બુધવારની બપોરે - 2 Ashok Dave Author દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બુધવારની બપોરે - 2

બુધવારની બપોરે

(2)

ફક્ત ગુજરાતીઓ માટે જ

ગુજરાતીઓ કોઇ હિલ સ્ટેશને જાય તો ઉતરવા માટે હોટલના રૂમનો ભાવ નથી પૂછતા, આખા હિલ સ્ટેશનનો ભાવ પૂછી લે, (‘શું ભાવે આલ્યું આ તમારૂં મહાબળેશ્વર...?’) એટલો પૈસો એમની પાસે પડ્યો છે. આમે ય, જગતભરના કોઇ પણ હિલ સ્ટેશને જાઓ, ત્યાં સૌથી વધુ ગુજરાતીઓ જોવા મળે. પંજાબીઓ અને રાજસ્થાનીઓ ખરા, પણ મહારાષ્ટ્રીયનો ભાગ્યે જોવા મળે. જે જોવા મળે, એ ઑફિસના કામે અને ખર્ચે આવ્યા હોય. હિલ-સ્ટેશનો ઉપર લહેરથી ફરતા ગુજ્જુઓને જોઇને બીજાઓને એમ પણ લાગે કે, મૂળ અહીં કોઇ વિરાટ ખાડો હશે, એ પુરાવીને એમાંથી ‘હિલ’ ગુજ્જુઓએ પોતાના ખર્ચે ઊભી કરી હશે, એટલી બિનધાસ્ત હરફર એમની હોય. હિલ-સ્ટેશન પરના વેપારીઓ કબુલે છે ને કે, ‘આ લોકો શૉપમાં ફૅમિલી સાથે દાખલ થાય, ત્યારથી અમને વિશ્વાસ બેસી જાય, આખા મહિનાની કમાણી આ એકલું કુટુંબ કરાવવાનું છે.’

જગતના કોઇ પણ શહેરની હોટલોમાં જાપાન, ચીન કે જર્મનીની ડિશો અલગ મળતી નથી. ગુજરાતી થાળી માટે તો ચોખ્ખું લખવું પડ્યું હોય, ‘અહીં ગુજરાતી અને જૈન જમવાનું મળશે.’ હું ચીન ગયો છું અને ત્યાં જઇને મેં પહેલી તપાસ એ કરી હતી કે, અમદાવાદમાં જે કાંઇ ચાયનીઝ-ડિશો ખાઇએ છીએ, એ અહીં કેવી બનતી હશે? અમે મસાલા ઢોસા અને ઈડલીના જમાનાના માણસો એટલે અમદાવાદમાં ‘ચાયનીઝ’ મળતું થયું એના નામો સાંભળીને ‘ઇમ્પ્રેસ’ થઇ જતા કે, ‘વાહ, ચાયનીઝ મંચૂરિયન, સૅઝવાન નૂડલ્સ કે ડિમસન સૂપ જેવી ચાયનીઝ ડિશોનો ટેસ્ટ કેવો હશે?’

પણ ચીનની હોટલ-રેસ્ટરાંમાં ગયો ત્યારે ખબર પડી કે, આમાંની એકે ય ડિશ વિશે ત્યાંની હોટલોવાળાએ કાંઇ સાંભળ્યું પણ નથી. એમાં ય, વૅજીટેરિયન...? નો વે...!

એનો મતલબ એ થયો કે, ગુજરાતીઓ અહીં બેઠા બેઠા ચીન-જાપાનની ડિશોના નામો આપીને ચાયનીઝ-માલ કેવી આસાનીથી ઉતારે છે! આખા ચીનમાં મેં ક્યાંય ચાયનીઝ ફ્લૅવરમાં દાળઢોકળી કે મોરૈયાની ખીચડી વેચાતી ન જોઇ. આવી વેપારી-બુધ્ધિનું ઇન્ડસ્ટ્રીયલ-ઉત્પાદન તો ત્યાં ય નથી થતું. ચીન-જાપાન તો બહુ દૂરની વાત છે. મૂળ તો ભાજી-પાઉં અને વડા પાઉં મુંબઇની ઔલાદો. ગુજરાતીઓએ એમને રોજની જથ્થાબંધ એટલી હદે વેચવા-ખાવા માંડી કે, ઘણા મુંબઇકરો અમદાવાદ આવીને સ્ટેટમૅન્ટ્‌સ આપે છે, ‘ભાજી-પાઉં અને વડા પાઉં અમદાવાદ જેવા તો મુંબઇના પણ નહિ!’ લો બોલ્લો....‘માલ કિસી કા, કમાલ કિસી કા...!’ દિવાળી કે હોળીમાં હવે તો ચાયનીઝ મોહનથાળ કે ચાયનીઝ જલેબી મળવાની બાકી છે, પણ એ દિવસો દૂર નથી.

મુંબઇ જ નહિ, અમેરિકા-ઈંગ્લૅન્ડ જેવા દેશોમાં પણ ગુજરાતીઓનું આધિપત્ય ઉઘાડી આંખે દેખાશે. ભારતમાંથી પ્રવાસે આવેલા ઇન્ડિયનોમાં મોટા ભાગે ગુજરાતીઓ હોય.....અને ત્યાં પર્મૅનૅન્ટ વસતા ભારતીયોમાં તોતિંગ સંખ્યા કેવળ ગુજરાતીઓની જ! અમેરિકાના ન્યુજર્સીમાં તમે ફરતા હો, તો અમુક સ્ટ્રીટ્‌સમાં ત્યાંનો એકે ય ધોળીયો દેખાશે પણ નહિ, પણ સુરત-અમદાવાદની માફક ત્યાંના પાનના ગલ્લે આપણા ગુજ્જુભાઈઓ (એ જ અમદાવાદી...અને ખાસ તો, સુરતી ભાષામાં) એક બીજાને નવાજતા દેખાશે. મા-બેનની ગાળો ઈંગ્લિશમાં પ્રાપ્ય હોવા છતાં લહેજો તો ગુજરાતી જ આવવો જોઇએ. ગાળો તો ગુજરાતીમાં જ બોલવાનો જલસો પડે!

ગુજરાતીઓને ખર્ચાની ચિંતા નથી, પોતાને કરવો પડે તો ય...! લોકો તો જીંદગી આખી ખર્ચી નાંખે છે, જીવવા માટે, ત્યારે અમારી પાસે ખર્ચવા માટે પૈસો ઘણો પડ્યો છે, જીંદગી ખર્ચી નાંખવાની જરૂર પડતી નથી. બીજા બધા ફક્ત ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ રાખે છે, ત્યારે અમે ગુજરાતીઓ ખોટી આવક ઉપરે ય નિયંત્રણ રાખતા નથી. આવે એટલી આવવા દઇએ. પૈસો હાથનો મૅલ છે, એવું કોઇ ગુજ્જુને કહેતો સાંભળ્યો? નહિ સાંભળ્યો હોય કારણ કે, એ જાણે છે કે, પૈસો હાથનો મૅલ નથી. હાથનો મૅલ ધોવા માટે વીહ-પચ્ચી રૂપીયાનો સાબુ કાફી છે. નોકરી-ધંધાઓમાં એમ નથી કહેવાતું કે, ‘આ વર્ષે દસ-કરોડના મૅલની કમાણી થઇ’ કે ‘આ વર્ષે પગારમાં ૪૫-ડાઘાઓનું ઈન્ક્રીમૅન્ટ મળ્યું....!’

(૨)

દુનિયાભરનો સૌથી ધનવાન ઉદ્યોગપતિ એક ગુજરાતી છે, એનાથી મોટું ગૌરવ ક્યું હોઇ શકે? બધાના માનવામાં નહિ આવે પણ મહિને ૪-૫ લાખની કમાણી તો ફૂટપાથ પર લારી લઇને ઊભેલો પાણી-પુરીવાળો કરી લે છે. ઉદ્યોગપતિ તો એને પણ કહેવાય ને? એકે ય ભૈયો ગુજરાતી નથી, પણ ગુજરાત સિવાય આટલી કમાણી બીજા ક્યા રાજ્યમાં પુરી-પકોડી (ગોલગપ્પા)વાળો કરે છે? ગુજરાતી છોકરીઓ ગોલગપ્પા ખાઇ ખાઇને ગોળમટોળ થાય છે, એ શરીર-સમૃધ્ધિ પાછળ વર્ષે-દહાડે લાખો રૂપીયાની પાણી-પુરીઓ ખાય છે....એમને એમ આ બૉડી બનતું નથી! આવું ચક્કાજામ બૉડી બનાવવા માટે પંજાબી સ્ત્રીઓને ઘીમાં તરબોળ લાખો ટન પરાઠા અને તેલભીની સબ્જીઓ ખાવી પડે છે, ત્યારે આટલી સિધ્ધિ તો અમારી છોકરીઓ વીસ રૂપીયાની છ પાણીપુરીઓ ખાઇ ખાઈને મેળવે છે. સુઉં કિયો છો?

ગુજ્જુઓની માસ્ટરી પોતાની ગુજરાતી ભાષા ઉપર ભલે ન હોય, પણ એમની દરેક વાતમાં અડધું વાક્ય ઈંગ્લિશમાં હોય, ‘‘યૂ સી...આ જીન્સ બ્રધરે અમેરિકાથી સૅન્ડ કર્યું છે...’’ (તો ય, આ વાક્યમાં લગભગ ૬૦-ટકા ઈંગ્લિશ આવ્યું ને?) અડધું વાક્ય ઈંગ્લિશમાં બોલ્યા પછી ખાલી, ‘ખા...તારી મા ના સમ’ એનું ઈંગ્લિશ કરતા ન આવડે, એમાં પેલાએ એની મા ના સમ જાતમેહનતથી ખાઇ લેવા પડે. એકાદ વાક્ય બોલી નાંખ્યા પછી અડધું જો ઈંગ્લિશમાં આવતું હોય તો એને પાકો ગુજરાતી જાણવો. બાકીનું અડધું આવડતું ન હોય એટલે. એને ય ખબર છે કે, સાંભળનારને ય ક્યાં પૂરૂં આવડે છે? હજી સુધી એક પણ ગુજરાતી પેદા થયો નથી જે ‘થૅન્ક યૂ’ કે ‘સૉરી’ બોલ્યા પછી ‘હોં’ ના બોલતો હોય...થૅન્ક, યૂ-હોં....સૉરી, હોં?

ખાટલે મોટી ખોડ ‘શ’નો ઉચ્ચાર કરવાની. અમે લોકો તદ્દન સાહજીકતાથી ‘સ’ ને બદલે ‘શ’ (અને ઊલટું) બોલી નાંખીએ છીએ. ‘ફિલ્મ ‘સોલે’માં શંજીવ કુમાર બહુ શ્માર્ટ લાગે છે...’ ખુદ હકીએ આજ સુધી મને ‘અશોક’ કહીને બોલાવ્યો નથી. એ મને ‘અસોક’ જ કહી સકે છે....આઇ મીન, ‘શકે છે’.

એ તો કહેવાય બધા ગુજરાતીઓ, પણ સૌરાષ્ટ્રવાળા પોતાને ગુજરાતી કરતા કાઠીયાવાડી વધુ બતાવે. ભાવનગર કે આ બાજુ નવસારી-સુરત, ભલે બોલી અલગ હોય, પણ ગૌરવ તો જામનગર કે મેંહોણાનું જ લેવાનું. બોલી કેટલી હદે તફાવત સજીર્ શકે છે કે, સૌરાષ્ટ્રના ‘ડાયરા’ શ્રોતાઓને પરોઢીયા સુધી ઉઠવા ન દે અને એ જ ડાયરાને સાંભળવા સુરત-વલસાડમાં કોઇ આવે પણ નહિ. વિવાદ ભલે ઊભો થાય પણ આ લખનારના મતે, જગતની ત્રણ ભાષા સૌથી મીઠડી લાગે. સૌ પ્રથમ કાઠીયાવાડી, બીજી બંગાળી અને ત્રીજી ઉર્દુ. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે, ગુજરાતીઓને ઉતારી પાડવા માટે હિંદી ફિલ્મોવાળાઓએ ગુજરાતીઓની ઓળખાણ ‘ખમન-ઢોકલા’ તરીકે આપે છે. એ લોકોમાં ‘ણ’ કે ‘ળ’ના ઉચ્ચારો જ નથી, જેમ મરાઠીમાં બોલાતો ‘ચ’ બીન મરાઠીઓ બોલી શકતા નથી, તેમ એ લોકોને ગુજરાતી થેપલાં, સારેવડાં કે સ્કૂલની છોકરીઓના ખૂબ પ્રિય આંબોળીયા વિશે કોઇ જાણકારી નથી. ગુજ્જુઓની બચત પણ સજર્નાત્મક. પૂરા ઘરે જમી લીધા પછી વધેલી રોટલીઓ ગાયને ખવડાવી દેવાને બદલે ગુજરાતણો એને શેકીને ‘ખાખરા’ બનાવે છે. જુઓ તમે, બીઝનૅસ માઇન્ડ જુઓ. એ ખાખરાનો ય ધંધો થાય એવું તો ગુજરાતીઓને જ સૂઝે ને? એટલે હવે સેંકડો જાતની ફ્લૅવર્સવાળા ખાખરાઓ તૈયાર મળવા માંડ્યા. ચોકલેટ-ખાખરાથી માંડીને ઑરૅન્જ-મૅન્ગો ખાખરા કે ઢોંસાની ફ્લૅવરના ખાખરા ય મળે છે. મને શ્રધ્ધા છે કે, એક દિવસ ઊગશે સુવર્ણ-પ્રભાત અને રોટલીની ફ્લૅવરના ય ખાખરા મળશે.

હા. એક નિરીક્ષણ ખૂંચે પણ છે. ગુજરાતીઓને ગુજરાતી હોવાનું ગૌરવ (કે જાણકારી) હોય જ નહિ, એટલા બેપરવાહ છે. લતા મંગેશકર, સુનિલ ગાવસકર કે સચિન તેન્ડુલકર આમ તો વિશ્વમાનવ કહેવાય, પણ એ લોકો મહારાષ્ટ્રમાં હોય, ત્યારે મરાઠી હોવાનું ગર્વ અનુભવે અને એ ગર્વ દર્શાવે પણ ખરા. મને યાદ છે, ’૮૩-નો ક્રિકેટ વર્લ્ડ કપ આપણે જીતીને લાવ્યા, ત્યારે આખા દેશની માફક મુંબઇમાં પણ એ ક્રિકેટસ્ટાર્સનું જાહેરમાં બહુમાન કરવામાં આવ્યું, ત્યારે સુનિલ મનોહર ગાવસકરે મરાઠીમાં ભાષણ શરૂ કર્યું, ત્યાં જ ઑડિયન્સમાં ઉહાપોહ થઇ ગયો અને ‘હિંદી....હિંદી....હિંદી’ના પોકારો થવા માંડ્યા. પણ ગાવસકરે સ્પષ્ટ કીધું, ‘હું મુંબઇમાં છું અને મહારાષ્ટ્રીયન છું. મને મરાઠી હોવાનું ગર્વ છે, માટે હું મરાઠીમાં જ બોલીશ.’

બીજી બાજુ, તમને યાદ હોય એટલા હિંદી ફિલ્મોના ગુજરાતી ફિલ્મસ્ટાર્સને યાદ કરો. ગુજરાતી હોવાનું ગૌરવ કે ગર્વ તો બાજુ પર રહ્યું, પોતે ગુજરાતી છે, એવું એકે ય ફિલ્મસ્ટાર આજ સુધી બોલ્યો છે? પોતાની ઓળખાણ આપતા ય એમને શરમ આવતી હોય, એવું તમે જોઇ શકો.

એમને કદાચ એ યાદ ન પણ રહ્યું હોય કે, મહાત્મા ગાંધી, સરદાર પટેલ કે નરેન્દ્ર મોદી શુધ્ધપણે ગુજરાતી હતા.

------