Featured Books
શ્રેણી
શેયર કરો

સંભવામિ યુગે યુગે ભાગ ૩૮ - અંતિમ ભાગ

ભાગ ૩૮

પાંચ વર્ષ પછીનું દૃશ્ય .

  એક પૉશ ઓફિસેમાં સોમ બેઠો હતો. થોડીવારમાં સેક્રેટરી આવી અને કહ્યું, “સર! આજે ત્રણ પ્રોડ્યૂસર સાથે મિટિંગ છે અને રાત્રે તમારી અને મેડમની લંડનની ફ્લાઇટ છે.અને આવતીકાલે તમારો શૉ વેમ્બલી સ્ટેડિયમમાં છે. આપણી ટીમ ઓલરેડી ત્યાં પહોંચી ગઈ છે. રિહર્સલ માટે થોડો સમય મળશે.”

 સોમે ઓકે કહ્યું અને સેક્રેટરી ગયા પછી પાયલને ફોન જોડ્યો અને સમાન પેક કરવાની સૂચના આપી. સોમ અને પાયલના લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા હતા.થોડીવાર પછી તેણે સેક્રેટરીને પાછી અંદર બોલાવી અને એક લાખ રૂપિયાના પાંચ ચેક બનાવીને આપ્યા અને કહ્યું, “તેમને સમયસર કુરિયરમાં નાખી દે જે.”

 સેક્રેટરી ઘણા સમયથી પૂછવા માંગતી હતી પણ પૂછી નહોતી શકતી પણ આજે સોમને સારા મુડમાં જોઈને થોડી હિમ્મત કરીને પૂછી લીધું, “સર, આ દર મહિને આપ કોને ચેક મોકલો છો? અને તમે મેડમને પણ ખબર પડવા નથી દીધી.” પૂછતાં તો પૂછી લીધું પણ સોમના ચેહરાની તંગ થતી રેખાઓ જોઈને વાત ફેરવીને કહ્યું, “ઓકે સર, મને ખબર છે અને તે વિશે તમે કંઈ પણ પૂછવાની મનાઈ કરી છે, પણ ઘણી વાર રહેવાતું નથી.”

 સોમ હસી પડ્યો અને કહ્યું, “ઠીક છે, એકવાર કહી દઉં છું ,નહિ તો દર વખતે ચેક લેતી વખતે ચેહરા પર પ્રશ્નચિન્હ રહેશે.”

તેણે કહ્યું, “આ પહેલો ચેક મારા પિતા સમાન રામેશ્વરજીના દીકરાના નામનો છે તેમણે એક વખત મારો જીવ બચાવ્યો હતો અને એક વાર પાયલનો એક્સીડેન્ટ થતો બચાવવામાં તેમણે જીવ ગુમાવ્યો. આ બીજો ચેક મારા મિત્ર ભુરીયાના માતાપિતાના નામનો છે. તેનું અકાળ મૃત્યુ થતા પરિવાર માં કોઈ કમાવનાર નથી તેથી હું તેમને સાંભળું છું.”

 એમ કહીને ચૂપ થઇ ગયો એટલે સેક્રેટરીએ પૂછ્યું, “ આ બીજા ત્રણ ચેક?”

 સોમે કહ્યું, “મારી કેરિયર સ્ટાર્ટ થઇ, તે વખતે મને મદદરૂપ થનાર ત્રણ પરિવારને હું મદદ કરું છું.” 

સેક્રેટરીએ કહ્યું, “વૉવ સર! તમે કેટલા ગ્રેટ છો નહિ તો ઘણા બધા લોકો થોડી સફળતા મળે એટલે પોતાના ભાઈઓને પણ ભૂલી જતા હોય છે અને તમે તો દોસ્તના પરિવારને પણ મદદ કરો છો. તે વખતે સોમ હસ્યો પણ તે હાસ્યમાં ક્યાંક ગ્લાનિ હતી. સેક્રેટરીએ અજાણતામાં પાંચ વરસ પાછો મોકલી દીધો હતો.

સોમ તે સમય ને ફરી યાદ કરવા લાગ્યો. ભુરીયા અને રામેશ્વરના મૃત્યુનો બોજ પોતાના હૃદયમાં લઈને ગુફામાંથી નીકળ્યો હતો. તે પાયલ સાથે ફક્ત આજે જ જૂઠું બોલ્યો હતો કે તેણે કોઈ બળી આપ્યા નથી. તેણે ત્રણ માનવબળી આપ્યા હતા અને તેમની વ્યવસ્થા પ્રદ્યુમનસિંહે કરી હતી. હોસ્પિટલમાંથી નીકળીને તેણે પોતાની ફરતે રહેલા તમામ સુરક્ષાચક્રો હટાવી દીધા અને મંત્રો બોલીને જુદું સુરક્ષાચક્ર બનાવ્યું જેની વિધિ તેને ઇંદ્રજાલ પુસ્તકમાં મળી હતી.

પછી તેણે પ્રદ્યુમનસિંહને ફોન કરીને કહ્યું, “જટાશંકર જુદા પ્રકારનું ઇંદ્રજાલ રચી રહ્યો છે અને તેનો જવાબ હું સામે બીજું ઇંદ્રજાલ રચીને આપવા માંગુ છું, પણ હવે તે ત્રણ બળી આપ્યા વગર શક્ય નથી અને હું બળી આપવા નથી માંગતો.”

 પ્રદ્યુમનસિંહે કહ્યું, “બે મિનિટ મને વિચારવા દે .” પછી કહ્યું, “બળીની વ્યવસ્થા થઇ જશે .મારી જાણકારીમાં ત્રણ એવી વ્યક્તિ છે જેમનું મૃત્યુ અટલ છે, તેઓ કેન્સરથી પીડાય છે અને એક બે મહિના કે ચાર મહિનાથી વધુ જીવી શકે તેમ નથી. તેમના પરિવારની મદદને બદલે તેઓ પોતાનો બળી આપવા તૈયાર થઇ જશે.”

 સોમે પૂછ્યું, “શું આ યોગ્ય છે?”

 પ્રદ્યુમનસિંહે કહ્યું, “પૂર્ણ રીતે તો યોગ્ય નથી, પણ તેમનો પરિવાર વિકટ અવસ્થામાં છે, આમેય હું તેમને મદદ કરવાનો છું પણ જો તેઓ બળી બનવા તૈયાર થશે, તો મરતી વખતે તેમના મનમાં સંતોષ હશે કે તેમણે તેમના પરિવાર માટે કંઈક કર્યું છે.”

“ઠીક છે હું કહું તેમને ત્યાં મોકલો.”

 પ્રદ્યુમનસિંહે કહ્યું, “હું પોતેજ તેમને લઇ આવું છું.” પ્રદ્યુમનસિંહ પોતાના વાયદા પ્રમાણે ત્રણ વ્યક્તિઓને લઇ આવ્યા હતા. બળી આપતા પહેલા સોમે તેમની માફી માંગી અને પછી તેમના બળી આપી દીધા અને સુમાલીએ પ્રસન્ન થઈને તેને પદ અને શક્તિ બંને આપ્યા હવે તેને ઇંતેજાર હતો જટાશંકરનો.

 જટાશંકર ગુફામાં દાખલ થયો એટલે તેણે તરત મહાઇંદ્રજાલ રચી દીધું. જોકે આ ઇંદ્રજાલની ભ્રમણાનો શિકાર પાયલ પણ બની હતી. તે તેને સમજાવવા માંગતો હતો, પણ સમય ઉચિત ન લાગતાં તેણે અસત્યનો સહારો લીધો અને કહ્યું, “તેણે કોઈ બળી આપ્યા નથી.” તે મહાઇંદ્રજાલમાં પણ ભૂરિયાની આત્મા ને જોઈને ભાવુક થઇ ગયો હતો અને મનોમન પોતાના પર ફિટકાર વરસાવી રહ્યો હતો.

થોડા વરસ પ્રદ્યુમનસિંહે તે ત્રણ પરિવારોની મદદ કરી પણ જેવી સોમની કારકિર્દી સંગીતકાર તરીકે જામી ગઈ એટલે તેણે પ્રદ્યુમનસિંહ પાસે વિનંતી કરી કે  હવે પોતે તે પરિવારોની મદદ કરશે એવું વચન લઇ લીધું, જે તેણે આજ સુધી પાળ્યું હતું. તે ત્રણ પરિવારોને ખબર નહોતી કે મદદ કરી રહ્યું છે અને શા માટે? થોડીવાર પછી સેક્રેટરી આવી અને કહ્યું, “તમારી ફ્લાઇટનો સમય થઇ રહ્યો છે તમે ઘરે નથી જવાના?” સોમે કહ્યું, “ના, હું સીધો એરપોર્ટ જઈશ.”

 સોમ અને પાયલ છેલ્લા બે વરસથી મુંબઈમાં શિફ્ટ થઇ ગયા હતા. જટાશંકરના વધ પછી સોમે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને સંગીતકાર તરીકે કારકિર્દી જમાવવા પ્રયત્ન કરવા લાગ્યો અને ખુબજ ઓછા સમયમાં તે પ્રખ્યાત સંગીતકાર બની ગયો.

લંડન પહોંચ્યા પછી તેણે વેમ્બલી સ્ટેડિયમમાં પોતાનો કાર્યક્રમ રજુ કર્યો અને હજારો લોકોએ તેને વધાવી લીધો. તેનું નામ લંડનના અખબારોની હેડલાઈન બની ગયું.બીજે દિવસે પાયલ અને સોમ લંડનમાં જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી. એક જગ્યાએ સોમ ઉભો રહી ગયો જાણે તેને કોઈ જાતના અવાજો સંભળાતા હોય. પાયલે પૂછ્યું, “શું થયું સોમ, કેમ ઉભો રહ્યો?” સોમે કહ્યું, “કંઈ નહિ. એમ જ હું વિચારતો હતો કે કેટલું સુંદર સ્થળ છે આપણે આપણા બેબીને લઈને ફરવા આવીશું.”

 પાયલે ઓકે કહ્યું પણ વાતનો મર્મ સમજતા તેને વહાલથી મુક્કો મારતાં કહ્યું, “બહુ બદમાશ છે તું.”

 સોમ હસી પડ્યો અને તેઓ હોટેલ પહોંચ્યા. પાયલ ચેન્જ કરવા જતી હતી તો સોમે કહ્યું, “મારે થોડું કામ છે હું હમણાં આવું છું.” એમ કહીને તે સ્થળે પહોંચ્યો જ્યાં તેને વિચિત્ર અવાજો સંભળાયા હતા. ત્યાં પહોંચીને ધ્યાનથી અવાજ સાંભળ્યો તે અવાજ કહી રહ્યો હતો " ઇફ યુ વોન્ટ પાવર કમ ટુ મી, ઇફ યુ વોન્ટ તો એન્જોય કમ ટુ મી. મોર્ગેજ યોર સૉઉલ એન્ડ હેવ પાવર." તેણે ચારે તરફ જોયું અને કોઈ નથી તેની ખાતરી થયા બાદ સોમ એક મંત્ર બોલ્યો અને તે રાવણ બની ગયો અને થોડીવાર પછી ત્યાંથી કોઈ અવાજ અવાજ આવી રહ્યો ન હતો. 

 

જ્યોતિન્દ્ર મહેતા

 

સમાપ્ત