ભાગ ૭
સોમના ગયા પછી તે આંખ બંધ થઇ અને આશ્રમમાં બેસેલા જટાશંકરે આંખો ખોલી અને તે ચિંતિત બન્યા, તેમના મગજમાં વિચારોનું વંટોળ ઉઠ્યું. ખુબ પ્રયત્નો પછી તેમને પ્રથમ પુરાવો મળ્યો હતો કે સંગીતસોમ મેલીવિદ્યામાં રસ લઇ રહ્યો છે અને મહાગુરૂના પદ સુધી પહોંચી ગયો છે. આને અત્યારે નહિ રોક્યો તો પાછળથી ભારે પડશે. અનંતકની વિધિનું પુસ્તક તો તેની પહોંચની બહાર છે પણ ક્યાં સુધી? પાછલા ૫૦૦ વર્ષમાં પોતાના પછી પહેલો સાધક છે જેણેઆટલી નાની ઉંમરમાં મહાગુરુની પદવી મેળવી છે અને જો તે અનંતકના પદ સુધી પહોંચી ગયો, તો તે મારા કૃતકના પદથી એક ક્રમ નીચે હશે.અત્યારસુધી તો મારી સાથે કોઈની સ્પર્ધા નહોતી પણ આ એક જબરદસ્ત સ્પર્ધક ઉભો થઇ ગયો છે. મારે શક્તિધર સાથે વાત કરવી પડશે.
જટાશંકર પોતાની ઝુંપડીમાં ગયો અને તેમાં પડેલી પેટીમાંથી પોટલી કાઢી અને પાછળની તરફ જઈને ત્યાં બે કુંડાળા તૈયાર કર્યા. પોટલીમાંથી ચપટી રાખ કાઢીને એક કુંડાળામાં નાખી અને તેમાં પોતે બેસી ગયા અને બીજા કુંડાળામાં બીજી પોટલીમાંથી માટીના રંગનો અજાણ્યો પદાર્થ કાઢીને નાખ્યો અને પછી મંત્ર બોલવા લાગ્યો. થોડીવાર પછી તે કુંડાળામાંથી અવાજ આવ્યો, “ઘણા સમય પછી બોલાવ્યો કૃતક જટાશંકર!” જટાશંકરે કહ્યું, “મને તારી મદદની જરૂર છે.”
શક્તિધરે કહ્યું, “હમમમ, ખબર છે મને તારી સામે એક ભયંકર સ્પર્ધક ઉભો થયો છે, મેં તને પહેલાં જ ચેતવણી આપી હતી.” જટાશંકરે કહ્યું, “તને શું લાગે છે મેં પ્રયત્ન નહોતો કર્યો, તે બે વરસનો હતો ત્યારે પણ તેને મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ કોઈ શક્તિ તેની રક્ષા કરી રહી હતી અને હવે તો તેના પર હાથ નાખવો મુશ્કેલ છે.” શક્તિધરે કહ્યું, “તો પછી મને બોલાવવાની તસ્દી કેમ લીધી, બેઠા બેઠા તમાશો જોયા કર કે તે કયા પદ સુધી પહોંચે છે.”
જટાશંકરે કહ્યું, ”હું ફક્ત જોઈ રહીશ તો તે રાવણના પદ સુધી પહોંચી જશે અને હું ફક્ત કૃતક રહી જઈશ અને તનેય ખબર છે રાવણ કોઈ એક જ બની શકે.” શક્તિધરે કહ્યું, “વધારે શક્તિની મહેચ્છા ન રાખ તું કૃતકના પદથી આગળ નથી વધી શકવાનો અને તેવા સંયોગો હોત તો તું ક્યારનોય આગળ વધી ગયો હોત.” જટાશંકરે કહ્યું, “હું રાવણના પદ સુધી તો ક્કી પહોંચીશ પણ તું અત્યારે સોમ ને રોકવાનો કોઈ માર્ગ બતાવ.” શક્તિધરે કહ્યું, “તું પાછલા ૫૦ વર્ષમાં છઠ્ઠો ગુપ્ત માર્ગ શોધી શક્યો નથી તો કેવી રીતે પદ મેળવીશ?” જટાશંકરે કહ્યું, “તે મારુ કામ છે તું ફકત મારા પ્રશ્નનો જવાબ આપ.”
શક્તિધરે કહ્યું, “ તો સંભાળ, તારે આપણા વિરોધીઓની મદદ કરવી પડશે. તારે પ્રદ્યુમન અને તેના માણસોને મદદ કરવી પડશે.”જટાશંકરે કહ્યું, “તે હું કઈ રીતે કરી શકીશ?” શક્તિધરે કહ્યું, “તું કૃતક કેવી રીતે બની ગયો? તારા મગજના તરંગોથી વિચારો પ્રદ્યુમન સુધી પહોચાડ આગળનું કામ તે કરશે.”
તેના ઘટના પછીની બધી રજાઓ સોમે પળિયામાં વિતાવી, દિવસે ફરતો અને રાત્રે ભજન. ભજનો તેના મનને અદભુત ઠંડક આપતા. જયારે જયારે સોમનું મન વ્યગ્ર થઇ જતું તે શિવનું ભજન લલકારતો અને તેનું મન શાંત થઇ જતું. તેણે પોતે લખેલા ભજનોની ડાયરી તેણે સુંદરદાસજી બાપુને આપી હતી. તેઓ તેના માથે હાથ ફેરવતા અને કહેતા “એક દિવસ તું મહાન સંગીતકાર બનીશ.”
આ વખતે શહેર જતા પહેલા નક્કી કર્યું કે આ વખતે કોલેજના કોઈ કાર્યક્રમમાં ભાગ લેવો નહિ જેથી તે આકર્ષણનું કેન્દ્ર બને. પાછલું આખું વરસ તેણે છોકરીઓથી દૂર ભાગવામાં વિતાવ્યું જેમાં પાયલ અને દીપા મુખ્ય હતી. પાયલ તેને ગમતી પણ તેનો ઉદ્દેશ એટલો મોટો હતો કે તેમાં પાયલ માટે કોઈ સ્થાન નહોતું. તે અડચણરૂપ બનવાની શક્યતા હોવાથી પાયલથી દૂર રહેતો.
બીજા વર્ષના પ્રારંભથીજ તે અતડો રહેવા લાગ્યો અને ધીરે ધીરે તે એક કોચલામાં પુરાઈ ગયો. તે ફક્ત જીગ્નેશ અને ભુરીયા સાથે જ વાત કરતો . જીગ્નેશનો અવાજ સારો હતો અને ભુરીયાનો અભિનય સારો હતો પણ સંગીતસોમની છાયામાં તેમની તરફ કોઈનું ધ્યાન જ જતું નહિ પણ જેવો સોમ નાટક અને સંગીતથી દૂર થયો, તેઓ ઝળકવા લાગ્યા. સોમનું લક્ષ્ય ફક્ત તે પુસ્તક હતું. જયારે તે શહેરમાં આવ્યો તેણે સૌથી પહેલી મુલાકાત સીટી લાયબ્રેરીની લીધી, પણ ત્યાં જઈને ખબર પડી કે જૂનો લાયબ્રેરિયન રજા પર છે. તેણે બીમારીના કારણસર ૬ મહિનાની રજા લીધી હતી અને તે ક્યાં ગયો છે તેની પણ કોઈને ખબર નહોતી.
નવો લાયબ્રેરિયન કોઈ યુવક હતો પણ તેને ગુપ્તખંડ વિષે કોઈ માહિતી હોય તેવું લાગતું નહોતું. તે છતાં સોમે એક વાર તેને સંમોહનમાં લઇને પૂછ્યું પણ તેને કોઈ વાત ની ખબર નહોતી. સોમ નિરાશ થઇ ગયો હતો તે રોજ સીટી લાયબ્રેરીમાં જતો એ આશામાં કે જૂનો લાયબ્રેરિયન રજા પરથી પાછો આવી ગયો હોય.આકર્ષક લાગતો યુવક અચાનક અનાકર્ષક દેખાવા લાગ્યો હતો. તેની આંખની આસપાસ કુંડાળા પડી ગયા હતા, ગાલ અંદર ધસી ગયા હતા અને ચહેરા પરનું તેજ અને હાસ્ય અદ્રશ્ય થઇ ગયું હતું.
એક દિવસ મોડી સાંજે તે પથારીમાં એક પુસ્તક સાથે આડો પડ્યો હતો ત્યારે રૂમમાં પ્રોફેસર અનિકેત આવ્યા. સોમનું ધ્યાન પુસ્તકમાં હતું. અનિકેતે પ્રેમથી તેના માથામાં હાથ ફેરવ્યો. સોમે ચમકીને ઉપર જોયું તો પ્રોફેસર અનિકેતનો માયાળુ ચહેરો દેખાયો. સોમે કહ્યું, “આવો આવો સર, કેમ છો?” પ્રોફેસરે કહ્યું, “હું તો મજામાં છું પણ તું મજામાં દેખાતો નથી. તારો ચહેરો ઉતરી ગયો છે. હું તને કોલેજમાં રોજ જોતો તેથી આજે હોસ્ટેલમાં આવીને મળવાનું વિચાર્યું. શું કોઈ તકલીફ છે તને? હમણાંથી કોઈ કાર્યક્રમમાં પણ ભાગ નથી લેતો અને ટેસ્ટમાં પણ પાછલા વરસ કરતા ઓછા માર્ક્સ છે. કોઈ ચિંતા હોય તો કહે? પૈસા ની કોઈ તકલીફ હોય તો પણ કહે.”
સોમ અવઢવમાં પડ્યો, સાચું કારણ જણાવી શકાય તેમ નહોતું તેથી કહ્યું, “ના સર, એવી કોઈ વાત નથી પણ મને અહીં ઓછું ફાવે છે, ગામ જવાનું મન થાય છે.” પ્રોફેસરે કહ્યું, “સાચી વાત છે ગામની યાદ તો મને પણ સતાવે છે, તેથી તું કોઈ એવું કારણ શોધ જેથી તને અહીં રહેવું ગમે. તું આ શહેરને પ્રેમ કર, શહેરના લોકોને પ્રેમ કર, આ કોલેજને પ્રેમ કર, અહીંના વિદ્યાર્થીઓને પ્રેમ કર, કારણ પ્રેમ જ એક એવું બંધન છે કોઈ પણ વ્યક્તિને વરસો વરસ એક શહેરમાં કે ગામમાં બાંધી રાખે છે. પ્રેમ વગર આ જીવનમાં કઈ નથી. કોઈ જીજીવિષા કે આકાંક્ષાની પાછળ દોડવા કરતા કોઈ વ્યક્તિ કે કોઈ સ્થળને પ્રેમ કરવો ઉપકારક છે. આકાંક્ષા એ મૃગતૃષ્ણા સમાન હોય છે, તેની પાછળ ભાગશો તો કદી હાથમાં નહિ આવે અને તમે પ્રેમ કરતા હશો તો તે તમારી અંદર પ્રગટશે તેથી તું પ્રેમી બન આ શહેરનો પ્રેમી બન પછી તને જીવન જીવવા જેવું લાગશે.”
પ્રોફેસર અનિકેત એક ધારા પ્રવાહમાં આ બધું કહી રહ્યા હતા અને સોમ તેમને જોઈ રહ્યો હતો. સોમ વિચારવા લાગ્યો , “શું પ્રોફેસર અનિકેતને મારી મહત્વાકાંક્ષા વિષે ખબર હશે તેથી આ બધું કહી રહ્યા છે?” પ્રોફેસરે આગળ કહ્યું, “તું પ્રેમની શક્તિને સમજ, પ્રેમ એ અધિકાર છે, પ્રેમ એ સમર્પણ છે.
સોમે ધીરેથી માથું હલાવ્યું અને કહ્યું, “સર, આપની વાત મને સમજમાં આવી ગઈ. હું શહેરમાં એક અજાણી વ્યક્તિ તરીકે રહેતો હતો પણ હવે હું શહેરને પ્રેમ કરીશ જેથી મને અહીં રહેવાનું કારણ મળી રહેશે.” આવું કહેતી વખતે સોમની આંખોમાં એક ચમક આવી ગઈ.
ક્રમશ: