ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 10 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 10

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(10)

ઝેરી તાવ

ગ્રેનાઈટ હાઉસ પાસે થયેલો વિશાન કે ચાંચિયાઓ તરફનો ભય એ વિષે કોઈ વિચારતું ન હતું. હર્બર્ટની ગંભીર સ્થિતિએ આ બધા પ્રશ્નોને એક બાજુ મૂકી દીધા હતા. હર્બર્ટ માટે આ પ્રવાસ ઘાતક નીવડશે? પ્રવાસથી અંદર કંઈ ઈજા થઈ હશે? સ્પિલેટે કંઈ જવાબ આપી શકે એમ ન હતો. દસ મિનિટમાં હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસમાં પથારી પર સુવડાવી દીધો.

ખૂબ કાળજીથી સ્પિલેટે તેની સારવાર શરૂ કરી. પોતાના પરિચિત ઓરડામાં સૂતેલો જોઈને હર્બર્ટે સ્મિત કર્યું. કંઈક બોલવા ગયો પણ નબળાઈ અતિશય હતી. સ્પિલેટે તેના ઘા તપાસ્યા. તેને બીક હતી કે ઘામાંથી લોહી દેખાયું નહીં. તો પછી આ બેભાન અવસ્થાનું કારણ શું? એકાએક તેની તબિયત આટલી બધી કેમ બગડી ગઈ?

હર્બર્ટ તાવભરી ઊંઘમાં સૂતો હતો. સ્પિલેટ અને ખલાસી તેની પથારી પાસે હતા. આ સમય દરમિયાન હાર્ડિંગે નેબને પશુશાળામાં બનેલી ઘટના કહી સંભળાવી. નેબે પણ ગ્રેનાઈટ હાઉસમાં જે દશ્યો ભજવાયાં હતાં તેનો અહેવાલ આપ્યો.

ગઈ રાતે ચાંચિયાઓ જંગલ પાસે દેખાયા. નેબ મરઘાં ઉછેર કેન્દ્ર પાસે હતો. તેણે ચાંચિયાઓ સામે ગોળી છોડી. પણ ચાંચિયાઓ ગભરાયા નહીં. તેઓ આગળ વધ્યા એટલે નેબને ગ્રેનાઈટ હાઉસમાં ઘૂસી જવું પડ્યું. ચાંચિયાઓએ વિનાશ વેરવો શરૂ કર્યો. માલિકને આ બાબત શી રીતે ચેતવવા? પશુશાળામાં શી સ્થિતિ હશે? 11મી નવેમ્બર હતી. ટોપ વચ્ચે આપત્તિના સમાચાર લાવ્યો તે સિવાય પશુશાળાની કોઈ ખરખબર નેબને ન હતી. આયર્ટન અદશ્ય થયો. હર્બર્ટ ગંભીર રીતે ઘવાયો. ઈજનેર, સ્પિલેટ અને ખલાસી પશુશાળામાં કેદી જેવી હાલતમાં મુકાયા હતા!

તેણે શું કરવું? નેબ મૂંઝવણમાં મૂકાઈ ગયો. તેની પોતાની સલામતી ભયમાં ન હતી. પણ ગ્રેનાઈટ હાઉસની આજુબાજુની માલમિલકત ભયમાં હતી. આથી તેણે જપ સાથે પત્ર લખીને મોકલ્યો.

આ પ્રમાણે નેબે અહેવાલ આપ્યો.

“નેબ! તે ખબર આપી તે સારું કર્યું!” હાર્ડિંગ બોલ્યો. “પણ ખબર ન આપી હોત તો વધારે સારું થાત!”

આમ બોલીને હાર્ડિંગે હર્બર્ટ સામું જોયું. આ ફેરબદલીથી તેની તબિયતે ગંભીર વળાંક લીધો હતો. ચાંચિયાઓ ફરી દેખાયા ન હતા. પણ ટાપુ પર તેમની હાજરી બધા માટે કાયમી ધોરણે જોખમકારક હતી. એ લોકો હજી પણ વધારે નુકસાન નહીં કરે તેની શી ખાતરી?

સ્પિલેટ ગ્રેનાઈટ હાઉસમા હર્બર્ટ અને પેનક્રોફ્ટ સાથે રહ્યો. જ્યારે હાર્ડિંગ અને નેબ કેટલું નુકસાન થયું છે તેની તપાસ કરવા ગયા. ગુફા પાસેનો વર્કશોપ અકબંધ હતો. ક્યાંય ચાંચિયા દેખાતા ન હતા. મર્સી નદીના કાંઠે અને જંગલમાં બધે તપાસ કરી. ચાંચિયાઓ ચાલ્યા ગયા. કદાચ તેઓ બીજા હુમલા માટે તૈયારી કરતા હોય?

હર્બર્ટની સ્થિતિને કારણ હમણાં ચાંચિયાઓની સાફસૂફી થઈ શકે તેમ ન હતી. અત્યારે કોઈ ગ્રેનાઈટ હાઉસ છોડી શકે એમ ન હતું. હાર્ડિંગ અને નેબ સરોવરના ઉચ્ચપ્રદેશ પાસે આવી પહોંચ્યા. ચારે તરફ ભાંગફોડ કરી હતી. ખેતરને ખેદાન મેદાન કરી નાખ્યું હતું. ઘઉંની ઊંબીઓ જમીન ઉપર વેરણછેરણ પડી હતી. શાકભાજીના બગીચાની પણ એ જ દશા હતી. સદ્દભાગ્યે ગ્રેનાઈટ હાઉસમાં જુદી જુદી વનસ્પતિનાં બી હતા. ેટલે તેમને ફરી ઉગાડી શકાય તેમ હતું.

મરઘાં ઉછેર કેન્દ્રની દીવાલો અને રોઝનો તબેલો આગથી ભસ્મીભૂત થઈ ગયો હતો. મરઘાંઓ અને પક્ષીઓ ભયથી ફફડતાં આમતેમ દોડતાં હતા. બધું ફરી બાંધવું પડે તેમ હતું.

હાર્ડિંગનો ચહેરો ઝાંખો પડી ગયો હતો. પણ તે એક શબ્દ પણ બોલ્યો નહીં. હજી પણ ખંડિયેરમાંથી ધુમાડા નીકળતા હતા. છેલ્લે નજર નાખી બંને જણા ગ્રેનાઈટ હાઉસમાં પાછા ફર્યાં.

પછીના દિવસો ટાપુના નિવાસીઓ માટે સૌથી વધારે વેદનાપૂર્ણ હતા. તેઓ અહીં આવ્યા ત્યારથી આજ સુધીમાં આવી વેદના તેમણે ક્યારેય અનુભવી ન હતી. હર્બર્ટની નબળાઈ વધતી જતી હતી. તેની તબિયતે એવો ઊથલો માર્યો હતો કે સ્પિલેટની એની સામે કોઈ કારી ફાવતી ન હતી.

હકીકતે હર્બર્ટ સતત ઊંઘમાં જ રહેતો હતો. તેમાં વળી સનેપાતનાં ચિન્હો દેખાવા માંડ્યા. સ્પિલેટ પાસે કોઈ દવાદારૂ હતી નહીં. એ તો ઉકાળા બનાવીને પિવડાવતો હતો. તાવ હજી એટલો પ્રબળ ન હતો પણ સ્પિલેટને એવું લાગ્યું કે એકાંતરે કે બે દિવસે તાવ નિયમિત ચડ્યા કરશે. આ એકાંતરિયો તાવ ભયંકર ગણાય છે. છઠ્ઠી ડિસેમ્બરે આ પ્રકારના તાવનાં ચિન્હો દેખાયાં.

હર્બર્ટની આંગળીઓ, નાક અને કાન ખૂબ ફિક્કાં પડી ગયાં હતાં; અને એ અંગો જરા જરા ધ્રુજતાં હતાં. તેની નાડી ધીમી પડી ગઈ હતી. તે અનિયમિત પણ બની ગઈ હતી. તેની ચામડી સુકાઈ ગઈ હતી. તેને ખૂબ જ તરસ લાગતી હતી. તે પછી એકાએક ચિન્હો બદલાયાં. તેનો ચહેરો અને ચામડી લાલ થઈ ગયાં. તેની નાડી ઝડપથી ચાલવા માંડી; અને તેને પુષ્કળ પરસેવો વળ્યો. તે પછી તાવ ઘટ્યો. આ હુમલો પાંચ કલાક સુધી રહ્યો.

સ્પિલેટ હર્બર્ટ પાસેથી ખસતો ન હતો, તેને ચિંતા હતી કે આ આંતરે આંતરે આવતો તાવ મટાડવો જોઈએ. નહીં તો ગંભીર પરિણામ આવે.

“આ તાવ મટાડવા માટે આપણે ‘સેલ્ફટ ઓફ ક્વિનાઈન’ નામની દવાની જરૂર છે.” સ્પિલેટે કહ્યું.

“એ દવા આ ટાપુ પર ક્યાંથી કાઢવી?” ઈજનેરે જવાબ આપ્યો.

તાવને મટાડવા સ્પિલેટે ઘણી દેશી દવાઓ અજમાવી જોઈ. વિલ્લો નામના વૃક્ષની છાલ આ તાવ ઉપર રામબાણ ઈલાજ ગણાય છે. તે છાલ ઉકાળીને તેનો કાઢો હર્બર્ટને પાવા માંડ્યો. એથી હર્બર્ટની સ્થિતિમાં કંઈ ફેરફાર થયો નહીં. રાત શાંતિથી પસાર થઈ ગઈ. વળી પાછાં સનેપાતના ચિન્હો દેખાતાં હતા. વિલ્લોના વૃક્ષની છાલ પિવડાવ્યા પછી રાત્રે તાવ ન આવ્યો. અને બીજે દિવસે પણ આરામ રહ્યો.

ખલાસીને ફરી આશા બંધાઈ. સ્પિલેટ કંઈ બોલ્યો નહીં. એકાંતરિયો તાવ હવે તરિયા તાવમાં ફેરવાઈ ગયો હોય એવો ભય હતો. એટલે બીજે દિવસે તાવ આવશે એમ સ્પિલેટનું માનવું હતું. આથી તે ભારે ચિંતા સાથે બીજા દિવસની રાહ જોવા લાગ્યો.

એક ચિંતા કરાવે એવી વાત એ હતી કે હર્બર્ટના કાળજામાં ભરાવો થઈ ગયો હતો; અને જોરદાર સનેપાત દર્શાવતો હતો કે તેને મગજ ઉપર પણ અસર થઈ હતી. આ ગૂંચવાડાથી સ્પિલેટ ગભરાયો હતો. તેણે ઈજનેરને એકબાજુ લઈ જઈને કહ્યું..

“આ ઝેરી તાવ છે.”

“ઝેરી તાવ?” હાર્ડિંગે પૂછ્યું. “તમારી ભૂલ થાય છે, સ્પિલેટ, ઝેરી તાવનો ચેપ એને ક્યાંથી લાગ્યો હશે?”

“ના, મારી ભૂલ થતી નથી.” સ્પિલેટે ઉત્તર આપ્યોઃ “તાવનો ચેપ એને ભેજવાળા કિનારા ઉપરથી લાગ્યો છે. એક હુમલો આવી ગયો છે. બીજો હુમલો હવે આવશે. અને જો ત્રીજો હુમલો આપણે અટકાવી નહીં શકીએ તો ખેલ ખલાસ!”

“એનો ઉપાય?”

“એનો ઉપાય એક જ છે સલ્ફેટ ઓફ ક્વિનાઈન.”

એ તો સ્પષ્ટ હતું કે જો આ દવા ન મળે તો ત્રીજો હુમલો જીવલેણ નીવડે. ખલાસીને આ વાતચીતનો જરાય ખ્યાલ આવવા દીધો ન હતો. એ જો જાણત તો ગાંડો થઈ જાત! ઈજનેર અને સ્પિલેટની ચિંતાનો કોઈ પાર ન રહ્યો. 7મી ડિસેમ્બરનો દિવસ અને રાત ખૂબ જ ભારે હતા.

બપોરે તાવનો બીજો હુમલો આવ્યો. કટોકટી ખૂબ જ ઘેરી બની ગઈ. હર્બર્ટનું હ્લદય બેસી જવા લાગ્યું. તેને પોતાનું મોત નજરે દેખાતું. તે હાર્ડિંગ તરફ, સ્પિલેટ તરફ અને ખલાસી તરફ પોતાનો હાથ લંબાવતો હતો. યુવા અવસ્થામાં મરવું બહુ આકરું લાગતું હતું. હૈયા ભાંગી નાખે એવું દશ્ય હતું. તેમણે ખલાસીને બહાર મોકલી દીધો.

આવી સ્થિતિ લગભગ પાંચ કલાક રહી. હર્બર્ટ બીજા હુમલો સામે ટકી નહીં શકે એવું લાગતું હતું.

રાતના બધા ખૂબ ગભરાયા. સનેપાતમાં હર્બર્ટ જે શબ્દો બોલતો હતો તે બધાના હૈયાંને સ્પર્શી જતા હતા. તે ચાંચિયા સાથે લડતો હતો; તે આયર્ટનને સાદ પાડીને બોલાવતો હતો; તે પેલા રહસ્યમય માનવીને હ્લદયદ્રાવક વિનંતી કરતો હતો; પછી તે પાછો બેભાન થઈ ગયો. સ્પિલેટને ઘણીવાર લાગ્યું કે છોકરો મૃત્યુ પામ્યો છે.

બીજે દિવસે 8મી ડિસેમ્બરે, તે વારંવાર બેભાન થઈ જતો હતો. તેના દુબળા હાથપગ પથારીની ચાદરને જોરથી પકડી રાખતા હતા. તેમણે વિલ્લોની છાલનો રસ પાછો પિવડાવ્યો. પણ સ્પિલેટને લાગ્યું કે તેની અસર નહીં થાય.

“આવતી કાલ સવાર સુધીમાં આપણને સલ્ફેટ ઓફ ક્વિનાઈન નહીં મળે તો હર્બર્ટ મૃત્યુ પામશે.”

રાત પડી ગઈ. આ કદાચ છેલ્લી રાત હતી. બહાદુર અને બુદ્ધિશાળી છોકરો બધાને વહાલો હતો અને તેને પુત્રવત્ ચાહતા હતા. આ ઝેરી તાવની એક જ હતી. અને એ દવા લીંકન ટાપુ પર મળી શકે તેમ ન હતી.

8મી ડિસેમ્બરની રાતે, હર્બર્ટને સનેપાતનું જોર વધ્યું. તેના કાળજામાં પણ વધારે બગાડ થયો. તેના મગજને પણ વધુ અસર થઈ. એ હવે કોઈને ઓળખી શકતો ન હતો. એ કાલ સુધી જીવશે? બીજો હુમલો શું એના જીવનનો અંત આણશે? કંઈ નક્કી કહી શકાય એમ ન હતું. તેની તાકાત ઓસરી ગઈ હતી. વચ્ચે વચ્ચે તે મરેલાની જેમ પથારીમાં પડેલો લાગતો હતો.

અડધી રાત પછી લગભગ ત્રણ વાગ્યે હર્બર્ટે એક જોરદાર ચીસ પાડી. જાણે કોઈ એને પરાણે ખેંચી જતું હોય એવું લાગ્યું. તેનું આખું શરીર તાવથી તૂટતું હતું. નેબ એની પાસે હતો તે ડરનો માર્યો ત્યાંથી ભાગ્યો અને પાસેના રૂમમાં પોતાના સાથીઓ પાસે ગયો.

ટોપ એ વખતે વિચિત્ર રીતે ભસ્યો.

બધા તરત જ મરતા છોકરાના રૂમમાં દોડી આવ્યા. હર્બર્ટ પથારીમાંથી નીચે પડવા પ્રયત્ન કરતો હતો. બધાએ તેને પકડી લીધો. સ્પિલેટે તેની નાડ તપાસી. તે જોરથી ચાલતી હતી.

સવારના પાંચ વાગ્યા હતા. ઉદય પામતા સૂર્યનાં કિરણો ગ્રેનાઈટ હાઉસની બારીઓ ઉપર પ્રકાશતાં હતાં. દિવસ સારો ઊગશે એવી એ આશા આપતાં હતા. અને આ દિવસ હર્બર્ટના જીવનનો છેલ્લો દિવસ હતો.

સૂર્યના કિરણ પથારી પાસે પડેલા ટેબલ પર પડ્યું.

એકાએક ટેબલ સામે આંગળી ચીંધીને ખલાસીએ ચીસ પાડી. ટેબલ પર એક લંબચોરસ ખોખું પડ્યું હતું. તેના ઉપલા ભાગમાં આ શબ્દો લખેલા હતા-----

“સલ્ફેટ ઓફ ક્વિનાઈન.”

***