prem agan - 15 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અગન 15

પ્રેમ-અગન:-15

"આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;

રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,

કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,

ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,

શબ્દો હવે હરામ, હવે બોલવું નથી. "

સૈફ પાલનપુરી સાહેબની આ રચનાની માફક શિવ જોડે પણ પ્રેમમાં પોતે શું મેળવ્યું છે અને શું ગુમાવ્યું છે એની ઉપર એક ગ્રંથ લખવાં જેટલી વાતો હતી..શિવને શિમલામાં પગ મુકતાં જ તાજગી ની દિવ્ય અનુભૂતિ તો થઈ રહી હતી..પણ એનું કારણ આખરે શું હતું એની ગતાગમ એને નહોતી પડી રહી..બીજાં દિવસે શિવ સ્નાન કરવા બાથરૂમ તરફ જતો હતો ત્યાં અચાનક એને કંઈક એવું જોયું જેનાં લીધે એ અટકી ગયો.

શિવે ત્રિપાઈ ની જોડે આગળ વધી નીચા નમી પોતે જ્યાં ટ્રે મૂકી હતી એ ઊંચકી અને એની નીચે પડેલું ડેઈલી શિમલા નામનું ન્યૂઝપેપર હાથમાં લીધું અને એનાં ફ્રન્ટ પેજ ની નીચેની તરફ રહેલી એક ન્યૂઝ વાંચી.

શિવ જે બેચેનીથી એ ન્યૂઝપેપરમાં રહેલી એ ન્યૂઝ ને વાંચી રહ્યો હતો એ જોઈ હમીર પણ માથું લુછવાનું પડતું મૂકી શિવની સમીપ આવીને ઉભો રહી ગયો..એને પણ શિવ વાંચી રહ્યો હતો એ ન્યૂઝ વાંચવાની નિષ્ફળ કોશિશ કરી જોઈ..પણ એને ઝાઝી ગતાગમ ના પડતાં હમીર બોલ્યો.

"શિવ ભાઈ..શું થયું..?કેમ આટલાં બધાં વ્યથિત લાગો છો..?

હમીરનાં પુછાયેલાં સવાલનો શિવે ત્યાં સુધી કોઈ જવાબ ના આપ્યો જ્યાં સુધી એ સંપૂર્ણ ન્યૂઝ ના વાંચી રહ્યો..આખરે પોતાને ચકિત કરી મુકનારી એ ન્યૂઝ વાંચ્યા બાદ શિવ ન્યૂઝપેપરને હાથમાં લઈ પલંગ પર બેસી ગયો..હજુ પણ એ ન્યૂઝ ની જોડે છપાયેલાં એક ફોટોગ્રાફ ને શિવ ધારીધારીને જોઈ રહ્યો હતો..લોકલ ન્યૂઝપેપર હોવાંથી ફોટો એટલો બધો ક્લિયર તો નહોતો પણ અંદર કોનો ફોટો હતો એનો અંદાજો લગાવી શકાય એમ હતો.

"ભાઈ શું થયું..કંઈ માઠાં સમાચાર છે..?"હમીર ને શિવનું આમ નિરુત્તર થઈને બેસી રહેવું ચિંતિત કરી રહ્યું હતું.

"શ્રી..હમીર,શ્રી.."હમીર ની તરફ એ ન્યૂઝ ની જોડે છપાયેલો ફોટો લંબાવતાં શિવ બોલ્યો.

હમીર જાણતો હતો કે ઈશિતા જ પોતાનાં શિવ ભાઈ ની શ્રી છે..શિવ નાં ધડકન,હૃદય,શ્વાસોમાં સામેલ શ્રી એનાં કિસ્મત ની હસ્તરેખાઓમાં નથી એ વાતથી વાકેફ હમીર શિવનાં મોંઢે શ્રી નું નામ સાંભળી રિતસરનો ચમકી ઉઠ્યો..અચાનક શિવ આવું કેમ બોલી રહ્યો હતો એ પેલાં ન્યૂઝપેપરમાં જ હોવું જોઈએ એમ વિચારી હમીરે શિવનાં હાથમાંથી એ ન્યૂઝપેપર લઈ લીધું.

હમીરે આંખો ઝીણી કરીને ન્યૂઝ જોડે છપાયેલો એ ફોટો ધ્યાનથી જોયો..એમાં એક યુવતીને પોલીસે એરેસ્ટ કરી હતી..અને ઉપર ન્યૂઝની હેડલાઈનમાં લખ્યું હતું.

"આખરે શિમલા ની સડકો પરથી લોકોનાં પર્સ અને બેગ લઈને ભાગી જતી સનકી પાગલ છોકરી પોલીસનાં હાથે પકડાઈ.."

હમીરે તો ક્યારેય ઈશિતાને જોઈ નહોતી..પણ એને શિવને જે ફોટોગ્રાફ જોડે વાત કરતો જોયો હતો એની શકલ અને ફોટોમાં પોલીસે ગિરફ્તાર કરેલી યુવતી વચ્ચે ઘણો બધો ફરક દેખાતો હતો..પણ ચહેરે મ્હોરે એ બંને એક જ હોય એવું હમીર ને પણ લાગી રહ્યું હતું..એમ છતાં જે રીતે શિવનાં મોંઢે ક્યારેક પોતાની શ્રી નો જીકર સાંભળ્યો હોવાથી હમીર એટલું તો જાણતો હતો કે શ્રી ક્યારેય આમ ચોરી તો ના જ કરે..સાવ આવી હાલતમાં શ્રી નું અહીં હોવું એ હમીર ને વિચિત્ર લાગી રહ્યું હતું.

"પણ ભાઈ અહીં તો.."ન્યૂઝપેપર ની હેડલાઈન બતાવતાં હમીર શિવને ઉદ્દેશીને બોલ્યો.

"ખબર છે ભાઈ..કે ત્યાં લખ્યું છે કે આ યુવતી ની માનસિક હાલત ઠીક નથી..અને એ છાશવારે લોકોનાં પર્સ અને બેગ લઈને ભાગી જાય છે..એ આવું કરી એ પર્સમાંથી થોડાં રૂપિયા નીકાળી પર્સ પાછું ફેંકી દે છે..ઘણી વાર એને પકડવાની લોકોએ કોશિશ કરી છે પણ એ બચકાં ભરીને કે એમની ઉપર હિંસક હુમલો કરીને ભાગી જાય છે.."શિવ હેડલાઈન્સ ની નીચે જે કંઈપણ માહિતી હતી એ વિશે જણાવતાં બોલ્યો.

"ભાઈ એક વાત કહું..પણ ખોટું ના લગાડતાં.."શિવની તરફ જોઈ હમીર બોલ્યો.

"હા બોલ.."હમીરને પોતાની વાત રાખવાની અનુમતિ આપતાં શિવ બોલ્યો.

"ભાઈ તમે જ કહ્યું હતું કે તમારી શ્રી ઉર્ફે ઈશિતા સુખી પરિવારની છોકરી હતી..એનાં લગ્ન ખૂબ શ્રીમંત વ્યક્તિ જોડે થયાં હોવાની વાત પણ તમે મને કરી હતી..તો પછી ભાઈ એવું કઈ રીતે બને કે આવી માનસિક હાલત અને આવી સ્થિતિમાં તમારી શ્રી હોય..એમાં પણ ગુજરાતથી આટલે દૂર એનું હોવું એ અશક્ય જેવું છે.."હમીર શિવની સામે એક ખુરશી માં બેસતાં બોલ્યો.

હમીર ની વાત સાંભળી શિવ હાંફળો-ફાંફળો પલંગમાંથી બેઠો થયો અને અલમારી જોડે ગયો..અલમારી ખોલી શિવે પોતાનું વોલેટ નીકાળ્યું અને એમાંથી એક નાનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો હાથમાં લઈને હમીર ની સામે પલંગમાં બેઠો.

ન્યૂઝપેપરમાં મોજુદ એ ફોટો ને પોતાની હાથમાં મોજુદ ફોટોગ્રાફ સાથે સરખાવતાં શિવે હમીરને ઉદ્દેશીને કહ્યું.

"જો હમીર,આ છે મારી શ્રી નો ફોટો..તું આ ન્યૂઝપેપરમાં જે યુવતી છે એનો અને આ મારી જોડે રહેલ શ્રીનો ફોટો ધ્યાનથી જો..બંને એક જ છે.."

હમીરે શિવનાં કહ્યાં મુજબ કરી તો જોયું પણ ન્યૂઝપેપરમાં રહેલાં અનક્લિયર ફોટો અને આજથી પાંચ-છ વર્ષ પહેલાં ની શ્રીનાં ફોટો ની સરખામણી શક્ય નહોતી..શિવે હૃદયનાં અંતઃકરણથી શ્રી ને ચાહી હતી..એ તો પડછાયો જોઈ શ્રી ની મોજુદગી નો અંદાજો લગાવી શકે એમ હતો..જો શિવ ને એ ચોર અને પાગલ યુવતી શ્રી હોવાનું લાગી રહ્યું હતું તો એમાં કંઈક તો કારણ જરૂર જ હતું.

એકવાર તો હમીરને લાગ્યું કે ડૉકટરે કહ્યાં મુજબ શિવની માનસિક હાલત ઠીક નહોતી માટે એને અત્યારે પણ બધે શ્રી જ દેખાતી હતી..ન્યૂઝપેપરમાં દેખાતી એ યુવતી નો ચહેરો શ્રી નાં ચહેરા સાથે થોડી-ઘણી સામ્યતા ધરાવતો હોવાનાં લીધે શિવનું નાદુરસ્ત મન નકામી ગણતરીઓ કરી રહ્યું હતું એવું હમીર દ્રઢપને માની રહ્યો હતો.

"એનાં હિસાબમાં એની ગણતરીમાં,

એની ધારણાઓમાં સદાય ભૂલ હોય છે..

એ આશિક છે સાહેબ એ સાથ ના હોય તો પણ

એનાં મનમાં તો સનમની સદાય હાજરી હોય છે..."

શિવ હવે જે કહી રહ્યો હતો એ સત્ય હતું કે એનો મૃગજળ સમાન એ ભ્રમ હતો જેની હાજરી નાં લીધે રણમાં જીવવાની જીજીવિષા મળતી એની ખાતરી ત્યારે જ થઈ શકે એમ હતી જ્યારે એ યુવતી જ્યાં હતી ત્યાં જવામાં આવે..મતલબ કે શિમલા પોલીસ સ્ટેશન.

"શિવભાઈ જો તમે કહી રહ્યાં છો એવું જ હોય તો આપણે પોલીસ સ્ટેશન જઈને તપાસ કરવી જોઈએ કે ઈશિતા ભાભી ની એવી દશા કેમ થઈ છે..એમને આમ આ હાલતમાં દર દર ભટકવાનું કારણ શું છે એની જાણકારી તો એમને જ્યાં રાખવામાં આવ્યાં હશે એ પોલીસ સ્ટેશન જઈને જ ખબર પડશે.."હમીરે શ્રી ને એનાં સાચા નામથી સંબોધી કેમકે એ જાણતો હતો કે શ્રી ઉપર અને એનાં એ નામ ઉપર ફક્ત શિવનો હક હતો.

"હા હમીર..હું હમણાં સ્નાન કરીને આવું પછી આપણે શીઘ્ર નીકળીએ પોલીસ સ્ટેશન જવાં માટે.."હમીર ની વાત સાંભળી શિવ ફટાફટ ઉભો થયો ન્યૂઝપેપર હમીરનાં હાથમાં પકડાવી સ્નાન કરવાં માટે બાથરૂમ માં પ્રવેશ્યો.

શિવનાં જતાં જ હમીરે પણ વ્યવસ્થિત તૈયાર થઈ ગયો..અને શિવે મંગાવેલો ચા-નાસ્તો કરવાં લાગ્યો..હમીર નું મન કહી રહ્યું હતું કે આ એક શિવનો ભ્રમમાત્ર છે..જ્યારે એનું દિલ કહી રહ્યું હતું કે ભગવાન કરે એ પાગલ યુવતી જ એનાં શ્રી ભાભી હોય..આવી તો આવી હાલતમાં એમની સાથે કરેલી મુલાકાત માત્ર શિવનાં હૃદયની બંજર પડેલી જમીનને ભીંજવી દેશે એમાં મીનમેખ નહોતો.

આ તરફ શિવ ની હાલતનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નહોતું..બસ એટલું જ કહીશ આજે એક મજનુ પાગલ બન્યો હતો એની લૈલાને જોવાં..એક રાંઝા દિવાનો બન્યો હતો એની હિરનો દીદાર કરવાં..ફરહાત ભાન ભૂલી બેઠો હતો પોતાની સિરિન ને બાહોમાં સમાવવાં..એક રોમિયો ફરીવાર ઉતાવળો બન્યો હતો એની જુલિયેટ નાં સઘળાં દુઃખ નું કારણ જાણવાં.

મન માં ઉભરાતી લાગણીઓનાં ઘોડાપુર ને મહાપરાણે રોકી શિવ સ્નાન તો કરી રહ્યો હતો..પણ એનાં દિલમાં જે પ્રેમ-અગન લાગી હતી એનાં ફળસ્વરૂપ એની ઉપર પડતું પાણી પણ ભાપ બની ઉડી જઈ રહ્યું હતું.

"તું તૈયાર છે ને..?"બાથરૂમની બહાર નીકળતાં જ શિવ હમીર ને ઉદ્દેશીને બોલ્યો.

"હા હું તૈયાર છું..બસ તમે તૈયાર થઈ જાઓ એટલે નીકળીએ.."હમીર પ્રત્યુત્તરમાં બોલ્યો.

શિવ અરીસાની સામે ઉભો રહીને પોતાનાં શર્ટ નાં બટન બંધ કરી રહ્યો હતો ત્યાં એને પોતાની જાતને અરીસામાં જોઈ..ડાર્ક બ્લુ શર્ટ,કોટન ગ્રે પેન્ટ,હાથમાં રોલેક્સ વોચ અને ગુકી નાં શૂઝમાં મોજુદ શિવે જ્યારે આ બધી વસ્તુઓ પછી પોતાનું ધ્યાન પોતાનાં ચહેરા પર કેન્દ્રિત કર્યું ત્યારે એ મનોમન પોતાની જાતને એ વાત કહી બેઠો જે એ શ્રી ને ઘણીવાર કહેતો હતો.

"આંખ,હોઠ અને હૈયામાં હરખ લાગે છે..

એનાં મળવાનાં કોઈ ખબર લાગે છે..

આમ ના જોઈશ અરીસાને શિવ..

સાંભળ્યું છે પોતાની પણ નજર લાગે છે.."

"ચલ ભાઈ જલ્દી નીકળીએ.."માથાનાં વાળ સરખાં ઓળાવતાં શિવ બોલ્યો.

"હાલો ઝટ ત્યારે.."હમીર પણ હોંશથી બોલ્યો..હૃદયનાં ખૂણામાં હમીર ને પણ એ યુવતી ક્યાંક શિવની શ્રી જ હોય એની લાગણી સળવળી રહી હતી જે એનાં અવાજ પરથી સમજી શકાતું હતું.

હોટલનાં રૂમમાંથી નીકળી શિવ અને હમીર ટેક્સી કરી શિમલા પોલીસ સ્ટેશન જવાં માટે નીકળી પડ્યાં.. આ એક એવી સફર હતી જેની મંજીલ નો અંદાજો તો શિવે પોતાની રીતે કાઢી રાખ્યો હતો પણ એ અંદાજો ખોટો પડશે તો એની મંજીલ પહેલાંની જેમ જ અવકાશથી પણ વધુ દૂર બની જવાની હતી.

"સાહેબ,તમે અહીંનાં તો નથી લાગતાં..તો પછી પોલીસ સ્ટેશન..?"ટેક્સી ડ્રાઈવરનાં આ સવાલે શિવનું ધ્યાન ભંગ કર્યું.

"અરે એ તો બસ એમજ..થોડું કામ છે.."શિવનાં વતી જવાબ આપતાં હમીર બોલ્યો.

"મને એમ કે પેલી ગાંડી તમારું કંઈક લઈને ભાગી ગઈ હશે..તો એ પકડાઈ ગઈ હોવાનું જાણી તમે એ લેવાં જાઓ છો.."ટેક્સી નો ડ્રાઈવર બોલ્યો.

એની વાત સાંભળી હમીરને લાગ્યું કે આની જોડેથી એ પાગલ ચોર યુવતી વિશે થોડી જાણકારી મેળવી શકાશે..એટલે જ હમીરે એને ઉદ્દેશીને પૂછ્યું.

"ભાઈ તમે જે ગાંડી ની વાત કરો છો એ અહીંની રહેવાસી છે..?"હમીરે મુદ્દાનો સવાલ પૂછ્યો હતો જેનાં જવાબ પર શિવની સઘળી ધરણાઓનો મદાર હતો.

"ના સાહેબ..એ ગાંડી અહીંની તો નથી..પણ એ ક્યાંથી આવી એની કોઈને ખબર નથી..લગભગ સાત-આઠ મહિના પહેલાં એ શિમલા આવી હતી..બસ શરુવાતમાં તો એ લોકો જોડે કંઈક ખાવાનું માંગતી રહેતી..લોકો જે કંઈપણ આપે એ ખાઈ લેતી..પણ અમુક દિવસથી એનો દીદાર જોઈને લોકો એને કંઈ આપવાનાં બદલે એને હડધૂત કરી દેતાં..બસ પછી તો ખબર નહીં એને શું થયું અને એ લોકોનાં પર્સ કે બેગ જે હાથમાં આવે એ લઈને નાસી છૂટતી..કોઈ એને પકડવા જતું તો પથ્થર ફેંકી હુમલો કરતી કે પછી બચકાં ભરતી..એ ચોરી તો કરતી પણ પર્સમાંથી થોડાં પૈસા લઈ રસ્તામાં ફેંકી દેતી..એ પૈસામાંથી એ જમવાનું ખરીદીને ખાતી..એનો ચોરી કરવાનો ઉદ્દેશ ફક્ત ભૂખ સંતોષવા હોય એવું લાગે છે.."હમીરનાં સવાલ નો જવાબ આપતાં એ ટેક્સી ડ્રાઈવર બોલ્યો.

આ સાંભળી શિવ અને હમીરની આશાઓ જીવંત રહી ગઈ..એટલામાં પોલીસ સ્ટેશન આવી ગયું..શિવે ટેક્સીનું ભાડું ચુકવ્યું અને પોતાની જીંદગીનાં સૌથી મોટાં આશ્ચર્ય નો સામનો કરવાં પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો.

"રુપ, વૈભવ કે પ્રણયના કોઈ આકર્ષણ વિના,

હું સતત ખેંચાઉ છું તારા તરફ કારણ વિના.

તારાં દીદાર માટે હું આવી પહોંચ્યો એવી જગાએ..

જ્યાં તન અને મન વજનદાર લાગે કોઈ ભારણ વિના.."

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

એ પાગલ ચોર યુવતી જ શ્રી હતી..?જો એ સાચેમાં શ્રી હતી તો એની આવી હાલત પાછળનું કારણ શું હતું..?શિવ અને શ્રી ની પ્રેમકહાની કેવાં સંજોગોમાં આગળ વધશે..?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED