પ્રણય સપ્તરંગી
પ્રકરણ - 19
સંયુક્તાની વાત સાંભળી રણજીત થોડો વિચારમાં પડી ગયો. સંયુક્તાએ કહ્યું "ભાઇ સાચવીને... સાગર ખૂબ ચતુર છે અને એને એક ખરોચ ના આવવી જોઇએ ના વાળ વાકો થાય.... હવે એ મારો થઇને જ રહેશે. શું સંયુક્તા સાગરનાં પણ ગળાડૂબ એકતરફી પ્રેમમાં પાગલ છે ? એને એક ખરચ ના આવે ? મારાં પ્લાનમાં એવી કોઇ ગેરંટી જ ક્યાં છે ? સાગર એકવાર ચક્રવ્યૂહમાં ફસાયો પછી તો એનું શું થશે એતો મને ય ક્યાં ખબર છે ? મારાં રચેલાં ચક્રવ્યૂહમાં મ્હોરાઓ ઉપર પછીતો મારો પણ ક્યાં કંટ્રોલ છે ? જે થવાનું હશે એ થશે પણ હું સીમાને પામી જવા કંઇપણ કરીશ. રણજીતે વિચાર્યું મારી પાસે એકથી એક ચઢીયાતી ગ્લેમરસ છોકરીઓની લાઇન છે બધી મારાં માટે કંઇ પણ કરવા તૈયાર છે છતાંય કોણ જાણે કેમ મને સીમામાં રસ પડી ગયો છે અને થોડું એને મેળવવાનું ચેલેન્જીંગ લાગે છે એટલે વધારે મજા પડી રહી છે. કંઇ નહીં મારાં પ્લાન પ્રમાણે આગળ વધુ જોઇએ શું થાય છે ? ચીકુને એનો પ્રેમ મળી જાય અને પેલા ડામીસથી છુટી થઇ જાય સંપૂર્ણ રીતે આમ એક નિશાને બે શિકાર પાડી દેવાં છે. નાના આતો એક નિશાને ત્રણ શિકાર પડશે અને પોતનાં જ વિચારો ઉપર ખડખડાટ હસવા લાગ્યો.
************
સંયુક્તાએ સીમાને ફોન કર્યો. "હાય સીમા ગુડમોર્નિંગ શું કરે છે. સીમાએ સવારનાં પ્હોરમાં સંયુક્તાનો ફોન આવેલો જોઇને થોડું આશ્ચર્ય થયું હજી સાગરનો ગુડમોર્નીંગ કોલ કે મેસેજ નથી આવ્યો એ પહેલાં જ આ ? સીમા એ કહ્યું અરે સંયુક્તા તું ? ગુડર્મોનીગ કેમ આટલી વહેલી સવારમાં હજી તો મારી નીંદર પુરી નથી થઇ.
સંયુક્તાએ કહ્યું "અરે ડાર્લીગ મારી તો ક્યારથી સવાર પડી ગઇ. તને તો ખબર છે હું સવારે 5.00 વાગે ઉઠી જાઊ છું પછી વોર્મઅપ કરી યોગા કસરત કરું અને પેલેસમાં ગાર્ડનમાં મોર્નીગવોક કરુ છું. મને થયું આજે તને સાગર ઉઠાડે એ પહેલાં હું જ ઉઠાડુ અને આજનો પ્રોગ્રામ ડીસકસ કરી લઊં તને ખબર છે પરમ દિવસે તો ફંકશન છે મારી તો નીંદર જ ઊડી ગઇ છે એનાંજ વિચારો ચાલ્યા કરે છે.
સીમાએ નિર્દોષત્તાથી કહ્યું "થેંક્યુ યાર પણ હવે તો પ્રેક્ટીસ લગભગ થઇ ગઇ છે. બાકી આપણો શું પ્રોગ્રામ વિચાર્યો છે તે ?
સંયુક્તાએ કહ્યું "ડીયર જો પરમદિવસે ફંકશન છે તો આપણે આજે જ સવારથી હોલમાં જ એરેજેમેન્ટ જોઇ લઇએ તથા આપણું ફાઇન્લ રીહર્સલ ત્યાંજ કરી લઇએ એટલે તું વેળાસર સાગરને કહી શકે એ કોઈ બીજો પ્રોગ્રામ બનાવી ના લે એટલે જ વ્હેલો ફોન કર્યો. બીજું અમે કમીશનર ઓફીસમાંથી ઇન્સ્પેક્ટર સિધ્ધાર્થ પણ સીક્યુરીટી એરેન્જમેન્ટ જોવા માટે આવવાનાં છે એમનાં માણસો સાથે તો સાગર હાજર હોય તો સારું એ પણ જોઇ શકે. કદાચ ભાઇ અને પાપા પણ આવશે પરંતુ એલોકો એરેન્જમેન્ટ જોઇ જતાં રહેશે આપણે આપણું રીહર્સલ પુરું કરી લઇશું. પછી કોઇ ચિંતા નહી અને ખાસ આપણી રજૂઆતનાં ગીતો -મીમીક્રી-અંકલનુ સન્માન અભિવાદન એ બધાનો સમય નક્કી થાય એટલે કેટલો કુલ સમય થશે એ બધાનો અંદાજ લગાવી શકાય. એટલે જ આજે બધુ ફાઇનલ કરી દઇએ. અને હાં ખાસ કહું સીમા સાગરને કામ હોય તો એને થોડો મોડો આવવા કહે તો તું તો અત્યારે વ્હેલી જ આવી જજે મને તારી મદદ રહે.
સીમાએ શાંતિથી બધુ, સાંભળીને કહ્યું" ભલે હું તો આવી જ જઇશ ને સાગરને કંઇ કામ હશે તો એ લેટ આવશે. તે ઘણું બધુ વિચારી લીધું છે. થેંકસ.
સંયુક્તાએ કહ્યું "મારી ફરજ છે કેમ કે હું એરેન્જર છું અને મને ખૂબ ગમશે જ કે સાગરનાં ફાધરનું ફંકશન છે. આપણાં બધા માટે પ્રાઊડ મોમેન્ટ છે. એની વે તું આવ હું રાહ જોઉં. એમ કહીને સંયુક્તાએ ફોન મૂક્યો.
સીમા ફોન મૂકીને વિચારમાં પડી ગઇ. સંયુક્તાતો ઘણી તૈયારીઓમાં છે. એ કેટલું બધુ કરી રહી છે. કહેવું પડે આટલીતો મારી તૈયારીઓ નથી. એવો વિચાર કરીને સાગરને ફોન કર્યો. કેટલી લાંબી રીંગ પછી સાગરે અધરાતા અવાજે કહ્યું "એય મીઠી આટલો વહેલો ફોન ? લવ યુ ડાર્લીગ સીમાએ કહ્યું "ઉઠો મારાં રાજકુમાર સવાર પડી ગઇ તારો ફોન આવે એ પ્હેલાં જ સંયુક્તાનો ફોન આવી ગયો એટલે તને કહેવાં જ તરત ફોન કર્યો.
સાગરની રહી સહી નીંદર ઉડી ગઇ અને સજાગ પણે ઉઠીને બેડ પર બેસી ગયો અને પૂછ્યું "સંયુક્તાનો ફોન ? આટલો વ્હેલો ? શું કામ પડ્યું આટલું વ્હેલું એ ચીબાવલીને ? સીમાએ કહ્યું "અરે આટલો આકળો ના થા કહ્યું છું પછી સંયુક્તાએ કહેલું બધુ જ અક્ષરસઃ બધુ જ સાગરને કહ્યું એણે કહ્યું છે સવારે વહેલી જ આવી જજે જો સાગરને વ્હેલું ના ફાવે તો સાગરે તરત જ કહ્યું "નોપ સીમુ આપણે સાથે જ જઇશું હું પરવારી નાહી ધોઇ ફ્રેશ થઇને ચા નાસ્તો કરી તને લેવા જ આવું છું. આપણે સાથે જ જઇશું તારે એકલીએ નથી જવાનું. સીમા કહે "વાહ મારાં રાજા ચલ હું પરવારીને તારી રાહ જોઊં અને હા આ નાસ્તો ના કરીશ બધુ ત્યાંજ એરેન્જ થયું છે. સાગર કહે વાહ ક્યા બાત હૈ આજે તો મ્હેલમાં બધો પ્રોગ્રામ છે ને કાંઇ અરે સીમુ તારી આ ફ્રેન્ડ શા માટે તારાં ઉપર આટલી બધી ઓળઘોળ છે ?? એવું તો તે શું કર્યું છે ?
સીમા કહે એ સ્વભાવની જ એવી છે. એને બધા માટે બધુ કરવું ખૂબ ગમે છે એનાં કહેવાં પ્રમાણે પાપાનાં ફંકશનની જવાબદારી એણે લીધી છે એટલે એમાં કોઇ કચાશ નથી એ રાખવા માંગતી અને ઊંડે ઊડે મને એવું પણ છે કે એ તને જ વધારે ખુશ જોવા માંગે છે કારણ કે સાગર સાગર કરે છે જો જે ધ્યાન રાખજે. આ લલના બહુ પહોચેલી છે... પણ સાચું કહું મને મારાં સાગર પર અપાર વિશ્વાસ છે એટલે મને કશું અડતું જ નથી જેને જે કરવું હોય કરે જાણે સાગર વિશાળ છે પણ અચળ છે. લવ યુ ડાર્લીગ ચલ હું પરવારું તારાં આવવાની રાહ જોઊં. તને ખબર છે હવે તું મને આમ લેવા આવીશ તો મને એવી ફીલીંગ આવે છે કે મારો વર અને માંપાપાનો જમાઇ આવ્યો એવી ફીલીંગમાં હું ખૂબ જ રાજી રાજી થઇ જઊં છું. મારાં રા...જજા... લવ યું.
સાગરે કહ્યું ચલ તૈયાર થા હવે જમાઇ આવે એ પહેલાં ત્યાં મારો આસ્તાગાસ્તાની તૈયારી કર. હું ફોન મૂકી તૈયાર થઉ.
સાગરે ફોન મૂક્યો અને તૈયાર થવા માટે બાથરૂમમાં ધૂસ્યો. આ બાજુ સીમા પણ તૈયાર થવા માટે ગઇ. એણે જતાં પ્હેલાં મંમીને કહ્યું માં સાગર હમણાં લેવા આવે છે અમારે ફાઇનલ તૈયારી માટે પેલસ જવાનું છે સંયુક્તાનો વ્હેલો ફોન આવી ગયેલો.
સરલાબ્હેન કહ્યું "ભલે દીકરા તમે તૈયાર થાવ એ આવશે ત્યારે હું જોઇશ. તારી બ્હેનતો ક્યારની ઉઠીને બહાર જતી રહી છે પાપા પણ ન્હાવા ગયા છે તું તૈયાર થઇને આવ.
સીમા ફટાફટ તૈયાર થઇને નીચે આવી ગઇ. સરલા બહેને એને જોઇ કહ્યું "તું તો બહુ જ જલ્દી આવી ગઇને ? સીમા કહે માં તમારો જમાઇ બહાર જ ઉભો છે એણે બાઇકનું હોર્ન માર્યું એટલે હું તરત નીચે આવી ગઇ. માં એ કહ્યું તો એને અંદર બોલાવને આમ બહારથી કેમ જાય ? સીમાએ માં એ કહ્યું સાંભળીને બહાર વરંડામાં આવી કહ્યું "જમાઇરાજ અંદર આવો સાસુમાં અંદર બોલાવે છે. સાગરને હસુ આવી ગયું. અને એ બાઇક પરથી ઉતરીને સીમા પાસે આવી કહ્યું" ચાંપલી મે મઝાક કરી હતી આવો નીકળીએ. સીમાએ કહ્યું " તેં કરી પણ માં એ નહીં જા અંદર બોલાવે. સાગર હસતો હસતો સીમા સાથે અંદર ગયો.
સરલાબ્હેને કહ્યું "દીકરા હવે કોલેજની જેમ એમજ બહારથી નહીં જવાનું અંદર આવવાનું હળતામળતા રહેવાનું જેથી આપણે વાતો થાય અને કુટુંબનાં હેવાયા થાવ. સાગરે સરલાબહેનનાં પગે પડીને આર્શીવાદ લેતાં કહ્યું હાં માં હવે ધ્યાન રાખીશ. સરલાબ્હેને પછી ડાઇનીંગ ટેબલ પર પડેલો મોટો ગ્લાસ ભરેલો જ્યુસ સાગરનાં હાથમાં પકડાવ્યો. ખબર પડી તમે આવવાનાં છો એટલે તૈયાર કરેલો છે. લો સાગરે કહ્યું "પણ... સરલાબ્હેને કહ્યું પણ બેટા કંઇ નહીં પી લો અને શ્રીજીબાવાનો પ્રસાદ પણ તૈયાર છે લો આ શ્રીનાથજીથી આવ્યો છે ખાસ ઠોર... આ સીમાનાં મામાં ગયેલા એ લાવ્યા છે. સાગરે કહ્યું ઓહો અમુલખ સર ! ઓકે લાવો પ્રસાદ એમ કહીને પોચો ઠોર પસંદ કરી ખાઇ લીધો. પછી અમે જઇને આવીએ મંમી કહીને બંન્ને જણાં બ્હાર નીકળ્યાં. સીમા સાગરની પાછળ બાઇક પર બેસી ગઇ. માં ઉભા હતાં ત્યાં સુધી બાય કહીને એમજ બેઠી. સરલાબહેન જતાં બંન્નેને આનંદથી જોતાં રહ્યાં જેવાં એમની નજર થી દૂર ગયા સીમા સાગરને ચીપકીને વળગીને બેસી ગઇ અને બોલી... વાંદરા માં સામે કેવો ડાહ્યોડમરો બને એમ કહી સાગરની કાનની બુટ્ટ કરડી લીધી. સાગરે જોરથી કહ્યું એય વાઘરણ વાગે છે અને એની બુટ્ટ લાલ થઇ ગઇ સીમાએ કહ્યું " ઓહો બહુ વાગ્યું લાવ મટાડી દઊં એમ કહીને ત્યાં મીઠી ભીની ભીની કીસ્સી કરી લીધી.
સીમા અને સાગર બાઇક પર મસ્તી કરતાં કરતાં પેલેસ ગેટ પહોંચી ગયાં. ત્યાં ગેટ પર ઇન્સ્ટ્રકશન હશે એમને કોઇ એ રોકવા નહી પરંતુ સીક્યુરીટીએ કહ્યું તમે સાગર ભાઇ ? સાગર કહ્યું "હાં" તો સીક્યુરીટએ કહ્યું તમે આ મોટાં રસ્તેથી નહીં પરંતુ આગળથી ડાબીબાજુ અંદર રસ્તો જાય છે જ્યાં નાળિયેર સળંગ રોપેલી છે ત્યાંથી પેલેસ તરફ જજો. મેડમ એ બાજુનાં ભાગમાં બેઠાં છે તમે ત્યાંથી સીધા જજો ત્યાં આગળ પગથિયા છે એ ચઢીને જજો એ બાજુનાં સળંગ હોલ છે ત્યાં એક રૂમમાં બેઠાં છે આપ લોકોની પ્રતિક્ષા કરે છે.
સાગર અને સીમાને થોડું આશ્ચર્ય થયું પરંતુ કંઇ બોલ્યા વિના એટલુ જ કહ્યું ઓકો.... કહીને સીક્યુરીટીએ દર્શાવેલ રસ્તે અંદર ગયા. સાગરે જોયું કે મુખ્ય રસ્તો પેલેસનાં મુખ્ય દરવાજે જાય છે. ત્યાંથી ડાબીબાજુ રસ્તો છે એ સાંકડો છે બંન્ને તરફ નાળીયેરનાં વૃક્ષોનું એવન્યુ છે એની સાથે પાછળ એરીકાપામ ઝુમખામાં સળંગ રોપેલા છે એકદમ સરસ વ્યૂ છે અને ઠંડક છે. રસ્તો નાની નાની ઝીણી છુંટી કપચી થી બનાવેલો છે. પાણી છાંટેલું છે એકદમ ઠંડક પ્રસરેલી છે. એટલો સરસ પવન વૃક્ષોમાંથી ચળાઇને આવી રહેલો. સાગરે બાઇક ધીમી કરી નાંખી અને વાતાવરણ અને આ લેન્ડસેપને માણતો માણતો ધીમે ધીમે અંદર જઇ રહ્યો હતો. ખાસો લાંબો રસ્તો ઓળંગી એણે સામે પીલરની ડીઝાઇનવાળી દિવાલ આવી ત્યાં બાઇક ઉભુ રાખી દીધું. ત્યાં ચઢવાનાં પગથિયાં હતાં 6/7 પગથિયા ચઢીને મોટો ગાર્ડન આવ્યો ત્યાં રંગંબેરંગી વૃક્ષો પર સુંદર ફૂલો હતાં. લેન્ડસ્કેપમાં અલગ અલગ રંગોનાં ફૂલો-ગુલાબની ક્યારીઓથી ડીઝાઇન કરેલી હતી. બરોબર મધ્યમાં બંસીપહાડ પુરનાં પથરનો મોટો ફુવારો હતો. સુંદર ફુવારાની પાણીનાં બિંદુ હવા સાથે અથડાઇને ઠડક પ્રસરાવતાં હતા અને પત્થરનો રસ્તો વચ્ચે વચ્ચે લોન કરેલી થોલપુર પત્થરનાં લાલ રંગ સાથે લીલી લોનમાં પડાતો કોન્ટ્રાસ્ટ નયનરમ્ય હતો. સીમા અને સાગર આ બધુ માણતાં અંદર જઇ રહ્યાં હતાં એક હોલને પસાર કરી બીજા મોટાં રૂમનાં દરવાજા ખૂલ્લાં હતાં ત્યાં એક મોટાં ટેબલ પર કોમ્પ્યુટરમાં જોતી સંયુક્તા બેસી હતી. આ બંન્નેને આવેલા જોઇ એ ઉભી થઇને સીધી જ સીમા પાસે આવી અને એને વ્હાલથી હગ કરીને કહ્યું વેલકમ ડીયર અને સાગરને આંખો નચાવી કહ્યું "વેલકમ સાગર એની આંખોમાં સાગરને વધાવ્યાનો પ્રેમાળ આનંદ હતો.
સીમા અને સાગરે થેંક્સ કહ્યું સીમાએ કહ્યું " અરે તું અત્યારે સવાર સવારમાં કોમ્પ્યુટર ઉપર શું કરે છે ? આપણાં ફંકશનનું કંઇ તે ગોઠવી રાખ્યું છે ? કે કોઇ સીકવન્સ બનાવી છે ? સંયુક્તાએ હસતાં હસતાં કહ્યું "ના યાર.. આતો અમારાં અહીંના સીક્યુરીટી માટેનું છે તમે લોકો અહીં આવ્યા ત્યાં સુધીમાં બધે જ સીક્યુરીટી સીસીટીવી કેમેરા છે જે આમાં બધાંજ એરીયા અને ફુટેજ ફલેશ થાય છે તમને આવવામાં કોઇ અગવડ નથી પડતી એ જોવા જ બેઠેલી...
એ લોકો વાતો કરતાં હતાં અને સાગર વિશાળ રૂમનું બારીકાઇથી અવલોકન કરી રહ્યો હતો. એણે જોયું વિશાળ રૂમમાં ચારે બાજુ દરવાજા હતાં. બે દરવાજાં બીજા હોલમાં પડતાં હતાં એક દરવાજો સીધો ગાર્ડનમાં જે ખૂબ વિશાળ હતો બાકીના બે દરવાજા એલોકો આવ્યા એ રસ્તા પર અને સામેનાં કોઇ લોબીમાં અંદરનું રાચરચીલું ધ્યાન ખેંચે એવું હતું અંત્યંત બારીક અને ખૂબ સુંદર લાકડામાં કારીગરી કરેલી હતી અદભૂત નક્ષીકામ કરેલું હતું. દિવાલો પર એનાં દાદાનાં કે પૂર્વજોનાં મોટાં ફ્રેમ ચિત્રો હતાં. કેવાં પ્રભાવી માણસો કાચનું ઝુમર જોયું એની વિશાળતા અને કારીગરી જોઇને લાગ્યું કે ઓછામાં ઓછુ 5 થી 10 લાખનું તો હશે જ આવાં કેટલાં ઝુમ્મરો હશે ?
સંયુક્તાએ સીમા સાથે વાત કરતાં કરતાં એનું ધ્યાન સાગર તરફ જોયું એને થયું સાગર અહીંના વૈભવમાં ખોવાયો છે એણે સાગરને કહ્યું "એય સાગર સમ્રાટ તમે ક્યાં ખોવાયા ? આતો માત્ર મુલાકાત ખંડની શોભા છે અસલ દમામતો અંદર પેલેસમાં છે સાગરે સાંભળીને કહ્યું "ખૂબ સુંદર છે પણ મારાં માટે એક મ્યુઝીયમ સીવાય કોઇ લાગણી નથી કારણ કે અમે સાદા સીધા માણસો અને અમારી ઝૂંપડીમાંજ ખૂબ ખુશ છીએ. આતો સારી વસ્તુ જોઇએ તો બીરદાવવી જોઇએ બાકી આં બધા ઠઠારો તમને જ શોભે અને તમને જ મુબારક. પણ મને એ રસ પડ્યો કે આપણાં દેશમાં પણ કેવાં કેવાં કારીગરો છે લાકડામાં કેવું સુંદર ઝીણું ઝીણું પણ અદભૂત નક્શીકામ કરેલું છે.
સંયુક્તા સાગરનાં જવાબથી થોડી હેબતાઇ ગઇ પરંતુ પાછી સ્વસ્થ થતાં કહ્યું "આ વારસામાં મળેલો અદભૂત ખજાનો છે પણ હું પણ સાવ સામાન્ય જીવનમાં જ માનું છું પણ મને પણ આ હેન્ડીક્રાફ્ટસ-હેન્ડલુમ અને લાકડાની બનેલી વસ્તુઓનો ખૂબ શોખ છે અને આવું નક્ષીકામ કામ હવે કોઈ કરાવતું નથી આતો મારાં દાદાના પણ પિતાએ કરાવેલું મને જાણવા મળેલું મને મારાં પાપા કહેતાં કે તારાં વડદાદા ખૂબ જાણકાર હતાં અને ઘણીબધી વિદ્યાઓ જાણતાં તેઓ કુશળ કારીગરની જેમ બધું સમજતાં અને ક્યાં ક્યાંથી કારીગરો અને લાકડું મંગાવીને આ બધુ રાચરચીલું અને ફર્નીચર વસાવ્યું છે. આજે આવું કામ થતું નથી એવાં કારીગરો નથી એની કરોડોની કીંમત છે. અને નક્ષીકામ જોવું જ હોય તો ક્યારેક મારાં બેડરૂમમાં મારો બેડ જોવો આખા પેલેસમાં નથી એવી કારીગરી મારાં બેડની છે. એની વિશાળતા ગાદીકામ-લાકડાની નથી કામ અદભૂત છે. પાપા કહેતાં આ બધાં કામની ઊર્જા હોય છે અને હકારાત્મક ઊર્જા તમારાં મનને શાંત કરે સારાં વિચાર આવે અને સંતૃપ્ત નીંદર આવે. કંઇક અજબ જ છે. મને ખબર છે એટલું કહું બાકી પાપાને ખુબ જ્ઞાન છે આ બધું.
સીમાએ કહ્યું "બહુ સરસ ઘણું જાણવા મળ્યું પછી સાગરની સામે જોઇ કહ્યું" આપણે જે કામ માટે આવ્યા છીએ એની વાત કરીએ ? સાગર તને આમાં રસ હોયને તો ખાસ સમય કાઢીને આવજે સંયુક્તા ખૂબ ડીટેઇલ... માં સમજાવશે. બાકી આ બધુ મારા માટે ફર્નીચર જ છે. સાગરે સીમાની વાત સમજી ગયો એણે મન કારીગરીમાંથી પાછું વાળ્યું અને કહ્યું" યસ ડાર્લીંગ તારી વાત સાચી છે આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ.
સંયુક્તાએ સીમાને સાંભળીને પોતાની લાગણી દબાવતાં કહ્યું સીમા ઓકે હું સમજી ગઇ તને રસ નથી કંઇ નહીં આજે આપણે ખાસ ફાઇનલ રીહર્સલ અને આપણે જે હોલમાં કાર્યક્રમ છે તે એ જોઇ લઇએ. પણ પ્હેલાં ચા નાસ્તો કોફી જ્યુંસ જે ફાવે એ થોડું લઇ લઇએ અહીં બધું જ તૈયાર રખાવ્યું છે જે ફાવે એ લઇને પછી જઇએ અ સંયુક્તાએ ફોનથી ઓર્ડર કર્યો અને થોડીવારમાં બે માણસ ચાંદીની ટ્રેમાં અને ચાંદીનાં વારણોમાં ચા-કોફી-બિસ્કીટ અને ફરસાણ થોડી મીઠાઇ, જ્યુસ બધુ જ લઇને આવ્યા અને ટેબલ પર મુક્યું સંયુક્તાએ સાગરને પૂછ્યું તને શું ફાવશે એ આપુ. સાગરે કહ્યું હું જસ્ટ સીમાનાં ઘરે જ્યુંસ પીને આવ્યો છું પણ મને ગરમ કોફી ફાવશે મને કંઇ ખાવું નથી. બધુ જોયા પછી ઇચ્છા થશે તો ખાઇશું સીમા સાગર સામે જોઇ રહી. પછી પણ ખાવું છે આને ? એણે સંયુક્તાને કહ્યું હું પણ ખાલી કોફી લઇશ.
સંયુક્તાએ ચાકરને ત્રણ કોફી તૈયાર કરી આપવા કહ્યું અને એણે ચાંદીનાં કાર્વીગવાળા મગમાં કોફી તૈયાર કરીને બધાંને આપી પછી તે બહાર ગયો. સાગરે જરૂરી સુગર ક્યુબ લઇને કોફી બનાવી અમે પાછો ચારેબાજુ જોતો કોફી પીવા લાગ્યો. સંયુક્તાની નજર સાગર ઉપર અને સીમાની સંયુક્તા ઉપર જ હતી.
સાગરે કોફીના સીપ લેતાં કહ્યું "વાઉ માર્વેલસ કોફી છે મજા આવી ગઇ. સંયુક્તાએ કીધુ પાપા ને આ કોફી ખૂબ પસંદ છે ફ્રાન્સથી મંગાવે છે. સાગર કહ્યું ઓહો આવું જાણ્યા પછી તો સ્વાદ બે ઘણો બધી ગયો. થેક્યુ ફોર લવલી કોફી. સીમા સાગરને જોઇ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઇ. આ તો સાવ ફાલતુ વાત પર પણ વાહ વાહ કરે છે આને શું થયું છે ? આ લોકો માટે તો આ બધુ બહુ કોમન છે અને સાગર જેવા ઠરેલ માણસને આજે આ શું થયું છે ? પેલીએ કોઇ ભૂરકી તો નથી નાંખીને ?
કોફી પીધા પછી સાગરે કહ્યું "બહુ થઇ ગઇ મહેમાનગતી આપણે મૂળ વાત પર આવીએ નહીતર આજનો આખો દિવસ ક્યાં પસાર થઇ જશે ખબર નહીં પડે અને અગત્યનું કામ રહી જશે.
સીમાએ કહ્યું "ઓ મારાં વ્હાલાં સાગર આમ તમે આ બધાં રાસલીલામાં ખોવાઇ જશો તો એક દિવસ નહીં તમને આયખું ખૂટી જશે. જરા જમીન પર આવો આતો સંયુક્તાનો મ્હેલ છે આપણું ઘર નથી. અને જે કામે આવ્યા છીએ એ પુરુ કરીએ પહેલાં પછી શાંતિથી સંયુક્તાની મહેમાનગતિ માણવાં નહીં કામ જોવા આવજો. સીમાથી ના રહેવાયું તો સીધું જ મોં પર કડવું કહેવાઇ ગયું.
સાગર મનમાં સમજી ગયો કે સીમા ભડકી છે એટલે એણે નાટક બંધ કરી કહ્યું "હાં સંયુક્તા આપણે ક્યાં શું જોવાનું છે રે સીમા સામે જોઇ કહ્યું "ફ્નક્સન માટે... ક્યાં હોલમાં કરવાનું છે અને ત્યાં એરેન્જમેન્ટ પહેલાં જોઇ લઇએ અને તમે લોકોએ સીક્યુરીટી અંગે શું વિચાર્યું છે પાપાએ બંધોબસ્ત માટે શું કહ્યું છે તે બંધુ મને બતાવ અને જણાવ.
સંયુક્તા બધી સ્થિતિ સમજી ગઇ પરંતુ એને સાગરનો નાટકની ખબર ના પડી એટલે અંદરને અંદર રાજી થઇ ગઇ કે સાગરને અહીં મજા આવી છે એને ખૂબ ગમ્યું એણે સાગરને કહ્યું અહીંથી જ પાછળ પેલેસમાંથી બે કમરાં ઓળંગીને તરતજ હોલ આવશે. એટલે જ મેં તમને લોકોને અહીં અંદરના રસ્તેથી બોલાવેલા અને પેલેસમાં બધાને બધી જાણ કરવાની પણ જરૂરના પડે. એમ કહી સીમા અને સાગરને હોલ તરફ લઇ ગઇ. સાગરે હોલ પર જતાં પેલેસની અને આ ખાસ ભાગની ભૂગોળ સમજતો અને યાદ કરતો સંયુક્તા સાથે જઇ રહ્યો હતો.
હોલ પાસે આવીને સંયુક્તાએ દરવાનને હોલનાં દરવાજા ખોલવા કીધાં પછી તેઓ અંદર ગયાં. વાતાનુકૂલીત સુંદર ભવ્ય હોલ હતો. સામે સ્ટેજ એની પાછલ રૂમો. સ્ટેજની સામે લગભગ 300 જણાં બેસી શકે એવો વેલવેટ કારપેટથી સજાવેલો હોલ ખુરશી ઓ ખૂબ જ લક્ઝરીયસ હતી. દિવાલો ઉપર નૃત્યાંગનાઓનાં તૈલ ચિત્રો અને સ્ટેજની આજુબાજુની દિવાલ પર સુંદર નૃત્યાંગના અને યુવતીઓની આમકદની મૂર્તિઓ હતી. સાગર અને સીમા જોઇ ખુશ થઇ ગયાં. સંયુક્તાએ કીધું આગળનો પ્રોગ્રામ આપણે પેલેસનાં મુખ્ય હોલમાં કરેલો જેમાં 300 થી 500 માણસો બેસી શકે આ ખાસ પ્રાઇવેટ હોલ છે. એમાં નીચેનો ભાગે 200 અને ઉપર બાલ્કનીમાં છુટા છવાયા કુલ 80 થી 100 માણસો બેસી શકે. પાપાનો ખાસ હોલ છે. જે ખાસ મહેમાનો માટે જ છે. અહીં સીક્યુરીટી ચૂસ્ત છે અહીં પરવાનગી વગર કોઇ ના આવી શકે.
બીજું ખાસ અહીં પરફોરમન્સ માટે આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે અહીં ગીત ગાયકી કંઇક અનેરી અસર ઉપજાવે છે અહીં મ્યુઝીક સીસ્ટમ એકદમ લેટેસ્ટ છે હજી ઇન્ડીયામાં ક્યાંય ઇન્ડ્રોડ્યુસ નથી થઇ. સીમા અને સાગરતો જાણે અવાક બનીને સાંભળી રહ્યાં હતાં. સાગરે મનમાં વિચાર્યું પાપા માટે આ લોકો આટલું બધું શા માટે કરે ? શું કારણ ? સાગરથી રહેવાયું જ નહીં એણે સીધું જ પૂછી લીધું. સંયુક્તા આ બધુ ખૂબજ સુંદર છે. લેટેસ્ટ છે ખૂબજ ગમ્યું પણ મને એક વાત નથી સમજાતી કે તમારી ફેમીલીએ મારાં પાપાનું ફંકશન અહીં તમારાં પ્રાઇવેટ હોલમાં શા માટે રાખ્યું ? મારાં પાપા જસ્ટ કમીશ્નર થયા છે કોઇ પ્રાઇમ મીનીસ્ટર નથી અને થોડાં વર્ષમાં રીટાર્યડ થઇ જશે અમારાં પર રાજઘરાનાની આટલી મહેરબાની શા માટે ? મને પચી નથી રહ્યું એટલે તને સ્પષ્ટ જ પૂછું છું સીમાને પણ સાગરે પૂછેલો પ્રશ્ન ખૂબ ગમ્યો. એણે કહ્યું સંયુક્તા મારાં મનમાં પણ આજ વિચાર આવ્યો.
સંયુક્તા બંન્નો સવાલ સાંભળીને થોડી ઝંખવાઇ ગઇ પછી સ્વસ્થ થઇને ક્હ્યું કેમ આવું પૂછે સાગર ? તમે લોકો મારાં ખાસ મિત્રો છો વળી અંકલ સાથે પાપાને ખાસ ઘરોલો છે તમે આમારાં કુટુંબી જેવા છો આમાં કોઇ ઊંચનીચ કે અમારો પ્રભાવ તમારાં ઉપર પાથરી દેવાનો આશય નથી. બીજું મારાં સ્વાર્થ માટે છે અને અહીં કરવાનો નિર્ણય મારો અને ભાઇનો છે એકતો અહી સીક્યોરીટી ચૂસ્ત છે અહીં કોઇને ખબર નથી એટલે કોઇ વગર આમંત્રણે આવી નહીં શકે મારાં પર જો ભય ઝબુંબી રહેલો છે હુમલાનો કે ઉપાડી જવાનો એવું કંઇ નહીં થાય. મેં માત્ર તમને લોકોને જ અંદરનાં રસ્તેથી બોલાવ્યા છે બાકી ફંકશનમાં બધાં મુખ્ય પેલેસનાં દ્વારેથી અંદર આવીને ક્યારે અહીં કેવી રીતે પહોંચશે કોઇને ખબર નહીં પડે કેમ કે ત્યાંથી લીફટમાં બેસીને ઉપર આવી ફરી લીફ્ટમાં બેસી અહીં નીચે ઉતરશે મ્હેલનાં સ્ટાફને અમારાં સિવાય કોઇને કંઇ ખબર જ નહીં પડે એની ચૂસ્ત વ્યવસ્થા છે. આ અંદરનો રસ્તો ખાસ મહેમાન અને અંગત માણસો માટેજ એલાઉ છે. એમાં મને રસ છે કે આપણી ગાયકી આખો કાર્યક્રમ ચાર ચાંદ લગાવી દે બસ એજ રસ છે. પણ તમે લોકોએ કંઇક જુદી જ વાત કરી અને મને... એમ કહી સંયુક્તાની આંખમાં આંસુ આવી ગયાં એણે ડુસ્કુ ભરી લીધું.
સીમા અને સાગર પણ થોડાં વિચલીત થઇ ગયા સીમાએ કહ્યું સોરી સોરી સંયુક્તા અમારો એવો આશય નહોતો. સંયુક્તા સીમાને વળગી ગઇ અને સાગરની સામુ જોતા બોલી હવે મારું તમારાં સિવાય કોઇ અંગત નથી તમે કોઇ બીજા વિચાર ના કરો. અને સીમા અને સાગરે સ્વસ્થ થતા કહ્યું અમે એમજ કીધું ખોટું ના લગાડિશ. સંયુક્તાએ બંન્ને જણાનો આભાર માની હોલની બધી વિગત સમજાવતી હતી ત્યાં અચાનક સામે રણજીત આવતો જણાયો. રણજીતે આવીને તુરંત જ સંયુક્તાને પૂછ્યું શું થયું બ્હેના ? સંયુક્તાએ બાજી સંભાળતા કહ્યું કંઇ નહીં થોડી ઇમોશનલ થઇ હતી આ લોકોને હોલ બતાવું છું.
રણજીતે સાગર અને સીમા સામે જોઇ કહ્યું "વેલકમ તમને ગમ્યું ને અને ખૂબ વિચારીને અહીં રાખ્યું છે આશા છે કે તમને ગમશે. સીમા સામે તીરછી નજરે જોઇ કહ્યું "ચલો આજે રીહર્સલના બ્હાને તમને સાંભળવા મળશે.
પ્રકરણ -19 સમાપ્ત.
રણજીતનાં મનમાં ચાલતાં વિચારો સુધી સીમા-સંયુક્તા ના પહોચ્યાં પણ સાગર સાવધ થઇ ગયો.