Saprem Bhet - 2 books and stories free download online pdf in Gujarati

સપ્રેમ ભેટ ! - 2

વિનયની પહેલીવાર નજર મિરાલી ઉપર ધોરણ 12 માં પડી હતી. જયારે તેની જ બાજુની જ બેંચ પર મિરાલી તેની બહેનપણીની બાજુમાં આવીને બેસી, ત્યારે વિનયની અને મિરાલીની આંખ મળી હતી. એની નજર ક્યારેક બોર્ડ ઉપર તો ક્યારેક બાજુમાં, પણ જ્યારે મિરાલી સાથે તેની નજર એક થઈ જતી ત્યારે તેનું મન પ્રફુલ્લિત થઇ જતું. આવો સિલસિલો હંમેશ માટે થઈ ગયો હતો. પછી વિનય જ્યારે કોલેજમાં આવ્યો, અહીં સ્વતંત્ર વાતાવરણ હતું. છોકરા-છોકરીઓ બિન્દાસ એકબીજા સાથે ફરતા. વિનયે પણ મિરાલી સાથે ધીરે-ધીરે વાત કરવી શરૂ કરી દીધી. કોલેજની બસમાં પ્રોફેસર કે પછી કોઈ વિષય કેવો ફાવે છે. તેના વિશે બંનેમાં વાત થતી રહેતી. બંને હવે ખાસ મિત્ર બની ગયા હતા. વિનયે પહેલા વર્ષથી જ પેપર કંપનીમાં જોબ ચાલુ કરી દીધી હતી. વિનય ઘરની પરિસ્થિતિ જાણતો હતો, તેથી પરિવાર પર વધુ બોજ નાખવા માગતો ન હતો. કોલેજની સાથે-સાથે નોકરી કરી તેનો ખર્ચો કરતો અને બચાવેલાં પૈસા ઘરે આપતો. વિનય ના ગ્રુપ માં ઘણા છોકરા-છોકરીઓ હતા, પણ તેના દિલમાં મિરાલી વસી ગઈ હતી. તેની કોલેજની થોડે દૂર જ મિરાલીની કોલેજ હતી. કોલેજમાં વિવિધ ડે ઉજવાતા હતા, ત્યારે મિરાલીને સાડી તેમજ ટ્રેડિશનલ ડ્રેસ માં જ્યારે જોતો, ત્યારે તો વિનય ઘાયલ થઇ જતો. ત્યાં નજીક આવેલા ગાર્ડનમાં ગ્રુપના બધા શેરો-શાયરી-જોક્સ માં વ્યસ્ત હોય, ત્યારે તેની નજર ફરી ફરીને મિરાલી પર જ જતી હતી. મિરાલીની સાદગી અને તેનો સ્વભાવ જ વિનય માટે આકર્ષણ હતું. વિનયની લાગ્યું કે તેને પ્રેમ થઈ ગયો છે પણ...!

મિરાલી પૈસાવાળા ઘરની છોકરી હતી. છતાં ક્યારેય તેમાં ઘમંડ કે ફેશનેબલ બની ફરવાની આદત ન હતી. પણ વિનય જ્યારે પોતાની અવલોકન કરતો ત્યારે ખુદને આર્થિક રીતે નિમ્ન-વર્ગનો વ્યક્તિ છે, તેવો એહસાસ થતો. કોલેજમાં કેટલીય પૈસાવાળા બાપના નબીરા આવતા, કોઈ ફોરવીલર તો ઘણા બધા વિદ્યાર્થીઓ સ્ટાઇલિશ બાઈક લઈને આવતા. જ્યારે પોતાની પાસે તો સાદુ ટુ-વ્હીલર પણ ન હતું. ઘર પણ એક નાનું રૂમ-રસોડાનું જ હતું જેમાં ઉપર છાપરા લગાવેલા હતા. આવી સ્થિતિમાં તે મિરાલીને કેવી રીતે ખુશ રાખી શકે?. આ જ બાબત તેને પરેશાન કરી નાખતી. આથી તેમની સામે પ્રેમનો પ્રસ્તાવ કરવાની હિંમત ન કરી શક્યો. આખરે વિનયે નક્કી કરી નાખ્યું ગમે તેમ કરીને, તે ખૂબ મહેનત કરી કેરિયર બનાવશે. પોતાને મિરાલીને લાયક બનાવશે પછી જ પ્રેમનો પ્રસ્તાવ રજૂ મિરાલી સમક્ષ રજૂ કરશે. તે પણ જાણતો હતો કે કોલેજ લાઈફ તો જલસા કરવાની મજા માણવાની હોય છે. અત્યારે તો ' પ્રેમ શું છે? ' એ કોઈ જાણતું નથી કે જાણવા માગતું પણ નથી. બસ પ્રેમના નામનો ઉપયોગ કરી છોકરા-છોકરીઓ આડકતરી રીતે એકબીજા સાથે ફરવાની મજા માણતા હોય છે. વિનય આ ગાડરિયા પ્રવાહ ભળવા માંગતો ન હતો. પોતાનો રસ્તો પસંદ કરી તેના પર ચાલવા માંગતો હતો. કોલેજનાં ત્રણ વર્ષ પુરા થવા આવ્યા હતા. આ ત્રણ વર્ષમાં સારો એવો અનુભવ અને પૈસા ભેગા કરી દીધા હતા. આ ફાઇનલ પરીક્ષા પૂરી થયા ગયા પછી તે પોતાની પેપરની શોપ શરૂ કરવા માંગતો હતો. તેની પણ તેણે પૂરી તૈયારી કરી લીધી હતી. આજે યુનિવર્સિટી પરીક્ષા નો પહેલો દિવસ હતો. વિનયનો નંબર સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આવ્યો હતો. તે કોલેજના કમ્પાઉન્ડમાં બુક લઇને રીવીઝન માટે નજર મારી રહ્યો હતો. ત્યારે ગેટ આગળ ગાડી આવીને ઊભી રહી. તેમાંથી મિરાલી ઉતરી, કેટલાય દિવસથી પરીક્ષાની તૈયારીમાં મિરાલીને જોઈ ન હતી. મિરાલીને જોઈને વિનયને પરીક્ષાનું બધું ટેન્શન ઉતરી ગયું. ગાડીમાંથી મિરાલીના પાપા પણ બહાર આવ્યા. બને વાતચીત કરતાં ગેટ ની અંદર પ્રવેશ્યા, દૂરથી એમને આવતા જોઈને થોડું સાઈડમાં ખસી પાછળ તરફ ફરી ગયો. અને ફરીથી બુક વાંચવા લાગ્યો. વિનય મનોમન ભગવાનને 'થૅન્ક્સ' કહી રહ્યો હતો. થોડીવાર થઈ ત્યાં વિનયના ખંભા પર કોમળ હાથ પડ્યો, વિનય પાછળ ફર્યો.

"મિરાલી !" વિનય આટલું જ બોલ્યો ત્યાં મિરાલી બોલી.

"મારી સાથે પપ્પા ને જોઈ ને પાછળ ફરી ગયો હતો ને ? મેં જોઈ લીધું હતું, તેમની ઓફિસ આ તરફ છે, એટલે મને ડ્રોપ કરવા આવ્યા હતા. બાય ધ વે, કેવી છે પરીક્ષાની તૈયારી?"

"ઠીક છે, એને તારી?" વિનયે મિરાલીના પપ્પા ની ગાડી દૂર જતા જોઈ હાશકારો અનુભવ્યો.

"મારી તૈયારી પણ ઠીક છે, હમણાં જ મારી માસીની ડોટરના લગ્ન ગયા, તેથી વધારે ટાઈમ મળ્યો નથી."

"તો તે બહુ મજા કરી હશે ને? વિનયે રસ દાખવતા પૂછ્યું.

"હા, તે મારી ખાસ ફ્રેન્ડ પણ છે, એની દરેક ખરીદી વખતે મારે પણ સાથે જવાનું થતું, મજા તો બહુ આવી પણ મજા સજા ન બની જાય એનું મને ટેન્શન છે" મિરાલીએ ચિંતા વ્યક્ત કરી.

"ડોન્ટ વરી !, આ વખતે તો બધા પેપર્સ સાવ ઇઝી નીકળવાના છે" વિનયે મિરાલીનું ટેન્શન દૂર કરવા કહ્યું.

"સાચે જ !, તને કેવી રીતે ખબર પડી?" મિરાલીના ચહેરા પર ખુશી લહેરાઈ.

"અરે ના બાબા, હું તો મજાક કરું છું. મને કેવી રીતે ખબર પડે, પણ તું ટેન્શન ના લે. આ વખતે પણ તારા બધા પેપર સારા જવાના છે, એ મને ખબર છે" વિનયે મિરાલીનો આત્મવિશ્વાસ વધારવા કહ્યું. વિનય જાણતો હતો કે વિનયે પહેલેથી જ હોશિયાર છે. તેને બંને વર્ષમાં ફર્સ્ટ ક્લાસ આવેલો છે. જ્યારે પોતે જોબના ચક્કરમાં માંડ માંડ સેકન્ડ ક્લાસ લાવી શક્યો છે. વિનયને માર્ક્સની ખાસ કઈ ફિકર ન હતી. તેને તો પોતાના બિઝનેસની ચિંતા હતી.

"ભગવાન કરે એવું જ થાય" વિનયના વાક્યમાં વિશ્વાસ જગાવતા મિરાલીએ કહ્યું.

"સારું, હવે ફક્ત અડધો કલાક બાકી છે. તો આપણે થોડુંક રિફર કરી નાખીએ." વિનયે હાથમાં રાખેલી બુક ખોલતા કહ્યું.

"ઓકે, મિરાલીએ પણ પર્સમાંથી બુક કાઢીને વાંચવાનું શરૂ કર્યું" થોડીવાર થતા બેલ વાગ્યો. બંનેએ ક્લાસમાં જવાની તૈયારી કરી.

"બેસ્ટ ઓફ લક!" વિનય બોલ્યો.

"થેન્ક્સ, સેમ ટુ યુ" મિરાલીએ પણ વિશ કર્યું. અને ધીરે રહીને બંને પોતાના ક્લાસ તરફ જવા લાગ્યા. એકબીજાને 'બેસ્ટ ઓફ લક' કહેવાનું હવે રોજનો ક્રમ થઈ ગયો હતો. મિરાલી પેપર પૂરું થઈ ગયા પછી, રીટર્ન ઘરે બસમાં જતી. તેથી વિનયને પણ વાત કરવાનો મોકો મળી રહેતો. બંને વચ્ચે પેપર વિશે ડિસ્કશન થતી. મિરાલીના પેપર સારા જાય છે એ જાણીને વિનય પણ ખુશ હતો. વિનયે વિચારી લીધું હતું કે, 'આ છેલ્લા દિવસો છે. પરીક્ષા પૂરી થઈ ગયા પછી મિરાલી તેને જોવા નહીં મળે. તેથી છેલ્લું પેપર પતી ગયા પછી તે મીરાલી ને જણાવી દેશે કે પોતે તેને ખૂબ પ્રેમ કરે છે. અને એ પ્રેમ ફક્ત ટાઈમપાસ નથી, પણ તે તેના જીવનની હમસફર બનાવા માંગે છે. જો તું 'હા' કહીશ તો, આ નાચીઝ ને સ્વર્ગ મળ્યાની ખુશી થશે. અને એ વાત પણ સાચી છે કે દુનિયાની બધી ખુશી લાવીને, હું તારા કદમોમાં નાખી દઈશ.' ધીરે ધીરે કરીને એક પછી એક પેપર પૂરા થઈ ગયા. આજે છેલ્લું પેપર હતું.

વિનય પેપર પતાવીને સીધો બસ સ્ટેન્ડ પર આવી ગયો. તેણે આજુબાજુ નજર કરી લીધી. મિરાલી હજી આવી ન હતી. મિરાલીની રાહ જોતો ઊભો રહ્યો. પાછલી રાત તો વિનય માટે બહુ ટેન્શનવાળી પસાર થઈ હતી. એક તો છેલ્લા પેપર ની તૈયારી, અને બીજું તે જાણતો હતો કે પોતાના દિલની વાતો તે મિરાલીને જાહેરમાં નહીં કહી શકે. તેથી તેને લેટર આપવાનું વિચાર્યું હતું. તે લખવામાં ખાસ્સો એવો સમય પસાર થઈ ગયો હતો. તેથી કાલની રાતે તે ઊંઘી શક્યો ન હતો. કોલેજ તરફથી ધીરે-ધીરે વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા, વિનય મિરાલીના ઇન્તઝારમાં બેચેન હતો. તેને મનોમન 'શું કહેવું?', 'કેવી રીતે કહેવું?' તેની મથામણ કરી રહ્યો હતો. આમ તેમ ફરતો તેની નજર ગેટની બહાર નીકળતી મિરાલી પર પડી.મિરાલીએ રોડ ઓળંગી સ્ટેન્ડ પર તરફ આવી રહી હતી. તે જેમ જેમ નજીક આવતી ગઈ, તેમ તેમ વિનયની ધડકનો તેજ થઈ ગઈ. તે મિરાલી સાથે પહેલી વાર વાત કરવાનો હોય, તેવી રીતે નર્વસનેસ અનુભવી રહ્યો હતો. વિનય લવ લેટર તો ઉપરના ખિસ્સામાં જ છે ને ! તેવું ફરીથી ચેક કર્યું. આજુ-બાજુ કોણ ઊભા છે, તેનું નિરીક્ષણ કર્યું. વિનયે પ્રયત્નપૂર્વક પોતાના મન ઉપર કાબૂ કર્યો. મિરાલી તેની પાસે આવી. તેનો ચહેરો ઉદાસ જણાતો હતો.

"કેવું ગયું પેપર?" વિનયે રાબેતા મુજબના પ્રશ્ન પૂછ્યો. હજી તેના ધબકારા ઉપર તેનો કાબુ ન હતો. મિરાલી કઈ પણ બોલ્યા વગર સ્ટેન્ડના બાંકડા તરફ વળી ગઈ. વિનયને લાગ્યું કે, 'કદાચ મિરાલીનુ પેપર આજે ખરાબ ગયું લાગે છે. આવા મૂડમાં હવે તે પોતાની વાત કેવી રીતે કરશે?' તેનું મન પણ નિરાશા તરફ વળી ગયું. મિરાલી બાંકડા ઉપર બેસી ગઈ, તે પણ ધીરે રહીને તેની બાજુમાં બેઠો. તે કંઈ કહેવા જાય તે પહેલાં જ મિરાલીએ હાથમાં રહેલું પ્રશ્ન પેપર તેના હાથમાં આપી દીધું. વિનય આખું પ્રશ્ન પેપર ચેક કર્યું, મિરાલી દરેક પ્રશ્ન આગળ ટીક કરી થ્રી સ્ટાર કે ફોર સ્ટાર કર્યા હતા. અમુક પ્રશ્નની આગળ ફાઇવસ્ટાર પણ હતા. આ અને આ વખતની સરેરાશ આગળના દરેક પેપર કરતા સારી હતી. વિનયે પેપર ચેક કરીને મિરાલી સામું જોયું તો મિરાલી હસી પડી.

"અરે ! શું વાત છે, કોન્ગ્રેચ્યુલેશન !" વિનય પણ હસવા લાગ્યો.

"થેન્ક્સ " મિરાલી બોલી.

"તું તો એવું મોં કરીને આવી હતી કે મને ટેન્શન આવી ગયું હતું."

"મને ખ્યાલ હતો કે મારું આવું મોં જોઈને તને ટેન્શન થશે. એટલે જ તો, અરે..! બસ આવી ગઈ, ચાલો." મિરાલી બોલતા-બોલતા જ ઊભી થઈ.

"આટલી જલ્દી કેમ આવી ગઈ?" વિનય મનોમન બબડ્યો. અને મિરાલી સાથે ચાલવા લાગ્યો. બધા લોકો બસમાં ચડી ગયા પછી સૌથી છેલ્લે વિનય ચડ્યો. મિરાલી બેસી ગઈ હતી. તેની બાજુની જગ્યા વિનય માટે રોકી રાખી હતી. વિનય ભીડ પાર કરી મિરાલીની બાજુમાં જઈ બેઠો.

"પરીક્ષા પતી ગઈ, હવે ટેન્શન ગયું" મિરાલીએ હાથમાં રહેલું પ્રશ્ન પેપર પર્સમાં મૂક્યું અને રિલેક્સ થઇ.

"હા. એક જવાબદારી તો પૂરી થઈ. હવે આગળ નું શું પ્લાન છે મિરાલી?" વિનય થી પુછાઈ ગયું પછી તેને ખ્યાલ આવ્યો કે હજી હમણાં જ પરીક્ષા પતી છે ને તેણે કેરિયર લક્ષી બોરિંગ સવાલ કર્યો. 'તુ સાવ બુદ્ધુ છે, કોલેજ પૂરી થઈ ગઈ છતાં કોલેજની જેમ ઇન્ટરેસ્ટિંગ રોમેન્ટિક વાતો કરતાં નથી આવડતું !' વિનય મનોમન પોતાને ઠપકો આપી રહ્યો હતો.

"મારી તો આગળ એમ.કોમ. કરવાની ઈચ્છા છે. અને પછી બી.એડ. કરી ટીચિંગ લાઈનમાં જવાનું વિચારું છું. અને તારી?" મિરાલીએ પણ સામે પ્રશ્ન મુક્યો.

"જોબનો એક્સપિરિયન્સ લીધા પછી હવે હું બીઝનેસ સ્ટાર્ટ કરવા માંગુ છું, અને તૈયારી પણ કરી લીધી છે" વિનયે ઉત્સાહપૂર્વક કહ્યું.

"અરે વાહ, બેસ્ટ ઓફ લક ફોર" મિરાલીએ હાથ મિલાવ્યા.

"થેન્ક્સ !" વિનયને મિરાલીના કોમળ હાથના સ્પર્શે રોમાંચિત કર્યો.

"અચ્છા !, તું વેકેશન માં શું કરવાની છે? ક્યાંય ફરવા જવાની ખરી?" વિનયે ફરી પૂછ્યું.

"મારા અંકલ બોમ્બે રહે છે, તેમની બે પુત્રીઓ છે એક મારી જેવડી જ છે ને એક તેનાથી બે વર્ષ નાની. તેની સાથે મને બહુ મજા આવે છે. તેથી વેકેશનમાં મારા અંકલ ના ઘેર જવાની છું. અને તું?"

"અમે ત્રણ-ચાર મિત્ર બે-ત્રણ દિવસ બહાર ફરવા જવાના છે. ક્યાં જઈશું? એ હજી નક્કી નથી કર્યું." વિનયના મનમાં લેટરનું રટણ ચાલતું હતું. તેને વિચાર્યું કે, 'કોઇ પૂર્વ તૈયારી વગર અને એમ જ લેટર ના આપી શકે. જો તરત લેટર આપે અને તે બસમાં ખોલે, તેના કરતા તે જ્યારે બસમાંથી ઉતારવાની હોય ત્યારે આપે તે વધારે ઉચિત રહેશે.'

"તું પેલી માસીની છોકરીના મેરેજની વાત કરતી હતી, જેને તું ફેસ્ટીવલ ડેમાં કોલેજમાં સાથે લાવી હતી?" વિનયે વાત કરવા હિસ્ટ્રી ખોલી.

"હા, એ જ એના જ તો મેરેજ હતા. ખરેખર બહુ મજા આવી હતી" મેરેજની વાત ખોલતા જ મિરાલી ખુશ થઈ ઉઠી.

"તો પછી કરીલે, મેરેજ !" વિનયે તીર છોડ્યું.

"પાગલ છે? શું વિનય તું પણ !, હું તો મેરેજ ના પ્રસંગમાં મજા આવી તેની વાત કરું છું. મેં તો હજી મેરેજ વિશે વિચાર્યું પણ નથી." મિરાલી વાત કરતાં થોડી શરમાઈ ગઈ.

"ઓકે !, હું તો જસ્ટ મજાક કરું છું. તને એક વાત પૂછું ?" વિનયે આ વખતે પરવાનગી માગી.

"પુછ !" મિરાલીને થોડી નવાઈ લાગી.

"તું પ્રેમમાં માને છે? મતલબ કે જમાનો બહુ જ બદલાઈ ગયો છે. તે પ્રમાણે તું પ્રેમમાં વિશ્વાસ કરે છે?" વિનયએ આડકતરી રીતે મિરાલીનો અભિપ્રાય જાણવા પ્રયત્ન કર્યો.

"હા, મને પ્રેમમાં વિશ્વાસ છે. પણ લવમેરેજમાં નથી અથવા કહું કે એરેન્જ મેરેજમાં માનું છું. એરેન્જ મેરેજમાં પણ પ્રેમ હોય છે. બાકી અત્યારે તો કશું નથી વિચાર્યું, મારે હજી આગળ ભણવું છે" મિરાલી શાંતિથી બોલી ગઈ. મિરાલીની વાતથી વિનયને ઝટકો લાગ્યો. તેનું હૃદય ધબકાર ચૂકી ગયુ હોય તેવો અહેસાસ થયો.

"તું પ્રેમમાં માને છે કે નહીં ?" મિરાલીને પણ વિનયના વિચાર જાણવાની ઈચ્છા થઈ.

"હા, માનું છું! પણ અત્યારે કશું નહીં. મારે પણ બિઝનેસમાં ધ્યાન આપવું છે." વિનયે ભગ્ન હૃદયે મિરાલીની વાત જેવો જ જવાબ આપ્યો. વિનયના બધા અરમાનો ક્ષણવારમાં વિખરાઈ ગયા. છતાં તેને દિલની વ્યથા મિરાલી સમક્ષ જાહેર થવા ના દીધી. હસતા ચહેરે તે મિરાલીની વાત સાંભળી રહ્યો હતો. પણ તે શું કહી રહી હતી, તે ખ્યાલ હવે તેને રહ્યો ન હતો. મિરાલીના ઘરનું સ્ટેન્ડ નજીક આવ્યું. મિરાલી ઊભી થઈ, વિનય સહેજ ખસ્યો અને મિરાલી સાઇડમાં થી બહાર નીકળી ગઈ.

"બાય વિનય, ફરી મળીશું !" મિરાલી સ્મિત સાથે બોલી.

"બાય મિરાલી " વિનયે પણ સ્મિત કર્યું. તેની આંખો મન ભરીને મિરાલીને જોવા માંગતી હતી.તે મિરાલીના ચહેરા પર જ અટકી ગઈ હતી. બસ ઊભી રહી, મિરાલીને લાગ્યું કે, 'વિનય ની આંખો તેને કશુંક કહી રહી છે.' તે પાછળ ફરી અને બસમાંથી ઊતરી ચાલવા લાગી. મિરાલી વિચારવા લાગી કે, 'કદાચ એટલે જ પ્રેમ વિશેનો સવાલ તેને પૂછ્યો હશે. શું વિનય તેને પ્રેમ કરતો હશે ?. મિરાલીને ફરી-ફરીને વિનયનો નિર્દોષ ચહેરો યાદ આવતો હતો. તેને મારા જવાબથી કેટલું દુઃખ થયું હશે?, હું પણ શું કરતી જે મારા વિચારો હતા તે મેં તેને જણાવ્યા છે આમ પણ હું લવમેરેજ તો નથી જ કરવાની.' મિરાલી પોતાના મનને મનાવી રહી હતી. વિનય બારીમાંથી મિરાલીને જતી જોઈ રહ્યો. બસ આગળ નીકળી ગઈ, મિરાલી દેખાતી બંધ થઈ. વિનયને બહારનું બધું જ ઝાંખું દેખાવા લાગ્યું. વિનય ની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા. તેણે આંખ બંધ કરી ને અશ્રુ ના ટીપા નીચે સરી પડ્યા. તેણે આંગળીઓથી આંખોને લૂછી નાખી. વિનયે ખિસ્સામાંથી લેટર કાઢ્યો. વિનય થયું કે, 'તે આ લેટર પણ તેને ન આપી શક્યો, આપ્યો હોત તો પણ શું થાત. તેણે પોતાનો અભિપ્રાય રજૂ કરી દીધો હતો. મિરાલી તેમના વિચારોમાં મક્કમ છે, તે પહેલેથી જ જાણતો હતો. લેટર વાંચ્યા પછી કદાચ તેનો અભિપ્રાય આ જ હોત, છતાં પણ પ્રેમનો એકરાર કર્યો હોત તો, દિલને થોડીક તો રાહત થાત.' વિનય મનોમન પોતાના દિલાસો આપી રહ્યો હતો. પોતાના ઘરનું સ્ટેશન નજીક આવી ગયું હતું. વિનય ઉભો થયો, બસ ઊભી રહી. વિનય બસમાંથી નીચે ઉતર્યો. તેને પગ ભારે લાગી રહ્યા હતા અને મન તેનાથી વધારે ભારે, તે ઘરની દિશા તરફ ફર્યો અને ધીરે-ધીરે ચાલવા લાગ્યો.

(ક્રમશઃ )

*****

વાચક મિત્રો, આ કહાની પ્રેમ-પૂર્વક વાંચવા બદલ આપનો આભાર. આપના રીવ્યુ મારા માટે મૂલ્ય-વાન છે તેને આપવા વિનંતી છે, ધન્યવાદ!

bharatpansuriya17@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો