો. 

      આમ જોઈએ તો ભણવા-ગણવાના નામે ભગો સાવ શૂન્ય. પણ કિસનનો સાથ તેને જીવવાની હિંમત આપતો. ભગો તેને દરિયે ખેંચી લાવ્યો પછી તેની ફિક્કી જિંદગીમાં કિસને ઘણાં રંગ ભરી દીધેલા. ભગાના ચહેરા પર થોડી ઝાંખપ આવી ગઈ. વિચારમગ્ન બની તેણે બીજી તરફ પડખું ફેરવી લીધું. ત્યાં કિસનના શબ્દો ફરી કાને પડ્યા.
“ઈ મા’ણા છે તો આપણે મા’ણા નથી ? ઈવું કંઈ હોય નીં  હવે !  બધાં મનાવે.  હા,  પન આપણે આપણી શક્તિ પરમાણે ઊજવાઈ.” 
કિસન ઘડીભર ચૂપ જ રહ્યો. કંઈક અજુગતું જાણે અંતરમાં અટવાયું. ભગાએ માથે ઓઢી લીધેલું ગોદડું તેણે હળવેકથી ખેંચ્યું. વળી ચહેરા પર ખોટી ગંભીરતાં લાવતા તેણે ભગાને સંભળાવ્યું. 

“ઇવું તો નથીને કે તારે મારા રવિ દીકરાને ભેટ આપવી પડીયે ઈની ચિંતા શે ? અરે ! પન તું નહિ આપતો કંઈ બસ ! ઈ કંઈ ફરજીયાત થોડું હોય. તું ચિંતા કરમા.”  કહેતા તેણે મનમાં હસી લીધું. કિસનનો આ ખોટા ઠપકાભર્યો, ધીમો અવાજ સુકાનીએ પણ સાંભળ્યો. ભગાનો ચહેરો થોડો ઝંખવાણો પડી ગયો. મનમાં થોડું લાગી પણ આવ્યું. મોં પર ગમગીન ભાવ પથરાઈ ગયો. કિસન અને સુકાની અરસ-પરસ નજર મળતા મૂછમાં હસી પડ્યા. ભગાનો અહમ્ વધારે છંછેડાયો, તેણે કડવો ઘૂંટડો માંડ માંડ ગળેથી ઊતાર્યો. 
 “ઈવું કંઈ નથી હવે.” આંખમાં આવી ગયેલા ઝળઝળિયાં છુપાવતા ભગો મક્કમતાથી બોલી ઊઠ્યો. વાક્ય પૂરું થતા કરી તેણે વલોવાતા હૈયે માથે ઓઢી લીધું. કિસન અને સુકાની બાબુભાઈ એકબીજા સામે હળવું હસતા રહ્યા.

એકાએક ભગાનું મન આજ ખાટું થઈ ગયું. ગળું સહેજ ઝલાયું. હૈયામાં જાણે ચીરો પડ્યો હોય તેમ તેણે ગોદડાંમાં વિચાર્યું: ‘મારી ગરીબાઈની આવી મજાક ! હું રવિ દીકરાને ભેટ નીં આપી હકું ઈવું કિસન વિચારેશ ? ઉં ઈ હાટુ જનમદિ' ઉજવવાની ના પાડુશ ઇવું લાગેશ ઈને !!! '
તેણે ગમના અવેગ સાથે ગળે ભરાઈ આવેલો ડૂમો પરાણે નીચે ઊતાર્યો. ઓચિંતા બીજું એક વહાણ પછડાટ લેતું બાજુમાંથી પસાર થઈ ગયું. દરિયાનો ભીનો ઘૂઘવાટ તેણે બિછાનાંમાં પડ્યા પડ્યા પણ અનુભવી લીધો. તેની લાઈટોથી ક્ષણિક કિસન અને સુકાની બાબુની આંખો પણ અંજાઈ ગઈ. જયારે ઊંડા ખાલીપા સાથે ભગાના અંતરમાં મૌન પથરાયું. આખરે કિસને પણ માથે ઓઢી લીધું. પડખું ફેરવી ગયેલ દોસ્તના મનમાં ઊઠેલાં ઝંઝાવાતને ન તે અનુભવી શક્યો, ન જોઈ શક્યો. બસ ! સરી ગયો સપનામાં. સુંવાળા પવનના સુસવાટાથી આંખોમાં લહેર આવી. અને જોતજોતામાં બન્ને ઊંઘના સામ્રાજ્યમાં અટવાયા. એક ભારેખમ હૈયે, તો એક હળવા હૈયે...

       મહાકાય મોજા પર પછડાટ લેતું વહાણ એવું લાગી રહ્યું જાણે કોઈ મા પોતાના વ્હાલસોયા દીકરાનું ઘોડિયું હિંચકાવતી ન હોય ! ભૂતકાળમાં ભજવાયેલાં કેટલાય દૃશ્યો કિસનના મનને હમણાં ઘેરી વળ્યા. તેણે આંખ મીંચી અને ઊંઘ પહેલા માનસપટ પર એ દૃશ્યો નટખટ બાળક જેમ દોડી આવ્યાં. તેને લાગ્યું: 'કેટલું બધું બદલાઈ ગયું !'

            એક સમયે શાળાનો સૌથી હોંશિયાર ગણાતો વિદ્યાર્થી કિસન, હવે દરિયાના મોજાં ગણતો થઈ ગયો હતો. પોતાના પિતાએ જોયેલું સ્વપ્ન ધૂળની જેમ રોળાઈ ગયેલું. થાય પણ શું ? બાર ધોરણ સુધી તો હોંશે હોંશે ભણી લીધું. પણ પછી ક્યાં જવું ? ગામમાં કોઈ કોલેજ તો હતી નહિ. અરે ! બારમાં ધોરણ પછી શું ભણવું એ પણ ખબર હોવી જોઈએ ને ! પિતાના પેટમાં જાણે ઉકળતું તેલ રેડાયું. જેમ તેમ કરીને દીકરાને અહીં સુધી માંડ માંડ ભણાવેલો. એ જ આશાએ કે દીકરાને દરિયો ન જોવો પડે, ભણી-ગણીને ક્યાંક નોકરી કરે. પણ અફસોસ ! લાખ પ્રયત્ન છતાં બધું વ્યર્થ. માર્ગદર્શન આપવાવાળું પણ ક્યાં ગામમાં કોઈ હતું. જે સલાહ આપે કે, હવે શું કરવું ? શું ભણવું ? બાપ-દીકરાએ ઘણી મથામણ કરી, પણ મુંઝવણ વધતી જ ગઈ. કોઈ રસ્તો ન દેખાયો. 
શાળાના શિક્ષકોએ સલાહ આપી:  “હવે કોલેજ જવું પડે, શહેરમાં રહીને ભણવું પડે. જો આગળ ભણવું હોય તો ઘણો ખર્ચો થાય, પોસાય તો મોકલો.”
 શબ્દો ગોળી જેમ વીંધાઈને આરપાર નીકળી ગયેલાં.  પિતાનું હૈયું જાણે ફાટી પડેલું. માંડમાંડ તો અહીં સુધી દીકરાને ભણાવ્યો ! એક નાનકડો વારસાગત પ્લોટ હતો એ વેચી નાખ્યો હતો. પણ ! 
     કિસન પણ અંદરથી ગૂંગળાઈ ઊઠ્યો. તેની ઉમરના છોકરાઓ ક્યારનાં ખલાસી તરીકે દરિયે જતાં થઈ ગયાં હતાં, કમાતા થઈ ગયા હતાં. વિચારના વમળમાં તેની છાતી ચિરાઈ જતી. ક્યારેક તો એકલતા અને અસહાયતા મનને ચોતરફથી એટલી બધી ઘેરી વળતી કે ત્યારે કોણ જાણે કેમ મજબૂત મનના કિસનને પણ આત્મહત્યા સુધીના વિચારો આવી ગયેલા.

 હૈયાં પર હથોડા પડતાં: ‘હજી પિતાજી પર ક્યાં સુધી બોજ બની રહેવું ?’ 
તેને થયું હમણાં મગજની નસ ફાટી જશે. ભયંકર વિચારોના આક્રમણ વચ્ચે મગજ બહેર મારી જતું. અને સર્વત્ર શૂન્યાવકાશ છવાઈ જતો હતો.
            બસ, પછી તો એકાદ વરસ એમ જ નીકળી ગયું. પિતાએ દરિયાનો ધંધો શીખવાડ્યો નહોતો એનો આજ પહેલીવાર અફસોસ પણ થઈ આવેલો. ગામમાં માછીમારી સિવાય બીજો કોઈ વ્યવસાય પણ ક્યાં હતો ! પિતાજીએ દીકરાને ગામમાં જ કંઇક નાનુંસૂનું કામ મળી જાય તે માટે લોહી ને માંસ એક કરી નાખ્યા. પણ અફસોસ કે લુખા આશ્વાસન સિવાય કંઈ હાથ લાગ્યું નહિ. સાચા મોતીઓની માળા અચાનક તૂટીને મોતી વેર-વિખેર થઈ જાય તેમ સપનાઓ ધૂળમાં રોળાઈ ગયેલાં. પિતાજીની હાલત હવે વધારે કથળતી ગઈ. ઘા ન જીરવાયો ન હોય એમ તેઓ એક દિવસ દુનિયા છોડી ગયા. હૈયું ઘવાયું... સપનું રોળાયું... સર્વસ્વ લૂંટાયુ... ને પોતે રહી ગયો એકલો નોધારો ! ભગવાન પરનો આંશિક ભરોશો પણ કિસનને મન હવે તૂટવું તૂટવું થઈ ગયો. 

                ડૂબતાને તણખલાનો સહારો મળે તેમ એક દિવસ ગામનો રખડતો ભટકતો છોકરો ભગો કિસનને ભટકાઈ ગયો. દોસ્તી જામી ગઈ. કિસન દિલ ખોલીને વાતો કરતો. એકલા એકલા વલોવાયા કરતાં તેના જીવને હવે થોડી ટાઢક વળતી. એ બહાને એનું હૈયું હળવું થતું. જાણે દુખિયાનો વિસામો બનીને ભગો જીવનમાં આવેલો. થોડા દિવસમાં તો એ અંગત બની ગયો. ભગાને દોસ્તની બધી જ વાત ગળે ઊતરી ગઈ. આમેય ભગો બિચારો દિલનો ભોળો, પરોપકારી, અને નિખાલસ જીવ. દેખાવે થોડો બરછટ અને ઠીંગણો. પણ મન મહેરામણ કરતા પણ મોટું. કિસનની  કેટલીક દિલ દઝાડતી વાતોથી તેનું દિલ ભારે થઈ જતું. મિત્રને કોઈ પણ હિસાબે મદદરૂપ થવાના આશયમાં તેણે એક દિવસ કિસનને પૂછી નાખ્યું, 
“આ બધી માથાકૂટ  છોડની ભાઈ !” એક ઊંડો શ્વાસ તેણે ભર્યો અને જોશીલા અવાજમાં ઉમેર્યું :“હું મારા બાપ ભેગો પોરથી દરિયામાં ધંધો હિખવા જાઉંશું. ઈમાં તું પન હાલ મારા ભેગો. થોડાક દિ’ શરમ લાગીએ... પછી જી થાવાનું હોય ઈ થાય !”
 ભગાના ઉત્સાહી શબ્દોમાં આજે ગજબનું ઝનૂન અને લાપરવાહી ટપકતી દેખાઈ. કિસનના મુરઝાયેલા ને ઝાંખા પડી ગયેલા ચહેરા તરફ તેણે એકીટશે જોયું. ત્યાં એક હળવો નિસાસો અનાયાસે સરી પડ્યો. 
      કિસનને, ભગાના જોશીલા શબ્દો અને હેત નીતરતી લાગણી માટે માન ઊપજ્યું. એના શબ્દો આજે હૈયા સોંસરવા નીકળી ગયા હતા એ નક્કી. બીજી જ પળે જાણે મગજના બારણાં ઊઘડી ગયા હોય તેમ દોસ્તની આંખમાં આંખ પળોવી. વલોવાતા અંતરના પ્રલયપુરમાં તે ઘસડતો હોય તેમ ગાલ પર ઊના ડામ દે એવા આંસુ બહાર સરી આવ્યા. તે ટટ્ટાર થયો, ભગાનો હૂંફાળો હાથ હેતથી પકડ્યો. મનનો ઉચાટ થોડો શમ્યો. ગળામાં ડૂમો ભરાયો હતો, છતાં આત્મવિશ્વાસની ચરમ સીમાએથી વેદનાને વાચા ફૂટી. તેના શબ્દો ભગાને કાને અથડાયા.
“કવાર જાવાનું છે વા’ણમાં...” હળવો શ્વાસ લેતા તે એકદમ ટટ્ટાર થયો. 
તેની ઊછળતી છાતીમાંથી રણકાર થયો: “હું તૈયાર છું.”

ભગો ચોંક્યો. તેને પળભર શબ્દો પર વિશ્વાસ ન થયો. પેલા 'હું તૈયાર છું' શબ્દો કાનમાં ગુંજતા રહ્યાં. આંખમાં હર્ષાશ્રુ ધસી આવ્યા. અને તે ઉછળીને કિસનને ભેટી પડ્યો. ભાઈબંધીની ગાંઠ વધું મજબૂત બની ગઈ. 
                 અને પછી કિસનના જીવતરમાં દરિયાના મંડાણ થયા. એક સમયે ચોપડામાં મંડાયેલો રહેતો કિસન હવે દરિયાની પ્રચંડ ગર્જના સાંભળતો થયો. ખિસ્સામાં બોલપેન રાખીને ફરતો પોતે હવે મધદરિયે વહાણમાં દોરડા અને જાળ ખેંચતો થયો. એકાદ વર્ષમાં તો દરિયાના સઘળાં ખેલ  શીખી ગયો. મનનો અદમ્ય ઉત્સાહ અને અચળ આત્મવિશ્વાસથી માણસ શું ન કરી શકે ? ટૂંક સમયમાં ખલાસી તરીકે નામના મેળવી લીધી. પાછો અસંખ્ય ખારવાઓમાં કિસન સૌથી અલગ ભાત પાડતો. તે જે વહાણમાં ધંધો કરવા જતો ત્યાં, વાંચવા માટે પુસ્તક અને જુનાફૂના છાપા લઈને જતો. ઘણાંને નવાઈ લાગતી. કોઈ કોઈ તો વળી મસ્તીના મૂડમાં પૂછતું :"અલ્યા ! દરિયામાં ચોપડા વાંચશ કે કામ કરશ ?"
પણ પછી તો એક પ્રવાહ મંડાયો. અડોશ-પડોશના લોકો કોઈ ફાટ્યું તૂટ્યું પુસ્તક ક્યાંયથી મળે તો ઉમળકાભેર કિસનને ઘરે આપી જતાં.
                       ભરબપોરે વહાણનું કામ આટોપી બધાં ખલાસી નિરાંતે ઝંપી જતાં ત્યારે કિસન દરિયાના ઘુઘવતા શોર વચ્ચે તેની ચોપડીઓમાં ખોવાઈ જતો. મોજાં પર નિરાધાર બનીને પછડાટીયું લેતા વહાણની પ્રચંડ ગર્જનાઓનો નાદ કાન ઊભા કરી જતો. જોરદાર મોજાંની વાછટથી વહાણમાં સર્વત્ર પાણી ફરી વળતું. પણ તે જેમતેમ ચોપડીને બચાવતો, અક્ષરો સાથે રમત કરતો રહેતો. હા, એ ઘડીએ મોઢું બગાડી તે થોડીવાર દરિયા સામે જોઈ લેતો. કમરતોડ કામનો થાક તેને યાદ ન રહે પણ અધૂરા પુસ્તકનું પાનું અવશ્ય યાદ રહી જતું !

“એ, હાલો. ઊઠજો મારા ભાઈ. લાગવાનો વખત થઈ ગીયો. જો હામાં વા’ણવાળા લાગી ગીયા.” સુકાનીની હાકલ ગુંજી.
       ભૂતકાળના દૃશ્યને આરપાર ચીરતા શબ્દો એકાએક કિસનને કાને અથડાયા. પડઘો ઊઠ્યો. અને ત્યાં આંખ સામે ઊભરાતા આકારો ક્ષણભરમાં અદૃશ્ય થઈ ગયો. તે સફાળો જાગ્યો. જ્યાં ત્યાં ગોટો વળીને સુતા કિસન સહિત ખલાસીઓને સુકાનીએ ફરી ઢંઢોળ્યા.
“કિસન, ભગા, હરજી, લાખા હાલો ઊઠો, ઊભા થાવ ભાઈ જટ... પાણી લાગી ગીયાશ.” 
બિછાનામાં સળવળતા, આળસ મરડતા ખલાસી ઊઠે તે પહેલાં બીજી એક સખ્તાઈભરી હાકલ આવી ગઈ. ભગાએ બિછાનું સંકેલ્યું. કિસન તરફ થોડું હસ્યો. થોડીવારમાં દરિયા સાથે ખાંડાના ખેલ શરૂ થવાના હતા, બધાએ ઉતાવળથી જેમ તેમ ચા પાણી પતાવ્યા. ‘હમણાં સુકાનીની બુમરાણ ઊઠશે’ એવા ભયના ઓથાર વચ્ચે બધાએ ઝડપથી પાન-માવા મોંમાં ઠાંસી દીધા. વહેલી સવારના વાયરાએ એક ભીનો સૂસવટો કર્યો. કિસને મચ્છીની જાળ સાથે બાંધેલ રાંઢવું હાથમાં લઈ ખેંચવા માંડ્યું. જોતજોતામાં બધાં ખલાસીઓ પોતાના રોજબરોજના કામમાં ગૂંથાઈ ગયા. ઘડીભરમાં તો જાડા  દોરડાના ઢગલા વહાણના સથા પર થવા માંડ્યા. નાયલૉનની જાળ પગમાં વીંટળાવા લાગી. કાયમી બોલવા ટેવાયેલા શબ્દો: “હેલે.. માલક જુમસા.. સચો માલક  જુમસા..”  અનાયાસે મોંમાંથી સરી જવા લાગ્યા. એવામાં કોઈ મોટી કે કિમતી માછલી જાળમાં ફસાયેલી જોતા તો બધા ખલાસી આવેશમાં દેકારા પડકારા કરી ઊઠતાં. 
        ભગો ત્વરાથી દોરડું વિજમાં વીંટવા લાગ્યો. કૂવાથંભ પર જડેલી ગરગડીમાંથી એક મજબૂત દોરડું પસાર થતું હતું. જેના એક છેડાથી ભગો વિજમાં રાઢવું વીંટતો. જયારે બીજા છેડાથી દરિયામાં રહેલી જાળ ખેંચાતી. તેની પ્રચંડ તાકાતથી દોરડું કડકડાટી બોલાવતું. જેની જબરજસ્ત તાકાત કૂવાથંભ પર આવી પડતી. એમાય આજે જાળમાં રોજ કરતાં માછલી વધારે ભરાઈ હોય એવું દરેકને લાગ્યું. એકાએક ભગાનું ધ્યાન કૂવાથંભ પર પડી રહેલી તિરાડ પર ગયું. અચાનક તેના મનમાં ધ્રાસકો પડ્યો. તૂટવાની અણીપર આવી ગયેલો કૂવાથંભ કદાચ હમણાં જ તૂટી પડશે તો ! તે કંપી ગયો. ત્યાં એકાએક વિકરાળ મોજાંની થપાટથી દોરડાંની તાકાત બેગણી વધી ગઈ. કૂવાથંભ તૂટવાની અણીપર આવી ગયો હોય એમ તીણો અવાજ પણ સંભળાયો. ભગો ગભરાટ સાથે ચોંક્યો. કૂવાથંભની પાસે જ બીજું દોરડું ખેંચી રહેલો કિસન આ વાતથી બિલકુલ બેધ્યાન. ઓચિંતા ભયાનક કડાકા સાથે કૂવાથંભ વચ્ચેથી તૂટ્યો. એકાએક તેની ભીષણ ગર્જનાથી ગગન ગાજી ઊઠ્યું. ધડાકાભેર તૂટેલા કૂવાથંભનો એ કદાવર ટુકડો દોરડાં સાથે હવામાં ઉછર્યો. ભગો એક જોરદાર ચિત્કાર સાથે કિસન તરફ કુદ્યો. તેની કારમી ચીસથી મહેરામણના મોજાં સહિત વહાણ પણ ખળભળી ઊઠ્યું.
“કિસન... નીકળજે...” બૂમ પાડતા જ તેણે કિસનને ચપળતાપૂર્વક પાણીમાં ધક્કો મારી દીધો.
 ત્યાં તૂટેલા કૂવાથંભનો કદાવર ટુકડો વેગીલા આંચકા સાથે ભગાના લમણે ઈજા પહોંચાડતા પગમાં અથડાયો. હવામાં ચિત્કાર ઊઠ્યો અને આંખે અંધારા ફરી વળ્યા. ક્ષણભરમાં તો એક કારમી ચીસ સાથે તે બેભાન બની ઢળી પડ્યો. એ તૂટેલો કૂવાથંભ દોરડાને સહારે વહાણ બહાર લટકી રહ્યો.

         પાણીનો પ્રવાહ શાંત હતો. કિસને ચપળતા દાખવી. તે જેમ તેમ ઉછાળા ભરતો વહાણ પર પહોચ્યો. હૈયું ધબકારો ચૂકતું જણાયું. ઘૂંટાતા શ્વાસે તે હેબતાઈ ગયો. પળભરમાં જે ઘટી ગયું તે કિસન માટે તો આઘાત જ હતો. વહાણ પર હાહાકાર મચ્યો. ખારા પાણી પર વલખાં મારતા કિસનના હદય પર ઘા થયો: ‘મારા હાટું થઈ ભગાએ ઈનો જીવ જોખમમાં નાખી દીધો !’ 
ભગાના લમણામાં લોહીની ટશરો ફૂટી. પગનું હાડકું બહાર ઊપસતું દેખાયું. બધા જ ખાલાસી ડરના માર્યા એકદમ સ્તબ્ધ. બિલકુલ અવાચક. સુકાની બાબુ ગભરાયો: ‘શું કરવું ?’  
વહાણના સથા પર ભગાને કાળજીપૂર્વક સુવાડ્યો. દોડાદોડી વચ્ચે ઘરેલું સારવાર થઈ. કિસનને વહાણ પર લીધો. અને સીધું જ વહાણનું સુકાન બંદર તરફ મરડાયું. ભગો હજી બેભાન પડ્યો હતો. માથાનો ઘાવ થોડો ગંભીર લાગ્યો. 
“ભગા...ભગા... તે આ હું કર્યું મારાભાઈ,  મારા હાટુ થઈને ...” શબ્દો કિસનના ગળામાં અટવાયા, તે રૂંધાતા શ્વાસે માંડ માંડ બોલી શક્યો.
એવામાં દરિયાનું એક રાક્ષસી મોજું વહાણ સાથે ટકરાયું. તેની વાછટથી ભગાના દેહમાં આંશિક સળવળાટ થયો. તેણે દર્દભર્યા ઊહકારા સાથે આંખો ખોલી. માથાના અસહ્ય દુખાવાથી તે કણસી ઊઠ્યો. કિસન બિચારો સાવ દિગ્મૂઢ બની ગયેલો. હૈયામાં બેચેની વધતી ગઈ. ફાટેલી આંખે, અનાયાસે શબ્દો પડઘાયા. તે ભાંગી પડ્યો.
 “આ હું કર્યુ તે ભગા... મારા હાટુ...” અને, કિસનની આંખો ભરાઈ આવી. "તને કીક થઈ ગયું હોત તો ભગા !" 
તે ભગાને ભેટી પડ્યો.

ભગાએ દર્દીલા ઊહકારા ભરતા કિસનનો હાથ પોતાના હાથમાં દાબી દીધો. નિર્દોષ હાસ્યની રેખાઓ તેના ચહેરા પર ઊપસી. કણસાટ વચ્ચે ભગો ધીમેથી બોલ્યો.
“રવિ દીકરાનો હમણાં  જનમદિ' શે ને ! ઈમાં આ મારી રવિ દીકરાને ભેટ હમજી લીજે મારા ભાઈ !” કિસનની આંખમાંથી દડદડ કરતાં આંસુ સરી પડ્યા.


લેખક- વિષ્ણુભાઇ ભાલિયા (જાફરાબાદ)
૯૭૨૩૭૦૩૭૭૬

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED