કોઝી કોર્નર - 4 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોઝી કોર્નર - 4

         
   કલાકોની મહેનતને અંતે પણ પોલીસના હાથમાં કંઈ જ આવ્યું નહિ. ઘટના બની તે સમયે ધોધમાર વરસાદ ચાલુ હોવાથી કુતરાઓ કોઈ જ ગંધ પારખી શકવાના નહોતા. એક માત્ર નામ ઠામ વગરના પત્રને આધારે કરવામાં આવેલી તપાસને કારણે ઉલટાની પોલીસ ફસાઈ હતી.ઘમુ સરે પોતાને બદનામ કરવા બદલ પોલીસ કમિશનર ઉપર બદનક્ષી નો દાવો ઠોકવાની ધમકી આપી.પરંતુ કોઝીના માલિકની મધ્યસ્થીને કારણે તેઓ માની ગયા.
 પરેશ ખૂબ જ ગુસ્સામાં હતો.એની ચોખ્ખી ના હોવા છતાં મેં પોલીસને પત્ર લખ્યો હોવાથી એ ખૂબ જ ડરી ગયો હતો.
 "@%$ના મેં તને કીધુ હતું તો પણ તું માન્યો નહિ.તારો ડોહો આ ટકલું હવે ગમે તેમ કરીને આપણને પકડશે. " પરેશે ટૂંડિયાની ચા ની કેબીન આગળ સવારમાં મને ગાળ દઈને વેલક્મ્યો.( મારુ સ્વાગત કર્યું)
 "પણ, મને એ જ સમજાતું નથી કે આપણે નજરો નજર કોઈને દાટતા જોયા હતા, પેલા લોકોએ ટોર્ચનું અજવાળું પણ કર્યું હતું. તો કેમ કંઈ જ ન મળ્યું ?" મેં કહ્યું
"ડોફા, એ લોકોને કદાચ ડાઉટ પડ્યો હોય તો બીજી રાત્રે અથવા ત્યારે ને ત્યારે લાશ બીજે ક્યાંક લઈ ગયા હોય એમ બને. હવે તું છે ને, સાવ હેઠીનો બેહી જાજે. હવે તો તને ભાન થઈને કે ઘમુ ટકલું કોઈ જેવો તેવો માણસ નથી." પરેશે ચા નો કપ પૂરો કરીને કહ્યું.
 "હા. એ તો હું સમજુ જ છું.એટલે તો મેં  નનામો પત્ર લખ્યો. પણ સાલ્લુ આપણને કેમ કાંઈ ખબર જ ન પડી ?" હું માથું ખજવાળવા લાગ્યો. ત્યાં જ બી. ટી. આવ્યો.
"અલ્યા, સમીરિયા આ સાલુ ગજબનું થયું નહિ ? આટલી બધી પોલીસ તો મેં પહેલી વાર જોઈ. અને હોસ્ટેલની પાછળ કેમ આ લોકો ખોદકામ કરતા હતા ?" બી.ટી.એ અમને પૂછવા માંડ્યું.
"અમને તારી જેટલી જ ખબર છે, વધુ જાણવું હોય તો જા, ઘમુ સાહેબ પાંહે, ચા પીવાનો હોય તો બોલ" પરેશે કહ્યું.
"હાં યાર, ચા પીવા તો આયો છું,પણ તમે બે'ય કેમ ભેગા બેહવા માંડયા ? કૂતરા બિલાડા વચ્ચે ભાઈબંધી ?" કહીને એ હસવા લાગ્યો.
"જા, ડોફા હવે તને ચા નથી પાવી,અમને કૂતરા બિલાડા કેમ કહ્યું હેં.."પરેશ એના સ્વભાવ મુજબ ખિજાઇને ઉભો થઇ ગયો.
"યાર,તું તો સિરિયસ થઈ ગયો. હું તો મજાક કરું છું હે હે હે..."બીટી અને હું બન્ને હસ્યાં.અમને હસતા જોઈ પરેશ પણ હસી પડ્યો. અમે લોકો ચા પી ને હોસ્ટેલમાં ગયા. અમારા આશ્ચર્ય વચ્ચે બીટી ઘમુ સરની ઓફિસમાં જવા લાગ્યો. તેને ઓફિસમાં જતો જોઈને પરેશે તેનો હાથ પકડ્યો, "અય @$^ ના ક્યાં જાશ , છાનીમાનીનો રૂમ ભેગો થા "
"તેં જ તો કીધું'તું કે ઘમુસરને ખબર હશે, મારે જાણવું છે" બીટી બોલ્યો.
અમને ઓફિસના દરવાજે ઉભેલા જોઈને ઘમુસર બહાર આવ્યા. 
"કેમ અલ્યા, શુ છે ? શું જાણવું છે તારે ?"ઘમુસરનો ચહેરો જોઈને હું અને પરેશ ડઘાઈ ગયા. પણ બીટી તો સાવ અજાણ હતો.
"કંઈ નહીં સર,આ પોલીસ કેમ આવી હતી એમ આ બીટી અમને પૂછતો હતો,એટલે મેં એમ કહ્યું કે સાહેબને ખબર હોય. એટલે એ તમને..." મેં ઘમુસર સામે ફિક્કું હસીને કહ્યું
"તમારા કામથી કામ રાખો નાલાયકો, અહીં ભણવા આવ્યા છો કે પૂછપરછ કરવા. જાવ સલ્લાઓ નહિતર એક એક સોટો ઠોકીશ @#$ ઉપર.." ઘમુસરનો ચહેરો લાલઘૂમ થઈ ગયો.
"સોરી સર, હું આને ના જ પાડતો'તો, પણ આ ખણખોદીયું માન્યું જ નહીં, હાલ્ય આમ ડાયી નું થયા વગર.." પરેશે બિટીને હળવો ધબ્બો મારતા કહ્યું.
 "પણ અમે ક્યાં કંઈ પૂછ્યું છે સર, તમે આટલા બધા ગરમ કેમ થાવ છો" બીટી પણ સાહેબના વર્તનથી નવાઈ પામ્યો હતો.કારણ કે હંમેશા શાંત રહેતા ઘમુ સર ખૂબ જ ઉશ્કેરાયેલા લાગતા હતા.
 "હવે ડાપણ ઠોક્યાં વગર જા ને અહીંથી..નહિતર હમણાં.. " ઘમુસર ખરેખર વધુ પડતા ગુસ્સે ભરાયા હતા.
"નહિતર શુ ?.. અમે ક્યાં તમને પૂછ્યું છે,આ તો પોલીસ ભાળી એટલે..." બીટી હજી લપ મુકતો નહોતો. અમારી આ માથાકૂટ ચાલતી હતી એટલે સવારમાં જે વિદ્યાર્થીઓ જતા આવતા હતા એ પણ ઉભા રહેવા માંડયા. કારણ કે તમાશાને તેંડુ ન હોય.અને કોઈ જરા ઊંચેથી બોલે એટલે તરત જ લોકોનું ટોળું જામવા લાગે. કુતૂહલવૃત્તિથી આદમી ભરેલો હોય છે. હજુ તો ઉપર મુજબ આટલી જ ચર્ચા થઈ એમાં તો આઠ દસ છોકરાઓ ઉભા રહી ગયા.
"અલ્યા, બીટિયા શુ થયું ?" ટોળામાંથી કોઈ બોલ્યો. અને બીજા એકે પૂછ્યું, "સર, આ પોલીસ કેમ હોસ્ટેલની પાછળ ખોદતી હતી, કોઈનું મર્ડર કરીને દાટ્યો છે કે શું ?"
 જાણે કે દુઃખતી નસ કોઈએ દબાવી હોય એમ ઘમુસર બરાડ્યા
"ગુરખા.... ક્યાં મરી ગ્યો. તમે લોકો તમારું કામ કરો , ચાલો ભાગો અહીંથી.." કહીને ઘમુસર અંદર ચાલ્યા ગયા. હોસ્ટેલમાં પોલીસ આવી ત્યારથી જ બધા વિદ્યાર્થીઓમાં સ્વભાવિક રીતે જ ખૂબ જ કુતુહલ વ્યાપી ગયુ હતું. દાળમાં કંઇક કાળું હોવાની વાત દરેક રૂમમાં થતી હતી.મને પણ બધાને એ રાત્રે બનેલા બનાવની વાત જાહેર કરી દેવાનું ખૂબ મન થતું હતું પણ પરેશ ગજબ હતો. એ મને ડોળા કાઢીને ડરાવી રહ્યો હતો.
" જો, બેટા સમીર આ લોકો ખૂબ પહોંચેલી માયા હોય. જોયું ને એ રાત્રે આપણી રૂમમાં લાઈટ ફેંકીને પેલો જોતો હતો, એને ચોક્કસ ડાઉટ ગયો હશે કદાચ એટલે જ એ  લોકોએ લાશને કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરી હોવી જોઈએ. અને પેલો ઘમુસરને એમ કહેતો હતો કે હું કહું તે છોકરાઓ મને બતાવજો. એ ઉપરથી તને ભાન થવી જોઈએ કે આ લોકો કેટલા હોશિયાર હશે. મારા બેટા પોલીસને પણ ગોળી પાઈ દે અને કોઈને મારીને દાટી દે, તો વિચાર કર, આપણને એ લોકોએ આ ઘટના નજરોનજર જોતા પકડી લીધા હોય તો ?"
 "તો, આપણને પણ  મારી નાખે એમ ?" મેં કહ્યું.
"તો તને શું લાગે છે ? તેં જે દીવાસળી ચાંપી છે એની આગ લાગ્યા વગર રહેશે એમ ?  વહેલી મોડી જાન આપણા રૂમ નં 17માં આવ્યા વગર રહેવાની નથી."  પરેશ ખરેખર ખૂબ ગંભીર હતો.
"ના, પરેશ એમ કાંઈ આપણને  પકડી ના શકે. તું ખોટો બીવે છે, ખરેખર તો આપણે તપાસ કરવી જોઈએ કે આવું કેમ બન્યું " મારી નવાઈનો પાર નહોતો.જો પરેશ મને સાથ આપવા તૈયાર થયો હોત તો મને એક ડિટેકટિવની જેમ આ લોકોની પાછળ લાગવાની ઈચ્છા હતી.
"@#$ના, ડફોળ તને મરવાનો એટલો બધો શોખ હોય તો મર. પણ મને વચ્ચે ક્યાંય લાવતો નહિ.મારુ નામ પણ ક્યાંય લેતો નહિ. બહુ બહાદુર નો દીકરો થયા વગર જે કરતો હોય એ કર, બાકી તારી કરતા પણ મેં વધુ જોયું છે અને જેનું ખૂન થયું છે એ વ્યક્તિ કોણ હતો એ પણ મને ખબર છે પણ તને નથી કહેવું. કારણ કે તું સૂકા ખડ જેવો છો. દેવતાના સંપર્કમાં અવતાંવેંત સળગવા માંડે છે. આપણે ખીલી છીએ અને એ લોકો હથોડા છે હથોડા, ક્યાંક ઠોકી દેશે  અથવા ટીપી નાખશે " પરેશે કહ્યું.
 મેં કોનું ખુન થયું તે અને એને કેવી રીતે ખબર પડી એ જાણવાની ઘણી કોશિશ કરી.પણ પરેશે મને ધરાર ન જણાવ્યું. માત્ર એટલું જ કહ્યું કે તે રાત્રે મેં ટોર્ચના અજવાળામાં એ માણસનો ચહેરો જોયો હતો.હું એને હું ઓળખું છું.
 મારું દિમાગ હવે આ ઘટના પાછળ લાગી પડ્યું હતું.
**      **      ***       *****     ******

 પરેશ ને વધુ કંઈ પૂછવાનો કોઈ મતલબ નહોતો.ફર્સ્ટ ટેસ્ટ નજીક આવતી હોવાથી મારે પણ વાંચવામાં અને મારી જર્નલ્સ અને નોટ્સ તૈયાર કરવામાં સમય આપવો પડે તેમ હતો.એટલે એકાદ મહિનો હું આ ઘટનાને સાઈડ પર મૂકીને અભ્યાસમાં લાગી પડ્યો. અને મહિના પછી હું આ ઘટના ભૂલી પણ જાત.કારણ કે આખરે આ ઘટના સાથે મારે કોઈ લેવા દેવા નહોતી.પણ એક રાત્રે એક નવી જ ઘટના બની. જોકે આ ઘટનામાં પ્રત્યક્ષ રીતે તો અમે સામેલ નહોતા,પણ હોસ્ટેલના દરેક રૂમમાં આ ઘટના ટોપ ટોપિક તરીકે ચર્ચાઈ રહી હતી. કોઝી કોર્નર મેં આગળ કહ્યું  તેમ કોઈ મોટા ઉધોગપતીનો જુનો બંગલો હતો.અને એમનો એક વફાદાર ચોકીદાર વાલમસિંહ હોસ્ટેલની પાછળના ભાગમાં આવેલા એક આઉટ હાઉસમાં રહેતો હતો. મોટે ભાગે એ ત્યાં દારૂ પી ને પડી રહેતો. ક્યારેક હોસ્ટેલના ગ્રાઉન્ડમાંથી એને ઘરની ચીજો એક કપડાંની થેલીમાં લઈને જતો અમને જોવા મળતો.આમ તો કોઈ એને બોલાવતું નહી.એ પોતે એક રહસ્યમય આદમી હતો.એના પરિવારમાં એક વીસેક વરસની એની છોકરી રમલી અને પાછલી ઉંમરે થયેલા બે બાળકો છોટુ અને ગોટુ અને સાવ દુબળી એની પત્ની એમ કુલ ચાર જણ હતા. અમારી રૂમ ની સામેના કોર્નરમાં આવેલા રૂમ નં 12 ની પાછળની દીવાલમાં પડતી મોટી બારીમાંથી એનું આઉટ હાઉસ દેખાતું. રમલી ખૂબ જ રૂપાળી હતી. ઉંચી અને પાતળી. લંબગોળ મોઢાવાળી અને મોટી આંખો વાળી એ છોકરીને પટાવવા હોસ્ટેલના ઘણા છોકરા લાઇન મારવા ક્યારેક એના ઘર તરફ જતા. એક બે વાર વાલમસિંહની ગાળો અમારા રૂમ પાર્ટનર બીટીએ પણ ખાધી હતી.બાર નંબર વાળા રમલી માટે પેલી બારી આગળ ઉભા રહીને વાંચવાનો ઢોંગ કરતા. રમલીનું ઘર અને રમલીને જોવા માટે રૂમ નં 12 જ એકદમ અનુકૂળ જગ્યા હતી.ઉપરના ફ્લોર પરથી, રૂમ નં 12 ઉપરના રૂમમાંથી પણ જોઈ શકાતું. પણ વૃક્ષની ડાળો અને પાંદડા અંતરાય બનતા. એટલે રમલી પાછળ લબડતાં હોય એવા ઘણાં છોકરાઓ રૂમ નં 12માં પડ્યા પાથર્યા રહેતા. પણ હજુ સુધી રમલીએ કોઈને ભાવ આપ્યો નહોતો. પાછળની બાજુ જ્યાં ચોકડી હતી ત્યાં મ્યુનિસિપાલટીનું પાણી સવારે આઠ વાગ્યા સુધી આવતું.રમલી ત્યાં કપડાં ધોવા ઘણીવાર આવતી.ત્યારે એની સાથે પેલા બન્ને ગોટુ અને છોટુ અવશ્ય રહેતા. રમલી વિશે આટલી વાત કરવાનું કારણ એ છે કે આ રમલી આપણી આ વાર્તામાં આગળ જતાં ખૂબ જ મહત્વનું પાત્ર બનવાનું છે.
 વાલમસિંહ ગાયબ હતો. પેલી ઘટના બની ત્યારથી. મને લાઈટ થઈ હતી,કારણ કે પરેશે મને તે દિવસે કહેલું કે કોનું ખુન થયું છે એ મને ખબર છે પણ તને હું કહેવાનો નથી. વાલમસિંહની દુબળી પત્ની થોડા દિવસો પહેલા ઘમુ સરની સાથે ખૂબ જ ઝગડી હતી.હું અને પરેશ ત્યારે હોસ્ટેલમાં નહોતા.પણ હોસ્ટેલના દરેક રૂમમાં આ વાત ચર્ચાઈ રહી હતી. કારણ કે પેલીએ ઘમુસરને કાનમાંથી કીડા ખરે એવી ગાળો આપી હતી અને બે દિવસમાં જો એનો ઘરવાળો ઘેર નહિ આવે તો એ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપતી હતી.સ્વાભાવિક રીતે જ હોસ્ટેલમાં હાજર વિદ્યાર્થીઓનું ટોળું જમા થાય જ.અને ગુરખો બધાને વિખેરવા કોશિશ  કરે જ. અને આ મામલો રમલીને લાગતો વળગતો હોવાથી રમલીના આશિકો વાતના મૂળ સુધી ગયા વગર ત્યાંથી ખસે ખરા ? એમાં એક બે જણ ગુરખા સાથે બાખડી પડ્યા હતા. 12 નંબર વાળા રમેશ સાવલિયાએ તો ગુરખાને બે ચાર ગાળો ઠોકીને એક લાફો પણ ઠોકી દીધો હતો. એટલે એક તરફ રમલીમાતની ઘમુસર જોડે જીભા જોડી અને એક તરફ ઘમુસરની આજ્ઞા પ્રમાણે વિદ્યાર્થીઓને દૂર કરતા ગુરખા સાથે રમલીના આશીકોની માથાકૂટ મચી હતી. દોઢ કલાક સુધી આ માથાકૂટ ચાલી હોવાનું અમને જાણવા મળ્યું હતું.અને બધા વિદ્યાર્થીઓ પોતાને ફાવે તેવી અટકળો કરી કરીને વાતમાં મોણ નાખતા હતા. કોક વળી રમલીને ઘમુસરની છોકરી હોવાનું અને એ નાતે જે લોકો રમલીના આશિક હતા એ સૌનો સસરો ઘમુસર થાય એમ કહીને ખીખીયાટા કરતા હતા. રમેશ સાવલિયાએ ગુરખાને માર્યો એટલે કેટલાક રમેશને જમાઇરાજ કહીને ખીજવતા હતા.
 "તો, આ વાલમસિંહનું જ ખુન એ રાત્રે આ લોકોએ કર્યું છે ને ?'' મેં પરેશને મુતરડીમાં મારી બાજુમાં જ ઉભા રહીને પેશાબ કરતા પરેશને પૂછ્યું.પરેશ મારી સામું જોઈ રહ્યો.
" તું મને ના કહે તો કંઈ નહીં. વાલમસિંહ ગાયબ થયો છે અને એની બયરી ઘમુસર પાસે એની ઉઘરાણી કરે એટલે પેલી ઘટનાના સાક્ષી તરીકે મને ખ્યાલ આવી શકે છે દોસ્ત. હું તો હવે એ બધું ભૂલી જ જવાનો હતો પણ હવે સાલ્લુ ઇન્ટરેસ્ટિંગ થતું જાય છે. જો એ મરનાર માણસને તે જોયો હોય અને તું એને ઓળખતો હોય તો એ વાલમસિંહ જ હોવો જોઈએ. "
‌"તને કહેવામાં મને બીજો કોઈ વાંધો નથી. પણ તું પછી આમાં સળી કરે તો ? એટલે હું તને નો'તો કહેવાનો. પણ હવે તું જ્યારે જાણી જ ગયો છો ત્યારે કહી દઉં. ત્યારે મને એ માણસ વાલમસિંહ હોય એવું લાગેલું.અને ત્યાર પછી મેં કોઈ દિવસ એને જોયો નથી એટલે મને શંકા પડેલી. પણ આ નવી જે ઘટના બની એના પરથી લાગે છે કે કદાચ એ જ હોવો જોઈએ" પરેશે મને કહ્યું.પણ ત્યારે મને એણે એ નહોતું કહ્યું કે વાલમસિંહ ગુમ થયો હોવાનું પરેશને રમલીએ જ કહ્યું હતું.જો કે મારા ખાંખાં ખોળા દરમ્યાન આ ઘટના પછી પંદર દિવસમાં જ મેં એ પકડી પાડેલું. હોસ્ટેલમાં ઘણા રમલીની પાછળ હાથ ધોઈને પડ્યા હતા.પણ આપણા આ છૂપા રૂસ્તમ પરિયા સાથે રમલી ચાલુ હતી.( મને કોઈના પ્રેમ સબન્ધ માટે આવો 'ચાલુ' શબ્દ પ્રયોજવો બિલકુલ ગમતો નથી, પણ રમલી અને પરેશ વચ્ચે કોઈ પ્રેમ નહોતો. માત્ર ઉંમરનો તકાજો અને વિજાતીય આકર્ષણ. એટલે આવા પ્રેમસબંધને "ચાલુ" કહેવો પડે છે.તો વાચકમિત્ર મને માફ કરે.)
 તે દિવસે મેં એને ધબ્બો મારીને કહ્યું
"હાળા, તું તો ભારે ખેપાની નીકળ્યો. ઇ સાલ્લી કોઈની સામે નજર માંડીને જોતી નથી. પણ તારી ઝપટ માં કેવી રીતે આવી ?"
"એ એક કળા છે. બિચારી બાપ વગરની થઈ ગઈ. આ ઘમુસર સાથે રમલીની મમ્મી ચાલુ હતી. ઘણા વરસો પહેલા એની માં પણ આ રમલી જેવી જ રૂપાળી હતી.અને આ વાલમસિંહ ઘમુસરનો ડ્રાઇવર હતો." પરેશે મને કહ્યું.
"તો તો તું જ સાહેબનો જમાઈ. ઓલ્યો રમલો બિચારો અમથો અમથો બદનામ થાય છે" કહીને હું હસી પડ્યો.અને ઉમેર્યું, "પણ આ બધું તને કોને રમલીએ કહ્યું ?"
"હા વળી. નકર મને કેમ ખબર હોય"
"તમે બેય ક્યાં મળો છો તે આટલી વાતો થાય છે?" મને જિજ્ઞાસા થઈ.
"અરે પિક્ચર જોવા હું એને ઘણીવાર લઈ જઉ છું. ગેસ્ટહાઉસમાં પણ આઠ દસ વખત લઈ ગયો હતો. સાલી બહુ જ મઝાની છે હો" પરેશે  ત્યાર પછી એણે રમલી સાથે માણેલી કામક્રીડાનું વર્ણન કરીને મને પણ ઉત્તેજિત કરી મુક્યો. મને એની ઈર્ષા પણ થઈ. 
 "તો શું તું રમલી હારે લગ્ન કરીશ ?"મેં ભોળા ભાવે પૂછ્યું.
"હાલતી નો થા હાલતી નો. આ તો બે ઘડી મોજ કરવાની હોય. આવી દુબળી હારે લગ્ન થોડા કરવાના હોય ? બાપા ભાંગી નાખે અને રેશનકાર્ડમાંથી નામ પણ કાઢી નાખે @#$" મને ગાળ દઈને એ હસી પડ્યો. (એટલે જ મેં હમણાં "ચાલુ"શબ્દ વાપર્યો છે )
"પણ પરેશ આતો ચિટિંગ કહેવાય. કોઈ છોકરીની લાગણીઓ જોડે આમ રમત રમવાનો આપણને કોઈ અધિકાર નથી" મેં કહ્યું.
"ઓ હેલો.. બવ ડાયીનો થા માં. હું કંઈ પહેલો નથી. મારા જેવા ઘણાયને એ ફેરવતી હશે. અને આપડે તો પહેલેથી જ ચોખવટ વાળું કામ કરીએ છીએ. પેલી વાર ગેસ્ટહાઉસમાં લઈ ગયો ત્યારે જ કહી દીધું હતું કે જો બે ઘડી મોજ કરવી હોય તો જ આપણને રસ છે. બાકી વાંહે પડવાની વાત નહિ.લગન બગનની વાત નહી સમજ્યો ?" પરેશે કહ્યું. 
  તે દિવસ પછી અમે બન્ને ખાસ મિત્રો બની ગયા. પરેશ માટે મને થોડું માન પણ થયું.ચાલો કમ સે કમ એ રમલીને છેતરતો તો નહોતો જ. રમલીના પરેશ સાથેના આ કનેક્શનને કારણે જ અમારે આ ઘટનાના વમળમાં ઊંડું ઉતરવું પડ્યું હતું. અને ત્રણ દિવસ પછી જ અમારે હમીરસંગનો સામનો કરવાનો હતો.