કોઝી કોર્નર - 9 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોઝી કોર્નર - 9

       
 જંગલનો એ ઉબડખાબડ રસ્તો આગળ જતાં નેવું અંશના ખૂણે વળી જતો હોવાથી એ રસ્તેથી જીવ બચાવવા પોતાની તમામ શક્તિ લગાડીને દોડી આવતા હરણના ટોળાને અને એની પાછળ પોતાનું પેટ ભરવા ફૂલ સ્પીડથી ત્રાટકવા દોડી રહેલા કાળઝાળ દીપડાઓને અમે જોઈ શકતા નહોતા.બીટીને મેં ઉભો કર્યો અને ફરી ભેખડ ચડવાનો પ્રયત્ન કરતા જ હતા ત્યાં જ એ હરણનું ટોળું ધસમસતું આવ્યું હતું. હજુ અમે કંઈ સમજીએ એ પહેલાં તો સૌથી આગળ દોડતું સાબર અમને જોઈને કુદયું હતું. 
"બિટીયા...ભા..ગ...." મેં જોરથી રાડ પાડી, અને અમે ભેખડ પરથી કૂદીને રસ્તા પર દોડવા લાગ્યાં.હરણનું ટોળું ભેખડ ચડીને નાસી શકે તેમ નહીં હોવાથી અમારી પાછળ દોડીને આગળ નીકળી ગયું. પાછળ દોડતા બે દીપડાઓએ અમને દોડતાં જોયા. હરણ કરતા માણસને મારવાનું જોખમ લેવા માંગતા ન હોય તેમ દીપડા પણ અમારી સાવ બાજુમાંથી દોડી ગયા હતા, અને એક દીપડાએ છેલ્લે દોડતા હરણને બોચીમાંથી પકડીને દબોચી લીધું.
ડિસ્કવરી ચેનલ પર આવી રીતે થતો શિકાર અમે ઘણી વાર જોયો હતો પણ નજર સમક્ષ સાવ નજીકથી આ શિકાર થતો જોઈને સાચે જ અમે બેઉ મોત જોઈ ગયા હતા.
પહેલા સિંહ અને પછી એકસાથે બે ખૂંખાર દીપડાઓ જોઈને મારા પગ ધ્રુજતા હતા. બિટીની હાલત પણ કાપો તો લોહી પણ ન નીકળે એવી થઈ ગઈ હતી. એ ફાટી આંખે હરણને નોચી રહેલા દીપડાઓને જોઈને બેજાન પૂતળું બની ગયો હતો. બચી ગયેલા હરણાં દૂર જઈને,કાન ઉંચા કરીને  પોતાના કમનસીબ સાથીદારના મોતને જોઈ રહ્યા હતા.
થોડીવારે બન્ને દીપડાઓ મરેલા હરણને ખેંચીને ભેખડ ચડી ગયા.
 મેં બીટીને ઢંઢોળ્યો, "બીટી....અલ્યા ઉભો ઉભો જ મરી ગ્યો કે શું ? હવે આમ જડની જેમ ક્યાં સુધી ખોડાઈ રહેવું છે ?તારા ડોહા દીપડા સાવ બાજુમાંથી જ નીકળ્યા..એક એક પંજો ઠોકયો હોત તો...? હવે ચાલ જલ્દી અહીંથી ભાગીએ..."
"યાર..તેં ટ્રકમાંથી ઉતરવાની બહુ મોટી ભૂલ કરી...એ લોકો આપણને કરી કરીને શુ કરી લે..ત ? આ જંગલમાં ભૂખ્યા અને તરસ્યા આપણે મરી જઈશું..અને નહી મરીએ તો આ દીપડા અને સિંહ આપણને ખાઈ જશે...હું ક્યાં તારી હારે આવ્યો...!! યાર આપણે જીવતા નહીં રહીએ..." બીટી ડરને કારણે રડવા લાગ્યો. એ પણ મારી જેમ જ ધ્રૂજતો હતો.
 મેં એના ખભે હાથ મુક્યો, "ડર નહીં, બીટી. હવે રડવાથી પરિસ્થિતિ બદલાશે નહીં. બીક તો મને પણ લાગે છે, પણ ભગવાન આપણી સાથે જ છે અને આપણને કંઈ જ નહીં થવા દે. જો રાત્રે એણે આપણને સિંહથી બચાવ્યા હતા અને અત્યારે આ દીપડા સાવ બાજુમાંથી જ નીકળ્યા તોય તને જરાય ઇજા કરી ? એટલે ભગવાન ઉપર ભરોસો રાખ.આપણને કંઈ નહીં થાય, ચાલ આપણે ટ્રકની તપાસ કરીએ. પરેશ અને રમલીનો પત્તો આપણને આ ગીરના જંગલમાં જ મળશે " મેં બીટીને હિંમત તો આપી પણ મારા શબ્દો મને જ સાવ ખોખલા લાગતા હતા. અંદરથી તો હું પણ એટલો બધો હેબતાઈ ગયો હતો કે મારું શરીર પણ ધ્રુજતું હતું. મોત સાવ પાસેથી દોડીને કોઈ બીજા ઉપર ત્રાટકતું નજરો નજર જોવા છતાં અમે ભાનમાં હતા એની જ મને તો નવાઈ લાગતી હતી.
" માય ગઈ રમલી અને માય ગ્યો પરિયો...હું મરી જઈશ તો...? તું મારા ઘેર સમાચાર તો પોગાડજે યાર...મારુ ગામ ઢસ્સા પાસે ખીજડીયા છે...મારા બાપાનું નામ તળશીભાઈ નાથાભાઇ ભીંગરડીયા
...તને યાદ રે'શે ને ?"
"શુ યાર તું આવી વાત કરે છે..આપણને કંઈ નહીં થાય..ચાલ છાનીમાનીનો.. નકર હમણાં  બે ચાર ચોપડાવીશ હું તને...સાલ્લા બીકણીના..."મેં એને ખેંચીને ચાલવા માંડ્યું.
  ખરેખર બીટી ખૂબ જ ડરી ગયો હતો.મારી સ્થિતિ કંઈ વધુ સારી નહોતી. અમે આવા જંગલી પ્રાણીઓ ટીવીમાં અને પ્રાણી સંગ્રહાલયમાં જ જોયા હતા, કોઈ પણ માણસ આવા ઘનઘોર જંગલમાં હિંસક પશુઓને જુએ તો શું થાય તે કલ્પી શકાય તેવી બાબત છે, મારાં અને બીટીના હાંજા ગગડી ગયા હતા.
  અમે રસ્તાનો વળાંક વળીને આગળ ચાલતા થયા.હજુ પણ મને આ રસ્તા પર આગળ જવું જોખમી લાગતું હતું, કારણ કે ગટોર અને ભીમાને હવે તો ખ્યાલ આવી જ ગયો હશે કે અમે લોકો ચાલતી ટ્રકે રાત્રી દરમ્યાન ઉતરીને નાસી ગયા છીએ અને હજુ જંગલમાંથી બહાર નહી જ ગયા હોય એમ માનીને જો એ લોકો અમને શોધવા આવી ચડે તો રાત્રે નાસી જવા માટે કરેલી મહેનત ઉપર પાણી ફરી વળે. અને એ લોકોને તો સાવ મહેનત વગર અમે હાથમાં આવી જઈએ. પણ બીટીનું મોઢું જોઈને હું એને મારા આ ડરની વાત કરી શકતો નહોતો.
બિચારો બીટી..મને એની ખૂબ જ દયા આવતી હતી. પણ હું લાચાર હતો, કોઈ જ મદદ હું કરી શકું તેમ નહોતો. અમે હજુ પણ મુશ્કેલીમાંથી બહાર નીકળી રહ્યા છીએ એ વધુ મુશ્કેલીઓના મોં માં ધકેલાઈ રહ્યા છીએ એ પણ અમને ખબર નહોતી. હજુ થોડીવાર પહેલા પેલા શિયાળીયા પર ધાર મારીને મહારાજના મૂત્રનો અભિષેક કરાવીને ખડ ખડ હસતો મારો હોસ્ટેલિયો દોસ્ત જીવતું મોત ભાળીને સાવ ખામોશ થઈ ગયો હતો.એની છાતીની ધમણ જોરથી ચાલતી હતી અને હૃદયના ઘડકારા પણ મને સ્પષ્ટ સંભળાતા હતા.
અમે બન્ને મૂંગા મૂંગા આગળ ચાલ્યે જતા હતા.ભૂખ અને તરસ પણ તીવ્ર લાગી હતી, પણ અમે એકબીજાને કંઈ જ કહી શકીએ તેમ નહોતા.
  જુલાઈ માસનો અંત હોઈ ચોમાસુ પુરબહારમાં ખીલ્યું હતું. વનરાજી જાણે કે લીલું પાનેતર ઓઢીને કોઈ નવોઢાની માફક સજી ધજીને તૈયાર થઈ હતી.ઠેર ઠેર નવું ઘાસ ઊગી નીકળ્યું હતું અને વૃક્ષો પણ નવી કૂંપળો કાઢીને લીલા છમ્મ થઈ ગયા હતા. અમે જે રસ્તે ચાલ્યા જતા હતા એ રસ્તાની બન્ને બાજુ ઊંચી ભેખડો હતી અને એ ભેખડો ઉપર અનેક સાગના ખૂબ ઊંચા ઝાડ આકાશને આંબવા મથતા હતા. કેટલાક લીમડાના અને વડના ઝાડ પણ હતા. બન્ને સાઈડના ઝાડની લાંબી ડાળીઓ રસ્તાને ઢાંકી દેતી હતી એટલે અમે કોઈ ટનલમાં ચાલ્યા જતા હોઈએ એવું લાગતું હતું.જોકે વૃક્ષોની ડાળીઓ અને પાંદડાઓ વચ્ચેથી વાદળો અને ઉડતા પંખીઓ અમે જોઈ શકતા હતા.રસ્તામાં પાણીના ખાબોચિયા ઠેર ઠેર ભરાયા હતાં અને હમણાં જ વરસેલા વરસાદથી ઝાડ પણ નીતરતા હતા. મને મારી વાડીનો રસ્તો યાદ આવી ગયો. બીટી હજુ પણ ચારેકોર જોયા કરતો હતો અને ઝાડીમાં ઊંડી નજર કરતો હતો.એને જ્યાં ત્યાં દીપડાની પીળી આંખો તગતગતી દેખાઈ રહી હતી.એક બે જગ્યાએ સાપ ચાલ્યા જતા દેખાયા પણ અમને હવે એવા સાપોલિયાનો ડર નહોતો.
** ** ** ** ** ** ** ** ** ** **
   ગટોર અને ભીમાનો ટ્રક મધ્યગીરના જંગલમાં આવેલા એક નેસડા પાસે રાતના બે વાગ્યે પહોંચ્યો હતો. ગટોરે નેસડાનો ઝાંપો ખોલવા હોર્ન માર્યો હતો. ટ્રકનું હોર્ન સાંભળીને વિભો રબારી એના ઝૂંપડામાંથી હાથબત્તી લઈને દોડ્યો અને ઝાંપો ખોલ્યો.
  ટ્રકને ઝાંપાની અંદર લઈને એ લોકોએ ટ્રકમાં તપાસ કરી તો અમે નાસી ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો.
"અલ્યા ભીમા, આપડો શિકાર ક્યાં છટકી ગયો ? એ બેય સોકરાને બાંધ્યા તો હતા ને ?"
" અલ્યા બાંધ્યા જ હતા. કસકસાવીને  બાંધ્યા હતા. પણ હહરીના ક્યારે ટ્રકમાંથી ઉતરી ગયા ઇ તો ખબર જ નો રઇ.., હવે ? હમીરબાપુ @$%  ફાડી નાખશે, હાલ્ય હવે ફટફટીયું ઉપાડ.. ગોતવા તો પડશે જ ને.." ભીમાએ કહ્યું.
" ભૂંડા, અત્યારે આવી કાળી રાત્યે ફટફટીયું લઈને આ જંગલમાં જવાય ? હાળા મરવું સે તારે ?" ગટોરે કહ્યું.
"પણ હમીરબાપુ..."ભીમાને હમીરસંગની બીક લાગતી હતી.
"સવારે આ વિભલાને લઈને જાશું"
  વિભો આ નેસડાનો માલિક અને હમીરસંગનો દોસ્ત હતો. જંગલખાતાના ફોરેસ્ટ અધિકારીઓ અહીં ભેંસોના ઘી દૂધ ખાવા આવતા.વિભાના નેસડામાં બીજા પોગ્રામ પણ થતા. જંગલમાંથી સાગનું લાકડું ઉપાડીને બારોબાર ઠેકાણે પાડવાનો પણ એક બિઝનેસ અહીંથી ચાલતો.
 વિભાએ અમારા વિશે ગટોર અને ભીમા પાસેથી જાણ્યું હતું. વિભો કોઈ જ પ્રકારના ગેરકાયદેસર ધંધામાં સામેલ થતો નહીં. માત્ર હમીરસંગની દોસ્તીને કારણે જ હમીરસંગની ટોળી અહીં આવતી જતી. અમારા અપહરણની વાત વિભાને ગમી નહોતી. એ ગીરના જંગલનો એ માલધારી દિલનો દિલાવર અને ભગવાનની બીક રાખીને જિંદગી જીવતો હતો. 
"સે'રમાં ભણતા સોકરાવને તમે ઉપાડી લાવ્યા ઇમ ? ઇના માબાપનું સુ થાશે ઇ વચાર કર્યો ? તમારા ડોહા સાવજ દીપડા ફાડી ખાશે તો ? અને આવા મેહ છાંટા ની રાત્યે આ જંગલમાં બસાડા ક્યાં ભટકશે ? હાળ્યો થોડોક તો વસાર કરવો'તો. આવા ધંધા કરવા હોય તો નીકળો મારા નેહડામાંથી બારા..."
વિભો ખીજાયો.પરંતુ પેલા બેઉએ જ્યારે હમીરસંગે જ આ કામ સોંપ્યું હોવાનું કહ્યું ત્યારે એ થોડો શાંત પડ્યો પણ એને આ વાત બિલકુલ ગમી નહીં. એટલે એ રાત્રે જ અમને શોધવા માટે ગટોર અને ભીમા સાથે આવવા તૈયાર થયો.એ બિચારાને અમારી ખૂબ ચિંતા થતી હતી. આખરે એમણે ટ્રક નેસડામાંથી બહાર કાઢ્યો હતો.
  ગટોર અને ભીમાના પેટમાં ફાળ પડી હતી.છેક હોસ્ટેલથી અમારો પીછો કરીને આ લોકોએ ખૂબ જ મહેનત કરીને અમને ઉઠાવ્યા હતા. પણ થોડા ઓવરકોન્ફિડન્સને કારણે એ લોકોની જાળમાંથી અમે છટકી ગયા હતા. સવારે એ નેસડામાં સૂતેલો એનો આકો હમીરસંગ આ લોકોની લાલ કર્યા વગર છોડવાનો પણ નહોતો.
****    ***** ***** 
    લગભગ એકાદ કલાક ચાલ્યા પછી અમે એક નદીના વિશાળ પટ પાસે આવી ઉભા. જંગલની એ નદી ખળ ખળ વહી રહી હતી. નદી ઉપર નાનો અને એકદમ સાંકડો પુલ હતો. સામ કિનારે ઉભેલા વૃક્ષો શાંત ઉભા હતા. રાત્રે પડેલા ધોધમાર વરસાદથી જંગલ નીતરી રહ્યું હતું અને ચોતરફથી નદીમાં પાણી આવી રહ્યું હતું.
" સ્નાન કરીશું બીટી ?  નદીમાં પાણી ચોખ્ખું તો નથી, નો નાવું હોય તો રહેવા દે. પણ જો બગડી ગઈ હોય તો ધોઈ નાખવા જેવું છે હોં.." મેં બીટીને નોર્મલ કરવા મજાક કરી.
"યાર..તને મજાક સુજે છે ? બગડવામાં કઈ બાકી રહ્યું છે ? ચાલ સંડાસ પાણી કરી લઈએ, પણ તું અહીં ઉભો રે'જે કોઈ સાવજ કે દીપડો આવે તો મારે ધોવાનો ટાઈમ પણ નહી રે..."એમ કહી એ સહેજ હસ્યો. અમે બન્ને થોડા ફ્રેશ થયા. ચોમાસામાં જંગલમાં કંઈ ખાવા તો મળે જ શાનું ? અમને બન્નેને ખૂબ જ ભૂખ લાગી હતી. ગઈ રાતનો ઉજાગરો પણ હતો. હિરણનદીના કાંઠે  ગુજારેલી એ સવાર અમારા જીવનની સૌથી અલગ પ્રકારની હતી. ચોમાસુ હોઈ વનરાજી લીલી છમ્મ થઈ ગઈ હતી. ચારેકોર પંખીઓ કલરવ કરીને જાણે અમારું સ્વાગત કરી રહ્યા હતા. નદી કાંઠાની ભીની રેતીમાં અમે થોડીવાર આરામ કરવા બેઠા. પુલ ઉપર થઈને આગળ જવું કે નહીં એ નક્કી કરવાનું કામ મારું હતું. બીટીનું મગજ દીપડાઓ જોયા પછી સુન્ન મારી ગયું હતું.
  "આ રસ્તો જ આપણને રસ્તો બતાવશે, બીટી. પણ મને પેલા હરામખોરોની બીક છે, એ લોકો આપણને પકડી પાડશે તો ? એટલે આપણે સંતાઈ રહેવું જરૂરી છે.."મેં કહ્યું.
"પણ સંતાઈ રહેવામાં તો આ જંગલમાં જીવનું જોખમ છે..અને તું પે'લા કંઈક ખાવાનું ગોત, યાર બહુ ભૂખ લાગી છે.." બીટીને અત્યારની પરિસ્થિતિમાં પણ ભૂખ ભુલાતી નહોતી.
"તું તો જાણે મામાના ઘરમાં બેઠા હોવી એમ ખાવાનુ ગોતવાની વાત કરે છે...શિયાળો હોય તો કાંક બોર જેવું મળે..આ ચોમાસામાં તો શું મળે ?  ચાલતા ચાલતા કઈક મળી જશે, કોક નેસડો મળી જાય તો....
ચાલ આપણે જઈએ હવે. પેલા લોકો આ જ રસ્તા પર આગળ ગયા હોવા જોઈએ.."
  અમે પુલ ઉપર થઈને સામાં કાંઠે ગયા.અને જંગલમાં આગળ વધ્યા. ત્યાં જ અમને ટ્રકનો અવાજ સંભળાયો. આગળ જતાં રસ્તો વળી જતો હતો અને એ રસ્તે જ વિભા રબારી સાથે પેલા બેઉ, ટ્રક લઈને અમને શોધવા જ આવી રહ્યા હતા. 
 હું અને બીટી બન્ને  રસ્તા પરની ટેકરી ચડીને સંતાઈ ગયા. ટ્રક એકદમ ધીમે ચાલતો હતો. એ ત્રણેય જણ ટ્રકની કેબિનમાં બેઠા હતા.એ લોકો સમજતા હતા કે ટ્રકમાંથી ઉતરીને અમે આ જ રસ્તા પર જંગલમાંથી બહાર જવા માટે ચાલ્યા જતા હઈશું એટલે અમને પકડી શકાશે, કારણ કે જંગલમાં બીજો કોઈ રસ્તો હતો નહીં. પરંતુ અમે ટ્રકનો પીછો કરીશું એવું એ લોકોએ વિચાર્યું નહોતું.
  ટ્રક અમારી બિલકુલ નજીકથી પસાર થયો. મારી ધારણા સાચી પડી હતી. પણ બિટીયાને શુ સુજ્યું કે એ દોડીને ટ્રકની પાછળ ટીંગાઈ ગયો. મારે પણ એમ કર્યા વગર છૂટકો નહોતો.
 અમે બન્ને પાછળથી ટ્રકમાં ચડીને લપાઈને બેસી ગયા.
" ડફોળ, આ તો સામે ચાલીને મોતના મોં માં આવીને બેઠા.."મેં ખિજાઇને કહ્યું.
"ભલે..ગમે ઇમ તોય આ માણસો છે, તું તો મોટો જાણકાર હોય ઇમ જંગલમાં ફરવા માંડ્યો'તો. જોયું નોતું, ઓલ્યા હરણાં ઉપર દીપડા ત્રાટકયા'તા ઇ..આપડો પણ ઇ જ વારો આવે..માય ગિયું આ લોકોને જે કરવું હોય ઇ કરે..અત્યારે તો જંગલમાંથી આ લોકો બા'ર જાય સે એટલે આપડે પણ બહાર જઈએ છીએ..આગળ જતાં વળી ક્યાંક મેળ પડે તો ઉતરી જાશું. આ લોકો આપણને ગોતવા જ આવ્યા હશે તો ટ્રક મૂકીને આપણને જંગલમાં ગોતવા નીકળશે. તને ટ્રક ચલાવતા આવડે છે ?"
"વાહ મારો બીટુડો વાહ. તારે'ય સાલ્લા મગજ તો છે હો, મને ટ્રેકટર ચલાવતા આવડે છે, મારા બાપા પાંહે ટ્રક હોત તો હું જરૂર શીખ્યો હોત.."
"તો વાંધો નહીં. આ લોકો જો ટ્રક મૂકીને જંગલમાં આપણને ગોતવા આઘા જાય તો આપણે આ ટ્રક લઈને ભાગવાનું છે, ટ્રેકટર અને ટ્રકમાં બહુ લાંબો ફેર ના હોય, બેયમાં જોને ટ, ર અને ક તો આવે જ છે ને.."
 હું બીટીની યોજના સાંભળીને એને ભેટી પડ્યો.ટ્રકની કેબિનની બારીમાંથી પેલા લોકો અમને જોઈ ન શકે એવી રીતે અમે લપાઈ ગયા હતા. મેં બીટીના ગાલ પર કિસ કર્યું.
"સમીરિયા તું સાલ્લા બહુ જ ચીકણો છો, તું છોકરી હોત તો હું તારી હારે જ લગન કરે'ત.."બીટીને હવે રોમાન્સ સૂઝતો હતો.
"હવે વાયડીનો થા માં. હમણે હજી ફાટી રઇ'તી. હું આવા ફાટણીયા હારે લગન ના કરું ...." મેં પણ હાક્યું. અને અમે બન્ને હસી પડ્યા.
  થોડીવારે ટ્રક પેલા પુલ ઉપરથી આગળ વધ્યો. હવે અમને બીક ઓછી થઈ હતી. અમે ટ્રકમાં જ છુપાયા હોઈ એ લોકોના હાથમાં આવવાના નહોતા. કારણ કે કદાચ ટ્રક મૂકીને એ લોકો જંગલમાં અમને શોધવા જાય તો મારે ટ્રેકટર હાકવાના અનુભવનો ઉપયોગ કરી ટ્રક ઉપર હાથ અજમાવવાનો હતો.
 લગભગ બે કલાક પછી જંગલનું ચેક પોસ્ટ આવ્યું. વિભો ઉતરીને ફોરેસ્ટ અધિકારીને પૂછવા ગયો કે કોઈ બે છોકરાઓ અહીંથી નીકળ્યા છે કે નહીં. વિભાને ફોરેસ્ટ અધિકારી માલધારી તરીકે ઓળખતો જ હતો અને એણે કોઈ જ છોકરાઓ નીકળ્યા ન હોવાનું કહ્યું. અને જગલમાંથી કોઈ ચાલતું ક્યારેય નીકળે નહીં, છતાં ચાલીને નીકળેલા છોકરાઓ વિશે પૂછપરછ કરી એટલે પેલા ફોરેસ્ટરને દાળમાં કંઈક કાળું હોય એમ લાગ્યું. પણ વિભાએ જેમ તેમ કરીને પેલાને સમજાવી દીધો. ભીમો ટ્રક હાંકતો હતો અને ગટોર એની બાજુમાં બેસીને બીડી ફૂંકતો હતો. 
 મને એ વખતે ટ્રકમાંથી ઉતરી જવું યોગ્ય લાગ્યું. ફોરેસ્ટ અધિકારી આખરે સરકારી આદમી કહેવાય.મેં બીટીને હળવેથી ઉતરી જવાની વાત કરી. અહીં ચેક પોસ્ટ હતી એટલે ગમે તે વાહન મળી રહેશે એવી અમને આશા પણ હતી. ફોરેસ્ટ અધિકારી વિભા રબારીનો ઓળખીતો હોવાથી એની મદદ લેવી કે નહીં એ ઉતર્યા પછી નક્કી કરવાનું હતું. ટ્રકમાંથી ઉતરીને, ચેક પોસ્ટ આજુબાજુ જ જંગલમાં છુપાઈ રહેવું અમને વધુ સલામત લાગતું હતું.
  ટ્રક ઉપડ્યો એટલે હળવેથી અમે બન્ને સિફતથી ઉતરી ગયા. કારણ કે એ ટ્રક ખાસ મોટી નહોતી. નાનું મેટાડોર ટાઈપનું ટ્રક હતું. ડ્રાઇવર સાઈડના કાચમાં અમે દેખાઈ ન જઈએ એનું ધ્યાન રાખીને અમે તરત જ જંગલમાં દોડી જઈને એક મોટા ઝાડના થડ પાછળ લપાઈ ગયા. ટ્રક ચેક પોસ્ટ વટાવીને દૂર ચાલ્યો ગયો.
  ચેક પોસ્ટ કેમ વટાવવી એ અમારા માટે ગંભીર પ્રશ્ન હતો. ફોરેસ્ટ ઓફિસર ઉપર ભરોસો રાખીને એને બધી જ વાત કરીએ અને જો એ વિભા કે હમીરસંગનો માણસ હોય તો તો એ અમને જવા જ ન દે.અને કદાચ એ લોકો પાછા આવે ત્યારે એ લોકોને સોંપી દે તો અમે ત્યાં ના ત્યાં જ જઈ ચડીએ. પણ જો એ ઓફિસર પ્રામાણિક અને નિષ્ઠાવાન હોય તો અમારી દયા ખાઈને અમને આ જંગલમાંથી છોડાવીને ઘેર પહોંચાડે.
  ઝાડના થડની પાછળ લપાઈને અમે બન્ને એકબીજાની સાવ અડોઅડ બેઠા હતા.
"સમીરિયા, શુ કરવું છે એ તો ભસ હવે... ઓલ્યા લોકોની ઝાળમાંથી તો છૂટ્યા પણ હવે...?''
"જો આપણા કમનસીબ હોય તો આ ફૂટલો નીકળશે.."મેં કહ્યું. પછી તરત જ ઉમેર્યું, "આમ તો ભગવાન આપણી સાથે હોય એમ લાગે છે, ચાલને જઈને કહીએ કે આ હરામખોરોએ અમને પકડીને અમારું અપહરણ કર્યું છે.. જે થાય એ જોયું જાશે..બીજું શું..''
"ભગવાન તમારી હારે જ છે દીકરાઓ, બહાર નીકળો થડીયા પાછળથી, મેં તમને ટ્રકમાંથી ઉતરતા જોઈ લીધા હતા. ગભરાશો નહીં, હું ફૂટલો નથી. હમીરસંગની ટોળકીને હું સારી રીતે ઓળખું છું, બહાર આવી જાવ..."
 અમારી સાવ નજીકમાંથી અવાજ આવ્યો. અમે ઝાડના થડ પાછળથી
બહાર નીકળ્યા.
 ઉંચો અને મજબૂત બાંધાનો એ ઓફિસર અમારી સામું જોઈને હસી રહ્યો હતો. એની આંકડા ચડાવેલી મુછો અને સીધા સપાટ ઓળેલા વાળને કારણે એ આબેહૂબ લશ્કરનો સિપાહી હોય એવો જ લાગતો હતો. લીલા રંગના કાબરચિતરા એના ગણવેશ પર  પિત્તળના બકકલવાળો જાડો ચામડાનો પટ્ટો બાંધેલો હતો.અને કમરે રિવોલ્વોર લટકતી હતી. અને એના પગમાં ચામડાના વજનદાર બુટ પણ એણે પહેરેલા હતા.
"તમારે ડરવાની જરૂર નથી.મારી પાછળ આવો, ઓફિસમાં...." કહીને એ ચાલવા લાગ્યો.બીટીએ મારી સામું જોયું. હું હજુ પણ અવઢવમાં હતો. જોકે હવે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં.અમે બન્ને ચેકપોસ્ટની ઓફિસમાં ઓફિસરની પાછળ પાછળ ગયા.
"મારું નામ માધવસિંહ છે, હું પણ આ જંગલનો સિંહ જ છું, પણ તમારો શિકાર નહીં કરું હો..."
મને પાણીનો લોટો ગોળામાંથી ભરીને આપતા એણે પોતાનો પરિચય આપ્યો.એની ઉંમર પાંત્રીસેક વરસની હોય એવું લાગતું હતું. મેં પાણીનો લોટો લઈને ઉભા થઈને મોં ધોયું અને પાણી પીધું.
"થેન્ક યુ સર..."મેં કહ્યું
"નો પ્રોબ્લેમ દોસ્ત.." કહીને માધવસિંહે બીટીને પણ પાણી આપ્યું. બીટીએ પણ મોં ધોઈને પાણી પીધું.
"કંઈ ખાવાનું મળે તો સારું સાહેબ, કાલે બપોરે ખાધું હતું..પણ ખાધા પછી કંઈ જ ખબર નથી. જાગ્યા ત્યારે જંગલમાં હતા.."બીટીએ એકદમ નરમ અવાજે કહ્યું.
  "મને બધી વાત કરજો પછી. તમે બન્ને મારા નાના ભાઈઓ જેવા છો, ડોન્ટ વરી.., હું તમને કંઈક ખાવાનું આપું છું. ચાલો અંદર આવતા રહો, એ લોકો પાછા આવશે તો તમને જોઈ જશે. નકામી મારે લાંબી કરવી પડશે..એટલે.."
 અમે અંદરની રૂમમાં ગયા. માધવસિંહે અમને બેસાડયા અને ચા બનાવી. એની પાસે બાજરા બે રોટલા હતા. અને અથાણાંના તીખા
મરચા પણ હતા. 
  અમે જિંદગીનું સ્વાદિષ્ટ લંચ માણ્યું. અને ગઈકાલે હોસ્ટેલમાંથી નીકળ્યા પછી જે કઈ બન્યું એ બધી વાત અમે માધવસિંહને જણાવી.
 "કંઇક ગરબડ તો છે જ.બીજો કોઈ છોકરો ગાયબ થયો છે તમારી હોસ્ટેલમાંથી ? "
"હા હા..પરેશ અને અમારી હોસ્ટેલમાં રહેતા વાલમસિંહની છોકરી રમલી..છેલ્લા ચાર પાંચ દિવસથી ગાયબ છે, અમે એ પરેશના ગામ જ જતા હતાં, તેની તપાસ કરવા.." મેં કહ્યું.
 "ઠીક છે,હવે તમે આરામ કરો. બીજી વાતો આપણે પછી સાંભળશું.." કહીને એ બહારની ઓફિસમાં ગયો. અંદરની એ રૂમમાં પડેલા ખાટલામાં મેં અને બીટીએ લંબાવ્યું. હજુ પણ અમને ડર તો લાગતો જ હતો.
 "સાહેબને પરેશ અને રમલી વિશે માહિતી તો લાગે છે, કદાચ એ લોકોને આ જ હરામખોરોએ ઉઠાવ્યા હોય..."બીટીએ કહ્યું.
"મને પણ એમ જ લાગે છે, ચાલ હવે ઘડીક આરામ કરીએ.."મેં ખાટલામાં લંબાવતા કહ્યું.
"સમીરિયા, તું છોકરી હોતને.. આ હા હા.. તો અત્યારે હું તને મારા છોકરાની માં બનાવી દેત હો. હાલ્ય મારી ભેગી સુઈ જા..મારી વાલી.."એમ કહીને મને બથ ભરીને ચોંટી ગયો.બિટિયો હવે ઓરિજલન રંગમાં આવતો જતો હતો. 
" હાલ્ય, આમ આઘીનો જા.. હું છોકરી હોત તો તારી હારે આંયા જંગલમાં નો હોત, ભે@#$.."મેં ગાળ દઈને એને ધક્કો માર્યો.
"સવારે ભેંકવા બેઠું'તું... હું મરી જઉં તો મારા બાપાને સમાચાર મોકલજે..તળશીભાઈ નાથાભાઇ ભીંગરાડીયા....શેરી રિયું તું..." મને હસવું આવી ગયું. 
"દીકરાની માં બનાવવા વાળીનો..સાલ્લો ફાટણીયો..'' મેં બીટીને એક ગડદો ઠોકીને કહ્યું.
" તે ભલભલાની ફાટી રે.. તારા ડોહા દીપડા હતા...."
 અમે થોડીવાર મજાક કરી.રાતનો ઉજાગરો અને ખૂબ જ થાકેલા હોવાથી અમને બેઉંને ઊંઘ આવતી હતી. પેટમાં બાજરાનો રોટલો અને ચા ગઈ હોવાથી ખૂબ સારું લાગતું હતું. થોડીવારે અને બન્ને સુઈ ગયા.
અને બહાર વરસાદ તૂટી પડ્યો હતો.
*** ***   ***  **
  ગટોર અને ભીમાએ વિભાની મદદથી સાંજ સુધી અમને જંગલમાં શોધ્યા હતા. વિભો આ બન્ને ઉપર ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. ગીરનો એ માલધારી, જંગલમાં બે છોકરા વરસાદની રાત્રે ટ્રકમાંથી દોરડા છોડાવીને ઉતરી ગયા હોય તો જીવતા ન રહે એમ માનતો હતો.
"જો છોકરા નહી જડે, અને એમને કંઈ થિયું તો આ વિભલો તમારો નઈ રે કઈ દવ સુ...તમને બે'યને..., હાળ્યો બરાબર બાંધવા જોવે, ઇ બસાડાવ ને ખબર'ય નઈ હોય કે આ ગર્યનું જંગલ સે.. સાવઝ દીપડા કોળિયો કરી જ્યાં હશે તો..તમારી જાતના'વ..તમારી હમણે કવ..ઇ..
ઠોકીનાવ...@#$&નાવ..." વિભો ગાળો દઈ દઈને પોતાની દાઝ ઉતારી રહ્યો હતો. ગટોર અને ભીમો મૂંગા મૂંગા ગાળો સાંભળતા હતા.
  "પણ અમે તો બે'યને બરોબર બાંધ્યા'તા. પણ હહરીના કોણ જાણે કિમ કરતા નાહી જ્યા.. હવ આ વગડામાં કઈ મળે નઈ.. હાલો હવે જી થયું ઇ, જો ઇવડા ઇ જીવતા નિકરશે તો પાસા હોસ્ટેલમાં જાસે..ઇની બૂંનને... ઓલ્યા ટકલું ને પુસી લેશું...અન એવું હોય તો ન્યા અમદાવાદમાં જ ઉકેલી મુકસું.." ગટોરે વિભાને કહ્યું.
 "પે'લા નેહડા ભેગા થાવ, હમણે તમારી ડોહી સાંજ પડશે....ઇ બેયને કેબિનમાં લેવા'તાંન..તો આ લોસો ના થાત.."
        થાકીને એ લોકો પાછા વળી ગયા. ચેકપોસ્ટ ઉપર ફરીથી વિભાએ આવીને માધવસિંહને અમારા વિશે પુછયું હતું.
 "કોઈ નથી નીકળ્યું ભાઈ. કોણ હતા એ છોકરા..અને કેમ કરતા એ ભુલા પડ્યા ?" માધવસિંહે પૂછ્યું.
"ભઈ આ ભીમો છે ને એના મામાના છોકરા છે, કાલ જંગલમાં ફરવા નિકળીયા'તા તે આઘા નિકરી જ્યાં સ. અને પાસા જ નો આયાં અટલે ગોતવી છઈ" વિભાએ ગપ હાક્યું.
  "અહીં આવ્યા નથી.આવે તો બેહાડીશ, કાલે તપાસ કરો.." માધવસિંહે કહ્યું.
  એ લોકો ટ્રકને નેસડા તરફ હંકારી ગયા ત્યારે લગભગ સાંજના ચાર વાગવા આવ્યા હતા.
  અમે હજુ ઘસઘસાટ ઊંઘતા હતા.ફોન કરીને માધવસિંહે જંગલખાતામાં વિભાના નેસડામાં રેડ પડવાની પરવાનગી અને હથિયારધારી પોલીસ ટુકડી બોલાવી હતી, અને અમારા માટે સાંજના જમવા માટેની વ્યવસ્થા કરી હતી.
  છેક સાંજે અમે જાગ્યા ત્યારે આ બધો રસાલો ચેક પોસ્ટ પર આવી ગયો હતો. એ લોકોને જોઈને અમે ખુશ થઈ ગયા હતા.
"સાહેબ, અમારા દોસ્તને અને એની પ્રેમિકાને આ લોકો જ ઉઠાવી લાવ્યા છે ? તમે એ નેસડા પર જવાના હોવ તો અમને લઈ જશો ? અમારે પણ અમારા દોસ્તને છોડાવવા આવવું છે ..!" મેં માધવસિંહને કહ્યું.
"અમને એવો શક છે, જો કે આ વિભો માણસ સારો છે પણ હમણાં હમણાં હમીરસંગની ટોળકી હારે એ ભળ્યો છે. તમને અહીંથી સલામત રીતે જંગલ બહાર મોકલવામાં આવશે, તમે અમારી સાથે ન આવી
શકો."
"હા, બરોબર છે સાહેબ, અમારું ત્યાં શુ કામ છે, અમને બસમાં બેહાડી દયો એટલે અમે અમદાવાદ જતા રે'વી.."બીટીને  ફરીવાર જંગલમાં જવું નહોતું.એટલે એ તરત જ બોલ્યો.
   "સર, પ્લીઝ અમને સાથે લઈ જાવ, અમારા દોસ્તને છોડાવવાની અમારી પણ ફરજ છે..." મેં જીદ ચાલુ રાખી. બીટીને એ યોગ્ય લાગતું નહોતું.ફોરેસ્ટ અધિકારી અમારું જોખમ લેવા માગતા નહોતા.એટલે સાંજનું જમવાનું આપીને આખરે અમને એક જીપમાં બેસાડીને જૂનાગઢ પહોંચાડવામાં આવ્યા.અને અમે અમદાવાદની બસ પકડી.
** ** ** **
 માધવસિંહને વિભા રબારીએ જ્યારે અમારા વિશે પૂછ્યું હતું ત્યારે જ શંકા ગઈ હતી. કારણ કે થોડા જ દિવસો પહેલા એક જીપ આ ચેક પોસ્ટ પરથી જ જંગલમાં ગઈ હતી.એ જીપમાં એક છોકરો અને એક છોકરી ઊંઘતા હતા અને એ લોકોની આજુ બાજુ બેઠેલા બે માણસોને જોઈને માધવસિંહને કઈક અજુગતું લાગ્યું હતું.
 પણ એ વખતે માધવસિંહને આ બાબતે પૂછવાની જરૂર લાગી નહોતી.પણ જ્યારે અમે તેને બધી વાત કરી ત્યારે એને ખ્યાલ આવ્યો હતો કે વિભાના નેસડામાં કંઈક રંધાઈ રહ્યું છે !
 એટલે જ એ નેસડાની ઝડતી લેવાનો નિર્ણય લઈને જરૂરી પોલીસ ટુકડી પોતાની સાથે જ એ નેસડા પર ત્રાટકવા તૈનાત કરી હતી.
  અમને રવાના કરીને માધવસિંહની ટુકડી નેસડા તરફ ઉપડી હતી. પણ પરેશ અને રમલી એ નેસડામાં નહોતાં એ વાતની ખબર, અમને કે માધવસિંહને નહોતી.
                                        (ક્રમશ:)