નિશાંત સાંજે ઓફિસેથી ઘરે આવ્યો. આજે તેનો ચહેરો થોડો ઉદાસ લાગતો હતો. તેની વાઈફની નજર તેના પર પડતાં જ કંઈક થયું હોય તેમ લાગ્યું. તેના એકાદ-બે પ્રશ્નોના ઉત્તરમાં નિશાંતે સાવ સાદાઈથી કહ્યું કે, "એ તો ઓફિસના વર્ક-લોડને કારણે થોડો થાક લાગ્યો છે. બાકી કઈ નથી." તેની વાઈફને તેના જવાબથી સંતોષ ના થયો તેમ છતાં નિશાંતને વધારે પ્રશ્ન કરી પરેશાન કરવાનું તેને ઉચિત ન લાગ્યું. ફ્રેશ થઇને નિશાંત ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયો. દરરોજની જેમ આજે નિશાંતની જમવાની ઈચ્છા ન હતી પણ તેમ છતાં પોતાના જ નિયમ પ્રમાણે કે, 'અન્નદેવને ઠુકરાવી તેમનું અપમાન ન કરવું. થોડું તો થોડું ભોજન કરી લેવું.' તેમ થોડું જમી ફટાફટ ઊભો થઇ ગયો.
નિશાંત જમ્યા પછી થોડી લટાર મારવા ટેરેસ પર ગયો. તે ફ્લેટમાં પાંચમા માળ પર રહેતો હતો. તેના માળ પછી તરત ટેરેસ આવતું. જમ્યા પછી એપાર્ટમેન્ટના લાંબા ટેરેસ પર ચક્કર મારવા જવાની તેની રોજીંદી પ્રક્રિયા હતી. અગાસી પરથી શહેર કોંક્રિટના જંગલોમાં આગિયાના સમૂહ પુંજ ઝબકી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. હંમેશ કરતા આજે નિશાંતને કંઈક અલગ જ અનુભૂતિ થઈ રહી હતી. શહેરની ઊંચી-ઊંચી ઈમારતોમાં ઝળહળતી રોશની, મોટા-મોટા રસ્તા ઉપર દોડતી જિંદગીમાં તે ઘણો પાછળ રહી ગયો હોય તેઓ અહેસાસ થઇ રહ્યો હતો. આ વિચારોનું કારણ હતું આજે તેને ઓફિસમાં મળેલી ઇન્ફર્મેશન. નિશાંતની કંપનીનો હેડએ કેબિનમાંથી તેમની ડેસ્ક પર આવી કહ્યું કે, "આજે જે પ્રોજેક્ટ તેમને સોંપવામાં આવ્યો છે. તેનું ડિઝાઇન ઇફેક્ટીવ કરજે. એમાં તમારે બધાએ 100% પરફોર્મન્સ આપવાનું છે. આ નવી કંપનીના ટોટલ પેકેજીંગ એન્ડ વેબ ડિઝાઇનિંગનું કામ આપણને મળેલું છે. કંપનીના મેનેજરની રિક્વાયરમેન્ટ બહુ હાઈ છે. મિ. વિધ્યેશ પંડ્યા ને દરેક ડિઝાઇન યુનિક લાગવી જોઈએ. કોઈ પણ કન્ફ્યુજીઅન હોય તો મને પૂછી લેજો." વિધ્યેશ પંડ્યા નામ સાંભળતા જ નિશાંતના દિમાગમાં ઝબકારો થયો હતો. આ નામ તો ક્યાંય સાંભળ્યું હોય તેવું લાગ્યું. હા..., યાદ આવ્યું નામ તો ખાસ્સું પરિચિત હતું.
નિશાંતે ટેરેસની રિલિંગનો બે હાથે ટેકો લીધો. નામ યાદ આવતાની સાથે સાત વર્ષ પૂર્વ ભૂતકાળમાં ઓગળી ગયો. વિધ્યેશ પંડ્યા તેની કોલેજનો અને તેની જ ક્લાસમાં સાથે ભણતો વિદ્યાર્થી હતો. જેની કાયમની બેઠક નિશાંતની પાછળની છેલ્લી બેન્ચીસ રહેતી. નામ જેવા કોઈ ગુણ તેનામાં ન હતા. ભણવામાં ઠીક-ઠાક અને મોજ-મસ્તી અવ્વલ હતો. દિલનો સાફ હતો એટલે નિશાંતે તેની સાથે થોડોક વાતચીતનો વ્યવહાર રાખેલો. કોલેજ પૂરી થતાં એ પણ થોડાક સમયમાં સમાપ્ત થઈ ગયો. અભ્યાસ બાબતે બેફિકર અને કામકાજમાં લાપરવાહ હતો. તેને સમયની કઈ પડી ન હતી. તે મોજશોખ અને રખડવામાં બધો ટાઈમ પસાર કરી નાખતો. કેટલાય મિત્રો કે લોકો તે બેઠો હોય એ બેઠકમાંથી બદલાઇ ચૂક્યા હોય પણ એ ગપ્પા મારવામાં એટલો મશગુલ હોય કે તેને સમયનું કોઈ ભાન કે મહત્વ ના રહેતું. જો કે નિશાંત પોતે પણ કેટલીકવાર તેની કોરી મહેફિલની મજા માણી ચૂકેલો પણ રોજ આવી રીતે તેની જોડે સમય વેડફતો નહીં. કોલેજના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા ત્યારે રીઝલ્ટ વખતે તેની સાથે મુલાકાત દરમિયાન થયેલી ચર્ચા યાદ આવી. નિશાંતને ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો અને તેને સેકન્ડ ક્લાસ. તેમ છતાં નિશાંત કોલેજ પછી આગળ ભણવા કરતા ગ્રાફિક્સ એન્ડ વેબ ડિઝાઈનનો કોર્સ કરી જલ્દીથી કેરિયરની ગાડી પાટે ચડાવવામાં માંગતો હતો.
"વિધ્યેશ, તુ હવે શું કરવા માંગે છે ?" નિશાંતે અમસ્તા જ પૂછી નાખ્યું.
"અફ કોર્સ, એમ.બી.એ. ગાંડા !" વિધ્યેશ કશું વિચાર્યા વગર ફટાફટ જવાબ દીધો. તેને બોલવાની અદા જોઇને નિશાંતને હસવું આવી ગયું. તેને મનમાં એમ થયું કે, 'સાલા ગાંડો તો તું છે. માંડ-માંડ સેકન્ડ ક્લાસ આવ્યો છે. અને વળી એમબીએની ડિગ્રી મેળવી છે.'
"એમ.બી.એ. ના ચક્કરમાં પડવા કરતાં ભાઈ ! તું કોઈ મારી જેમ જોબ ઓરિએન્ટેડ કોર્સ સિલેક્ટ કરી લે. આટલી ટકાવારીમાં તને કોઈ કોલેજ એમ.બી.એ.માં એડમિશન આપશે નહિ." નિશાંતથી ના રહેવાતા સલાહ સૂચન આપ્યું.
"ના, ના, આપણે તો ફક્ત એમ.બી.એ. જ કરવાની ઈચ્છા છે દોસ્ત ! ગવર્મેન્ટમાં ના મળે તો કોઈ સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લઈ લઈશ. પણ કરીશ તો એમ.બી.એ." વિધ્યેશે વટપૂર્વક કહ્યું. નિશાંત મનમાં રઘવાયો. થયું કે આ સાલો એના બાપનો પૈસા બગાડશે અને ઉકાળશે કશું નહિ. પછી તરત જ વિચાર્યું કે જવા દો યાર ! મારા બાપાનું થોડી કઈ બગાડશે.
નિશાંતને એ દિવસ પછી તેને એક જ વાર મળવાનું થયું હતું. તેણે સાચે જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમીશન લઇ લીધુ હતું અને નિશાંતે વેબ ડિઝાઇનિંગ ડિપ્લોમા કોર્સ ચાલુ કર્યો. ત્યાર પછી તે કારકિર્દી આગળ વધારવાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે ઘણા ખરા જૂના સંબંધો ગુમાવી બેઠો હતો. જોકે સાવ ગુમાવ્યું એવું પણ ન હતું. થોડું ઘણું મેળવ્યું પણ હતું. એક સુંદર પ્રેમાળ પત્ની, એક ઘરને ખુશીથી ભરી દેતું બાળક, અડીખમ વડલાની છાંયની જેમ વ્હાલ વરસાવતા માતા-પિતા, એક નાનો પણ જરૂરિયાતોને અનુરૂપ ફ્લેટ, એક નાની ગાડી અને પચાસ હજારની સેલરી. આ બધું ભગવાને નિશાંતને આપ્યું હતું. છતાં પણ આજે તેને જાતે લીધેલા એક નિર્ણય પર અફસોસ થઈ રહ્યો હતો. તે કારકિર્દીનો વિકલ્પ પસંદ કરવામાં થાપ ખાઈ ગયો હોય તેવું તેને લાગી રહ્યું હતું. તેનાથી ઓછો હોશિયાર અને ઓછો મહેનતુ છોકરો આજે તેનાથી આગળ નીકળી ગયો હતો. વિધ્યેશની માસિક સેલરી એક લાખ રૂપિયા છે. તે મોટી કંપનીના મેનેજર પદ પર છે. તેની પાસે નવી નકોર મોંઘી ગાડી છે અને તાજેતરમાં જ નવો બંગલો પણ ખરીદ્યો છે. આ બધી નિશાંતને મળેલી માહિતી એ તેને અકળાવી નાખ્યો હતો. જોકે, નિશાંતને તેને મળેલા વૈભવની ઈર્ષ્યા નથી પણ પોતાને મળેલા ટેલેન્ટ માંથી તે કંઇ ખાસ ઉપાર્જિત કરી ન શક્યો તેનો અફસોસ છે. આ સાત વર્ષનો સમય પાણીના પ્રવાહની જેમ ગતિ કરી ગયો. ખબર પણ ના રહી. ભગવાન પણ ક્યારેક કેમ આવું કરતો હશે? જેની લાયકાત ના હોય તેને બધું આપી દે છે. અને જેની લાયકાત હોય તેને ક્યારેક વંચિત રાખી દે છે. નિશાંતે આકાશ તરફ ઉંચુ જોયું. રાત ઘેરાઇ ચૂકી હતી. નિશાંતને સમજાયું કે ભગવાન પર આરોપ કરવો ખોટો છે. નિર્ણય મારો જ હતો. મારે બહુ જલ્દીથી કારકિર્દીની ગાડી પાટા પર ચડાવી હતી. નિશાંત તેનું સમગ્ર ધ્યાન હવે તે બાબતથી બહાર કાઢવા માંગતો હતો. તે આકાશમાં તારાઓને એક ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેને દિમાગમાં ઝબકારો થયો આટલા મોટા આકાશમાં અગણિત તારા છે. પણ આપણે ધ્રુવ અને સપ્તર્ષિ તારા સિવાય ક્યાં કોઈને ઓળખીએ છીએ. છતાં કોઈ તારા વધારે તો કોઈ ઓછા પણ ચમકે છે ખરા. તે કેવા મોહક લાગે છે ! અને મનને શાંતિ આપી જાય છે. ભગવાનને મનુષ્ય માટે પણ આ નિયમ બનાવ્યો લાગે છે. કોઈનું કિસ્મત વધારે તો કોઈનો ઓછું પણ ચમકે છે ખરા. કોઈને પણ સાવ ખાલી નથી રાખતો. ખેર ! જે હોય તે બધુ આપણી સમજમાં આવે તે જરૂર નથી.
નિશાંતે સેલફોન ખિસ્સામાંથી કાઢી ટાઈમ પર નજર કરી. ખાસ્સો ટાઈમ પસાર થઈ ચૂક્યો હતો.તે ટેરેસ પરથી નીચે ઉતર્યો. અને પથારીમાં પડી ઊંઘવાનો પ્રયત્ન કર્યો. તને ખબર હતી કે આજે વિચારો ના પ્રવાહમાં નીંદ મોડી આવશે પણ આવશે ખરી. તેને લાઇટ બંધ કરી આંખો ઢાળી દીધી.
*****
નિશાંતને અઠવાડિયું નવા પ્રોજેકટે બહુ વ્યસ્ત રાખ્યો. કામના ભાર નીચે અઠવાડિયા પહેલાની વાત વિસરાઈ ગઈ. રવિવારની સવારે તે હળવાફૂલ જેવું મેહસૂસ કરી રહ્યો હતો. તે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઇ ચૂક્યું હતું. તેને રાહતની બહુ સરસ મોડે સુધી ઊંઘ આવી હતી. બેડ પરથી નીચે ઉતર્યા પછી તેણે સીધા બાથરૂમ તરફ પગ ઉપાડ્યા. તેની નજર બાજુમાં ટિપોઈ પર પડેલા ન્યૂઝ પેપર પડી. દરરોજ નિશાંત ફ્રેશ થઈને ન્યુઝ પેપર વાંચવા બેસતો પણ આજે રવિવારની નિરાંત હોવાથી તેણે પેપર પર નજર પડતા ઉઠાવ્યું અને વાંચવાનું શરૂ કર્યું. ફ્રન્ટ પેજ પર હેડિંગ અને બીજા ન્યુઝ વાંચ્યા બાદ તેની નજર નીચે કોર્નર પર છપાયેલા ન્યુઝ પર ગઈ. તે વાંચીને ચોકી ગયો. ન્યુઝ તેના માન્યામાં ન આવે એવા હતા. 'એક કંપનીના મેનેજર વિધ્યેશ પંડ્યા ગઈકાલે સાંજે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યાનું સાચું કારણ હાજી પોલીસ મેળવી શકી નથી. પણ સુત્રો તરફથી એવી માહિતી મળી છે કે મેનેજર પદની વધુ પડતી જવાબદારી અથવા તેમની પત્નીનો માનસિક ત્રાસ કારણ હોઈ શકે.' નિશાંતે તેના બંગલાનું નામ, કંપનીનું નામ, એડ્રેસ બધું બે વાર વાંચ્યું. તેને વિશ્વાસ નહોતો થઇ રહ્યો.તેની સાથે ભણતો વિધ્યેશ પંડ્યા આ રીતે આત્મહત્યા કરી શકે. મસ્તીખોર અને બિન્દાસ રહેવાવાળી વ્યક્તિ પોતાની લાઈફથી આટલો બધો ત્રસ્ત હોઈ શકે? નિશાંત વિચાર મગ્ન થઈ ગયો. ભગવાને વિધ્યેશને બધું આપ્યું હતું તેમ છતાં તે સુખી ન હતો. હવે લાગે છે કે કેરિયરની બાબતમાં મારો નિર્ણય ખોટો હતો. જો કે તે મારો નિર્ણય જ ન હતો. પ્રભુને જે મારા માટે યોગ્ય લાગ્યું હશે. તે જ સોંપ્યું હશે. ભગવાનને ક્યારેય કોઈને ઓછું આપતો નથી કે દુઃખી કરતો નથી. ફક્ત આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. અઠવાડિયા પહેલા કરેલી ભગવાનને ફરિયાદ બદલ નિશાંતને પસ્તાવો થયો. નિશાંત વિચારી રહ્યો હતો કે મારી પાસે તો હજી આખી જિંદગી પડી છે. જે મેળવવું છે તેની મહેનત કરી મેળવી શકીશ પણ વિધ્યેશે ઘણું મેળવ્યા છતાં પોતાની જાતને ગુમાવી બેઠો. તેના પરિવારનો એકનો એક આશાનો દિપક બુઝાઈ ગયો. નિશાંતને છાપામાંથી હવે બીજા કોઈ ન્યુઝ વાંચવાનો રસ ના રહ્યો. પોતાના કોલેજના સાથીદારને ગુમાવાનો શોક થયો. તેને વિધ્યેશની આત્માને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી. છાપુ બાજુમાં મુકી સ્નાન કરવા ઉપાડ્યો.
(સમાપ્ત)
******
પ્રિય વાચક મિત્રો, આશા રાખું છું કે આ કહાનીને લખવાનો હેતુ આપને સ્પર્શ્યો હશે. પ્રેમ-પૂર્વક વાંચવા બદલ આપનો આભાર. જો કહાની સારી લાગે તો like & share કરશો...ધન્યવાદ ! અને આવી બીજી કોઈ ઘટનાની તમને જાણ હોય અથવા કોઈ વિષય પર આપ વાંચવા માંગતા હોય તો મને તમારા સુજાવ કે અભિપ્રાય મોકલી શકો છો.
bharatpansuriya17@gmail.com
Join me on FB :Bharatkumar Pansuriya