મુજાહિદ ખાન Sapana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુજાહિદ ખાન

હું મુજાહિદ ખાન. ૧૧ મી ફેબ્રુઆરી એ મારું મૃત્યુ થયું છે. હું જીવિત નથી. પણ મારે કૈંક કહેવું છે તેથી હું આપની સમક્ષ હાજર થયો છું.હું બિહારના આરા જિલ્લાનો પીરો ગામનો રહેવાસી હતો.બાળપણ થી જ દેશપ્રેમ મારી નસ નસમાં સમાયેલો હતો. ગાંધીજી, વિવેકાનંદ, સરદાર પટેલ અને ભગત સિંહના પાઠ ભણીને મોટો થયો.મારા મનમાં હમેશા વતનપ્રેમના ગીતો ગુંજતા! મેરે દેશકી ધરતી, એ મેરે વતનકે લોગો, તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમે હૈ!


મારા મિત્રો ને હું હમેશા કહેતો મારે ફોજમાં દાખલ થવું છે મારે વર્ધી પહેરીને પહેલા માભોમને પછી મારી માને સલામ કરવી છે.મારે વતન માટે જાન દેવી છે.મારી બાળપણની વાત ને લોકો મજાકમાં ઉડાડી દેતા પણ મારે વતન માટે જાન દેવી હતી, મા ભોમ માટે ફના થવું હતું.
વીશ વરસનો હું. જવાની હજુ ફૂટી હતી. જીણી જીણી મૂંછ અને જીણી જીણી દાઢી હજુ ચહેરા પર કબજો જમાવી શકી ના હતી. આર્મી મા દાખલ કરવા માટે પીરોમાં આર્મીના લોકો આવ્યા. તો સૌથી પહેલા હું પહોંચી ગયો. અને મારી જવાની જોઈ કેપ્ટને મને પસંદ કરી લીધો. ખૂબ ગરીબ પરિવારમાં મારો જન્મ અને બે મોટા ભાઈ હું અને એક નાનો ભાઈ તથા મારા માતા પિતા! જ્યારે બધા નવયુવાન આઈ ટી કે ડોકટરીનુંભણતા હતા ત્યારે વીશ વરસની ઉમરે મેં આર્મી માં જવાનું નક્કી કર્યુ. માએ દિલ કઠણ કરી લીધું. અબુ એ પણ આંખમાં પાણી સાથે અનુમતિ આપી. ભાઈઓ એ તો કલેજાથી લગાવી દીધો. મારું ગામ નાનું પણ ખૂબ એકતા વાળુ છે. લોકો પાદર સુધી વળાવવા આવ્યા. મા એ ગળામાં ફૂલોનો હાર પહેરાવ્યો. અને હું મારા ગામની માટી સર પર ચડાવી નીકળી પડ્યો. મારી જવાંમર્દી અને મારી બહાદૂરી જોઈ થોડા સમયમાં મને સી આર પી ઍફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ૪૯ મી બટાલીયન માં ભરતી કરી લીધો.મારી ટ્રેનીંગ કેરલ ના પલીપુરમ ગામમાં થયેલી. હજુ મને છ મહીના જ થયા હતા કે મને કાશ્મીરમાં બદલી થઈ હતી.પાકિસ્તાનના ઘણાં છમકલા થયા કરતા પણ કાશ્મીરની એક ઇંચ જમીન પાકિસ્તાનને હવાલે કરી ના હતી. ભાઈ, પાકિસ્તાન પોતે ભારતનો એક ભાગ હતો એ વાત ભૂલી જઈને હવે કાશ્મીર અમારું છે એ વાત ગળે ક્યાંથી ઉતરે? આ તો જાણે નાના બાળકો લગીઓનો ભાગ કરવા બેઠા હોય એવી વાત કરે છે.

એ તારીખ મને બરાબર યાદ છે. એ હતી ૧૧ મી ફેબ્રુઆરી! ભલા પોતાના મોતની તારીખ કોણ ભૂલી શકે! મારી શ્રીનગરના કરણ નગરની સરહદ પર પોસ્ટીંગ હતી.અમારા કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. સંત્રીઓ એ એમને રોકવાની કોશિશ કરી પણ એ લોકો કેમ્પમાં ઘુસી આવ્યા હતાં. આ બન્ને આતંકી એક ઇમારતમાં ઘુસી ગયાં હતાં અને હું અને મારો સાથી એ આતંકીઓને જડબેસલાક સામનો કરી રહ્યાં હતા.અમે એ ઈમારતને ઘેરી લીધી હતી.પણ આતંકીઓએ ગોળીબાર ચાલુ કર્યો અને દેશને બચાવતા બચાવતા હું દેશની જમીન પર ઢળી પડ્યો.મારી નજર સામે મારી જનેતા મા અને પિતાનો ચહેરો આવી ગયા. પણ માભોમ માટે જાન દેવાનો મોકો મળ્યો તે મારા માટે ગર્વની વાત હતી. મેં ખૂબ મહેનતથી વતનની માટી મારા માથા પર નાખી અને જ્ય હિન્દ કહી પ્રાણ છોડી દીધા.

આજ મારું પાર્થિવ શરીર આરા લાવવામાં આવ્યું છે. આરાની આસપાસ ના બધા ગામડાઓમાં થી માણસોની મેદની જમા થઈ ગઈ છે. ' મુજાહિદ ઝિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ' 'મૈ ભારતકા વિર જવાન હું , ના હિન્દુ ના મુસલમાન હું' ના નારાથી આકાશ ગુંજી ઊઠ્યું હતું. જબ તક ચાંદ સૂરજ રહેગા, મુજાહિદ તેરા નામ રહેગા. આ સાંભળીને મારું નિર્જીવ શરીર પણ ગર્વથી તડપી ગયું.

મારા પાર્થિવ શરીરને આરા લાવવામાં આવ્યું. અને મારા ઘરની સામે મારું કોફીન રાખવામાં આવ્યું. જ્યાં મારી મા આવી મારા કોફીનને વીંટળાઈ વળી અને મારા અબુ મેરા મુજાહિદ મેરા બચ્ચા કહેતે રહે. આરા અને આસપાસના લોકો પીરો ગામના લોકો મારા મય્યતમાં શામિલ થઈ ગયા. મારા દોસ્ત સાજીદ આલમ અને મહમદ પણ હાજર હતા.મને રાષ્ટ્રીય સલામી આપવામાં આવી.


પણ આ શું? મારા મય્યતને સલામી આપવા બિહાર ના ડી એમ, કોઈ મંત્રી કોઈ કોઈ એસ પી કેમ દેખાતા નથી? સેનાએ સલામી આપી પણ આ રાજ નેતા ક્યાં ગયા? શું મારી કુરબાની એળે ગઈ શું મારી ઉપેક્ષા કરવામાં આવી? શા માટે? ખુદ મંત્રી નીતીશકુમારે મારી શહાદતની ઉપેક્ષા કરી. આર કે સિંગ, વિનોદ સિંગ વગેર મહા શિવરાત્રિ ઉજવાવામાં મગ્ન હતાં ત્યારે મારા ગામના લોકો મારા દફનની તૈયારી કરી રહ્યા હતા. મને પીરોનાકબ્રસ્તાનમાં દફન કરવા માટે આખા જિલ્લાના લોકો મોજૂદ હતા. સિવાય મારા રાજનૈતિક નેતાઓ અને અને ડી એમ, એસ પી વગેરે ક્યાં ગાયબ થઈ ગયા? પણ મારી ગરીમા માં જરા પણ ફરક નહીં પડે.દેશ માટે મે જે કુરબાની આપી એમાં જરા પણ ફરક નહી પડે પણ આ રાજનેતાનાચહેરા ઉપર એક તમાચો છે.

ઓહ મારું નામ મુજાહિદ ખાન છે. હું ભૂલી ગયો. હું મુસલમાન છું. મારું લોહી સફેદ છે કદાચ! પણ મને બરાબર યાદ છે મારી સાથે સુરેન્દ્ર મારો મિત્ર શહીદ થયો એનું લોહી અને મારું લોહી સરખુ જ હતું લાલ. લાલ લોહી મે વહેતા જોયું છે, અમારા બન્નેનું લોહી એક થઈને કાશ્મીરની બર્ફીલીજમીન પર વહેતા મે જોયું છે.હું પણ મારી અમ્મી નો લાલ અને એ પણ એની મમ્મી નો લાલ એ પણ દેશ માટે ફીદા થયો હું પણ!!તો પછીમારા મય્યતની આટલી ઉપેક્ષા શાને?હું મુસલમાન છું પણ મે ભારત દેશ માટે જાન આપી છે. હું ભારતીય પહેલા પછી હું હિન્દુ કે મુસલમાન છું!અને મારી સાથે બીજા ૪૪ જવાન શહીદ થયા એમા બાવીસ મુસલમાન હતા, અડધો અડધ મુસલમાન, એમ છતાં કે મુસલમાન માઇનોરિટી માં ગણાય છે.છે છતાં સરહદ પર મરવા વાળા અડધો અડધ મુસલમાન હતા!

કોઈને દેશ ભક્તિનું પ્રમાણ આપવું હોય તો આનાથી વધારે ક્યું હોય કે જે જવાન વંદે માતરમ્ કરતો ગયો તેની લાશ આવી છે. એ કોઈ મા નીઆંખનું રતન.


હોય છે આંસું મા પણ અગન કોણ માનશે?
તોય હસતાં રહે છે વદન કોણ માનશે?

મા કરી નેજવું દીકરાની છે રાહમાં,
કેટલાં એ કરે છે જતન કોણ માનશે?


લાશ આવી છે સરહદથી લોહી લુહાણ જે
કોઈ માની આંખનું એ રતન કોણ માનશે?


પણ શું એવા દેશ માટે જાન આપી જે ધર્મને દરેક વાતમાં લાવે છે. મે શું એવા દેશ માટે જાન આપી કે જેમા વોટ મેળવવા માટે પોતાના જવાનો ની જાન સાથે પણ ખેલી જાય છે? અને પોતાના જવાનોની શહાદતની ઉપેક્ષા કરે છે? મારા ભાઈને પાંચ લાખનો ચેક સરકાર તરફથી આપવામાં આવ્યો જે મારા ભાઈ એ સ્વીકાર્યો નહીં એમ કહી ને કે મારો ભાઈ દારુ પી ને નથી મર્યો એ આતંક વાદી સામે લડતાં લડતાં મર્યો છે. બીજા સૈનિકને અગિયાર લાખનો ચેક અને મારા ભાઈની જાનની કિમત પાંચ લાખ આવો અન્યાય શા માટે? આટલો ઘોર અન્યાય હોવા છતાં મારા પીરો ગામના જવાનો પાકિસ્તાન સામે લડવા તૈયાર છે અને પાકિસ્તાનને કરારા જવાબ આપવા તૈયાર છે. મુજાહિદની કુરબાની એળે ના જવી જોઈએ મારા મિત્રો. ઉઠાવો શસ્ત્રો અને મા ભોમ કાજ લડી મરો. મુજાહિદ અમર રહો. અને અમર રહેશે!

પીરો ના કબ્રસ્તાનમાં મારા પાર્થીવ શરીરને દફનાવવામાં આવ્યું. હું માટીનો માનવી માટીમાં મળી ગયો. મારા વતનની માટીમાં હું મળી ગયો. પણ રાજકર્તાઓના ચહેરાઓને બેનકાબ કરી ગયો. પણ હું મારા નવજવાનો ને વતનપરસ્ત બનવા અને મા ભોમની રક્ષા કરવા વિનંતી કરીને જાઉં છું. એક દિવસ આવશે ..એક દિવસ આવશે જ્યારે માભોમ ફક્ત લોહી નો સ્વીકાર કરશે. ચાહે એ કોઈ પણ ધર્મનું હોય!! " કર ચલે હમ ફીદા જાનો તન સાથીઓ અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ."

સપના વિજાપુરા