Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૯

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાએ મુકેલ અભી અને સૌમ્યાના લગ્ન પ્રસ્તાવથી સૌમ્યા શું જવાબ આપવો એ બાબતે અસમંજસમાં છે. જ્યારે પ્રથમ એને બધા જ નિર્ણય લેવા આઝાદ કરી પ્રેમને એક નવી જ ઉંચાઈ એ લઈ જાય છે. આ તરફ અભીના હાથમાં આકાંક્ષાની હોસ્પિટલની ફાઇલ આવી જાય છે. હવે આગળ....

*****

ફરિયાદ  પણ  કોને  કરું ?
અસહાયતા  મારી  કોને  કહું ?
મળે વિધાતા સામે તો પણ હવે,
નસીબને  કેમ  કરીને બદલું ?

એક બાજુ આકાંક્ષાને ખબર જ નથી પડતી ક્યાંથી વાત શરૂ કરે અને બીજી બાજુ અભીએ મનમાં કેટલાય પ્રશ્નો વિચારી રાખ્યા હોય છે. પણ જેવી અક્ષી એની સામે જુવે છે એ બધું જ ભૂલી જાય છે અને એને ગળે લગાવી દે છે. બંને જણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. થોડી પળો કોઈ કંઈ બોલતું જ નથી, જાણે બંને વચ્ચે અત્યારે શબ્દોનું કોઈ કામ જ નહતું ! કેટલાય દિવસ પછી બંને વચ્ચે આવો શારીરિક સ્પર્શ થયો હતો.

અભીએ થોડો પ્રયત્ન કર્યો અક્ષીથી અળગા થવાનો જેથી એ અક્ષી જોડે વાત કરી શકે પણ અક્ષી તો જાણે એનાથી છૂટા પડવા ઈચ્છતી જ નહતી..!! અભીના ગાલે, કપાળે, હોઠે બધે જ એને ચુંબન કરીને એને ચુંબનથી નવડાવી દીધો. વાતાવરણમાં રજનીગંધાના ફૂલની મહેક હતી અને અહીંયા બે તન એકબીજાની ખુશ્બુમાં તરબતર થતાં હતા. બહાર રાત શબાબમાં હતી અને અહીંયા બે હૈયા... જિંદગીની છેલ્લી રાત હોય એમ અક્ષી આજે અભીને પ્રેમ કરી રહી હતી. મધ્ય રાત્રિ વીતી ગઈ હતી.. પ્રેમ કરીને તૃપ્ત થયેલા હૈયા હવે શબ્દોથી હળવા થઈ રહ્યા હતા.

"અક્ષી, કેટલું મનમાં સમાવીને તું એકલી જ સેહતી રહી.", અભી અક્ષીના વાળ સહેલાવતા બોલ્યો.

"હું શું કરતી અભી? આ વાત સાંભળ્યા પછી મારામાં જરાય હિંમત ન હતી કે હું તને કઈ કહી શકું. આપણી આટલી પ્રેમાળ જિંદગીમાં અચાનક આવું દુઃખ આવી જશે એવુ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું", આકાંક્ષા બોલી.

"તું ચિંતા ન કર અક્ષી. હું તને કઈ નહિ થવા દઉં. પપ્પાની સારા માં સારા હોસ્પિટલમાં ને બહુ સારા એવા ડોક્ટરો જોડે ઓળખાણ છે. આપણે ફરીથી બધા રિપોર્ટસ કરાવીશું. બને કે આ રિપોર્ટસમાં કઈ ભૂલ થઈ હોય. ", અભી એકીશ્વાસે બોલી ગયો.

"અભી મેં બધું જ કરી જોયું છે. હવે કઈ જ થઈ શકે એમ નથી.", અક્ષી આંખમાં આંસુ સાથે અભીની આંખમાં જોઈ બોલી.

"અરે એવું ના હોય. તું આટલી ભણેલી થઈને આવી વાતો કરે છે! હવે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. અને જરૂર લાગશે તો આપણે વિદેશ જઈશું. તું જરા પણ મુંઝાઈશ નહિ.", અભી કોણ જાણે પોતાને મનાવતો હતો કે અક્ષીને એમ બધું કહી રહ્યો હતો.

"સૌમ્યાએ એના ફુવા સાથે પણ વાત કરીને ત્યાંથી પણ આ જ જવાબ આવ્યો કે હવે કઈ....", આકાંક્ષા રડતા રડતા બોલી.

"સોમી! એને ખબર છે આ વાતની?", અભીએ પૂછ્યું.

આકાંક્ષા એ ગરદન હલાવી હા પાડી, "સૌમ્યા સિવાય મેં કોઈને જાણ નથી કરી."

"હમ્મ...ચલ હવે તું આરામ કર. કાલે જ હું એક પપ્પાના ખાસ મિત્ર કે જે કેન્સર સ્પેશિયાલિસ્ટ છે એમની એપોઇન્ટમેન્ટ લઈ લઉં.", અભી બોલ્યો.

"અભી...", અક્ષી આગળ કઈ બોલે એ પહેલાં જ અભી એ એને કાપતા કહ્યું, "ના.. અક્ષી.. આ બાબતે હું તારું એક નહિ માનુ. મને મારા ભગવાન પર પુરી આસ્થા છે. એ આપણી સાથે આવુ કઈ કરી જ ન શકે. તું હમણા આરામ કર. આપણે સવારે વાત કરીએ.", અભી બોલ્યો.

અભી સવારે વહેલો ઉઠી ગયો, જો કે હવે એને ઊંઘ પણ ક્યાં આવે એમ હતી. લાગણી અલગ વાત છે પણ આકાંક્ષાની બીમારીની વાતે એને અંદરથી થોડો ભીરુ બનાવી દીધો હતો. આ બીમારી જ એવી છે ભલભલા બળવાન પણ નિર્માલ્ય બની જાય. તમારી હિંમત જવાબ આપી દે. ને ક્યારેક તો થાય કે પ્રિયજનને આવું દુઃખ આવ્યું એના કરતાં ઈશ્વરે ખુદને જ આવું દુઃખ આપી દીધું હોત તો.... પણ આપણે કયા કોઈના ભાગનું જીવી કે મરી શકીએ છીએ. આપણે તો ફક્ત જોઈ શકીએ છીએ.

અભીએ એના મમ્મી પપ્પાને પહેલા તો ફોન પર બધી વાત કરી. એમને હિંમત આપી, કારણ કે એમના માટે આ વાત પચાવવી બહુ મુશ્કેલ હતી. એમણે પહેલી મળે એ ફલાઈટમાં અમેરિકાથી રિટર્ન આવવાનું નકકી કર્યું પણ અભીએ ના પાડી કે પહેલા તે બધા રિપોર્ટ કરાવી લે પછી જરૂર પડશે તો બોલાવી લેશે.

મુંબઈની પ્રખ્યાત ટાટા મેમોરિયલમાં અભિના પપ્પાના ખાસ મિત્ર ડોકટર હતા. એમણે એમનો સંપર્ક કરવાનું કહ્યું. અભીએ એમને ફોન કર્યો. એમણે આકાંક્ષાને ત્યાં લઈ જવા કહ્યું. અભીએ સાંજે ડિનર વખતે આકાંક્ષા ને સૌમ્યાને બધી વાત કરી. આકાંક્ષા આનાકાની કરવા લાગી કે એને ક્યાંય નથી જવું, જેટલો સમય એની પાસે છે બસ એની આ બે ખાસ સાથે જ વિતાવવો છે. પણ અભી ને સૌમ્યા ન માન્યા. બંનેએ પોતાની કસમ આપી આકાંક્ષાને મનાવી, અંતે આકાંક્ષા પણ તૈયાર થઈ.

બીજે દિવસે ત્રણેય ફલાઈટ દ્વારા મુંબઈ પહોંચી ગયા. ડૉ. શર્મા જે અભીના ફેમિલી ફ્રેન્ડ હતા, એમની મદદને લીધે ઘણી સરળતા રહી. પણ રિપોર્ટ કરાવવામાં જ આકાંક્ષા થાકી ગઈ. હવે શરીર પણ જવાબ આપવા લાગ્યું હતું. વારેવારે હાંફ ચડતી હતી. એક વખત તો એ બોલી પણ ગઈ કે એને કશું જ નથી કરવું કાલ મોત આવતું હોય તો ભલે આજ આવે. પણ અભીનું નિરાશ મોં જોઈ ફરી એ તૈયાર થઈ. બધા રિપોર્ટ કરાવ્યા. ફાઇનલ રિપોર્ટ ચાર દિવસ બાદ આવવાનો હતો એટલે આકાંક્ષા કહે એને આ ચાર દિવસ જિંદગી માણી લેવી છે પોતાના બે ખાસ મિત્રો સાથે. અભી ને સૌમ્યા પણ સહમત થયા.

મુંબઈમાં એ લોકો એક હોટેલમાં રોકાયા. અભીએ એક સ્યુટ જ લઈ લીધો જેથી એકબીજાને મળવામાં સરળતા રહે. આખો દિવસ દોડાદોડી અને હોસ્પિટલના વાતાવરણમાં રહેવાથી બધા શારીરિક અને માનસિક રીતે થાકી ગયા હતા. રૂમમાં જ ડિનર પતાવ્યા પછી અભી અને આકાંક્ષા એમની રૂમમાં આરામ કરવા જતાં રહ્યાં અને સૌમ્યા એની રૂમમાં.

આકાંક્ષા ઉપર હવે બીમારીની ખાસી અસર દેખાઈ રહી હતી. સખત થાકના લીધે એ થોડી વારમાં ઊંઘી ગઈ જ્યારે અભી બધા કેન્સરના પેશન્ટને જોઇને ગભરાઈ ગયો હતો. આકાંક્ષાની ચિંતાએ એના મગજને ઘેરી લીધું હતું અને એમાં ને એમાં એ ઊંઘી જ નહતો શકતો. એને થયું કે બહાર લિવિંગ એરિયામાં જઈને બેસે તો ત્યાં જઈને જોયું તો સૌમ્યા ત્યાં જ કોઈ વિચારોમાં ખોવાયેલી બેઠી હતી.

અભીને જોઇને સૌમ્યાની વિચારધારા રોકાઈ. અભીની આંખોમાં દેખાતી ચિંતા અને ભયને જોઇને એ ધ્રુજી ગઈ. એણે અભીને પાણી આપ્યું. પાણી પીધું ના પીધું અને અભી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. સૌમ્યાએ એને થોડો સમય એમ જ રડવા દીધો.

જ્યારે રડી રડીને અભી થોડો શાંત થયો ત્યારે એનો હાથ પકડીને ફક્ત એટલું જ બોલી શકી કે ચિંતા ના કર અભી, બધું સારું થઈ જશે. એના ધીમા અને ખોખલા આવજે ઘણું બધું કહી દીધું હતું. બંનેમાંથી કોઈનામાં આગળ બોલવાની હિંમત નહતી રહી. અભી ઊભો થઈને પોતાના રૂમ તરફ ગયો અને કંઈ યાદ આવ્યું હોય એમ પાછળ વળીને મક્કમ અવાજે બોલ્યો, "હું પ્રયત્ન કરીશ કે અક્ષીના આ ખરાબ સમયમાં હું એની તાકાત બનીને રહી શકું નહિ કે એની કમજોરી..!!"

સવારે ઉઠીને આકાંક્ષા હોટલના રૂમની બાલ્કનીમાં બેઠી. અફાટ સમંદર સામે જોઈ રહી. ઉછળતા મોજા એની જીવનના ઉતાર ચઢાવ જેવા લાગતા હતા. અભીએ પાછળથી આવી એને પોતાના બાહુપાશમાં જકડી લીધી. અભી બોલ્યો," અક્ષી શું જુએ છે ?"

" આ અફાટ દરિયો... કેવું નહિ ? અહીં કઈ કેટલુંય બદલાય પણ આ મોજાની ગતિ હંમેશા એ જ રહે છે, એને કશો ફરક નથી પડતો. એના પર તો કોઈનું આધિપત્ય નથી થયું ને નથી થવાનું. સમંદર તો નિઃસીમ ઉછળતો છે ને રહેશે, એને કોઈના હોવા ન હોવા સાથે કોઈ મતલબ નથી...", આકાંક્ષા બોલી.

અભી સહજ બોલી ગયો, " ચોખ્ખું કહી દે શું કહેવું છે તારે, આમ ગોળ ગોળ વાત ન કર.."

આકાંક્ષાએ ઘટસ્ફોટ કર્યો, "તું સૌમ્યા સાથે લગ્ન કરી લે..."

અભી બે કદમ પાછળ ફેંકાઈ ગયો...

ધુંધળું થઈ રહ્યું છે વર્તમાન હવે,
ભાવિના વર્તાય ના એંધાણ હવે,
ડામાડોળ થઈ રહી છે પરિસ્થિતિ,
પ્રશ્નાર્થ થઈ રહી જિંદગી છે હવે..

© હિના દાસા, રવિના વાઘેલા, શેફાલી શાહ