સપ્રેમ ભેટ ! - 1 Bharat Pansuriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપ્રેમ ભેટ ! - 1

આજે વિનયની બાઈક સર્વિસ માટે ગેરેજ માં હતી. આથી તે ઓફિસેથી ઘરે જવા માટે બસ સ્ટેન્ડ ઉપર ઉભો હતો. થોડાક સમય પછી આજુબાજુની પબ્લિક ઉપર નજર પડતા તેને કૉલેજ ના દિવસો યાદ આવ્યા. આવી જ રીતે તે કૉલેજ જવા મિત્રો સાથે બસ સ્ટેશન પર ઉભો રહેતો. કાલુપુર નું બસ સ્ટેન્ડ તેનું વાયા જંકશન હતુ. એટલે કે ઘર થી સીધી બસ દર દસ મિનિટે આવતી તેથી તે કાલપુરની બસમાં બેસી જતો અને કાલુપુર થી બીજી બસમાં કોલેજ જતો, વધારે પૈસા બગાડવાનો કોઈ સવાલ જ હતો નહીં બસનો પાસ જો કઢાવેલો આવેલો હતો. કોલેજથી છૂટીને તેવી જ રીતે તે બધાં બધા મિત્રો સાથે પાછો ફરતો. જો વેલા છૂટ્યા હોય તો બે કલાક બસ સ્ટેન્ડ પર જ મસ્તી કરવામાં પસાર કરી નાખતા. પછી ભલેને બસ આવે ને જાય આપણને શું ફરક પડે છે 'બસ ને છોકરી! એક જાય તો બીજી આવે' એવું તો વટ થી અમે માનનારા હતા. ત્યાં એક નવી સ્કોડા ગાડી આવીને પાસે ઉભી રહે છે ને વિનય ની યાદો પર બ્રેક લાગે છે. આવી રીતે તેની પાસે ગાડી આવીને ઊભી રહી તે જોઈને વિનયને થોડી નવાઈ લાગી. વિનય બાજુનો ગાડીનો કાચ નીચે થયો.

"હેલો વિનય !" અંદરથી એક યુવતી બોલી.

" અરે મિરાલી તું !, કેમ છે ?"

" બસ ફાઈન અને તું"

"જેવો હતો તેવો જ છું" વિનયે હસતા કહ્યું.

ના તુ બદલાઈ ગયો લાગે છે હવે તું પહેલા કરતા હૅન્ડસમ લાગે છે, શેની અસર છે? મિરાલીને પુછવાનું મન થયું પણ અહી અજુગતું લાગશે તેવું માની ટાળી નાખ્યું.

" ચાલ તને છોડી દઉં, કઈ બાજુ જવાનું છે? "

" મારે ઘર તરફ જવાનું છે બાપુનગર " વિનયે લિફ્ટનો સ્વીકાર કરતા બોલ્યો. નિરાલી તે પણ સુંદરતા અકબંધ રાખી છે જો કે તું પહેલા કરતા વધારે ગોર્જિયસ લાગે છે. વિનય મનમાં ને મનમાં એની પ્રસંશા કરી રહ્યો હતો. વિનય ગાડીમાં પ્રવેશયો. દરવાજા નો કાચ ઉપર થયો. નિરાલી એ ગાડી સ્ટાર્ટ કરી બસ સ્ટેન્ડની બાજુમાં ત્રણ ચાર છોકરાઓ તેની તરફ જોઈ રહ્યા હતા એકબીજાને કાનમાં કશું કહી રહ્યા હતા તેના ઈશારા વિનય સમજી ગયો. થોડો ગુસ્સો આવ્યો પણ તરત જ તેને યાદ આવ્યું કે કોલેજના સમયમાં તે પણ મિત્રો સાથે આવી મશ્કરી કરતો હતો. વિનયને અહેસાસ થયો કે 'સાલું ! બીજાની મશ્કરી કરીએ ત્યારે મજા આવે અને જયારે આપણી મશ્કરી થાય ત્યારે કેવું ઓકવર્ડ લાગે'. ગાડીમાં ફુલ એસી હતું સાંજના સમયમાં વાહનોની અને માણસોની વધુ પડતી અવરજવરને કારણે સ્ટેન્ડ ઉપર ઊભા-ઊભા વિનયને ઉનાળાના ઉકળાટમાં માથા પર પરસેવો વળી ગયો હતો. ધીરે ધીરે આ પરસેવાનાં બિંદુ ઠંડકને કારણે સુકાઈ રહ્યા હતા. 'ભગવાનનું પણ કરવું અજીબ છે જેને આપણે પામી શકતા ન હોય તેને જ આપણા જીવન માં કોઈક ને કોઈક રીતે દેખાડે છે અને આપણને બેચેન કરી દે છે. ૨૦૦૭ માં કોલેજ લાઈફ પુરી થઈ અને ઝીંદગી ની ખરી લાઈફ શરૂ થઈ ગઈ. અને આટલા વર્ષો પછી ફરી મિરાલી સાથે આકસ્મિક મુલાકાત થઇ છે. ખેર! જે હોય તે ' વિનય વિચારી રહ્યો હતો.

"આઠ વર્ષ થયાં હશે ! વિનય છેલ્લે આપણે મળ્યા એના" આખરે મિરાલી બોલી. તેને ખબર હતી તે સ્વભાવે સરળ, વિવેકી અને હોશિયાર હતો. તેથી સ્કૂલમાં તે સાથે હતા પણ અલગ-અલગ કોલેજમાં એડમિશન હોવા છતાં અને નવા મિત્રો બન્યા બાદ પણ તેમની બંને વચ્ચે મિત્રતા કાયમ રહી હતી. મિરાલી ને તેથી આજે પણ વિનય પ્રત્યે માન રહ્યું હતું.

"હા, કદાચ !" વિનય મિરાલી ના પ્રશ્નો ઉત્તરમાં માત્ર આટલું જ બોલ્યો.

"કદાચ નહીં ચોક્કસ છે કેમકે મારા લગ્નના સાત વર્ષ થઇ ગયા, તું કહે લગ્ન કર્યા છે કે નહીં ?" મિરાલી એ બીજો પ્રશ્ન કર્યો.

"નહીં, લગ્ન કરવા માટે સારું પાત્ર તો મળવું જોઈએ જે આપણા પાત્રમાં ફિટ બેસે, અત્યારે તો નવા ઈમ્પોર્ટેડ પેકેટમાં તકલાદી વસ્તુની રજૂઆત થાય છે" વિનય ખિન્નતા વ્યક્ત કરી.

"નવા ઈમ્પોર્ટેડ પેકેટમાં તકલાદી વસ્તુ, વાહ!" મિરાલી બોલી ને હસી પડી. વિનયની અમુક બાબત ને વાતમાં રજૂ કરવાની આ અનોખી સ્ટાઈલ હતી. કોલેજના કમ્પાઉન્ડમાં કે બસમાં જ્યારે વિનય બોલતો ત્યારે ત્યારે ગ્રુપ ના બધા લોકો ઇન્ટ્રેસ્ટ લેતા. તેમાં ક્યારેક હસવા મળતું અને ક્યારેક નવું જાણવા પણ. મિરાલીને હસતી જોઈને વિનય પણ હસી પડ્યો.

"અચ્છા ! હું તો અહીં ઘણીવાર નીકળી છું. પણ બસ સ્ટેન્ડ ઉપર તને પહેલી વાર જોયો" મિરાલીએ હસવું રોકી પૂછ્યું.

"એક્ચ્યુલી, આજે બાઇક સર્વિસ માટે ગરાજમાં આપેલ છે. મારી અહીંયા કાલુપુરની અંદર ખાડિયામાં જ પેપરની શોપ છે. પારીજાત પેપર્સ."

"મતલબ કે એક કવિ હવે વેપારી થઈ ગયો છે" મિરાલી બોલી ગઈ તે જાણતી હતી કે વિનયને કવિતા લખવાનો બહુ શોખ હતો. કોલેજના સમયમાં તેને ઘણી સારી કવિતાઓ લખેલી.

"બસ એવું જ કંઈક છે પેનનો તો બહુ ઉપયોગ કરી શક્યો નહીં પણ પેપરના ઉપયોગે મને વેપારી બનાવી દીધો."

"હવે કવિતા લખે છે કે નહિ? " મિરાલી એ પૂછ્યું.

"ના, હવે નથી લખતો. કવિતાના ભાવાર્થ સમજે એવા લોકો હવે ક્યા રહ્યા છે." વિનયે દિલની વાત કહી દીધી. મિરાલી પણ ચૂપ થઈ ગઈ. તેને અહેસાસ થયો કે આ બાબત તેને પણ લાગુ પડે છે.

"છોડ, મારી વાત ! તારી જણાવ, તારા હસબન્ડ શું કરે છે ? તારા માટે ટાઇમ તો કાઢે છે કે પછી બધો ટાઇમ બિઝનેસ ને ? " વિનયે વાતાવરણની ગંભીરતા હળવી કરવા પૂછ્યું.

"તેમની નવરંગપુરામાં એડવર્ટાઈઝિંગ કંપની છે. તેમને તો ટાઈમ મળતો નથી પણ હું ક્રિએટિવ હેડ ની ફરજ માં છું. તેથી હું તેમની સાથે અમુક કલાક નો ટાઈમ મેળવી લઉં છું. બાકી આમ તો તે મારી દરેક બાબત માટે કાળજી રાખે છે." મિરાલી એ વાત પૂરી કરી. વિનય સામે નજર કરી. વિનયનું ધ્યાન ત્યાં ગાડી બહાર ટ્રાફિકમાં અટવાયેલું હતું. મિરાલીને થયું કે કદાચ વિનયને તેના ઘરની વાત સાંભળવામાં રસ નથી.

"સારુ કહેવાય, હું તો કહું છું કે બહુ સારું કહેવાય. જનાબ! કલાની કદર જાણે છે અને કલાકારની પણ. આમ પણ તું કોલેજમાં નાટકો અને વકૃત્વસ્પર્ધામાં આયોજનનો કાર્યભાર સંભાળતી હતી. તું અત્યારે પણ ક્રિએટિવિટી સાથે જોડાયેલી છે. જાણીને આનંદ થયો. ધૅટ'સ ગુડ, વેરી ગુડ." વિનયે મિરાલીની પ્રસંશા કરી.

"થેન્ક્સ ! મિરાલી ફક્ત આટલું જ બોલી શકી. ગાડી ટ્રાફિકમાં અટવાઈ હતી. આગળ વાહનોની લાંબી લાઈન લાગી હતી. મિરાલી વિનયની તરફ જોઈ રહી હતી. વિનયની માસૂમિયત અને નિખાલસ વ્યક્તિત્વ તેની આંખો થી ઝળકી રહ્યું હતું. પાછળથી ગાડીના હોર્નનો જોર થી અવાજ આવ્યો. મિરાલી ઝબકી ગઈ. તેણે નજર આગળ કરી વાહનોને ટ્રાફિક ધીરે ધીરે ઓછી થઇ રહી હતી. તેણે ગાડીને આગળ વધારી. મિરાલીને થયું શાથી તેની નજર વિનય પર અટકી ગઈ હતી ?. બંને હવે ચૂપ હતા. વાતનો કોઇ વિષય યાદ આવતો ન હતો. વિનયની નજર પણ બહારથી અંદર તરફ પડી. વિનય મિરાલી ને જોવામાં મશગુલ આંખોને મહાપરાણે ઝુકાવી દીધી. તેને ખ્યાલ આવ્યો કે હવે આ હક તેની આંખોને નથી રહ્યો.

"આગળ એપ્રોચ હાઇવે પર ઉભી રાખજે." વિનય વિચારોમાંથી જાગી બોલ્યો.

"તું અહીં રહે છે ? " નિરાલી એ જાણવા ખાતર પૂછ્યું.

"ના, મારું રહેવાનું તો ઉત્તમ નગર છે. અહીં ગરાજમાંથી બાઈક લેવાની છે." રસ્તાની સાઇડમાં કાર ઉભી રાખી. મિરાલીએ વિનયને કશુંક કહેવું હતું. પણ શું કહેવું ? તે તેના વિશે સ્પષ્ટ ન હતી. વિનય મેળવીને સામું જોયું અને હળવું સ્મિત કર્યું.

"બાય, મિરાલી ! થેન્ક્સ ફોર લિફ્ટ " વિનય આટલું બોલી દરવાજો ખોલ્યો.

"મોસ્ટ વેલકમ, બાય !" મિરાલીએ પણ સ્માઇલ સાથે કહ્યું. વિનયે બહારથી હાથ હલાવ્યો અને ગેરેજ તરફ ચાલતો થયો. નિરાલી અંદર હાથ હલાવતી રહી ગઈ.

(ક્રમશઃ )

*****

વાચક મિત્રો, ઘણા સમય પછી મારા શોખ ને ફરી થી ઉજાગર કરી રહ્યો છું. જો કહાની માં કોઈ ભૂલ-ચૂક રહી ગઈ હોય અથવા આપનો કોઈ અભિપ્રાય હોય તો કોમેન્ટ આપવા વિનંતી છે, આભાર !

bharatpansuriya17@gmail.com