Parinay Pachhi no Pranay books and stories free download online pdf in Gujarati

પરિણય પછીનો પ્રણય

પરિણય પછીનો પ્રણય


“ચાલો હવે આપણે જઈએ બહાર..... અહી આપણું કઈ જ કામ નથી... હા..હા..હા... all the best....” આવું કહી ને હસતાં હસતાં બધી નણદીઓ અને ભાભીઓ સંચિતા ને રૂમ માં એકલી મૂકી ને બહાર નીકળી ગઈ. પોતાની સુહાગરાત ની સેજ પર બેઠેલી સંચિતા ને થોડી શાંતિ મળી કેમ કે જ્યાર થી પરણી ને અહી આવી ત્યાર થી બધા તેને ઘેરી ને જ બેઠા હતા. લગ્ન પછી ની બધી વિધિઓ પતાવી ને એ બધા તેને આ રૂમ માં લાવ્યા હતા. થોડું અહી જ જમાડી ને તેને તૈયાર કરી અને હવે બધા એની થોડી મશ્કરી કરી ને બહાર ગયા હતા. બધા સામે પરાણે સ્મિત વેરતી સંચિતા ને હવે થોડો નિરાંત નો સમય મળ્યો હતો. તે આ નવા રૂમ નું અવલોકન કરી હતી જે હવે પોતાનો હતો.

એનું આ નવું ઘર ખૂબ જ મોટું હતું એ તો તેણે આવી ને જોયું હતું પરંતુ આખું ઘર તો હજુ પણ જોઈ શકી જ ન હતી. પણ પોતાના આ રૂમ પર થી તે તેનો અંદાજ લગાવી રહી હતી. બધુ રાચરચીલું રાખતા પણ ટેનિસ કોર્ટ કરતાં પણ વધુ ખાલી જગ્યા રહે એવડી મોટી સાઇઝ નો એ રૂમ હતો જે બે ભાગ માં વહેચાયેલો હતો. આખા રૂમ નું ફર્નિચર સફેદ અને આછા વાદળી રંગ માં કરવામાં આવ્યું હતું જે એમાં રહેનાર ને એક શાંતિ આપતું હતું. રૂમ માં પ્રવેશતા જ આગળ ની અડધી જગ્યા માં એક સાઇડ પર સોફા રાખેલા હતા. બીજી બાજુના ખૂણામાં એક નાનો સ્ટડી એરિયા હતો જેમાં એક ટેબલ અને ચેર સાથે ટીવી કમ કમ્પ્યુટર રાખેલું હતું. બાજુમાં એક બૂક શેલ્ફ હતી જેમાં ઘણા બધા પુસ્તકો આ રૂમમાં રહેનારના વાંચનના શોખને ખુલ્લો કરતાં હતા. એની સાથે જ જોડાયેલી બારી બહારના ટેરેસ માં ખૂલતી હતી. રૂમના આ ભાગના દરેક ખૂણા માં જુદા જુદા ફૂલો થી સજાવેલા ફૂલદાન રાખેલા હતા. રૂમના બીજા ભાગ ને એક સ્ટેપ ની મદદથી થોડો ઊંચો અને અલગ કરવામાં આવ્યો હતો. અને એને જરૂર મુજબ અલાયદો કરવા માટે વચ્ચે અર્ધપારદર્શક એવા આછા વાદળી રંગના પડદા રાખવામાં આવ્યા હતા. અંદરના ભાગમાં ડાબી બાજુની સાઇડ એક વિશાળ સાઇઝનો બેડ અને જમણી બાજુ બહારના ઓપન ટેરેસમાં જવા માટેનો એક વિશાળ દરવાજો હતો. એને કાટખૂણે એક બીજો દરવાજો હતો જે રૂમની સાથે જોડાયેલા વિશાળ બાથરૂમ અને ડ્રેસ એરિયામાં ખૂલતો હતો જે એક આખી દીવાલના અરીસા સાથે મોટા વોર્ડરોબથી રાચતો હતો.

આજે આ આખા રૂમ ને કેન્ડલ અને રોઝીઝ થી શણગારેલો હતો. કેમ કે આજના જ દિવસે ઘરનો એકનો એક લાડકવાયો, શહેરના નામચીન બિઝનેસમેનનો ખૂબ લાયક એવો વારસદાર અને નાની ઉમરમાં જ પોતાની બિઝનેસ સ્કીલ્સથી પોતાની અલગ ઓળખાણ ઊભી કરી રહેલો અનિમેષ પટેલ ખૂબ જ ધામધૂમ થી સંચિતા જેવી શાંત અને સમજદાર છોકરી સાથે પરિણય બંધનમાં જોડાયો હતો અને આજે એમની પ્રથમ રાત્રિ એટલે કે સુહાગરાત હતી.

આમ તો દરેક દંપતી અને ખાસ કરીને નવોઢાના મનમાં આ રાત્રિના ઘણા સપનાઓ હોય જ છે. પરંતુ આટલા સારા ઘરમાં પરણીને આવવા છતાં સંચિતાના મનમાં કોઈ પણ જાતનો ઉમળકો ના હતો. અને આમ થવાનું કારણ હતું એના ઘડિયા લગ્ન અને અનિમેષ અને પોતાની ઉમર વચ્ચેનો ખાસ્સો પાંચ વર્ષનો તફાવત. સાથે હજુ તો પોતે કોલેજનું લાસ્ટ યર પૂરું જ કર્યું હોવાથી તે આટલી જલ્દી લગ્ન માટે તૈયાર ના હતી. પરંતુ સારા ઘર અને સારા વર ના લીધે એના માતપિતાની ઈચ્છા અને ખુશી માટે પોતે આટલી જલ્દી લગ્ન માટે હા પાડી હતી. એમાં પણ અનિમેષના બીમાર પડેલા દાદી ની છેલ્લી ઇચ્છા ‘પૌત્ર ના લગ્ન’ એમની હૈયાતીમાં પૂર્ણ કરવા માટે આટલી ઉતાવળ કરવામાં આવી હતી. આ નવરાશની પળોમાં વિચારો કરતા કરતા તે પોતાના ભૂતકાળમાં સરી પડી.

હજુ આજ થી બે અઠવાડીયા પહેલા જ એક સબંધી મારફત સબંધની વાત ચાલી હતી. એક અઠવાડીયા સુધી એક બીજા પરિવાર સાથેના મેળાપ અને વાતચીત પછી બંને પક્ષેથી આ સબંધ માટે હામી ભણવામાં આવી ત્યારે અનિમેષના પિતાએ ખુબ જ વિનમ્રતાથી પોતાના માતાની બીમારીની વાત જણાવીને ઘડિયા લગ્ન માટેનો પ્રસ્તાવ રાખ્યો હતો. અને સમજૂતીથી આ વાત સ્વીકારીને એક જ અઠવાડીયા પછીની લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. લગ્નની બધી તૈયારીઓ બંને પરિવાર સાથે મળીને ખૂબ સારી રીતે કરી શક્યા. અનિમેષના પરિવારનો સપોર્ટ જોઈને સંચિતા ઘર તરફથી તો નચિંત હતી. પરંતુ આટલા ટૂંકા સમયમાં તેની અને અનિમેષની વચ્ચે કોઈ જ લાગણીનો સેતુ જોડાઈ શક્યો નહોતો. એમાં પણ અનિમેષ ની કોઈ મહત્વની બિઝનેસ ડીલ ને લીધે તે આ જ ગાળામાં ફોરેન ગયો હોવાથી ના તો બંનેને એકબીજા સાથે આખો આખો દિવસ ને રાત વાતો કરવાનો સમય મળ્યો કે ના તો મળવાનો. ફોન પર થોડી ઘણી વાતચીત થઈ એ જ. લગ્ન કરીને આવ્યા પછી પણ અત્યાર સુધીમાં થોડી વાર પણ તેને અનિમેષ સાથે વાત કરવાનો સમય નહોતો મળ્યો. આથી જ પોતે આજે વધારે પડતી નર્વસ ફીલ કરતી હતી. પોતાના મનને શાંત કરવા માટે તે બેડ પરથી ઊભી થઈને ટેરેસમાં આવી. શિયાળાની ઠંડી હવાની લહેર એ તેનો થાક થોડો હળવો કર્યો અને મનને એક અલગ જ શાતા આપી. થોડી વાર તે ત્યાં જ ઊભી રહી આ ઠંડક માણતી હતી ત્યાં જ એના રૂમ નો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. આથી ઊભી થઈને તે ટેરેસના બાર પાસે ગઈ. એને ત્યાં ટેરેસ માં ઊભેલી જોઈને અનિમેષ પણ ત્યાં આવ્યો. આગળ શું કરવું એની મુંજવણમાં એ ચૂપચાપ ઊભી હતી. એના મનના ભાવ કદાચ અનિમેષ સમજી ગયો હશે એટલે કહ્યું,

“તમને ત્યાં સારું લાગતું હોય તો આપણે ત્યાં બેસી શકીએ.” આમ કહી પોતે પણ ટેરેસમાં જઇ ત્યાં રાખેલી આરામ ચેર પર બેઠો અને બીજી ચેર પર સંચિતા ને પણ બેસવા માટે ઈશારો કર્યો.

“સંચિતા, તમે ઘરે મમ્મી પપ્પા જોડે વાત કરી? મે જોયું કે આવ્યા ત્યારથી તો તમને કોઈએ એકલા મૂક્યા જ નહોતા એટલે વાત નહીં થઈ હોય. અત્યારે વાત કરી? એ લોકો પણ તમને યાદ કરતાં હશે.”

સંચિતા ને આ વાત થી પોતાના પિયર ની યાદ આવી ગઈ. હજુ આગળ કઈ વિચારે એ પહેલા તો અનિમેષે ફોન લગાવીને આપી દીધો. થોડી વાર પોતાના માતા-પિતા સાથે વાત કરવાથી અને અનિમેષ તરફથી પોતાપણા ની લાગણી અને ખૂબ જ નોર્મલ વર્તન જોઈ તે પણ ઘણું રિલેક્સ ફીલ કરતી હતી. પણ શું વાત કરવી એ ના સમજતા હજુ ચૂપચાપ જ બેઠી હતી.

“સંચિતા, I am sorry. પહેલું કારણ, દાદી ની ઇચ્છા ના લીધે તમારે આટલા ઓછા સમય માં લગ્ન માટે તૈયાર થવું પડ્યું. બીજું કારણ, જે એક વીક નો સમય હતો એ પણ મારા કામ ના લીધે હું તમને ના આપી શક્યો. ખરેખર મે તમને ત્યારે પણ કહ્યું એમ ઘણું ઇમ્પોર્ટન્ટ કામ હતું બાકી હું ના જ જાત.”

“અરે કોઈ વાંધો નહીં.” સંચિતા બસ આટલું જ બોલી. આગળ બોલવાના શબ્દો એને નહોતા મળતા.

“પણ આપણે એક કામ કરી શકીએ. તમારા માટે એક સરપ્રાઇઝ છે. 2 દિવસ હજુ મારે ઓફિસના કામ માટે જવું પડશે. હું જે ડીલ માટે ગયો હતો એનું ફાઇનલ ડોક્યુમેન્ટેશન બાકી છે માટે. પણ હું સાંજના સમયે જ ઘરે આવતો રહીશ અને પછી બંને દિવસ આપણે શોપિંગ માટે જવાના છીએ. તમને જે ગમે એ ખરીદી લેજો.”

“ના ના અનિમેષ, its ok. તમારે compensation માટે શોપિંગ કરાવવાની જરૂર નથી. તમે વહેલા ઘરે આવી જશો એ જ સરપ્રાઇઝ કાફી છે. એમ પણ લગ્ન માટે ઘણી શોપિંગ કરી છે. સો અત્યારે તો કોઈ જ જરૂર નહીં.” એક મનમોહક સ્મિત સાથે સંચિતા એ કહ્યું. અનિમેષના આટલા ફ્રેન્ક વ્યવહાર અને નિખાલસ વાતો થી સંચિતા ખુશ હતી. એની બધી જ નર્વસનેસ તો અનિમેષે થોડી વાતો માં જ ગાયબ કરી દીધી હતી.

“બસ? આટલા માં જ ખુશ થઈ ગયા? આ તો બધી તૈયારી હતી. સરપ્રાઇઝ આ નથી. પણ હા, સરપ્રાઇઝ સાંભળ્યા પછી કદાચ તમને આની જરૂર જણાશે. પહેલા એ કહો, તમે મેરેજની શોપિંગમાં કેટલા વેસ્ટર્નવેર લીધા? મોરેશ્યશમાં તમે શું કુર્તામાં ફરશો?”

“મતલબ?” આશ્ચર્ય અને આનંદ મિશ્રિત સ્વરમાં સંચિતા એ પુછ્યું.

“તમને શું લાગ્યું સંચિતા? મને તમારી સાથે સમય વિતાવવાની, તમને જાણવાની ઇચ્છા નહીં હોય? અને આપણો ગોલ્ડન ટાઈમ મે વેસ્ટ કર્યો એનું compensation પણ કઈક મોટું હોવું જોઈએ ને.” એક સ્મિત સાથે સંચિતા ની આંખો માં જોઈ ને અનિમેષે આગળ કહ્યું, “મે પપ્પાને તમારી પાસે પાસપોર્ટ છે કે કેમ એ પુછ્યું હતું. અને સારી વાત એ હતી કે પાસપોર્ટ હતો. તો હું જ્યારે કામ થી બહાર નીકળ્યો ત્યારે જ MMT પર બધુ બૂકિંગ કન્ફર્મ કરી લીધું હતું. આજ થી 2 દિવસ પછીની આપણી ટીકિટ્સ છે. બોલો હવે તો આવશોને શોપિંગ પર?”

“બિલકુલ. અને થેન્ક યૂ સો મચ.” સંચિતા ના ચહેરા પર ઉત્સાહ સાફ દેખાતો હતો.

“તો હવે સૂઈ જઇયે, તમે પણ થાકેલા હશો.” આમ કહી ને અનિમેષ સંચિતાનો હાથ પકડીને અંદર જાય છે. અને તરત કપડાં ચેન્જ કરવા માટે ડ્રેસ એરિયામાં જતો રહે છે. સંચિતા વિચારમાં પડી જાય છે કે પોતે અનિમેષ જોડે કમ્ફર્ટેબલ તો છે પરંતુ આગળ સબંધ વધારવા માટે હજુ તૈયાર નથી. પરંતુ અનિમેષ ને ખરાબ લાગે એવું કઈ ના કરવા માટે પોતાના મનને સમજાવી લે છે અને પોતાના બધા ઓર્નામેન્ટ્સ ઉતારીને હળવી થાય છે. અનાયાસે જ એના મોં માંથી ‘હાશ.....’ નીકળી જાય છે, જે નાઇટ ડ્રેસ પહેરી બહાર આવેલો અનિમેષ સાંભળે છે.

“સંચિતા, એક વાત પૂછું?”

“હા બોલો ને”

“તમે ગર્લ્સ થાકી જાવ તો પણ આટલા ઘરેણાં કેમ પહેરો છો?”

આ સાંભળી ને સંચિતા હસવા લાગે છે. “આ જ તો અમારો સ્વભાવ છે, થાકી જવાય તો પણ તૈયાર થવું ગમે. હા, આજ થોડું વધારે થઈ ગયું. આટલો લાંબો ટાઈમ ક્યારેય નહીં પહેર્યા.” આમ કહી સંચિતા ફ્રેશ થવા હજુ ડ્રેસ એરિયામાં જતી હતી ત્યાં જ અનિમેશે એને રોકી અને એક ગિફ્ટ આપ્યું. સાથે કહ્યું, “આમ તો મને ગર્લ્સના કપડાંમાં કોઈ જ ખબર ના પડે. આ તો ફ્રેંડ્સએ કહ્યું કે નાઇટ ડ્રેસ ગિફ્ટ કરવાનો હોય સો મારી રીતે ખરીદી કરી છે. I hope તમને ગમશે. મને ગમશે જો મારી સામે જ આને ખોલો.”

આ સાંભળી ને સંચિતા ફરી થોડી મુંજાણી. પરાણે પોતાના ભાવો પર સંયમ રાખી, આછા સ્મિત સાથે તેને ગિફ્ટ ખોલવાનું શરૂ કર્યું. પરંતુ અનિમેષ એના બધા ભાવોને ક્ષણવારમાં જ વાંચી ચૂક્યો હતો અને આછું સ્મિત કરતો ઊભો હતો. ગિફ્ટ જોઈને ફરીથી સંચિતાનો ચોંકવાનો વારો હતો. ગિફ્ટમાં પોતે પહેલા પહેરતી એવો જ એક સિમ્પલ નાઈટ ડ્રેસ હતો. એક્દમથી તેના ચહેરા પર નું સ્મિત વધી ગયુ એટલે અનિમેષ થી હસ્યા વિના રહેવાયું જ નહીં. એ પ્રેમથી તેની પાસે આવ્યો અને તેના ખભા પર હાથ રાખી ખૂબ વહાલથી બોલ્યો, “સંચિતા રિલેક્સ, તમને તમારો સમય લેવાની પૂરી છૂટ છે. ચાલો જલ્દી આવો પછી સૂઈ જઈએ.”

આ રીતે ખુબજ સમજદારીથી બંને એકબીજાને સમજવાનો પૂરતો સમય લેતા હતા. આ બે દિવસ માટે અનિમેષ જ્યારે ઓફિસમાં હોય ત્યારે સંચિતાને પરિવાર સાથે સમય વિતાવવાની સાથે અનિમેષની મીની લાઈબ્રેરી માંથી ઘણા પુસ્તકો વાંચન માટે મળી રહેતા. અને બંનેનો આ સરખો શોખ બંને માટે અઢળક વાતોનું માધ્યમ બનતો. સાંજે બંને સાથે શોપિંગ પર જતાં અને રાતનું ડિનર ફૅમિલી સાથે બહાર લેવાથી સંચિતા ખૂબ જ ઝડપથી એના આ નવા ઘરમાં સેટ થતી જતી હતી.

બે દિવસ પછી બંને પોતાના હનીમૂન માટે નીકળી ગયા. ત્યાંની નવી નવી જગ્યાએ ફરતી વખતે બંને ખૂબ સારા મિત્રો તો બની ગયા સાથે તન ને મનથી એકબીજા ની નજીક આવતા હતા. ઘણી બધી મસ્તી, પ્રેમ અને સેલ્ફી ના શોખ ને લીધે બંનેને એકબીજા સાથે ઘણું ફાવી ગયું હતું. અનિમેષ ને સંચિતાનો નિખાલસ અને ભોળપણ ભર્યો સ્વભાવ મોહિત કરી ચૂક્યો હતો તો સંચિતાને અનિમેષ નું પ્રેમ છલકતું છતાં સંયમી વર્તન એનાથી આકર્ષાવા માટે મજબૂર કરી રહ્યું હતું. એક સાંજે બંને બેઠા હતા ત્યારે અનિમેષે સંચિતાને ફરી એક ગિફ્ટ પેક આપ્યું અને પોતે થોડું કામ હોવાનું બહાનું કરી બહાર જતો રહ્યો.

એના ગયા પછી જ્યારે સંચિતાએ ગિફ્ટ ખોલ્યું ત્યારે જોતી જ રહી ગઈ. એક સ્પેશિયલી ડિઝાઇન કરાવેલી ટ્રાન્સપરન્ટ બ્લૂઈશ કલર ની સાડી એવા જ એક ડિઝાઇનર બ્લાઉઝ સાથે હતી. થોડા હળવા અને ડેલિકેટ મેચિંગ ઓર્નામેન્ટ્સ પણ મૂકેલા હતા. સાથે એક ચિઠ્ઠી પણ રાખેલી હતી.

“વહાલી સંચિતા,

આમ તો લોકો કહે છે કે હવે તો અરેંજ મેરેજ પણ લવ મેરેજ જેવા થઈ ગયા છે. પ્રેમ તો લગ્ન પહેલા જ થાય છે. આપણી સાથે આવું તો ના થયું પણ તારી સાથે વિતાવેલા આજ સુધીના બધા જ પળોમાં તે મને પોતાની તરફ પ્રેમ કરવા માટે જાણે કે મજબૂર જ કરી દીધો છે. તારી નિખાલસ વાતો, નાની છોકરી જેવુ છલકતું ભોળપણ, છતાં પણ દરેક પરીસ્થિતીમાં સમજદારીભર્યું વર્તન. કોણ હોય જે આવી જીવનસંગિની ની અપેક્ષા ના રાખે. છેલ્લા દસ દિવસ થી આપણે સાથે છીએ. પણ જાણે કે વર્ષો થી એકબીજા સાથે હોઈએ તેવો અનુભવ થાય છે. અને આજે હું કબુલ કરું છુ કે હા, હું તને પ્રેમ કરવા લાગ્યો છુ. આઇ લવ યૂ સો મચ.

ચિંતા ના કર સંચિતા, જરૂરી નથી કે તારો વળતો જવાબ પણ આવો જ હોય. તું આપણાં સબંધ ને આગળ વધારવા માટે જેટલો ઇચ્છે એટલો સમય લઈ શકે છે. હું તો બસ ખાલી તને મારા મન ની વાત જણાવવા માગતો હતો.

સંચિતા, જો તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો આજે આ ગિફ્ટ પહેરી ને મારી જોડે ડિનર માટે આવીશ? મને જવાબ આપવાની આ એક રીત જ સમજી શકે છે તું, જો હમણાં જવાબ આપવો હોય તો. અને જો તને ઇચ્છા ના હોય અથવા સમય જોઈતો હોય તો મેસેજ કરી ને તું ના પણ કહી શકે છે. અને જો ઇચ્છા હોય તો તૈયાર થઈને આ સાથે રાખેલ કાર્ડ માં આ જ હોટેલ નું એક વેન્યુ લખેલું છે ત્યાં આવી જા.

તારો દોસ્ત, ___________

અનિમેષ.”

સંચિતા અનિમેષ નો પ્રેમના એકરારનો આ તરીકો જોઈને ખૂબ જ ખુશ થાય છે. પોતે પણ અનિમેષને મનથી પોતાનો માનવા લાગી હોય છે, પ્રેમ તો એને પણ હોય જ છે. આથી જરાય સમય બગાડયા વિના ફટાફટ તૈયાર થઈને કાર્ડમાં લખેલી જગ્યા પર પહોચી જાય છે. ત્યાં જઈને જોવે છે તો તેને પોતાની આંખ પર ભરોસો નથી આવતો. એક ખૂબ જ મોટો સ્યૂટ જેવો રૂમ રેડ રોઝીઝ થી શણગારેલો હતો. રૂમનો આછો પ્રકાશ અને ધીમું વાગતું સંગીત વાતાવરણને વધુ રોમેન્ટીક બનાવે છે. અંદર જઈ ને જોવે છે તો રૂમ માં કોઈ જ દેખાતું નથી. રૂમની અંદરના ભાગમાં એક ફૂલોથી સજાવેલો બેડ હોય છે. વચ્ચેના ટેબલ પર એક મોટો બૂકે રાખેલો હોય છે અને તેની સાથેના કાર્ડ માં લખેલું હોય છે, “Love you my valentine…. My sunshine….. Happy Valentine’s Day….”

આ વાંચીને સંચિતાને અચાનક યાદ આવે છે કે આજે તો 14th ફેબ્રુઆરી છે. આટલા મોટા સરપ્રાઇઝ અને અનિમેષના પ્રેમથી તે થોડીવાર માટે ખૂબ જ ભાવુક બની જાય છે. થોડું આમતેમ જોઈને અનિમેષને શોધવાની ટ્રાય કરે છે. પરંતુ તે ક્યાંય દેખાતો નથી. આથી તેને ફોન લગાવે છે. ફોનની રિંગ વાગવાનો અવાજ બાલ્કની માંથી આવતા તે એ બાજુ જઇને જોવે છે તો અનિમેષ એની રાહ જોઈને ત્યાં જ ઊભો હોય છે. પોતાની આપેલી ગિફ્ટમાં પોતાની સુંદર પ્રિયતમાને જોઈને અનિમેષને પોતાનો જવાબ મળી જાય છે.

“તમે અહી ઊભા છો? હું કયારની શોધતી હતી.”

“મને ખબર છે. પણ આવી જ કોઈ સજાવેલા રૂમની ટેરેસથી ચાલુ થયેલી સ્ટોરી ફરી અહી આવવી જોઈએ ને.” આ સાંભળી ને સંચિતા ના ચહેરા પર શરમાળ સ્મિત આવી જાય છે. તે ધીમેથી અનિમેષ પાસે જાય છે અને અનિમેષે આપેલો પ્રેમ પત્ર એને પાછો આપે છે. આથી અનિમેષ મુંજાઈ જાય છે અને પ્રશ્નસૂચક નજરે તેની સામે જોવે છે.

“મને નહીં, આ પત્ર ને ખોલી ને જોવો.” ખૂબ સ્નેહભર્યા અવાજે સંચિતા કહે છે.

અનિમેષ પત્ર વાંચે છે. બધુ તો એમ જ હતું, બસ ખાલી રાખેલી એક જગ્યા સંચિતા વડે ભરવામાં આવી હતી.... અને એ હતી છેલ્લે અનિમેષના નામ ની ઉપરનું વાક્ય.

“તારો દોસ્ત, અને પરિણય પછીનો પ્રણય,

અનિમેષ.”

આટલી અનોખી રીતે અપાયેલા સંચિતાના જવાબથી અનિમેષ લાગણીવશ થઈ જાય છે અને તેને પોતાની બાથમાં ભરી લે છે. અને આ સાથે જ એકબીજા સાથે પુર્ણ રીતે જોડાઈ ગયેલા બંને પ્રેમી – પતિપત્ની ની પ્રણયગાથા શરૂ થઈ જાય છે........... :)

You can give reviews on:

: writervish2502@gmail.com

: +91 9662552299

બીજા રસપ્રદ વિકલ્પો