કોઝી કોર્નર - 11 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોઝી કોર્નર - 11

કોઝી કોર્નર 16
 વાલમસિંહે જ્યારે ઘમુસરને ઓફિસની બહાર શેઠના સ્વાગત માટે ઉભેલા જોયા ત્યારે એનું લોહી ઉકળી ઉઠ્યું. એક વખત તો એને ઘમુસરનો જીવ લઈ લેવાનું જ મન થયું હતું. પણ ઘમુસરને બરબાદ કરીને એણે સંતોષ માન્યો હતો.
 ઘમુસરનું ખુન કરવું એના માટે કોઈ અઘરી વાત નહોતી.અને એના માટેની હિંમત પણ એ ધરાવતો હતો.કારણ કે આખરે એ રાજપૂત હતો. પણ શાંતા પ્રત્યેના અનહદ પ્રેમને કારણે એણે શાંતાને માફ કરી હતી.અને ઘમુસરને બરબાદ કરી દીધો હતો.અને એનાથી ખૂબ દૂર છેક અમદાવાદ આવીને વસ્યો હતો.કે જેથી ઘમુસર જેલમાંથી છૂટે તો પણ એને શોધી ન શકે.
 પણ આજ પોતાના માલિકના આ બંગલામાં બનેલી હોસ્ટેલના રેક્ટર તરીકે ઘમુસર અહીં આવી ગયો હોવાનું જાણ્યું હતું. પોતાની શાંતા કેવા સંજોગોમાં એનો શિકાર બની એ એણે શાંતાના મુખેથી સાંભળ્યું હતું.અને પોતાની શારીરિક નબળાઈ પણ આ પ્રકરણમાં ભાગ ભજવી ગઈ હતી એ બાબત એ સમજુ માણસ સમજ્યો હતો.અને શાંતાને એની અનેક વિનવણી પછી માફ કરી હતી.
  એ બાળકી રમલી ભલે એની પોતાની ઓલાદ નહોતી છતાં એણે સગ્ગા બાપ જેટલો પ્રેમ રમલીને આપ્યો હતો.અને ઉપરવાળાએ એની સામું જોઈને છોટુ અને ગોટુની જોડિયા બાળકોની ગિફ્ટ આપી હતી. કોઝી કોર્નર બંગલાના આઉટહાઉસમાં એનો પરિવાર ઠરીઠામ થઈને ખૂબ જ સુખીથી જીવન જીવતો હતો. પછીથી શેઠ બીજી જગ્યાએ રહેવા ગયા અને આ બંગલાની દેખરેખ રહે તેવા હેતુથી એને અહીં જ રહેવા દેવામાં આવ્યો હતો.અને હોસ્ટેલ શરૂ થવા છતાં એ હોસ્ટેલના એ આઉટ હાઉસમાં પડી રહ્યો હતો.
 રમલી અહીં જ મોટી થઈ હતી. નજીકની શાળામાં બાર સુધી ભણ્યા પછી છોટુ અને ગોટુ જન્મ્યા એટલે એમની દેખરેખ રાખવામાં અને ઘરકામ કરવામાં એની જરૂર હોઇ એણે ભણવાનું બંધ કરી દીધું હતું. રમલી ખૂબ જ સુંદર અને બોલ્ડ હતી. કોઈનાથી ડરે નહીં એવી વાચાળ રમલી પાછળ હોસ્ટેલના કોલેજીયન છોકરાઓ લટ્ટુ હતા.પણ એ કોઈની સામે આંખ પણ ઉંચી કરીને જોતી નહીં. શાંતાએ એને ખૂબ સારા સંસ્કાર આપ્યા હોવા છતાં એક દિવસ એ પરેશને પ્રેમ કરી બેઠી હતી. જીવનની મુગ્ધાવસ્થામાં ઊમટતા હૈયાના પુર એને પરેશ તરફ ખેંચી ગયા હતા અને પરેશ તો હતો જ છેલબટાઉ..
 પરેશે રમલીને પટાવવા છોટુ અને ગોટુનો ઉપયોગ કર્યો હતો.એ બન્ને નાનકડા ભૂલકાઓ ખૂબ જ પ્યારા લાગે એવા ગોળમટોળ હતા.એમને બિસ્કિટ અને ચોકલેટ ખવડાવીને પરેશે પોતાની સાથે હેળવ્યા હતા.અવાર નવાર હોસ્ટેલના ગ્રાઉન્ડમાં આવેલા વિશાળ લીમડાના છાંયે એ આ બન્નેને રમાડતો. રમલી આ બન્ને ભઈલાઓ સાથે જ રહેતી.અને પરેશ ધીરે ધીરે
એના દિલમાં વસી ગયો હતો.પરેશે પણ એની નજરમાં મુગ્ધાવસ્થાનો પ્રથમ પ્રેમ પારખ્યો હતો.
  વાલમસિંહ હવે ફરીથી, ઘમુસર શાંતાની આસપાસ પણ હોય એ ચલાવી શકે એમ નહોતો.શાંતાને એણે કહ્યું હતું કે આ હોસ્ટેલના સાહેબ તરીકે ઘમુસર આવેલા છે ત્યારે શાંતાએ આ જગ્યા છોડીને બીજે જતા રહેવાનું કહ્યું હતું. અને પોતે હવે ઘમુસરની સામે પણ નહીં જુએ એવો વિશ્વાસ આપ્યો હતો.
પણ વાલમસિંહનું લોહી શાંત થતું નહોતું. મરવા કે મારવા પર આવી ગયેલા વાલમસિંહે શાંતાને કહ્યું પણ હતું કે જો ફરીવાર ભૂલ કરીશ તો તને અને ઘમુડાને, બે માંથી એકને પણ જીવતા નહી રહેવા દઉં !!
 વાલમસિંહના કેટલાક મિત્રો અમદાવાદની વટવા જી.આઈ.ડી.
સી.માં કામ કરતા હતા. એ બધા વાલમસિંહના ખાસ દોસ્તો હતા. શાંતાના ભાઈ ઉકાની ટોળીને ઝેર કરવામાં આ બધાનો સાથ વરસો પહેલા વાલમસિંહને મળ્યો હતો.એ લોકો પોતાના કામથી કામ રાખતા. સામે ચાલીને કોઈને રંજાડે એવા બિલકુલ નહોતા.પણ જ્યારે કોઈ એમની કે એમના કોઈ સગા કે દોસ્ત સાથે જોર જુલમ કરે તો સાંખી લે એવા નહોતા. 
 વાલમસિંહ આવા જીગર જાન દોસ્તો ધરાવતો હતો.ઘમુસર વિશે બીજા જ દિવસથી એણે તપાસ શરૂ કરી હતી.ભલે એ ગુંડો કે અંડર વર્લ્ડ સાથે સંકળાયેલો બદમાશ નહોતો પણ આવા બદમાશોને ઓળખતો જરૂર હતો.
 વાલમસિંહે એના દોસ્તોને ઘમુસર વિશે વાત કરી હતી.અને એ દોસ્તો, અઠવાડિયામાં જ હમીરસંગની ટોળકીના સરદાર અને જમીનના કોઠા કબાડા કિંગ તરીકે ઘમુસરની કુંડળી જાણી લાવ્યા હતા.
 વાલમસિંહે ગટોર અને ભીમાને પણ હોસ્ટેલની આસપાસ આંટા ફેરા કરતા જોયા હતા. એટલે એ લોકોનું ઘમુસર જોડેનું કનેક્શન એ સમજી ચુક્યો હતો.
 પોતાના પરિવારની રક્ષા કરવા માટે હવે એને આ હરામખોરોને હલાલ કરવા અથવા અહીંથી ભાગી જવું એ બે વિકલ્પોમાંથી એક પસંદ કરવો પડે તેમ હતો.
 વાલમસિંહ, આખરે સિંહ હતો.અને ગટોર અને ભીમા જેવા શિયાળીયાઓથી ડરીને ભાગી જાય એવો નહોતો. 
  વાલમસિંહે આ ટોળીના સરદાર ઘમુસરનું જ કાટલું કાઢી નાખવાની યોજના એના દોસ્તો સાથે મળીને બનાવી હતી. 
** ** ** ** **
  મોહનલાલશેઠની કારનો ડ્રાઇવર વાલમસિંહ હતો અને જે દિવસે એને જોયો તે પહેલાં ઘમુસરે શાંતા સાથે રંગ રેલીયા મનાવેલા એ રાત્રે જોયો હતો. વાલમસિંહના બાથરૂમમાં સંતાયેલા ઘમુસરને એ રાત પછીના અઠવાડિયે ઓફીસ સુધી મૂંગા મૂંગા મુકવા આવ્યો હતો.અને ત્યારબાદ એણે પોતાની વિરુદ્ધ છટકું ગોઠવીને બરબાદ કરી નાખ્યા હતા.
  શેઠ સાથેની વાતચીતમાં પણ એમનું બિલકુલ ધ્યાન રહ્યું નહીં. વાલમસિંહને પતાવી દીધા સિવાય હવે ઘમુસરને ચેન પડવાનું નહોતું.અને એ કામ હમીરસંગના ડાબા જમણા હાથ જેવા ગટોર અને ભીમાને સોંપ્યું હતું.
 બન્ને દુષમનોએ એકબીજાને ખતમ કરવા યોજનાઓ બનાવી હતી.સામસામા લશ્કરો ગોઠવાઈ ગયા હતા. વાલમસિંહના દોસ્તો કાંઈ ઓછા ખૂંખાર નહોતા. રૂપસિંહ અને વિરસિંહ, વાલમસિંહના કુટુંબી ભાઈઓ હતા.
ઉકાએ જ્યારે વાલમસિંહની બુરી વલે કરી હતી ત્યારે આ બે જણાએ જ ઉકાને મારી મારીને અધમુવો કરી નાખ્યો હતો. ગટોર અને ભીમો માત્ર નામ સાંભળીને જ ભાગી જાત પણ હવે એ લોકો હમીરસંગ જેવા પંકાયેલા ભૂ-માફિયાની ગેંગમાં લીડરો હતા.એટલે બદલો લેવા એ લોકો પણ થનગની રહ્યા હતા.
  હમીરસંગ વાલમસિંહને એક મામુલી ડ્રાઇવર સમજતો હતો. એ ખુદ રજપૂત હોવા છતાં બીજા  રજપૂતને ઓળખી શક્યો નહોતો અને ક્યાં સંજોગોમાં વાલમસિંહ ઘમુસરનો દુષમન બન્યો હતો એ જાણવાની પણ પરવા એણે કરી નહોતી.જો એકવખત નજરો નજર એણે વાલમસિંહને જોયો હોત તો પણ એની યોજના પડતી મૂકી દેત. કારણ કે ગટોર અને ભીમા જેવા શિયાળીયાઓ, હમીરસંગના જોરે સિંહનો શિકાર કરવા થનગની રહ્યા
હતા.
  વાલમસિંહનો પીછો કરવાનું કામ અબ્દુલ અને જેસાને સોંપાયું.આ બન્ને પરેશ અને રમલીના અપહરણમાં સામેલ થવાના હતા.
વાલમસિંહ ક્યાં ક્યાં જાય છે અને ક્યારે જાય છે એ વિગતો એકઠી કરીને ગટોરને આપવાની હતી.વાલમસિંહને સામી છાતીએ મારવાની હિંમત આ બે માંથી એક પણની નહોતી.એટલે રોડ પર એની કાર ઉપર ટ્રક ચડાવી દઈને એક્સિડન્ટમાં વાલમસિંહને પતાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.પણ હજુ સુધી એવી તક મળતી નહોતી.કારણ કે વાલમસિંહ કોઈ રેગ્યુલર સમયે એકલો નીકળતો ન્હોતો. કોઝીથી સવારે શેઠના બંગલે જાય ત્યારે હેવી ટ્રાફિકમાં ટ્રક લઈને એક્સિડન્ટ કરવું જોખમી હતું.પબ્લિકના હાથે પકડાઈ ગયા તો મારી મારીને જ જીવ લઈ લે !
  ઘમુસર કામમાં થઈ રહેલી ઢીલને કારણે ગુસ્સે થતા હતા.પરંતુ અચાનક વાલમસિંહ ગુમ થઈ ગયો હતો. શાંતાને જણાવ્યા વગર એ ક્યાંક જતો રહ્યો હોવાથી શાંતાએ ઘમુસર ઉપર શંકા કરીને તે દિવસે એમની ઓફિસમાં ખૂબ જ માથાકૂટ કરી હતી.અને હમીરસંગે શાંતાને ધમકી આપી હતી.પણ એની કોઈ અસર શાંતા ઉપર થઈ નહોતી.પરંતુ એ રાત્રે જ વાલમસિંહ ઘેર આવ્યો હતો અને શાંતાને મળી ગયો હતો. થોડા દિવસ માટે શાંત રહેવાનું અને બાળકોનું ધ્યાન રાખવાનું કહીને એ ચાલ્યો ગયો હતો.અને જો કોઈ મુશ્કેલી પડે તો એક ફોન નમ્બર આપી ગયો હતો. ગમે ત્યાંથી પોતાને ફોન કરીને માહિતી આપવાની સૂચના આપીને એ રવાના થઈ ગયો હતો.
વાલમસિંહ ક્યાં ગયો, એની માહિતી અબ્દુલ અને જસા પાસે, પીછો કરતા હોવા છતાં પણ નહોતી. શેઠના બંગલેથી શેઠને ગાડીમાં બેસાડીને ફેકટરી પર દરરોજની જેમ વાલમસિંહ ગયો હતો. એ વખતે સરખેજ ગાંધીનગર હાઇવે પર એને ઉડાડી દેવાય એવું તો હતું જ, પણ એ વખતે શેઠ  ગાડીમાં સાથે જ હોય એટલે એ શક્ય નહોતું.
  ફેકટરી પરથી દરરોજ સાંજે વાલમસિંહ શેઠને લઈને નીકળતો અને બંગલે શેઠને ઉતારીને કોઝી પર આવી જતો.એના રૂટમાં ક્યારે ફેરફાર થાય એની જ રાહ આ ટોળકી જોઈ રહી હતી.
 પરંતુ વાલમસિંહ અચાનક ગાયબ થઈ ગયો ! અબ્દુલ અને જસો હાથ ઘસતા રહી ગયાં.
  વાલમસિંહ ગુમ થયા પછી શાંતાએ જે બખેડો કર્યો એનાથી ઘમુસર ઉશ્કેરાયો હતો.રમલી એના શાંતા સાથેના ભોગવિલાસનું પરિણામ હોવાની વાત ક્યારેય શાંતાએ કરી નહોતી. જો શાંતાએ રમલી પોતાની દીકરી હોવાની વાત કરી હોત તો ઘમુસરે ક્યારેય રમલીને ઉઠાવવાની યોજના બનાવી ન હોત..રમલી વાલમસિંહની જેમ ઘમુસરને પણ વ્હાલી લાગેત. આખરે ભલે ગમે તેમ પણ એ રમલીનો બાપ હોવાનું જાણીને ખૂબ જ રાજી થાત.અને સંતાનોના પ્રેમથી વંચિત રહેલો એ માણસ સાચા રસ્તે ચડી જાત.એની અંદર રહેલો એક બાપ જાગી ઉઠેત અને દુસમનાવટ (સાચો શબ્દ ટાઈપ થતો નથી) ભૂલીને વાલમસિંહને માફ કરી દેત. વાલમસિંહને શાંતાએ પોતાની તમામ ભૂલો સાચા દિલથી જણાવી દીધી હતી.અને રમલી ઘમુસરની ઓલાદ હોવાનું પણ જણાવી દીધું હતું.વાલમસિંહના પગમાં પડીને પોતાને મારી નાખવાનું કહીને માથા પછાડયા હતા.શાંતાના એ વલોપાત અને એના પ્રત્યેના અપાર પ્રેમને કારણે વાલમસિંહને શાંતાની દયા આવી હતી.અને કાલી ઘેલી ભાષામાં પોતાને બાપુ બાપુ કહીને ગળે વળગી પડતી રમલી પ્રત્યેનો જે પ્રેમનો દરિયો એના હૈયામાં હિલોળા લેતો હતો એ યથાવત રહ્યો હતો."ક્ષમા વીરોનું આભૂષણ છે"એવું ક્યાંક એણે સાંભળ્યું હતું.અને તેથી શાંતાને એણે માફ કરી હતી.
 ઘમુસર સમજતો હતો કે દરેક બાપને  પોતાની દીકરી ખૂબ જ પ્યારી હોય અને એ ગુમ થાય એટલે તરત એ બાપ પોતાની દીકરીને છોડાવવા મજબૂર થાય.અને રમલીના બદલામાં વાલમસિંહને પકડી શકાય, અને ત્યારબાદ ગીરના જંગલમાં એને મારીને સાવજ દીપડાનો શિકાર બનાવી દેવાય તો વાલમસિંહનું ચેપટર ક્લોઝ થઈ જાય,એવી યોજના ઘમુસરે આપી હતી. એ યોજના અનુસાર ગટોર અને ભીમાએ રમલીને ઉઠાવવા પ્રયત્ન કર્યો ત્યારે એના બોયફ્રેન્ડ પરેશે ટોકીઝમાં ગટોર અને ભીમાને મેથીપાક ચખાડ્યો હતો !!
 પરેશ અને રમલીને ઉઠાવ્યા તે જ દિવસે બીજી એક ઘટના બની હતી.
ઘમુસર પણ અચાનક ભૂગર્ભમાં જતા રહ્યા હતા.પરેશ અને રમલીનું શુ કરવાનું છે ? એ લોકોને વિભાના નેસડા પર લાવીને ક્યાં લઈ જવાના છે એ હુકમો ઘમુસર આપે એ પહેલા જ ઘમુસર ગુમ થઈ ગયા હતા !!
  હમીરસંગને કંઈ જ સમજાતું નહોતું.વાલમસિંહને પતાવી દેવા ઉતાવળા થયેલા ઘમુસર જ ક્યાં ગાયબ થઈ ગયા ? વાલમસિંહનો પણ કોઈ પત્તો નહોતો. મોહનલાલ શેઠને ત્યાં તપાસ કરી પણ ત્યાંથી કોઈ જ માહિતી મળી નહોતી.અબ્દુલ અને જેસાને જો તક મળે તો ટ્રક વડે એક્સિડન્ટ કરીને વાલમસિંહને મારી નાખવાની સૂચના પણ એણે આપી રાખી હતી. અને જો એમ થાય તો રમલીને ઉઠાવવાની જરૂર ન રહે !! પણ હમીરસંગે તે દિવસે ઘમુસરની ઓફિસમાં શાંતાને જોઈ હતી.અને શાંતા જો આટલી રૂપાળી હોય તો એની દીકરી જરૂર ખુબસુરત હોય....હમીરસંગની અંદર છુપાયેલો શેતાન સળવળ્યો હતો.
  પરેશ અને રમલીને ઉઠાવવામાં આવ્યા ત્યારે હમીરસંગ વિભા રબારીના નેસડાની પાછળ જંગલમાં બનાવેલા એના અડ્ડા પર આરામ ફરમાવતો હતો. બીજા દિવસે સવારે રમલી પોતાના અડ્ડા પર આવી જશે અને પછી....આ..હા...
..હા.... કૂણી કાકડી ખાવાની લિજ્જત પોતે માણશે. વિભા રબારીને જો કે આવું બધું પસંદ નહોતું. એ બિચારો હમીરસંગે એની ઉપર કરેલા ઉપકારનો બદલો વાળી રહ્યો હતો. જંગલમાંથી સાગના લાકડાની ચોરીના આરોપ બદલ વિભા રબારીને પકડવામાં આવ્યો હતો ત્યારે એણે પોતાની વગ અને પૈસા વાપરીને એને છોડાવ્યો હતો.પણ ત્યારબાદ એ બન્નેએ મળીને સચોસાચ સાગના લાકડાનો કારોબાર ચાલુ કરી દીધો હતો અને એ માટે ગીરના જંગલના રસ્તાઓની જાણકારી અને સિંહ અને દીપડાથી ન ડરે એવા માણસની જરૂરિયાત હતી જે વિભા રબારીએ પુરી કરી હતી. હમીરસંગે વિભાની જાણ બહાર બીજા કેટલાક કાળા કામો પણ કરવા માંડ્યા હતા.જેનાથી વિભો અજાણ હતો અને એનું પરિણામ એણે ભોગવવાનું હતું.
**** *** ***
 માધવસિંહે પોલીસ પલટનને સાથે લઈને વિભાના નેસડા પર બીજા દિવસે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. ગીરના જંગલોમાં રહેતા માલધારીઓને નેસડામાં મોટેભાગે કોઈ ફોરેસ્ટ અધિકારી દખલગીરી કેટ નહીં. પણ છેલ્લા કેટલાક સમયથી માધવસિંહને આ નેસડામાં ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવાની બાતમી મળી હતી. વિભાના નેસડાના મહેમાન તરીકે હમીરસંગ અને તેના માણસો આવતા જતા રહેતા.કેટલાક ફોરેસ્ટ અધિકારીઓને આ ટોળીએ ફોડીને ઇમારતી લાકડું સગેવગે કરવાની પણ તજવીજ કરી હોવાનું અને હરણનો શિકાર કરીને માંસ રાંધવામાં આવતું હોવાની બાતમી તેના વિશ્વાસુ માલધારીઓએ માધવસિંહને આપી હતી. માધવસિંહ નખશીખ પ્રામાણિક  ફોરેસ્ટ અધિકારી હતો.જંગલ અને જંગલના પ્રાણીઓને તે ખૂબ જ ચાહતો.કુદરતના સાનિધ્યમાં જીવવાની એક અલગ પ્રકારની મઝા હોય છે, એ મઝા માધવસિંહ ભરપૂર માણતો. ગીરના સિંહોની પ્રકૃતી પણ એ સમજતો અને મોટાભાગના સિંહોને તે ઓળખતો. ઘણીવાર કોઈ ઝાડના છાંયડે બેઠેલા સિંહના શરીર પર હાથ પણ એ ફેરવી આવતો. સિંહોને પણ સમજ હતી કે આ માણસ એમનો દોસ્ત છે એટલે માંધવસિંહથી અહીંના સિંહો પણ પરેપુરા પરિચિત હતા.
   મળસ્કે વિભાના નેસડાના ઝાંપા આગળ માધવસિંહની જીપ અને પોલીસવાન ઉભી રહી.જીપમાં માધવસિંહ સાથે બે બીજા ફોરેસ્ટ અધિકારી તખતસિંહ અને રણજીત હતા.માધવસિંહ જાણતો હતો કે જંગલમાં રહેતો માણસ જંગલી પશુથી પણ વધારે ખતરનાક હોય છે, જો પૂરતી તૈયારી સાથે ગયા ન હોય તો જીવતા પાછું ફરવું શક્ય નથી.એટલે દસ હથિયારધારી પોલીસ કર્મી પણ પોલીસ વાનમાં સાથે લીધા હતા.
  ફટાફટ એ પોલીસોએ વિભાના નેસડાને ચારે કોરથી ઘેરી લીધો.માધવસિંહ અને બીજા બન્ને ફોરેસ્ટરો હાથમાં પિસ્તોલ સાથે ઝાંપો ખોલીને અંદર દાખલ થયા.જીપ અને પોલીસવાનની ઘરઘરાટી નો અવાજ સાંભળીને વિભો તરત જ જાગ્યો હતો, એની ભેંસો પણ રણકી હતી. જંગલના આ જનાવરો સહેજ પણ અવાજ થાય એટલે તરત જ સચેત થઈ જતા હતા.
  નેસડામાં બનાવેલા નાનકડા મકાનની ઓસરીમાં ઢળેલા ખાટલમાંથી વિભો ઉભો થયો ત્યારે માધવસિંહ અને તેમના સાથીદારો અંદર પ્રવેશી ચુક્યા હતા.
" અરે...આવો... આવો.... સા'બ, આંય અમારી ઝૂંપડીમાં આમ બંધુકું લઈને શીદ આવ્યા બાપ..આંય તો તમે અમારા..મે'માન.. મારા બાપલીયા...." વિભાએ અસ્સલ સોરઠી લ્હેકામાં આવકાર આપ્યો.દરેકના હાથમાં ગન જોઈને એને ખ્યાલ આવી ગયો કે આ લોકો કેવી મહેમાનગતિ કરવા આવ્યા છે!
  "વિભા, તારા નેસડાની ઝડતી લેવાની છે, તું સીધી રીતે તપાસ કરવા દઈશ તો સાજો રહીશ, બાકી આ સગ્ગી નહીં થાય...અમારે તારી મહેમાનગતી નથી કરવાની, તને મહેમાન બનાવીને લઈ જવાનો છે, કોણ કોણ છે તારા નેસડામાં ? બધાને સાદ કરીને અહીં બોલાવ " માધવસિંહે ગન વિભા સામે તાકીને જોરથી કહ્યું.
"અરે...બાપલા..આંય તો બીજું કોણ હોય ? જી સે ઇ સવના નામ તમારા ચોપડે નોંધાવીને લાયા છીએ" એમ કહીને વિભાએ ઓરડી તરફ જોઈને ઉમેર્યું, " અલ્યા ઉઠજો કવ સુ...સાહેબો આયા સે.. શિરામણ તિયાર કરો...."
 એનો અવાજ સાંભળીને વિભાની વહુ બહાર આવી. નેસડામાં બીજા પણ નાના મકાનો હતા, એમાંથી વિભાના કુટુંબી માલધારીઓ પોતાની ડાંગો લઈને આ લોકો ઉભા હતા ત્યાં આવીને ઊભા રહ્યા.
 "આ હાથમાં ચીમ બન્ધુકું ઝાલીને ઉભા સ ? અમને મારી નાખવાના સ  ? તો અમે'ય કાંઈ બલોયા..નથ પેર્યા.. એક..એક ડાંગ ભેગો અવલો થઈ જાવો સે..." એક જુવાન રબારી ઉકળી ઉઠ્યો.
" હાં..હાં...તોગડ... અથરો થા માં.. (ઉતાવળો નહી થા)..ઇ સાયબુને તપાહ કરવી સે..ઇ ઇમનો અધિકાર સે..બટા... ધીરો..રે.." વિભાએ પેલા જુવાનને વાર્યો.
"જેટલા છો એ બધા એક લાઈનમાં ઉભા રહી જાવ..તમારા નેસડાને ઘેરી લેવામાં આવ્યો છે, અમે કોઈ ખૂન ખરાબી ઇચ્છતા નથી. સીધી રીતે તપાસ કરવા દેશો તો કોઈને કાંઈ જ નહીં કરીએ.."
  સાવજની જેમ ઘુરતા રબારી યુવાનો હાથમાં ડાંગ લઈને લાઈનમાં ઉભા રહી ગયા.ઢાળીયામાં ઉભેલી ભેંસોનું ટોળું કાન ઊંચા કરીને સવાર સવારમાં આવી પહોંચેલા મહેમાનોને જોઈને રણકવા લાગ્યું.નેસડામાં વાયુવેગે વાત ફેલાઈ ગઇ. બીજા ઘરોમાં પણ ચહલ પહલ મચી ગઇ.સ્ત્રીઓ નવાઈ પામી ગઈ અને બાળકો જાગીને રડવા લાગ્યા.
  તમામ ઘરોની વારા ફરતી જડતી લેવામાં આવી.ગટોર અને ભીમાનું નામ એન્ટ્રી રજીસ્ટરમાં બોલતું જ હતું.બાકી બધા જ માલધારીઓની
હાજરી લેવામાં આવી.
  હમીરસંગ એ વખતે જંગલમાં ગયો હતો. સવારે એ હમેશા લટાર મારવા ચાલ્યો જતો. જ્યારે એ પાછો ફર્યો ત્યારે એણે પોલીસનો કાફલો નેસડા પર જોયો હતો.અને તરત જ એ જંગલમાં નાસી ગયો હતો.વિભાને આ બાબતની ખબર હતી. દરરોજ વહેલી સવારે જંગલમાં ફરવા જવાનું જોખમ ન લેવા એણે હમીરસંગનો સમજાવ્યો પણ હતો. પણ હમીરસંગ પોતાની સાથે રિવોલ્વોર રાખતો એટલે ડરવાનું એને કોઈ કારણ નહોતું. સિંહની પ્રકૃતી પણ એ જાણતો હતી.ગીરના સિંહો એમની સતામણી ન થાય તો માણસને કશું જ કરતા નથી. સાવ બાજુમાંથી પસાર થઈને જતા રહે છે.પણ સિંહને જોઈને શાંત ઉભા રહી જવું પડે, જો નાસવાની ચેષ્ટા કરો તો જ સિંહ હાનિ પહોંચાડે એ વાત હમીરસંગ જાણતો હતો.અને બીજા જનાવર તો રિવોલ્વવોરના એક જ ભડાકે જંગલમાં નાસી જતા હોય છે.એટલે એ આરામથી સવારમાં ફરવા નીકળી જતો.એની આ આદતને કારણે એ માધવસિંહની રેડમાંથી બચ્યો હતો.
      ખાસ કાંઈ વાંધાજનક મળ્યું નહીં એટલે માધવસિંહ ગુસ્સે થયો.
"થોડા દિવસો પહેલા તારા મહેમાનો આવ્યા હતા એ ક્યાં ગયા ?" એણે વિભાને પૂછ્યું.
"કોણ મહેમાન સાહેબ ? ઓલ્યા છોકરા ? ઇ તો જંગલમાંથી પરબારા ઇમના ઘેર પોગી ગ્યા..."વિભાએ ગપ હાક્યું. પણ માધવસિંહને મારી અને બિટીની બધી જ ખબર હતી.એટલે એણે ગટોર, ભીમા અને વિભા રબારીને પોતાની સાથે ચોકી પર લીધા.
 વિભાએ શિરામણ કરવાનો બધાને આગ્રહ કર્યો પણ કોઈએ સ્વાભાવિક રીતે જ હા ન પાડી.
કેટલાક રબારી યુવાનો મારા મારી કરવા પણ તૈયાર થઈ ગયા પણ માધવસિંહ એમ ડરી જાય તેમ નહોતો, અને વિભાએ પણ તપાસમાં સહકાર આપ્યો. એ ત્રણ જણ વિરુદ્ધ અમારા અપહરણનો કેસ દાખલ કરીને જૂનાગઢ ખાતે કષ્ટડીમાં પુરી દેવામાં આવ્યા. વિભાએ અને ગટોરે માધવસિંહને આ બાબતમાં 'સમજી' લેવા ખૂબ લાલચ આપી પણ એ ન માન્યો.
   થોડા દિવસો પહેલા ચેકપોસ્ટ પરથી જંગલમાં એન્ટર થયેલી જીપમાં એક છોકરો અને એક છોકરીને ઊંઘી ગયેલા માધવસિંહે જોયા હતા. એટલે અમારી વાત પરથી એ લોકોને એ પરેશ અને રમલી સમજ્યો હતો.પણ એ માધવસિંહની ગેરસમજ હતી.હકીકતમાં એ કોઈ અન્ય મુસાફરો હતા જે તાલાળા બાજુ કે વેરાવળ બાજુ જઈ રહયા હતા.
 ગમે તેમ પણ ગટોર અને ભીમા બાબતે માધવસિંહને કંઈક મોટી ગરબડ હોવાની શંકા પડી હતી. એટલે એ લોકો વિરુદ્ધ અમારા વતી એણે કેસ દાખલ કર્યો હતો.
** ** ** ** *
 અબ્દુલે બતાવેલી લાલ ફિયાટની પાર્કિંગ લાઈટ ડીમ ફૂલ થઈ રહી હતી.
"યે સાલા...હમારા પીછા કર રહા હૈ યે બાત તો ફાઇનલ હૈ. કોન હો સકતા હે..''અબ્દુલે કહ્યું.
"એક કામ કરવી, તું અને જેસો અહીં રોકાવ. હું અને ભીમો ઇ કાર પાંહે જાવી.અને અંદર કોણ સે ઇ જોઈ લેવી....અને @$#&નાઓને ઠોકી નાખવી.."ગટોરે ગાળ દઈને કહ્યું.
"બરોબર સે. કારણ કે જો પોલીસ હોય તો આપણને ભાગવાની ખબર પડે.." જેસાએ પણ પોતાનું જ્ઞાન પ્રગટ કર્યું.
"ડોબીના, પોલીસ ફિયાટ લઈને નો આવે..તારી ડોહી હાઇવે પોલીસ હોય તો જીપ્સી હોય નકર જીપ હોય..." ગટોરે કહ્યું.
"પણ આપડને ચીમ ખબર પડશે કે ઇ લોકો કોણ છે ? કદાચ ઇ લોકો પાંહે રિવોલવોર હોય તો ન્યા ને ન્યા ફૂંકી મારશે.." ભીમાએ કહ્યું.
 "પેલા, જોવી તો ખરા...આપણે ચ્યાં ડાયરેક હુમલો કરવો સે..ઇ ગાડી પાંહે જઈને અંધારામાં ઉભા રે'શુ, અને ઇ લોકો શુ વાતું કરે છે ઇની ઉપરથી આપણને ખબર પડશે.."
  ગટોર અને ભીમો એ ગાડીમાં તપાસ કરવા આગળ વધ્યા.ગટોર અને જેસો ગાડીમાં બેસી રહ્યા. પરેશ અને રમલી હજુ પણ બેહોશ હતા.
                                     (ક્રમશ:)

વાચકમિત્રો,
 આપણી વાર્તાના ઘટનાક્રમો આગળ પાછળ ચાલી રહ્યા છે, સમીર અને બિટીનું અપહરણ થયું ત્યાંથી લઈને માધવસિંહે રેડ પાડી એ ઘટનાઓ પહેલા રમલી અને પરેશના અપહરણથી લઈને હાઇવે પર લાલ ફિયાટ પીછો કરે છે એ ઘટનાઓ બનેલી છે. રમલી અને પરેશનું અપહરણ થયું તે દરમ્યાન વાલમસિંહે શુ કર્યું એ આપણે આવતા પ્રકરણમાં જોઈશું. ઘમુસર
 રેડ કલરની એ ફિયાટ ગાડીમાં કોણ હોઈ શકે ? વાલમસિંહ અને ઘમુસર ક્યાં ગયા ? ગટોર અને ભીમો તથા વિભો રબારી જામીન પર છૂટીને શુ કરશે ? સમીર અને બીટી હોસ્ટેલ પહોંચ્યા કે નહીં ? વગેરે તમામ સવાલોના જવાબ આગળના ત્રણ પ્રકરણમાં આપને મળી જશે અને સૌની આતુરતાનો અંત આવી જશે. આ નવલકથા હવે અંત તરફ જઈ રહી છે, ઘણા મિત્રો જલ્દી પુરી કરવાનું સૂચન કરી રહ્યા છે એનું કારણ અંત જાણવાની એમની તાલાવેલી હોય કે પછી કંટાળ્યા હોય એ હું જાણતો નથી.પણ હવે હું આપ સૌને વધુ રાહ નહિ જોવડાવું. આપણે 20 પ્રકરણમાં આ વાર્તા પુરી કરીશું.
આપ સૌ વાચકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું.અને આગળના પ્રકરણો માટે રાહ જોવડાવવા બદલ દિલગીરી વ્યક્ત કરું છું.
 
 (ક્રમશઃ)