dariyana deshma books and stories free download online pdf in Gujarati

દરિયાના દેશમાં


        ક્ષિતિજ પાછળથી કોઈ દરિયાને ઘકેલતું હોય એમ, ઘૂમરી લેતાં ખારાં પાણી ખાડીમાં ચોમેર ફરી વળ્યાં. મહેતાસાહેબ, વર્ગખંડની ઉઘાડી બારીમાંથી આ વીળના ઊભરાતા પાણીને ઘડીભર અપલક તાકી રહ્યા. એ ખારા પાટ પરથી આવતી ખારી ખુશબો બારી પાસે આવીને થંભી જતી. દરરોજની જેમ આજે પણ મહેતાસાહેબે એ વિશાળ દરિયાને આંખોમાં ભરીને માણી લીધો. 
      પેલો દોડતો દરિયો, પેલા વહેતા વહાણો, પેલા ખડતલ ખારવા અને પેલા મગરૂબ મોજાંઓ. આ બધુ તેને અલગ દુનિયામાં ખેંચી જતું. સાગરખેડુની એ રોમાંચક દુનિયામાં ડૂબકી દઈ બધું જાણવા, સમજવાની તેની તાલાવેલી બધા શિક્ષકો જાણતા. અને મોઢું ફેરવી હસતા પણ ખરા !
હજી થોડા દિવસ પહેલાં જ રિસસમાં એક શિક્ષકે તેમને પૂછેલું: 
“જયસુખભાઈ, તમે બ્રાહ્મણ છો તેમ છતાં કેમ દરિયા પ્રત્યે આટલો બધો લગાવ છે ?” 
“બસ ! દરિયો મનમાં ઘર કરી ગયો છે, અને એકવાર તો એ દરિયાનો રંગ જોવો જ છે.” તેમણે મક્કમતાથી કહેલું. 
“મતલબ ! તમારે વહાણમાં બેસીને બહાર જવું છે ? 
“હાં. બેશક.” તેમના શબ્દોમાં રહેલી બેફિકરાઈ ગજબ હતી.
“અરે ! જયસુખભાઈ એ આપણું કામ છે ? દરિયો દેખાવે જ સારો લાગે. ક્યારેક ક્લાસરૂમમાં કોઈક ખારવાના દીકરાને પૂછી જોજો...” કહેતા, બધા શિક્ષકો તેમના પર હસી પડેલા. 
      પણ, પછી તો તેમણે મનમાં વાળેલી ગાંઠ વધારે મજબૂત થઈ. એ વાત એના હૈયામાં એવી તો ઊંડે ઊતરી ગઈ કે પછી સતત વિચારો ભીતર ઘૂમરાતા રહ્યા. એક તો દરિયાને નજીકથી જોવાની અદમ્ય ઇચ્છા અને ઉપરથી પાછું બળતામાં ઘી હોમાયું.
      ટેબલ ઉપર રાખેલા પાઠ્યપુસ્તક પરની મુઠ્ઠીઓ જોરથી બિડાઈ ગઈ. સ્વરપેટીમાં શબ્દો સળવળીને બળ કરી ઊઠ્યા: હવે તો જે થાઉં હોય તે થાય; પણ  એકવાર તો દરિયામાં જાવું એટલે જાવું. 
        ફરી દિમાગમાં વિચાર ઊછળ્યો: આમેય, અમણાં સ્કૂલ તો સાત દિવસ બંધ જ રહેવાની છે ને ! આ જ મોકો છે.
તેમણે ઉત્સાહપૂર્વક બ્લૅકબોર્ડ પર વિદ્યાર્થીઓને લેસન આપી દીધું. ‘છૂટી’ના ટકોરા સાથે છોકરાઓ ધમાચકડી કરતાં દોડી ગયાં. એટલામાં મહેતાસાહેબે એક ખારવાના દીકરાને મોટેથી હાકલ કરી, નજીક બોલાવ્યો. પેલો વિદ્યાર્થી બિચારો હેબતાઈ ગયો.
“હાં, સા’બ.” કહેતા, તે ટેબલે ઊભો રહી ગયો.  
“તમારું વહાણ ક્યારે આવવાનું છે ?”
“આજ રાત્યનું.” 
“તું રાતે વહાણ આવે ત્યારે ત્યાં જાઈશ ?” 
“હાં, ના મજા આવેશ..” વિદ્યાર્થી મૂંઝાયો.
”લે આ નંબર. તારા બાપને આપજે. કહેજે, સાહેબે રાતે ખાસ ફોન કરવાનું કહ્યું છે. ભૂલતો નહિ.” તેમણે એક ચબરખીમાં મોબાઈલ નંબર લખી આપ્યા.
    નાઈટલેમ્પના ઝાંખા અજવાળે તેણે પડખું ફેરવ્યું. ઉપર ઘસાઘસ ફરતો પંખો ઠંડી હવા આપતા હરખાતો હતો. મનમાં ઊંડો વિશ્વાસ હતો: હમણાં ફોન આવશે. તેણે દીવાલ પર લટકતી ઘડિયાળ તરફ નજર સ્થિર કરી. ઝાંખા પ્રકાશમાં આંખો ઝીણી કરવી પડી. જોયું તો, ગોળાકાર ઘડિયાળનાં કાંટા બેને દસનો સમય બતાવતા હતા. ઓચિંતા સૂમસામ ઓરડાની શાંતિને ભંગ કરતો હોય એમ મોબાઇલ રણકી ઊઠ્યો. તેણે ઉતાવળે મોબાઇલ હાથમાં લીધો. કોઈ અજાણ્યાં નંબર હતા. હૈયું જોરથી ધડકી રહ્યું. અંગે અંગમાંથી એક લખલખું પસાર થઈ ગયું.  
“હલ્લો. કોણ ?” તેમણે કંપતા અવાજે ફોન ઉપાડ્યો.
“હલો... સા’બ ઉં સાગરનો બાપ... બોલુંશ. સાગર કે, તમીવે ફોન કરવાનું કીધુશ.” 
“હાં. મેં જ કીધું તું. હવે દરિયામાં પાછા ક્યારે જવાના છો ?” 
“અમણાં આઘરે છૂટી જાયું સા’બ. કેમ સા’બ ? સાગરવે કંઈ....” 
“મારે તમારી સાથે વહાણમાં આવવું હોય તો હમણાં ? તેણે બેધડક પૂછી લીધું. પગમાં આછો કંપ હતો.
 સામેથી હાસ્ય સંભળાયું. જયસુખના હ્રદયમાં થોડીવાર ફાડ પડી. તેણે ફરી મક્કમતાથી કહ્યુ:
”હું મજાક નથી કરતો... ક્યોની મારે આવવું હોય તો ?” 
“અરે ! સા’બ તમારું આ કામ નીં. ઓકી ઓકીને લાંબા થઈ જાવ ! અમારે પાછા મૂકવા આવવું પડે. અને અમારી ફિશિંગ પન બગડે.”
 ફરી પાછો જાણે કોઈએ સ્વમાન પર ઘા કર્યો હોય એમ તે સમસમી ગયો. બીજી જ ક્ષણે પગ ટટ્ટાર થયા. આંગળી વચ્ચે દબાયેલા મોબાઇલની પકડ તેણે વધું મજબૂત કરી. 
“મને કાંઈ નહિ થાઈ. હું ગમે તેમ એક્સજસ કરી લઈશ.” 
થોડીવાર બન્ને વચ્ચે રકઝક થતી રહી. જયસુખ તેની દરેક વાત પર અડગ રહ્યો. વાત વાતમાં તે ખારવાના મનમાં પેસી નીકળ્યો. પછી તો તેના શબ્દોમાં રહેલી ખુમારી જાણે ખારવાએ પારખી લીધી હોય એમ તેણે થોડા સંકોચ સાથે ‘હાં’ પાડી.
ઘરમાં બીજુ તો કોઈ હતુ જ નહિ. બસ, એકલવાયો ઇન્સાન હતો. એક ગોદડાનું તેણે જેમ તેમ બિછાનું બનાવી લીધું. જરૂરી દવાઓ સાથે લેવાનો વિચાર આવ્યો પણ પછી તે માંડી વાળ્યો. મન કાઠું કરીને જાણે પોતાને હિંમત આપતો હોય એમ સ્વગત બબડ્યો: એની કાંઈ જરૂર નથી.. જી થાવાનું હોય એ થાય ત્યાં. જોયું જાએ પછી... 
બહાર નીકળતા દરવાજા આગળ તેના પગ અટકી ગયા. ત્યાં એક મૂંઝવતો વિચાર હૈયે ચઢી આવ્યો: ત્યાં હું ખાઈશ શું ! માછલાં સાથે રહી લઈશ પણ ખાવાનું ? સમાધાન જડી ગયું હોય તેમ તે ઉતાવળો રસોડા તરફ ધસી ગયો. બિસ્કિટ, ચેવડો, સૂકો નાસ્તો જે કાંઈ હાથ લાગ્યું  તેની મોટી થેલી ભરી લીધી. એકાદ પાણીની બોટલ પણ ટીંગાડી લીધી. જંગ જીતવા જતા જાંબાઝ સૈનિકની ખુમારી તેના અંગ અંગમાં અત્યારે પ્રસરી હતી. રાતના અંધારાં ચીરતું બાઇક છેક જેટી પર આવીને ઊભું રહ્યું. નાકને અકળાવતી હવા થોડીવારમાં માફક આવવા લાગી. તેણે ખારવાની વસાહતમાં ટમટમતા દીવા તરફ દૃષ્ટિ દોડાવી. જાણે કોઈ બીજી દુનિયામાં આવી ગયો હોય એવું લાગી આવ્યું. 
તે વહાણમાં ચઢ્યો ત્યારે બધા ખલાસીઓ તેના પર હસી રહ્યા. તે ફિક્કું હસતા હસતા વહાણના ભંડાર તરફ સરકી ગયો. તેણે કાળા સૂમ આકાશમાં એકાદ નજર નાખી. પેલો ચમકતો ધ્રુવનો તારો પણ તેને ચીડવતો હોય એમ હસી રહ્યો હતો. ત્યાં વહાણના સેરા છૂટ્યાં. અને જોતજોતામાં વહાણ ઉછળ-કૂદ કરતું અંધારી ક્ષિતિજમાં અદૃશ્ય થઈ ગયું. જયસુખે પોતાના લાવેલા બિછાનામાં સૂવા પ્રયત્ન કર્યો પણ એમ કાંઈ નીંદર આવે ! મહેરામણ પણ આજે ઘેલો થયો હતો તેને પોખવા. ત્યાં એકાએક પેટમાં આંતરડાં યુદ્ધે ચઢ્યાં. ઢગલો વળેલા તારાઓ જાણે માથા સુધી આવી ગયા. ધડી ધડીમાં તો આખું આકાશ તેને ડોલતું લાગ્યું. અંધારું ઓઢીને સૂતેલા દરિયાને જોતા તો આંખે અંધારાં ફળી વળ્યાં. જીવ તાળવે ચોટી રહ્યો. તે બિછાનામાં અકળાઈ ઊઠ્યો. ઊભો થવા મથામણ કરી પણ પગ અસ્થિર બની, લથડી પડ્યા. એટલીવારમાં તો એક મોટા ઊબકા સાથે તેને ઊલટી ચાલું થઈ ગઈ. ધડીભરમાં તો પેટમાંથી લાલપીળા કોગળા નીકળી ગયા. અને જોતજોતામાં પેટ આખું ખાલી થઈ ગયું. 
સુકાનીએ એક હાથ વીણા પર ટેકવતા, ગભરાટથી પૂછ્યું: “સા’બ ! ફાવ્યેને ?” 
જયસુખે દરિયામાં ઊલટી કરતા ‘હું ઠીક છું’ એવો હાથથી ઇશારો કર્યો.
સથા પર નાનું મોટું કામ કરતા એક ખટપટિયા ખલાસીએ રમતિયાળ સ્વરે રમૂજ કરી:
“માસ્તર સા’બ, આ દરિયો શે હો ! આંયી તો કાળજું કઠણ જોઈએ” બધા જ ખલાસીઓ સાથે ઊછળતાં મોજાં પણ પેટ પકડીને હસી પડ્યાં. 
 લગભગ બે દિવસ જયસુખ માથા મારતો રહ્યો. શરીર લથડી પડ્યું. બિલકુલ શક્તિ બચી ન હોય એમ તે માઈકાંગલો બની ગયો. લોહી નિચવાઈ ગયેલા કોઈ દર્દી જેમ. બે દિવસ સતત દિશાઓ માથે ફેરફૂદડી રમતી જ રહી. દિમાગ કામ કરતા બંધ થઈ ગયું. ઉપરથી ઊલટી અને ચક્કરથી કાંઈ સૂજતું જ નહોતું. વાતાવરણમાં ફેલાયેલી ધૂંધળાશ અને અકળામણે તેને બેચેન કરી મૂક્યો. જોકે, મનની મક્કમતા હજી એવી જ  અડીખમ હતી. ભંડારમાં એકબાજુ ઢગલો થઈ તે ફસડાઈ પડ્યો. પેટ તો સાવ ખાલી ખમ થઈ ગયું’તું. તેણે પોતાનો નાસ્તો ખાવા પ્રયત્ન કર્યો પણ પેટમાં કાંઈ ટકે તો ને ! ખલાસીઓ તેની સાથે મજાક મસ્તી કરતા રહ્યા. અને તે સામે જેમે તેમે ફિક્કું હસતા, ઘૂમરી ખાતો રહ્યો. પડતા, પછડાતા વહાણ સાથે એ પડખાં ફેરવતો રહ્યો પણ મધદરિયે મીઠી નીંદર માણી શકે એ તો માત્ર ખારવો.  
ત્રીજા દિવસનો સૂર્ય થોડીક રાહત લઈને આવ્યો. સવારનું વાતાવરણ હવે તેને થોડું ઉત્સાહપ્રેરક જણાયું. શ્વાસમાં ખારાં પાણીની ખુશબો ભળી ગઈ હોય એમ તેને દરિયાઈ દુનિયાનો માહોલ અનુકૂળ આવવા લાગ્યો. તે આસપાસ નજર દોડાવી બધું માણવા લાગી ગયો. ક્યાં એ કાયમની સ્થિર ધરતી અને ક્યાં આ આજનો ડોલતો ડુંગર ! તેને ઘડી ઘડીમાં બધું ગમવા લાગ્યું. વાત વાતમાં ખલાસીઓને કુતૂહલવશ સવાલો પૂછવા લાગી ગયો. એક ખલાસીએ તો કહ્યું પણ ખરું:
“લાગે શે માસ્તર સા’બને હવે જીવ આવ્યો.” 
“હવે તો આ દરિયો દોસ્ત બની ગયો ભાઈ” જયસુખે ગર્વથી કહ્યું.
“હારું કે’વાય સા’બ કે બે દિ’માં તમીને ફેર ઊતરી ગયો. !” સાગરના બાપે નવાઈ પામતા કહ્યું. 
“મન મજબૂત હોય તો કંઈ અશક્ય નથી ભાઈ.” તોતિંગ મોજાં પર મહાકાય પછડાટ લેતા વહાણનું ઝુલતું પરમાણ પકડતા તે બોલ્યો.
ખલાસીની સાથે સામાન્ય મદદમાં પણ હવે તે હોંશે હોંશે જોડાયો. ખલાસી ખાવા બેસે ત્યારે તેની હારે પોતે પણ પોતાનો નાસ્તો લઈને બેસી જતો. તે નાસ્તો હવે જાણે માનાં પ્રેમાળ હાથનું ભાણું હોય એટલું ભાવતું. સુસવાટા કરતો પવન હવે તેને આહ્લાદક લાગવા માંડ્યો. વહાણ તોફાની મોજાંની ટોચ પરથી પછડાટી લઈ નીચે પટકાતું ત્યારે ક્ષણભર પેટમાં ઊંડો ખાડો પડી જતો, અને તે સાથે મોંમાંથી એક જોસીલો ઊહકારો સરી જતો... અને એટલીવારમાં તો ધ્રુજારી અંગે અંગમાં ચક્કર મારી જતી.  
જાળમાં ફસાતાં જીવતાં માછલાં આજે તેણે પહેલીવાર ધ્યાનથી જોયા. ખારવાની અથાક મહેનત અને સાહસવૃતિ જોઈ તે મોંમાં આંગળાં નાખી ગયો. સાંજે આથમતા સૂર્યને દરિયામાં ડૂબી જતા જોઈ તે રોમાંચિત થઈ ગયો. ત્યાં દુશ્મની કાઢવાં પાછળ દોડતાં રાક્ષસી મોજાંની ભયંકરતા તેને હલબલાવી ગઈ. ક્યારેક તો ગળામાં ભરાયેલો શ્વાસ અધ્ધર થઈ જતો. લાગતુ: જાણે હમણાં મોતનો પહાડી પંજો પાછળ પડશે. !
તો ક્યારેક મહાકાય મહેરામણના મોટા મોટા મોજાંની ગહનતા તેને સ્પર્શી જતી.
આજ વહેલી સવારથી ખલાસીઓ દરિયો ડહોળવામાં વ્યસ્ત હતા. વહાણના ધુમાડિયામાંથી નીકળતો ધુમાડો જાણે આકાશને આંબવા દોડ્યો. મશીનનો કર્કશ અવાજ સાગરના ઘુઘવાટ સાથે ગેલ કરતો રહ્યો. જયસુખે ગયામ પાસે ઊભીને મધદરિયે મહેનત કરતા જાંબાઝ ખાલાસીઓ પર નજર નાખી જોઇ. ત્યાં તો દરિયાની છાતી પર આળોટતું આવી ચડેલું એક અજાણ્યું વહાણ તેને સામે દેખાયું. થોડે દૂર એ વહાણ ડોલતું ઊભું રહી ગયું. એટલીવારમાં તે વહાણમાંથી એક તરવરિયા ખલાસીએ આ તરફ ડૂબકી લગાવી. જયસુખના ભવાં સંકોરાયા. અચરજથી તેની આંખો ઝીણી થઈ. તેણે સુકાની તરફ ચિંતાકુળ દૃષ્ટિ ફેંકી. ત્યાં તો બીજી જ ઘડીએ એનું કુતુહલ સમી ગયું. પોતાના વહાણના સુકાની સહિત ખલાસીઓ પણ મલકાટ સાથે અવનાર ખલાસી સામે ઇશારા કરતા હતા. પેલો અજાણ્યો ખલાસી મોજાંને ચીરતો આ તરફ સરકતો રહ્યો. 
જયસુખને હૈયે ધરપત વળી: નહિ... નહિ... આ કોઈ અજાણ્યા તો નથી જ ! આમ તો આ વહાણ, આ લોકો કરતા થોડું જુદું પડે છે પણ તેઓ એકબીજાને ઓરખે છે એ તો નક્કી. 
તે ધડીભર પેલા અજાણ્યા વહાણને, તો ધડીભર પેલા તરીને આવતા ખલાસી તરફ દૃષ્ટિ ફેરવતો રહ્યો. વાત કોઈ ગંભીરતો નહોતી જ. પણ એ શા માટે આ વહાણ તરફ આવતો હશે ? એ સવાલ હજી એની ઉત્સુકતા વધારતો હતો. પેલો અજાણ્યો ખાલસી વહાણની લગોલગ આવી ગયો. અને જોતજોતામાં કોઈ સરકતી ચપળ માછલી જેમ તે વહાણમાં ચઢી આવ્યો. 
“કોણ છે એ ? આપણા વહાણમાં કેમ આવ્યો છે ?” જયસુખે ધીમેથી સુકાનીને પુછ્યું. 
“મશિયારા છે ઈ. શાક લેવા આવ્યોશ. ઈ હજી અમણાં ફિસિંગમાં આવ્યાશ, અટલે વા’ણમાં શાકનું કંઈ હોય નીં.” 
“પણ એ તરીને કેમ આવ્યો ? એ લોકોએ વહાણ અહિ નજીક લઈ લેવું જોઈને !” તેનું અચરજ હજી સળવળતું હતું. 
સાગરના પિતા મનમાં હસી રહ્યા. જયસુખ થોડો ઝંખવાણો પડ્યો. તેણે જયસુખ તરફ મલકાતા ખુલાસો કર્યો: “ ઈમાં સા’બ એવું શે કે ઈ લોકું વા’ણ અથડાવાથી બોવ બીય, આઘરે વા’ણ હોઈર પાડે તો ભટકાવાનું તો શે જ ! અટલે પછી ઈ લોકુને કંઈ કામ હોય તવાર તરીને જ આવે. અમીને તો હવે બધી આદત પડી ગઈશ સા’બ.”         
જયસુખે આવનાર સ્ફુર્તિલા ખલાસી તરફ નજર સ્થિર કરી. ઉઘાડું પાણીદાર શરીર. ગુચ્છાદાર ભીંજાયેલા વાળ માથામાં ચોટી ગયેલા. તેના ચહેરા પર નજર ગઈ. ત્યાં ઓચિંતા ફરી રહેલી નજર એકાએક જોરથી ખેંચાઇ. જાણે એ અજાણ્યો આકાર અગાવ જોયો હોય એમ લાગી આવ્યું. ત્યાં લાગણીઓ ઊભરાઈને બહાર ઘસી આવી હોય એમ તેના મુખ પર રોનક પથરાઈ ગઈ. જાણે આંખો પર વિશ્વાસ ન થતો હોય એમ આંખો પહોળી થઈ ગઈ. અને જોતજોતામાં એ આંખોમાં ભીનાશ તરી આવી. હૈયામાં કોતરાયેલું જૂનું એક નામ, કૂદકો મારીને હોઠે ચડી આવ્યું. પેલો અજાણ્યો ખલાસી અન્ય ખલાસી સાથે મસલત કરી માછલાની ડુમસી ભરતો રહ્યો. જયસુખે ફરી તે ચહેરો નિરખવા મથામણ કરી. હૈયુ શંકાથી હજી ડરતુ હતું: બીજુ કોઈ હશે તો ?  
તેના અંતરમાં ઉમળકો ધસી આવ્યો. બીજી જ પળે તેનું મન આ ચોતરફ વિસ્તરેલા વિશાળ દરિયાને ભૂલીને પોતાના ભવ્ય ભૂતકાળને પંપાળવા લાગ્યું. તેણે ઊભરો આવતા આંખો મીંચી લીધી.  
....અને આ ડોલતા દરિયા વચ્ચે વર્ષો પહેલાનું પોતાનું વતન અમદાવાદ, પોતાની સોસાયટી અને ત્યાં ભજવાયેલું દૃશ્ય માનસપટ પર ધસી આવ્યું. 
સોસાયટીમાં આજ ગજબનાક હલચલ મચી હતી. દરેક ચિંતાકુળ લોકો નાકેથી દુર્ગંધ દૂર ખસાવતા, એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા. હજી થોડા દિવસ પહેલા જ સોસાયટીમાં રહેવા આવનાર નવા પરિવારના ઘરે આજે રસોઈમાં માછલી રંધાતી હોય એમ લાગ્યું. સમગ્ર સોસાયટીના લોકો શુદ્ધ શાકાહરી હોવાથી આ દુર્ગંધથી અકળાઈ ઊઠ્યા. જયસુખના પપ્પા, રાવસાહેબ આ સોસાયટીના સેક્રેટરી. ઘણાં વખત પહેલા ટ્રેન મુસાફરી દરમિયાન બચુભાઈ અને રાવસાહેવબ, બન્ને દોસ્ત બની ગયેલા. નોકરીમાં બદલી થતા બચુભાઈનું કુંટુંબ અમદાવાદ રહેવા આવેલું. રાવસાહેબે તેમના બાજુના રૂમમાં જ બચુભાઈને ફ્લેટની વ્યવસ્થા કરી આપેલી. બચુભાઈ મૂળ ખારવા. દરિયાનો માણસ. પણ બાપે દરિયાનો કસબ ન શીખવતા સરકારી નોકરી પર લગાડેલો. એટલે મસ્ત બની ઊછળતા પેલા ખારા મહેરામણને પાછળ છોડી, તે હવે કિડિયારા જેમ ઊભરતા માનવ મહેરામણ વચ્ચે આવી ચઢેલો. 
“રાવસાહેબ, આ સોસાયટીમાં શું રંધાઈ રહ્યું છે ? તમે જ કહો એને. તમે જ એને લઈ આવ્યા છો. નિયમલિસ્ટમાં એમણે કંઈ વાંચ્યુ નથી કે શું ? એમને ખબર નથી કે, અહીં બધા શાકાહારી લોકો જ રહે છે” ગુસ્સામાં એકે બરાડો નાખ્યો હતો.
“ થોડી શાંતિ રાખો ભાઈ. હું કહું છું એમને.” બચુભાઈ દરવાજા તરફ જતા ધીમેથી બોલ્યા: “ આમેય એ એમનો ખોરાક છે ભાઈ ! “
જોતજોતામાં મોટું ટોળું જમા થઈ ગયું. ઘણી રકઝક થતી રહી. બારેક વર્ષનો જયસુખ આ બધો ખેલ જોતો રહ્યો. રાવસાહેબ, બચુભાઈનો સમજાવટ સાથે બચાવ કરતા રહ્યા. બચુભાઈનું આખું કુંટુંબ બિચારું ગભરાઈ ગયેલું. સિવાય કે નાનકડો રોહિત. તેની ભોળી પત્ની અને બે દીકરા પર જયસુખે ક્ષણિક નજર નાખી. જોતાવેંત એક હેતભર્યો ભાવ હૈયામાં ધસી આવેલો. એમાય બાપ સામે બધાને રાડારાડી કરતા જોઈ નાનકડા રોહિતના ગુસ્સાથી જે રીતે નસકોરા ફુલાઈ ગયેલા, એ જોઈ જયસુખને એના પ્રત્યે વધારે માન ઊપસી આવ્યું. એકાદવાર બન્નેની આંખ સામ સામે મળી અને હળવા હસ્યની આપ-લે પણ થઈ. 
આખરે રાવસાહેબની સૂઝબૂઝથી આખો મામલો માંડ માંડ શાંત થયો હતો. 
  બચુભાઇના બન્ને દીકરાને જયસુખની સાથે શાળામાં ઍડમિશન મળેલું. જયસુખને પછી રોહિત સાથે ખૂબ ફાવી ગયું. રોહિતનો મોટોભાઈ ભણવામાં હોશિયાર. જયસુખ પણ ક્યારેક રોહિતને સલાહ આપતો:
 “રોહિત, આખો દિવસ મસ્તી ન હોય, હો ! ભણવું પણ જરૂરી છે ભાઈ. તારા ભાઈને જ જોઈ લે. અત્યારે ભણવામાં ધ્યાન નહિ આપી તો સારી નોકરી પણ નહિ મળે”
 “ અરે ! નોકરી જ કીને કરવી છે.... આતો પપ્પા આયાં લઈ આવ્યા, બાકી આપણે તો એયને ગામમાં દરિયો છે જ ! દાદા, કાકા, મામા બધી ઈ જ કરેશ....” આત્મવિશ્વાસના રણકા સાથે બોલતો રોહિત પછી લાપરવાઈથી હસી પડેલો. 
 સબરમતીમાં મોટી મોટી છલંગો મારીને તરતા પણ જયસુખને રોહિતે જ શીખવાડેલું. દરિયાની સાહસિક વાતો, હોનારતો, રીતિરિવાજો વિશેની અવનવી વાતો રોહિત પાસેથી સાંભળીને જયસુખ રોમાંચિત થઈ જતો. બસ, પછી તો જયસુખ ક્યારેક સોસાયટીના બાકડે કે કાકડીયાના કિનારે આ જ વિષય પર વાતો પૂછતો રહેતો. રોહિતને પણ એમાં મજા આવતી. ભગભગ બાર ધોરણ સુધી બન્ને સાથે જ ભણ્યા, રખડ્યા અને ઘણાં સાથે ઝઘડ્યા પણ.  
 પણ પછી એકાએક રોહિત સોસાયટીમાંથી ગાયબ થઈ ગયેલો. જયસુખે પપ્પાને પૂછ્યુ તો કાંઈ જવાબ ન મળ્યો. બચુકાકાને પણ પૂછ્યુ. તો તેમણે રૂંધાયેલા કંઠે એટલો જ ઉત્તર આપેલો: 
“ એને હવે ભણવું જ નથી. મારી હારે બાધીને, ગામમાં કાકા પાસે જતો રહ્યો.”
જાણે કોઈએ કાળજા પર ધગતો ડામ દીધો હોય એમ વેદનાથી અંતર એનું ચિરાયું હતું. 
જયસુખ ઘણાં દિવસ શોકમાં ડૂબી ગયેલો. મનમાં એક જ વાત સતત ઘૂમરાયા કરતી: ગયો ત્યારે મને પણ એકવાર મળતો પણ ન ગયો ! 
પણ..... પછી તે ગયો એ ગયો. આજની ઘડી અને કાલનો દિવસ ! રોહિત પછી ક્યારેય દેખાયો જ નહિ. આઠેક વર્ષ સરકી ગયા. તે છતા તેણે હ્રદયમાં છાપી રાખેલો એ ચહેરો હજી એવો જ અકબંધ હતો. તેના ધબકારા તેજ થયા. મન અધીરું થયું. તેની આંખ સામેથી પળભરમાં પસાર થઈ ગયેલા અનેક દૃશ્યો જાણે હમણાં જ ભજવાયા હોય એમ નજર સામે તરવરી ઊઠ્યાં. 
“રોહિત..... !” ડગમગતા વિચારોને એક ઝાટકે ખંખેરીને જયસુખે વિશ્વાસભરી એક રાડ નાખી.
માછલાની ડૂમસી કમ્મરે બાંધીને ડૂબકી લગાવાની તૈયારી પર આવી ગયેલો પેલો ખલાસી એકાએક ચોક્યો. તેણે આવેશમાં ભંડાર તરફ જોયું. એ અવાજ હજી કાનમાં પડઘાતો હતો. મોજાંની એક જોરદાર વાછટને ગણકાર્યા વગર તેના પગ વહાણના પેરસા પર જડાઇ ગયા. અવાજ જાણીતો હતો... ચહેરો જાણીતો લાગ્યો... પણ કંઈ સમજાયુ નહિ. હૈયું સળવળ્યુ ખરું પણ કબૂલ કરતું નહોતું. 
...અને એકાએક ઝબકારો થયો. કમ્મરે બાંધેલી મચ્છીની ડુમસી ઘા કરી તે ભંડાર તરફ દોડ્યો.
“જયસુખ !! તું ? આંયા, વા’ણમાં ?” તેની આંખમાં અમી ઊભરાણાં.
“કાં, જતો રહ્યો તો મને મૂકીને !! હાવ ભૂલી જ ગયો’તો  કે શું ?” એક સામટી ધસી આવેલી ઊર્મિથી જયસુખની આંખો ભીની બની. 
એકબીજાને છાતીએ વળગી પડેલા મિત્રોને જોઈ ખલાસી ચકિત બની ગયા. અસંખ્ય સવાલો તેના દિમાગમાં પીટાતા રહ્યા. એક બ્રાહ્મણ અને એક માછિમારનું આવું મિલન ! એ પણ આવા સંજોગોમાં ? ડોલતા દરિયા વચ્ચે ?
સામે ઊછળતા પેલા અજાણ્યા વહાણના ખલાસી પણ આ હિલચાલ જોતા રહી ગયા. સાક્ષાત્ રામ-ભરતનો મિલાપ જાણે આજે વહાણના ભંડારમાં ભજવાયો.
“પન ઈ તો કે તું આયાં વા’ણમાં કેમ આવી ગયો ?” રોહિતે ઉત્સાહિત સ્વરે જયસુખનો ખભો હલાવતા પૂછ્યું. 
રોહિતનો કસાયેલો અવાજ થોડો જાડો થઈ ગયો એમ જયસુખને લાગ્યું.
“બસ ! એકવાર ઇચ્છ હતી દરિયો જોવાની... આજકાલ એવો હુકમ થઈ ગયો એટલે ચડી ગયો.” થોડીવાર અટકી તે દરિયા સિમાડા તાકતો ગર્વેથી બોલ્યો: “કદાચ આ દરિયો જ આપણું મિલન અહિ કરાવવા માંગતો હતો કે શું !” પછી જાણે આખે આખો હલકતો દરિયો તેની આંખોમાં સમાઈ ગયો હોય એમ એની આંખો વરસી પડી. ત્યાં સામેના વહાણમાંથી ઇશારા થયા. રોહિત જેમતેમ વાતો પતાવી છૂટો પડ્યો.
“હું ચોમાસે નાં ગામમાં મલવા આવી, ઘરનાને લઈને.” કહેતા રોહિતે અતિ આનંદના કેફ સાથે દરિયામાં છલંગ લગાવી દીધી.
“હું રાહ જોઈશ...” તેના ધીમો સ્વર મશીનના ઘોંઘાટિયા અવાજમાં દબાઈ ગયો. 
દરિયાની ખોફનાક અદાને હાથે-પગના જોરે પડકારી આગળ વધી રહેલા રોહિતને તે અનિમેષ નજરે જોતો રહ્યો. આજે ઘણા વર્ષો પછી હૈયે ગજબની ટાઢક વળી હતી.
પાંચ દિવસની ફિસિંગ પછી વહાણ બંદરમાં લાંગર્યુ. કિનારાના હનુમાન મંદિર પાસે પડેલું તેમનું બાઇક હજી ધ્રૂજતું હોય એમ લાગ્યું. લથડતા પગ હજી સ્થિર જમીન પર અસ્થિર બની જતા હતા. તે છતાં એના મુખ પર પૂર્ણ સંતોષનો ભાવ તરવરતો લાગ્યો. આ સાહસિક અનુભવે તેને ઘણું બધું આપ્યું હતું. જિંદગીભરનું એક યાદગાર સંભારણું અને એથી વિશેષ તેનો જીગરજાન દોસ્ત રોહિત. તેને કલ્પના સુધ્ધા નહોતી કે જિંદગીની મઝધારે ખોવાયેલો તેનો દોસ્ત છેક ઘૂઘવતા તોફાની દરિયાની મઝધારે મળી આવશે !   
“એ... આવજો સા’બ. પાછા કોક દિ’ આવવું હોઈ તો કે’જો.” બધા ખલાસીએ હસતા મોઢે વિદાય આપી. તે ખલાસીની અદાથી બિછાનું બગલમાં લઈ મલકાતા જતો રહ્યો.
બીજા દિવસે રિસેસમાં ભેગા થયેલા શિક્ષકોના ચહેરા ચકિત હતા. એક બ્રાહ્મણનો દીકરો દરિયાના પેટાળ ઉપર પાંચ દિવસ કાઢી આવ્યો ! તે પણ ખોબા જેવડા વહાણમાં ! અસંભવ જેવું લાગતું હતું. પણ આજ દાખલો નજર સામે મોજૂદ હતો. 
એક શિક્ષકે તો સંકોચાતા પૂછી લીધું: “જયસુખભાઈ, તમને ડર નહોતો લાગતો ?”
“અરે ! ડર શેનો વળી ? ‘મન હોય તો માળવે જવાય’ આપણે અત્યાર સુધી વિદ્યાર્થીને આ ભણાવતા જ આવ્યાશ ને !” તે સાથે તેના ચહેરા પર અડગ વિશ્વાસની એક રેખા ઊપસી આવી. 
વર્ગખંડમાં જતા જયસુખને શિક્ષકગણ સન્માનપૂર્વક અપલક જોતા રહ્યા. 
                                          લે. વિષ્ણુ ભાલિયા 'ખારવા' (જાફરાબાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED