Murder at riverfront - 13 books and stories free download online pdf in Gujarati

મર્ડર @ રિવરફ્રન્ટ - 13

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:13

(અત્યાર સુધી આ નોવેલ તરફ તમે જે પ્રકારનો પ્રેમ આપ્યો એ બદલ આપ સૌ નો આભાર..ઘણાં વાંચકો નાં મેસેજ આવે છે કે કાતીલ આ છે..કાતીલ પેલો છે..જેનો મતલબ છે કે તમે નોવેલ ખાલી વાંચતાં નથી પણ માણો છો..આવાં ઉચ્ચ કોટીનાં વાંચકો મને મળ્યાં એ બદલ હું મારી જાતને આભારી ગણું છું..હજુ નોવેલમાં ઘણાં રહસ્યો પરથી પડદો પડવાનો બાકી છે.આગળનો દરેક ભાગ એ તમારાં મગજને કસવાનો છે એ નક્કી છે..તો આમ જ વાંચતાં રહો પરફેક્ટ સિરિયલ કિલર બેઝ સસ્પેન્સ એન્ડ થ્રિલર નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ.)

વનરાજ સુથારની લાશ જોડેથી મળી આવેલાં ગિફ્ટબોક્સમાં રહેલી વસ્તુઓ રાજલે ટેબલ પર મુકી એની તરફ ધ્યાનથી જોયું..આ વખતે પણ અંદરથી એક રીબીન નીકળી જેનો રંગ હતો જાંબલી..દર વખતે અલગ-અલગ રંગની રીબીન સિરિયલ કિલર દ્વારા કેમ મોકલવામાં આવતી હતી એ વાત હજુપણ એક મોટો સવાલ બનીને ઉભી હતી.

આ વખતે બોક્સની અંદર એક સૂટ-બૂટ માં સજ્જ વ્યક્તિનું રમકડું હતું.બ્લેક શૂટ અને બ્લેક બૂટ પરથી રાજલે કયાસ લગાવી રહી હતી કે આ કોઈ મોટાં બિઝનેસમેન નું પ્રતીક હતું.આ વખતે બોક્સની અંદર મોજુદ હતું એક કરચલાનું પોસ્ટર..આ બધી વસ્તુઓને જોતાં-જોતાં રાજલ ગહન મનોમંથન કરતાં કરતાં કંઈક વિચારી હતી એટલામાં ઇન્સ્પેકટર સંદીપ એની કેબિનમાં આવ્યો અને બોલ્યો.

"મેડમ,વનરાજ ની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધી છે..એનાં પરિવારમાં એક દુરનો માસીનો છોકરો છે જેનું નામ ભરત છે.ભરતનો નંબર વનરાજ જ્યાં હતો એ જેલનાં જેલર જોડેથી મળી રહ્યો..કેમકે ભરત ત્રણ વખત વનરાજ ને જેલમાં મળવાં આવ્યો હતો..તો એને જાણ કરી છે આ વિશે તો એ સાંજે આવીને વનરાજનો મૃતદેહ જરૂરી ફોર્મલિટી પતાવીને લઈ જશે.."

"Ok.. બીજી કોઈ અન્ય માહિતી..?"

"બીજું તો કંઈ નહીં..પણ આ સાયકો કિલર તો ખરેખર આપણાં બધાં ને ઘનચક્કર બનાવી ગયો..આપણ ને વનરાજ પાછળ દોડાવ્યાં અને પોતે વનરાજને પોતાનો ત્રીજો શિકાર બનાવી દીધો..આમ પણ મને ખબર જ હતી કે આજે કંઈક તો ખરાબ થવાનું જ છે.."રાજલનાં સવાલનાં જવાબમાં સંદીપ બોલ્યો.

"તમને ખબર હતી કે આજે એ સિરિયલ કિલર ત્રીજી હત્યા કરીને એની લાશ ને આમ રિવરફ્રન્ટ વોક વે પર ફેંકી દેશે..?"સંદીપની વાત સાંભળતાં જ રાજલે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"અરે એવી તો ક્યાંથી ખબર હોય કે આવું કંઈક થશે..પણ એટલી તો ચોક્કસ ખબર હતી કે કંઈક અજુગતું થશે..મને મારું રોજનું ભવિષ્ય વાંચવાની આદત છે..આજે સવારે મેં જેવું ન્યૂઝપેપર ખોલી મારી કુંભ રાશિનાં જાતકો વિશે વાંચ્યું તો એમાં લખ્યું હતું કે દિવસભર માં કંઈક માઠાં સમાચાર મળવાની શક્યતા છે..હું હજુ તો આ વાંચતો વાંચતો આજે શું ખરાબ થશે એ વિષયમાં વિચારતો હતો ત્યાં જ વિનય સરનો કોલ આવ્યો કે એક મૃતદેહ અહીં રિવરફ્રન્ટ પરથી મળી આવ્યો છે..મતલબ કે રાશિ ભવિષ્યમાં જે કહ્યું એ સાચું પડ્યું.."સંદીપે કહ્યું.

"શું તમે પણ ઓફિસર આ રાશિની વાતો પર માનો છો..આવું તે કઈ હોતું હશે..?બસ આતો કાગનું બેસવું ને ડાળનું ભાંગવું એવું થયું.."રાજલ બોલી.

"મેડમ..આ વખતે ગિફ્ટ બોક્સમાં શું મળ્યું..હવે એ સિરિયલ કિલર કોનો શિકાર કરવાનો છે..?"સંદીપે પૂછ્યું.

જવાબમાં રાજલે ગિફ્ટ બોક્સમાંથી મળેલી વસ્તુઓ વિશે જણાવતાં કહ્યું.

"પહેલાં કોલગર્લ નું રમકડું અને ખુશ્બુ સક્સેનાની હત્યા,પછી એક સ્થૂળકાય વ્યક્તિનું રમકડું અને મયુર જૈનની હત્યા,ત્યારબાદ એક કેદી નું રમકડું અને વર્ષોથી જેલની વારંવાર સજાઓ ભોગવતાં વનરાજ સુથારની લાશ નું મળવું..આ વખતે એક સૂટ બૂટ માં સજ્જ વ્યક્તિ નું રમકડું છે..જે જોઈ એવું લાગે છે કે એ સાયકોનો નવો ટાર્ગેટ કોઈ બિઝનેસમેન હોવો જોઈએ.."

"મેડમ..આ અમદાવાદ ગુજરાતનું બિઝનેસ હબ છે..અહીં કરોડોપતિઓ થી લઈને અબજોપતિ બિઝનેસમેન ની ફૌજ છે..આપણને કઈ રીતે ખબર પડશે કે હવે એ કિલરનો નવો ટાર્ગેટ કોણ હશે..?"ચિંતિત વદને સંદીપ રાજલ ભણી જોતાં બોલ્યો.

સંદીપનો આ સવાલ કેટલો વાજબી હતો એ અત્યારે રાજલનો ધીર-ગંભીર ચહેરો જોઈ સમજી શકવું સરળ હતું.. રાજલ મગજ ઉપર જોર આપી એ બિઝનેસમેન કોણ હશે એ વિશે વિચાર કરતી હતી ત્યાં એને એક ઝબકારો થયો અને એને ફટાફટ પોતાનું ડ્રોવર ખોલી એમાંથી ચારેય ગિફ્ટ બોક્સ બહાર કાઢી ટેબલ પર મૂક્યાં અને ચહેરા પર સ્મિત સાથે બોલી.

"ઓફિસર ખબર પડી ગઈ કે એ સાયકો નો નવો શિકાર કોણ હશે.."

"શું વાત કરો છો.. પણ કઈ રીતે.."ઉન્માદમાં સંદીપે પૂછ્યું.

રાજલે પહેલાં તો ચારેય ગિફ્ટ બોક્સ ખોલી દીધાં અને સંદીપ તરફ જોઈને કહ્યું.

"આ પહેલું ગિફ્ટ બોક્સ છે..આમાં એક બકરીનું પોસ્ટર છે..જ્યારે બીજાંમાં સિંહ નું તથા ત્રીજામાં ગાયનું પોસ્ટર હતું..આ ત્રણેય પોસ્ટર જુદી-જુદી રાશિઓને રિપ્રેઝન્ટ કરે છે.."

"બકરી મતલબ મકર રાશિ..સિંહ એટલે તો સિંહ રાશિ જ થાય..જ્યારે ગાય પરથી વૃષભ રાશિ..પણ આનો મરનારાં લોકો સાથે શું સંબંધ..?"રાજલ શું કહી રહી હતી એ વિશે ગતાગમ ના પડતાં સંદીપે પૂછ્યું.

"ઓફિસર.. મકર રાશિ ધરાવતાં જાતકો નાં નામ શરૂ થાય ખ અને જ ઉપરથી..જ્યારે સિંહ રાશિમાં મ અને ટ આવે..વૃષભ રાશિનાં જાતકોનાં નામ આવે બ,વ અને ઉ ઉપરથી..ખુશ્બુ,મયુર અને વનરાજ હવે સમજાયું કંઈ..?"રાજલ સંદીપ સામે જોઈ બોલી.

"હા મેડમ સમજાઈ ગયું..બકરીનું પોસ્ટર મતલબ મકર રાશિ અને એ સાયકોની પહેલી શિકાર ખુશ્બુ સક્સેના જેની રાશિ મકર હતી..એજ રીતે સિંહ રાશિ ધરાવતાં મયુર જૈનની અને ત્યારબાદ વૃષભ રાશિ ધરાવતાં વનરાજ સુથાર ની હત્યા...દર વખતે બોક્સની અંદરથી મળતું પ્રાણીનું પોસ્ટર એ હવે પછી થનારાં વ્યક્તિની રાશિ સાથે સંલગ્ન છે.."સંદીપ પુરેપુરી વાત સમજી ગયો હતો.

"Yes.. હવે તમે સમજ્યાં કે હું શું કહી રહી છું.."રાજલ જોશમાં આવી બોલી.

"તો મેડમ આજે વનરાજની લાશ જોડેથી જે ગિફ્ટ બોક્સ મળી આવ્યું છે એમાં પોસ્ટર છે એક કરચલાનું..જે પ્રતીક છે કર્ક રાશિનું..અને કર્ક રાશિ ધરાવતાં વ્યક્તિનાં નામ શરૂ થાય છે..?"કર્ક રાશિનાં જાતકો નાં નામ કયાં મૂળાક્ષર પરથી શરૂ થાય છે એ યાદ ના આવતાં સંદીપ અટકી ગયો અને મોબાઈલ માં ગૂગલ ખોલી એ સર્ચ કરવાં જતો હતો ત્યાં રાજલ બોલી.

"કર્ક રાશિ ધરાવતાં જાતકોનાં નામ શરૂ થાય છે ડ અને હ ઉપરથી.."

"અરે હા,ડ અને હ ઉપરથી.."રાજલની વાત સાંભળી સંદીપને પણ યાદ આવી ગયું એ વિશે એટલે એ મોબાઈલ ખિસ્સામાં મૂકી રાજલની વાતમાં સુર પરોવતાં બોલ્યો.

"તો હવે આપણું આગળનું કામ વધુ સરળ બની ગયું છે..આપણે ફક્ત એવાં બિઝનેસમેન નાં ઉપર ધ્યાન રાખવાનું છે જેમનાં નામનો પ્રથમ શબ્દ હ હોય અથવા તો ડ.. એમાં ડ ઉપરથી તો કોઈનું નામ શરૂ થતું હોય એની સંભાવનાં નહીંવત છે..એટલે ફક્ત હ નામ ધરાવતાં બિઝનેસમેન નું લિસ્ટ બનાવો અને એ લોકોને ચેતવી દો કે એમની જાનને ખતરો છે..જરૂર હોય તો જ્યાં સુધી એ સાયકો ના પકડાય ત્યાં સુધી એ લોકોને સિક્યુરિટી રાખવા કહો અથવા તો આપણે સિક્યુરિટી પુરી પાડવાની કોશિશ કરીએ.."રાજલ આગળ શું કરવાનું હતું એની રૂપરેખા આપતાં બોલી.

હજુ રાજલ પોતાની વાત પૂર્ણ કરી રહી ત્યાં ડીસીપી રાણા નો કોલ આવ્યો..રાજલે ફોન રિસીવ કરી પોતાનાં કાને ધરતાં કહ્યું.

રાજલ-"Hello સર..જયહિંદ.."

ડીસીપી રાણા-"રાજલ એ સિરિયલ કિલરે હજુ એક વધુ હત્યા કરી દીધી અને આપણું પોલીસતંત્ર કંઈપણ ના કરી શક્યું..આ હત્યાઓ અમદાવાદ પોલીસ ની કાબેલિયત પર એક સવાલ ઉભો કરે છે.."

રાજલ-"સર,હું મારાં તરફથી પુરી લગનથી એ કાતીલ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છું..પણ એ હત્યારા વિરુદ્ધ કોઈ નાનો સરખો પણ સબુત હજુ સુધી હાથ નથી લાગ્યો..એને લાશ ફેંકતા પણ કોઈએ જોયો નથી કે ના એની કોઈ ફિંગરપ્રિન્ટ મૃતદેહ પર કે ક્રાઈમ સ્પોટ પર મળી આવી છે..એ આપણે ધારીએ એનાંથી વધુ સ્માર્ટ છે એ માનવું રહ્યું.."

ડીસીપી રાણા-"ઓફિસર,તમે એક હત્યારાનાં વખાણ કરી રહ્યાં છો..જે બહુ ગંભીર બાબત છે..તમે જલ્દી કંઈક કરો આ વિષયમાં કેમકે હમણાં જ મુખ્યમંત્રી શ્રી નો મારાં ઉપર કોલ આવ્યો હતો અને એ પૂછતાં હતાં કે આ બધું શું થઈ રહ્યું છે વર્લ્ડ હેરિટેજ સીટી એવાં અમદાવાદમાં..?..તો વહેલી તકે તમે કંઈક કરો નહીં તો મારે ના છૂટકે આ કેસ અન્ય કોઈ ઓફિસર ને આપવો પડશે..અને આ તમારાં જેવી બાહોશ ઓફિસર માટે શરમની વાત હશે.."

ડીસીપી રાણા નાં અવાજમાં પોતાનાં ફરજ તરફની નિષ્ઠા અને રાજલ તરફની લાગણી બંનેનો સમન્વય હતો..એ સમજી રાજલ મક્કમ અવાજે બોલી.

"સર..હું તમને પ્રોમિસ કરું છું કે એ હત્યારો જલ્દી સલાખો પાછળ કેદ હશે.."

"Ok.. બેસ્ટ of લક.."આટલું કહી ડીસીપી એ કોલ કટ કરી દીધો.

ફોન કટ થતાં જ રાજલનો ચહેરો અત્યારે ચિંતા માં રૂની પુણી જેવો સફેદ પડી ગયો હતો..ઉચાટ અને શરમમાં બેવડાં ભાવથી એનો ચહેરો મુરઝાઈ ગયો હતો..ડીસીપી રાણા એ ઉગ્ર અવાજે રાજલની ઝાટકણી કાઢી હતી એ રાજલનો ચહેરો જોઈને જ ઇન્સ્પેકટર સંદીપ સમજી ગયો હતો..હવે ત્યાં ખોટું રોકાઈને પોતાની સિનિયર ને વધુ શરમમાં મૂક્યાં વગર રાજલની કેબિનમાંથી નીકળી જવું ઉચિત હતું એમ વિચારી પોતે બેઠો હતો એ ખુરશીમાંથી ઉભાં થતાં સંદીપ રાજલની તરફ જોઈને બોલ્યો.

"મેડમ..હું અત્યારે જ હ અને ડ ઉપરથી શરૂ થતાં અમદાવાદ શહેરનાં મોટાં બિઝનેસમેન કરોડપતિ તથા અબજોપતિ લોકોનું લિસ્ટ બનાવવાની તૈયારી આરંભુ.."

રાજલ પણ ઈચ્છતી હતી કે પોતે થોડો સમય એકાંતમાં રહે એટલે એને સંદીપની વાત સાંભળી હકારમાં ડોકું હલાવતાં ટૂંકમાં કહ્યું.

"Ok.."

રાજલનાં આટલું બોલતાં જ સંદીપ ઝડપભેર રાજલની કેબિનનો દરવાજો ખોલી બહાર ચાલ્યો ગયો..અને રાજલ પોતે હવે શું કરી શકે છે એ માસ્ટર માઈન્ડ કાતિલ સુધી પહોંચવા માટે એ વિશે ગહન મનોમંથન કરવા લાગી.

**************

ડીસીપી રાણા નો હમણાં આવેલો કોલ અને અત્યાર સુધી સિરિયલ કિલર સુધી પહોંચવામાં પોતાની નિષ્ફળતા આ બે બાબતો એ રાજલને અત્યારે હેરાન-પરેશાન કરી મૂકી હતી..જમવાનો સમય થઈ ગયો હોવાં છતાં એને જમવાનો વિચાર પણ ના આવ્યો...કેમકે જે માણસ માટે પોતાનું કામ મહત્વનું હોય એને કામ ના પતે ત્યાં સુધી ના ભૂખ લાગે ના ઊંઘ આવે.

રાજલ આંખો બંધ કરી ને સિરિયલ કિલરનો ચહેરો શોધી રહી હતી ત્યાં મોબાઈલમાં વાગેલી રિંગે એનું ધ્યાન ભંગ કર્યું..રાજલે મોબાઈલ તરફ નજર કરી તો એમાં નકુલ લખેલું હતું..પોતાનાં પતિનો અત્યારે કેમ કોલ આવ્યો હશે..?એ વિચારતાં રાજલે ફોન રિસીવ કર્યો.

નકુલ-"જમી લીધું..?"

રાજલ-"ના ભૂખ નથી.."

નકુલ-"ભૂખ નથી કે મૂડ નથી મેડમનો..?"

રાજલ-"અરે ના ના સાચેમાં ભૂખ નથી.."

"હવે ઝુઠું ના બોલ..મને ખબર છે કે એ સિરિયલ કિલર જેનો કેસ તારાં જોડે છે એને ત્રીજી હત્યા કરીને એની લાશ રિવરફ્રન્ટ પર ફેંકી દીધી છે..સવારથી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર એ જ આવી રહ્યું છે..આજ કારણોસર તું ચિંતામાં છે અને એટલે જ જમી નથી..ખરું કીધું ને..?"નકુલે સવાલ કર્યો.

"હા,નકુલ..હમણાં થોડાં સમય પહેલાં ડીસીપી સાહેબનો કોલ હતો..એમને પણ મને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે હું સિરિયલ કિલરને જલ્દી નહીં પકડું તો મારાં જોડેથી આ કેસ લઈ લેવામાં આવશે.."રાજલનાં અવાજમાં હતાશા ભળેલી હતી.

"અરે એસીપી રાજલ અને આમ નિરાશ થાય એ તો શક્ય જ નથી..તું હિંમત રાખ અને પૂરાં લગનથી તારી ફરજ અને કામ ને નિભાવ..તું જરૂર એ સિરિયલ કિલરને પકડવામાં સફળ થઈશ..મને વિશ્વાસ છે મારી પત્ની પર.."નકુલનાં અવાજમાં પોતાની પત્ની માટે ભારોભાર પ્રેમ છલકાતો હતો.

નકુલની વાત સાંભળી રાજલનાં ચહેરા પર થોડી ચિંતાની રેખાઓ ઓછી થઈ અને એ નકુલનો આભાર માનતાં બોલી.

"હું ખુબજ નસીબદાર છું જેને તારાં જેવો લવિંગ અને કેરિંગ હસબંડ મળ્યો.."

"શું કીધું લવિંગ અને ઈલાયચી..?અરે ના હો..હું તો માણસ છું.."રાજલને હસાવવા નકુલ બોલ્યો અને બન્યું પણ એવું જ રાજલ નકુલની આ વાત પર ખળખળાટ હસી પડી.

"I love u.. નકુલ.."રાજલ પ્રેમથી બોલી.

"Love you so much.. અને તું સાચવજે.હું હવે ફોન રાખું જય માતાજી.."આટલું કહી નકુલે કોલ કટ કરી દીધો.

નકુલનાં કોલ પછી રાજલને ઘણાં ખરાં અંશે રાહત પ્રાપ્ત થઈ હતી..પોતાનાં દરેક તકલીફનાં સમયે એક સાચા મિત્ર અને કાળજી રાખનારાં પતિ તરીકે નકુલ જે રીતે એને સપોર્ટ કરતો હતો એ માટે રાજલ પોતાને ભાગ્યશાળી સમજતી હતી.

રાજલે હવે વધુ પડતું તણાવમાં આવ્યાં વગર કામ કરવાનું મન બનાવી લીધું અને ગણપતભાઈ ને કહી પોતાનાં જમવા માટે ટિફિન લાવવાં કહી દીધું.જમવાનું પૂર્ણ કરી રાજલ સિરિયલ કિલર સુધી કઈ રીતે પહોંચવું એ વિશે વિચારી જ રહી હતી ત્યાં ઇન્સ્પેકટર મનોજ રાજલની કેબિનમાં આવવાની અનુમતી લઈ અંદર આવ્યો અને બોલ્યો.

"મેડમ,બહાર એક વ્યક્તિ આવ્યો છે...જેનું કહેવું છે કે એ વનરાજ સુથારની મોત સાથે જોડાયેલ અમુક વસ્તુઓ જાણે છે.."

મનોજની વાત સાંભળતાં જ એસીપી રાજલ દેસાઈ ઉત્સાહમાં આવી મનોજને ઉદ્દેશીને બોલી.

"તો પછી રાહ શેની જોવો છો..જલ્દીથી મોકલો એને મારી કેબિનમાં.."

★★★★

વઘુ આવતાં ભાગમાં.

કોણ હતો એ વ્યક્તિ અને એ વનરાજ સુથાર વિશે શું જાણતો હતો..?આ વખતે હત્યારાનો નવો ટાર્ગેટ કોણ હતું..?ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED